ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/૧૩-૭ની લોકલ — સુન્દરમ્: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
No edit summary
 
Line 18: Line 18:
(કવિએ કોને કોને એક પંગતમાં બેસાડયા છે? ફરી વાંચી જુઓ) આ સૌ પાસે સદાવ્રતની જાણે સિઝન ટિકિટ છે. કવિને વેશધારીઓ પ્રત્યે વિશેષ પ્રેમ હોય એવું લાગતું નથી.
(કવિએ કોને કોને એક પંગતમાં બેસાડયા છે? ફરી વાંચી જુઓ) આ સૌ પાસે સદાવ્રતની જાણે સિઝન ટિકિટ છે. કવિને વેશધારીઓ પ્રત્યે વિશેષ પ્રેમ હોય એવું લાગતું નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>બાવાજી હિંદીમાં ફેંકે ફિલ્સૂફી સાથ છાંટતા</poem>}}  
{{Block center|'''<poem>બાવાજી હિંદીમાં ફેંકે ફિલ્સૂફી સાથ છાંટતા</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આ ‘શરીફો’ના સંઘમાં ટિકિટમાસ્તરનાં સગાંવહાલાંયે છે.
આ ‘શરીફો’ના સંઘમાં ટિકિટમાસ્તરનાં સગાંવહાલાંયે છે.

Latest revision as of 01:20, 3 October 2024

૧૩-૭ની લોકલ

સુન્દરમ્

સુન્દરમની આ કવિતા અનુષ્ટુપની ૧૭૧ પંક્તિઓમાં ગતિ કરે છે. ચાલો ઊપડીએ ૧૩-૭ની લોકલમાં. ૧૨:૫૨નો સમય થયો છે. વાદળી ચાળણીમાંથી ચળાતા પીળા તડકામાં, લીલા લીમડા લાલ છાપરાં અને કાબરાં ઢોર ચળકી રહ્યાં છે. નાનકડું સ્ટેશન નજરે ચડે છે. ખોડીબારું, ખુલ્લું છાપરું, ટિકિટ ઑફિસ, બે સિગ્નલ, બે બાંડા બાંકડા-આટલો છે તેનો વૈભવ. બગલે બાચકા લઈ લઈને વાડના તાર વચ્ચેથી સરકતા ઉતારુઓ આવી રહ્યા છે. કવિ હાસ્યની તક ચૂકતા નથી. ઉતારુઓ એવા તો ભોળિયા, કે ગાડી આવતી ભાળીને ‘અરે, આ તો સામેના પ્લેટફૉર્મ પર જાય.’ કહી દોડવા માંડે છે. ટિકિટબારી પર પહેલા—બીજા વર્ગની ટિકિટ લેવા કોઈ આવતું નથી, સૌ ઉતારુઓ થર્ડ ક્લાસના છે, સિક્કાનોટની થપ્પી થતી નથી, માસ્તર માખી મારતો બેઠો છે, નાનકી હાટડી માંહે બેઠેલો કંદોઈ જાણે પાઈપૈસો લઈલઈને પાશેર-અચ્છેર આપી રહ્યો છે. માસ્તર વગર ટિકિટના ઉતારુને પારખી તો લે છે, પણ ‘મારા બાપનું શું જાય’ કહી આંખ આડા કાન કરે છે. તપખીર સૂંઘતાં ડોસીમાના વર્ણનમાં સૂક્ષ્મ સાથે સ્થૂળને મૂકી, કવિ હાસ્ય નિપજાવે છે.

મૂક્યા છે હાથ બે માથે, કને છે મૂકી પોટલી
અને બે હોઠથી બોખા રટે છે રામ—ગાળ કે

હાસ્યનો પિતરાઈ ભાઈ તે વ્યંગ. પ્લૅટફૉર્મ પર બેઠો છે ‘ખુદાબક્ષ સંઘ’ (વગર ટિકિટના ઉતારુ, ખુદા તેમને બક્ષે—માફ કરે.)

ફકીરો, શાહો, જૂના, સાધુઓ ને મવાલીઓ
કફની કાળી કે લીલી ભગવી કે સફેદમાં
છાપેલાં કાટલાં જેવા સદા લાઇસન્સધારીઓ

(કવિએ કોને કોને એક પંગતમાં બેસાડયા છે? ફરી વાંચી જુઓ) આ સૌ પાસે સદાવ્રતની જાણે સિઝન ટિકિટ છે. કવિને વેશધારીઓ પ્રત્યે વિશેષ પ્રેમ હોય એવું લાગતું નથી.

બાવાજી હિંદીમાં ફેંકે ફિલ્સૂફી સાથ છાંટતા

આ ‘શરીફો’ના સંઘમાં ટિકિટમાસ્તરનાં સગાંવહાલાંયે છે. વિવિધ દૃશ્યોને સમાવતા ચિત્રને ‘કોલાજ’ કહેવાય. સુંદરમે આ કાવ્ય કોલાજ’ શૈલીથી ચીતર્યું છે. કવિએ કેમ ૧૩-૭ની જ લોકલ પસંદ કરી? ‘

એમ તો લોકલો જાતી દસ—અગ્યારની તથા
સાંજની પાંચ-છોની કે રાતના દસ-વીસની
તેની જે ભદ્રતા તે ના વસી આ તેર-સાતમાં
પેલી તે કોર્ટ ઑફિસો નોકરી રળનારને,
રળી કે ઘેર જાતાને અરથે ખાસ ગોઠવી,
કે છેલ્લી ભગતાણી તો ડાકોરેથી પધારતાં
ભક્તોને લાવતી પાછી, પણ આ તેર—સાતની
નથી કો નોકરીવાળા-વ્યાપારી-ભક્તલોકને
કામની: જેમને છે ના મિનિટોને મિલાવવી,
ન જેને પડતા પૈસા કલાકોના હિસાબથી,
ન જેના દિવસો આઘાપાછા રસ્હેજે થતા નથી,
જેમની જિંદગી આખી પવને પાંદડાં સમી
ખેંચાતી અત્ર કે તત્ર ઊંચે કે શું નીચે બધે
એવા આ ગ્રામલોકો ને ગ્રામલોકોપજીવીઓ

ઑફિસે જાનારા આવી કસમયની લોકલમાં ન ચડે. ડાકોરથી પધારતાં ભક્તો માટેય આ લોકલ નકામી. (ટ્રેનને ‘ભગતાણી’ કહેતા કવિને અંધશ્રદ્ધા પ્રત્યે સૂગ છે.) ૧૩-૭ની લોકલ માત્ર એમને કામની, જેમને કોઈ કામ નથી. જે પવનમાં પાંદડાં પેઠે અહીંથી ત્યાં ઘસડાય છે. કવિએ સંતુલન સાચવ્યું છે. ઘડિયાળમાં કદી ન જોતાં, નવરા ઉતારુઓનું વર્ણન તેમણે નિરાંતવા જીવે કર્યું છે. (૧૨૫ પંક્તિ) પણ આવતાંવેંત ઊપડી જતી ટ્રેનનું વર્ણન ઝડપભેર કર્યું છે. (૨૪ પંક્તિ) ધસી આવતી ટ્રેન કેવી લાગે છે?

નાનુંશું ટપકું કાળું ને છોગું શીશ ધૂમનું
ધીરેથી વધતું પહેલાં, પછી તો ડુંગરા સમી
ક્ષણમાં વાધતી આવે ધ્રોડતી પ્લેટફોર્મમાં,
ફૂંફાડે, હાંફતી, મોટા સીત્કારાઓ ડરામણા
કરતી ઉગ્ર છીંકાટા વંઠેલી ભેંસના સમી,
થોભી ના થોભી ને જાણે નાસું નાસું થઈ રહે.
અને આ થર્ડ ક્લાસોનાં ઉતારુ નહીં જાણતાં
કયા ડબ્બા ક્યંહી ઊભે-પોતાની સંમુખે લહી
ન ત્રીજા વર્ગનો ડબ્બો, દોડી ર્હે આમતેમ ત્યાં,
અને એ ઊંચી ગાડીનાં બબ્બે ઊંચાં પગોથિયાં
ચડતાં સળિયે બાઝી ઠેલંઠેલા કરી મૂકી,
પડતાં વાઘશું પૂંઠે, આશરો એક ઝાડનો
‘બીજે જા ઉલ્લુ, બીજે જા!’ એવા જાકાર સુણતાં
દોડે કૈં આમ ને તેમ, સ્વર્ગનાં બારણાં સમાં
ભરેલાં બારણાં સાથે ટિચાતાં પડતાં નીચે.

આવી રહેલી ટ્રેનનું કવિએ એવું વર્ણન કર્યું છે કે વાચક ડરીને આઘો ખસી જાય. ધ્રાસકો પાડવા માટે કવિએ ટ્રેનને ‘દોડતી’ નહીં, ને ‘ધ્રોડતી’ રાખી છે. વંચાતા શબ્દો નહીં પણ સંભળાતા શબ્દો પસંદ કર્યા છે. (‘ફૂંફાડે’, ‘સીત્કારાઓ’, ‘છીંકાટા’) ‘નાસું, નાસું’ શબ્દોથી ટ્રેન ઘડીક આગળ તો ઘડીક પાછળ થતી દેખાય છે. શું ટ્રેન ને શું જીવન, બહુજનસમાજને દ્વારેદ્વારે જાકારો જ મળે છે. ૧૩-૭ની લોકલે સદા ‘ફાસ્ટ અને મેલ ટ્રેનની ઓશિયાળી બનીને રહેવું પડે છે, એક બાજુ દબાઈને માર્ગ આપવો પડે છે.’ કાવ્યની ભાષા સંસ્કૃતમય છે. ‘શોભનસ્પર્શ, ઈષત્, ગ્રામલોકોપજીવીઓ, શ્યામકર્બુરા, કોશાન્તે, ભર્ગધામ’ જેવા શબ્દો ભાષાગૌરવ વધારે છે. કવિ અંતમાં કહે છે:

અહીં તો હાલ સર્વત્ર
માટી ને લોહના જેવી પૃથક્તાના મુકામ છે!

પૃથક્ એટલે ભિન્ન. જેવી રીતે માટી અને લોહપાટા, તેવી રીતે અકિંચન તથા શ્રીમંત લોકો: સાથેના સાથે, અલગના અલગ.

***