નારીસંપદાઃ નાટક/હેડા ગાલ્લર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|હેડા ગાબ્લર}}
{{Heading|હેડા ગાબ્લર}}
<center><poem>
<center><poem>


મૂળ લેખક
મૂળ લેખક
Line 1,862: Line 1,861:
</poem>
</poem>
{{center|'''□'''}}
{{center|'''□'''}}
 
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 03:18, 5 November 2024

હેડા ગાબ્લર


મૂળ લેખક
હેન્રિક ઇબ્સન
*
અંગ્રેજી અનુવાદક
અડ્મંડ ગૉસ અને વિલિયમ આર્ચર
*
ગુજરાતી અનુવાદક
મેઘલતા મહેતા


પ્રકાશક
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ગાંધી રસ્તો : અમદાવાદ



રંગદ્વાર પ્રકાશન,
૧૫, યુનિવર્સિટી પ્લાઝા,
નવરંગપુરા, અમદાવાદ -૩૮૦ ૦૦૯


Heda Gabler - A Play by Henrick Ibsan,
Translated by Meghalata Mehta,
Published by Rangdwar Prakashan, 2005.

© મેઘલતા મહેતા

પ્રથમ આવૃત્તિ : ૨૦૦૫

પ્રત : ૫૦૦

મૂલ્ય : રૂ. ૮૦-૦૦

પ્રકાશક : સુનીતા ચૌધરી
રંગદ્વાર પ્રકાશન
૧૫, યુનિવર્સિટી પ્લાઝા,
દાદાસાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦ ૦૦૯

ટાઈપ સેટિંગ : રંગદ્વાર પ્રકાશન
આઈ - ૫૧૧, જી.આઈ.ડી.સી. ઍસ્ટેટ,
માણસા ૩૮૨ ૮૪૫

મુદ્રક : ચંદ્રિકા પ્રિન્ટરી
મિરઝાપુર રોડ,
અમદાવાદ- ૩૮૦ ૦૦૧

અર્પણ
સોનાની દીવડીઓ જેવી મારી બે દીકરીઓ
વંદના અને મીકુ (માધ્વી)ને શુભાશિષ સાથે
જે એમની પ્રેમળજ્યોતથી મારા હૃદય અને
જીવનમાં અજવાળાં પાથરતી રહી છે.

હેડા ગાબ્લર વિષે કંઈક.........

ઇબ્સનનું માસ્ટરપીસ સમાન નાટક હેડા ગાબ્લર. એનું પ્રકાશન છેવટે થાય છે તેનો મને અનહદ આનંદ થાય છે. નાટકની નાયિકા હેડાનો ગુજરાતીમાં જન્મ થવાનું બીજ તો છેક ૧૯૬૦માં વવાયેલું. થયું એવું કે નાટક માટેનો મારો લગાવ જોઈને અમારા એક મિત્ર શ્રી પરિમલભાઈ યશશ્ચંદ્ર મહેતાએ મને ઇબ્સનનાં નાટકોનું એક પુસ્તક ભેટ આપ્યું. બધી ઝંઝટ એમાંથી શરૂ થઈ! મેં ઇબ્સન વાંચવાનો શરૂ કર્યો અને પૂરો થયા પહેલાં એ હાથમાંથી છૂટયો નહીં. મને બધાં જ નાટકોમાં ખૂબ રસ પડ્યો. ઇબ્સન જાણે રગેરગમાં વ્યાપી ગયો. એ અરસામાં જ. ઠા. (સ્વ. શ્રી જશવંત ઠાકર) વડોદરાની મ્યુઝિક કૉલેજના નાટ્ય વિભાગના સ્ટાફ પર હતા. એમને મેં વાત કરી કે ઇબ્સનના એકાદ નાટકનો હું અનુવાદ કરવા માગું છું. તે સિવાય મારાથી રહી શકાશે નહીં. એમણે કહ્યું, “તો એક ચૅલેન્જ સ્વીકાર. હેડા ગાબ્લર કોઈ કરતું નથી. તું એ કર. આપણે મ્યુઝિક કૉલેજમાં એ ભજવીશું.” અને ગુજરાતી હેડાના જન્મનો માંડવો બંધાયો. પંદર દિવસમાં જ ભાષાંતરનું કામ થઈ ગયું. મ્યુઝિક કૉલેજમાં એની કોપી પણ તૈયાર થઈ ગઈ. પરંતુ એ રંગમંચ પર આવે તે પહેલાં જ. ઠા. વડોદરા છોડીને અમદાવાદ ચાલ્યા ગયા અને હેડા રખડી પડી. તે છેક અત્યાર સુધી ૧૯૬૦ થી ૨૦૦૫ સુધી! અને મૂળ નોર્વેજિઅનમાં તો લખાયેલું ૧૮૯૦માં. હેડા ગાબ્લરના અનુવાદમાં રસ દર્શાવનારાની સૂચિ ટૂંકી નથી. જ. ઠા.થી માંડીને પ્રો. મહેન્દ્રભાઈ દેસાઈ (મ.સ.યુ.), પ્રો. લવકુમાર દેસાઈ (મ.સ.યુ.), ચં. ચી. (ચન્દ્રવદન મહેતા), શ્રી રસિકભાઈ પરીખ (ઇબ્સનના નિષ્ણાત), શ્રી સ્નેહરશ્મિ, શ્રી ગુલાબદાસ બ્રોકર, પ્રો. દિગીશ મહેતા – આ બધાંને ભાષાંતર બહુ જ ગમ્યું. છતાં એના પ્રકાશનનો પત્તો ન પડ્યો તે ન જ પડ્યો. હમણાં થોડા વખત પહેલાં શ્રી ધીરુબહેન પટેલને મળવાનું થયું. એમની સજ્જનતા અને સહૃદયતા મને સ્પર્શી ગઈ અને ફરી પાછી હેડા મારામાં સળવળી અને મેં એમને હેડાની દાસ્તાન કહી. એમને એ વાતમાં રસ પડ્યો. એમણે સૂચવ્યું કે રંગદ્વાર એ પ્રકાશિત કરી શકે. એ માટે મારે શ્રી રઘુવીરભાઈ ચૌધીનો સંપર્ક સાધવો. રઘુવીર એ બાબતે સંમત થયા. પરિણામે આજે ઈબ્સનનું હેડા ગાલ્બર ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યું છે. સામાન્ય રીતે નવ કે દસ મહિને બાળકનો જન્મ થાય પણ મારી ગુજરાતી હેડાનો જન્મ પ્રકાશન રૂપે પિસ્તાળીસ વર્ષે થઈ રહ્યો છે. મૂળે નોર્વેજિઅન ભાષામાં લખાયેલું અને અંગ્રેજીમાં ભાષાંતરિત થયેલું આ નાટક ગુજરાતીમાં અવતર્યું તેની એક નોંધપાત્ર વિશિષ્ટતા છે : મારાં એક મિત્ર શ્રીમતી ગુનિલા કૃષ્ણકાંત દેસાઈ મૂળ સ્વીડીશ અને ગુજરાતીને પરણેલાં. તેમને નોર્વેજિઅન, અંગ્રેજી અને ગુજરાતી એમ ત્રણે ભાષાનું જ્ઞાન હતું. એમણે એમનાં માતાપિતા પાસે સ્વીડનથી ઈબ્સનનાં નાટકોનું મૂળ નોર્વેજિઅન ભાષાનું પુસ્તક મંગાવ્યું અને અમે (ગુનિલાબેન અને હું) મૂળ નોર્વેજિઅન, તેનું અંગ્રેજી ભાષાંતર અને મારું ગુજરાતી ભાષાંતર ત્રણેય લઈને બેઠાં અને સરખાવી ગયાં. એટલે ગુજરાતી અનુવાદ લગભગ મૂળ નોર્વેજિઅનમાંથી જ થયા બરાબર કહી શકાય. એને પ્રમાણભૂત (authentic) રાખવા માટે વ્યક્તિ અને સ્થળનાં નામ તેમજ પહેરવેશ વગેરેનું વર્ણન મૂળનાં જેવાં જ રાખ્યાં છે. રંગમંગ પર રજૂ કરવા માટે જે તે વાતાવરણને અનુરૂપે ફેરફાર કરી શકાય. મુ. શ્રી રસિકભાઈનો આગ્રહ હતો કે મૂળમાં જેમ છે તેમ જ ભાષાંતરમાં રાખવું, જેથી મૂળ કૃતિ કેવી હશે તેનો આબેહૂબ ખ્યાલ આવે. એમણે આ ભાષાંતરમાં ખૂબ રસ દાખવ્યો, મને પ્રોત્સાહન આપ્યું અને પ્રકાશન માટે ઉતાવળ કરવાનું પણ એમણે કહ્યું હતું. મને ખેદ છે કે એમની હયાતીમાં કોઈ ને કોઈ કારણસર એ બની શક્યું નહીં. એમના છેલ્લા પત્રમાં શબ્દો હતા : “જલ્દી હેડાને પુસ્તકાકારે ઉતારો. મારે એની પ્રસ્તાવના લખવી છે અને મારી પાસે હવે ઝાઝો સમય નથી. અસ્તુ. શ્રી ચિનુભાઈ મોદીએ ટૂંકા સમયગાળામાં પ્રસ્તાવના લખી આપવાની તૈયારી દર્શાવી તે માટે તેમની હું ઋણી છું. શ્રી રઘુવીરભાઈ ચૌધરીનો આ કામ પાર પાડી આપવા બદલ આભાર માનું છું. રઘુવીરભાઈ માને છે કે 'પ્રશિષ્ટ નાટ્યકૃતિઓનો શબ્દશ: અનુવાદ થવો જોઈએ. ધંધાદારી રંગભૂમિને ભલે રૂપાંતર વધુ અનુકૂળ આવે. એમના માનવા પ્રમાણે ભારતની કેટલીક ભાષાઓમાં સામાજિક-મનોવૈજ્ઞાનિક નાટક વિકસ્યું, નારીના નિજી અસ્તિત્વનો મહિમા થયો એમાં ઇબ્સનનો વિધાયક ફાળો છે. આ નાટકની નાયિકા હેડાના સંકુલ વ્યક્તિત્વનું સર્જન મહાન નાટ્યકાર જ કરી શકે, એના કરુણ અંત માટે એની નોખા હોવાની જીદ જવાબદાર છે કે ઈષ્ટ પુરુષની અપ્રાપ્તિ? ઇબ્સનની ભાષા કહે છે એથી વધુ સૂચવે છે. ભાષાની આ ક્ષમતા અનુવાદમાં ઊતરી આવી છે.’ આ ભાષાંતરમાં રસ લેનાર સર્વે સહૃદયીઓની પણ ખૂબ જ આભારી છું અને છેલ્લે (આમ તો પહેલ્લે) કહી દઉં કે મારા ‘એ’ – રશ્મિકાન્ત મહેતાના સંપૂર્ણ સહકાર વિના આ કામ શક્ય બન્યું ન હોત. પણ એમનો આભાર શોભે? આ નાટકનો અનુવાદ કર્યો એમાં નામ-સ્થળ યથાવત્ રાખી ચં. ચી. ને વંચાવ્યો. એમણે કહ્યું કે આવું તો કોઈ વાંચે નહીં ને ભજવે નહીં એટલે નામ-સ્થળને ભારતીય રૂપ આપો, એટલે મેં તેમ કર્યું. પછી રસિકભાઈને વંચાવ્યું. ત્યારે તેમણે મૂળ પ્રમાણે જ રાખવાનો આગ્રહ કર્યો એટલે મેં ફરી બદલીને જેમ હતું તેમ રાખ્યું. પણ જ્યારે રંગમંચ પર ભજવવું હોય ત્યારે ફેરફારો કરવા હોય તે કરી શકાય.

મેઘલતા મહેતા

હેડા ગાબ્લરનાં અનુવાદિકા વિષે

મેઘલતાબેન મારાં બહેને ઈબ્સનના હેડા ગાબ્લરનો અનુવાદ ઘણાં વર્ષો પહેલાં કરેલો તેવું મને યાદ છે. તેના પ્રકાશનનો મેળ ખાતો નહોતો તેનો પણ મને ખ્યાલ છે. આજે રંગદ્વાર એનું પ્રકાશન કરી રહ્યું છે તેનો આનંદ છે. એ પ્રસંગે મેઘલતાબેનનો થોડો પરિચય આપવાનું મન થાય છે. આજે ૭૮ વર્ષની ઉંમરે ૪૫ વર્ષ પહેલાં થયેલા એમના કાર્યને મૂર્ત સ્વરૂપ મળે છે તે મોટા સંતોષની વાત છે. મેઘલતાબેનને નાનપણથી જ નાટકનો જબરો શોખ. કુટુંબીજનો રજાઓમાં ભેગાં થાય ત્યારે અમારી એટલે કે બાળકોની એક મુખ્ય પ્રવૃત્તિ નાટક ભજવવાની રહેતી. મેઘલતાબેન અમારા બધામાં કંઈક અંશે વડીલ અને વળી જન્મજાત નાટકનો જીવ. એટલે અમારા નાટકના પ્રોડ્યુસર, ડિરેકટર, ઍકટર અને જરૂર પડ્યે સ્ક્રિપ્ટ રાઈટર પણ એ જ. (મજાની વાત એ છે કે વર્ષો પછી આગળ ઉપર મારા બનેવી અને એમના પતિ રશ્મિકાન્તભાઈને મિત્રોના આગ્રહથી અંગ્રેજી નાટકમાં ભાગ લેવાનું થતું ત્યારે એમને હિંમત અને વિશ્વાસ મેઘલતાબેન જ આપતાં. સ્વભાવે કંઈક અક્કડ એવા પ્રોફેસરસાહેબને રિલેકસ થઈને હળવાશથી અભિનય કરવાનું માર્ગદર્શન મેઘલતાબેન પાસેથી જ મળતું.) શાળાના અભ્યાસ દરમ્યાન અને પછી કૉલેજકાળ દરમ્યાન નૃત્ય હોય કે નાટક, મેઘલતાબેનનું નામ પહેલું લેવાય! અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં શ્રી પુષ્કર ચંદરવાકરનું ‘પિયરનો પડોશી' ભજવાયું તેમાં શ્રી જયંતી પટેલ (રંગલો) સાથે કામ કરીને એમણે પ્રથમ ઈનામ પ્રાપ્ત કર્યું. રા. વિ. પાઠકના 'મુકુંદરાય'માં તો દીકરી તરીકે ચિરસ્મરણીય અભિનય આપીને એમની સૂઝસમજનો ખ્યાલ આપ્યો. નાટ્યાન્તે એમની ચીસ ‘બા…પુ'એ પ્રેક્ષકોને ચમકાવી દીધા હતા. એનાથી પ્રભાવિત થઈને નાટ્યરસિયા શ્રી અરુણ ઠાકોરે ‘રંગ મંડળ'માં આવવા આમંત્રણ આપ્યું. ‘ઈડરિયો ગઢ જીત્યાં'માં શ્રી બકુલ જોશીપુરા સાથે સબળ અને સફળ અભિનય આપ્યો. શ્રીમતી દિના ગાંધીએ તો ‘નટમંડળ'માં જોડાવા તથા 'મેના ગુર્જરી'માં એમનું સ્થાન લેવા સૂચન કર્યું. વડોદરાની મ્યુઝિક કૉલેજમાં શ્રી જશવંત ઠાકર અને શ્રી રમેશ ભટ્ટ દિગ્દર્શિત નાટકોમાં મુખ્યપાત્ર ભજવવાનો એમને મોકો મળ્યો. તેમાં એક શ્રી ચંદ્રવદન મહેતાનું સાર્ત્રના No Exit પરથી કરેલું ‘કરોળિયાનું જાળું’ પણ હતું. ૧૯૬૦-૬૧માં અમેરિકા જવાનું થયું. ત્યાં પણ નાટકનો જીવ શાંત બેસી રહે? ત્યાં કોલમ્બિયા યુનિવર્સિટીમાં એમણે બે કોર્સ કર્યા : ‘ઍક્ટર્સ ઈન્ટરપ્રિટેશન ઑફ ધ સ્ક્રિપ્ટ’ અને ‘ઍક્ટિંગ એન્ડ ડિરેકિંટગ ઓન ટેલીવીઝન’, ત્યારબાદ ‘૭૫-૭૬માં મ્યુઝિક કોલેજમાંથી નાટકમાં ડિપ્લોમાં લીધો. અમદાવાદ-વડોદરા રેડિયો પરથી મેઘલતાબેન ‘એ ગ્રેડ’ આર્ટિસ્ટ તરીકે વર્ષો સુધી આવતાં, એમનાં લખેલાં નાટકો પણ આકાશવાણી પરથી રજૂ થયેલાં. શાળાનાં બાળકો માટે લખેલી અને તૈયાર કરાવેલી ભવાઈ 'રાજા ગંડુમલ' ટેલીવીઝન પર પણ પ્રસારિત થયેલી. બાળકો માટે લખેલું એક નાટક ‘મિન્ટુ' હજી રંગમંચ પર આવવાની રાહ જોઈ રહ્યું છે. એમની વારતાઓ 'બાલ આનંદ'માં અવારનવાર આવે છે. અમેરિકાની યાત્રા દરમ્યાનનું વર્ણન 'દરિયાપારની સફર' 'સ્ત્રીજીવન'માં પ્રકાશિત થયેલું. એક એકાંકી ‘પશિમા' પણ એમણે લખેલું છે. એમનો હેડા ગાબ્લરનો અનુવાદ પ્રવાહી અને રસાળ છે. તેઓ કહે છે તેમ એને રંગમંચ પર ઉતારવા જરૂરી ફેરફાર કરી શકાય. બાકી હું એમ માનું છું કે પાત્રો અને સ્થળનાં નામ એનાં એ રાખીને ગુજરાતી ભાષામાં રજૂ કરવાનો નવતર પ્રયોગ કરી શકાય. હું પોતે પણ નાટકનો જ જીવ છું એટલે મને આવો વિચાર આવે છે. મેઘલતાબેને જેમ હેડા ગાબ્લર જેવા અઘરા નાટકના અનુવાદનો પડકાર ઝીલ્યો તેમ આવા પ્રયોગનો પડકાર પણ કોઈ નાટ્યરસિયા ઝીલશે એ આશા સાથે.

ગાંધીનગર
૧૪-૧-૨૦૦૫
-- ધનંજય ગૌતમ
 

નાટકના અનુવાદ હોય કે રૂપાન્તર?

ગુજરાતી રંગભૂમિ છેલ્લાં પચાસેક વર્ષથી પરનાળનાં પાણી ઝીલે છે. ગુજરાતી રંગભૂમિ પર જ્યારથી ઇબ્સન પ્રવેશ્યા તે ક્ષણ ગુજરાતી મૌલિક નાટક માટે ભલે કારમી હોય પણ નટમંડળી માટે એ લ્હાવાનો વિષય હતો. ઈપ્ટાએ આખા દેશની રંગભૂમિને અદલીબદલી નાખેલી. આપણાં પરંપરાનાં નાટકો હિન્દી, મરાઠી, બંગાળી તેમજ ગુજરાતીમાં પણ ઇપ્ટાના જન્મ પછી લગભગ ભજવાતાં બંધ થયાં અને યુરોપનાં નાટકોએ, મૌલિક દેશી નાટકોનું સ્થાન લીધું. આપણી ભાષામાં પણ ગુજરાતી રંગભૂમિ પર ઇબ્સનનું 'અ ડૉલ્સ હાઉસ' જ ભજવાય છે. શેક્સપિયર પછી જગત આખામાં બે નાટ્યકારોની બહુ બોલબાલા રહી. એક ઇબ્સન અને બીજા જ્યૉર્જ બર્નાર્ડ શૉ. પણ, જી. બી. શૉ ગુજરાતી રંગભૂમિ પર અવતરવા માટે મધુ રાયની રાહ જોતા હતા. પણ, ઇબ્સને તો અનેક નાટ્યકર્મીઓને આકર્ષ્યાં હતાં. જશવંત ઠાકર, બકુલ જોષીપુરા તથા યશવંત શુકલ જેવા રંગભૂમિ સાથે નિસ્બત ધરાવનારા તથા વિદ્વાનોએ ઇબ્સનને ગુજરાતીમાં અવતાર્યા. ‘અ ડૉલ્સ હાઉસ' ઉપરાંત ‘ગૉસ્ટસ્’ અને 'ઍન એનીમી ઑફ ધ પિપલ', ‘પિલર્સ ઑફ સોસાયટી', 'ધ વાઈલ્ડ ડક' ઇત્યાદિના ગુજરાતીમાં અનુવાદ થયેલા જ છે. પણ, 'હેડા ગાબ્લર' કોઈ અનુવાદિકાની રાહ જોતી હતી. હેડાને જે ઓળખે છે એ જાણે છે કે ગુજરાતીમાં એના વ્યક્તિત્વને અવતારવા માટે કોઈ એક જ જ્ઞાતિની લેખિકાને પસંદ કરવાની હોય તો નાગરને જ પસંદ કરી શકાય. એટલે મેઘલતાબેન હેડાનો અનુવાદ કરે તો સોનામાં સુગંધ ભળવા જેવી વાત કરી કહેવાય. હેડા શિષ્ટ, સંસ્કારી, શ્રીમંત સૌ પાસેથી સુરુચિની અપેક્ષા રાખતી ભદ્ર સમાજની ભદ્રા છે. એ જિદ્દી અને વિચક્ષણ પણ છે. આવા પાત્રને સમજવાની જન્મજાત કુશળતા મેઘલતાબેનમાં છે. કેમકે, એમણે એમના નાગરી સમાજમાં આવી અનેક સ્ત્રીઓને જોઈ જ હોય. આ એમની હેડાના અનુવાદ માટેની પહેલી યોગ્યતા. મેઘલતાબેન પોતે રશ્મિકાન્ત મહેતા જેવા અંગ્રેજીના જાણીતા પ્રાધ્યાપક સાથે લગ્ન કરીને વર્ષોથી રહે છે અને એમણે પણ ઘણાં વર્ષ ભણાવ્યું છે. અંગ્રેજીનો સહવાસ મેઘલતાબેન માટે નિત્યનો રહ્યો છે અને એટલે વિદ્વાન પતિની આ વિદૂષીને અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર કરવા માટે બહુ મોટાં કષ્ટ લેવાં પડે એમ નહોતું. અંગ્રેજી સાથે એમનો ઘરોબો અને હેડાના પાત્રને અનુકૂળ ગુજરાતી નાગરી ભાષા એ બંને મેઘલતાબેનને સદ્ભાગ્યે, સહજ રીતે પ્રાપ્ત થયેલાં છે. હેડાના અનુવાદ માટે આ એમની અનન્ય યોગ્યતા લેખાય. અંગ્રેજી સતત સાંભળવા-વાંચવા મળ્યું હોય અને ગુજરાતી સતત બોલવા-લખવા મળ્યું હોય એવા કેટલા ગુજરાતીઓ? પરદેશમાં રહેવા મળ્યું હોય અને અંગ્રેજીના સીધા સંપર્કમાં રહેવાનું થયું હોય. એવા કેટલા? મેઘલતાબેનને આ ઉપરાંત, અભિનય કરતા એવા પતિ પણ મળ્યા છે અને પોતે તો રંગભૂમિ સાથે જોડાયેલાં જ. ચન્દ્રવદન, જશવંત ઠાકર આ સૌ સાથે એમનો નાતો આ બધું જ બધું આ અનુવાદનું જમા પાસું છે. જેમ કવિતાના અનુવાદની વિશિષ્ટ આવશ્યકતાઓ હોય છે એવી જ આવશ્યકતાઓ નાટક માટે પણ અનિવાર્ય છે. કવિતા માટે મૂળની લયસમૃદ્ધિનું અનુસંધાન રહે એવું અનુવાદક ગુજરાતીમાં પદ્ય નિપજાવે તો અનુવાદ એ વાચનક્ષમ બને. એ જ રીતે, બોલાતી અને ખાસ કરીને રંગભૂમિ ઉપર સંવાદભાષા તરીકે યોગ્ય લાગે એવી ક્રિયાપ્રેરક ભાષા એ નાટકના અનુવાદની ભાષા રહેવી જોઈએ. જેણે સરવા કાન સાથે ગુજરાતી ભાષા સાંભળી છે અને એને ગુજરાતીમાં અવતારવાની જેનામાં ક્ષમતા છે એ જ અનુવાદ કરી શકે. નાટ્યભાષા બધા ગુજરાતી લેખકોને આવડતી નથી હોતી. આ બધા સંદર્ભે મેઘલતાબેનના આ અનુવાદને આપણે તપાસવો રહ્યો. મેઘલતાબેન મોટે ભાગે અંગ્રેજીનું ગુજરાતી કરે છે ત્યારે મૂળને ખૂબ જ વફાદાર રહે છે. ઘણી વાર અનુવાદનો આ ઉત્સાહ કૃતક પણ લાગે. દા. ત. મિસ ટેસમન : (હેડાને સામેથી મળવા જતાં) આવ, આવ, મારી ગૃહલક્ષ્મી! સુપ્રભાતમ્! અહીં ભત્રીજાવહુ માટે 'ગૃહલક્ષ્મી' જેવો અનુવાદિયો શબ્દ ન પ્રયોજે તો ચાલી શકે. 'સુપ્રભાતમ્', 'ગુડ મોર્નિંગ'નો રિવાજ આપણા આચાર સાથે મેળ નથી ખાતો. આવે વખતે, ભત્રીજાવહુને એક ફોઈ કેવી રીતે આવકારે એ જ ધ્યાનમાં રાખી શકાય. આવું મેઘલતાબેન નથી જાણતાં એવું પણ નથી. દા. ત. મિસિસ એલ્વસ્ટેડ :(મેજ પાસેથી તેની તરફ જતાં) પાછી ઘેર? એમની પાસે? હેડા : હા'સ્તો, વળી. મિસિસ એલ્વસ્ટેડ : રામ રામ કરો હવે. પાછી ઘેર તો હું જવાની જ નથી ને. અહીં ‘રામ રામ કરો હવે' એ અનુવાદિકાએ કરેલું નાટ્યોચિત્ ગુજરાતી છે. મને આવા ગુજરાતીની અપેક્ષા હતી. પણ, આપણી ભાષામાં નાટકના અનુવાદ લગભગ કૃતક થાય છે. ઘણુંખરું અંગ્રેજી વ્યાકરણ અને અંગ્રેજ રીતરિવાજને ગુજરાતીમાં યથાતથ ઉતારવાનો પ્રયત્ન થયો છે અને દુર્ભાગ્યે, આવા નાટ્યાનુવાદને સંનિષ્ઠ લેખવામાં આવે છે. મારું એવું સ્પષ્ટ રીતે માનવું છે કે અન્ય ભાષાની નાટ્યકૃતિનો અનુવાદ ન હોય, રૂપાંતર જ હોય કારણ નાટકના અનુવાદ લાયબ્રેરીમાં પડી રહેવા માટે ન થાય એ રંગભૂમિ પર ભજવવા માટે જ હોય. હેડાને મેઘલતાબેને એ રીતે પણ અવતારેલી; પરંતુ આ અનુવાદ ભજવાય ત્યારે ખરો. ભજવણી પછીની પ્રત હાથ આવે તો મેઘલતાબેને જરૂર છપાવવી જોઈએ.

તા.૧૫-૧-૨૦૦૫
-- ચિનુ મોદી
 

પાત્રો

જ્યૉર્જ ટેસમન (મૂળ નોર્વેજીઅનમાં ‘યર્ગન’ નામ છે. સંસ્કૃતિના ઇતિહાસના સંશોધન માટે તેને શિષ્યવૃત્તિ મળેલી છે.)
હેડા ટેસમન (જ્યૉર્જની પત્ની)
મિસ જુલિયાના ટેસમન (જ્યૉર્જની ફોઈ)
મિસિસ એલ્વસ્ટેડ
જજ બ્રૅક (મૂળ નોર્વેજીઅનમાં ‘એસેસર’ છે.)
એઈલર્ટ લૉવબર્ગ
બર્ટા (ટેસમનની કામ કરનારી બાઈ, મૂળ નોર્વેજીઅનમાં ‘બર્તે’ છે.)

દૃશ્ય સ્થળ : ક્રિસ્ટિઆનીઆને પશ્ચિમ છેવાડે આવેલો ટેસમનનો બંગલો

બૅક્સ એ ગ્રીક દેવતા છે. મદ્યનો દેવતા, એ વાળમાં દ્રાક્ષપર્ણો રાખતો. હેડા માટે દ્રાક્ષપર્ણ એ વિજયી અને નીડર રૂઢિમુક્તતાનું પ્રતીક છે. (પૃ.૭૪)

અંક પહેલો

[ઘેરા રંગથી સજાવેલો એક સુંદર વિશાળ સ્વાગતખંડ. ખંડના રાચરચીલાની સુરુચિ તરી આવે છે. પછવાડે એક મોટો પ્રવેશમાર્ગ છે, જેના પડદા બાજુ પર ચઢાવી દીધેલા છે અને તેમાંથી અંદરનો નાનો ખંડ દેખાય છે. તે પણ સ્વાગતખંડની જેમ જ સજાવેલો છે. સ્વાગતખંડની જમણી બાજુની દીવાલમાં એક નાનું, ઘડી પડે તેવું બારણું છે, જેમાંથી પ્રવેશદ્વાર તરફની મોટી પરસાળમાં જવાય છે. ડાબી બાજુ એક કાચનું બારણું છે. તેના પડદા પણ ચઢાવી દીધેલા છે. કાચમાંથી ઘરનો ઓટલો તથા પાનખરની વનશ્રીથી આચ્છાદિત વૃક્ષો જોઈ શકાય છે. ખંડના અગ્રભાગમાં લંબગોળ મેજ અને તેને ફરતી ખુરશીઓ ગોઠવેલાં છે. મેજ પર રૂમાલ પાથરેલો છે. જમણી બાજુની દીવાલ પાસે આગળના ભાગમાં મોટી, કાળી ચિનાઈ માટીની તાપવાની ભઠ્ઠી છે. એક ઊંચી પીઠવાળી આરામખુરશી, ગાદીવાળો પગ ટેકવવાનો બાજઠ અને બે નીચાં સ્ટૂલ (પગ ટેકવવાનાં) પણ ત્યાં મૂકેલાં છે. તેની પાછળ જમણી બાજુના ખૂણામાં એક પાટ અને બાજુમાં એક નાનું ગોળ મેજ ગોઠવેલાં છે. ડાબી બાજુએ આગળ, દીવાલથી થોડે દૂર, એક કૉચ છે. કાચના બારણાથી દૂર, પછીતે પિયાનો છે. પ્રવેશમાર્ગની બંને બાજુએ એક એક એમ ખુલ્લાં ખાનાંવાળાં બે કબાટ છે. ખાનાંઓમાં દેશપરદેશનાં, શોભાનાં માટીનાં નાનાં રમકડાં મૂકેલાં છે. અંદરના ખંડમાં, પછીતની દીવાલ પાસે એક કૉચ, એક મેજ અને એક-બે ખુરશીઓ છે. કૉચ પાછળની દીવાલ પર, સેનાપતિના ગણવેશમાં સજ્જ એવા, એક દેખાવડા પ્રૌઢ પુરુષની છબિ લટકે છે. મેજને માથે દૂધિયા કાચના છત્રવાળી એક હાંડી લટકે છે. સ્વાતગતખંડમાં ફૂલદાનીઓ છે અને લાંબા પ્યાલાઓમાં જાતજાતના પુષ્પગુચ્છો ઠેરઠેર ગોઠવેલા છે. બાકીના વધેલા મેજ પર પડેલા છે. બંને ખંડોમાં જમીન પર ગાલીચા પાથરેલા છે. સવારનો પ્રકાશ--કાચના બારણામાંથી સૂર્યનો પ્રકાશ - રેલાય છે. મિસ જુલિયાના ટેસમન પરસાળમાંથી પ્રવેશે છે. તેણે ટોપી પહેરેલી છે અને હાથમાં નાની છત્રી છે. પાછળ બર્ટા આવે છે. હાથમાં કાગળમાં વીંટાળેલો એક પુષ્પગુચ્છ છે. મિસ ટેસમન જોવી ગમે તેવી લગભગ પાંસઠ વર્ષની સન્નારી છે. તેણે સાદાં અને સુઘડ, ભૂખરા રંગના, બહાર જવાનાં કપડાં પહેર્યાં છે. બર્ટા એક સાધારણ એવી કંઈક ગામઠી દેખાતી પ્રૌઢા છે.]

મિસ ટેસમન : (બારણાની એકદમ નજીક જઈ રોકાય છે. કાન દઈ સાંભળે છે અને ધીમેથી બોલે છે.) અરે, આ લોકો તો હજી ઊંઠ્યાં લાગતાં નથી!
બર્ટા : (એ પણ ધીમેથી) મેં તો તમને કહ્યું હતું બા, જુઓને, કાલે રાત્રે આગબોટ કેટલી મોડી આવી હતી? અને વળી એ લોકો ઘેર આવ્યાં ત્યારે – ભલા ભગવાન, કેટલો સામાન? નાનાં બાઈસાહેબે તો સૂતાં પહેલાં જ બધું ગોઠવવાનું પતાવી દીધું.
મિસ ટેસમન : હશે હશે, એમને ઊંઘવા દે નિરાંતે. પણ બિચારાં ઊઠે ત્યારે જરા તાજી હવા તો મળે! (જઈને કાચનું બારણું ઉઘાડી નાખે છે.)
બર્ટા : (મેજ પાસે ઊભી રહી, હાથમાંના ગુચ્છને ક્યાં મૂકવો તેની વિમાસણમાં) હવે તો એકે જગ્યા ખાલી રહી નથી. આ ક્યાં મૂકું? હાં, મને લાગે છે અહીં મૂકું, કેમ બા? (પિયાનો પર મૂકે છે.)
મિસ ટેસમન : એમ ત્યારે, બર્ટા, હવે તો તારે નવાં બાઈસાહેબ આવ્યાં. એકલો મારો પ્રભુ જાણે છે બર્ટા, તારાથી વિખૂટા પડતાં મને કેટલું દુ:ખ થાય છે.
બર્ટા : (રોવા જેવી થઈ જતાં) બા, તમે એમ માનો છો કે મને ય કંઈ નહીં થતું હોય? તમારી અને રીનાબાની નોકરીમાં આટલાં વર્ષો ક્યાં ગયાં તે પણ જણાયું નથી.
મિસ ટેસમન : વિધિના જેવા લેખ, બર્ટા, પણ એ સિવાય છૂટકો જ નહોતો. જ્યૉર્જને તો તારા વગર એક ક્ષણ પણ ચાલે નહીં. એક ઘડીએ ય નહીં ને! સાવ નાનો હતો ત્યારથી તારી પાસે જ ઊછરીને મોટો થયો છે ને!
બર્ટા : હા, એ ખરું. પણ બા, બિચારાં રીનાબા, પરવશ થઈ ગયાં. ઘેર એકલાં પથારીમાં પડ્યાં રહ્યાં હશે. અત્યારે એમનો વિચાર આવે છે ને રડવું આવી જાય છે અને તેમાંય વળી આ નવી નોકરડી! માંદાંની માવજત કરતાં એને કદી આવડવાનું નથી.
મિસ ટેસમન : એ તો હું એને કેળવી લઈશ. અરે, બનશે ત્યાં સુધી તો બધું હું મારી જાતે જ કરી લઈશ. રીનાની ફિકર હવે તું કરીશ નહીં.
બર્ટા : પણ બીજી ય એક વાત છે. બા, મને બહુ ડર લાગે છે કે મારો અને નવાં બાઈસાહેબનો મેળ કેમ કરીને ખાશે?
મિસ ટેસમન : એ તો જો ને, શરૂઆતમાં જરા.........
બર્ટા : એમની રહેણીકરણી ને રીતરસમ, બધું ઠસ્સાદાર ને એવું જ હશે ને?
મિસ ટેસમન : પણ એમ જ હોયને બર્ટા, એમાં નવાઈ જેવું કાંઈ જ નથી. જનરલ ગાબ્લરની દીકરી. એના બાપને ઘેર એ કેવી રીતે ઊછરી છે એનો વિચાર તો કર. તને યાદ છે, એ જનરલ સાથે નીકળતી, ઘોડા પર બેસીને, ત્યારે આપણે એને કેવાં જોઈ રહેતાં? એ લાંબો કાળો ઘોડેસવારીનો પોષાક અને ટોપીમાં પીછાં!
બર્ટા  : હા, હા, મને બરાબર યાદ છે. પણ બાપ રે! મને તો સ્વપ્નેય ખ્યાલ નહીં કે એમનું ને જ્યૉર્જનું ચોકઠું ગોઠવાશે.
મિસ ટેસમન : મને ય તે એવો ખ્યાલ ન હતો. અરે, હાં. એ તો ઠીક, બર્ટા, પણ હવેથી તારે એને માસ્ટર જ્યૉર્જ નહીં પણ ડૉ. ટેસમન કહેવા જોઈએ એમ મને લાગે છે.
બર્ટા : હા, મને નાનાં બાઈસાહેબે પણ કાલે રાત્રે ઘરમાં પગ મૂકતાં જ એ વાત કરી હતી. તો બા, એ શું સાચું છે?
મિસ ટેસમન : હા, હા, વળી. તદ્દન સાચું. તને શું ખ્યાલ આવે? એ જ્યારે પરદેશ ગયો હતો ને? ત્યારે, ત્યાંની વિદ્યાપીઠે એને ડૉક્ટરની ઉપાધિ આપી છે. આમ તો મને ય અત્યાર સુધી એની કાંઈ ખબર નહીં. એ તો એણે છેક આગબોટમાંથી ઊતરીને કહ્યું ત્યારે જ.
બર્ટા : હોય ભાઈ હોય! એ તો ખૂબ હોશિયાર છે. એમને માટે દુનિયામાં કાંઈ અઘરું છે જ નહીં. પણ બા, હું શું જાણું કે એ લોકોની દવા પણ કરશે?
મિસ ટેસમન : એ જાતનો દાક્તર નથી! (સૂચક રીતે માથું ધુણાવે છે.) અને હું તો કહું છું બર્ટા, કે થોડા જ સમયમાં તે હજી ય આનાથી ય મહાન થવાનો છે.
બર્ટા : હોય નહીં બા. ખરેખર? એવા તે એ શું થશે?
મિસ ટેસમન : (લાગણીવશ થતાં) હે ભગવાન! મારો ભાઈ અત્યારે સ્વર્ગમાંથી જોઈ શકતો હોય તો? એનો નાનકડો જ્યૉર્જ અત્યારે કેવો મોટો માણસ બની ગયો છે! (આજુબાજુ જોઈ) હાય, હાય, બર્ટા, આમ કેમ કર્યું? બધા છીંટના ગલેફ કેમ કાઢી નાખ્યા?
બર્ટા : બાઈસાહેબના કહેવાથી. એ કહે છે કે ખુરશી પર ગલેફ હોય એ એમનાથી ખમાતું નથી.
મિસ ટેસમન : તો પછી એ લોકો આને રોજની બેઠકનો ખંડ બનાવવાનાં છે?
બર્ટા : બાઈસાહેબના કહેવા પરથી તો એમ લાગે છે. માસ્ટર જ્યૉર્જ--અરે ડૉક્ટર--એમણે તો કાંઈ કહ્યું નહીં.
મિસ ટેસમન : (જ્યૉર્જ ટેસમન જમણી બાજુથી ગીત ગણગણતો અંદર આવે છે. તેના હાથમાં પટ્ટો છોડી નાંખેલી ચામડાની એક ખાલી પેટી છે. તે મધ્યમ કદનો, કંઈક સ્થૂલકાય, લગભગ તેત્રીસ વર્ષનો યુવાન છે. ચહેરો ગોળ છે. તે આનંદી અને ભોળો લાગે છે. સોનેરી વાળ છે અને નાની દાઢી છે. ચશ્માં પહેર્યાં છે. ઘરમાં પહેરવાનાં સાદાં કપડાંમાં કંઈક બેપરવાહી વરતાય છે.) સુપ્રભાતમ્, સુપ્રભાતમ્, જ્યૉર્જ.
ટેસમન : (બે ખંડની વચ્ચેના પ્રવેશમાર્ગમાં) જુલિ ફોઈ, વ્હાલી જુલિ ફોઈ! (પાસે જઈને ઉમળકાથી હસ્તધૂનન કરે છે.) આટલે બધે દૂરથી – આટલી વહેલી? એંહ?
મિસ ટેસમન : હાસ્તો, કેમ? તમે બધાં કેમ છો કેમ નહીં તે જોવા મારે આવવું જ જોઈએ.
ટેસમન : પણ તને આખી રાત સરખો આરામ મળ્યો ન હોય તોપણ?
મિસ ટેસમન : અરે, એ તો ઠીક હવે, ચાલ્યા કરે.
ટેસમન : પણ તું ધક્કા પરથી તો હેમખેમ ઘેર પહોંચી ગઈ હતી ને? એંહ?
મિસ ટેસમન : હા તદ્દન હેમખેમ! પ્રભુની દયા છે. વળી જજ બ્રૅક મને છેક ઘર સુધી મૂકી ગયા હતા. બહુ સારા છે.
ટેસમન : અમારી ગાડીમાં જગ્યા જ નહોતી. નહીં તો… પણ તેં જ જોયું હતું ને જુલિ ફોઈ, હેડા પાસે પેટીઓનો કેવડો મોટો ગંજ હતો?
મિસ ટેસમન : હા, તારી વાત સાચી છે. તેની પાસે સામાન તો ઘણો જ હતો.
બર્ટા : (ટેસમનને) બાઈસાહેબને અંદર જઈને પૂછી જોઉં? કાંઈ કામ હોય તો?
ટેસમન : ના, ના, બર્ટા, એવી કાંઈ જરૂર નથી. હેડા કહેતી હતી કે જરૂર પડશે તો એ ઘંટડી વગાડશે.
બર્ટા : (જમણી બાજુ જતાં) સારું.
ટેસમન : પણ જો, આ પેટી અંદર લેતી જા.
બર્ટા : (પેટી લેતાં) લાવો. માળિયામાં મૂકી દઈશ.
[પરસાળ તરફના બારણામાંથી જાય છે.]
ટેસમન : જુલિ ફોઈ, તું માનીશ? એ પેટી આખી દસ્તાવેજોની નકલોથી ઠાંસોઠાંસ ભરેલી હતી. કોઈને ખ્યાલ પણ ન આવે, એવી ઝીણામાં ઝીણી વિગતો મેં ભેગી કરી છે. કેટલાંય દફતર-ખાનાંમાંથી મારા અભ્યાસને લગતું સાહિત્ય ભેગું કરતો ગયો.
મિસ ટેસમન : હા, એ તો લાગે છે. મધુરજનીની સફરે ગયો હતો ત્યાં યે તેં એક ક્ષણ પણ બગાડી નથી જ્યૉર્જ.
ટેસમન : ના, એક ક્ષણ પણ નહીં. પણ ફોઈબા તારી ટોપી તો કાઢ. લાવ મને દોરી છોડવા દે. એંહ!
મિસ ટેસમન : (દોરી છોડતો હોય છે ત્યારે) અરે, વાહ રે, આ તો જાણે હજી પણ તું અમારી ભેગો જ રહેતો હોય એવું લાગે છે.
ટેસમન : (ટોપી હાથમાં પકડી રાખી તેને ચારે બાજુથી જુએ છે.) ઓ હો, તું તો એકદમ ભારેમાંની ટોપી લાવી છો. ખાસ્સી મોંઘી હશે.
મિસ ટેસમન : ખાસ હેડાને લીધે ખીરીદી.
ટેસમન : હેડાને લીધે? એંહ?
મિસ ટેસમન : હા, કોઈ વાર આપણે બધાં સાથે બહાર જઈએ ત્યારે હેડાને શરમ ન આવે ને, એટલે.
ટેસમન : (ગાલે ટપલી મારતાં) તું તો હંમેશાં ચારે બાજુનો વિચાર કરે છે, જુલી ફોઈ. (ટોપી મેજની બાજુમાં એક ખુરશી પર મૂકે છે.) આવ ફોઈબા, હેડા આવે ત્યાં સુધી આપણે અહીં બેસીને ગપ્પાં મારીએ.
[બંને જણાં બેસે છે. મિસ ટેસમન પોતાની નાની છત્રી કૉચના ખૂણામાં મૂકે છે.]
મિસ ટેસમન : (તેના બંને હાથ પોતાના હાથમાં લઈ, તેની સામું જોઈ રહે છે.) જ્યૉર્જ, તને જોતાં હૈયું જાણે ધરાતું જ નથી. એમ થાય છે કે તને જોયા જ કરું, જોયા જ કરું. તને પ્રત્યક્ષ, નજર સામે જ પાછો આવેલો જોતાં કેટલો આનંદ થાય છે? જીવન જેટલો સત્ય અને નક્કર. જાણે તને આખો ને આખો મારી આંખોમાં સમાવી દઉં તોય તૃપ્તિ ન થાય. તું તો મારા સ્વર્ગસ્થ ભાઈની બિચારાની એકની એક યાદગીરી!
ટેસમન : તું ફરી પાછી મળી તે મને પણ એટલો જ આનંદ થાય છે, જુલિ ફોઈ, તું તો મારાં મા અને બાપ બંને છો.
મિસ ટેસમન : હા જ્યૉર્જ, મને ખાતરી છે કે તારી ઘરડી ફોઈબાને તારા હૃદયના એકાદ ખૂણામાં તો જરૂર સ્થાન મળશે.
ટેસમન : અરે, હાં, રીના ફોઈને કેમ છે? કાંઈ સુધારો થયો કે નહીં?
મિસ ટેસમન : ના રે ના. બિચારી રીના! એની તબિયતમાં હવે શું સુધારો થાય? આટલાં વર્ષોથી એમની એમ પથારીવશ છે. બિચારી તદ્દન પરવશ, પણ તો ય હું તો ઇચ્છું છું કે ઈશ્વર એને લાંબું આયુષ્ય આપે, કારણ એ પણ ચાલી જાય તો મારે આ મારું જીવન કોને માટે વેંઢારવું? હવે તો તારી સંભાળ રાખવાનું કામ પણ રહ્યું નથી.
ટેસમન : (વાંસો થાબડતાં) જો, ફોઈબા, પાછું.....
મિસ ટેસમન : (એકદમ અવાજ બદલતાં) અને, હવે તો તું ગૃહસ્થી થયો (અને તેમાંય હેડા ગાબ્લરનો હાથ પકડવાનું સુભાગ્ય તને મળ્યું. સૌંદર્યરાણી હેડા ગાબ્લર. વિચાર તો કર, એનો હાથ મેળવવા કેટલાય મુરતિયા ટાંપીને બેઠા હતા!
ટેસમન : (જરા ગણગણે છે. આત્મશ્લાઘાના સ્મિત સાથે) હા, હા, મને લાગે છે કે ગામમાં મારી અદેખાઈ કરનારાઓની ખાસ્સી એવી જમાત હશે. એંહ!
મિસ ટેસમન : અને તેમાં ય તમે લગ્ન પછી તરત લાંબી સફર કરી આવ્યાં. પાંચેક મહિના થયા હશે--લગભગ છ.
ટેસમન : જોકે મારે માટે તો એ સાથેસાથે સંશોધનયાત્રા પણ હતી. મારે જૂના સંગ્રહોમાંથી ઘણું શોધવાનું હતું અને ફોઈબા, ચોપડીઓ વાંચવાનો તો કાંઈ પાર જ નહીં હો! જો તો!
મિસ ટેસમન : હા, તે હશેસ્તો. (અવાજ જરા ધીમો કરી ખાનગીમાં પૂછતી હોય તેમ) પણ હેં જ્યૉર્જ, તારે મને બીજું કાંઈ જ કહેવાનું નથી? કાંઈ જ..... ખાસ.....?
ટેસમન : અમારી સફર વિશે?
મિસ ટેસમન : હા,
ટેસમન : ના રે, કાગળોમાં મેં લખ્યું હતું તે જ બસ. તે સિવાય તો કાંઈ કહેવા જેવું નથી. મને ડૉક્ટરની ઉપાધિ મળી. પણ તે તો મેં તમને કાલે કહેલું.
મિસ ટેસમન : હા, હા. તે તો કહેલું. પણ મારું કહેવું એમ છે કે તમારે..... તમારે..... કાંઈ અપેક્ષા છે?
ટેસમન : અપેક્ષા? શાની?
મિસ ટેસમન : હા, જ્યૉર્જ હું તો તારી ફોઈબા જ છું ને!
ટેસમન : હા, હા, વળી. મારે અપેક્ષાઓ તો છે જ.
મિસ ટેસમન : ઓહ.
ટેસમન : જુઓ, સહુથી પ્રથમ તો આજકાલમાં જ પ્રોફેસર થવાની મોટી આશા છે.
મિસ ટેસમન : હં, હં, પ્રોફેસર.
ટેસમન : અરે, એનું તો લગભગ નક્કી જ છે એમ સમજોને. પણ એ બધું તો તમે જાણો છો.
મિસ ટેસમન : (હસતાં હસતાં) હા, હા, મને ખબર જ છે. એ વાત તો ખરી. (વિષય બદલતાં) પણ આપણે તો તમારી સફર વિશે વાત કરતાં હતાં. તેમાં ખર્ચો તો ઘણો થયો હશે, નહીં જ્યૉર્જ?
ટેસમન : હા, જોને મારી શિષ્યવૃત્તિ મોટી હતી એટલે એના ઉપર ઠીક નભ્યું.
મિસ ટેસમન : પણ જ્યૉર્જ એટલામાં તમારા બંનેનું ક્યાંથી પૂરું થાય? મને એ સમજાતું નથી કે.....
ટેસમન : એ ઝટ સમજાય એવું નથી. એંહ!
મિસ ટેસમન : અને તેમાંય સ્ત્રી સાથે મુસાફરી કરવી એટલે તો બસ. કહે છે એમાં તો ખર્ચ ઘણો જ વધી જાય છે.
ટેસમન : હા, હા, ચોક્કસ, એમાં ખર્ચો થોડોઘણો તો વધારે થાય જ છે. પણ ફોઈબા, હેડાને કોઈ પણ હિસાબે આ સફર કરવી જ હતી. તેને જોઈતી જ હતી. એમાં કાંઈ હા-ના થઈ શકે તેમ હતું જ નહીં.
મિસ ટેસમન : હા, તે હશે. આજના જમાનામાં લગ્ન પછી આ પ્રમાણે ફરવા જવાનો એક રિવાજ જ થઈ પડ્યો છે. પણ એ તો કહે તેં ફરીને આખું ઘર જોઈ લીધું કે નહીં?
ટેસમન : હા, સવારનો ઊઠયો ત્યારનો એ જ કરું છું.
મિસ ટેસમન : તને શું લાગે છે? કેવું લાગ્યું?
ટેસમન : અફલાતૂન! ખૂબ સરસ! મને તો બહુ જ ગમ્યું પણ ફોઈ એક મૂંઝવણ છે. પેલા વધારાના ખાલી ઓરડા છે તેનું શું કરીશું? હેડાના શયનખંડ અને અંદરની પરસાળ વચ્ચેના--
મિસ ટેસમન : (હસતાં) અરે, મારા ભોળિયા જ્યૉર્જ! મને તો ખાતરી છે કે તમારે થોડા જ વખતમાં એની જરૂર પડશે.
ટેસમન : હા, હા, બરાબર. તમારી વાત સાચી છે. મારું અંગત પુસ્તકાલય મોટું થતું જશે તેમ તેમ..... એંહ!
મિસ ટેસમન : હા, એમ જ દીકરા એમ જ. હું તારા અંગત પુસ્તકાલયનું જ કહેતી હતી.
ટેસમન : ખાસ કરીને હેડાનો વિચાર કરતાં મને બહુ આનંદ થાય છે. અમારું સગપણ થયું તે પહેલાંથી જ તે કહ્યા કરતી હતી કે સેક્રેટરી ફૉકના બંગલા સિવાય બીજે ક્યાંય એને રહેવું જ નથી.
મિસ ટેસમન : એ પણ એક યોગાનુયોગ જ ને કે તમારા નીકળ્યા પછી એ જ ફૉકનો બંગલો એ લોકો વેચવા કાઢે.
ટેસમન : નસીબનું પલ્લું આપણી તરફ નમતું હતું એમ લાગે છે નહીં! એંહ?
મિસ ટેસમન : પણ ખર્ચો! આ બધા ખર્ચાને પહોંચવું મુશ્કેલ પડશે.
ટેસમન : (તેના તરફ જોઈ ઢીલો પડતાં) મને પણ એમ લાગે છે ફોઈબા.
મિસ ટેસમન : ચામડું ચીરી નાખે એવો ખર્ચો આવશે.
ટેસમન : લગભગ આંકડો કેટલે પહોંચશે, કાંઈ ખ્યાલ છે! એંહ!
મિસ ટેસમન : બધો હિસાબ આવી જાય પછી જ ખબર પડે.
ટેસસન : જોકે એટલું સારું છે કે જજ બ્રૅકે બધી યોગ્ય સગવડ કરી છે. હેડાના એક પત્રમાં એમણે એને લખ્યું હતું.
મિસ ટેસમન : હા, બેટા, એ વિષે તું કાંઈ ચિંતા ન કરીશ અને વળી આ બધા સરસામાન અને ગાલીચાઓની બાંહેધરી મેં આપી છે.
ટેસમન : તેં, ફોઈબા, તેં? તેં કેવી રીતે આપી?
મિસ ટેસમન : અમારું વર્ષાસન મેં ગીરવે મૂકી દીધું છે.
ટેસમન : (ચમકી જતાં) હેં? તારું અને રીનાફોઈનું વર્ષાસન?
મિસ ટેસમન : હા, તે સિવાય બીજો ઉપાય મને દેખાયો નહીં.
ટેસમન : (પાસે આવતાં) ફોઈબા, ફોઈબા, તારું મગજ તો ઠેકાણે છે ને? તારું વર્ષાસન એ જ તારો અને રીનાફોઈનો એકમાત્ર આધાર છે.
મિસ ટેસમન : ચાલ ચાલ હવે. એમાં આટલો બધો ઊકળી શું કામ જાય છે? એ તો બધો શિષ્ટાચાર છે એમ જજ બ્રૅક કહેતા હતા. કહે કે ફક્ત શિષ્ટાચારનો જ સવાલ છે.
ટેસમન : હા, હા, હવે, એ તો બધું સમજ્યા. પણ તો ય…
મિસ ટેસમન : જો, તને તો હવે તારો પોતાનો પગાર મળશે અને નહીં તો ય ધારો કે આ શરૂઆતમાં અમારે થોડું નાખવું પણ પડે - આધાર પૂરતું - તો તેમાં શું થઈ ગયું? ઊલટાનું અમને તો એમાં આનંદ આવશે.
ટેસમન : ઓ ફોઈબા, મારા માટે ઘસાઈ છૂટતાં તું કદી થાકવાની જ નહીં?
મિસ ટેસમન : (ઊભા થતાં તેના ખભા પર હાથ મૂકી) બેટા તારો માર્ગ સરળ કરવા માટે જીવ આપવો પડે તોપણ એના જેવું બીજું સુખ શું હોઈ શકે? તેં તો મા-બાપની હૂંફ કોઈ દિવસ જાણી પણ નથી. આજે આપણું જીવન ધન્ય થયું છે જ્યૉર્જ. હવે તો આપણે પાર ઊતરી ગયાં છીએ. ત્યારે તો જીવન વારંવાર અંધકારમય ભાસતું. પણ પ્રભુનો મોટો પાડ કે તારે હવે એ કશી ચિંતા કરવાની નથી.
ટેસમન : હા, ખરેખર. કેટલીક વખત તો આપણને આશ્ચર્ય થાય તેવું છે. આ બધાનો અંત કેટલો સુખદ આવ્યો છે?
મિસ ટેસમન : અને તારા વિરોધીઓ? એમણે તારો માર્ગ રૂંધવાના પ્રયત્નો ઓછા નથી કર્યા. હવે એ બધા તારે પગે પડતા આવશે. એ બધાંનું પતન થયું છે જ્યૉર્જ. તેમાં ય સહુથી મોટા હરીફનું સૌથી વધુ પતન થયું છે. પોતે ખોદેલા ખાડામાં પોતે જ પડ્યો છે. બિચારો, પંથ ભૂલ્યો પથિક!
ટેસમન : તમે એઈલર્ટ વિષે કાંઈ સાંભળ્યું છે? એટલે, હું અહીંથી ગયો એ પછી?
મિસ ટેસમન : ખાસ તો કાંઈ નહીં, પણ એણે એક નવું પુસ્તક બહાર પાડ્યું છે, એમ સાંભળ્યું છે.
ટેસમન : શું? એઈલર્ટ લોવબર્ગે? ક્યારે? હમણાં? એંહ?
મિસ ટેસમન : હા, લોકો કહે છે ખરા. રામ જાણે એ કેવું ય હશે. પણ તારું પુસ્તક જ્યારે બહાર પડશે - બસ એની તો વાત જ જુદી હશે, જ્યૉર્જ. એ શેના વિષે હશે?
ટેસમન : બ્રેબન્ટમાં મધ્યકાલીન યુગના ગૃહઉદ્યોગો વિશે.
મિસ ટેસમન : અહોહોહો! આવા વિષય પર લખી શકવું એટલે શું?
ટેસમન : પણ તો ય હજુ પુસ્તક તૈયાર થતાં થોડો સમય લાગશે. હજુ તો મારે આ બધું ભેગું કર્યું છે તે ગોઠવવાનું છે, સમજી?
મિસ ટેસમન : હા , ભેગું કરવું અને પછી સરખું ગોઠવવું. એમાં તો તું એક્કો છે. એમાં તું બરાબર મારા ભાઈનો જ દીકરો છે.
ટેસમન : મારે જેમ બને તેમ જલદી કામ શરૂ કરી દેવું છે. હવે તો મારે મારા મનગમતા-મારા પોતાના ઘરમાં બેસીને કામ કરવાનું છે!
મિસ ટેસમન : અને તે બધાય કરતાં તને તારી હૃદયેશ્વરી મળી છે!
ટેસમન : (તેને ભેટતાં) અરે! હા, હા, ફોઈબા. હેડા - એ તો આખી યે વાતનો સહુથી સુખદ ભાગ છે. (બારણા તરફ જોતાં) આ લ્યો, એ આવતી જ લાગે છે. એંહ?
[હેડા અંદરના ઓરડાની ડાબી બાજુએથી આવે છે. ઉંમર ૨૯ વર્ષની છે. તેની મુખાકૃતિ તેમજ દેહાકૃતિમાં એક પ્રકારની શિષ્ટતા અને વિશિષ્ટતા તરી આવે છે. વર્ણ કંઈક ફિક્કાશ પડતો પીળો છે. ભૂખરા રંગની આંખોમાં કંઈક અંશે ટાઢાશ, કડકાઈ અને મક્કમતા દેખાય છે. વાળ આછા બદામી રંગના પણ જથ્થામાં બહુ ભારે નહીં તેવા છે. તેણે સુરુચિપૂર્ણ સવારના સમયનો ખૂલતો ગાઉન પહેર્યો છે.]
મિસ ટેસમન : (હેડાને સામેથી મળવા જતાં) આવ, આવ, મારી ગૃહલક્ષ્મી! સુપ્રભાતમ્!
હેડા : (હાથ લંબાવતાં) સુપ્રભાતમ્! આટલાં વહેલાં મિસ ટેસમન? તમારો આભાર.
મિસ ટેસમન : (કંઈક મૂંઝાતાં) નવવધૂને એના નવા ઘરમાં બરાબર ઊંઘ આવી?
હેડા : હા, આભાર. ઠીકઠીક.
ટેસમન : (હસતાં) ઠીક ઠીક? એ ખરું! હેડા! હું ઊઠયો ત્યારે તો તું ઘસઘસાટ ઊંઘતી હતી!
હેડા : તો સારું. નવી જગ્યાએ જઈએ, મિસ ટેસમન ત્યારે ધીમે ધીમે તેને અનુકૂળ થઈ જવું પડે. (ડાબી બાજુએ જોતાં) ઓહ! વળી પાછું પેલી બાઈએ આ બારણું ખોલી નાખ્યું છે! કેટલો બધો તડકો લાગે છે!
મિસ ટેસમન : (બારણા તરફ જતાં) તો આપણે બંધ કરી દઈએ.
હેડા : ના, ના, એમ નહીં! ટેસમન, મહેરબાની કરીને પડદા પાડી દો તો પ્રકાશ ઓછો થશે.
ટેસમન : (બારણા પાસે જતાં) વારુ, વારુ, જો હેડા, હવે તને તડકો અને તાજી હવા બંને મળ્યાં.
હેડા : હાં, તાજી હવા તો આવવી જ જોઈએ. આટલાં બધાં ફૂલોનો ખડકલો છે તે - પણ બેસોને મિસ ટેસમન!
મિસ ટેસમન : ના ના, ચાલશે. ઈશ્વરકૃપાથી અહીં બધું બરાબર છે એ જોઈ લીધું. હવે મારે ઘેર પાછા જવું જોઈએ. મારી બેન બિચારી પડી પડી રાહ જોતી હશે.
ટેસમન : મારા તરફથી એમને વ્હાલ સાથે યાદ કરજે, ફોઈબા, અને એમને કહેજે કે હું આજે મોડેથી મળવા આવી જઈશ.
મિસ ટેસમન : હા, હા, ચોક્કસ કહીશ. પણ અરે, વાતમાં ને વાતમાં હું તો ભૂલી જ ગઈ. (ખિસ્સામાં હાથ નાંખતાં) જો હું તારે માટે કાંઈક લાવી છું!
ટેસમન : શું છે ફોઈબા, એંહ!
મિસ ટેસમન : (છાપામાં વીંટલું એક પેકેટ કાઢે છે ને ટેસમનને આપે છે) લે, જો બેટા.
ટેસમન : (પેકેટ ખોલતાં) કમાલ કરી ફોઈબા, જો તો! અત્યાર સુધી તેં આ સંઘરી રાખ્યાં છે? હેડા, કેટલું હૃદયસ્પર્શી! એંહ?
હેડા : (જમણી બાજુના ખુલ્લા ખાનાવાળા કબાટ પાસે જઈ) એમ? શું છે એ?
ટેસમન : મારી જૂની સપાટ!
હેડા : ખરેખર? હા, મને યાદ આવ્યું. આપણે બહારગામ હતાં ત્યારે ઘણી વાર તમે તેની વાત કરતા હતા.
ટેસમન : મને મારી એ જૂની સપાટ વગર ફાવતું જ નહીં. તું જો તો ખરી, હેડા? (તેની પાસે જાય છે.)
હેડા : (ભઠ્ઠી તરફ જતાં) હશે, મને એની બહુ પડી નથી.
ટેસમન (તેની પાછળ જતાં) તને શું ખ્યાલ આવે હેડા, રીના ફોઈ બિચારાં માંદાં હતાં તોય એમણે મારા માટે ભરત ભરીને આ તૈયાર કરેલી. એમાં કેટકેટલાં જૂનાં સંભારણાં સમાયેલાં છે એનો તને શું ખ્યાલ આવે?
હેડા : (મેજ પાસેથી) મારી જાણે બલારાત.
મિસ ટેસમન : જ્યૉર્જ, હેડાને એની ન જ પડી હોય.
ટેસમન : હા, પણ મને એમ કે હવે એ આપણા કુટુંબમાં આવી એટલે........
હેડા : જ્યૉર્જ, આ બાઈ સાથે આપણને જરાયે ફાવશે નહીં.
મિસ ટેસમન : બર્ટા સાથે નહીં ફાવે?
ટેસમન : કેમ તને એવું શા પરથી લાગે છે?
હેડા : જુઓ પણે. એણે પોતાની જૂની ટોપી અહીં ખુરશીમાં નાખી છે.
ટેસમન : (સ્તબ્ધ થતાં, હાથમાંની સપાટ પડી જાય છે.) અરે, હે.....ડા.....
હેડા : ધારો કે અત્યારે કોઈ આવી ચડે ને આમ જુએ તો કેવું લાગે?
ટેસમન : પણ હેડા એ તો જુલિફોઈની ટોપી છે.
હેડા : એમ!
મિસ ટેસમન : (ટોપી હાથમાં લેતાં) હા, હા, મારી જ છે અને તે ય નવી, તે જૂની નથી, શ્રીમતી હેડા.
હેડા : મેં એને પાસેથી નહીં જોયેલી, મિસ ટેસમન!
મિસ ટેસમન : (ટોપી પહેરતાં) એટલું જ નહીં, મેં આજે એ પહેલી વાર જ પહેરી છે. સાવ પહેલી જ વાર.
ટેસમન  : અને ટોપી સરસ પણ છે! કેટલી સુંદર દેખાય છે!
મિસ ટેસમન : અરે, એ તો ઠીક હવે, કાંઈ એટલી બધી સરસ નથી, જ્યૉર્જ! (આજુબાજુ જોતાં) મારી છત્રી?… હા, આ રહી. (લઈ લે છે) કારણ કે એ પણ મારી જ છે. (ધીમેથી) બર્ટાની નહીં.
ટેસમન : નવી ટોપી અને નવી છત્રી! જો તો હેડા!?
હેડા : ખૂબ સરસ, ખરેખર.
ટેસમન : હા, નહીં? એંહ? પણ જુલિફોઈ, તું જતાં પહેલાં એક વાર તું હેડાને નીરખી તો લે! કેટલી રૂપાળી છે!
મિસ ટેસમન : હા, દીકરા, હેડા તો પહેલેથી જ રૂપાળી છે. એમાં નવું કાંઈ નથી. (માથું હલાવતાં જમણી બાજુ જાય છે.)
ટેસમન : (એની પાછળ પાછળ જતાં) હા, પણ ખાસ કરીને અત્યારે કેવી રૂપાળી દેખાય છે. તેં જોયું? મુસાફરી દરમ્યાન એનું શરીર કેવું ભરાયું છે?
હેડા : (એક છેડેથી બીજે છેડે જતાં) અરે, અરે, તમે ચૂપ રહો.
મિસ ટેસમન  : (રોકાઈને પાછું વળી જોતાં) ભરાયું છે?
ટેસમન : હા, હા, એ તો અત્યારે એણે આવું પહેર્યું છે એટલે તને બરાબર ખ્યાલ આવતો નથી, પણ મને તો-
હેડા : (કાચના બારણા પાસે અધીરાઈથી) ના, ના, તમને તો કાંઈ ખબર જ પડતી નથી.
મિસ ટેસમન : ટિરોલના પહાડી હવાપાણીથી કદાચ-
હેડા : (વચમાં જ કાપી નાંખતાં) હું નીકળી ત્યારે જેવી હતી તેવી જ છું.
ટેસમન : સારું. તારે એમ માનવું હોય તો એમ. બાકી મને તો ખાતરી છે કે તારામાં ફેરફાર થયો છે. કેમ ફોઈબા?
મિસ ટેસમન : (બે હાથ ભેગા કરી હેડા તરફ જોઈ રહી છે ) હેડા સુંદર છે, રૂપાળી છે, રૂપરાણી છે. (હેડા પાસે જાય છે, તેનું માથું પોતાના બંને હાથમાં લઈ નીચું નમાવીને ચૂમી લે છે.) ઈશ્વર હેડા ટેસમનને દીર્ઘાયુ આપે--મારા જ્યૉર્જ માટે -
હેડા : (ધીમેથી છોડાવી લેતાં) ઓહ, મને છોડો.
મિસ ટેસમન : (ઊંડા પ્રેમથી) તને મળ્યા વગર મારાથી એક દિવસ પણ નહીં રહેવાય.
ટેસમન : તારાથી રહી શકાશે જ નહીં, કેમ ફોઈબા, એંહ?
મિસ ટેસમન : ચાલો ત્યારે હું જાઉં. આવજો.
[પરસાળના બારણામાંથી બહાર જાય છે. ટેસમન પણ સાથે જાય છે. બારણું અધખુલ્લું છે. ટેસમન ફરી ફરીને રીના ફોઈને સંદેશો મોકલતો સંભળાય છે અને સપાટ માટે વારે વારે આભાર માને છે. આ દરમ્યાન હેડા ખંડમાં આંટા મારે છે અને આવેગમાં પોતાના હાથ ઊંચા કરી જોસથી મુક્કી ઉગામે છે. પછી કાચના બારણાનો પડદો ઝાટકા સાથે ખસેડી નાંખે છે અને બહાર જોતી ઊભી રહે છે. થોડી વારમાં ટેસમન પાછો આવે છે ને પરસાળનું બારણું બંધ કરે છે.]
ટેસમન : (જમીન પર પડેલી સપાટ હાથમાં લેતાં) હેડા, શું જુએ છે?
હેડા : (શાંત થઈ પોતાની લાગણીઓ પર સંયમ લાવતાં) કાંઈ નહીં. હું તો ખાલી આ પાંદડાં જોતી હતી. કેવાં પીળાં અને ચીમળાઈ ગયેલાં દેખાય છે?
ટેસમન : (સપાટ પાછી છાપામાં વીંટી દે છે અને મેજ પર મૂકે છે.) હા, જો ને, એમ કરતાં કરતાં સપ્ટેમ્બર પણ આવી ગયો!
હેડા : (ફરી અસ્વસ્થ થતાં) હા, સાચી વાત છે. આવી ગયો. સપ્ટેમ્બર આવી ગયો....
ટેસમન : તને એમ નથી લાગતું કે જુલિફોઈની રીતભાત કાંઈ જુદી હતી? કાંઈક ગંભીર થઈ ગઈ હતી? શું થયું હશે? તને કાંઈ સમજાય છે? એંહ?
હેડા : હું તો હજી એમને પૂરાં ઓળખતી પણ નથી. કાયમ આવાં નથી હોતાં?
ટેસમન : ના. આજ જેવી તો નહીં જ.
હેડા : (કાચના બારણાથી દૂર જતાં) પેલી ટોપીની વાતમાં ચિડાયાં હશે?
ટેસમન : અરે, ના રે ના, પણ કદાચ તે વખતે સ્હેજ.....
હેડા : પણ સ્વાગતખંડમાં તે ટોપી મુકાતી હશે? એવું તો કોઈ ના કરે.
ટેસમન : હા, પણ હેડા, જુલિફોઈ હવે એવું ફરી નહીં કરે એની તું ખાતરી રાખજે.
હેડા : ખેર, જવા દો, એમની સાથે હવે સારાસારી રાખવા પ્રયત્ન કરીશ.
ટેસમન : હેડા તું જો એટલું કરી શકે તો ઘણું સારું.
હેડા : આજ બપોરે તમે ત્યાં જાઓ ત્યારે સાંજે અહીં આવવાનો એમને આગ્રહ કરતા આવજો.
ટેસમન : ચોક્કસ અને એમને ખુશ કરવાનો એક બીજો રસ્તો પણ છે.
હેડા : શું?
ટેસમન : તું એને 'તું'કારાથી બોલાવ. છેવટે મારે ખાતર પણ આટલું ન કરે હેડા? એંહ?
હેડા : ના, ના, ટેસમન એ મારાથી નહીં બની શકે. એ તો મેં તમને પહેલેથી જ કહી દીધું છે. હું બહુ બહુ તો એમને જુલિયા ફોઈ કહેવાનો પ્રયત્ન કરી જોઉં. બસ એથી વધુ આશા ન રાખશો.
ટેસમન : ઠીક, ઠીક, આ તો મને એમ કે હવે તું અમારા કુટુંબમાં આવી........ એટલે........
હેડા : હં, પણ એમાં મારે શા માટે..... (વચલા પ્રવેશમાર્ગ તરફ જાય છે.)
ટેસમન : (ઘડીક રહીને) હેડા, તને શું થયું છે? એંહ?
હેડા : કાંઈ નહીં. એ તો હું મારો જૂનો પિયાનો જોતી હતી. આ બધા રાચરચીલા સાથે શોભતો નથી.
ટેસમન : મારો પહેલો પગાર આવશે તેમાંથી બદલાવી દઈશું.
હેડા ના, ના, બદલાવશો નહીં. મારે આ કાઢી નાંખવો નથી. એને આપણે અંદરના ખંડમાં મુકાવી દઈએ તો? અને અહીં બીજો નવો લાવીશું..... જ્યારે સગવડ થાય ત્યારે.
ટેસમન : (સહેજ ચમકતાં) હા, હા, ચોક્કસ. એમ જ કરીશું.
હેડા : (પિયાનો પરથી ફૂલોનો ગુચ્છ લેતાં) આપણે રાત્રે આવ્યાં ત્યારે તો આ ફૂલો અહીં નહોતાં.
ટેસમન : જુલિફોઈ તારે માટે લાવ્યાં હશે.
હેડા : (ગુચ્છો તપાસતાં) આમાં મુલાકાતી ચિઠ્ઠી છે. (બહાર કાઢી વાંચે છે) “ફરીથી મોડેથી આવીશ.” કોણ હશે બોલો જોઉં? કંઈ ખ્યાલ આવે છે?
ટેસમન : ના..... કોણ છે? એંહ?
હેડા : નામ છે મિસિસ એલ્વસ્ટેડ.
ટેસમન : ખરેખર? શેરીફ એલ્વસ્ટેડનાં પત્ની? ત્યારે તો મિસ રાયસીંગ હતાં.
હેડા : તે જ નહીં? એના પેલા ચીઢ ચડે તેવા વાળનો વટ માર્યા કરતી હતી એ છોકરી ને? સાંભળ્યું છે તમારે તેની સાથે મીઠો સંબંધ હતો?
ટેસમન : (હસતાં) અરે, એ કાંઈ લાંબું ચાલ્યું નહોતું. અને તેય તારી સાથે પરિચય થયા પહેલાંની વાત છે. હેડા, પણ ખ્યાલ તો કર! એ આ જ ગામમાં આવ્યાં છે!
હેડા : પણ એ આપણને મળવા આવે એ જરા વિચિત્ર લાગે છે. શાળા છોડ્યા પછી અમે ભાગ્યે જ મળ્યાં હઈશું.
ટેસમન : મેં પણ એમને, રામ જાણે કેટલાય વખતથી જોયાં નથી. મને તો એમ થાય છે કે આવા ખાબોચિયામાં કેમ કરીને રહેતાં હશે? એંહ?
હેડા : (એક ક્ષણ વિચાર કરીને, એકદમ) ટેસમન, એ પણ--એઈલર્ટ લોવબર્ગ પણ--ત્યાં જ ક્યાંક નથી રહેતા?
ટેસમન : હા, એટલામાં જ ક્યાંક રહે છે. (બર્ટા પરસાળના બારણામાંથી પ્રવેશે છે.)
બર્ટા : (ફૂલો તરફ નિર્દેશ કરતાં) થોડી વાર પહેલાં આ ફૂલો આપી ગયાં હતાં તે બહેન આવ્યાં છે. તમારા હાથમાં છે તે જ ફૂલો, બાઈસાહેબ.
હેડા : ઓહ, એમ? સારું. એમને અંદર મોકલ. (બર્ટા બહાર જાય છે. મિસિસ એલ્વસ્ટેડ અંદર આવે છે.)
[મિસિસ એલ્વસ્ટેડનો દેહ નાજુક છે. ચહેરો સુંદર અને નમણો છે. આંખો આછા ભૂરા રંગની, મોટી, ગોળ, કંઈક ધ્યાન ખેંચે તેવી છે. આંખોમાં કંઈક ગભરાટ તથા ઉત્સુકતા છે. વાળ સોનેરી રંગના ખાસ્સા એવા ભરાવદાર અને વાંકડીયા છે. તેણે કાળા રંગનો પોષાક પહેર્યો છે—તદ્દન આધુનિક નહીં છતાંય રુચિકર. હેડા કરતાં બેએક વર્ષ નાની છે.]
હેડા : (ઉમળકાથી આવકારતાં) આવો, આવો, કેમ છો મિસિસ એલ્વસ્ટેડ? આપણે ઘણે વખતે મળ્યાં! મને બહુ આનંદ થયો.
મિસિસ એલ્વસ્ટેડ : (ગભરાટથી જાત પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરતાં) હા, આપણને મળ્યે ઘણો વખત થયો.
ટેસમન : (હાથ લાંબો કરતાં) અને આપણે મળ્યે ય તે કેવાં! એંહ!
હેડા : તમે મોકલાવેલાં ફૂલ મને ખૂબ ગમ્યાં. આભાર.
મિસિસ એલ્વસ્ટેડ : એ તો ઠીક હવે - આમ તો હું ગઈ કાલે બપોરે સીધી જ આવવાની હતી, પણ મને ખબર પડી કે તમે અહીં નહોતાં.
ટેસમન : તમે હમણાં જ ગામમાં આવ્યાં? એંહ?
મિસિસ એલ્વસ્ટેડ : હું કાલે બપોરે આવી. ઓહ, તમે ઘેર નહોતાં એ સાંભળીને મારા તો પગ જ ભાંગી ગયા.
હેડા : પગ જ ભાંગી ગયા? કેમ?
ટેસમન : કેમ એમ મિસિસ રાયસિંગ-અરે મિસિસ એલ્વસ્ટેડ?
હેડા : તમે કોઈ મુશ્કેલીમાં તો નથી ને?
મિસિસ એલ્વસ્ટેડ : છે તો એમ જ, પણ અહીં મારું એવું બીજું કોઈ જ ઓળખીતું નથી કે જેની પાસે હું મારું દિલ ખોલી શકું.
હેડા : (ગુચ્છો મેજ પર મૂકતાં) આવો આપણે અહીં કૉચ પર બેસીએ.
મિસિસ એલ્વસ્ટેડ : ના, ના, હું ખૂબ ઉદ્વેગમાં છું. મારાથી બેસી નહીં શકાય.
હેડા : એમ ના ચાલે. આવો, અહીં આવો. (ખેંચીને કૉચ પર બેસાડે છે. પોતે બાજુમાં બેસે છે.)
ટેસમન : હં, હવે વાત કરો, શું છે? મિસિસ એલ્વસ્ટેડ?
હેડા : ઘેર કાંઈ ખાસ બન્યું છે?
મિસિસ એલ્વસ્ટેડ : હા-અને ના. મને સખત ડર છે કે તમારા મનમાં મારા વિષે ક્યાંક ગેરસમજ નહીં થાય ને.
હેડા : તો પછી એમ કરો મિસિસ એલ્વસ્ટેડ, આખી વાત અમને પહેલેથી માંડીને કહો.
ટેસમન : મને તો લાગે છે તમે એટલા માટે જ આવ્યાં હતાં. એંહ?
મિસિસ એલ્વસ્ટેડ : હા, હા, એમ જ. તો પછી મારે તમને સહુ પ્રથમ તો એ જ કહેવું પડશે—તમે હજી સુધી જાણતાં ન હો તો - કે એઈલર્ટ લોવબર્ગ પણ ગામમાં આવ્યા છે.
હેડા : લોવબર્ગ!
ટેસમન : શું એઈલર્ટ લોવબર્ગ? પાછો આવ્યો છે? જો તો ખરી!
હેડા : હા, હા, હું સાંભળું છું.
મિસિસ એલ્વસ્ટડ : એમને અહીં આવ્યે લગભગ અઠવાડિયું થયું હશે. પૂરું અઠવાડિયું. આવા ગામમાં અને તે પણ ચારે બાજુ આટલાં પ્રલોભનો! પાછા એકલા.
હેડા : અરે મારાં ભલાં મિસિસ એલ્વસ્ટેડ, એમાં તમને આટલું બધું શેનું લાગી આવે છે?
મિસિસ એલ્વસ્ટડ : (સ્હેજ ચમકીને સામું જુએ છે. પછી એકદમ) એ બાળકોના શિક્ષક હતા.
હેડા : તમારાં બાળકોના?
મિસિસ એલ્વસ્ટેડ : મારા પતિનાં બાળકોના. મારે કાંઈ છે જ નહીં.
હેડા : એટલે કે તમારાં ઓરમાન બાળકોના?
મિસિસ એલ્વસ્ટેડ : હા.
ટેસમન : (સ્હેજ અચકાતાં) તો પછી. ઓહ. હું કેવી રીતે સમજાવું?..... પણ..... આવી જાતની કામગીરી માટે તેણે લાયકાત કેળવી હતી ખરી?
મિસિસ એલ્વસ્ટેડ : છેલ્લાં બેએક વર્ષથી તો એમના વર્તનમાં કાંઈ કહેવાપણું જોયું નથી.
ટેસમન : સાચે સાચ? જો તો ખરી હેડા?
હેડા : હા હું સાંભળું છું.
મિસિસ એલ્વસ્ટેડ : તદ્દન નિષ્કલંક, એની તો હું તમને ખાતરી આપી શકું—દરેક રીતે—પણ છતાંય હવે એ અહીં આવ્યા છે - આવડા મોટા શહેરમાં - અને પાછાં ખિસ્સાં તર એટલે મને બહુ ડર રહે છે.
ટેસમન : પહેલાંની જેમ એ તમારા બંનેની સાથે જ કેમ ન રહ્યો?
મિસિસ એલ્વસ્ટેડ : એમનું પુસ્તક છપાયા પછી એ બહુ ચંચળ બની ગયા અને અમારા ભેગા ન રહી શક્યા.
ટેસમન : હા, હા, જુલિફોઈ કહેતાં હતાં કે એણે એક નવી ચોપડી લખી છે.
મિસિસ એલ્વસ્ટેડ : હા, એક મોટું પુસ્તક છે. સંસ્કૃતિની પ્રગતિને લગતું. એની રૂપરેખા જેવું. લગભગ પખવાડિયા પહેલાં જ બહાર પડ્યું. એનું વેચાણ તો એવું પૂરજોશમાં થાય છે અને એ એટલું બધું વંચાય છે ને એવી તો એણે સનસનાટી ફેલાવી છે-
ટેસમન : ખરેખર? એનું પતન થયું તે પહેલાંના સારા દિવસો દરમ્યાનનાં વિચાર અને વસ્તુ એણે એમાં ગૂંથ્યાં હશે.
મિસિસ એલ્વસ્ટેડ : ઘણા વખત પહેલાનાં, એમ કહેવા માંગો છો?
ટેસમન : હા
મિસિસ એલ્વસ્ટેડ : ના, અમારી સાથે હતા તે સમય દરમ્યાન આ બધું એમણે લખ્યું છે, ગયે વર્ષે.
ટેસમન : એ સારા સમાચાર નથી હેડા? વિચાર તો કર! એંહ?
મિસિસ એલ્વસ્ટેડ : હા, પણ એ ટકી રહેશે કે કેમ!
હેડા : તમે એને અહીં ગામમાં મળ્યાં ખરાં?
મિસિસ એલ્વસ્ટેડ : ના, હજી સુધી તો નથી મળી. મને એમનું સરનામું શોધી કાઢવામાં બહુ મુશ્કેલી પડી. છેક આજે સવારે જાણ્યું.
હેડા : (તીક્ષ્ણ દૃષ્ટિથી જોતાં) એક વાત કહું? મને તમારા પતિનું વર્તન જરા વિચિત્ર—હંમ—
મિસિસ એલ્વસ્ટેડ : (ચમકતાં) મારા પતિનું? શું?
હેડા : કે આવા કામ માટે એ તમને મોકલે—મિત્રની તપાસ કરવા, કાળજી રાખવા, એ જાતે ન આવે?
મિસિસ એલ્વસ્ટેડ : અરે—ના—ના. એમને તો જરા ય સમય જ નથી. અને વળી મારે – મારે થોડી ખરીદી પણ કરવી હતી.
હેડા : (સ્હેજ સ્મિત કરતાં) ઓહ, તો તો જુદી વાત છે.
મિસિસ એલ્વસ્ટેડ : (ઝડપથી બેચેનીથી ઊભી થતાં) હું બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી કરું છું. મિ. ટેસમન, જો લોવબર્ગ તમારી પાસે આવે—અને મને ખાતરી છે કે એ આવશે જ—કારણ કે એક જમાનમાં તમે બંને ખાસ મિત્રો હતા. અને વળી મારી સમજ પ્રમાણે તો તમારા બંનેનો, અભ્યાસનો વિષય, એટલે કે જ્ઞાનની શાખા એક જ છે—એટલે એ જો તમારી પાસે આવે તો એની સાથે પ્રેમથી વાત કરજો.
ટેસમન : એ તો ઠીક, પણ અમે મિત્રો હતા ખરા.
મિસિસ એલ્વસ્ટેડ : એટલે જ મારી આર્જવભરી વિનવણી છે કે તમે-તમે પણ એના ઉપર ચાંપતી નજર રાખજો. આટલું વચન તો મને આપશો જ મિ. ટેસમન, નહીં?
ટેસમન : ઘણી જ ખુશીથી મિસિસ રાયસીંગ-
હેડાઃ એલ્વસ્ટેડ.
ટેસમન : હું તમને ખાતરી આપું છું કે એઈલર્ટ માટે હું બનતું બધું જ કરીશ. મારા પર વિશ્વાસ રાખો.
મિસિસ એલ્વસ્ટેડ : હા……શ. હું તમારો કેટલો ઉપકાર માનું! (તેના બંને હાથ દબાવે છે. ગભરાયેલી.) આભાર, આભાર, આભાર. મારા પતિને એમની બહુ માયા છે.
હેડા : (ઊભા થતાં) ટેસમન, તમારે એમને કાગળ લખવો જોઈએ. એ કદાચ પોતાની જાતે ન પણ આવે.
ટેસમન : હા, હા, એમ જ કરીએ હેડા, કેમ? એંહ?
હેડા : ધરમના કામમાં ઢીલ નહીં. અત્યારે જ કેમ નહીં?
મિસિસ એલ્વસ્ટેડ : (આજીજીપૂર્વક) એમ કરો તો તો કેટલું સારું?
ટેસમન : અરે, હું અત્યારે જ આ ક્ષણે જ લખી નાખું છું. તમારી પાસે એનું સરનામું છે, મિસિસ- મિસિસ એલ્વસ્ટેડ?
મિસિસ એલ્વસ્ટેડ : હા, (ખિસ્સામાંથી કાગળનો ટુકડો કાઢીને આપે છે.) આ રહ્યું લો.
ટેસમન : સરસ, સરસ. ચાલો ત્યારે હું અંદર જાઉં. (આજુબાજુ જોતાં) અરે, હાં, મારી સપાટ? ઓહ, આ રહી. [પેકેટ હાથમાં લે છે અને જવા જાય છે.]
હેડા : જુઓ, ખૂબ વિનયથી લખજો. મૈત્રીભર્યો પત્ર લખવાનો છે ને ખાસ્સો લાંબો પણ.
ટેસમન : જેવો હુકમ.
મિસિસ એલ્વસ્ટેડ : પણ… પણ. મહેરબાની કરીને મેં આ સૂચવ્યું છે એવું દર્શાવતો એક શબ્દ પણ ન લખતા.
ટેસમન : અરે હોય, એ બાબતમાં હવે તમે નિશ્ચિંત રહેજો.
[અંદરના ખંડમાંથી જમણી બાજુ જાય છે.]
હેડા : (મિસિસ એલ્વસ્ટેડ પાસે જઈ, ધીમેથી સસ્મિત) જોયું? આપણે એક કાંકરે બે પક્ષી માર્યાં!
મિસિસ એલ્વસ્ટેડ : હું સમજી નહીં.
હેડા : તમને એટલો ખ્યાલ પણ ન આવ્યો કે મારે એમને મોકલી દેવા હતા?
મિસિસ એલ્વસ્ટેડ : હા, કાગળ લખવા માટે.
હેડા : અને હું તમારી સાથે એકાંતમાં વાત પણ કરી શકું.
મિસિસ એલ્વસ્ટેડ : (મૂંઝાતાં) એ જ વાત વિષે?
હેડા : હા, એમ જ.
મિસિસ એલ્વસ્ટેડ : (કુશંકાથી) પણ એમાં હવે વધુ કહેવાનું કાંઈ છે જ નહીં મિસિસ ટેસમન, કશું જ નહીં.
હેડા : હા, હા, છે. હજુ તો ઘણું છે. મને ખબર છે ને! અહીં બેસો, આપણે નિરાંતે ખાનગી ગોષ્ઠિ કરીશું.
[મિસિસ એલ્વસ્ટેડને ભઠ્ઠીની બાજુમાંની આરામખુરશીમાં, કંઈક બળજબરીપૂર્વક બેસાડે છે. પોતે નાના સ્ટૂલ પર બેસે છે.]
મિસિસ એલ્વસ્ટેડ : (કંઈક અધીરાઈથી કાંડા ઘડિયાળ જોતાં) પણ મિસિસ ટેસમન, હું તો જવાની તૈયારી કરતી હતી.
હેડા : હવે ગયાં. તમારે એવી શી ઉતાવળ હોય હેં? ચાલો હવે મને તમારા સંસાર વિષે વાત કરો.
મિસિસ એલ્વસ્ટેડ : એ વિષે વાત કરવી તો મને જરાય ગમતી નથી.
હેડા : પણ મારી સાથે ય? કેમ, આપણે એક જ નિશાળમાં નહોતાં?
મિસિસ એલ્વસ્ટેડ : હા, પણ તમે મારાથી આગળ હતાં. ઓહ, તે વખતે મને તમારી કેટલી બધી બીક લાગતી હતી?
હેડા : મારી બીક?
મિસિસ એલ્વસ્ટેડ : હા, સખત. કારણ આપણે જ્યારે દાદર પર મળતાં ત્યારે હંમેશાં તમે મારા વાળ ખેંચતાં.
હેડા : હું એવું કરતી? ખરેખર?
મિસિસ એલ્વસ્ટેડ : હા, અને એક વખત તો તમે એમ પણ કહેલું કે તમે મારા વાળ બાળી નાંખશો.
હેડા : અરે, એ તો બધું ખરેખર અર્થહીન હતું.
મિસિસ એલ્વસ્ટેડ : હા, પણ હું એ વખતે સાવ બાધી હતી. ત્યાર પછી આપણે એકબીજાથી ઘણાં દૂર સરી ગયાં. આપણાં મિત્રમંડળ પણ સાવ અલગ જ રહ્યાં.
હેડા : તો પછી હવે પાછાં નજદીક સરી આવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જુઓ સાંભળો. નિશાળમાં આપણે એકબીજાંને તુંકારો દેતાં હતાં અને ફક્ત નામથી જ બોલાવતાં હતાં.
મિસિસ એલ્વસ્ટેડ : ના, ના, તમારી ચોક્કસ ક્યાંક ભૂલ થાય છે.
હેડા : ના, જરાય નહીં. મને બરાબર યાદ છે. એટલે આપણે હવે જૂનાં બેનપણાં તાજાં કરવાનાં છે. (સ્ટૂલ નજીક લાવે છે.) હં એમ. (તેના ગાલ પર ચૂમી ભરે છે.) તારે મને હવેથી “તું” કહેવાનું અને મને “હેડા' કહીને બોલાવવાની.
મિસિસ એલ્વસ્ટેડ : (તેનો હાથ પકડી દબાવે છે.) તમે, કેટલાં ભલાં અને માયાળુ છો? મારા પ્રત્યે કોઈએ આટલી લાગણી દાખવી નથી.
હેડા : જો, પાછું, પાછું, પાછું? અને હવે હું પણ તને પહેલાંની જેમ 'તુંકારો દઈશ અને “તોરા” કહીને બોલાવીશ.
મિસિસ એલ્વસ્ટેડ : મારું નામ “તી” છે.
હેડા : અરે હા “તી” (તેની તરફ અનુકંપાની દૃષ્ટિથી જોતાં) હંમ્. તો તને પ્રેમ અને લાગણીની હૂંફ નથી મળી કેમ? તારા પોતાના ઘરમાં પણ નહીં?
મિસિસ એલ્વસ્ટેડ : મારે ઘર હોત તો કેવું સારું? મારે ઘર છે જ નહીં અને કદી હતું પણ નહીં.
હેડા : (એક ક્ષણ સામું જોઈ રહે છે.) મને એની ગંધ આવી જ હતી.
મિસિસ એલ્વસ્ટેડ : (અવકાશમાં સ્થિર દૃષ્ટિથી જોતાં) હા- હા - હા -
હેડા : મને બરાબર યાદ નથી. તું પહેલાં તો મિ. એલ્વસ્ટેડને ત્યાં ઘરની દેખભાળ માટે રહી હતી કેમ?
મિસિસ એલ્વસ્ટેડ : મૂળ તો હું આયા તરીકે ગઈ હતી. પણ એમનાં પત્ની—એમનાં સ્વર્ગસ્થ પત્ની—બહુ માંદાં રહેતાં. લગભગ પથારીવશ જ. એમના ઓરડામાંથી ભાગ્યે જ બહાર નીકળતાં. એટલે ઘરનું કામકાજ પણ મારે જોવું પડતું.
હેડા : અને છેવટે તું ઘરની રાણી બની ગઈ કેમ?
મિસિસ એલ્વસ્ટેડ : (નિસાસો નાંખતાં) હા, એમ જ.
હેડા : એ લગભગ કેટલા વખત પહેલાં હશે?
મિસિસ એલ્વસ્ટેડ : મારાં લગ્ન?
હેડા : હા
મિસિસ એલ્વસ્ટેડ : પાંચ વર્ષ પહેલાં.
હેડા : હા, એટલાં તો થયાં હશે.
મિસિસ એલ્વસ્ટેડ : ઓ..... મા..... એ પાંચ વર્ષો—અને એમાંય છેવટ છેવટનાં છેલ્લાં બેત્રણ વર્ષો તો! તમને એનો શું ખ્યાલ આવે?
હેડા : (હાથ પર હળવી ટપલી મારતાં) “તમને" કહ્યું પાછું? છટ્ તી!
મિસિસ એલ્વસ્ટેડ : હા, હા, હું પ્રયત્ન કરીશ. હં..... તું જો કલ્પના કરી શકે અને સમજી શકે તો-
હેડા : એઈલર્ટ લોવબર્ગ તમારી પડોશમાં લગભગ ત્રણેક વર્ષથી છે. ખરું?
મિસિસ એલ્વસ્ટેડ : (અનિશ્ચિતતાથી સામું જુએ છે) એઈલર્ટ લોવબર્ગ? હા, છે.
હેડા : પહેલાં તું એમને ઓળખતી હતી? અહીં ગામમાં?
મિસિસ એલ્વસ્ટેડ : નહીંવત્, સ્હેજસાજ… હા, એમનું નામ સાંભળેલું.
હેડા : પણ પછી ત્યાં તમે અવારનવાર મળતાં ખરું?
મિસિસ એલ્વસ્ટેડ : હા, એ અમારે ત્યાં રોજ આવતા. અમારાં બાળકોને એ ભણાવતા, કારણ પછીથી મારાથી બધે નહોતું પહોંચી વળાતું.
હેડા : હા, એ તો છે જ —અને તારા વર—મને લાગે છે એ ઘણુંખરું બહાર જ રહેતા હશે?
મિસિસ એલ્વસ્ટેડ : હા. આગેવાન છે એટલે જિલ્લામાં ફરવાનું એમને ઘણું રહે છે.
હેડા : (ખુરશીના હાથા પર ઢળતાં) તી! મારી ગરીબ બિચારી વહાલી તી! હવે તો તારે મને બધું જ કહેવું પડશે, જેમ છે તેમ, બધું જ.
મિસિસ એલ્વસ્ટેડ : ઠીક, તો તું મને પ્રશ્નો પૂછ.
હેડા : તી, તારા વર કેવા માણસ છે?..... એટલે કે…… તું સમજીને—રોજિંદા જીવનમાં. તારા પ્રત્યે લાગણી રાખે છે?
મિસિસ એલ્વસ્ટેડ : (વાત ટાળતાં) એમની ભાવના તો દર વખતે સારી હોય છે. એટલું તો ખાતરીથી કહી શકું.
હેડા : મને લાગે છે એ ઉંમરે તારા કરતાં બહુ મોટા હશે. તમારા બે વચ્ચે વીસેક વર્ષનો ફેર હશે, ખરું કે નહીં?
મિસિસ એલ્વસ્ટેડ : (ચિડાઈને) હા, તે પણ સાચું છે. એમની એકેએક વાત માટે મને સૂગ છે. એક વિચાર સરખો ય અમારા બેનો મળતો આવતો નથી. અમને એકબીજા માટે છાંટો ય લાગણી નથી.
હેડા : પણ તેમ છતાં ય — ભલેને—એમની પોતાની રીતે એમને તારી માયા નથી?
મિસિસ એલ્વસ્ટેડ : ઓહ, મને ખરેખર કાંઈ સમજાતું નથી. મને તો લાગે છે કે એ મને પોતાની મિલકતનો એક ભાગ જ ગણે છે. વળી, મને રાખવાનો ખર્ચો પણ બહુ મોટો નથી. હું મોંઘી ન પડું.
હેડા : એ તો તારી મૂર્ખાઈ કહેવાય.
મિસિસ એલ્વસ્ટેડ : (માથું ધુણાવતાં) બીજું કાંઈ શક્ય જ નથી. એમની સાથે તો નહીં જ. હું નથી માનતી કે એમની પોતાની જાત સિવાય કોઈની ય પડી હોય. હા, છોકરાં માટે થોડી લાગણી કદાચ હોય.
હેડા : અને એઈલર્ટ લોવબર્ગ માટે, તી?
મિસિસ એલ્વસ્ટેડ : (તેની સામે જોતાં) એઈલર્ટ લોવબર્ગ માટે? એવો વિચાર કેમ આવ્યો?
હેડા : કેમ? જો ને! ખાસ એમને માટે થઈને એ તને છેક અહીં આટલે દૂર આવા ગામમાં-(ભાગ્યે જ દેખાય તેવા આછા સ્મિત સાથે) અને વળી હમણાં તેં જ કહ્યું તેમ, ટેસમન પાસે, ન જ મોકલે.
મિસિસ એલ્વસ્ટેડ : (જરા ગભરાટના આંચકા સાથે) મેં એમ કહ્યું? હા, હા, મને લાગે છે કે મેં એમ જ કહ્યું હતું. (ઉશ્કેરાટથી પણ ધીમેથી) ના, એના કરતાં હું હિંમતભેર બધી ચોખવટ કરી દઉં. કારણ વહેલી મોડી એ બધી ખબર પડવાની જ છે.
હેડા : કેમ એ શું છે, મારી વહાલી તી?
મિસિસ એલ્વસ્ટેડ : ટૂંકમાં કહું તો મારા અહીં આવવા વિષે મારા પતિ જાણતા નથી.
હેડા : તારા વરને ખબર નથી?
મિસિસ એલ્વસ્ટેડ : ના, નહીં સ્તો. અને વળી એ વખતે એ ઘેર પણ નહોતા, બહારગામ ગયા હતા. ઓ પ્રભુ! મારાથી વધુ વખત સહેવાયું નહીં. એકાંત જાણે મને ખાવા ધાતું હતું.
હેડા : હંમ્—પછી?
મિસિસ એલ્વસ્ટેડ : પછી મારી જરૂરી ચીજો મેં બને તેટલી શાંતિથી ભેગી કરી લીધી, અને ઘર છોડીને ચાલી નીકળી.
હેડા : કશો જ સંદેશો મૂક્યા વગર?
મિસિસ એલ્વસ્ટેડ : હા, અને સીધી અહીંની ગાડી પકડી.
હેડા : અરે, મારી ભલી તી! તારામાં આટલી હિંમત ક્યાંથી આવી?
મિસિસ એલ્વસ્ટેડ : (ઊભી થઈને આંટા મારે છે) પણ હું બીજું કરીએ શું શકું?
હેડા : પણ, તું ઘેર પાછી જઈશ ત્યારે તારા વર શું કહેશે તેનો વિચાર કર્યો?
મિસિસ એલ્વસ્ટેડ : (મેજ પાસેથી તેની તરફ જતાં) પાછી ઘેર? એમની પાસે?
હેડા : હાસ્તો, વળી.
મિસિસ એલ્વસ્ટેડ : રામ રામ કરો હવે. પાછી ઘેર તો હું જવાની જ નથી ને!
હેડા : (ઊઠીને તેની પાસે જતાં) એટલે કે તેં તારા ઘરનો ત્યાગ કર્યો છે?-હંમેશને માટે?
મિસિસ એલ્વસ્ટેડ : હા, બીજો ઉપાય જ નહોતો.
હેડા : પણ આમ છડેચોક નાસી અવાય?
મિસિસ એલ્વસ્ટેડ : ઓહ, પણ આવી વાતો ક્યાં સુધી છાની રાખી શકાય?
હેડા : પણ તી, લોકો શું કહેશે એનો વિચાર કર્યો?
મિસિસ એલ્વસ્ટેડ : લોકોને જેમ ફાવે તેમ કહે. મને એની પડી નથી. (કૉચ પર જરા થાકીને દિલગીર થઈને બેસે છે.) આમ કર્યા વિના મારો છૂટકો જ નહોતો.
હેડા : (ઘડીક શાંત રહીને) હવે - આગળ તું શું કરવા ધારે છે?
મિસિસ એલ્વસ્ટેડ : ભગવાન જાણે! હું તો એટલું જાણું કે જો મારે જીવવું હોય તો હું તો આ ગામમાં જ રહીશ. જ્યાં એઈલર્ટ લોવબર્ગ ત્યાં હું.
હેડા : (મેજ પાસેથી ખુરશી લાવી તેની પાસે બેસે છે, અને તેના હાથને પંપાળે છે.) મારી વ્હાલી તી, તારે અને લોવબર્ગને આ..... આ સંબંધ કેવી રીતે બંધાયો?
મિસિસ એલ્વસ્ટેડ : ઓહ, ધીમે ધીમે તે વિકસતો ગયો. એમના ઉપર મારો એક પ્રકારનો પ્રભાવ પડી ગયો.
હેડા : ખરેખર?
મિસિસ એલ્વસ્ટેડ : એમણે એમની જૂની કુટેવો છોડી દીધી. જોકે મારે કીધે નહીં. મારી તો કહેવાની હિંમત જ ચાલતી નહોતી. પણ આવી ટેવો મને પસંદ નથી એવો ખ્યાલ આવતાં જ એ બધું એમણે છોડી દીધું.
હેડા : (તિરસ્કારનું એક સ્મિત છુપાવતાં) ત્યારે તો તી, તેં એમને સુધાર્યા એમ કહીએ તો ચાલે.
મિસિસ એલ્વસ્ટેડ : ગમે તેમ પણ એ તો પોતે જાતે જ એમ કહે છે. અને એમના પક્ષે, એમણે મને સાચી માનવતા શીખવાડી, મને માણસ બનાવી. એમણે જ મને કેટલીય વાતો વાંચતી, વિચારતી અને સમજતી કરી.
હેડા : એ તને પણ ભણાવતા?
મિસિસ એલ્વસ્ટેડ : ના, રીતસરના પાઠ નહીં. પણ મારી સાથે વાતો કરતા - જાતજાતની વાતો કરતા--અને પછી........ એ સોનેરી સુખદ દિવસો આવી પહોંચ્યા. હું એમના કામમાં ભાગ પડાવતી અને એમને મદદ કરવાનો અપૂર્વ લાભ એ લેવા દેતા!
હેડા : ઓહ એમ? એ એમ પણ કરવા દેતા?
મિસિસ એલ્વસ્ટેડ : હા, પછી તો એવું થઈ ગયું કે મારી મદદ વગર એ કાંઈ લખી શકતા જ નહીં.
હેડા : તમે બંને એકબીજાનાં સાથી થઈ ગયાં, કેમ?
મિસિસ એલ્વસ્ટેડ : (આતુરતાથી) સાથી? એ જ શબ્દ, હેડા, એમણે પણ એ જ શબ્દ વાપર્યો હતો. ઓહ, ખરેખર તો મને સંપૂર્ણ સુખનો અનુભવ થવો જોઈએ, પણ થતો નથી. આ બધું કોણ જાણે કેટલો સમય ટકશે?
હેડા : તો..... પછી… તને એમનામાં આટલો જ વિશ્વાસ છે?
મિસિસ એલ્વસ્ટેડ : (નિરાશાથી) મારી અને એઈલર્ટ લોવબર્ગની વચ્ચે એક સ્ત્રીની છાયા છે.
હેડા : (આતુરતાથી) એ કોણ હોઈ શકે?
મિસિસ એલ્વસ્ટેડ : કોણ જાણે. પણ એમના – એમના ભૂતકાળના જીવનમાં એ આવી ગયેલી અને હજી પણ એને તદ્દન ભૂલી શક્યા નથી.
હેડા : એમણે તને શું કહ્યું છે—એના વિષે?
મિસિસ એલ્વસ્ટેડ : એમણે તો એક જ વાર—સાધારણ વાતવાતમાં જ એનો ઉલ્લેખ કર્યો હતો.
હેડા : હા, પણ ત્યારે એમણે શું કહેલું?
મિસિસ એલ્વસ્ટેડ : કે જ્યારે એ લોકો છૂટાં પડ્યાં ત્યારે એ સ્ત્રીએ એમને પિસ્તોલથી મારી નાખવાની ધમકી આપેલી.
હેડા : (ટાઢાશથી) ઓહ, તદ્દન વાહિયાત. અહીંયાં કોઈ એવું કરે નહીં.
મિસિસ એલ્વસ્ટેડ : ના, તેથી જ મને લાગે છે કે પેલી લાલ વાળવાળી ગાયિકા છે ને, તે જ હશે. પહેલાં એ લોકોને—
હેડા : હા, એ બની શકે.
મિસિસ એલ્વસ્ટેડ : કારણ કે મને યાદ છે, એના વિષે કહેવાતું કે એ ભરેલી પિસ્તોલ સાથે રાખીને ફરે છે.
હેડા : હા, હા, તો તો પછી ચોક્કસ એ જ હશે.
મિસિસ એલ્વસ્ટેડ : (હાથ મસળતાં) અને હવે વિચાર તો કર હેડા--મેં સાંભળ્યું છે કે આ ગાયિકા પાછી ગામમાં આવી છે! ઓ પ્રભુ, મને તો કાંઈ સૂઝ પડતી નથી.
હેડા : (અંદરના ખંડ તરફ નજર કરતાં) શ..... શ..... શ..... ટેસમન આવે છે. (ઊભી થઈને ધીમેથી) આ બધું આપણે બે જ જાણીએ હોં તી!
મિસિસ એલ્વસ્ટેડ : (સફાળી ઊભી થતાં) હા, હા, એ તો એમ જ તો.
[જ્યૉર્જ ટેસમન હાથમાં પત્ર સાથે જમણી બાજુથી અંદરના ખંડમાંથી આવે છે.]
ટેસમન : ચાલો, પત્ર તો પૂરો થઈ ગયો.
હેડા : સરસ. મિસિસ એલ્વસ્ટેડ પણ હવે જાય છે. ઊભી રહે, હું પણ તારી સાથે દરવાજા સુધી આવું છું.
ટેસમન : હેડા, બર્ટા આ કાગળ ટપાલમાં નાંખી આવશે?
હેડા : (લઈને) હું એને કહું છું.
[બર્ટા પરસાળના બારણામાંથી આવે છે.]
બર્ટા : જજ બ્રૅક પુછાવે છે કે મિસિસ ટેસમન મળી શકશે?
હેડા : હા, એમને અંદર મોકલ અને જો, આ કાગળ ટપાલમાં નાખી દેજે.
બર્ટા : જી, બાઈસાહેબ. (બારણું ખોલે છે. જજ બ્રૅક અંદર આવે છે. બર્ટા બહાર જાય છે.)
[જજ બ્રૅકની ઉંમર ૪૫ વર્ષની છે. શરીરે મજબૂત અને બાંધી દડીના, છતાં હલનચલનમાં ચપળ છે. તેમનો ચહેરો ગોળ છે, અને રેખાઓમાં કુલીનતા તરી આવે છે. વાળ ટૂંકા, હજીય લગભગ કાળા, અને કાળજીપૂર્વક ઓળેલા. આંખો ચાલાક અને ચમકદાર છે. ભમ્મરો ઘેરી છે અને મૂછો પણ ભરાવદાર અને ટૂંકી છે. માપસરની સિલાઈવાળો બહાર જવાનો સૂટ પહેર્યો છે, જે એની ઉંમર જોતાં જુવાનિયાઓને વધુ શોભે તેવો લાગે છે. એક કાચનો ચશ્મો વાપરે છે અને વારંવાર તેને લટકતો છૂટો મૂકી દે છે.]
જજ બ્રૅક : (હાથમાં ટોપી સાથે નમન કરતાં) આટલી વહેલી સવારે આવવાની કોઈ હિંમત કરી શકે કે?
હેડા : બેશક કરી શકે.
ટેસમન : તમને તો ગમે તે સમયે આવવાની છૂટ છે. (તેનો હાથ દબાવે છે) આ જજ બ્રૅક અને મિસ રાયસિંગ-
હેડા : અરે?
જજ બ્રૅક : (નમન કરતાં) આપને મળીને ઘણો આનંદ થયો.....
હેડા : (તેના તરફ જોઈ હસે છે.) દિવસે તમને જોવામાં અનેરો આનંદ આવે છે.
જજ બ્રૅક : તમને હું જુદો લાગું છું?
હેડા : સ્હેજ વધુ જુવાન લાગો છો, એમ મને લાગે છે....
જજ બ્રૅક : ઘણો આભાર.
ટેસમન : પણ હેડા વિષે તમારું શું કહેવું છે? એંહ? ખીલતી હોય તેમ નથી લાગતું? આમ તો એણે.....
હેડા : ઓહ, મારી વાત જવા દો. પણ જજ બ્રેકે આપણે માટે કેટલી બધી તકલીફ લીધી છે! એમનો આભાર તો તમે માન્યો જ નહીં........
જજ બ્રૅક : અરે, એમાં શું? એ તો મારે માટે આનંદની વાત હતી-
હેડા : હા, તમે અમારા સાચા મિત્ર છો. પણ આ તી જવા અધીરી થઈ છે. એટલે આવજો, જજ. હું હમણાં પાછી આવું છું. (બંને આવજો કરે છે.)
[મિસિસ એલ્વસ્ટેડ અને હેડા પરસાળના બારણામાંથી જાય છે.]
જજ બ્રૅક : હંમ્, તો તમારાં પત્નીને સાધારણ સંતોષ થયો ને?
ટેસમન : હા, તમારો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. જોકે, અલબત્ત આમાં થોડો ફેરફાર કરવો પડશે. એકબે વસ્તુઓ હજી ખૂટે છે. એટલે થોડી નાની નાની ખરીદી પણ કરવી પડશે.
જજ બ્રૅક : ખરેખર?
ટેસમન : પણ એ બધા માટે હવે તમને હેરાન નહીં કરીએ. હેડા કહેતી હતી કે જે કાંઈ ખૂટે છે તે બધું તો એ પોતે જ સંભાળી લેશે. આવોને આપણે બેસીએ.
જજ બ્રૅક : આભાર. પણ હું બહુ બેસીશ નહીં. (મેજની બાજુમાં બેસે છે.) જુઓ ભાઈ ટેસમન, મારે તમારી સાથે થોડી વાત કરવી છે.
ટેસમન : એમ, ખરેખર? હા, સમજ્યો. (બેસતાં) આ બધા ઠાઠ તો કર્યા, હવે એનું ગંભીર પાસું વિચારવું પડશે. એંહ?
જજ બ્રૅક : ના, ના, હાલ તુરત તો પૈસાની વાત નથી. જોકે એંહ? એને માટે પણ મને લાગે છે કે આપણે ખર્ચો જરા સંભાળીને કર્યો હોત તો સારું થાત.
ટેસમન : પણ એ તો ચાલત જ નહીં ને! મારા પ્યારા દોસ્ત, હેડાનો વિચાર કરો. તમે તો એને ખૂબ સારી રીતે ઓળખો છો. ગમે તેવી રીતે, જેમ તેમ, ફુવડની જેમ રહેવાનું મારાથી એને કહી શકાય જ નહીં.
જજ બ્રૅક : ના, ના, એ જ મુશ્કેલી છે.
ટેસમન : અને વળી ભલું હશે તો મારી પ્રાધ્યાપક તરીકેની નિમણૂકને પણ હવે બહુ વાર નહીં લાગે.
જજ બ્રૅક : એ તો એવું છે ને કે આવી વાતોમાં છેલ્લી ઘડી સુધી કાંઈ કહેવાય નહીં.
ટેસમન : કેમ તમે કાંઈ ચોક્કસ સાંભળ્યું છે? એંહ?
જજ બ્રૅક : એવું ખાસ ચોક્કસ તો કાંઈ નહીં. (વાત બદલતાં) અરે, તમને એક સારા સમાચાર આપવાના છે.
ટેસમન : હા-
જજ બ્રૅક : તમારો જૂનો દોસ્ત એઈલર્ટ લોવબર્ગ ગામમાં પાછો આવ્યો છે.
ટેસમન : એ તો મને ક્યારની યે ખબર છે.
જજ બ્રૅક : કેમ તમે ક્યાંથી જાણ્યું?
ટેસમન : હમણાં હેડા સાથે જે બહેન બહાર ગયાં તેમની પાસેથી.
જજ બ્રૅક : હોય નહીં? એમનું નામ શું છે? મને બરાબર સમજાયું નહીં.
ટેસમન : મિસિસ એલ્વસ્ટેડ.
જજ બ્રૅક : હા, હા, મુખી એલ્વસ્ટેડનાં પત્ની! હા, બરાબર. એ લોકોની આસપાસમાં જ ક્યાંક રહે છે.
ટેસમન : અને જો તો! મને તો એ સાંભળીને ઘણો આનંદ થયો કે હવે તો એ સાવ સુધરી ગયો છે.
જજ બ્રૅક : એમ કહે છે ખરા.
ટેસમન : વળી એણે કાંઈ નવું પુસ્તક બહાર પાડ્યું છે? એંહ?
જજ બ્રૅક : હાસ્તો, પાડ્યું જ છે.
ટેસમન : વળી એમ પણ સાંભળ્યું છે કે એની કાંઈ ચકચાર થઈ છે.
જજ બ્રૅક : સારી એવી ચકચાર થઈ પડી છે.
ટેસમન : વિચાર તો કરો? એ સારા સમાચાર ન કહેવાય? આવો અસાધારણ શક્તિશાળી માણસ, સંપૂર્ણ વિનાશને રસ્તે હતો, એ વિચારમાત્રથી મને તો બહુ દુઃખ થતું હતું.
જજ બ્રૅક : બધાંને એમ થતું હતું.
ટેસમન : એનું શું થશે કોણ જાણે. કાંઈ જ ખ્યાલ આવતો નથી. જીવનનિર્વાહ શેના ઉપર કરશે? એંહ?
[છેલ્લા શબ્દો દરમ્યાન હેડા પરસાળમાંથી બહાર આવે છે.]
હેડા : ટેસમનને લોકો જીવનનિર્વાહ શી રીતે કરશે તેની સતત ચિંતા રહે છે.
ટેસમન : જો ને ડીઅર, બિચારા લોવબર્ગ વિષે અમે વાત કરતા હતા.
હેડા : (એના તરફ એક ત્વરિત નજર ફેંકતાં) ઓહ, એમ?
[આરામ ખુરશીમાં બેસે છે ને બેપરવાહીથી પૂછે છે.] એમને વળી શું થયું છે?
ટેસમન : કેમ, એણે પોતાની બધી મિલકત તો ઘણા વખત પહેલાં વેડફી નાંખી છે, એમાં તો શંકા છે જ નહીં અને દર વર્ષે નવી ચોપડી કાંઈ લખાય છે? એંહ? એટલે હવે તેનું શું થશે તે મને સમજાતું નથી.
જજ બ્રૅક : એ બાબત વિષે થોડી માહિતી હું કદાચ આપી શકું.
ટેસમન : ખરેખર?
જજ બ્રૅક : તમને યાદ છે ને કે એનાં સગાં ઘણાં લાગવગવાળાં છે?
ટેસમન  : ઓહો, એનાં સગાં. એમણે તો કમભાગ્યે ક્યારનાય એનાથી હાથ ધોઈ નાખ્યા છે.
જજ બ્રૅક : એક સમય એવો પણ હતો જ્યારે એ લોકો એને કુળદીપક કહેતાં હતાં.
ટેસમન : એક સમય હતો—હા, પણ એ બધાનો અંત એણે પોતાને હાથે જ આણ્યો છે.
હેડા : કોને ખબર! (સ્હેજ સ્મિત સાથે) મેં સાંભળ્યું છે કે મુખી એલ્વસ્ટેડને ત્યાં, એ લોકોએ એને સીધે રસ્તે ચડાવ્યો છે.
જજ બ્રૅક : અને પછી આ એનું છપાવેલું પુસ્તક.
ટેસમન : સારું, સારું, મારી તો શુભેચ્છા છે કે એને કોઈ કામ મળી જાય. મેં હમણાં જ એને કાગળ લખ્યો છે. હેડા, મેં એને આજે સાંજે બોલાવ્યો છે.
જજ બ્રૅક : અરે, ભલા માણસ, તમે તો મારી વાંઢા મિજલસ માટે બંધાઈ ગયા છો. કાલે રાત્રે આવ્યા ત્યારે, ધક્કા ઉપર જ તમે મને વચન નહોતું આપ્યું!
હેડા : તમે ભૂલી ગયા હતા, ટેસમન?
ટેસમન : હા, એ તો હું તદ્દન ભૂલી ગયો હતો.
જજ બ્રૅક : જોકે, કોઈ વાંધો નહીં આવે. કારણ એ આવશે નહીં એની ખાતરી રાખજો.
ટેસમન : કેમ તમે શા ઉપરથી એવું માનો છો? એંહ?
જજ બ્રૅક : (જરા ખંચાતાં ઊઠીને એની ખુરશીની પાછળ હાથ ટેકવી ઊભો રહે છે.) મારા પ્યારા ટેસમન—અને તમે પણ મિસિસ ટેસમન—મને લાગે છે કે મારે તમને વધુ વખત અંધારામાં રાખવાં ન જોઈએ— કે— કે—
ટેસમન : એઈલર્ટ લોવબર્ગની બાબતમાં?-
જજ બ્રૅક : તમારી અને એની બંનેની બાબતમાં.
ટેસમન : તો પછી કહી દો જજ.
જજ બ્રૅક : તમે આશા રાખો છો કે ઇચ્છો છો તેના કરતાં તમારી નિમણૂક કદાચ દૂર ઠેલાય.
ટેસમન : (બેચેનીથી ચોંકી ઊઠતાં) કેમ? એમાં કોઈ વિઘ્ન આવે એમ છે? એંહ?
જજ બ્રૅક : નિમણૂક કદાચ શરતી બનાવવામાં આવે—કોઈ એક સ્પર્ધાના પરિણામ પર આધારિત.
ટેસમન : સ્પર્ધા? હેડા, સાંભળતો ખરી! જો તો?
હેડા : (ખુરશીમાં વધુ ઢળતાં) આહા..... આહ!
ટેસમન : મારો પ્રતિસ્પર્ધી કોણ હોઈ શકે? આ તો નહીં--આ.....
જજ બ્રૅક : હા, તે જ. એઈલર્ટ લોવબર્ગ.
ટેસમન : (હાથ મસળતાં) ના, ના, એ ન બને, એ મનાય એવું જ નથી. તદ્દન અશક્ય. એંહ?
જજ બ્રૅક : હંમ્..... છતાં પણ પરિસ્થિતિ આવી છે.
ટેસમન : પણ જજ બ્રૅક, એમાં તો મને ઘણો મોટો અન્યાય થાય છે.
(હાથ હલાવતાં) કારણ વિચાર તો કરો, હું પરણેલો છું અને એની આશા પર જ અમારા લગ્નની ઈમારત ચણાઈ છે, હેડાના અને મારા લગ્નની, અને દેવામાં ઊંડાં ખૂંપી ગયાં છીએ. જુલિફોઈ પાસેથી પણ પૈસા લીધા છે. હે ભગવાન! એ લોકોએ આ નિમણૂકનું લગભગ વચન જ આપ્યું હતું. એંહ?
જજ બ્રૅક : હા, હા, હા, છેવટે તો એ જગ્યા તમને મળશે જ. ફક્ત સ્પર્ધાને અંતે.
હેડા : વિચાર કરો ટેસમન, એમાં તો રમતની હરીફાઈ જેવો રંગ જામશે.
ટેસમન : ઓહ હેડા, તું આટલી બધી તટસ્થ કેવી રીતે રહી શકે છે?
હેડા : (પહેલાંની જેમ જ) હું તો જરાય તટસ્થ નથી. કોણ જીતે છે એ જોવા તો હું તલપાપડ થઈ રહી છું.
જજ બ્રૅક : ગમે તેમ પણ મિસિસ ટેસમન, પરિસ્થિતિ શું છે તે તમારે સમજવું જોઈએ. એટલે આ નાની નાની ખરીદીઓનો તમે જે ઉપાડો લીધો છે.....
હેડા : ઓહો, એમાં કાંઈ ફેર પડવાનો નથી.
જજ બ્રૅક : એમ? તો પછી મારે હવે કાંઈ કહેવાનું નથી. આવજો. (ટેસમનને) હું સાંજે ફરવા જઈશ ત્યાંથી પાછા ફરતાં ડોકિયું કરીશ અને આપણે સાથે મારે ઘેર જઈશું.
ટેસમન : ઓહ, હા, હા, આ તમારા સમાચારથી તો હું અસ્વસ્થ બની ગયો છું.
હેડા : (આરામથી ઢળતાં હાથ ઊંચો કરતાં) આવજો જજ. સાંજે બોલાવવાનું ભૂલતા નહીં.
જજ બ્રૅક : ઘણો આભાર. આવજો. આવજો.
ટેસમન : (બારણા સુધી સાથે જતાં) આવજો દોસ્ત. મને જરા માફ કરજો.
[જજ બ્રૅક પરસાળના બારણામાંથી બહાર જાય છે.]
ટેસમન : (પાછો આવતાં) ઓહ, હેડા, કોઈએ એકદમ સાહસ ખેડવું જોઈએ નહીં. એંહ?
હેડા : (તેના તરફ હસીને જોતાં) તમે એવું કરો છો ખરા?
ટેસમન : હા, હેડા, એની ના પડાય તેમ નથી. ખાલી આશાઓ ઉપર જ પરણવું અને ઘર માંડવું, એ સાહસ જ કહેવાય.
હેડા : હા, એ વાત તમારી કદાચ સાચી હોય.
ટેસમન : ખેર, ગમે તેમ હેડા, આપણને તો આપણું સુંદર ઘર મળ્યું—આપણું મન માન્યું ઘર—જે ઘરનાં આપણે બંનેએ સ્વપ્નાં સેવેલાં. જે ઘર સાથે આપણે લગભગ પ્રેમમાં હતાં એમ કહીએ તો ય ચાલે. એંહ?
હેડા : (ધીમેથી, કંટાળાથી ઊઠતાં) આપણે એવી પણ સમજૂતી કરી હતી કે શિષ્ટ સમાજ સાથે નાતો રાખીશું, મિત્રોને બોલાવીશું. એમને ઘેર જઈશું, મિજબાનીઓ આપીશું.
ટેસમન : હા, તને શું ખ્યાલ આવે હેડા કે મને પણ તેની કેટલી હોંશ હતી! ખાસ ખાસ મહેમાનોને નિમંત્ર્યા હોય, ગૃહિણી તરીકે તું એ બધાંની સરભરા કરતી હોય, એ બધું જોવાના મને કેટલા કોડ હતા? ખેર, અત્યારે તો આપણે મિત્રો અને મહેમાનો વગર જ ચલાવી લેવું પડશે, હેડા. ફક્ત અવારનવાર જુલિફોઈને બોલાવીએ તે માફ. ઓહ હેડા, મારે તો તને તદ્દન જુદું જ જીવન આપવું હતું, ડીઅર.
હેડા : તો પછી મને એકાદ પાસવાન તો હમણાં નહીં જ મળે કેમ?
ટેસમન : ઓહ, ના, નહીં જ. કમનસીબે પાસવાન રાખવાનો તો હમણાં સવાલ જ ઊભો થતો નથી. તું જાણે તો છે.
હેડા : અને ઘોડેસવારીનો મારો ઘોડો - જે મને મળવાનો હતો.
ટેસમન : (સ્તબ્ધ થતાં) ઘોડેસવારીનો ઘોડો?
હેડા : મને લાગે છે એનો વિચાર તો હમણાં કરાય જ નહીં.
ટેસમન : હે પ્રભુ! ના. નહીં જ. એ તો દીવા જેવું સ્પષ્ટ છે.
હેડા : (ખંડ તરફ આગળ જતાં) ખેર, ત્યાં સુધી સમય કાપવા મારી પાસે એક રમકડું તો છે જ.
ટેસમન : (ખુશ થતાં) હાશ, પ્રભુનો પાડ. એ શું છે હેડા? એંહ?
હેડા : (વચલા પ્રવેશમાર્ગમાં ઊભી રહી, સ્હેજ દબાયેલા ગુસ્સાથી તેની સામે જોતાં) મારી પિસ્તોલો જ્યૉર્જ.
ટેસમન : (ગભરાઈને) તારી પિસ્તોલ?
હેડા : (ઠંડી નજરથી) જનરલ ગાબ્લરની પિસ્તોલો.
[અંદરના ખંડમાંથી ડાબી બાજુ જાય છે.]
ટેસમન : (વચલા પ્રવેશ માર્ગ તરફ ધસી જઈ બૂમ પાડે છે.) ઈશ્વરને ખાતર હેડા, ડીઅર, એ ખતરનાક વસ્તુઓને હાથ ન અડાડીશ—છેવટ મારે ખાતર, હેડા—એંહ?

અંક બીજો

[પ્રથમ અંકની જેમ જ ટેસમનનું ઘર. ફક્ત પિયાનો ખસેડી લીધો છે. તેની જગ્યાએ સુંદર, નાનું, ચોપડીઓ મૂકવાનું છાજલીઓવાળું લખવાનું મેજ. કૉચ પાસે ડાબી બાજુએ તેનાથી યે નાનું એક મેજ પડેલું છે. ઘણા ખરા ફૂલગુચ્છો લઈ લેવાયા છે. મિસિસ એલ્વસ્ટેડે આપેલો ફૂલગુચ્છ આગળના મોટા મેજ પર છે. સમય બપોરનો છે. હેડા ખંડમાં એકલી જ છે. મહેમાનોને સત્કારવા માટે સજ્જ હોય તેવું તેના વસ્ત્રપરિધાન પરથી લાગે છે. ખુલ્લા કાચના બારણા પાસે ઊભી ઊભી પિસ્તોલમાં ગોળી ભરી રહી છે. તે પિસ્તોલની જોડીની જ બીજી, ખુલ્લા પિસ્તોલ ઘરમાં મેજ પર પડેલી દેખાય છે.]

હેડા : (બગીચા તરફ જોતાં, કોઈને દૂરથી જોતી હોય તેમ બોલે છે.) તો તમે પાછા અહીં આવી પહોંચ્યા કેમ, જજ?
જજ બ્રૅક : (દૂરથી અવાજ આવે છે.) જી હા, મિસિસ ટેસમન.
હેડા : (પિસ્તોલ ઊંચી કરીને તાકતાં) હવે હું તમારા પર ગોળી છોડું છું, જજ બ્રૅક!
જજ બ્રૅક : (અદૃશ્ય) ના, ના, ના, એમ મારા તરફ પિસ્તોલ ન તાકશો.
હેડા : પાછલે બારણેથી ઘૂસનારની એ જ દશા થાય. (ગોળી છોડે છે.)
જજ બ્રૅક : (પાસેથી અવાજ આવે છે.) તમારું મગજ બગજ ખસી તો નથી ગયું ને?
હેડા : ઓ મા! તમને ગોળી વાગી ગઈ?
જજ બ્રૅક : (બહારથી જ) મહેરબાની કરીને આવી રમત છોડી દો તો સારું.
હેડા : વારુ, ચાલો, અંદર આવો, જજ.
[જજ બ્રૅક પુરુષોની મિજલસ માટે તૈયાર થયેલો છે. હાથમાં હળવો કોટ છે અને કાચના બારણામાંથી અંદર આવે છે.]
જજ બ્રૅક : બાપ રે! હજી તમને આવી રમતનો કંટાળો નથી આવ્યો? કોના તરફ તાકો છો?
હેડા : આ તો સહજ, ખાલી હવામાં જ ગોળી છોડી હતી.
જજ બ્રૅક : (ધીરેથી તેના હાથમાંથી પિસ્તોલ લઈ લે છે.) જોવા તો દો બાઈ સાહેબ. (જુએ છે) આહા, આ પિસ્તોલને તો હું બરાબર જાણું છું. (આસપાસ જોતાં) એનું ધરું ક્યાં છે? આ રહ્યું.
(પિસ્તોલને ધરામાં ગોઠવે છે અને ઘર બંધ કરે છે.) હવે આજ પૂરતી આ રમત પૂરી થઈ.
હેડા : પણ ભલા માણસ તો પછી મારે આખો દિવસ કરવું શું? તમે જ કહો.
જજ બ્રૅક : કેમ, કોઈ મળવા આવ્યું નથી?
હેડા : (કાચનું બારણું બંધ કરતાં) કોઈ જ નહીં. મને લાગે છે કે આપણી ટોળકીમાંથી કોઈ હજી પાછું આવ્યું નથી.
જજ બ્રૅક : ટેસમન પણ ઘેર નથી?
હેડા : (લખવાના મેજ પાસે જઈ ખાનામાં પિસ્તોલનું ધરું મૂકે છે અને ખાનું બંધ કરે છે.) ના, એ તો જમીને તરત જ એમના ફોઈને ત્યાં દોડી ગયા છે. તમે આટલા જલદી આવશો એવું એમણે ધાર્યું નહોતું.
જજ બ્રૅક : હંમ્—મને આ ખ્યાલ વહેલો આવવો જોઈતો હતો. હું યે મૂરખ જ છું ને!
હેડા : (માથું ફેરવી તેની સામે જોતાં) કેમ મૂરખ?
જજ બ્રૅક : કારણ મને જો આ ખ્યાલ વહેલો આવ્યો હોત તો હું જરા વધારે વહેલો આવતને.
હેડા : (બીજે છેડે જતાં) પણ તો પછી તમને કોઈ જ ન મળત. કારણ જમીને તરત જ હું કપડાં બદલવા મારા ઓરડામાં ચાલી ગઈ હતી, તે અત્યાર સુધી ત્યાં જ હતી.
જજ બ્રૅક : એકાદી તિરાડની યોજના તમે નથી રાખી, જેમાંથી આપણી મંત્રણા ચલાવી શકીએ?
હેડા : એવી કોઈ સગવડ રાખવાનું તો તમે જ ભૂલી ગયા છો.
જજ બ્રૅક : કાનની બૂટ પકડું છું. એ મારી બીજી મૂર્ખાઈ હતી.
હેડા : તો હવે આપણે એમ કરીએ. ટેસમનની રાહ જોતાં અહીં જ બેસીએ. એમને આવતાં હજી થોડી વાર લાગશે.
જજ બ્રૅક : કાંઈ વાંધો નહીં. મારે એવી ઉતાવળ પણ નથી.
[હેડા કૉચ પર ખૂણામાં બેસે છે. જજ નજીકથી ખુરશી પર ઓવરકોટ લટકાવે છે અને બેસે છે, પણ ટોપી હાથમાં રાખે છે. ઘડીક શાંતિ છવાય છે. બંને એકબીજા તરફ જોઈ રહે છે.]
હેડા : હંમ્—
જજ બ્રૅક : (એ જ રીતે) હંમ્—
હેડા : હું પહેલાં બોલી છું.
જજ બ્રૅક : (સ્હેજ આગળ ઝૂકતાં) આપણે નિરાંતે થોડી ગોષ્ઠિ કરીએ, હેડા.
હેડા : (કૉચમાં પાછળ ઢળતાં) આપણે છેલ્લે વાતો કર્યે જાણે યુગો વીતી ગયા, કેમકે અલબત્ત ગઈ કાલ સાંજ અને આજ સવારના થોડા છૂટાછવાયા શબ્દોને તો હું ગણતી જ નથી.
જજ બ્રૅક : મતલબ કે આપણે છેલ્લે ખાનગી વાતો કર્યે—દિલની વાતો કર્યે—ખરુંને?
હેડા : અંમ્..... હા, એમ ગણો તો એમ.
જજ બ્રૅક : એક દિવસ પણ તમને યાદ કર્યા વગરનો નથી ગયો. રોજ રાહ જોતો હતો કે ક્યારે તમે ઘેર પાછાં આવો.
હેડા : હું પણ રોજ રોજ એ જ ઇચ્છયા કરતી હતી.
જજ બ્રૅક : તમે? ખરેખર હેડા? મને તો એમ કે તમે તમારી સફર ખૂબ માણતાં હશો.
હેડા : હા, હા, એ તો એમ જ હોય ને?
જજ બ્રૅક : પણ ટેસમનના પત્રોમાં તો આનંદ સિવાય બીજી વાત જ નહોતી.
હેડા : ઓહ, ટેસમન, એને તો બસ એક જ છંદ લાગ્યો છે. પુસ્તકાલયના ખૂણામાં ભરાઈ રહેવું અને જૂનાં ચર્મપત્રોમાંથી ઉતારા કર્યા કરવા.
જજ બ્રૅક : (કંઈક દુષ્ભાવના રણકા સાથે) પણ એ તો એમનો વ્યવસાય છે! છેવટે, વ્યવસાયનું એક અંગ, એક પાસું તો ખરું જ!
હેડા : હા, હા, એ તો છે જ. એ કોઈનો વ્યવસાય હોય ત્યારે..... પણ હું? મારા વ્હાલા બ્રૅક હું કેટલી કંટાળી ગઈ છું? કેટલી ત્રાસી ગઈ છું?
જજ બ્રૅક : (સહૃદયતાથી) તમે આ સાચું કહો છો? તમારું હૃદય બોલે છે?
હેડા : હા, તમે તો સમજી જ શકશો—આપણી ટોળકીના કોઈપણ મિત્રને મળ્યા વગર છ છ મહિના વિતાવવા, અરે આપણને મનપસંદ વિષયની વાત કરવા પણ ન મળે.
જજ બ્રૅક : હા, હા, એવી ખોટ તો મને પણ સાલે.
હેડા : અને એ બધા કરતાં સહુથી અસહ્ય તો—
જજ બ્રૅક : શું?
હેડા : એ હતું કે—અનંત સમય સુધી, સતત, એકના એક માણસના સાન્નિધ્યમાં રહેવું–
જજ બ્રૅક : (સંમતિસૂચક માથું ધુણાવતાં) સવાર, બપોર, સાંજ, રાત. હા--શક્ય તેટલો બધો જ સમય—હર હંમેશ.
હેડા : મેં કહ્યું–“અનંત સમય સુધી”.
જજ બ્રૅક : તેમ જ, તેમ જ. પણ મને એમ કે આપણા ઉત્તમોત્તમ ટેસમન સાથે તો–
હેડા : ટેસમન તો રહ્યા એક નિષ્ણાત, મારા પ્યારા જજ.
જજ બ્રૅક : એની ના પડાય તેમ છે જ નહીં.
હેડા : અને નિષ્ણાતોની સાથે મુસાફરી કરવાની જરાય મજા આવે નહીં, ઝાઝો સમય તો નહીં જ.
જજ બ્રૅક : જેને માટે પ્રેમ હોય તેવા નિષ્ણાત સાથે પણ નહીં?
હેડા : છટ્, સૂગ આવે એવો એ શબ્દ ન ઉચ્ચારશો.
જજ બ્રૅક : (સ્તબ્ધ થતાં) આ તમે શું કહો છો, હેડા?
હેડા : (અર્ધું હસવામાં, અર્ધું ચીડમાં) તમને એવો અનુભવ થાય ત્યારે ખબર પડે. એના એ, સંસ્કૃતિના ઇતિહાસની જ વાતો સાંભળ્યા કરવાની—સવાર, બપોર, સાંજ ને રાત.
જજ બ્રૅક : અનંત સમય સુધી.
હેડા : હા, હા, હા! અને વળી મધ્યયુગના ગૃહઉદ્યોગો ને એવું બધું! એ બધાથી તો માથું દુઃખી જાય—
જજ બ્રૅક : (હેડા સામે ઝીણી નજરે જોતાં) પણ તો પછી મારે—શું સમજવાનું? —તમારું—હમ્—
હેડા : ટેસમનને સ્વીકારવાનું કારણ?
જજ બ્રૅક : હા, એમ જ ગણોને.
હેડા : ઓહો, એમાં તમને બહુ નવાઈ જેવું લાગે છે?
જજ બ્રૅક : હા, અને ના—હેડા.
હેડા : જજ બ્રૅક, મેં જીવન સંપૂર્ણ માણ્યું હતું. થાકી ત્યાં સુધી માણ્યું હતું અને મારો સૂરજ આથમી ગયો હતો. (સ્હેજ ધ્રુજારી સાથે) ના, ના, એવું તો નહીં કહું. એવો વિચાર સુધ્ધાં નહીં કરું.
જજ બ્રૅક : એવું વિચારવાનું કાંઈ કારણ જ નથી.
હેડા : ઓહ, કારણો-(જજ તરફ ઝીણવટથી જોતાં) જ્યૉર્જ ટેસમન—તમારે સ્વીકારવું જ પડશે કે--એ તો સચ્ચાઈની મૂર્તિ છે.
જજ બ્રૅક : એમની સચ્ચાઈ અને એમની પ્રામાણિકતા વિષે તો શંકા જ નથી.
હેડા : અને મને એમનામાં હાસ્યાસ્પદ કાંઈ દેખાતું નથી. તમને એવું કાંઈ દેખાય છે?
જજ બ્રૅક : હાસ્યાસ્પદ? ન..... ન..... ના..... સાવ એમ તો ન કહેવાય.
હેડા : વળી ગમે તેમ તોયે સંશોધનની એમની શક્તિ અથાગ છે. મને તો લાગે છે કે વહેલા મોડા પણ એક દિવસ એ જરૂર આગળ આવશે.
જજ બ્રૅક : (અનિશ્ચિતતાથી તેના તરફ જોતાં) મને હતું જ કે બીજાં બધાંની જેમ તમને પણ એમને માટે ઉચ્ચતમ પદની પ્રાપ્તિની અપેક્ષા હશે.
હેડા : (કંટાળાથી) હા હતી જ. અને વળી એમના જીવનની એક ઉમેદ હતી કે કોઈપણ ભોગે મારી આશાઓ પૂરી કરવી. તો પછી એમની લગ્નની માંગણી હું કેમ ન સ્વીકારું?
જજ બ્રૅક : હા, એ રીતે જોતાં તો—
હેડા : મારા પૂજકો જે કાંઈ કરવા તૈયાર હતા તે બધામાં આ ઘણું વધારે હતું, મારા મહેરબાન!
જજ બ્રૅક : (હસતાં) એ તો ઠીક હવે, એ બધાંના વતી તો હું જવાબ ન આપી શકું, પણ મારી વાત કરું—તમે તો જાણો જ છો, લગ્નનાં બંધનને હું હંમેશાં એક પ્રકારના માનની દૃષ્ટિથી જોતો આવ્યો છું. લગ્નપ્રથાને, ખાસ કરીને હેડા—
હેડા : (મજાક કરતાં) ઓહ, એમ. તો ખાતરી રાખજોકે તમારા માટે મેં કદી એવાં સ્વપ્નાં સેવ્યાં નથી.
જજ બ્રૅક : મારે તો ફક્ત એટલું જ જોઈએ કે તમારી સાથે હું એક પ્રકારની નિકટતા - સુખદ નિકટતા, સાધી શકું. તમને બને તેટલી રીતે મદદરૂપ થઈ પડું. મને ફાવે ત્યારે અને તેટલી વાર આવી જઈ શકું. એક વિશ્વાસુ મિત્ર તરીકે.
હેડા : ઘરના માલિકના?
જજ બ્રૅક : (નમન કરતાં) સાચું કહું તો ઘરની માલકણના, મુખ્યત્વે તો પણ અલબત્ત માલિકના પણ મિત્ર થવું મને ગમે. મૈત્રીનો સમજોકે એક એવો ત્રિકોણ રચાઈ જાય—જેથી દરેકને સુગમતા પડે—એમ કહીએ તો ચાલે.
હેડા : હા અમે મુસાફરીમાં હતાં ત્યારે મને કેટલીક વાર એમ થઈ આવતું કે અમારી બેલડીમાં કોઈ ત્રીજું ભળે ને ત્રિપુટી થાય તો સારું. ઓહ, આગગાડીના ડબાની એ ગપસપ!
જજ બ્રૅક : ઈશ્વરનો ઉપકાર માનો કે તમારી લગ્નયાત્રા પૂરી થઈ ગઈ છે.
હેડા : (માથું ધુણાવતાં) ના, ના, જરાય નહીં. હજી તો મારે ઘણો ઘણો લાંબો પંથ કાપવાનો છે. અત્યારે તો હું એ પંથ પર ફક્ત પહેલા સ્ટેશન પર જ પહોંચી છું.
જજ બ્રૅક : એમ હોય તો તો પથિક બહાર કૂદી પડીને જરા આમતેમ આંટા મારે. જરા પગ છૂટો કરે, હેડા.
હેડા : હું કદી બહાર કૂદી પડતી જ નથી.
જજ બ્રૅક : ખરેખર
હેડા : હા, કારણ કે ત્યાં હંમેશાં કોઈ ને કોઈ ઊભેલું જ હોય છે.
જજ બ્રૅક : (હસતાં) તમારા પગની સુંદર પાનીઓનાં દર્શન કરવા?
હેડા : હા, તેમ જ.
જજ બ્રૅક : પણ તો તો.....
હેડા : (નાપસંદગી દર્શાવતાં) ના, ના, એ મને બિલકુલ પસંદ નથી. એના કરતાં તો મારી એની એ જ જગ્યાએ બેસી રહીને ગપસપ જ ચાલુ રાખવાનું વધુ પસંદ કરું.
જજ બ્રૅક : પણ ધારો કે કોઈ ત્રીજી વ્યક્તિ ઘૂસી આવે અને યુગલની ત્રિપુટી બનાવી દે તો?
હેડા : આહ, એ વાત જુદી છે.
જજ બ્રૅક : કોઈ વિશ્વાસુ લાગણીવાળો મિત્ર—
હેડા : જેની પાસે અનેક રસિક વાતોને ભંડાર ભર્યો હોય—
જજ બ્રૅક : અને કોઈ પણ એક જ વિષયનો નિષ્ણાત જરાય ન હોય!
હેડા : (મોટા ઊંડા નિઃશ્વાસ સાથે) હા, તો તો ખરેખર કાંઈ રાહત મળે.
જજ બ્રૅક : (મુખ્ય બારણું ખૂલવાનો અવાજ આવે છે તે દિશામાં જુએ છે.) ત્રિકોણ હવે સંપૂર્ણ બને છે.
હેડા : (સ્હેજ મોટેથી) અને ગાડી આગળ વધે છે.
[જ્યૉર્જ ટેસમન પરસાળમાંથી પ્રવેશ કરે છે. તેણે ભૂખરા રંગનો સૂટ પહેરેલો છે. હાથમાં સુંવાળી ફેલ્ટ ટોપી છે. બગલમાં અને ખિસ્સામાં પુસ્તકોના થોકડા છે.]
ટેસમન : (ખૂણાની નાની પાટ પાસેના મેજ તરફ જાય છે.) એક તો આટલી ગરમી અને પાછો આ ચોપડીઓનો બોજ. (પુસ્તકો મેજ પર મૂકે છે.) હેડા, હું તો પરસેવે રેબઝેબ થઈ ગયો. હલ્લો, તમે આવી પણ પહોંચ્યા જજ? એંહ? બર્ટાએ તો મને કહ્યું જ નહીં.
જજ બ્રૅક : (ઊભા થતાં) હું બગીચામાંથી આવ્યો.
હેડા : આ પુસ્તકો શેનાં લાવ્યા છો?
ટેસમન : (પુસ્તકોનાં પાનાં ઉથલાવતાં. ઊભો ઊભો) મારા ખાસ વિષયને લગતાં થોડાં નવાં પુસ્તકો લાવ્યો—આના વગર મારે જરા પણ ન ચાલે.
હેડા : તમારા ખાસ વિષયને લગતાં?
જજ બ્રૅક : હા, એમના ખાસ વિષયોને લગતાં, મિસિસ ટેસમન. (બ્રૅક અને હેડા એકબીજા સામે જોઈ છૂપું સ્મિત કરે છે.)
હેડા : તમારા ખાસ વિષય માટે તમારે હજી પણ વધારે પુસ્તકો જોઈએ છે?
ટેસમન : હા, મારી હેડા, એ તો જેટલાં લાવીએ તેટલાં ઓછાં. એ વિષય પર જે કંઈ લખાય, છપાય, એ બધાના સંપર્કમાં રહેવું જ જોઈએ.
હેડા : હા, મને પણ એમ જ લાગે છે—
ટેસમન : (પુસ્તકો ફેંદતાં) અને, જો, એઈલર્ટ લોવબર્ગનું નવું પુસ્તક પણ લેતો આવ્યો. (આપતાં) જો તો ખરી, હેડા, તને એમાં રસ પડશે. એંહ?
હેડા : ના, આભાર, અથવા—પછીથી—કદાચ.
ટેસમન : ઘેર આવતાં હું એના પર નજર ફેરવી ગયો.
જજ બ્રૅક : તમને કેવું લાગ્યું? એક નિષ્ણાત તરીકે?
ટેસમન : મને તો લાગે છે કે એના આ અભિપ્રાયોની સચોટતા ધ્યાન ખેંચે તેવી છે. આ પહેલાં એણે કદી આવું ઊંડું અને આટલું ચિંતનશીલ લખાણ કર્યું નથી. (પુસ્તકો ભેગાં કરતાં) આ બધાં હું મારા અભ્યાસખંડમાં મૂકી આવું. એનાં પાનાં ઉથલાવવા મારા હાથ સળવળી રહ્યા છે....! અને પછી હું કપડાં બદલી લઉં. (બ્રૅકને) આપણે નીકળવાને તો હજી થોડી વાર છે ને? ઉતાવળ તો નથી ને? એંહ?
જજ બ્રૅક : ના, રે, ના, જરાયે ઉતાવળ નથી.
ટેસમન : તો, તો, નિરાંતે પરવારીશ. (પુસ્તકો લઈને જાય છે ત્યાં બારણામાં રોકાય છે, પાછો વળી.) અરે હાં, હેડા, જુલિફોઈ આજે સાંજે આવવાની નથી.
હેડા : આવવાનાં નથી? પેલી ટોપીની વાતનું ખોટું તો નથી લાગ્યું ને?
ટેસમન : અરે, ના રે ના, જુલિફોઈ માટે તને આવો વિચાર પણ કેમ આવે છે? એ તો રીનાફોઈની તબિયત વધુ બગડી છે એટલે.
હેડા : એમનું તો એમ જ ચાલે છે.
ટેસમન : હા, પણ આજે તો તબિયત વધારે ખરાબ છે. બિચારી!
હેડા : ઓહ, તો તો એમનાં બહેન એમની પાસે જ રહે તે જ યોગ્ય છે. અહીં આવી શક્યાં હોત તો સારું હતું.
ટેસમન : અને, તને શું ખ્યાલ આવે કે તને આવી લાલ-ગુલાબી થઈને ઘેર આવેલી જોઈ ત્યારે એ કેટલી ખુશ થઈ હતી?
હેડા : (ઊભા થતાં સ્હેજ મોટેથી) હા.....શ! આ ફોઈઓ જે માથે પડી છે! તોબા!
ટેસમન : શું?
હેડા : (કાચના બારણા તરફ જતાં) કાંઈ નહીં.
ટેસમન : વારુ ત્યારે. (અંદરના ખંડમાંથી જમણી બાજુએ જાય છે.)
જજ બ્રૅક : ટોપીની શું વાત હતી?
હેડા : ઓહ, એ તો મિસ ટેસમનને અને મારે જરા કંઈક ચડભડ થઈ ગયેલી, આજે સવારે. એમણે પેલી ખુરશી પર ટોપી મૂકી દીધેલી. (એની સામે જોઈને હસે છે.) અને મેં એવો ઢોંગ કર્યો કે જાણે એ નોકરાણીની છે એમ હું સમજી હોઉં.
જજ બ્રૅક : (માથું ધુણાવતાં) ઓહ, ઓહ, હેડા! તમે આવું કરી જ કેવી રીતે શક્યાં? આવાં ખાનદાન બુઝુર્ગ બાઈ સાથે?
હેડા : (ગભરાટથી બીજે છેડે જતાં) પણ જુઓને, કેટલીક વાર આવું કરી નાંખવાની વૃત્તિ મને થઈ આવે છે અને પછી તો રોકાતી નથી. (ભઠ્ઠી પાસેની આરામ ખુરશીમાં બેસી પડે છે.) ઓહ, હું એ સમજાવી શકતી નથી.
જજ બ્રૅક : (આરામ ખુરશીની પાછળ) આ બધાંનું મૂળ કારણ એ છે કે તમે ખરેખર સુખી નથી.
હેડા : (સામે નજર સ્થિર કરતાં) અને થઈ શકું એવું કોઈ કારણ મને દેખાતું નથી. તમે એવું કોઈ કારણ દેખાડી શકો?
જજ બ્રૅક : જુઓ, સહુ પ્રથમ તો એ કે તમારા દિલમાં જે ઘર વસી ગયું હતું તે તમને મળ્યું.
 હેડા : (માથું ઊંચું કરી તેની સામે જુએ છે અને હસે છે.) તમે પણ એ વાયકાને સાચી માનો છો?
જજ બ્રૅક : કેમ? તો પછી એમાં કોઈ સત્ય નથી?
હેડા : સાવ એમ તો નહીં. કાંઈક તથ્ય તો છે.
જજ બ્રૅક : હા?
હેડા : વાત એમ છે કે ગયે વર્ષે ઉનાળામાં મિજબાનીઓમાંથી ઘેર આવતાં હું ટેસમનનો સંગાથ શોધતી.
જજ બ્રૅક : કમનસીબે મારે તદ્દન જુદે જ રસ્તે જવાનું રહેતું.
હેડા : બરાબર, મને ખબર છે કે ગયા ઉનાળે તમે જુદે રસ્તે જતા હતા.
જજ બ્રૅક : (હસતાં) અરે, જવા દો એ વાત હેડા, હંમ્, તો પછી તમે અને ટેસમન—
હેડા : હંમ્. પછી એક વાર સાંજે અમે આ રસ્તેથી જતાં હતાં. બિચારા ટેસમન વાતોનું બહાનું શોધવાની પીડામાં ગૂંગળાતા હતા. મને એ વિદ્વર્ય ઉપર દયા આવી અને —
જજ બ્રૅક : (શંકા દેખાડતાં) તમને દયા આવી? હં-
હેડા : હા, ખરેખર. અને એ મૂંઝવણમાંથી એમને બચાવવા, કાંઈ લાંબો વિચાર કર્યા વગર મારાથી બોલાઈ ગયું : “આવા ઘરમાં રહેવા મળે તો કેવી મજા આવે?"
જજ બ્રૅક : બસ, એટલું જ?
હેડા : તે સાંજ પૂરતું.
બ્રૅક : પણ પછી?
હેડા : અરે, મારા જજ સાહેબ, મારા એ અવિચારીપણાનાં ફળ મળવા માંડ્યાં.
જજ બ્રૅક : કમનસીબે એવું પણ ઘણીવાર બને છે હેડા.
હેડા : આભાર, એટલે તમે સમજ્યાને કે મને અને ટેસમનને લાગણીની કડીથી જોડનાર સહુ પ્રથમ મારો આ 'ફોકવીલા' માટેનો ઉત્સાહ હતો. તેમાંથી અમારું સગપણ થયું ને પછી લગ્ન—લગ્નયાત્રા અને બીજું બધું. ચાલો, મારા પ્યારા જજ, એ તો એવું છે ને કે હાથનાં કર્યાં હૈયે વાગે.
જજ બ્રૅક : ઓહો! આ તો ભારે રસપ્રદ છે! તો પછી આ ઘર માટે બધો વખત ખરેખર તમને કાંઈ પડી નહોતી?
હેડા : ઈશ્વર એનો સાક્ષી છે. મને રજમાત્ર પણ પડી નહોતી.
જજ બ્રૅક : પણ હવે? હવે તો અમે તમારે માટે એને કેવું રમ્ય બનાવી દીધું છે?
હેડા : અંહં..... બધા ઓરડાઓ લવેન્ડરનાં ફૂલ અને ગુલાબનાં સૂકાં પાંદડાંઓની વાસથી ભરેલા લાગે છે. પણ ભૂલી, જુલિફોઈ એ વાસ લેતાં આવ્યાં હશે.
જજ બ્રૅક : (હસતાં હસતાં) ના, ના, મને લાગે છે કે એ તો સ્વર્ગસ્થ મિસિસ ફોકનો વારસો હશે.
હેડા : હા, ખરી વાત છે. માનવીની ક્ષણભંગુરતાનું એ ભાન કરાવે છે. મને એના પરથી યાદ આવે છે કે ઉત્સવ સમાપ્ત થયા પછી ગુલછડીની કેવી દશા થાય છે? (બંને હાથ માથા પાછળ ગોઠવે છે. ખુરશીમાં પાછળ ઢળે છે અને બ્રૅક સામું જુએ છે.) અરે, મારા વહાલા જજ સાહેબ, તમને શું ખ્યાલ આવે કે મારી આગળ તો અહીં નિરસતાનું રણ પથરાયેલું પડ્યું છે!
જજ બ્રૅક : તમે પણ જીવનમાં કંઈક વ્યવસાય શોધી કાઢો તો, હેડા?
હેડા : વ્યવસાય? મને રસ પડે તેવો?
જજ બ્રૅક : અલબત્ત--શક્ય હોય તો.
હેડા : કોણ જાણે કેવા વ્યવસાયમાં મને રસ પડે? મને ઘણી વાર એમ થાય છે કે..... (વાત કાપી નાખતાં) પણ ના, ના, એ ય કદી ન બને.
જજ બ્રૅક  : એ તો કોને ખબર? પણ શું છે એ તો કહો?
હેડા : હું એમ કહેતી હતી કે ટેસમનને રાજકારણમાં ખેંચી ન શકાય?
જજ બ્રૅક : (હસતાં) ટેસમનને? રાજકારણીય જીવન માટે એ ઘડાયો જ નથી. એનું એ કામ જ નહીં.
હેડા : ના, નહીં જ. મને પણ એમ જ લાગે છે. પણ છતાં યે હું એમને કોઈક રીતે એમાં ખેંચી જઈ શકું તો?
જજ બ્રૅક : પણ એવું શા માટે? એમાં તમને શું સંતોષ થશે? જે ક્ષેત્ર માટે એ સર્જાયો જ નથી તેમાં એને ધકેલવાથી શું ફાયદો?
હેડા : કારણ કે હું સખત કંટાળી ગઈ છું. ખરું કહું છું. (ઘડીક રહીને) હં..... તો પછી તમને એમ લાગે છે કે ટેસમન ક્યારેય પ્રધાનમંડળમાં લેવાય એ તદ્દન અશક્ય છે.
જજ બ્રૅક : હં..... જુઓ, વાત એમ છે. હેડા, કે પ્રધાનમંડળમાં જવા માટે પ્રથમ તો એમની પાસે સારો એવો પૈસો હોવો જોઈએ.
હેડા : (અધીરાઈથી ઊભા થતાં) બસ, એ જ વાત છે ને! હાથે કરીને આ ખાનદાન ગરીબાઈમાં હું ફસાઈ છું. (બીજે છેડે જતાં) અને એને લીધે જ જીવન આવું દયાજનક, તદ્દન હાસ્યાસ્પદ બની ગયું છે. હા, જીવન એવું જ બની ગયું છે.
જજ બ્રૅક : મને તો એમ લાગે છે કે એમાં દોષ ક્યાંક બીજે રહેલો છે.
હેડા : ક્યાં?
જજ બ્રૅક : તમને કદી કોઈ ખરેખર ઉત્સાહપ્રેરક અનુભવ નથી થયો.
હેડા : કંઈક ગંભીર, એમ કહેવા માંગો છો?
જજ બ્રૅક : હા, એમ ગણો. પણ હવે કદાચ તમને એ લાભ મળે.
હેડા : (માથું ઉછાળતાં) ઓહ, તમે આ કચરા જેવી પ્રોફેસરશીપની અકળામણ વિષે વાત કરો છો? એ પંચાત તો ટેસમનની પોતાની છે. હું એમાં જરા યે મગજ બગાડવાની નથી, એટલી ખાતરી રાખજો.
જજ બ્રૅક : હા, એની તો મને ખાતરી જ છે. પણ ધારો કે, લાકો જેને શિષ્ટ ભાષામાં ગંભીર જવાબદારી કહે છે, તેવી એકાદ તમારા પર આવી પડી તો? (હસતાં) કોઈ નવી જ જવાબદારી હેડા?
હેડા : (ગુસ્સાથી) ચૂપ રહો! એવું કદી બનવાનું જ નથી!
જજ બ્રૅક : (સાવધાનીથી) વધુમાં વધુ એકાદ વર્ષમાં તો આપણે આ વિષે ફરી વાત કરીશું.
હેડા : (તોડી પાડતાં) મને આવું તેવું પસંદ જ નથી. જજ બ્રૅક, હું કોઈ પણ જવાબદારી ઉઠાવવા માંગતી નથી.
જજ બ્રૅક : સામાન્ય સ્ત્રીથી તમે શું એટલાં બધાં જુદાં છો કે તમને સ્ત્રીસહજ.....
હેડા : (કાચના બારણા પાસેથી) ઓહ! બસ કરો! ઘણી વાર મને તો થાય છે કે દુનિયામાં એક જ ચીજ એવી છે જે મારે માટે સાહજિક હોય.
જજ બ્રૅક : એ શું? હું પૂછી શકું તો.
હેડા : (બહાર નજર કરતાં, ઊભી થઈને) કંટાળાથી જીવનને ગૂંગળાવી નાંખવું. હવે સમજ્યા ને? (પાછી ફરી અંદરના ખંડ તરફ જોઈ હસે છે.) હાં......... હું ધારતી જ હતી. આ પ્રોફેસર આવ્યા.
જજ બ્રૅક : (હળવેથી બોલે છે. તેના અવાજમાં ચેતવણીનો સૂર છે.) અરે, અરે, અરે! હેડા!
[અંદરના ખંડમાંથી જમણી બાજુએથી ટેસમન પ્રવેશે છે. તે મિજલસમાં જવાના પોષાકમાં સજ્જ છે. તેના એક હાથમાં ટોપી અને બીજા હાથમાં મોજાં છે.]
ટેસમન : હેડા, એઈલર્ટ લોવબર્ગ તરફથી કાંઈ સંદેશો નથી આવ્યો? એંહ?
હેડા : ના.
ટેસમન : તો, તો, હમણાં થોડી વારમાં જ આવી પહોંચશે.
જજ બ્રૅક : એ આવશે એની તમને ખાતરી છે?
ટેસમન : હા, મને લગભગ ખાતરી છે. કારણ સવારે તમે કહેતા હતા એ તો ફક્ત ગામગપાટો જ હશે.
જજ બ્રૅક : તમને એમ લાગે છે?
ટેસમન : ગમે તેમ પણ જુલિફોઈ કહેતી હતી કે એને નથી લાગતું કે મારા માર્ગમાં એ હવે આડો આવે. જો તો!
જજ બ્રૅક : બસ, તો તો સારું.
ટેસમન : (ટોપી અને હાથમોજાં જમણી બાજુની ખુરશી પર મૂકતાં) પણ મારે એની રાહ જોવી પડશે, વાંધો નથી ને?
જજ બ્રૅક : અરે, હજી તો ઘણો સમય છે. હું નથી ધારતો કે સાત, સાડા સાત પહેલાં મારા મહેમાનો આવવા માંડે.
ટેસમન : તો પછી ત્યાં સુધી આપણે હેડાને સાથ આપીએ એંહ? અને જોઈએ શું થાય છે!
હેડા : (જજ બ્રૅકનો કોટ અને ટોપી બાજુની પાટ પર મૂકતાં) અને બહુ તો છેવટે મિ. લોવબર્ગ મારી સાથે અહીં રોકાશે.
જજ બ્રૅક : (પોતાની વસ્તુઓ માંગી લેતાં) લાવો એ મને આપો મિસિસ ટેસમન— 'બહુ બહુ તો’ એટલે તમે શું કહેવા માગો છો?
હેડા : જો એ તમારી અને ટેસમનની સાથે નહીં આવે તો.
ટેસમન : (કંઈક વિમાસણમાં તેની સામું જુએ છે.) પણ હેડા વ્હાલી, એને અહીં તારી સાથે એટલો વખત બેસવું ફાવશે? જુલિફોઈ નથી આવવાની એ યાદ છે ને?
હેડા : હા, પણ મિસિસ એલ્વસ્ટેડ આવવાનાં છે. અમે ત્રણે જણાં સાથે બેસી ચા પીશું.
ટેસમન : હા, હા, એ બરાબર છે.
જજ બ્રૅક : અને એને માટે પણ કદાચ એ જ વધુ સલાહભર્યું રહેશે.
ટેસમન : કેમ એમ?
જજ બ્રૅક : મારી વાંઢ મિજલસની તમે કેવી ઠેકડી ઉડાવતાં? યાદ છે ને? તમે જ નહોતા કહેતા કે કડક સિદ્ધાંતવાદીઓનું જ એમાં કામ છે?
હેડા : પણ મિ. લોવબર્ગના સિદ્ધાંતો પણ હવે એવા જ કડક છે. એક પલટાયેલો પાતકી—
[પરસાળના બારણે બર્ટા દેખાય છે.]
બર્ટા : આપને મળવા કોઈ ગૃહસ્થ આવ્યા છે, બાઈસાહેબ.
હેડા : એમને અંદર મોકલ.
ટેસમન : મને ખાતરી છે કે એ જ હશે. જો તો!
[એઈલર્ગ લોવબર્ગ પરસાળમાંથી પ્રવેશે છે. ટેસમનની જ ઉંમરનો છતાં તેના કરતાં મોટો દેખાય છે. તેના દૂબળા પાતળા દેહ પર જાણે કે જીવનનો ઘસારો વરતાય છે. માથાના વાળ અને દૃષ્ટિનો રંગ કાળાશ પડતો તપકીરિયો છે. ચહેરો લાંબો અને ફિક્કો છે, પરંતુ ગાલ પર ગુલાબી રંગની છાંટ છે. તદ્દન નવા અને માપસરના કાળા મુલાકાતી પોષાકમાં સજ્જ છે. તેની પાસે કાળાં હાથમોજાં અને રેશમી ટોપી છે. બારણા પાસે ઊભો રહે છે અને એક ઝડપી નમન કરે છે. કંઈક મૂંઝાયેલો જણાય છે.]
ટેસમન : (તેની નજીક જઈ ઉમળકાથી હસ્તધૂનન કરે છે.) આવો, આવો, મારા પ્યારા એઈલર્ટ. છેવટે આપણે ફરી મળ્યા ખરા!
લોવબર્ગ : (ધીમા દબાયેલા અવાજે) તમારા પત્ર માટે આભાર, ટેસમન. (હેડા તરફ જતાં) તમે પણ મારી સાથે હસ્તધૂનન કરશો મિસિસ ટેસમન?
હેડા : (હસ્તધૂનન કરતાં) તમને મળીને ઘણો આનંદ થયો, મિ. લોવબર્ગ. (અંગુલિનિર્દેશ કરતાં) તમે બંને એકબીજાને.....
લોવબર્ગ : (સ્હેજ નમન કરતાં) જજ બ્રૅક તો નહીં?
જજ બ્રૅક : (સ્હેજ નમન કરતાં) તે જ. ભૂતકાળમાં—
ટેસમન : (લોવબર્ગના ખભા પર હાથ મૂકતાં) હવે અહીં કશો સંકોચ રાખશો નહીં, એઈલર્ટ. કેમ ખરું ને હેડા? મેં સાંભળ્યું છે કે તમે ફરી પાછા અહીં જ વસવાના છો? એંહ?
લોવબર્ગ : હા, વાત તો ખરી છે.
ટેસમન : સરસ સરસ, અરે તમારી પેલી નવી ચોપડી હું લઈ આવ્યો છું. જોકે હજી એ વાંચવાનો સમય મને મળ્યો નથી.
લોવબર્ગ : અરે, એમાં કાંઈ વખત બગાડવા જેવું નથી.
ટેસમન : કેમ?
લોવબર્ગ : કારણ એમાં ખાસ કાંઈ છે જ નહીં.
ટેસમન : અરે, અરે, જો તો! કેમ આવું શા પરથી કહો છો?
જજ બ્રૅક : પણ મેં તો એનાં ઘણાં વખાણ સાંભળ્યાં છે.
લોવબર્ગ : મારે એમ જ જોઈતું હતું અને તેથી જ લોકોને ગમતી વાત જ એમાં મેં મૂકી છે.
જજ બ્રૅક : એ ડાહ્યું કર્યું.
ટેસમન : પણ મારા પ્યારા એઈલર્ટ—
લોવબર્ગ : મારે હવે નવા જીવનની શરૂઆત કરવી છે અને તે માટે સહુ પ્રથમ ફરી એક વાર માનપ્રદ સ્થાન જીતવું છે.
ટેસમન : (જરા મૂંઝાતાં) એંહ, તમારું એ ધ્યેય છે, એમને?
લોવબર્ગ : (સ્મિત કરતાં ટોપી બાજુ પર મૂકે છે અને કોટના ખિસ્સામાંથી કાગળમાં વીંટેલું એક પેકેટ કાઢે છે.) પણ જ્યારે આ બહાર પડશે, જ્યૉર્જ ટેસમન, ત્યારે તમારે એ વાંચવું પડશે. કારણ ખરું પુસ્તક તો આ છે. એમાં મેં મારી સાચી જાતને રેડી છે.
ટેસમન : ખરેખર? એ શું છે?
લોવબર્ગ : એ ઉત્તરાર્ધ છે.
ટેસમન : ઉત્તરાર્ધ? શાનો?
લોવબર્ગ : પુસ્તકનો.
ટેસમન : નવાં પુસ્તકનો?
લોવબર્ગ : હાસ્તો.
ટેસમન : પણ દોસ્ત એઈલર્ટ એમાં તો આપણા ચાલુ જમાના સુધીની જ વાત નથી આવતી?
લોવબર્ગ : હા, આવે છે અને આમાં ભવિષ્યની વાત છે.
ટેસમન : ભવિષ્યની? પણ ભવિષ્ય વિષે તો આપણે કાંઈ જાણતાં નથી.
લોવબર્ગ : ના, નથી જ જાણતાં. પણ છતાં યે એમાં એના વિષે એક બે વાતો કહેલી છે. (પેકેટ ખોલે છે.) આ જુઓ.....
ટેસમન : અરે, આ તમારા અક્ષર નથી.
લોવબર્ગ : મેં લખાવ્યું છે. (પાનાં ફેરવતાં) બે વિભાગમાં વહેંચાયેલું છે - આ પહેલા ભાગમાં ભવિષ્યની સંસ્કૃતિ ઘડનાર બળો વિષે છે અને આ બીજો ભાગ છે. (છેક સુધીનાં પાનાં ફેરવી જાય છે.) એમાં એના ભાવિ વિકાસની શક્યતાની છણાવટ છે.
ટેસમન : કેવું અજબ! આવું લખવાનો તો મને જન્મારામાં યે ખ્યાલ ન આવે.
હેડા : (કાચના બારણ પર ટકોરા મારતાં) મને પણ એમ લાગે છે.
લોવબર્ગ : (હસ્તપ્રત કાગળમાં વીંટાળી દે છે અને પેકેટ મેજ પર મૂકે છે.) મને એમ કે આજે સાંજે એમાંથી તમને થોડું વાંચી સંભળાવું. એટલે જ સાથે લેતો આવ્યો.
ટેસમન : એ તો સારું કર્યું, એઈલર્ટ, પણ આજે સાંજે.....? (જજ તરફ જોતાં) એ કેવી રીતે બનશે?..... આપણે.....
લોવબર્ગ : કાંઈ વાંધો નહીં, તો ફરી કોઈ વાર. એની કાંઈ ઉતાવળ નથી.
જજ બ્રૅક : વાત એમ છે, મિ. લોવબર્ગ, કે આજે સાંજે મારે ત્યાં થોડા મિત્રો ભેગા થવાના છે. મુખ્યત્વે તો આ ટેસમનના માનમાં.
લોવબર્ગ : (ટોપી લેવા જતાં) ઓહ! તો તો હું તમને ખોટી નહીં કરું.
જજ બ્રૅક : પણ સાંભળો તો ખરા. તમે પણ અમારી સાથે આવશો તો હું ઉપકૃત થઈશ.
લોવબર્ગ : (તોડી પાડતાં, નિશ્ચયથી) ના, એ બને તેમ નથી. તમારો ઘણો ઘણો આભાર.
જજ બ્રૅક : અરે, એમ તે હોય? તમારે આવવું જ પડશે. આપણું મંડળ ફક્ત ગણ્યાંગાંઠ્યાં મિત્રોનું જ છે. અને હેડા—મિસિસ ટેસમન કહે છે તેમ “જરા જામશે.
લોવબર્ગ : એ વિષે તો મને શંકા જ નથી. છતાં પણ.....
જજ બ્રૅક : અને તમે તમારી હસ્તપ્રત ત્યાં લેતા આવો અને મારે ઘેર બેસીને ટેસમનને વાંચી સંભળાવો. હું તમને લોકોને એક અલગ ઓરડો આપીશ.
ટેસમન : હા, હા, એ વિચારવા જેવું તો છે એઈલર્ટ, શા માટે તમે ન આવો હેં?
હેડા : (વચમાં) પણ ટેસમન, મિ. લોવબર્ગને ન જવું હોય તો? મને લાગે છે મિ. લોવબર્ગની વધુ ઇચ્છા અહીં રોકાવાની છે. એ મારી સાથે જમશે.
લોવબર્ગ : (તેની સામે જોતાં) તમારી સાથે, મિસિસ ટેસમન?
હેડા : અને મિસિસ એલ્વસ્ટેડ સાથે.
લોવબર્ગ : આહ! (હળવાશથી) મેં એમને સવારે એક ઝલક જોયાં હતાં.
હેડા : એમ? તો આજે સાંજે તી આવવાની છે. એટલે તમારે તો અહીં રહેવું જ પડશે. નહીં તો એને ઘેર કોણ મૂકી આવશે?
લોવબર્ગ : એ વાત સાચી છે—તમારો આભાર, મિસિસ ટેસમન. તો પછી હું અહીં જ રોકાઈશ.
હેડા : તો બર્ટાને હું જરા કહી દઉં.
[પરસાળના બારણા તરફ જઈ ઘંટડી વગાડે છે. બર્ટા દાખલ થાય છે. તેના કાનમાં કંઈક કહે છે અને અંદરના ઓરડા તરફ આંગળી ચીંધે છે. બર્ટા માથું હલાવી હા પાડે છે અને ચાલી જાય છે.]
ટેસમન : (હેડા બર્ટાને સૂચના આપે તે દરમ્યાન લોવબર્ગને) એઈલર્ટ, કહો તો ખરા? તમે આ ભાષણ આપવાના છો તે આ નવા વિષય—આ ભવિષ્યના વિષય પર છે?
લોવબર્ગ : હા.
ટેસમન : આ પુસ્તકો લેવા ગયો હતો ત્યાં સાંભળ્યું કે આ પાનખરમાં તમે કાંઈ વ્યાખ્યાનમાળા આપવાના છો?
લોવબર્ગ : એવી ઇચ્છા તો છે. તમને ખરાબ તો નહીં લાગે ને, ટેસમન?
ટેસમન : ના રે ના, જરા પણ નહીં..... પણ
લોવબર્ગ : તમને વાંધો હોય તે હું સમજી શકું છું.
ટેસમન : (ઊતરેલા ચહેરે) પણ એવી આશા તો મારાથી કેવી રીતે રખાય કે..... મારે ખાતર થઈને—
લોવબર્ગ : પણ તમારી નિમણૂક થઈ જાય ત્યાં સુધી હું રાહ જોઈશ.
ટેસમન : તમે રાહ જોશો? હા, પણ..... હા પણ.... હા પણ..... તો શું તમે મારા હરીફ થવાના નથી? એંહ?
લોવબર્ગ : ના, મારે તો નૈતિક જીત જોઈએ છે.
ટેસમન : હાશ રામ, એમ! તો છેવટે જુલિફોઈ સાચી પડી. હા, હા, હું તો જાણતો જ હતો. હેડા, જો તો ખરી! એઈલર્ટ લોવબર્ગ આપણા માર્ગમાં વચ્ચે નહીં આવે!
હેડા : (તોછડાઈથી) આપણો માર્ગ? મહેરબાની કરી મને એમાં ન સંડોવશો.
[અંદરના ઓરડા તરફ જાય છે. ત્યાં મેજ પર બર્ટા ડટ્ટાવાળો બાટલો અને પ્યાલીઓ મૂકે છે. હેડા ‘બરાબર છે' તેમ માથું ધુણાવે છે ને પાછી આગળ આવે છે. બર્ટા બહાર જાય છે.]
ટેસમન : (તે જ સમયે) અને તમે, જજ બ્રૅક—તમારું આમાં શું કહેવું છે? એંહ?
જજ બ્રૅક : નૈતિક વિજય. હંમ્—હા—એ બધું તો ઠીક છે—
ટેસમન : હા, વળી, પણ તેમ છતાંય—
હેડા : (ઠંડા સ્મિત સાથે ટેસમન તરફ જોઈ) જાણે આભ તૂટી પડ્યું હોય એવા કેમ થઈ ગયા છો?
ટેસમન : હા એવું જ છે. મને તો લાગે છે—
જજ બ્રૅક : કેમ, જોયું નહીં મિસિસ ટેસમન, એક જબરજસ્ત વંટોળ હમણાં જ આવી ગયો?
હેડા : (અંદરના ઓરડા તરફ આંગળી ચીંધતાં) તમે લોકો થોડુંક થોડુંક પંચ લેશો ને?
જજ બ્રૅક : (પોતાની ઘડિયાળ તરફ જોતાં) જરા તાજગી માટે ને? હા, હા, જરૂર.
ટેસમન : ફાંકડો વિચાર છે, હેડા! એની જ જરૂર હતી. મારા મગજ પરથી બોજો હવે ઊતરી ગયો છે ત્યારે—
હેડા : તમે એ લોકોને સાથ આપશો ને? મિ. લોવબર્ગ?
લોવબર્ગ : (નકારનો ઇશારો કરતાં) ના, આભાર. હું કંઈ જ લઈશ નહીં.
જજ બ્રૅક : અરે, વાહ રે, ઠંડું પંચ એ કાંઈ ઝેર તો નથી?
લોવબર્ગ : કદાચ બીજાં માટે નહીં હોય.
હેડા : ત્યાં સુધી હું મિ. લોવબર્ગ સાથે બેઠી છું.
ટેસમન : હા, હા, હેડા એ બરાબર છે.
[બ્રૅક સાથે અંદરના ઓરડામાં જાય છે, બેસે છે. પંચ પીએ છે. સિગરેટ ફૂંકે છે, હસીખુશીની વાતો કરે છે. આ દરમ્યાન એઈલર્ટ ભઠ્ઠીની બાજુમાં ઊભો છે. હેડા લખવાના મેજ તરફ જાય છે.]
હેડા : (સ્હેજ મોટેથી) મિ. લોવબર્ગ, તમને છબિઓ જોવી ગમશે? તમને ખબર છે, હું ને ટેસમન પાછાં ફરતાં ટિરોલ ગયાં હતાં?
[એક આલબમ લે છે. ટેબલ પર મૂકે છે. બાજુએ કૉચના એક ખૂણા પર બેસે છે. એઈલર્ટ એની પાસે આવે છે, અટકે છે અને તેની સામું જોઈ રહે છે. પછી એક ખુરશી લાવી તેની ડાબી બાજુએ બેસે છે. અંદરના ખંડ તરફ પીઠ છે. હેડા આલ્બમ ખોલે છે.]
આ ગિરીમાળા મિ. લોવબર્ગ, અને આ એર્ટલર પર્વતોનું જૂથ છે. ટેસમને તેની નીચે નામ લખ્યું તો છે. એ..... આ રહ્યું. “એર્ટલર જૂથ મેસ્ત પાસે.”
લોવબર્ગ : (હેડા તરફ એકીટશે તાકી રહેતાં, આર્દ્રતાથી, ધીમેથી) હેડા-ગાબ્લર!
હેડા : (ઝડપથી એની સામું જોતાં) અરે, અરે, હં, હં!
લોવબર્ગ : (ફરી ધીમેથી) હેડા ગાબ્લર!
હેડા : (આલ્બમ તરફ જોતાં) એ તો મારું ભૂતકાળનું નામ હતું. જ્યારે આપણે બંને એકબીજાને ઓળખતાં હતાં.
લોવબર્ગ : તો મારે હવે મારી જાતને શીખવવું પડશે. ફરી કદી 'હેડા ગાબ્લર' નહીં બોલવાનું—જિંદગી પર્યંત.
હેડા : (પાનાં ફેરવવાનું ચાલુ રાખતાં) હા, શીખવવું જ પડશે. એટલું જ નહીં પણ વેળાસર એની ટેવ પાડવી પડશે. હું તો કહું છું, ધરમના કામમાં ઢીલ નહીં.
લોવબર્ગ : (જરા ગુસ્સામાં) હેડા ગાબ્લર—પરિણીતા? અને તેય જ્યૉર્જ ટેસમનની?
હેડા : હા, દુનિયા એમ જ ચાલે છે.
લોવબર્ગ : એંહ, હેડા, હેડા તું આવામાં ક્યાં પડી?
હેડા : (એકદમ તેની સામું જોતાં) શું? હું આ ચલાવી નહીં લઉં!
લોવબર્ગ : એટલે તું શું કહેવા માગે છે?
[ટેસમન બહાર આવી કૉચ તરફ જાય છે.]
હેડા : (એનાં પગલાં સાંભળીને તટસ્થતાથી) અને આ વાલ - દ - આમ્પેત્સો પરથી લીધેલું એક દૃશ્ય છે, મિ. લોવબર્ગ. એની પાછળ આ શિખરો તો જુઓ! (ટસમન તરફ વહાલથી જોતાં) આ વિચિત્ર શિખરોનું નામ શું છે ડીઅર!
ટેસમન : જોઉં તો—ઓહ—આ તો ડોલોમાઈટ્સ છે.
હેડા : હા, હા, યાદ આવ્યું. આ ડોલોમાઈટ્સ છે, મિ. લોવબર્ગ.
ટેસમન : હેડા, ડીઅર, હું એમ પૂછતો હતો કે તમારે માટે થોડું પંચ લાવું? છેવટ તારે માટે? એંહ?
હેડા : હા, જરૂર અને થોડાં બિસ્કિટ પણ.
ટેસમન : સિગારેટ નહીં?
હેડા : ના.
ટેસમન : સારું, સારું.
[અંદરના ખંડમાં થઈને જમણી બાજુ જાય છે. જજ અંદર બેસી રહે છે અને હેડા અને લોવબર્ગ પર અવારનવાર નજર રાખે છે.]
લોવબર્ગ : (પહેલાંની જેમ પ્રેમથી) મને જવાબ આપ હેડા, તું આવું કરી જ કેવી રીતે શકી?
હેડા : (આલબમમાં મગ્ન હોવાનો દેખાવ કરતાં) જો તમે મને 'તું' કહેશો, કહેવાનું ચાલુ રાખશો, તો હું તમારી સાથે વાત નહીં કરું
લોવબર્ગ : આપણે એકલાં હોઈએ ત્યારે પણ, તુંકારો ના દઉં?
હેડા : ના, તમે મનમાં કહી શકો પણ મોટેથી નહીં.
લોવબોર્ગ : આહ, સમજ્યો. એમાં જ્યૉર્જ ટેસમનનું અપમાન થાય છે, નહીં? —જેને માટે તમને પ્રેમ છે.
હેડા : (તેની સામું જોઈ સ્મિત કરે છે.) પ્રેમ? હં…!
લોવબર્ગ : તો પછી તમને એને માટે પ્રેમ નથી?
હેડા : પણ હું બેવફાઈની વાત નહીં સાંખી લઉં, એ યાદ રાખજો.
લોવબર્ગ : હેડા, મને એક વાતનો જવાબ આપ.
હેડા : શ........
[ટેસમન અંદરથી હાથમાં નાની ટ્રે સાથે પ્રવેશે છે.]
ટેસમન : લ્યો, સાહેબ, મોંમાં પાણી છૂટે તેવું છે કે નહીં? [ટ્રે મેજ પર મૂકે છે.]
હેડા : તમે જાતે શું કામ લાવ્યા?
ટેસમન : (પ્યાલી ભરતાં) કારણ તારી તહેનાતમાં રહેવું મને ખૂબ ગમે છે, હેડા!
હેડા : પણ તમે તો બે પ્યાલી ભરી! મિ. લોવબર્ગ તો લેવાની ના પાડે છે.
ટેસમન : હા, પણ મિસિસ એલ્વસ્ટેડ હમણાં આવશે ને?
હેડા : અરે, હા મિસિસ એલ્વસ્ટેડ.....
ટેસમન : કેમ, તું ભૂલી ગઈ હતી?..... એંહ?
હેડા : અમે આ છબિઓ જોવામાં મશગુલ થઈ ગયાં હતાં. (એને એક છબિ દેખાડે છે.) આ નાનકડું ગામડું તમને યાદ છે?
ટેસમન : હા, કેમ નહીં? એ તો બ્રેનરઘાટની તળેટીમાં આવેલું છે. ત્યાં તો આપણે પેલી રાત ગાળી હતી—
હેડા : અને ત્યાં જ આપણે પેલાં લહેરી સહેલાણીઓને મળ્યાં હતાં.
ટેસમન : હા, તે જ જગ્યાએ. જો તમે તે વખતે અમારી સાથે હોત એઈલર્ટ, એંહ? [અંદરના ખંડમાં પાછો જાય છે અને જજ સાથે બેસે છે.]
લોવબર્ગ : મને આ એક વાતનો જવાબ આપ, હેડા-
હેડા : શું?
લોવબર્ગ : મારી સાથેની તારી મૈત્રીમાં પણ પ્રેમ નહોતો? પ્રેમનો એક અંશ પણ નહોતો? એક ઝલક પણ નહીં?
હેડા : મને શંકા છે; મને તો એમ લાગે છે કે આપણે માત્ર સારાં સાથી જ હતાં. ખાસ મિત્રો હતાં. (સ્મિત કરતાં) તેમાં ય તમે તો જાણે નરી મૂર્તિમંત નિખાલસતા જ.
લોવબર્ગ : એ તમારા થકી જ.
હેડા : એ બધાંનો હું જ્યારે વિચાર કરું છું ત્યારે લાગે છે કે ખરેખર એમાં એક પ્રકારનું સૌંદર્ય હતું—આકર્ષણ હતું. આપણી એ ખાનગી દોસ્તીમાં એક પ્રકારની ખુમારી હતી. એવી દોસ્તીનો તો કોઈને સ્વપ્નમાં ય ખ્યાલ ન આવે.
લોવબર્ગ : હા, હા, હેડા. એમ જ હતું, નહીં? હું તમારા પિતાને ત્યાં બપોરે આવતો અને જનરલ આપણી તરફ પીઠ કરીને બારી પાસે છાપાં વાંચતાં બેસી રહેતા—
હેડા : અને આપણે બંને ખૂણામાંના કૉચ પર—
લોવબર્ગ : હંમેશાં એકનું એક જ સચિત્ર સામયિક સામે રાખીને—
હેડા : આલબમના અભાવે—
લોવબર્ગ : હા, હેડા—અને ત્યારે મારી કબૂલાતો હું તમારી આગળ કરતો. મારી જાત વિષે બધી જ વાતો કરતો. એવી વાતો કે જે બીજું કોઈ જ જાણતું ન હોય. ત્યારે હું કલાકોના કલાકો બેસી મારાં પરાક્રમોની ગાથા ગાતો. રાતદિવસનાં મારાં પરાક્રમોની. ઓહ હેડા! તમારામાં એવી કઈ શક્તિ હતી કે જે આ બધું મારી પાસે કબૂલ કરાવતી? તમને એમ લાગે છે કે મારામાં એવી શક્તિ હતી? કે જે આ બધું મારી પાસે કબૂલ કરાવતી.
હેડા : તમને એમ લાગે છે કે મારામાં એવી શક્તિ હતી?
લોવબર્ગ : એ સિવાય બીજું શું હોઈ શકે? અને એ સમયે તમે કેવા કેવા આડકતરા સવાલો પૂછતાં?.....
હેડા : જે તમે ખૂબ સારી રીતે સમજતા હતા—
લોવબર્ગ : મારી સામે બેસીને કેવા બેધડક સવાલો પૂછતાં?
હેડા : આડકતરા શબ્દોમાં, યાદ રાખો.
લોવબર્ગ : હા, પણ છતાંય બેધડક. એ જાતની બાબતોની મારી ઊલટ તપાસ.
હેડા : પણ તમે એ બધાનો જવાબ શા માટે આપી દેતા મિ. લોવબર્ગ?
લોવબર્ગ : એ જ મને સમજાતું નથી ને! —અત્યારે વિચારું છું ત્યારે! —પણ હેડા, હવે તો કહો કે આપણી મિત્રતાના મૂળમાં પ્રેમ નહોતો? આ તમારી વાત કરીએ તો—મારી પાસે બધી કબૂલાત કરાવી દઈને મારા દોષો તમે ધોઈ નાંખી શકશો એવું તમને નહોતું લાગતું?
હેડા : ના..... ના, તદ્દન એમ તો નહીં.
લોવબર્ગ : તો પછી તમારો હેતુ શો હતો?
હેડા : એમ કેમ ન બને કે એક યુવાન છોકરી—એને તક મળતાં જ—છાને માને—
લોવબર્ગ : હા!
હેડા : એક નવી દુનિયામાં ડોકિયું કરી લે, કે જે.....
લોવબર્ગ : ..... કે.... જે........?
હેડા : .... કે જે તેને માટે અત્યાર સુધી બાધિત હોય—જેના વિષે કાંઈ પણ જાણવાની તેને મનાઈ હોય?
લોવબર્ગ : હં. તો એટલું જ હતું?
હેડા : કેટલેક અંશે. મને લાગે છે કે કેટલેક અંશે એટલું જ હતું.
લોવબર્ગ : જીવનની ભૂખ જાગી હતી ત્યાં સાથી મળી ગયો. પણ એમ તો એમ. એ પણ કેમ ચાલુ રહી શક્યું નહીં?
હેડા : તમારા વાંકે.
લોવબર્ગ : તમે સંબંધ તોડી નાંખ્યો.
હેડા : હા, મને ભય લાગ્યો કે આ મૈત્રીનું પરિણામ કંઈક ગંભીર આવશે એટલે. શરમ છે તમને, એઈલર્ટ લોવબર્ગ, તમારા નિખાલસ સાથીને તમે અન્યાય કેવી રીતે કરી શક્યા?
લોવબર્ગ : (મુઠ્ઠીઓ વાળતાં) ઓહ! તમે મને જે ધમકી આપી હતી તેનો અમલ કેમ ન કર્યો? મને ગોળીથી ઠાર કેમ ન કર્યો?
હેડા : કારણ મને લોકનિંદાની એટલી બીક છે.
લોવબર્ગ : હા, હેડા એમ તો તમે ડરપોક છો.
હેડા : અત્યંત ડરપોક. (અવાજ બદલતાં) પણ તમે તો ફાવી જ ગયા. કારણ હવે તમને એલ્વસ્ટેડના ઘરમાં પૂરતું આશ્વાસન મળી ગયું છે.
લોવબર્ગ : તીએ તમને શી ખાનગી વાત કરી તે હું જાણું છું.
હેડા : અને તમે પણ કદાચ, આપણા વિષેની કાંઈ ખાનગી વાત તીને કરી હોય.
લોવબર્ગ : એક અક્ષર પણ નહીં. એવી બધી વાતો સમજવાની તે બુધ્ધુમાં અક્કલ જ નથી.
હેડા : બુધ્ધુ?
લોવબર્ગ : એ જાતની બાબતોમાં તો એ બુધ્ધુ જ છે.
હેડા : અને હું ડરપોક છું. (એના ચહેરા તરફ જોયા વિના જ એની તરફ સહેજ ઢળે છે અને નરમ અવાજે) પણ હવે હું તમને એક ખાનગી વાત કહું.
લોવબર્ગ : (આતુરતાપૂર્વક) શું?
હેડા : મેં ત્યારે તમને વીંધી ન નાખ્યા તેનું કારણ.....
લોવબર્ગ  : હા—
હેડા : તે સાંજે મારી નરી ભીરુતા નહોતી.
લોવબર્ગ : (એક ક્ષણ તેની સામું જોઈ રહે છે, સમજે છે અને આવેશથી કાનમાં કહે છે.) ઓહ હેડા, હેડા ગાબ્લર! હવે મને સમજાય છે. આપણી મૈત્રીની પાછળ એક છૂપું કારણ હતું. તું અને હું—એ.....મ, તો પછી એ તારા જીવનની પ્યાસ હતી—
 હેડા : (તીરછી નજરથી) જોજો એવું કાંઈ માની ન બેસતા. [સંધ્યાનો પ્રકાશ ફેલાય છે. પરસાળનું બારણું બર્ટા ખોલે છે.] (હેડા ધડાક દઈને આલ્બમ બંધ કરી દે છે—સ્મિત કરતાં) આહ, છેવટે મારી વહાલી તી—આવી પહોંચી. આવ આવ.
[મિસિસ એલ્વસ્ટેડ પરસાળમાંથી આવે છે. સાંજના પોષાકમાં સજ્જ છે. બારણું બંધ થાય છે.]
હેડા : (હેડા કૉચ પર બેસી રહી બંને હાથ લંબાવે છે.) મારી મીઠડી તી, તું શું જાણે કે હું તારી કેટલી રાહ જોતી હતી? [મિસિસ એલ્વસ્ટેડ પસાર થતાં અંદરના ખંડમાં બેઠેલા પુરુષો તરફ માથું નમાવે છે. મેજ તરફ જાય છે. હેડા સાથે હાથ મિલાવે છે. એઈલર્ટ લોવબર્ગ ઊભો થાય છે. બંને મૂક માથું નમાવે છે.]
મિસિસ એલ્વસ્ટેડ : મારે અંદર જઈને ઘડીક તારા પતિને મળી આવવું જોઈએ નહીં?
હેડા : ના, ના, એવી કાંઈ જરૂર નથી. એ બેને એકલા જ રહેવા દો. એ લોકો તો હમણાં થોડી વારમાં જશે.
મિસિસ એલ્વસ્ટેડ : એ લોકો બહાર જવાના છે?
હેડા : હા, એક મિજલસમાં.
મિસિસ એલ્વસ્ટેડ : (ઝડપથી લોવબર્ગને) તમે તો નથી જવાના ને!
 હેડા : ના, મિ. લોવબર્ગ આપણી સાથે અહીં જ રહેશે.
મિસિસ એલ્વસ્ટેડ : (ખુરશી લઈ લોવબર્ગની બાજુમાં બેસવા જાય છે.) અહીં કેવું સરસ છે!
હેડા : ના, ના, મારી નાજુકડી તી, ત્યાં નહીં. અહીં આવ. મારી પાસે. હું તમારા બેઉની વચમાં બેસીશ.
મિસિસ એલ્વસ્ટેડ : હા, તું કહે તેમ.
[મેજને ગોળ ફરતે જઈને કૉચ પર હેડાની જમણી બાજુ બેસે છે. લોવબર્ગ પોતાની ખુરશી પર પાછો બેસે છે.]
લોવબર્ગ : (ઘડીક રહીને હેડાને) દેખાવમાં કેટલી સુંદર છે?
હેડા : (તીના વાળમાં હાથ ફેરવતાં) ફક્ત દેખાવમાં?
લોવબર્ગ : હા, કારણ અમે બંને હું અને એ સાચાં મિત્રો છીએ. અમને એકબીજામાં અનહદ શ્રદ્ધા છે અને તેથી જ અમે દિલ ખોલીને વાતો કરી શકીએ છીએ.
હેડા : આડકતરી નહીં મિ. લોવબર્ગ?
લોવબર્ગ : હં............
મિસિસ એલ્વસ્ટેડ : (હેડાની ખૂબ નજીક આવીને) ઓહ, હું કેટલી સુખી છું હેડા! એ કહે છે કે મેં એમને પ્રેરણા પણ આપી છે!
હેડા : (એના તરફ સ્મિત કરતાં) આહ, એ એમ કહે છે?
લોવબર્ગ : અને વળી એ ઘણી જ હિંમતવાળી છે, મિસિસ ટેસમન.
મિસિસ એલ્વસ્ટેડ : બાપ રે! હું હિંમતવાળી છું?
લોવબર્ગ : ખૂબ જ. તમારા સાથીની વાત આવે ત્યારે.
હેડા : હા, હા, હિંમત, જો એ હોય તો!
લોવબર્ગ : તો શું? તમે શું કહેવા માગો છો?
હેડા : તો જિંદગી છેવટ જીવવા જેવી તો હોત! (એકદમ અવાજ બદલતાં) હં..... પણ મારી વહાલી તી, તારે ઠંડા પંચની એક પ્યાલી તો લેવી જ પડશે.
મિસિસ એલ્વસ્ટેડ : ના, ના, તમારો આભાર, પણ હું કાંઈ જ પીતી નથી.
હેડા : તો તમે લ્યો મિ. લોવબર્ગ.
લોવબર્ગ : ના, હું પણ નથી પીતો. આભાર.
મિસિસ એલ્વસ્ટેડ : હા, એ પણ નથી પીતા.
હેડા : (લોવબર્ગ તરફ તિરસ્કારથી જોઈ) પણ હું કહું કે તમારે લેવું જ પડશે તો?
લોવબર્ગ : તો એનો કાંઈ અર્થ નહીં સરે.
હેડા : (હસતાં) ગરીબ બિચારી હું! ત્યારે તમારા પર મારું કાંઈ જ ચાલતું નથી, એમ ને?
લોવબર્ગ : એ બાબતમાં તો નહીં.
હેડા : પણ સાચું પુછાવો તો મને લાગે છે કે તમારે લેવું જ જોઈએ. તમારે પોતાને ખાતર.
મિસિસ એલ્વસ્ટેડ : અરે, હેડા.
લોવબર્ગ : કેમ એમ?
હેડા : અથવા કહોને કે બીજાંને ખાતર—લોકોને ખાતર—
લોવબર્ગ : ખરેખર?
હેડા : નહીં તો લોકો શંકા ઉઠાવે કે તમારા મનમાં ઊંડે ઊંડે પણ ભય છે—તમને તમારી જાત પર સંપૂર્ણ વિશ્વાસ નથી.
મિસિસ એલ્વસ્ટેડ : (ધીમેથી) ઓહ, મહેરબાની કરીને, હેડા—
લોવબર્ગ : લોકોને જેમ ધારવું હોય તેમ ધારે. હમણાં તો—
મિસિસ એલ્વસ્ટેડ : (આનંદથી) હા, હા, જેમ ધારવું હોય તેમ ધારે!
હેડા : ઘડીક પહેલાં જ જજ બ્રૅકની આંખોમાં મને ચોખ્ખું દેખાયું.
લોવબર્ગ : શું દેખાયું?
હેડા : એક તિરસ્કારયુક્ત સ્મિત એ લોકોની આંખોમાં રમી ગયું—એ લોકોની સાથે અંદરના ખંડમાં જઈને બેસવાની તમારી હિંમત ન ચાલી ને—ત્યારે.
લોવબર્ગ : હિંમત ન ચાલી? અલબત્ત, મારે તમારી સાથે અહીં બેસીને વાતો કરવી હતી.
મિસિસ એલ્વસ્ટેડ : હં, હં, હેડા એમ જ. બીજું શું હોય?
હેડા : પણ જજને એ ખ્યાલ નહીં આવેલો. વળી બીજું પણ છે. એમની તુચ્છ જેવી નિર્માલ્ય મિજલસમાં જવાની પણ તમારી હિંમત ન ચાલી ત્યારે પણ જજ ટેસમનની સામે અમુક રીતે જોઈને હસેલા.
લોવબર્ગ : હિંમત ન ચાલી? તમે કહો છો મારામાં હિંમત ન હતી?
હેડા : હું એવું નથી કહેતી પણ જજ બ્રૅક એવું સમજ્યા છે.
લોવબર્ગ : ભલે. સમજવા દો.
હેડા : તો તમે એ લોકો સાથે જવાના નથી?
લોવબર્ગ : હું અહીં તમારી ને તી સાથે બેસીશ.
મિસિસ એલ્વસ્ટેડ : હા, હેડા, તને એમાં સવાલ કેમ થાય છે?
 હેડા : (હસે છે અને કદર કરતી હોય તેમ લોવબર્ગ તરફ માથું ધુણાવી) ખડક જેવો અડીખમ! પોતાના સિદ્ધાંતોને વળગી રહેનાર. અત્યારે અને હમેશ માટે. આહ! પુરુષ એનું નામ. (મિસિસ એલ્વસ્ટેડને લાડ કરતાં) કેમ? જોયું ને? હું નહોતી કહેતી? ને તું નાહકની જ સવારે હાંફળીફાંફળી દોડધામ કરતી હતી!
લોવબર્ગ : (આશ્ચર્યથી) હાંફળીફાંફળી?
મિસિસ ઍલ્વસ્ટેડ : (ભયભીત) હેડા, ઓહ… હેડા.....!!
હેડા : હવે તો ખાતરી થઈને કે તારે એવો ભય રાખવાની જરા પણ જરૂર નહોતી— (વાત બદલતાં) હા.....શ, હવે આપણે ત્રણે જણા મજા કરી શકીશું.
લોવબર્ગ :(ચમકીને) આહ—આ બધી શી વાત છે મિસિસ ટેસમન?
મિસિસ એલ્વસ્ટેડ : હે ભગવાન. ઓ હેડા! આ તું શું કરે છે? તું શું કરી રહી છે.
હેડા : એમ આકળી ન થા. પેલા દુષ્ટ જજ બ્રૅક પાછા અંદર બેઠા બેઠા તને જુએ છે.
લોવબર્ગ : એમ ? તો એને ભય હતો અને તે ય મારે માટે?
મિસિસ એલ્વસ્ટેડ : (ધીમેથી દયામણા અવાજે) ઓહ, હેડા..... તેં સત્યાનાશ વાળી દીધું!
લોવબર્ગ : (તેનો ચહેરો વિકૃત થઈ ગયો છે. એક ક્ષણ તેની તરફ જુએ છે.) તો મારા સાથીદારને મારામાં આટલો જ વિશ્વાસ હતો એમ ને?
મિસિસ એલ્વસ્ટેડ : (આજીજીપૂર્વક) ઓ મારા દિલના દેવતા—મારે તો તમને એટલું કહેવું હતું—
લોવબર્ગ : (તિરસ્કારથી એક પ્યાલી ઊંચકી હોઠે અડાડે છે અને ઘેરા અવાજે કહે છે.) તારા માનમાં તી!
[પ્યાલી ખાલી કરીને મૂકે છે. બીજી પ્યાલી ઉઠાવે છે.]
મિસિસ એલ્વસ્ટેડ : ઓહ, હેડા, હેડા, તેં આ શું કર્યું?
હેડા : મેં કર્યું? મેં? તારું ચસકી તો નથી ગયું ને?
લોવબર્ગ : અને આ તમારા માનમાં મિસિસ ટેસમન! સત્ય કહેવા બદલ આભાર! સત્યનો જય હો! [પ્યાલી ખાલી કરે છે ને ફરી ભરવા જાય છે ત્યાં]
હેડા : (પોતાનો હાથ લોવબર્ગના હાથ પર મૂકે છે.) જુઓ. હવે બસ—હમણાં પૂરતું—યાદ છે ને, તમારે મિજલસમાં જવાનું છે?
મિસિસ એલ્વસ્ટેડ : ના, ના, ના!
હેડા : શ્..... પેલા લોકો અંદરથી જુએ છે.
લોવબર્ગ : (પ્યાલી નીચે મૂકતાં) હવે મને સાચી વાત બધી કર, તી!
મિસિસ એલ્વસ્ટેડ : હા.
લોવબર્ગ : તું અહીં મારી પાછળ આવી છે તે તારા પતિ જાણે છે?
મિસિસ એલ્વસ્ટેડ : ઓહ, હેડા એ શું પૂછે છે — તેં એ સાંભળ્યું?
લોવબર્ગ : તારે મારી પાછળ પાછળ આવવું અને મારું ધ્યાન રાખવું એવું તમારા બંનેની વચ્ચે નક્કી થયું હતું? કદાચ મુખીએ પોતે જ તને અહીં આવવાનો આગ્રહ કર્યો હશે. હા, હા, એમને એમના કામમાં મારી મદદની જરૂર પડી કે પાનાં રમવામાં એમને મારા વગર સૂનું લાગ્યું?
મિસિસ એલ્વસ્ટેડ : (ઊંડા દર્દથી ધીમેથી) ઓહ, લોવબર્ગ, લોવબર્ગ.....!
લોવબર્ગ : (પ્યાલી ભરવાની તૈયારી કરતાં) મુખીના માનમાં પણ આ એક પ્યાલી!
હેડા : (રોકતાં) હમણાં વધારે નહીં. યાદ છે ને તમારે હજી તમારું લખાણ ટેસમનને વાંચી સંભળાવવાનું બાકી છે?
લોવબર્ગ : (શાંતિથી પ્યાલી પાછી મૂકતાં) આ બધી મારી મૂર્ખાઈ હતી—તી! મારે આવું નહોતું લગાડવું જોઈતું. મારી વ્હાલી વ્હાલી સાથી, તું ગુસ્સે ના થઈશ. તું જોજે અને જગત પણ જોશે કે એક વાર મારું પતન થયું હતું. હવે મારો ઉદ્ધાર થયો છે અને એ તને આભારી છે, તી!
મિસિસ એલ્વસ્ટેડ : (ખૂબ ઉત્સાહથી) ઓ પ્રભુ તારો પાડ.
[જજ બ્રૅક કાંડા ઘડિયાળ તરફ જુએ છે. બંને જણાં ઊઠીને બહાર આવે છે.]
જજ બ્રૅક : (કોટ અને ટોપી લેતાં) ઠીક ત્યારે મિસિસ ટેસમન, મને લાગે છે અમારે જવાનો સમય થઈ ગયો.
હેડા : મને પણ એમ જ લાગે છે.
લોવબર્ગ : (ઊઠતાં) મારે પણ, જજ બ્રૅક.
મિસિસ એલ્વસ્ટેડ : (ધીમેથી, વિનવણીથી) ઓહ, લોવબર્ગ ના જાઓ!
હેડા : (ચૂંટી ખણતાં) પેલા લોકો સાંભળી જશે.
મિસિસ એલ્વસ્ટેડ : (દબાયેલી ચીસ સાથે) ઓ.....!
લોવબર્ગ : (બ્રૅકને) તમારું આમંત્રણ સ્વીકારું છું.
જજ બ્રૅક : હં, તો તમે છેવટે આવો છો, કેમ?
લોવબર્ગ : હા, આભાર!
જજ બ્રૅક : ઘણો આનંદ થયો.
લોવબર્ગ : (હસ્તપ્રત ખિસ્સામાં મૂકતાં, ટેસમનને) આ છપાવવા માટે જાય તે પહેલાં એકબે ચીજો તમને દેખાડવી છે.
ટેસમન : જો તો એ તો મઝા આવશે. પણ હેડા, મિસિસ એલ્વસ્ટેડ ઘેર કેવી રીતે જશે?
હેડા : અરે, એનું તો ગમે તે થઈ પડશે.
લોવબર્ગ : (બંને સ્ત્રીઓ તરફ જોતાં) મિસિસ એલ્વસ્ટેડ? અરે, એ તો હું પાછો આવીને એમને મૂકી આવીશ. (નજીક જતાં) લગભગ સાડા દસના અરસામાં, કેમ ચાલશે ને મિસિસ ટેસમન?
હેડા : જરૂર. ચાલશે શું દોડશે-
ટેસમન : બસ તો પછી એ તો નક્કી થઈ ગયું. પણ હેડા હું એટલો વહેલો નહીં આવું.
હેડા : ઓહ તમે તમારે જેટલું રોકાવું હોય તેટલું રોકાજો ને.
મિસિસ એલ્વસ્ટેડ : ઠીક, તો પછી મિ. લોવબર્ગ હું અહીં તમારી વાટ જોઈશ.
લોવબર્ગ : (ટોપી હાથમાં લેતાં) હા, હા, જરૂર મિસિસ એલ્વસ્ટેડ.
જજ બ્રૅક : તો પછી આપણો સંઘ હવે ઊપડે છે અને આશા છે કે રંગ જામશે-કોઈ એક સન્નારીના કહેવા પ્રમાણે.
હેડા : આહ, તે સમયે જો એ સન્નારી હાજર હોત—અદૃશ્ય રીતે—
જજ બ્રૅક : શા માટે અદૃશ્ય?
હેડા : જેથી કરીને તમારા રંગરાગ સાચા સ્વરૂપમાં જોઈ શકાય.
જજ બ્રૅક : એ સન્નારીને એવું કરવાની હું તો સલાહ ન આપું.
ટેસમન : ચાલ ચાલ હવે, તું પણ ખરી છે હેડા, જો તો!
જજ બ્રૅક : અચ્છા ત્યારે, આવજો. આવજો બંને જણાં-
લોવબર્ગ : (નમન કરતાં) ઠીક, તો લગભગ દસ વાગ્યે.
[બ્રૅક, લોવબર્ગ અને ટેસમન પરસાળના બારણામાંથી બહાર જાય છે. તે જ વખતે બર્ટા અંદરના ખંડમાંથી આવીને ભોજનખંડના મેજ પર દીવો મૂકી તે જ રસ્તે પાછી જાય છે.]
મિસિસ એલ્વસ્ટેડ : (ઊભી થાય છે અને અકળામણમાં આંટા મારે છે.) હેડા, હેડા, હવે શું થશે?
હેડા : દસ વાગ્યે એ અહીં આવી પહોંચશે. હું એને આવતાં જોઈ શકું છું—વિજયી બનીને, વાળમાં દ્રાક્ષનાં પાંદડાં લગાવીને—નીડર.
મિસિસ એલ્વસ્ટેડ : ઓહ, હવે આવે તો સારું.
હેડા : અને ત્યારે તું જોજે—ત્યારે તેણે પોતાની જાત પર પાછો કાબૂ મેળવ્યો હશે. ત્યારથી જીવનભર સ્વતંત્ર રહેશે.
મિસિસ એલ્વસ્ટેડ : હે ભગવાન! તને જેવા દેખાય છે એવા જ એ પાછા આવે તો કેવું સારું?
હેડા : એ આવશે જ. હું અત્યારે એમને જોઉં છું તેવા જ, તેવા જ, બીજા કોઈ જેવા નહીં. (ઊઠીને તી પાસે જતાં) તારે એને માટે જેટલી શંકા ઉઠાવવી હોય તેટલી ઉઠાવ. પણ મને તો એમનામાં શ્રદ્ધા છે. આપણે જોઈશું હવે—
મિસિસ એલ્વસ્ટેડ : આની પાછળ તારો કોઈ છૂપો હેતુ છે, હેડા?
હેડા : હા, છે જ. જીવનમાં એક વાર પણ માનવનું નસીબ ઘડવાની મારે શક્તિ જોઈએ છે.
મિસિસ એલ્વસ્ટેડ : એ શક્તિ શું તારામાં નથી?
હેડા : મારામાં નથી અને કદી હતી પણ નહીં.
મિસિસ એલ્વસ્ટેડ : તારા પતિને માટે પણ નહીં?
હેડા : તને લાગે છે કે એનામાં શક્તિ બગાડવા જેવું કાંઈ છે? ઓહ, હું કેટલી નિર્ધન છું એ તું ક્યાંથી જાણે? અને વિધાતાએ તને સમૃદ્ધ બનાવી છે. (જોશથી તેને બે હાથમાં જકડે છે.) લાગે છે કે તારા વાળ છેવટે બાળી જ નાખવા પડશે.
મિસિસ એલ્વસ્ટેડ : છોડ મને, મને છોડ—હેડા, મને તારી બીક લાગે છે.
બર્ટા : (પ્રવેશીને) ભોજનખંડમાં બધું તૈયાર છે, બાઈસાહેબ.
હેડા : સારું, અમે આવીએ છીએ.
મિસિસ એલ્વસ્ટેડ : ના, ના, ના, હું તો એકલી જ ઘેર જઈશ. અત્યારે.
હેડા : છટ્ મૂર્ખી! પહેલાં તારે એક પ્યાલો ચા પીવી પડશે. બુધ્ધુ! અને પછી..... દસ વાગ્યે એઈલર્ટ લોવબર્ગ અહીં હશે—વાળમાં દ્રાક્ષપર્ણ લગાવીને-
[બળજબરીથી વચલા પ્રવેશમાર્ગ તરફ ખેંચી જાય છે.]

અંક ત્રીજો

[ટેસમનનું ઘર. વચલા બારણાના અને કાચના બારણાના પડદા પાડેલા છે. મેજ પરનો છત્રવાળો દીવો ઝાંખો કરેલો છે. ભઠ્ઠીનું બારણું ખુલ્લું છે અને તેમાંનો દેવતા લગભગ ઓલવાઈ ગયેલો છે. મિસિસ એલ્વસ્ટેડ મોટી શાલ ઓઢીને બાજઠ પર પગ રાખી ભઠ્ઠી પાસે આરામ ખુરશીમાં ઢળીને બેઠી છે. હેડા એના એ જ પોષાકમાં કૉચ પર આડી પડીને ઊંઘે છે. એણે ધાબળો ઓઢેલો છે.]

મિસિસ એલ્વસ્ટેડ : (એક ક્ષણ પછી એકદમ ચમકીને બેઠી થાય છે અને આતુરતાથી કાન માંડે છે. પછી થાકથી પાછી ઢળી પડે છે; અને રડમસ અવાજે મનોમન બબડે છે.) હજી ન આવ્યા! હે પ્રભુ! ઓ ભગવાન! હજી ન આવ્યા!
[બર્ટા હળવેથી પરસાળના બારણામાંથી આવે છે. તેના હાથમાં એક પત્ર છે.]
મિસિસ એલ્વસ્ટેડ : (આતુરતાથી હળવે અવાજે) કેમ? કોઈ આવ્યું છે?
બર્ટા : (એ પણ ધીમે સાદે) હા, એક છોકરી હમણાં જ આ કાગળ આપી ગઈ.
મિસિસ એલ્વસ્ટેડ : (હાથ લંબાવતાં) કાગળ? લાવ જોઉં!
બર્ટા : ના, એ તો ડૉ. ટેસમન માટે છે.
મિસિસ એલ્વસ્ટેડ : ઓહ—એમ!
બર્ટા : જુલિબાની નોકરડી આપી ગઈ. અહીં મેજ પર મૂકું છું.
મિસિસ એલ્વસ્ટેડ : હા, મૂક.
બર્ટા : (કાગળ મૂકતાં) મને લાગે છે દીવો ઓલવી નાખું. ધુમાડો નીકળે છે.
મિસિસ એલ્વસ્ટેડ : હા, હા, ઓલવી નાખ. હમણાં થોડી વારમાં જ પરોઢ થશે.
બર્ટા : (દીવો ઓલવતાં) પરોઢ તો ક્યારનું ય થઈ ગયું, બાઈસાહેબ.
મિસિસ એલ્વસ્ટેડ : ઓહો! તારી વાત સાચી છે. સૂરજ પણ ઊગી ગયો ને હજી કોઈ આવ્યું નહીં!
બર્ટા : ભગવાન ભલું કરે! મેં તો ધાર્યું જ હતું, આમ થશે.
મિસિસ એલ્વસ્ટેડ : શા ઉપરથી?
બર્ટા : મેં જાણ્યું કે અમુક એક વ્યક્તિ ગામમાં પાછા આવ્યા છે અને આ લોકોની સાથે તે પણ ગયા છે ત્યારથી જ હું તો સમજી ગઈ હતી. કારણ આ પહેલાં એ વ્યક્તિ વિશે ઘણી વાતો સાંભળેલી છે.
મિસિસ એલ્વસ્ટેડ : બહુ મોટેથી ના બોલીશ. મિસિસ ટેસમન જાગી જશે.
બર્ટા : (કૉચ તરફ જોઈ નિશ્વાસ નાંખે છે.) હા, હા, ભલે સૂતાં બિચારાં! ભઠ્ઠીમાં થોડાં લાકડાં નાખું?
મિસિસ એલ્વસ્ટેડ : ના, મારે જરૂર નથી.
બર્ટા : સારું.
[પરસાળદ્વારમાંથી અવાજ કર્યા વગર બહાર જાય છે.]
હેડા : (બારણું બંધ થવાના અવાજથી જાગી જતાં) શું થયું?
મિસિસ એલ્વસ્ટેડ : એ તો બાઈ હતી—
હેડા : (ચારે બાજુ જોતાં) ઓહ, આપણે અહીં છીએ? હાં, હવે મને યાદ આવ્યું. (કૉચ પર ટટ્ટાર બેસે છે, આળસ મરડે છે, આંખો ચોળે છે.) કેટલા વાગ્યા તી?
મિસિસ એલ્વસ્ટેડ : (કાંડા પર જોઈ) સાત થઈ ગયા.
હેડા : ટેસમન ક્યારે ઘેર આવ્યા?
મિસિસ એલ્વસ્ટેડ : એ હજી નથી આવ્યા.
હેડા : હજી ઘેર નથી આવ્યા?
મિસિસ એલ્વસ્ટેડ : (ઊભી થતાં) કોઈ જ આવ્યું નથી.
હેડા : અને આપણે સવારના ચાર વાગ્યા સુધી રાહ જોતાં બેસી જ રહ્યાં—
મિસિસ એલ્વસ્ટેડ : (હાથ મસળતાં) અને મેં તો કેવી એકીટશે એની રાહ જોયા કરી!
હેડા : (મોં આગળ હાથ મૂકી બગાસું ખાય છે.) આપણે આટલા હેરાન થવાની કાંઈ જ જરૂર ન હતી.
મિસિસ એલ્વસ્ટેડ : તને થોડી પણ ઊંઘ આવી?
હેડા : હા, મને લાગે છે કે હું સારું સૂતી. તું સૂતી કે નહીં તી?
મિસિસ એલ્વસ્ટેડ : એક ક્ષણ પણ નહીં. મારાથી સૂવાય જ નહીં, મરી જાઉં તો પણ નહીં.
હેડા : (ઊભી થઈને એના તરફ જાય છે.) જો, જો, જો, એમાં આટલી ગભરાઈ શું જાય છે? શું થયું હશે એની મને ખબર છે.
મિસિસ એલ્વસ્ટેડ : શું? તને શું લાગે છે—મને નહીં કહે?
હેડા : કેમ વળી? બ્રૅકને ઘેર ઘણું મોડું થઈ ગયું હશે—
મિસિસ એલ્વસ્ટેડ : હા, હા, એ તો દેખીતું જ છે. પણ છતાં ય—
હેડા : પણ પછી તો, જોને, અર્ધી રાતે ઘેર આવીને આપણને જગાડવાનું ટેસમનને યોગ્ય નહીં લાગ્યું હોય. (હસતાં) આવાં લ્હેરપાણી ઉડાવ્યા પછી આપણી પાસે આવવાની એમની બહુ ઇચ્છા પણ ન હોય.
મિસિસ એલ્વસ્ટેડ : તો પછી એ ગયા ક્યાં હોય?
હેડા : કેમ વળી? એમનાં જુલિફોઈને ત્યાં. ત્યાં જ રાત્રે સૂતા હશે. એ લોકો ટેસમનનો પહેલાંનો ખંડ ત્યાં તૈયાર રાખે જ છે.
મિસિસ એલ્વસ્ટેડ : ના, એ ત્યાં તો ન જ હોઈ શકે. જુલિફોઈનો એક પત્ર એમના પર હમણાં જ આવ્યો છે. એ પડ્યો.

હેડા : (પરબીડિયા પરનું સરનામું જોતાં) એમ? હા! આ તો જુલિફોઈના જ અક્ષર છે. તો પછી જજ બ્રૅકને ત્યાં જ રોકાયા અને લોવબર્ગ, એ તો વાળમાં દ્રાક્ષપર્ણ લગાવીને હસ્તપ્રત વાંચતા જ બેઠા છે.
મિસિસ એલ્વસ્ટેડ : ઓહ! હેડા સાચું કહે, તું આવું કંઈ જ માનતી નથી.
હેડા : તું સાવ મૂરખ છે તી.
મિસિસ એલ્વસ્ટેડ : હા, છું જ.
હેડા : તું થાકીને લોથ થઈ ગઈ લાગે છે.
મિસિસ એલ્વસ્ટેડ : હા, ખરેખર, હું થાકીને લોથ થઈ ગઈ છું.
હેડા : બસ, તો પછી, હું કહું તેમ તારે કરવું પડશે. મારા ઓરડામાં જઈને થોડી વાર આરામ કર.
મિસિસ એલ્વસ્ટેડ : ના, ના, ના, મારાથી ઊંઘાશે જ નહીં.
હેડા : હું કહું છું ને—સૂવાશે.
મિસિસ એલ્વસ્ટેડ : હા, પણ તારા પતિ તો હવે હમણાં ઘેર આવશે ને ત્યારે તરત જ મારે જાણવું છે—
હેડા : એ આવશે ત્યારે યાદ રાખીને તને ઉઠાડીશ.
મિસિસ એલ્વસ્ટેડ : મને વચન આપે છે હેડા?
હેડા : હા, મારા પર વિશ્વાસ રાખ. ત્યાં સુધી તું તારે અંદર જઈ આરામ કર.
મિસિસ એલ્વસ્ટેડ : તારો આભાર. તો હું પ્રયત્ન કરું છું.
(અંદરના ઓરડામાં થઈને જાય છે. હેડા કાચના બારણા તરફ જઈને પડદા ખસેડી નાંખે છે. ખંડમાં દિવસનો પ્રકાશ રેલાય છે. લખવાના મેજમાંથી નાનો અરીસો લઈ વાળ સમારે છે. પછી પરસાળદ્વાર તરફ જઈ ઘંટડી વગાડે છે. બર્ટા તરત જ પરસાળદ્વારમાં દેખાય છે.)
બર્ટા : મને બોલાવી બાઈસાહેબ?
હેડા : હા, ભઠ્ઠીમાં થોડાં લાકડાં નાંખ, હું ટાઢે થથરી ગઈ.
બર્ટા : હાશ, મારું ભલું થાય. હમણાં જ દેવતા ધમધમાવું છું. (ભઠ્ઠીમાં ફૂંકીને દેવતા સંકોરે છે અને લાકડાં ગોઠવે છે. ત્યાં જાણે કાંઈ સંભળાતું હોય તેમ કાન માંડે છે.) મને લાગે છે કે બાઈસાહેબ, મુખ્ય દરવાજે ઘંટડીવાગી.
હેડા : તો પહેલાં બારણું ખોલ, દેવતાનું હું ધ્યાન રાખીશ.
બર્ટા : હમણાં જ સળગી જશે.
(પરસાળ દ્વારમાંથી બહાર જાય છે. હેડા વાંકી વળી થોડાં લાકડાં નાંખે છે. ઘડીક પછી ટેસમન પરસાળ દ્વારમાંથી દાખલ થાય છે. કંઈક ગંભીર અને થાકેલો દેખાય છે. વચલા બારણા તરફ છાનોમાનો જાય છે. અને પડદામાંથી અંદર સરકવા જાય છે ત્યાં.)
હેડા : (ઊંચે જોયા વગર, ભઠ્ઠી પાસેથી જ) સુપ્રભાતમ્.
ટેસમન (ઘૂમીને) હેડા (નજીક આવતાં ) બાપ રે, તું આટલી વહેલી ઊઠી ગઈ છે? એંહ?
હેડા : હા, આજે હું બહુ વહેલી ઊઠી ગઈ છું.
ટેસમન : મને તો નિઃશંક એમ કે તું ઘસઘસાટ ઊંઘતી જ હઈશ, જો તો!
હેડા : આટલું મોટેથી ના બોલો, મારા ઓરડામાં મિસિસ એલ્વસ્ટેડ સૂતાં છે.
ટેસમન : મિસિસ એલ્વસ્ટેડ આખી રાત અહીં હતાં?
હેડા  : હા, એમને લેવા કોઈ આવ્યું જ નહીં.
ટેસમન હા, એ ખરું.
હેડા  : (ઊભી થતાં) કેમ, જજ બ્રૅકને ત્યાં બહુ મજા કરી?
ટેસમન : તને મારી ચિંતા થતી હતી એંહ?
હેડા : ના રે ના, ચિંતા તો હું કરતી જ નથી. હું તો ખાલી પૂછતી હતી કે તમને મજા આવી કે નહીં.
ટેસમન : હા, હા. એક રીતે તો ઠીક જામી. ખાસ કરીને શરૂઆતમાં. એ વખતે એઈલર્ટે એના પુસ્તકનો કેટલોક ભાગ વાંચી સંભળાવ્યો. અમે કલાકેક વહેલા હતા. જો તો! અને જજને બધી તૈયારી કરવાની હતી. એટલે એઈલર્ટે મને વાંચી સંભળાવ્યું.
હેડા : (મેજ પર જમણી બાજુ બેસતાં) એમ? તો કહો તો ખરા—
ટેસમન : (ભઠ્ઠી પાસે નાના સ્ટૂલ પર બેસતાં) એ હેડા, તને તો ખ્યાલ જ નહી આવે એવું એ પુસ્તક થવાનું છે. મને તો લાગે છે અત્યાર સુધીનાં બધાં લખાણોમાં આ ખાસ ધ્યાન ખેંચે તેવું થશે, જોજે!
હેડા : હશે, મને એની કાંઈ પડી નથી.
ટેસમન : મારે કબૂલ કરવું જોઈએ હેડા કે એણે વાંચવાનું પૂરું કર્યું ત્યારે એક ભયંકર લાગણી મને થઈ આવેલી.
હેડા : ભયંકર લાગણી?
ટેસમન : હા, મને એની ઈર્ષ્યા થઈ કે આવું પુસ્તક લખવાની પ્રતિભા એનામાં છે! વિચાર તો કર, હેડા!
હેડા : હા, હા, હું વિચાર જ કરું છું.
ટેસન : અને છતાંય-આટલી બધી મેધા એનામાં હોવા છતાં ય એ સુધરી શકે તેમ નથી. કેટલું દયાજનક!
હેડા : : એટલે તમે એમ કહેવા માંગો છો કે બીજા બધા કરતાં એમનામાં વધુ હિંમત છે?
ટેસમન : ના, બિલકુલ નહીં. હું તો એમ કહું છું કે આનંદપ્રમોદની બાબતમાં એ પૂરતો વિવેક રાખી શકતો નથી.
હેડા : તો છેવટે એ બધાંનું પરિણામ શું આવ્યું? .
ટેસમન : સાચું કહું તો એને બેફામ વર્તન કહી શકાય હેડા. આવું ગાવું, નાચવું અને ઢીંચવું, કશો સંયમ જ નહીં.
હેડા : એના વાળમાં દ્રાક્ષપર્ણ હતાં?
ટેસમન : દ્રાક્ષપર્ણ? ના રે, એવું તો મેં કાંઈ જોયું નથી. પણ એણે ઢંગધડા વગરનું એક લાંબુ ભાષણ આપ્યું. એનો મુખ્ય વિષય એક સ્ત્રી હતી. તે સ્ત્રીએ, એના જ શબ્દોમાં કહું તો, એના આ સર્જનમાં પ્રેરણા આપી હતી.
હેડા : એમણે તે સ્ત્રીનું નામ કહ્યું?
ટેસમન : ના, પણ મને ખાતરી છે કે તે મિસિસ એલ્વસ્ટેડ જ હશે.
હેડા : તમે લોકો છૂટા ક્યાંથી પડ્યા?
ટેસમન : ગામના રસ્તા આગળ અમારી છેલ્લી ટુકડીના બધા લગભગ સાથે જ છૂટા પડ્યા. બ્રૅક પણ જરા તાજી હવા ખાવા અમારી સાથે થોડે સુધી આવ્યા. અમે લોકોએ એઈલર્ટને ઘેર પહોંચાડવાનું નક્કી કર્યું. એણે ગજા ઉપરાંત પીધો હતો.
હેડા : એમ જ થયું હશે.
ટેસમન : પણ વાતનો વિચિત્ર ભાગ અથવા કહો કે દુઃખદ ભાગ તો હવે આવે છે. એઈલર્ટને માટે કહેતાં શરમ આવે છે.
હેડા : હા, હા, કહો.
ટેસમન : ગામની નજીક આવતામાં નસીબયોગે હું બીજા બધાની જરાક પાછળ પડી ગયો. એકાદ બે મિનિટ જેટલો જ! જો તો ખરી!
હેડા : હા, હા, હા, પણ પછી?-
ટેસમન : પછી હું ઝડપથી એ લોકોની સાથે થવા જતો હતો ત્યાં કહે જોઉં—રસ્તામાં બાજુએ શું પડેલું મેં જોયું હશે? એંહ?
હેડા : ઓહ, હું શું જાણું?
ટેસમન : આ વિષે કોઈને પણ ન કહે તો કહું. સાંભળે છે? મને વચન આપ, એઈલર્ટને ખાતર. (ખિસ્સામાંથી કાગળમાં વીંટેલું પેકેટ કાઢે છે.) જો, આ મળ્યું!
હેડા : આ તો કાલે એમની પાસે હતું એ જ પેકેટ નથી?
ટેસમન : હા, જેની ખોટ પૂરી ન શકાય તેવી વિરલ અને અમૂલ્ય એવી આ એની હસ્તપ્રત, જે એ પોતે ખોઈ બેઠો છે અને એની એને કશી જાણ જ નથી. જો તો ખરી હેડા, કેવું જીવ બળે તેવું!
હેડા : પણ, તમે એમને તરત જ પાછી કેમ આપી ન દીધી?
ટેસમન : એની સ્થિતિ એ વખતે એવી હતી કે મારી હિંમત ના ચાલી.
હેડા : પણ તમે બીજા કોઈને કહ્યું છે કે તમને આ જડી છે?

ટેસમન : અરે, હોય! એટલી તો ખાતરી રાખજે કે એઈલર્ટને ખાતર થઈને પણ હું એવું કદી ન કરું.
હેડા : એટલે એમ કે એઈલર્ટ લોવબર્ગની હસ્તપ્રત તમારા કબજામાં છે એવું કોઈ જાણતું નથી?
ટેસમન : હા, હા, અને કોઈએ જાણવાની જરૂર પણ નથી.
હેડા : તો એમને તમે પછીથી શું કહ્યું?
ટેસમન : મારે અને એને એ પછી વાત થઈ જ નહીં. કારણ જેવા અમે ગામમાં દાખલ થયા કે તરત જ એ અને બીજા બેત્રણ જણા અમારી નજર ચુકાવી ક્યાંક જતા રહ્યા.
હેડા : ખરેખર? તો તો એ લોકો એમને ઘેર લઈ ગયા હશે.
ટેસમન : હા, લાગે છે તો એમ જ, ને બ્રૅક પણ ચાલ્યા ગયા.
હેડા : ત્યારથી તે છેક અત્યાર સુધી તમે શું કરતા હતા?
ટેસમન : અમે બેચાર મિત્રો એક જણને ત્યાં ગયા—બહુ મજાની વ્યક્તિ છે—અમારી સવારની કે મોડી રાતની જે ગણો તે કૉફી પણ ત્યાં જ પીધી. એંહ? પણ હવે જો મેં જરા આરામ કર્યો છે અને બિચારા એઈલર્ટે પણ એક ઊંઘ કાઢી હશે એટલે એને આ આપી આવું.
હેડા : (પેકેટ લેવા હાથ લંબાવે છે.) ના, એ એમને પાછી ન આપશો. એટલે કે આટલી બધી ઉતાવળની જરૂર નથી. મને પહેલાં વાંચવા તો દો.
ટેસમન : ના, ના, મારી હેડા—એમ ન થાય—ન જ થાય.
હેડા : કેમ ન થાય?
ટેસમન : ના, કારણ તું કલ્પના તો કર. એ જ્યારે જાગશે અને હસ્તપ્રત નહીં જુએ ત્યારે કેવી ઘોર નિરાશામાં ડૂબી જશે? એ કહેતો હતો કે એની પાસે આની બીજી નકલ પણ નથી.
હેડા : (એના મનનો ભાવ ઉકેલતાં) આવું સર્જન ફરી ન થઈ શકે? ફરી આ ન લખી શકાય?
ટેસમન : ના, મને નથી લાગતું કે એ શક્ય હોય. કારણ જોને, પ્રેરણા પાછી—
હેડા  : હા, મને લાગે છે એના પર જ બધો આધાર છે– (સહજભાવે) અરે, આ તમારો કોઈ પત્ર છે.
ટેસમન : જો તો-
હેડા : (તેને આપતાં) આજે વહેલી સવારે આવ્યો.
ટેસમન : જુલિફોઈનો છે. શું હશે? (પેકેટ બાજુ પર મૂકે છે અને પત્ર ખોલે છે, વાંચે છે અને ચમકે છે.) એંહ, હેડા, લખે છે કે રીનાફોઈના છેલ્લા શ્વાસ છે.
હેડા : આપણી તો તૈયારી હતી જ.
ટેસમન : અને વળી લખે છે કે મારે એને છેલ્લું મળી લેવું હોય તો જલદી જવું જોઈએ. હું જઉં છું. હમણાં જ દોડીને પહોંચી જઉં—
હેડા : (સ્મિત દબાવતાં) તમે દોડશો?
ટેસમન : ઓ વ્હાલી વ્હાલી હેડા—તું પણ આવવાનું નક્કી કરે તો કેવું સારું—વિચાર તો કર!
હેડા : (ઊઠતાં, કંટાળાથી, એ ખ્યાલ માત્રનો પ્રતિકાર કરતી) ના, ના, મને ન કહેશો. માંદગી અને મોત મને ધર્મેય ન ખપે. કોઈ પણ જાતની કુરૂપતાની મને ઉબક છે.
ટેસમન : સારું, સારુ. તો! (દોડાદોડ કરતો) મારી ટોપી—મારો ઓવરકોટ? આહ, પરસાળમાં છે—હેડા, હું મોડો ન પડું તો સારું, એંહ!
હેડા : તમે દોડશો તો—
[પરસાળ દ્વારમાં બર્ટા દેખાય છે.] .
બર્ટા : જજ બ્રૅક આવ્યા છે ને પુછાવે છે કે અંદર આવે?
ટેસમન : અત્યારમાં? ના મારાથી એમને મળી શકાશે નહીં.
હેડા : પણ મારાથી મળી શકાશે. (બર્ટાને) જજ બ્રૅકને અંદર મોકલ.
[બર્ટા જાય છે.]
હેડા : આ પેકેટ ટેસમન. (બાજઠ પરથી ઝડપી લે છે.)
ટેસમન : હા, લાવ મારી પાસે.
હેડા : ના, ના, તમે પાછા આવો ત્યાં સુધી હું સાચવું છું.
[મેજ પાસે જઈ ચોપડીઓના ખાનામાં મૂકે છે. ટેસમન રઘવાટમાં હાથનાં મોજાં પહેરવા મથે છે. જજ પરસાળમાંથી આવે છે.]
હેડા : કહેવું પડે. સાચ્ચે જ તમે પરોઢનું પંખી છો.
જજ બ્રૅક : હા, કેમ નહીં? તમે બહાર જાઓ છો, મિ. ટેસમન?
ટેસમન : હા, હું મારાં ફોઈબાને ત્યાં જવાના રઘવાટમાં છું. જો તો! રીનાફોઈ બિચારી મૃત્યુને આરે ઊભી છે—બિચારી—
જજ બ્રૅક : અરે રામ, એમ છે? તો તો હું તમને જરાય ખોટી નહીં કરું—આવી કટોકટીની પળે—
ટેસમન : હા, મારે ભાગવું જ જોઈએ, આવજો, આવજો—
[પરસાળમાંથી ઉતાવળે બહાર જાય છે.]
હેડા : કહે છે કે કાલે તો તમારે ત્યાં રાત્રે તમે રંગ જમાવ્યો હતો, જજ બ્રૅક--
જજ બ્રૅક : મેં કપડાં ઉતારી નાંખ્યાં નહોતાં, એટલી ખાતરી રાખજો, હેડા.
હેડા : તમે પણ નહીં?
જજ બ્રૅક : ના, તમે એ જોઈ શકો છો. પણ કાલ રાતનાં પરાક્રમો વિષે ટેસમન શું કહેતા હતા?
હેડા : અરે, કોઈ કંટાળાજનક વાત. ખાસ તો એટલું કે એ લોકોએ ક્યાંક જઈને કૉફી પીધી.
જજ બ્રૅક : હા, એ કૉફી મહેફિલ વિષે તો મેં સાંભળ્યું. એઈલર્ટ લોવબર્ગ એ લોકો સાથે નહોતા, કેમ?
હેડા : ના, તે પહેલાં જ એમને એ લોકો ઘેર લઈ ગયેલા.
જજ બ્રૅક : ટેસમન પણ ગયેલા?
હેડા : ના, એમણે કહ્યું કે બીજા લોકો.
જજ બ્રૅક : જ્યૉર્જ ટેસમન ખરેખર એક ભલો આદમી છે, હેડા.
હેડા : છે જ ને! પણ તો પછી આ બધાની પાછળ કાંઈક છે?
જજ બ્રૅક : હા, કદાચ હોય.
હેડા : તો પછી અહીં આરામથી બેસો ને મને તમારી બધી વાત નિરાંતે કહો.
[હેડા મેજની ડાબી બાજુએ બેસે છે. બ્રૅક તેની નજીકના મેજના ખૂણા પર બેસે છે.] હં કહો.
જજ બ્રૅક : મારા ગઈ કાલ રાતના મહેમાનોની—અથવા કેટલાક મહેમાનોની પ્રવૃત્તિ ઉપર નજર રાખવાનું ખાસ કારણ હતું.
હેડા : ખાસ કરીને એઈલર્ટ લોવબર્ગની, કદાચ?
જજ બ્રૅક : સાચું પૂછો તો તેમ જ.
હેડા : આ તો જિજ્ઞાસા વધે તેવું છે.
જજ બ્રૅક : હેડા, તમે જાણો છો એઈલર્ટ લોવબર્ગ અને બીજા બેત્રણ જણાંએ છેવટે રાત ક્યાં ગાળી હતી?
હેડા : અણઘટતું ન હોય તો કહો.
જજ બ્રૅક : ન કહેવાય એવું જરાય નથી. એ લોકો એક ખાસ પ્રકારના સંગીતના જલસામાં ગયા હતા.
હેડા : જરા રંગીલો કહેવાય એવો?
જજ બ્રૅક : ઘણો જ રંગીલો—
હેડા : મને બધું વિગતવાર કહો, જજ બ્રૅક—
જજ બ્રૅક : લોવબર્ગ અને બીજા કેટલાકને એમાં આગળથી આમંત્રણ હતું. મને એ બધી ખબર હતી. લોવબર્ગે એ આમંત્રણ સ્વીકાર્યું નહોતું. કારણ જુઓને, હવે તો નવી જ વ્યક્તિ બની ગયો છે, એ તો તમે જાણો છો.
હેડા : એલ્વસ્ટેડને ઘેર રહીને. પણ છતાં ય એ ગયા. કેમ?
જજ બ્રૅક : કમનસીબે મારે ત્યાં કાલ સાંજે કશુંક એમને ચળાવી ગયું.
હેડા : હા, મેં સાંભળ્યું કે એમને પ્રેરણા મળી હતી.
જજ બ્રૅક : જબરજસ્ત પ્રેરણા. મને લાગે છે કે એમણે એમનો વિચાર બદલ્યો. અમારી પુરુષોની જાત જ એવી. કોઈ સિદ્ધાંત હંમેશાં કડક રીતે પાળી જ ન શકીએ.
હેડા : ઓહ, હું જાણું છું તમે એમાં અપવાદ છો, પણ લોવબર્ગ—
જજ બ્રૅક : ટૂંકમાં કહીએ તો માદ મુઝેલ ડાયેનાના નિવાસમાં છેવટે એમની પધરામણી થઈ.
હેડા : માદ મુઝેલ ડાયેના?
જજ બ્રૅક : હા, માદ મુઝેલ ડાયેનાને ત્યાં સંગીતનો જલસો રાખ્યો હતો. એણે ગણ્યાગાંઠ્યા ખાસ મહેમાનોને જ આમંત્ર્યા હતા. થોડા આશકો અને એની સ્ત્રીમિત્રો.
હેડા : એ સ્ત્રીના વાળ લાલ છે?
જજ બ્રૅક : તે જ.
હેડા : જેને એક જાતની ગાયિકા કહી શકાય—
જજ બ્રૅક : હા, હા, વળી એના નવરાશના સમયમાં જબરી શિકારી-ખાસ કરીને પુરુષોની. હેડા, તમે તો એના વિષે સાંભળ્યું જ હશે. લોવબર્ગ તેના સમર્થકોમાંના એક ઉત્સાહી સમર્થક હતા… એમના ઊજળા દિવસોમાં-
હેડા : અને આ બધાનો અંત શું આવ્યો?
જજ બ્રૅક : લાગે છે કે સુલેહસંપથી તો નહીં જ. શરૂઆત બહુ મીઠાશથી થઈ પણ છેવટે મારામારી પર આવી ગયાં.
હેડા : લોવબર્ગ અને તે ગાયિકા?
જજ બ્રૅક : હા, એમનો એવો આરોપ હતો કે ડાયેનાએ કે તેના મિત્રોએ એમને લૂંટી લીધા. એ કહે કે એમની નોંધપોથી અને બીજી પણ કેટલીક ચીજો ગુમ થઈ હતી. ટૂંકાણમાં એમણે ભારે તોફાન કર્યું એમ લાગે છે.
હેડા : અને એ બધાનું પરિણામ શું આવ્યું?
જજ બ્રૅક : મોટું ઘમસાણ મચી ગયું. પુરુષો અને સ્ત્રીઓ, બધા એમાં સંડોવાયાં— એ તો સારું થયું કે છેલ્લા દૃશ્યમાં પોલીસ આવી પહોંચી.
હેડા : પોલીસ પણ આવી?
જજ બ્રૅક : હા, એ તો તદ્દન ધૂની છે. એવો ચક્રમ છે કે મને લાગે છે કે લોવબર્ગને આ તોફાન ભારે પડશે.
હેડા : કેવી રીતે?
જજ બ્રૅક : લાગે છે કે એમણે મગજ એવું ગુમાવ્યું કે એક જમાદારના માથામાં સખત માર્યું અને તેનો કોટ ફાડી નાંખ્યો. પરિણામે એમને અને બીજા બધાને પોલીસચોકીએ ઘસડી ગયા.
હેડા : તમને આ બધી ખબર ક્યાંથી પડી?
જજ બ્રૅક : પોલીસની પાસેથી જ.
હેડા : (સામે નજર સ્થિર કરતાં) એમ, તો એવું બન્યું. એના વાળમાં દ્રાક્ષપર્ણ ન હતાં?
જજ બ્રૅક : દ્રાક્ષપર્ણ, હેડા?
હેડા : (વિષય બદલતાં) પણ જજ, એ તો કહો કે એઈલર્ટ લોવબર્ગની હિલચાલ પર તમારે આટલી કાળજીથી છૂપી નજર રાખવાનું કારણ શું?
જજ બ્રૅક  : પહેલું તો જાણે એમ કે અદાલતમાં જો એમ સાબિત થાય કે એ સીધા મારે ઘેરથી ગયા હતા તો મારું નામ પણ સંડોવાય.
હેડા : તો મામલો છેક અદાલત સુધી પહોંચશે?
જજ બ્રૅક : હાસ્તો. જોકે તો ય હું આટલી માથાકૂટ ન કરત. પણ મને લાગ્યું કે એનાં રાત્રિનાં પરાક્રમો વિષે તમને વિગતવાર માહિતી આપું— એ મારી કુટુંબના મિત્ર તરીકેની ફરજ છે.
હેડા : કેમ એમ, જજ બ્રૅક?
જજ બ્રૅક : કેમ? કારણ મને પાકો વહેમ છે કે એ તમારું ઓઠું લેવા માગે છે.
હેડા : ઓહ, તમને આવો વિચાર પણ કેમ આવે છે?
જજ બ્રૅક : વાહ રે, હેડા, ઈશ્વરે આપણને, જોવા માટે આંખો આપી છે હોં. મારા શબ્દો યાદ રાખજો. આ મિસિસ એલ્વસ્ટેડ હવે ગામ છોડીને જવાની ઉતાવળ નહીં કરે.
હેડા : પણ એ બે જણાંને એવો સંબંધ હોય તો મળવા માટે બીજાં ઘણાં ય સ્થળો છે.
જજ બ્રૅક : એકે ય ઘર નહીં અને હવે તો પહેલાંની જેમ સારા ઘરનાં લોકો કોઈ એઈલર્ટ લોવબર્ગને પેસવા દેશે નહીં.
હેડા : અને મારે પણ એમ જ કરવું, એમ?
જજ બ્રૅક : હા. મારે કબૂલ કરવું જોઈએ કે આ વ્યક્તિને જો તમારા ઘરમાં સ્વતંત્ર પ્રવેશ મળી જાય તો મારે માટે મોટી કટોકટી ઊભી થાય. આપણા જીવનમાં એને દખલ કરવા દઈએ તો એ તો એવો છે કે માથું મારીને ઘૂસી જાય. આપણા—
હેડા : ત્રિકોણમાં?
જજ બ્રૅક : એમ જ. નહીં તો હું તો બેઘર થઈ જઉં.
હેડા : (સ્મિત કરી તેની સામે જોતાં) ઓહ, તો હેડાના કૃપાપાત્ર થવાનો ઈજારો તમારે એકલાને જ જોઈએ છે, કેમ? ટોપલામાં તમે એકલા જ એક જ મરઘો બની રહો૧[1]એ જ તમારું ધ્યેય છે.
જજ બ્રૅક : (ધીમેથી માથું હલાવતાં, ધીમા અવાજે) હા, એ જ મારું ધ્યેય છે અને તે માટે ગમે તે ઉપાયે હું છેક સુધી લડી લઈશ. અને કોઈ પણ શસ્ત્ર વાપરતાં અચકાઈશ નહીં.
હેડા : (સ્મિત ઊડી જાય છે) ખરે વખતે તમે ભયંકર માણસ બની શકો છો એમ મને લાગે છે.
જજ બ્રૅક : તમને એવું લાગે છે?
હેડા : હવે લાગવા માંડ્યું છે. અને વળી તમારી મારા પર કોઈ જાતની પકડ નથી એનો ખ્યાલ આવતાં તો મને ઘણો જ આનંદ થાય છે.
જજ બ્રૅક : (સંદિગ્ધ હાસ્ય કરતાં) ઠીક, ઠીક, હેડા. તમારી વાત કદાચ સાચી હોય. જો મારી પકડ હોત તો કોણ જાણે હું શું નું શું કરત!
હેડા : વાહ રે વાહ, જજ સાહેબ. આ તો તમે ધમકી આપતા લાગો છો.
જજ બ્રૅક : (ઊઠતાં) ના રે ના, પેલો ત્રિકોણ— સમજ્યાં ને? બની શકે તો સાહજિક જ રચાઈ જવો જોઈએ.
હેડા : એમાં હું તમારી સાથે સંમત થઉં છું.
જજ બ્રૅક : ચાલો ત્યારે. મારે કહેવાનું બધું મેં કહી દીધું છે. હજી મારે ગામમાં જવાનું છે. આવજો હેડા : (કાચના બારણા તરફ જાય છે.)
હેડા : (ઊઠતાં) તમે બગીચામાંથી જાઓ છો?
જજ બ્રૅક : હા, એ મારો ટૂંકો રસ્તો છે.
હેડા પણ એ પાછળનો રસ્તો ય છે.
જજ બ્રૅક : તદ્દન સાચું. પણ મને પાછલા રસ્તાનો વાંધો નથી. વળી કેટલીક વાર જરા સાહસભર્યો પણ હોય છે.
હેડા : જ્યારે ગોળી ચલાવવાનો અભ્યાસ ચાલતો હોય ત્યારે!
જજ બ્રૅક : (બારણામાં તેની તરફ હસતાં) ઓહ, હું માનું છું કે લોકો પોતાનાં પાલતુ મરઘાં બતકાંને મારે નહીં.
હેડા : (એ પણ હસતાં) ખાસ કરીને જ્યારે ટોપલામાં એક જ મરઘો હોય. (હસતાં હસતાં) આવજો, આવજો.
[જજ જાય છે. હેડા બારણું બંધ કરે છે. હેડા ગંભીર થઈ ગઈ છે. થોડી વાર બહાર જોતી ઊભી રહે છે. પછી વચ્ચેના પ્રવેશમાર્ગના પડદામાંથી ડોકિયું કરે છે. મેજ પાસે જાય છે. ચોપડીઓના ખાનામાંથી લોવબર્ગનું પેકેટ કાઢે છે અને વાંચવા જાય છે ત્યાં બર્ટાનો અવાજ સંભળાય છે. તે પરસાળમાં કોઈની સાથે મોટેથી વાત કરતી સંભળાય છે. હેડા ઘૂમે છે અને કાન માંડી સાંભળે છે. ઝડપથી પેકેટ ખાનામાં પાછું મૂકી દે છે અને ચાવી સહીના ખડિયા પર મૂકે છે. એઈલર્ટ લોવબર્ગ ધડાક દઈને બારણું ખોલી નાંખે છે. તેણે કોટ પહેર્યો છે. ટોપી હાથમાં છે અને કંઈક મૂંઝાયેલો, કંઈક ચિઢાયેલો દેખાય છે.]
લોવબર્ગ : (પરસાળ તરફ જોતાં) પણ હું કહું છું મારે અંદર જવું છે, અને જઈશ જ. જો.
[બારણું બંધ કરે છે, ફરે છે, હેડાને જુએ છે, જાત પર કાબૂ મેળવે છે (સ્વસ્થ થાય છે) અને નમન કરે છે.]
હેડા : (લખવાના મેજ આગળ) તીને લેવા આવવા માટે જરા મોડું કહેવાય મિ. લોવબર્ગ.
લોવબર્ગ : અથવા કહો કે તમને મળવા આવવા માટે વહેલું કહેવાય કેમ? ખેર, મને માફ કરજો.
હેડા : તમે ક્યાંથી જાણ્યું કે એ હજી અહીં જ છે?
લોવબર્ગ : મને એના રહેઠાણ પરથી ખબર પડી કે એ આખી રાત બહાર જ હતી.
હેડા : (લંબગોળ મેજ પાસે જતાં) એ લોકોએ જ્યારે એમ કહ્યું ત્યારે એમના વર્તનમાં તમને કાંઈ નોંધપાત્ર દેખાયું?
લોવબર્ગ : નોંધપાત્ર? (હેડા તરફ પ્રશ્નાર્થ દૃષ્ટિથી જોઈ રહે છે.)
હેડા : એટલે એમ કે એ લોકોને જરા અજુગતું તો લાગ્યું જ હશે?
લોવબર્ગ : (એકાએક સમજી જતાં) એંહ, હા, હા. હું એને પણ મારી સાથે બદનામીમાં ઘસડી જઉં છું. જોકે મને ત્યાં તો એવું કાંઈ લાગ્યું નહીં. ટેસમન હજી ઊઠ્યા નહીં હોય કેમ?
હેડા : ના, હું નથી ધારતી–
લોવબર્ગ : એ ક્યારે ઘેર આવ્યા?
હેડા : બહુ મોડા—
લોવબર્ગ : એમણે તમને કંઈ વાત કરી?
હેડા : હા, કે તમે લોકોએ જજ બ્રૅકને ત્યાં સાંજે બહુ મઝા કરી— એવું હું સમજી છું.
લોવબર્ગ : એથી વધારે બીજું કાંઈ નહીં?
હેડા : ખાસ કાંઈ નહીં. બાકી તો હું એવી સખત ઊંઘમાં હતી—
[મિસિસ એલ્વસ્ટેડ વચ્ચેના પ્રવેશમાર્ગના પડદામાંથી બહાર આવે છે.]
મિસિસ એલ્વસ્ટેડ : (તેની પાસે જતાં) ઓહ, લોવબર્ગ, છેવટે—
લોવબર્ગ : હા, છેવટે પણ ઘણું મોડું—
મિસિસ એલ્વસ્ટેડ : (ચિંતાથી તેની સામે જોતાં) કેમ ઘણું મોડું?
લોવબર્ગ : હવે તો બધામાં ઘણું મોડું થઈ ગયું છે. હું હારી ગયો છું.
મિસિસ એલ્વસ્ટેડ : ઓહ, ના, ના, એમ ન કહેશો!
લોવબર્ગ : તમે સાંભળશો ત્યારે તમે પણ એમ જ કહેશો.
મિસિસ એલ્વસ્ટેડ : હું કાંઈ સાંભળીશ જ નહીં.
હેડા : તમારે એની એકલીની સાથે કાંઈ વાત કરવી હોય તો હું જઉં—
લોવબર્ગ : ના, બેસો— તમે પણ— મારી એટલી વિનંતી છે.
મિસિસ એલ્વસ્ટેડ : હા, પણ હું કાંઈ સાંભળીશ નહીં, એ કહી દઉં છું.
લોવબર્ગ : હું ગઈ કાલનાં પરાક્રમોની વાત નથી કરતો—
મિસિસ એલ્વસ્ટેડ : તો પછી શું છે?
લોવબર્ગ : હું તો એમ કહેવા આવ્યો છું કે આપણા માર્ગ જુદા છે.
મિસિસ એલ્વસ્ટેડ : જુદા?
હેડા : (બોલી પડે છે) હું તો જાણતી જ હતી.
લોવબર્ગ : તું મને હવે કોઈ જ મદદ કરી શકીશ નહીં તી.
મિસિસ એલ્વસ્ટેડ : તમે કયે મોંઢે આ બોલો છો? હું મદદ કરી શકીશ નહીં? પહેલાંની જેમ મારે હવે મદદ કરવાની નથી? આપણે હવે સાથે બેસીને કામ કરવાનું નથી?
લોવબર્ગ : હવે પછી હું કામ કરવાનો નથી.
મિસિસ એલ્વસ્ટેડ : (નિરાશાથી) તો પછી મારા જીવનમાં રહ્યું શું?
લોવબર્ગ : મને ભૂલી જા તી, આપણે કદી મળ્યાં જ નહોતાં એમ માનીને જીવન ફરી શરૂ કર.
મિસિસ એલ્વસ્ટેડ : તમે જાણો તો છો કે એ મારાથી બને તેમ નથી.
લોવબર્ગ : ના બને તો બનાવ તી, તારે ઘેર પાછા જવું જ જોઈએ.
મિસિસ એલ્વસ્ટેડ : (કારમો વિરોધ કરતાં) આ ભવે તો નહીં જ. હવે તો જ્યાં તમે ત્યાં હું. તમે મને એમ ધકેલી શકશો નહીં. હું અહીં જ રહીશ અને જ્યારે પુસ્તક પ્રગટ થશે ત્યારે તમારી પડખે જ રહીશ.
હેડા : (અર્ધસ્વગત અને અનિશ્ચિતતાથી) આહ, પુસ્તક!
લોવબર્ગ : (એની સામે જોતાં) મારું અને તીનું પુસ્તક. ખરેખર તો એમ જ છે.
મિસિસ એલ્વસ્ટેડ : હા, એમ જ છે અને તેથી જ એના પ્રકાશન વખતે તમારી સાથે રહેવાનો મને હક છે. તમારા પર નવેસરથી માન-આદરની ઝડી વરસે તે મારે મારી સગી આંખે જોવું છે, અને તે બધાનું સુખ— એ સુખ— ઓહ, એ બધાની ભાગીદાર હું થવાની જ.
લોવબર્ગ : તી, આપણું પુસ્તક કદી પ્રગટ થશે નહીં.
હેડા : આહ.
મિસિસ એલ્વસ્ટેડ : કદી પ્રગટ થશે નહીં?
લોવબર્ગ : કદી પ્રગટ થઈ શકશે જ નહીં.
મિસિસ એલ્વસ્ટેડ : (તીવ્ર વેદનાયુક્ત આશંકાથી) લોવબર્ગ, હસ્તપ્રતનું તમે શું કર્યું?
હેડા : (આતુરતાથી તેની સામે જોઈ) હા, હસ્તપ્રત—
મિસિસ એલ્વસ્ટેડ : ક્યાં છે એ?
લોવબર્ગ : ઓહ તી, એના વિષે મને ન પૂછ.
મિસિસ એલ્વસ્ટેડ : ના, ના, મારે જાણવું જ છે. તમારે મને અત્યારે જ કહેવું પડશે.
લોવબર્ગ : (એકદમ) હસ્તપ્રત-તો સાંભળ, હસ્તપ્રતના મેં લાખ લાખ ટુકડા કરી નાખ્યા છે.
મિસિસ એલ્વસ્ટેડ  : (ચીસ પાડીને) ના, ના, ઓહ—
હેડા : (બોલી પડે છે) પણ એ કાંઈ સાચું ન—
લોવબર્ગ : (તેની સામે જોતાં) સાચું નથી એમ માનો છો?
હેડા : (જાતને સંભાળી લેતાં) ઓહ, હા, પણ તમે જ કહો છો એટલે હશે. પણ તે એટલું બધું અશક્ય લાગતું હતું—
લોવબર્ગ : અને છતાંય એ સાચું છે.
મિસિસ એલ્વસ્ટેડ : (હાથ મસળતાં) ઓ પ્રભુ, ઓ પ્રભુ, હેડા, પોતાના જ સર્જનના ટુકડે ટુકડા કરી નાંખ્યા!
લોવબર્ગ : મેં મારા ખુદ જીવનના જ ટુકડે ટુકડા કરી નાખ્યા છે. તો મારા જીવનના સર્જનના પણ કેમ ન કરું?
મિસિસ એલ્વસ્ટેડ : અને તમે કાલે રાત્રે આ કર્યું?
લોવબર્ગ : હા, કહું છું ને, હજાર હજાર ટુકડા કરી નાંખ્યા— દૂર ખાડીમાં વેરી દીધા— ત્યાં— ત્યાં છેવટ દરિયાનું ઠંડું પાણી તો છે--બિચારા છો તરે—ઘડીક વહેણ સાથે તો ઘડીક વા સાથે તણાશે, અને પછી થોડી જ વારમાં ડૂબી જશે, ઊંડા અને ઊંડા--મારી જેમ તી.
મિસિસ એલ્વસ્ટેડ : તમે જાણો છો લોવબર્ગ, મારા છેલ્લા શ્વાસ સુધી હું એમ માનીશ કે તમારું આ કૃત્ય એક નાના બાળકને મારી નાંખ્યા બરાબર છે.
લોવબર્ગ : હા, તારી વાત સાચી છે. એક પ્રકારની બાળહત્યા જ છે.
મિસિસ એલ્વસ્ટેડ : તો પછી તમે કેવી રીતે— બાળક મારું પણ નહોતું?
હેડા : (લગભગ સંભળાય તેમ) આહ, બાળક—
મિસિસ એલ્વસ્ટેડ : (ભારે શ્વાસે) તો પછી બધું ખલાસ થઈ ગયું. વારુ, વારુ, ત્યારે હવે હું જઉં છું, હેડા.
હેડા : પણ તું ગામમાંથી તો જતી રહેવાની નથી ને?
મિસિસ એલ્વસ્ટેડ : હું શું કરીશ એ હું કાંઈ જાણતી નથી. અત્યારે તો મને ફક્ત અંધકાર સિવાય કાંઈ જ દેખાતું નથી.
[પરસાળ દ્વારમાંથી બહાર જાય છે.]
હેડા : (ઘડીક રાહ જુએ છે.) હં, તો તમે એને ઘેર મૂકવા નથી જતા કેમ મિ. લોવબર્ગ?
લોવબર્ગ : હું? ગામની શેરીઓમાં થઈને? એને મારી સાથે ચાલતી ચાલતી લોકોને જોવા દેવા?
હેડા : કાલે રાત્રે બીજું શું શું બન્યું તે હું ક્યાંથી જાણું? પણ વાત એટલી બધી હાથથી ગઈ છે?
લોવબર્ગ : કાલ રાતની વાતથી એનો અંત આવશે નહીં--એ હું બરાબર જાણું છું. અને મુખ્ય વાત તો એ છે કે મને હવે એવા જીવનનો મોહ પણ રહ્યો નથી. મારે નવું જીવન પણ શરૂ કરવું નથી. જીવન સામે ઝઝૂમવાની મારી શક્તિ અને હિંમત એણે તોડી નાંખ્યાં છે.
હેડા : (સામે નજર સ્થિર કરતાં) તો એ મૂર્ખ નાની રૂપકડીમાં એક પુરુષનું નસીબ ઘડવાની શક્તિ છે— એમ! (લોવબર્ગ સામું જોઈ) પણ છતાંય તમે એની પ્રત્યે આટલા નિર્દય કેવી રીતે થઈ શક્યા?
લોવબર્ગ : ઓહ, એ નિર્દયતા ન હતી.
હેડા : એનો આત્મા જેનાથી કેટલાય મહિનાઓ અને વર્ષો સુધી ભર્યો ભર્યો--આનંદમાં તરબોળ રહ્યો— એ ચીજનો નાશ કરવો એ નિર્દયતા નહોતી?
લોવબર્ગ : હેડા, તમને હું સાચી વાત કહી શકીશ.
હેડા : સાચી વાત?
લોવબર્ગ : પહેલાં મને ખાતરી આપો— વચન આપો— કે હું તમને આજે જે કહું છું તે તી કદી કોઈ જાણશે નહીં.
હેડા : હું ખાતરી આપું છું.
લોવબર્ગ : હં… બરાબર. મેં હમણાં જે કહ્યું તે અસત્ય હતું.
હેડા : હસ્તપ્રત વિષે?
લોવબર્ગ : હા, મેં હસ્તપ્રત ફાડી નાંખી નથી. તેને ખાડીમાં પણ નાંખી દીધી નથી.
હેડા : ના, નહીં જ--પણ--તો પછી અત્યારે તે ક્યાં છે?
લોવબર્ગ : પણ છતાંય મેં એનો નાશ કર્યો છે. સંપૂર્ણ નાશ, હેડા.
હેડા : મને તો કંઈ સમજાતું નથી.
લોવબર્ગ : તીએ કહ્યું કે મારું એ કૃત્ય બાળહત્યા જેવું લાગ્યું.
હેડા : હા, એમ કહ્યું ખરું.
લોવબર્ગ : બાળકનું ખૂન— એનાથી પણ વધુ હત્યારું કામ એક પિતા કરી શકે છે.
હેડા : એનાથી પણ હત્યારું?
લોવબર્ગ : હા, મારા એ અધમમાં અધમ કૃત્યની જાણ મારે તીને થવા દેવી ન હતી.
હેડા : તો એ અધમમાં અધમ કૃત્ય કયું છે?
લોવબર્ગ : સાંભળો, હેડા. ધારો કે એક માણસ છે— આખી રાત રંગરાગ અને ધમાલમાં ગાળીને વહેલી સવારે બાળકની માતા પાસે આવે છે ને કહે છે : "જો હું આખી રાત આમતેમ રખડ્યો— ઠેકઠેકાણે ભટક્યો— આપણા બાળકને પણ મારી સાથે રખડાવ્યું— જ્યાં ને ત્યાં— અને પછી એને ખોઈ નાંખ્યું! તદ્દન ખોઈ નાખ્યું— કોણ જાણે કોને ય પનારે પડ્યું હશે એ—કોના ય પંજામાં સપડાયું હશે.
હેડા : પણ એ બધું કહેવા કરવા છતાંય--તમે તો જાણો છો--આ તો એક ફક્ત પુસ્તક જ હતું.
લોવબર્ગ : તીનો પવિત્ર આત્મા એમાં રેડાયો હતો.
હેડા : હા, એ તો હું જાણું છું.
લોવબર્ગ : અને તમે જોડે જોડે એ પણ જાણી લો કે ભવિષ્યમાં અમારા બેનો સાથ અશક્ય છે.
હેડા : તો તમે શો માર્ગ લેવા ધારો છો?
લોવબર્ગ : કંઈ જ નહીં. હવે તો આ બધાનો અંત જ લાવવો રહ્યો. વહેલામાં વહેલી તકે.
હેડા : (એક ડગલું નજીક આવતાં) એઈલર્ટ લોવબર્ગ, સાંભળો તમે— એ— કલાત્મક રીતે કરવાનો પ્રયત્ન નહીં કરો?
લોવબર્ગ : કલાત્મક રીતે? (સસ્મિત) વાળમાં દ્રાક્ષપર્ણ પહેરીને— તમે પહેલાં સ્વપ્નાં સેવતા હતા તેમ--
હેડા : ના, દ્રાક્ષપર્ણમાં મને હવે શ્રદ્ધા રહી નથી. પણ છતાંય કલાત્મકતાથી. સૌંદર્યપૂર્ણ-જીવનમાં એક જ વાર. આવજો. તમારે હવે જવું જોઈએ. અને ફરી કદી અહીં ન આવશો.
લોવબર્ગ : આવજો મિસિસ ટેસમન. જ્યૉર્જ ટેસમનને મારો પ્યાર આપજો.
(જવાની તૈયારી કરે છે.)
હેડા : ના, ઊભા રહો. હું તમને એક યાદગીરી આપું છું તે લેતા જાઓ. (મેજ પાસે જઈ ખાનું ખોલી પિસ્તોલનું ઘરું કાઢે છે. તેમાંથી એક પિસ્તોલ લઈ લોવબર્ગ પાસે આવે છે.)
લોવબર્ગ : (તેની સામે જોઈ રહેતાં) આ? આ યાદગીરી છે?
હેડા : (ધીમેથી માથું ધુણાવતાં) ઓળખી શકો છો? એક વાર આ તમારી તરફ તાકવામાં આવેલી?
લોવબર્ગ : તમારે એ ત્યારે જ વાપરવી જોઈતી હતી.
હેડા : લઈ લ્યો— અને હવે તમે જાતે જ એ વાપરજો.
લોવબર્ગ : (પિસ્તોલ છાતીના ખિસ્સામાં મૂકતાં) આભાર!
હેડા : અને કલાત્મકતાથી-એઈલર્ટ લોવબર્ગ મને વચન આપો.
લોવબર્ગ : આવજો હેડા ગાબ્લર, અલવિદા. [પરસાળમાંથી જાય છે. હેડા બારણા તરફ ઘડીક કાન માંડે છે. પછી મેજ પાસે જાય છે. હસ્તપ્રત કાઢે છે, થોડાં પાનાં અર્ધા બહાર કાઢીને જુએ છે. પછી ભઠ્ઠી પાસે આરામખુરશીમાં બેસે છે. પેકેટ ખોળામાં મૂકે છે. ભઠ્ઠીનું બારણું ખોલે છે, પછી પેકેટ ખોલે છે.]
હેડા : (એક થોકડી અગ્નિમાં નાંખે છે ને ગણગણે છે.) હવે હું તારા બાળકને બાળી નાખું છું, તી. બાળી નાખું છું. ઝુલ્ફાદાર વાળવાળી! — (બીજી એકબે થોકડી ભઠ્ઠીમાં નાંખતાં) તારું અને એઈલર્ટ લોવબર્ગનું બાળક. (બાકીની થોકડીઓ એમાં નાંખી દે છે.) હું બાળી નાખું છું—હું સળગાવી મૂકું છું— આ તમારા બાળકને.


અંક ચોથો

[ટિસમનનું ઘર. એનો એ જ ખંડ. સાંજનો સમય દિવાનખાનામાં અંધારું પાછળના ઓરડામાં મેજ માથે મુન (હાંડી) છતમાંથી લટકે છે. આ મુન આખા ખંડને અજવાળે છે. કાચના બારણાના પડદા પાડેલા છે. હેડા કાળા શોકના પોષાકમાં સજ્જ છે-અંધારામાં આંટા મારે છે-અંદરના ઓરડામાં જઈ ડાબી બાજુએ ઘડીક વાર અદૃષ્ય થાય છે. પિયાનો પર થોડા સૂર છેડતી સંભળાય છે, અને પછી તરત દિવાનખંડમાં પાછી આવે છે. બર્ટા અંદરના ખંડમાંથી જમણી બાજુથી પ્રવેશે છે. હાથમાં પ્રગટાવેલો દીવો છે. દિવાનખંડમાં ખૂણાની પાટ પાસેના મેજ પર દીવો મૂકે છે. રડી રડીને આંખો લાલ થઈ ગઈ છે. ટોપીમાં કાળી પટ્ટી લગાવી છે. શાંતિથી અને સાચવીને જમણી બાજુથી બહાર ચાલી જાય છે. હેડા કાચના બારણા તરફ જાય છે, જરાક પડદો બાજુએ ઊંચો કરીને અંધકારમાં નજર કરે છે. થોડી વારમાં મિસ ટેસમન શોકના પોષાકમાં સજ્જ પરસાળમાંથી આવે છે. તેણે ટોપી પહેરી છે અને મોં પર જાળી નાંખી છે. હેડા પાસે જાય છે ને હાથ લંબાવે છે.]

મિસ ટેસમન : હા, હેડા, હું તો શોકમાં ડૂબી ગઈ છું. હવે તો સાવ એકલી પડી ગઈ. મારી બહેન તો બિચારી છેવટે શાશ્વત શાંતિમાં પોઢી ગઈ છે.
હેડા : તમે જોઈ શકો છો તેમ એ સમાચાર મને ક્યારના મળી ચૂક્યા છે. ટેસમને કહેવરાવ્યું હતું.
મિસ ટેસમન : હા, એ કામ એણે ઉપાડી લીધું હતું. પણ છતાંય મને થયું કે હેડા— જેના ઘરમાં જીવન પાંગરી રહ્યું છે તેને મૃત્યુના સમાચાર મારે જાતે જ આપવા.
હેડા : તમારી કૃપા કહેવાય.
મિસ ટેસમન : આહ, રીનાએ અટાણે આવા પ્રસંગે આપણને છોડીને ચાલ્યા જવું જોઈએ નહીં. હેડાનું ઘર શોકમય થવાનો આ અવસર નથી.
હેડા : (વાત બદલતાં) મૃત્યુ સમયે એ બહુ શાંત હતાં નહીં, મિસ ટેસમન?
મિસ ટેસમન : આહ, એના જીવનનો અંત બહુ સ્વસ્થ અને સુંદર રહ્યો અને તેમાં ય છેલ્લી ઘડીએ જ્યૉર્જને ફરી એક વાર જોવાનું, તેની છેલ્લી વિદાય લેવાનું, અવર્ણનીય સુખ તેને મળ્યું. હજી ઘેર નથી આવ્યો?
હેડા : ના, એમણે કહેવરાવ્યું છે કે એમને આવતાં મોડું થશે. પણ— તમે બેસોને.
મિસ ટેસમન : ના, ના, મારી વ્હાલી હેડા— મન તો થાય છે— પણ હજી ઘણું કામ બાકી છે— બિચારી રીનાને એની અનંત નિદ્રા માટે સરસ શણગારવી છે. કબરમાં પણ એ સુસજ્જ થઈને જ જશે.
હેડા : મારી મદદની જરૂર છે?
મિસ ટેસમન : ના રે ના, તારે તો એવો વિચાર પણ કરવો ન જોઈએ. હેડા ટેસમન આવા શોકના કામમાં હાથ ન નાંખે. અરે, એના વિચારમાં પણ આ વિષય ઘોળાવો જોઈએ નહીં--આવા દિવસોમાં ખાસ નહીં.
હેડા : વિચારો ઉપર કાંઈ ધાર્યો કાબૂ મેળવાય છે?
મિસ ટેસમન : (વાત ચાલુ રાખતાં) હા, હા, દુનિયાદારીની રીત જ એવી છે. ત્યાં ઘેર અમે કફન સીવીશું અને અહીં પણ થોડા જ સમયમાં સિલાઈ થશે— પણ પ્રભુ કૃપાથી જુદા જ પ્રકારની! (પરસાળ દ્વારમાંથી જ્યૉર્જ ટેસમન આવે છે.)
હેડા : આહ, છેવટે તમે આવ્યા ખરા.
ટેસમન : તું જુલિફોઈ, અહીં હેડા સાથે? જો તો!
મિસ ટેસમન : હું તો હમણાં જતી જ હતી જ્યૉર્જ. તેં માથે લીધેલું બધું કામ પતાવી દીધું ને?
ટેસમન ના, મને બીક છે એમાંનું અર્ધું તો હું ભૂલી ગયો છું. કાલ પાછો તમારી પાસે આવીશ. આજ તો મારું મગજ ચકડોળે ચઢેલું છે. મારા વિચારોનું કાંઈ ઠેકાણું જ નથી.
મિસ ટેસમન : પણ જ્યૉર્જ બેટા, તારે આટલું બધું લગાડવું જોઈએ નહીં.
ટેસમન : લગાડવું જોઈએ નહીં એમ કહો છો?
મિસ ટેસમન : દુઃખમાં પણ તારે ખુશ થવું જોઈએ— મારી જેમ કે બિચારીને છેવટે શાંતિ મળી.
ટેસમન : આ હા..... હા..... તમે રીનાફોઈની વાત કરો છો.
હેડા : મિસ ટેસમન, તમને હવે એકલું લાગશે.
મિસ ટેસમન : હા, શરૂઆતમાં જરા લાગશે, પણ આશા છે કે લાંબો સમય એ નહીં ટકે. મને ખાતરી છે કે બિચારી રીનાવાળી ખાલી ઓરડીમાં કોઈ રહેનારું જલદી મળી જ રહેશે.
ટેસમન : એમ? કોણ આવશે એમ લાગે છે? એંહ?
મિસ ટેસમન : ઓહ, કમનસીબે કોઈ ને કોઈ એવું બીમાર અને અશક્ત હોય જ છે કે જેને સારસંભાળની જરૂર હોય.
હેડા : હજી પાછો આવો ઢસરડો તમારે કરવો છે?
મિસ ટેસમન : ઢસરડો? ભગવાન તારું ભલું કરે, દીકરી, એ મને ઢસરડો લાગતો જ નથી.
હેડા : પણ ધારો તમારે માથે કોઈ તદ્દન અજાણી વ્યક્તિ આવીને પટકાય તો?
મિસ ટેસમન : અરે, માંદા માણસની સાથે ઓળખાણ થઈ જતાં વાર કેટલી? અને કોઈને માટે જીવવું એ મારા જીવનની એક જરૂરિયાત બની ગઈ છે— પ્રભુની લીલા અપાર છે. હવે તો થોડા વખતમાં આ જ ઘરમાં નવાં પગરણ થશે અને આ ઘરડી ફોઈને પાછું કામ મળી રહેશે.
હેડા : અહીંની ચિંતા કરવાની કાંઈ જ જરૂર નથી.
ટેસમન : હા, હા, આપણને ત્રણેને સાથે કેવી લહેર પડે, હેડા? જો (બેચેન થતાં) ઓહ, કાંઈ નહીં, એ તો બધું ઠીક થઈ જશે એમ આશા રાખીએ--એંહ?
મિસ ટેસમન : હશે, હશે, મને લાગે છે કે તમારે બે જણાંને કાંઈ વાત કરવી છે. (હસતાં) અને અને કદાચ હેડાને પણ કાંઈ કહેવું હોય, જ્યૉર્જ, આવજો. મારે રીના પાસે જવું જોઈએ. (બારણા પાસે જઈ પાછી ફરીને) કેવું વિચિત્ર? રીના અત્યારે મારી સાથે પણ છે અને મારા સ્વર્ગસ્થ ભાઈ સાથે પણ!
ટેસમન : હા, હોં, જો તો, જુલિફોઈ એંહ!
[મિસ ટેસમન પરસાળમાંથી બહાર જાય છે. હેડા ટાઢાશથી વેધક રીતે ટેસમન સામું જુએ છે.]
હેડા : મને લાગે છે કે રીનાફોઈના મૃત્યુથી જુલિફોઈ કરતાં ય તમને વધારે આધાત લાગ્યો લાગે છે.
ટેસમન : એકલું જ નથી, ખાસ તો હું એઈલર્ટને કારણે આટલો બધો અસ્વસ્થ છું.
હેડા : (ઝડપથી) કેમ કાંઈ નવાજૂની છે?
ટેસમન : આજે બપોરે હું એના રહેઠાણ પર ગયો હતો. થયું કે કહેતો જઉં કે એની હસ્તપ્રત સહીસલામત ઠેકાણે છે.
હેડા : તે તમને મળ્યા નહીં?
ટેસમન : ના, એ ઘેર નહોતો. પણ પછી મને મિસિસ એલ્વસ્ટેડ મળ્યાં. એમણે કહ્યું કે એઈલર્ટ સવારે અહીં આવ્યો હતો.
હેડા : હા, તમે ગયા પછી તરત જ.
ટેસમન : અને એણે કહેલું કે હસ્તપ્રતના એણે ટુકડે ટુકડા કરી નાખ્યા છે.
હેડા : એમણે એમ કહેલું ખરું.
ટેસમન : બાપ રે બાપ, એનું ભેજું સાવ ચસકી ગયું હશે. તેં એને આપી તો નથી દીધી ને હેડા?
હેડા : ના, એમને એ મળી નથી.
ટેસમન : પણ તે આપણી પાસે છે એમ તો તેં કહ્યું ને?
હેડા : (ઝડપથી) ના, તમે મિસિસ એલ્વસ્ટેડને કહ્યું?
ટેસમન : ના, મને યોગ્ય ન લાગ્યું. પણ તારે એઈલર્ટને કહેવું જોઈતું હતું. નિરાશામાં ઘેરાઈને કાંઈ કરી બેસશે તો ગજબ થઈ જશે. લાવ હસ્તપ્રત મને આપ હેડા, હું એને અત્યારે જ આપી આવું. ક્યાં છે એ?
હેડા : (ઠંડે કલેજે અને અચળતાથી આરામખુરશી પર ટેકો દેતાં) મારી પાસે નથી.
ટેસમન : તારી પાસે નથી? એટલે? એનો અર્થ શું?
હેડા : મેં બાળી નાંખી. એનું એકે એક પાનું એની લીટીએ લીટી—
ટેસમન : (ત્રાસથી ધ્રૂજી ઊઠતાં) બાળી નાંખી? એઈલર્ટની હસ્તપ્રત બાળી નાંખી?
હેડા : આમ ચીસો ન પાડશો. બાઈ સાંભળશે.
ટેસમન : બાળી નાંખી? ઓ પ્રભુ, ના, ના, ના, એ ન બને, કદી ન બને.
હેડા : પણ છતાંય એ બન્યું છે.
ટેસમન : હેડા, હેડા, તેં શું કર્યું એનું તને ભાન છે? કોઈની ખોવાયેલ ચીજને આમ પચાવી પાડવી એ તદ્દન ગેરકાયદેસર છે. ગજબ કર્યો. તું જજ બ્રૅકને પૂછીશ તો એ પણ તને કહેશે.
હેડા : મારી તો સલાહ એવી છે કે આ વાત કોઈને કરવી જ નહીં. જજ બ્રૅકને પણ નહીં અને કોઈને જ નહીં.
ટેસમન : પણ આવું અમાનુષી કૃત્ય તું કરી જ કેવી રીતે શકી? તારા મગજમાં આ ભૂત ક્યાંથી ભરાયું? મને જવાબ આપ, હેડા, એંહ?
હેડા : (અછડતું સ્મિત દબાવતાં) એ મેં તમારે ખાતર કર્યું, જ્યૉર્જ.
ટેસમન : મારે ખાતર?
હેડા : એઈલર્ટે તમને એનું લખાણ વાંચી સંભળાવ્યું તે વિષે આજે સવારે તમે વાત કરી ત્યારે—
ટેસમન : હા, હા, પણ તેનું શું છે?
હેડા : તમે કહેલું કે તમને એના સર્જનની ઈર્ષા થાય છે.
ટેસમન હા, પણ એ તો હું અમસ્તું જ કહેતો હતો.
હેડા : કાંઈ વાંધો નહીં. તમને કોઈ પણ પાછળ પાડી દે એ ખ્યાલ જ મારે માટે અસહ્ય છે.
ટેસમન : (શંકા, આનંદમિશ્રિત લાગણીના ઊભરાથી) હેડા, ઓહ, તું. સાચું કહે છે? પણ, પણ, પહેલાં તો કદી આવો પ્રેમ દેખાડ્યો નથી, જો તો!
હેડા : અને એ પણ જોડે જોડે કહીં દઉં કે (અધીરાઈથી વાત તોડી નાંખતાં) ના, ના, તમે જુલિફોઈને જ પૂછી જોજોને એ તમને હોંશથી કહેશે.
ટેસમન : ઓ હો? હું સમજી ગયો હેડા. (બંને હાથ ભેગા કરતાં) હું સમજી ગયો, હોય નહીં, હેડા, એ વાત સાચી છે એંહ?
હેડા : આમ બૂમો ન પાડશો. બાઈ સાંભળશે.
ટેસમન : (આવેશપૂર્ણ આનંદથી હાસ્યને ખાળી ન શકતાં) બાઈ! અરેરે, તું તો ખરી છે. હેડા, એ તો આપણી બર્ટા છે. અરે હું જાતે જ એને કહીશ.
હેડા : (અકળામણથી હાથ મસળતાં) ઓહ! મને કાંઈનું કાંઈ થઈ જાય છે આ બધાથી.
ટેસમન : શેનાથી હેડા?
હેડા : (મીઠાશથી પાછો સંયમ પ્રાપ્ત કરતાં) આ બધી વાહિયાત વાતોથી, જ્યૉર્જ.
ટેસમન : વાહિયાત? આવા શુભ સમાચાર સાંભળતાં હું ખુશ થઈ જઉં એને તું વાહિયાત કહે છે? ખેર, છતાં જોકે બર્ટાને હું હમણાં નહીં કહું.
હેડા : કેમ, કહો તો યે શું?
ટેસમન : ના, ના, હમણાં નહીં. પણ મારે જુલિફોઈને તો કહેવું જ પડશે અને વળી તું મને જ્યૉર્જ કહેવા માંડી છે તે પણ. જો તો! જુલિફોઈ એવી ખુશ થશે. એવી ખુશ!
હેડા : તમારે ખાતર મેં એઈલર્ટની હસ્તપ્રત બાળી નાંખી એ સાંભળી?
ટેસમન : ના, પણ જો યાદ આવ્યું. એ હસ્તપ્રતની વાત કોઈ જાણે નહીં હોં! પ્રેમની તેં આ લગાડેલી લ્હાય! હેડા, જુલિફોઈ પણ જાણશે ત્યારે મારા આનંદમાં ભળશે. બધી જુવાન પત્નીઓને આવું થતું હશે, એંહ?
હેડા : મને લાગે છે કે એ પણ તમે જુલિફોઈને જ પૂછી જુઓ તો સારું.
ટેસમન : હા, હા, જરૂર પૂછીશ, કોઈક વાર. (પાછો ઢીલો અને બેચેન થઈ જાય છે.) પણ તો ય પેલી હસ્તપ્રત? ઓહ, હસ્તપ્રત— હાય ભગવાન, બિચારા એઈલર્ટનું હવે શું થશે? એ વિચારથી જ ત્રાસ છૂટે છે.
[મિસિસ એલ્વસ્ટેડ પરસાળમાંથી આવે છે. પોષાક પ્રથમ જેવો જ છે. તેની મૂંઝવણ તરી આવે છે. ટોપી અને ઓવરકોટ પહેરેલાં છે.]
મિસિસ એલ્વસ્ટેડ : ઓ, હેડા મને માફ કરજે. હું તો ફરી પાછી આવી છું.
હેડા : કેમ, શું થયું, તી?
ટેસમન : એઈલર્ટ લોવબર્ગ વિષે કાંઈ છે? એંહ?
મિસિસ એલ્વસ્ટેડ : હા, મને બહુ જ ડર છે કે કાંઈ અશુભ થયું છે.
હેડા : (એનો હાથ પકડતાં) આહ, તને એવું લાગે છે?
ટેસમન : હે ભલા ભગવાન--તમને એવું કેમ લાગે છે, હૈ મિસિસ એલ્વસ્ટેડ?
મિસિસ એલ્વસ્ટેડ : હું મારા રહેઠાણ પર ગઈ કે તરત જ મેં એ લોકોને વાત કરતાં સાંભળ્યાં. આજે તો એમના વિષે જાતજાતની અફવા ઊડી છે.
ટેસમન : હા, જો તો! મેં પણ સાંભળ્યું હતું પણ હું શાખ પૂરી શકું છું કે ગઈ કાલે રાત્રે એ સીધો ઘેર જ ગયો હતો. જો તો!
હેડા : ત્યાં શું વાતો થતી હતી?
મિસિસ એલ્વસ્ટેડ : મને કંઈ સ્પષ્ટ સમજાયું નહીં. કાં તો એ લોકોને ચોક્કસ ખબર નહીં હોય, નહીં તો હું ગઈ કે તરત એ લોકો બોલતાં બંધ થઈ ગયાં અને પૂછવાની મારી હિંમત ચાલી નહીં.
ટેસમન : (બેચેનીથી આંટા મારતાં) આપણે આશા રાખીએ, આપણે ઈચ્છીએ કે તમારી સમજવામાં ભૂલ થઈ હોય, મિસિસ એલ્વસ્ટેડ.
મિસિસ એલ્વસ્ટેડ : ના, ના, મને ખાતરી છે કે એ લોકો એમની જ વાત કરતાં હતાં અને મેં દવાખાનું કે એવું પણ કંઈક સાંભળ્યું.
ટેસમન : દવાખાનું?
હેડા : ના, એ તો બની જ ન શકે.
મિસિસ એલ્વસ્ટેડ : હું તો એવી ગભરાઈ ગઈ. સીધી એમના રહેઠાણે ગઈ અને એમની તપાસ કરી.
હેડા : તું એટલી હિંમત કરી શકી તી?
મિસિસ એલ્વસ્ટેડ : તે સિવાય બીજો ઉપાય જ નહોતો. મારાથી એ ઉચાટ વધુ સહેવાય તેમ નહોતો.
ટેસમન : પણ ત્યાં એ તમને મળ્યો નહીં કેમ?
મિસિસ એલ્વસ્ટેડ : કોઈને એમની ખબર નહોતી. એ લોકો કહે છે, ગઈ કાલ બપોર પછી એ ઘરે ગયા જ નહોતા.
ટેસમન : ગઈ કાલ? જો તો! એ લોકો એમ કહે જ શી રીતે?
મિસિસ એલ્વસ્ટેડ : મને તો ખાતરી છે કે કોઈ ભયંકર આફત એમના ઉપર આવી પડી છે.
ટેસમન : હેડા, વ્હાલી. હું જાતે જઈને તપાસ કરું તો કેવું?
હેડા : ના, ના, તમારી જાતને ન સંડોવશો.
[જજ બ્રૅક પરસાળમાંથી પ્રવેશે છે. હાથમાં ટોપી છે. બર્ટા બારણું બંધ કરે છે. જજ ગંભીર દેખાય છે અને મૂંગા મૂંગા નમન કરે છે.]
ટેસમન : ઓહ, કોણ જજ બ્રૅક? એંહ?
જજ બ્રૅક : હા, મારે આજ ને આજ તમને મળવું પડે તેમ હતું!
ટેસમન : રીનાફોઈ વિષે તમને ખબર પડી લાગે છે.
જજ બ્રૅક : હા, અને બીજી કેટલીક વાતોની પણ.
ટેસમન : બહુ ખોટું થયું, નહીં?
જજ બ્રૅક : હં..... મારા પ્યારા દોસ્ત, એ તો તમે કઈ રીતે જુઓ છો એ પર આધાર રાખે છે.
ટેસમન : (શંકા દેખાડતાં) કેમ કંઈ બીજું બન્યું છે?
હેડા : (અધિરાઈથી) કાંઈ દુઃખદ?
જજ બ્રૅક : એ પણ તમે કઈ દૃષ્ટિથી જુઓ છો એ પર આધારિત છે, મિસિસ ટેસમન.
મિસિસ એલ્વસ્ટેડ : (ચિંતા દબાવી ન શકતાં) ઓહ, તો તો એઈલર્ટ લોવબર્ગ વિષે જ કાંઈ હશે.
જજ બ્રૅક : (તેની સામે જોતાં) બાઈસાહેબ, તમે શા ઉપરથી એમ કહો છો? કદાચ તમે એના વિષે કાંઈ સાંભળ્યું પણ હોય.
મિસિસ એલ્વસ્ટેડ : (ગૂંચવણમાં) ના, ના, કાંઈ જ નહીં. પણ
ટેસમેન : ઈશ્વરને ખાતર પણ અમને કહો ને!
જજ બ્રૅક : (ખભા હલાવતાં) મને કહેતાં દુઃખ થાય છે કે એઈલર્ટ લોવબર્ગને દવાખાને લઈ ગયા છે; અને અત્યારે તે છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે.
મિસિસ એલ્વસ્ટેડ : (ચીસ પાડતાં) ઓ પ્રભુ, ઓ પ્રભુ!
ટેસમન : દવાખાને? મરણતોલ દશામાં?
હેડા : (બોલી પડતાં) એમ, તો આટલું જલદી—
મિસિસ એલ્વસ્ટેડ : (કલ્પાંત કરતાં) અને અમે છેલ્લે ગુસ્સામાં છૂટાં પડ્યાં, હેડા!
હેડા : (કાનમાં) તી, તી, આ શું કરે છે? જાતને સંભાળ.
મિસિસ એલ્વસ્ટેડ : (ધ્યાન ન આપતાં) હું એમની પાસે જઉં છું. મારે એમને જીવતા જોવા છે.
જજ બ્રૅક : બહેન, હવે એ નકામું છે. કોઈને જવા દેતા નથી.
મિસિસ એલ્વસ્ટેડ : અરે, પ્રભુ મને કોઈ કહો તો ખરા કે એમને શું થયું છે?
ટેસમન : એણે પોતાની જાતે જ — એંહ?
હેડા : હા, મને ખાતરી છે એમણે જાતે જ.
ટેસમન : હેડા, તું કેવી રીતે-
જજ બ્રૅક : (હેડા તરફ સ્થિર નજરે જોતાં) કમનસીબે તમારી ધારણા સાચી છે, મિસિસ ટેસમન.
મિસિસ એલ્વસ્ટેડ : ઓહ, કેટલું ભયાનક!
ટેસમન : પોતાની જાતે જ, તો તો એમ? જો તો!
હેડા : પોતાના પર જાતે જ ગોળી છોડી?
જજ બ્રૅક : તદ્દન સાચી ધારણા— આ પણ, મિસિસ ટેસમન.
મિસિસ એલ્વસ્ટેડ : (જાત પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરતાં) આ ક્યારે બન્યું મિ. બ્રૅક?
જજ બ્રૅક : આજે બપોરે ત્રણથી ચારના સુમારે.
ટેસમન : (જરા અચકાતાં) ક્યાં? જુઓને મને લાગે છે, પોતાના રહેઠાણ પર જ.
મિસિસ એલ્વસ્ટેડ : ના, એ ન બને. છ અને સાતની વચ્ચે તો હું ત્યાં હતી.
જજ બ્રૅક : તો પછી ક્યાંક બીજે હશે. મને બરાબર ખબર નથી. હું તો એટલું જ જાણું કે આ દશામાં મળી આવ્યો— એણે પોતાના પર ગોળી છોડી હતી— છાતીમાં.
મિસિસ એલ્વસ્ટેડ : ઓહ, કેટલું ભયંકર કે એમના જીવનનો અંત આવી રીતે આવે?
હેડા : છાતીમાં?
જજ બ્રૅક : હા, મેં હમણાં જ કહ્યું તેમ.
હેડા : કપાળમાં નહીં?
જજ બ્રૅક : છાતીમાં, મિસિસ ટેસમન.
હેડા : ખેર, ચાલો છાતી પણ કોઈ ખોટી જગ્યા નથી.
જજ બ્રૅક : હેડા : તમારા કહેવાનો માયનો શું છે, મિસિસ ટેસમન?
હેડા : (વાતને ટાળી નાંખતાં) ઓહ, કાંઈ નહીં, કાંઈ નહીં.
ટેસમન : શું કહ્યું, ઘા બહુ ગંભીર છે? એંહ?
જજ બ્રૅક : તદ્દન જીવલેણ. અત્યાર સુધીમાં તો એનો અંત પણ આવી ગયો હશે.
મિસિસ એલ્વસ્ટેડ : હા, હા, હું એ જોઈ શકું છું. અંત… હં… અંત..... ઓ હેડા, ઓ હેડા-
ટેસમન : પણ તમને આ બધી ખબર ક્યાંથી પડી એ તો કહો.
જજ બ્રૅક : પોલીસ પાસેથી— મારા એક ઓળખીતા મારફત.
હેડા : (સ્પષ્ટ અવાજે) છેવટે, કરવા જેવું કામ ખરું!
ટેસમન : (ભયભીત) અરે, બાપ રે હેડા, આ તું શું કહે છે?
હેડા : હું એમ કહું છું કે આમાં સૌંદર્ય રહેલું છે.
જજ બ્રૅક : હં, મિસિસ ટેસમન—
ટેસમન : સૌંદર્ય--જો તો!
મિસિસ એલ્વસ્ટેડ : ઓહ હેડા, આમાં તને સૌંદર્ય કેવી રીતે દેખાય છે?
હેડા : એઈલર્ટ લોવબર્ગે પોતાના જીવન સાથેનો હિસાબ જાતે જ પતાવી દીધો. આવું આ એક યોગ્ય કામ કરવાની એનામાં હિંમત હતી.
મિસિસ એલ્વસ્ટેડ : ના, એ કદી ન બને. ઉન્માદની અભાન અવસ્થામાં જ એમણે આ કર્યું હશે.
ટેસમન : નિરાશામાં?
હેડા : ના, એમ તો નહીં જ હોય એની મને ખાતરી છે.
મિસિસ એલ્વસ્ટેડ : હા, હા, ઉન્માદ અવસ્થામાં જ--અમારી હસ્તપ્રત ફાડી નાંખી હતી તેમ.
જજ બ્રૅક : (ચમકતાં) હસ્તપ્રત? એમણે એ ફાડી નાંખી છે?
મિસિસ એલ્વસ્ટેડ : હા, કાલે રાત્રે.
ટેસમન : (ધીમા અવાજે) ઓ હેડા, આમાંથી આપણે ક્યારેય છૂટી શકીશું નહીં.
જજ બ્રૅક : ઘણું જ નવાઈ જેવું, અતિ આશ્ચર્યજનક.
ટેસમન : (આંટા મારતાં) એઈલર્ટની આ લોકમાંથી આવી વિદાય? એનું પુસ્તક પણ મૂકતો ન ગયો— જે એને અમર બનાવત—
મિસિસ એલ્વસ્ટેડ : હજી પણ એ બધું ભેગું કરી શકાય તો કેવું સારું!
ટેસમન : હા, એમ થાય તો તો સારું જ ને! તો તો હું ગમે તે કરવા તૈયાર છું.
મિસિસ એલ્વસ્ટેડ : કદાચ એ થઈ શકે મિ. ટેસમન.
ટેસમન : કેવી રીતે?
મિસિસ એલ્વસ્ટેડ : (ખિસ્સાં ફંફોસતાં) જુઓ, એ જેમાંથી લખાવતા હતા તે બધાં છૂટાં ટાંચણો મેં રાખી મૂક્યાં છે.
હેડા : (એક પગલું આગળ આવતાં) આહ!
ટેસન : તમે એ બધું સાચવી રાખ્યું છે, મિસિસ એલ્વસ્ટેડ?
મિસિસ એલ્વસ્ટેડ : હા, અહીં મારી પાસે જ છે. હું ઘેરથી નીકળી ત્યારે મેં મારા ખિસ્સામાં આ કાગળિયાં નાંખી દીધાં હતાં. આ રહ્યાં.
ટેસમન : ઓહ, લાવો મને જોવા દો.
મિસિસ એલ્વસ્ટેડ : (કાગળોનો થોકડો આપતાં) જોકે બધાં વેરવિખેર આડાંઅવળાં છે.
ટેસમન : જોઈએ, એ બધામાંથી છેવટે કાંઈ ગોઠવી શકાય તો--આપણે બંને સાથે બેસીને મહેનત કરીએ તો—
મિસિસ એલ્વસ્ટેડ : હા, હા, પ્રયત્ન તો કરીએ.
ટેસમન : અરે, આપણે કરીશું જ તો. કરવું જ જોઈએ. આ કામ માટે તો હું મારું જીવન સમર્પણ કરવા તૈયાર છું.
હેડા : તમે જ્યૉર્જ? તમારું જીવન?
ટેસમન : હા, છેવટ હું આપી શકું. તેટલો બધો જ સમય. મારું પોતાનું કામ ત્યાં સુધી ભલે પડ્યું રહેતું. હેડા, તું સમજી? એંહ? એઈલર્ટની યાદમાં આ મારું દેવું છે.
હેડા : હશે.
ટેસમન : એટલે, મિસિસ એલ્વસ્ટેડ, આપણે બનતો પ્રયત્ન કરવો જોઈએ. જે થયું તે હવે મિથ્યા થાય તેમ નથી. એંહ? એટલે એમાં સમય બગાડવાનો અર્થ નથી. જે દુ:ખ આવી પડ્યું છે તેને બને તેટલી સ્વસ્થતાથી સહન કર્યે જ છૂટકો અને—
મિસિસ એલ્વસ્ટેડ : હા, હા, મિ. ટેસમન, હું પણ મારાથી બનતી બધી મદદ કરીશ.
ટેસમન : તો પછી ચાલો. જ્યાં સુધી એ ટાંચણો હું નહીં જોઉં ત્યાં સુધી મને ચેન નહીં પડે. આપણે ક્યાં બેસીશું? અહીં? ના, ના, ત્યાં જઈએ. પાછલા ઓરડામાં મારા પ્યારા મિત્ર જજ માફ કરજો. આવો અહીં મારી સાથે, મિસિસ એલ્વસ્ટેડ.
મિસિસ એલ્વસ્ટેડ : જો આ થાય તો કેવું સારું!
[ટેસમન અને મિસિસ એલ્વસ્ટેડ પાછળના ખંડમાં જાય છે. મિસિસ એલ્વસ્ટેડ ટોપી અને છૂટા ઓવરકોટ ઉતારે છે. તેઓ લટકતાં દીવા – મુન - નીચે મેજ પાસે બેસે છે અને તરત જ કાગળિયાં જોવામાં મગ્ન થઈ જાય છે. હેડા ભઠ્ઠીની બાજુમાં આરામખુરશીમાં બેસે છે. જજ બ્રૅક તેની પાસે જાય છે.]
હેડા : (દબાયેલા અવાજમાં) લોવબર્ગના આ કૃત્યથી કેવી મુક્તતાની લાગણી થાય છે.
જજ બ્રૅક : (મુક્તતાની) હેડા? હા, એની તો મુક્તિ થઈ જ -
હેડા : હું તો મારી વાત કરતી હતી. એ જાણીને એક પ્રકારની મુક્તિની લાગણી થાય છે કે ઈરાદાપૂર્વકનું આવું નીડરતાભર્યું કૃત્ય હજીય આ દુનિયામાં શક્ય છે - સાહજિક સૌંદર્યનું કૃત્ય.
જજ બ્રૅક : (હસતાં) હંમ્, મારાં વ્હાલાં હેડા-
હેડા : તમારે શું કહેવું છે તે હું જાણું છું. કારણ તમે પણ એક પ્રકારના નિષ્ણાત છો. કોની જેમ એ તો તમે જાણો છો.
જજ બ્રૅક : (હેડા સામે જોઈ રહેતાં) તમે કબૂલ કરો તેના કરતાં પણ એઈલર્ટ લોવબર્ગ તમારે માટે વધુ હતો, ખરું કે નહીં?
હેડા : આવા પ્રશ્નોના જવાબ હું આપતી નથી. હું તો એટલું જાણું કે એઈલર્ટ લોવબર્ગમાં પોતાની રીતે જીવન જીવવાની હિંમત હતી અને છેલ્લે આ મહાન કૃત્ય - સૌંદર્યપૂર્ણ, આહ. આટલી વહેલી, જીવનના વસંતમાં જ, વિદાય લઈ શકવાનું મનોબળ અને એવી હિંમત!
જજ બ્રૅક : માફ કરજો હેડા, પણ મારે તમારી એક મનગમતી ભ્રાંતિ તોડવી પડશે.
હેડા : ભ્રાંતિ?
જજ બ્રૅક : જોકે એ લાંબો સમય ટકત પણ નહીં.
હેડા : એટલે?
જજ બ્રૅક : એઈલર્ટ લોવબર્ગે પોતે જાતે ગોળી નથી ખાધી— પોતાની મરજીથી નહીં--
હેડા : પોતાની મરજીથી નહીં?
જજ બ્રૅક : ના, સાચી હકીકત મેં કહ્યું તેવી નથી.
હેડા : (ઉચાટથી) તો તમે કાંઈ છુપાવ્યું છે? શું છે એ?
જજ બ્રૅક : બિચારાં મિસિસ એલ્વસ્ટેડને માટે, સત્ય હકીકતને મેં જરા આદર્શનો ઝોક આપ્યો.
હેડા : તો સાચી વાત શું છે?
જજ બ્રૅક : પ્રથમ તો જાણે એ કે એ ક્યારનો ય મૃત્યુને શરણ થઈ ગયો છે.
હેડા : દવાખાનામાં?
જજ બ્રૅક : હા, ભાનમાં આવ્યા વગર જ.
હેડા : બીજું તમે શું છુપાવ્યું છે?
જજ બ્રૅક : એ કે અકસ્માત એના પોતાના રહેઠાણ પર નથી બન્યો.
હેડા : એ તો ઠીક હવે. એ બહુ અગત્યનું નથી.
જજ બ્રૅક : કદાચ હોય, એનું કારણ મારે તમને કહેવું પડશે., એઈલર્ટ લોવબર્ગ માદ મુઝેલ ડાયેનાના ખાનગી ખંડમાંથી, ગોળીથી વીંધાયેલી હાલતમાં મળી આવ્યો.
હેડા : (ઊઠવા જાય છે પણ લથડી પડે છે.) એ તદ્દન અશક્ય છે જજ બ્રૅક. આજે પાછા એ ત્યાં કેવી રીતે, શું કામ જાય?
જજ બ્રૅક : આજે બપોરે એ ત્યાં ગયો હતો. કહેતો હતો કે એની કોઈ ‘ચીજ' એ લોકોએ લઈ લીધી હતી તે પાછી માગવા એ ત્યાં ગયો હતો. ખોવાયેલું બાળક અને એવું એવું એ કાંઈ બોલતો હતો.
હેડા : હાં, તો એટલા માટે—
જજ બ્રૅક : હું તો સમજ્યો કે એની હસ્તપ્રત વિષે કહેતો હશે. પણ અહીંયાં એમ સાંભળ્યું કે તેનો તો એણે પોતે જ નાશ કર્યો છે. તો પછી, મને લાગે છે કે એની નોંધપોથીની વાત હશે.
હેડા : હા, એમ જ હશે. અને ત્યાંથી— ત્યાંથી એ મળી આવ્યા?
જજ બ્રૅક : હા, ત્યાંથી. એમના ખિસ્સામાં વપરાયેલી પિસ્તોલ હતી. ગોળી એમને નાજુક ભાગમાં વાગી હતી.
હેડા : હા, હૃદયમાં.
જજ બ્રૅક : ના, ગુહ્યાંગમાં.
હેડા : (ઘૃણાથી એકદમ ઊંચું જોઈ) ઓહ, આ તે કેવો શાપ? જે જે વસ્તુને હું હાથ અડાડું છું તે હાસ્યાસ્પદ, હીણી, અને કુરૂપ બની જાય છે.
જજ બ્રૅક : એક બીજું ય છે, હેડા. આ આખા પ્રસંગમાં એક બીજી અણગમતી વાત છે.
હેડા : એ શું છે?
જજ બ્રૅક : એની પાસે જે પિસ્તોલ હતી -
હેડા : (અધ્ધર શ્વાસે) હા, તે એનું શું છે?
જજ બ્રૅક : એ એણે ચોરેલી હશે.
હેડા : ચોરેલી હશે? ના, એ સાચું નથી. એમણે એ ચોરી નહોતી.
જજ બ્રૅક : પણ બીજો કાંઈ ખુલાસો જ સંભવિત નથી. એ ચોરી જ ગયો હશે. શ.....
[જ્યૉર્જ અને મિસિસ એલ્વસ્ટેડ મેજ પાસેથી ઊઠીને બહાર આવે છે.]
ટેસમન : (બંને હાથમાં કાગળિયાં છે) હેડા, એ દીવા નીચે બરાબર દેખાતું પણ નથી. વિચાર તો કર!
હેડા : હા, હું વિચાર જ કરું છું.
ટેસમન : અમે તારા લખવાના મેજ પાસે બેસીએ તો? એંહ?
હેડા : એમ કરો, એમ કરવું હોય તો. (ઝડપથી) ઊભા રહો, પહેલાં મને એ સાફ કરવા દો.
ટેસમન : અરે, ચાલશે, ચાલશે, હેડા, ઘણી યે જગ્યા છે!
હેડા : ના, પણ, હું કહું છું ને, પહેલાં મને સાફ કરવા દો. આ બધું અહીંથી લઈને હું પિયાનો પર મૂકી દઉં—હં..... બસ.
[ચોપડીઓના ખાનામાંથી સંગીતના નોટેશનના પાનામાં છુપાવીને કંઈક લે છે. બધું અંદરના ઓરડામાં ડાબી બાજુએ લઈ જાય છે. ટેસમન કાગળિયાંના ટુકડા લખવાના મેજ પર ગોઠવે છે અને ખૂણાના મેજ પરથી દીવો લઈ આવે છે. બંને પાછાં કામે લાગી જાય છે. હેડા પાછી આવે છે.]
હેડા : (મિસિસ એલ્વસ્ટેડની ખુરશી પાછળ, એના વાળમાં હાથ ફેરવતાં) હાં..... તો મારી મીઠી તી, લોવબર્ગના સ્મારકનું કામ કેટલે પહોંચ્યું?
મિસિસ એલ્વસ્ટેડ : (તિરસ્કારથી ઊંચે જોતાં) કામ તો ઘણું અઘરું છે. છતાંય આપણે એ કરવું જ પડશે. મેં નિશ્ચય કર્યો છે અને વળી બીજા લોકોનાં કાગળિયાં વ્યવસ્થિત ગોઠવવાં એ જ તો મારું કામ છે.
[હેડા ભઠ્ઠી પાસે જઈ નાના સ્ટૂલ પર બેસે છે. જજ બ્રૅક આરામખુરશી પર ઝૂકીને તેની પાસે ઊભો રહે છે.]
હેડા : (ધીમેથી) તમે પિસ્તોલ વિષે શું કહેતાં હતાં?
જજ બ્રૅક : (ધીમેથી) કે એણે એ ચોરી લીધી હતી.
હેડા : કેમ ચોરી લીધી હતી?
જજ બ્રૅક : બીજું કોઈ કારણ શક્ય નથી, હેડા.
હેડા : એમ? ખરેખર?
જજ બ્રૅક : (એની સામે જોતાં) એઈલર્ટ લોવબર્ગ સવારે જ અહીં આવ્યો હતો, ખરું કે નહીં?
હેડા : હા.
જજ બ્રૅક : તમે ત્યારે એકલાં જ હતાં?
હેડા : કેટલોક સમય.
જજ બ્રૅક : એ અહીં હતો ત્યારે તમે આઘાંપાછાં નહોતાં ગયાં?
હેડા : ના.
જજ બ્રૅક : યાદ કરો. ક્ષણભર માટે પણ તમે ખંડની બહાર ગયાં નહોતાં?
હેડા : હા—કદાચ ઘડીક વાર પરસાળમાં ગઈ હઈશ.
જજ બ્રૅક : તે સમય દરમિયાન તમારું પિસ્તોલનું ઘરું ક્યાં હતું?
હેડા : મેં તો એ તાળામાં—
જજ બ્રૅક : બોલો બોલો હેડા.
હેડા : પિસ્તોલનું ઘરું મારા લખવાના ટેબલ પર પડ્યું હતું.
જજ બ્રૅક : ત્યાર પછી બંને પિસ્તોલો એમાં છે કે નહીં એ તમે જોયું છે?
હેડા : ના.
જજ બ્રેક : બસ તો પછી તમારે જોવાની જરૂર પણ નથી. લોવબર્ગના ખિસ્સામાંથી મળી આવેલી પિસ્તોલ તરત જ મેં ઓળખી કાઢી. ગઈ કાલે તે પહેલાં પણ ઘણી વાર મેં આ જ પિસ્તોલ જોયેલી છે.
હેડા : અત્યારે એ તમારી પાસે છે?
જજ બ્રૅક : ના, પોલીસ પાસે છે.
હેડા : પોલીસ એનું શું કરશે?
જજ બ્રૅક : એના માલિકની ખોજ કરશે.
હેડા : તમને લાગે છે કે એ જડે?
જજ બ્રૅક : (તેના તરફ વધુ ઢળી કાનમાં કહે છે) ના, હેડા ગાબ્લર, હું કાંઈ કહું ત્યાં સુધી નહીં.
હેડા : (ડરથી એની સામે જોતાં) અને નહીં તો?
જજ બ્રૅક : (ખભા હલાવતાં) પિસ્તોલ ચોરાઈ જવાની શક્યતા તો છે જ!
હેડા : (મક્કમતાથી) એના કરતાં તો મોત ભલું.
જજ બ્રૅક : લોકો એવું કહે છે પણ કરતાં નથી.
હેડા : (જવાબ આપ્યા વગર) અને ધારો કે પિસ્તોલ ચોરાઈ નથી અને તેનો માલિક મળી આવે તો? તો શું?
જજ બ્રૅક : કેમ હેડા? તો પછી લોકનિંદા.
હેડા : લોકનિંદા!
જજ બ્રૅક : હા, લોકનિંદા; જેનાથી તમે ખૂબ ડરો છો. તમને અદાલતમાં તો લઈ જ જશે. તમને અને માદમુઝેલ ડાયેનાને બંનેને. આ કેવી રીતે બન્યું તેનો ખુલાસો આપવો પડશે. અકસ્માત ગોળી છૂટી કે ખૂન હતું તેનો. ડાયેનાને ધમકી આપવા માટે ખિસ્સામાંથી પિસ્તોલ કાઢતાં જ છૂટી ગઈ કે ડાયેનાએ જ એના હાથમાંથી પિસ્તોલ આંચકી લીધી અને ગોળી છોડીને પાછી એના ખિસ્સામાં સેરવી દીધી? ડાયેના માટે એ તદ્દન શક્ય છે, કારણ કે બહુ મજબૂત બાંધાની છે આ - માદમુઝેલ ડાયેના.
હેડા : પણ આવી બધી સુગાળવી વાતો સાથે મારે કોઈ નિસ્બત નથી.
જજ બ્રૅક : ના, પણ તમારે એક પ્રશ્નનો જવાબ આપવો પડશે. તમે એઈલર્ટ લોવબર્ગને પિસ્તોલ શા માટે આપી? અને તમે આપી હતી એ હકીકતથી લોકો શું ધારશે?
હેડા : (માથું ઢળી પડે છે) એ સાચું. મેં એનો વિચાર નહીં કરેલો.
જજ બ્રૅક : સદ્ભાગ્યે હું કાંઈ નહીં કહું ત્યાં સુધી કોઈ ભય નથી.
હેડા : (તેની સામે જોતાં) તો હવે હું તમારા સકંજામાં છું, જજ બ્રૅક. આજથી તમારું રમકડું છું.
જજ બ્રૅક : (ધીમેથી કાનમાં) મારી વ્હાલામાં વ્હાલી હેડા, વિશ્વાસ રાખ હું એનો ગેરલાભ નહીં ઉઠાવું.
હેડા : છતાં પણ હું તમારી મુઠ્ઠીમાં તો ખરી જ. તમારી ઇચ્છા અને તમારા હુકમને આધીન. એક ગુલામ, છેવટે ગુલામ. (આવેશમાં ઊભી થઈ જાય છે.) ના, એ વિચાર માત્ર જ અશક્ય છે. કદી ન બને.
જજ બ્રૅક : (અર્ધ મજાકમાં) માથે પડી વિશ્વદેવા! છેવટે લોકોને ટેવ પડી જાય છે.
હેડા : (તેની સામું જોતાં) હા, કદાચ. (લખવાના મેજ પાસે જાય છે. હસવું દબાવે છે. ટેસમનના બોલવાના લ્હેકાના ચાળા પાડતાં) કાં કામ બરાબર ચાલે છે ને જ્યૉર્જ? એંહ?
ટેસમન : કોણ જાણે હેડા. આટલું પૂરું થતાં તો મહિનાઓ લાગશે.
હેડા : (પહેલાંની જેમ જ) જો તો! (મિસિસ એલ્વસ્ટેડના વાળમાં હાથ ફેરવે છે.) તને વિચિત્ર નથી લાગતું, તી? અત્યારે તું ટેસમન સાથે બેઠી છે અને આ જ પ્રમાણે તું એઈલર્ટ લોવબર્ગની સાથે બેસતી?
મિસિસ એલ્વસ્ટેડ : અને એ જ પ્રમાણે હું તારા પતિને પણ પ્રેરણા આપી શકું તો કેવું સારું?
હેડા : ઓહ, એ પણ થશે ધીમે ધીમે.
ટેસમન : હા, તું જાણે છે હેડા, મને ખરેખર એવું કાંઈક લાગવા માંડ્યું છે. પણ તું બ્રૅક પાસે બેસને.
હેડા : તમને બંનેને હું કાંઈ મદદ ન કરી શકું?
ટેસમન : ના, રજમાત્ર પણ નહીં. (પાછળ જોઈને) દોસ્ત બ્રૅક, હેડાને તમે કંપની આપશો ને?
જજ બ્રૅક : (હેડા સામું જોઈ) ઘણી જ ખુશીથી.
હેડા : તમારો આભાર. પણ આજે હું બહુ થાકી ગઈ છું. હું અંદર જઈને કૉચ પર જરા આડી પડું છું.
ટેસમન : એમ જ કર વ્હાલી, એંહ?
[હેડા અંદરના ઓરડામાં જઈ પડદો પાડી દે છે. ઘડીક શાંતિ છવાય છે. થોડી વારમાં પિયાનો પર પ્રથમ નૃત્યગીતના સૂર સંભળાય છે. મિસિસ એલ્વસ્ટેડ ચમકીને ઊભી થઈ જાય છે.]
મિસિસ એલ્વસ્ટેડ : અરે, આ શું?
ટેસમન : (બારણા તરફ દોડી જઈ) અરે, મારી હેડા, આજ રાત્રે જ આવું આનંદમય નૃત્યગીત ન વગાડ. રીનાફોઈનો તો વિચાર; કર અને એઈલર્ટનો પણ.
હેડા : (પડદાની વચમાંથી ડોકિયું કરે છે) અને જુલિફોઈનો પણ અને બીજા બધાંનો. બસ આ પછી હું શાંત થઈ જઈશ.
[પડદો પાડી દે છે.]
ટેસમન : (મેજ પાસેથી) આપણને આવું દુઃખદ કામ કરતાં જોવાં એ એને માટે સારું નથી. હું તમને કહું મિસિસ એલ્વસ્ટેડ એમ કરો, જુલિફોઈને ત્યાં એક ઓરડી ખાલી પડે છે, એ તમારે લઈ લેવી. ત્યાં હું સાંજે સાંજે આવીશ અને આપણે સાથે બેસીને કામ કરી શકીશું. એંહ?
હેડા : (અંદરથી) તમે કહો છો તે બધું મને સંભળાય છે, ટેસમન. પણ પછી મારે અહીં સાંજે શું કરવું?
ટેસમન : (કાગળિયાં ઉથલાવતાં) હું ઘરમાં નહીં હોઉં પણ જજ બ્રૅક અવારનવાર આવતા રહેશે.
જજ બ્રૅક : (આરામખુરશીમાં પડ્યા પડ્યા, ઉત્સાહથી) પ્રત્યેક સુભગ સાંજે. અંતરના ઉમળકાથી. મિસિસ ટેસમન આપણને સાથે બહુ ફાવશે—આપણને બેને—
હેડા : (મોટેથી સ્પષ્ટ અવાજે) તમે તમારા અંગત ખ્યાલમાં જ રાચો છો ને જજ બ્રૅક, કે આપણને ફાવશે જ? ખાસ કરીને હવે ટોપલામાં એક જ મરઘો રહ્યો છે ત્યારે? —તમે એક જ—
[પિસ્તોલ છૂટવાનો અવાજ સંભળાય છે. ત્રણે જણાં ચમકી ઊઠે છે.]
ટેસમન  : ઓહ, ફરી પાછી પિસ્તોલની રમત માંડી.
[પડદા બાજુએ ખસેડી અંદર દોડે છે. મિસિસ એલ્વસ્ટેડ પણ પાછળ પાછળ દોડે છે. હેડા પહોળા હાથ કરી સોફા પર પડી છે, નિશ્ચેત. બૂમાબૂમ—બર્ટા ગભરાયેલી જમણી બાજુથી દોડી આવે છે.]
ટેસમન : (ચીસ પાડતાં જજ બ્રૅકને) આત્મઘાત! પોતાની જાતે જ ગોળી છોડી, બરાબર કપાળમાં! જો તો!
જજ બ્રૅક : (ખુરશીમાં લગભગ ફસડાઈ જતાં) ભલા ભગવાન, આવું કોઈ કરે નહીં.


  1. ૧. "eneste nane i kurven" એક નોર્વેજીયન કહેવત.