ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/ઉર્દૂ અને ગુજરાતી ગઝલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(સુધારા)
 
Line 62: Line 62:
ઘર નથી, નહીંતર હું ના પાડું તને?</poem>'''}}
ઘર નથી, નહીંતર હું ના પાડું તને?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આત્મીય ઉદ્ગારો (‘જીદ ન કર’, ‘તું’, ‘ના પાડું તને?’)થી અટકળ કરી શકાય કે નાયક-નાયિકાના સંબંધો અંગત છે. જોકે નાયિકા નાયકનું ઘર માંડી શકે તેમ નથી. ઘર છે જ ક્યાં? મરીઝનો અપવાદ રાખીએ, તો પ્રણયમાં લાચારીના આવા શેર જવલ્લે કહેવાયા છે. ખલીલ ઉર્દૂમાં પણ ગાંજ્યા જાય તેવા નથી.
આત્મીય ઉદ્ગારો (‘જીદ ન કર’, ‘તું’, ‘ના પાડું તને’)થી અટકળ કરી શકાય કે નાયક-નાયિકાના સંબંધો અંગત છે. જોકે નાયિકા નાયકનું ઘર માંડી શકે તેમ નથી. ઘર છે જ ક્યાં? મરીઝનો અપવાદ રાખીએ, તો પ્રણયમાં લાચારીના આવા શેર જવલ્લે કહેવાયા છે. ખલીલ ઉર્દૂમાં પણ ગાંજ્યા જાય તેવા નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>अब मैं राशन की कतारों में नज़र आता हूँ,  
{{Block center|'''<poem>अब मैं राशन की कतारों में नज़र आता हूँ,  

Latest revision as of 08:34, 27 October 2024

ગુજરાતી ભાષાને ઉર્દૂ સાથે બહેનપણાં થઈ ગયાં છે

મરીઝનો શેર છેઃ

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ મરીઝ,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.

ગુજરાતી અને ઉર્દૂ ગઝલનો પુરાણો સંબંધ છે. ઉર્દૂનો પહેલવહેલો ગઝલસંગ્રહ જેમને નામે બોલે છે તે વલી દખ્ખણી હિ. સં. ૧૦૭૯માં, ઔરંગાબાદમાં જન્મ્યા. પછી ગુજરાતમાં વસીને વલી ગુજરાતીને નામે મશહૂર થયા. જદીદ (આધુનિક) ઉર્દૂ ગઝલના પ્રણેતાઓમાંના એક તે અમદાવાદના મહમદ અલવી. તેમનો ‘મક્તા’ સાંભળો -

पता नाम चाहे तो लिख लो मियाँ,
मेरा नाम अलवी है, गुजराती छुं।

પાકિસ્તાન—હિંદુસ્તાનના જાણીતા ઉર્દૂ શાયર ઝફર ઇકબાલે એક પ્રયોગ કર્યો. અગ્રણી ગુજરાતી ગઝલકારોના રદીફ (પ્રત્યેક શેરને અંતે આવતો શબ્દ કે શબ્દસમૂહ.) અને કાફિયા (પ્રત્યેક શેરમાં મેળવાયેલો અંત્યાનુપ્રાસ) પ્રયોજીને તેમણે નવી જ ઉર્દૂ ગઝલો લખી, જે પુસ્તકરૂપે પ્રકટ થઈ. ઉર્દૂ વિવેચક ડૉ. વારિસ અલવીની નિગેહબાની હેઠળ ગુજરાતી ગઝલોના ઉર્દૂ અનુવાદનું પુસ્તક ‘અ અલિફનો અ’ પ્રકાશિત થયું. શૂન્ય પાલનપુરી અસલમાં તો (‘રૂમાની’ અને ‘અઝલ પાલનપુરી’ ઉપનામ રાખીને) ઉર્દૂ ગઝલ લખતા.

जुर्म साबित हुआ है आंखों पर,
दिल से क्यूं इन्तकाम लेते हैं?

પછી અમૃત ઘાયલના આગ્રહને કારણે શૂન્ય ગુજરાતીમાં લખતા થયા.

આંખો ઝૂકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.

પ્રિય પાત્રનું રૂપ જીરવી ન શકાતાં, શાયરની નજર ઝૂકી જાય છે. શાયર કહે છે, આ તમારા રૂપનો વિજય નથી, મારા પ્રણયનો વિવેક છે. ‘હજૂરે’ જેવો ઉર્દૂ શબ્દ ‘સૌંદર્ય’ જેવા તત્સમ શબ્દને પડખે પણ શોભે છે. ચંદ્રકાંત બક્ષી શૂન્ય પાલનપુરીના વિદ્યાર્થી હતા. બક્ષીને મુખે શૂન્યની ઉર્દૂ ગઝલો સાંભળવાની તક મને એક વાર મળી હતી. શૂન્યસાહેબ ઉર્દૂ મૂકીને ગુજરાતીમાં લખતા થયા એથી ગુજરાતીને લાભ થયો પણ ઉર્દૂને ગેરલાભ ન થયો. જદીદ ઉર્દૂ ગઝલના આગેવાનોમાં આદિલ મન્સૂરી પણ ખરા.

आदिल सियाह राते लिये हम पड़े रहें,
दामन में भर के ले गये वे अपनी चांदनी।

‘સિયાહ’ યાને કાળી, ‘દામન’ એટલે વસ્ત્રનો-કુર્તાનો ઝૂલતો હિસ્સો. પ્રિય પાત્ર ચાંદની સમેટી લઈને જતું રહ્યું. શાયર પાસે શું રહ્યું? રાત, તે પણ કાળીભઠ્ઠ. પ્રેયસી વસ્ત્રો સરખા કરતી સરી જાય અને શાયર કરવટ બદલતા રહી જાય એવું પ્રણયરંગી ચિત્ર ઊપસે છે. ચિનુ મોદીના આગ્રહથી આદિલે ગુજરાતીમાં ગઝલ કહેવા માંડી.

ધીરે ધીરે વિસ્તરે છે ચાંદની,
રાતને પાગલ કરે છે ચાંદની
આપને જોઉં કે જોઉં ચાંદને?
બેઉના મુખથી ઝરે છે ચાંદની.

કહેવાય છે કે ચાંદનીથી દીવાનગી વધે. ‘લ્યુનેટિક’ શબ્દ ‘લ્યુના’-ચંદ્ર પરથી આવ્યો છે. ચાંદ ક્ષિતિજે ડોકાય, પછી મધ્યાકાશમાં છવાય. કોઈનું રૂપ પહેલાં ધ્યાન ખેંચે, પછી અસ્તિત્વને ખેંચે. આદિલસાહેબ ઉર્દૂ કરતાં વધુ ગુજરાતીમાં લખતા થયા, એથી ગુજરાતીને લાભ થયો, અને ઉર્દૂને ગેરલાભ થયો. ગુલાબી સ્વભાવના શેખાદમ આબુવાલા લોકપ્રિય ગુજરાતી શાયર હતા. તેમના કામ કરતાં તેમનું નામ મોટું હતું.

કેવો તું કીમતી હતો, સસ્તો બની ગયો,
બનવું હતું નહીં, ને ફિરસ્તો બની ગયો!
ગાંધી, તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરસી સુધી જવાનો તું રસ્તો બની ગયો!

શેખાદમને નામે બે ઉર્દૂ ગઝલ સંગ્રહ બોલે છે.

जिंदगी ने मौत से पर्दा किया,
अय कफन तूने तो शर्मिंदा किया।

કફન એટલે જિંદગી અને મોત વચ્ચેનો પરદો. શરમાવું પડે એવું તો મેં કશું કર્યું નથી, અય કફન, મારું મોં કેમ ઢાંકે છે? કોઈ પૂછશે, મરી ગયા પછી શાયર બોલ્યા શી રીતે? શાયર મરે, પણ શાયરી ન મરે. નયન દેસાઈ ગુજરાતીના પ્રયોગશીલ ગઝલકાર. તેમની ‘ભૌમિતિક ગઝલ’ના બે શેર સાંભળીએ:

ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે,
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

દિલ તોડવાની વાત ઘણાએ કરી, કોણમાપકથી માપીને હૃદયને છેદવાની વાત નયન સિવાય કોઈએ કરી નથી. નયનનો એક ઉર્દૂ ગઝલસંગ્રહ પણ છે, ‘ધૂપ કા સાયા.’ અતિશયોક્તિ કરીને કહી શકાય કે નયનની ઉર્દૂ ગઝલ તેની ગુજરાતી ગઝલ જેટલી જ સારી છે.—ડાબેથી વાંચો કે જમણેથી, નયન તો નયન છે! ખલીલ ધનતેજવી ગુજરાતી મુશાયરાનું નગદ નાણું છે.

ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહીંતર હું ના પાડું તને?

આત્મીય ઉદ્ગારો (‘જીદ ન કર’, ‘તું’, ‘ના પાડું તને’)થી અટકળ કરી શકાય કે નાયક-નાયિકાના સંબંધો અંગત છે. જોકે નાયિકા નાયકનું ઘર માંડી શકે તેમ નથી. ઘર છે જ ક્યાં? મરીઝનો અપવાદ રાખીએ, તો પ્રણયમાં લાચારીના આવા શેર જવલ્લે કહેવાયા છે. ખલીલ ઉર્દૂમાં પણ ગાંજ્યા જાય તેવા નથી.

अब मैं राशन की कतारों में नज़र आता हूँ,
अपने खेतों से बिछडने की सज़ा पाता हूँ।

‘ખેતર’ સાથે ‘રાશનની કતાર’ને ટકરાવીને શાયરે વેદનાની ધાર કાઢી છે.

ચિનુ મોદી, હર્ષ બ્રહ્મભટ્ટ, વિવેક કાણે, મિલિંદ ગઢવી જેવા ઘણા શાયરો આજે ઉર્દૂ-ગુજરાતી બન્ને ભાષામાં ગઝલ કહે છે. અદમ ટંકારવીએ તો એવી ગઝલ કહી છે જેની એક પંક્તિ ગુજરાતીમાં હોય અને બીજી હોય ઉર્દૂમાં. ગુજરાતી ભાષાને ઉર્દૂ સાથે બહેનપણાં થઈ ગયાં છે. ગુજરાતી બોલનારાને પણ ઉર્દૂ બોલનારા સાથે ભાઈબંધી થઈ જાય, તો કેવું સારું!

***