ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સુન્દરમ્: Difference between revisions
(+1) |
No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|વર્ગવાસ્તવની વાર્તાઓના વાર્તાકાર : સુન્દરમ્ |વિપુલ પુરોહિત}} | {{Heading|વર્ગવાસ્તવની વાર્તાઓના વાર્તાકાર : સુન્દરમ્ |વિપુલ પુરોહિત}} | ||
[[File: | [[File:Sundaram.jpg|right|200px]] | ||
'''સર્જક પરિચય :''' | '''સર્જક પરિચય :''' | ||
{{Poem2Open}} | |||
ગુજરાતી સાહિત્યજગતમાં ‘સુન્દરમ્’ની સર્જકપ્રતિભા વિરલ રહી છે. નિતાંત કવિ સુન્દરમ્ ગુજરાતી ભાષાના પ્રથમ પંક્તિના સર્જક ગણાયા છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયામાતર ગામમાં તારીખ ૨૨-૩-૧૯૦૮ના રોજ તેમનો જન્મ. તેમના પિતાનું નામ પુરુષોત્તમભાઈ અને માતા ઉજમબા. પુરુષોત્તમભાઈ ગામના સંત ગુલાબગુરુના શિષ્ય. સુન્દરમ્ને આધ્યાત્મિક વારસો આમ પિતા ઉપરાંત ગુલાબગુરુના આશીર્વાદથી પ્રાપ્ત થયો હતો. તેમનું અસલ નામ તો ત્રિભુવનદાસ હતું. માતરની ગુજરાતી શાળામાં સાત ધોરણ સુધી સુન્દરમ્ ભણ્યા. એ પછી આમોદની શાળામાં અભ્યાસ કર્યો. ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં એક વરસ ભણ્યા પછી ૧૯૨૫થી ૧૯૨૯ સુધી ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં અભ્યાસ કર્યો. ભરૂચની શાળામાં વિશ્વનાથ મગનલાલ ભટ્ટ જેવા શિક્ષક પાસે સાહિત્ય અને ભાષાનો વિદ્યાભ્યાસ તેમની સર્જકતાને પોષે છે. વિદ્યાપીઠમાં ગાંધીજી ઉપરાંત આચાર્ય કૃપલાણી, કાકાસાહેબ કાલેલકર, રામનારાયણ પાઠક, નરહરિ પરીખ વગેરે વિદ્યાવંત શિક્ષકો અને રાષ્ટ્રીય ચળવળનું વાતાવરણ સુન્દરમ્ના વ્યક્તિત્વ અને સર્જકત્વને ઘડવામાં નિર્ણાયક પરિબળ બની રહે છે. સત્યાગ્રહની લડતમાં ભાગ લઈ સુન્દરમ્ બે વખત જેલવાસ પણ ભોગવે છે. ૧૯૨૯માં સુન્દરમ્ સંસ્કૃત અને અંગ્રેજી સાથે ભાષાવિશારદની પરીક્ષા બીજા વર્ગમાં ઉત્તીર્ણ કરી સ્નાતક થાય છે. આરંભમાં સોનગઢ ગુરુકુળમાં શિક્ષક તરીકે જોડાય છે. પછી ૧૯૩૪માં અમદાવાદમાં જ્યોતિસંઘમાં શિક્ષક તરીકે જોડાયા અને ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ પોંડીચેરીમાં સાધક તરીકે કુટુંબસહિત સ્થાયી થયાં. તેઓ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭થી ‘દક્ષિણા’ નામે ત્રૈમાસિક શરૂ કરે છે. ૧૩-૦૧-૧૯૯૧ના રોજ પોંડીચેરી મુકામે સુન્દરમ્ની જીવનયાત્રા પૂર્ણ થાય છે. | |||
{{Poem2Close}} | |||
'''સુન્દરમ્નું સાહિત્યસર્જન :''' | '''સુન્દરમ્નું સાહિત્યસર્જન :''' | ||
<poem>કવિતા : ‘કોયા ભગતની કડવી વાણી’ (૧૯૩૩), ‘કાવ્યમંગલા’ (૧૯૩૩), ‘વસુધા’ (૧૯૩૯), ‘યાત્રા’ (૧૯૫૧), ‘વરદા’, ‘મુદિતા’, ‘ઉત્કંઠા’, ‘મહાનંદ’, ‘પલ્લ્વિતા’, ‘લોકલીલા’, ‘ઈશ’ વગેરે (મરણોત્તર સંગ્રહો) | <poem>કવિતા : ‘કોયા ભગતની કડવી વાણી’ (૧૯૩૩), ‘કાવ્યમંગલા’ (૧૯૩૩), ‘વસુધા’ (૧૯૩૯), ‘યાત્રા’ (૧૯૫૧), ‘વરદા’, ‘મુદિતા’, ‘ઉત્કંઠા’, ‘મહાનંદ’, ‘પલ્લ્વિતા’, ‘લોકલીલા’, ‘ઈશ’ વગેરે (મરણોત્તર સંગ્રહો) | ||
Line 29: | Line 31: | ||
‘વાર્તાની સૃષ્ટિ ઊભી કરવા બેસો તો કેવી કેવી રીતે તે બને છે! અને એમાં લેખકની કળા પણ કેવી પા પા પગલી કરતી ચાલે છે, ચાલતાં શીખે છે, ચાલે છે અને વળી લથડે છે. એમાં કેટલુંક વાચકને ભોગે પણ બને છે.’ | ‘વાર્તાની સૃષ્ટિ ઊભી કરવા બેસો તો કેવી કેવી રીતે તે બને છે! અને એમાં લેખકની કળા પણ કેવી પા પા પગલી કરતી ચાલે છે, ચાલતાં શીખે છે, ચાલે છે અને વળી લથડે છે. એમાં કેટલુંક વાચકને ભોગે પણ બને છે.’ | ||
સુન્દરમ્ પોતાના આખરી વાર્તાસંગ્રહ ‘તારિણી’માં ‘આ વાર્તાઓ’ શીર્ષકથી જે પ્રસ્તાવના આપે છે તેમાં પણ ટૂંકી વાર્તાને લઈને તેઓએ જે વિમર્શ કર્યો છે એ વિધાનો જાણવા જેવાં છે : | સુન્દરમ્ પોતાના આખરી વાર્તાસંગ્રહ ‘તારિણી’માં ‘આ વાર્તાઓ’ શીર્ષકથી જે પ્રસ્તાવના આપે છે તેમાં પણ ટૂંકી વાર્તાને લઈને તેઓએ જે વિમર્શ કર્યો છે એ વિધાનો જાણવા જેવાં છે : | ||
– ‘વાર્તાલેખન એ મારે માટે કવિતા લેખનના જેવો જ એક વિશિષ્ટ અનુભવ બની રહ્યો છે.’ | |||
– ‘વાર્તાલેખન, સર્જનાત્મક ગદ્યની રીતે તે આવે છે ત્યારે જાણે ગિરિશિખરો નહિ, પણ પર્વતની કંદરાઓમાં, ગિરિતળેટીઓમાં, વન-ઉપવનોમાં અને માનવીનાં નગર મહાનગરો, શેરીઓ, પોળો, ગલીકૂંચીઓ, ખેતરો-પાદરોની દુનિયામાંથી આપણી પાસે નાનાં મોટાં ફૂલ ચૂંટાવી લે છે.’ | – ‘વાર્તાલેખન, સર્જનાત્મક ગદ્યની રીતે તે આવે છે ત્યારે જાણે ગિરિશિખરો નહિ, પણ પર્વતની કંદરાઓમાં, ગિરિતળેટીઓમાં, વન-ઉપવનોમાં અને માનવીનાં નગર મહાનગરો, શેરીઓ, પોળો, ગલીકૂંચીઓ, ખેતરો-પાદરોની દુનિયામાંથી આપણી પાસે નાનાં મોટાં ફૂલ ચૂંટાવી લે છે.’ | ||
– ‘પણ આ બધું તે વાર્તાની પૃષ્ઠભૂમિની, અંતરંગની વાત છે. છેવટે તો વાર્તા ગમે તે રીતે સજધજ થઈને રંગભૂમિ ઉપર આવી કેવું કામ કરી જાય છે, ગમે તે અવસ્થામાંથી લખાયેલી વાર્તા કેવી નીવડે છે છે એ જ મુખ્ય વસ્તુ છે.’ | – ‘પણ આ બધું તે વાર્તાની પૃષ્ઠભૂમિની, અંતરંગની વાત છે. છેવટે તો વાર્તા ગમે તે રીતે સજધજ થઈને રંગભૂમિ ઉપર આવી કેવું કામ કરી જાય છે, ગમે તે અવસ્થામાંથી લખાયેલી વાર્તા કેવી નીવડે છે છે એ જ મુખ્ય વસ્તુ છે.’ | ||
Line 104: | Line 106: | ||
|next = ગુલાબદાસ બ્રોકર | |next = ગુલાબદાસ બ્રોકર | ||
}} | }} | ||
{{Block center|<poem></poem>}} |
Latest revision as of 11:13, 15 December 2024
વિપુલ પુરોહિત
સર્જક પરિચય :
ગુજરાતી સાહિત્યજગતમાં ‘સુન્દરમ્’ની સર્જકપ્રતિભા વિરલ રહી છે. નિતાંત કવિ સુન્દરમ્ ગુજરાતી ભાષાના પ્રથમ પંક્તિના સર્જક ગણાયા છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયામાતર ગામમાં તારીખ ૨૨-૩-૧૯૦૮ના રોજ તેમનો જન્મ. તેમના પિતાનું નામ પુરુષોત્તમભાઈ અને માતા ઉજમબા. પુરુષોત્તમભાઈ ગામના સંત ગુલાબગુરુના શિષ્ય. સુન્દરમ્ને આધ્યાત્મિક વારસો આમ પિતા ઉપરાંત ગુલાબગુરુના આશીર્વાદથી પ્રાપ્ત થયો હતો. તેમનું અસલ નામ તો ત્રિભુવનદાસ હતું. માતરની ગુજરાતી શાળામાં સાત ધોરણ સુધી સુન્દરમ્ ભણ્યા. એ પછી આમોદની શાળામાં અભ્યાસ કર્યો. ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં એક વરસ ભણ્યા પછી ૧૯૨૫થી ૧૯૨૯ સુધી ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં અભ્યાસ કર્યો. ભરૂચની શાળામાં વિશ્વનાથ મગનલાલ ભટ્ટ જેવા શિક્ષક પાસે સાહિત્ય અને ભાષાનો વિદ્યાભ્યાસ તેમની સર્જકતાને પોષે છે. વિદ્યાપીઠમાં ગાંધીજી ઉપરાંત આચાર્ય કૃપલાણી, કાકાસાહેબ કાલેલકર, રામનારાયણ પાઠક, નરહરિ પરીખ વગેરે વિદ્યાવંત શિક્ષકો અને રાષ્ટ્રીય ચળવળનું વાતાવરણ સુન્દરમ્ના વ્યક્તિત્વ અને સર્જકત્વને ઘડવામાં નિર્ણાયક પરિબળ બની રહે છે. સત્યાગ્રહની લડતમાં ભાગ લઈ સુન્દરમ્ બે વખત જેલવાસ પણ ભોગવે છે. ૧૯૨૯માં સુન્દરમ્ સંસ્કૃત અને અંગ્રેજી સાથે ભાષાવિશારદની પરીક્ષા બીજા વર્ગમાં ઉત્તીર્ણ કરી સ્નાતક થાય છે. આરંભમાં સોનગઢ ગુરુકુળમાં શિક્ષક તરીકે જોડાય છે. પછી ૧૯૩૪માં અમદાવાદમાં જ્યોતિસંઘમાં શિક્ષક તરીકે જોડાયા અને ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ પોંડીચેરીમાં સાધક તરીકે કુટુંબસહિત સ્થાયી થયાં. તેઓ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭થી ‘દક્ષિણા’ નામે ત્રૈમાસિક શરૂ કરે છે. ૧૩-૦૧-૧૯૯૧ના રોજ પોંડીચેરી મુકામે સુન્દરમ્ની જીવનયાત્રા પૂર્ણ થાય છે.
સુન્દરમ્નું સાહિત્યસર્જન :
કવિતા : ‘કોયા ભગતની કડવી વાણી’ (૧૯૩૩), ‘કાવ્યમંગલા’ (૧૯૩૩), ‘વસુધા’ (૧૯૩૯), ‘યાત્રા’ (૧૯૫૧), ‘વરદા’, ‘મુદિતા’, ‘ઉત્કંઠા’, ‘મહાનંદ’, ‘પલ્લ્વિતા’, ‘લોકલીલા’, ‘ઈશ’ વગેરે (મરણોત્તર સંગ્રહો)
બાળકાવ્ય : ‘રંગ રંગ વાદળિયા’ (૧૯૩૯)
ટૂંકી વાર્તા : ‘હીરાકણી અને બીજી વાતો’ (૧૯૩૮), ‘ખોલકી અને નાગરિકા’ (૧૯૩૯), ‘પિયાસી’ (૧૯૪૦), ‘ઉન્નયન’ (૧૯૪૫) અને ‘તારિણી’ (૧૯૭૭)
લઘુ નવલકથા : ‘પાવકના પંથે’ (૧૯૭૮)
વિવેચન : ‘અર્વાચીન કવિતા’ (૧૯૪૬), ‘અવલોકના’ (૧૯૬૫), ‘સમર્ચના’ (૧૯૭૮), ‘સાહિત્યચિંતન’ (૧૯૭૮)
નાટ્યસંગ્રહ : ‘વાસંતી પૂર્ણિમા’ (૧૯૭૭)
પ્રવાસકથા : ‘દક્ષિનાયન’ (૧૯૪૧)
અનુવાદ : ‘ભગવજ્જુકીય’ (૧૯૪૦), ‘મૃચ્છકટિક’ (૧૯૪૪), ‘અરવિંદના ચાર પત્રો’ (૧૯૪૬), ‘અરવિંદ મહર્ષિ’ (૧૯૫૦), ‘માતાજીનાં નાટકો’ (૧૯૫૦), ‘સાવિત્રી’ (૧૯૫૦), ‘કાયાપલટ’ (૧૯૬૧), ‘પત્રાવલિ’ (૧૯૬૪), ‘સુંદર કથાઓ’ (૧૯૬૪), ‘જનતા અને જન’ (૧૯૬૫), ‘સ્વપન અને છાયાઘડી’ (૧૯૬૭), ‘પરબ્રહ્મ અને બીજાં કાવ્યો’ (૧૯૬૯), ‘ઐસી હૈ જિન્દગી’ (૧૯૭૪) વગેરે.
લઘુજીવન ચરિત્ર : ‘શ્રી અરવિંદ મહાયોગી’ (૧૯૫૦)
ગોવિંદસ્વામીની કાવ્યરચનાઓનું સંપાદન : ‘પ્રતિપદા’ (અન્ય સાથે ૧૯૪૪)
પ્રકીર્ણલેખસંગ્રહ : ‘ચિદંબરા’ (૧૯૬૮), ‘સમર્ચના’(૧૯૭૮) અને ‘સા વિદ્યા’ (૧૯૭૮)
વાર્તાકારનો યુગસંદર્ભ :
સુન્દરમ્ ગાંધીયુગના અગ્રણી સર્જક છે. તેમના જીવનઘડતર અને સર્જન પર ગાંધીયુગનો પ્રભાવ વિશેષ રહ્યો છે. ધૂમકેતુ અને રા. વિ. પાઠકની વાર્તાઓથી ગુજરાતી ટૂંકી વાર્તાનું સ્વરૂપ વિકસિત થયાં પછી તેને વધુ સમૃદ્ધ કરવામાં ઉમાશંકર જોશી અને સુન્દરમ્ની વાર્તાઓનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. તેમના સમકાલીનોમાં એક તરફ મેઘાણી, મડિયા અને ગુલાબદાસ બ્રોકર જેવા વાર્તાકારો છે તો બીજી તરફ જયંત ખત્રી અને સુરેશ જોષી પણ છે. વીસમી સદીના ત્રીજા-ચોથા દાયકામાં વાસ્તવવાદી અભિગમ જે રીતે જુદાં જુદાં ક્ષેત્રોમાં પ્રસરી રહ્યો હતો તેનું પ્રમાણ સુન્દરમ્ની કવિતા અને વાર્તાઓમાં પણ જોવા મળે છે. પ્રગતિવાદ, ગાંધીવાદ, સમાજવાદ-માર્ક્સવાદ અને ફ્રોઇડના મનોવિજ્ઞાનનો પ્રભાવ સુન્દરમ્ની વાર્તાઓ રચવામાં પ્રમુખ ભૂમિકામાં રહ્યાં છે. વિષયવસ્તુ અને રચનારીતિના પ્રયોગોની દૃષ્ટિએ સુન્દરમ્ની વાર્તાઓ ગાંધીયુગ અને આધુનિકયુગની કેન્દ્રીય ધરી સમાન છે.
ટૂંકી વાર્તા વિશે સુન્દરમ્ની સંકલ્પના :
પ્રથમ વાર્તાસંગ્રહ ‘હીરાકણી’ની પ્રથમ આવૃત્તિના નિવેદનમાં સુન્દરમ્ વાર્તાકલા અંગે પોતાની સાદી સમજ રજૂ કરતાં લખે છે, ‘આજે એકથી વધારે સંગ્રહ થઈ શકે એટલી વાર્તાઓ મારી પાસે પડી છે. છતાં પહેલી વાર્તા લખતાં જે એક આંતરિક ભય મેં અનુભવ્યો હતો તે ભય છેલ્લી વાર્તા લખતાં પણ તેવો ઉગ્ર રીતે અનુભવું છું. એ ભય છે વાર્તાની અટપટી કળાનો. એમાં ભૂલો થઈ જવાની એટલી બધી સગવડ છે કે સફળ વાર્તા લખાય એને કળાનો પ્રસાદ જ માણવો ઘટે એમ મને લાગ્યું છે.’ આ જ સંગ્રહની બીજી આવૃત્તિ ૧૯૬૭માં થઈ તેમાં ફરી પોતાની વાર્તાઓ વિશે લખતાં તેમણે કહ્યું કે, ‘વાર્તાની સૃષ્ટિ ઊભી કરવા બેસો તો કેવી કેવી રીતે તે બને છે! અને એમાં લેખકની કળા પણ કેવી પા પા પગલી કરતી ચાલે છે, ચાલતાં શીખે છે, ચાલે છે અને વળી લથડે છે. એમાં કેટલુંક વાચકને ભોગે પણ બને છે.’ સુન્દરમ્ પોતાના આખરી વાર્તાસંગ્રહ ‘તારિણી’માં ‘આ વાર્તાઓ’ શીર્ષકથી જે પ્રસ્તાવના આપે છે તેમાં પણ ટૂંકી વાર્તાને લઈને તેઓએ જે વિમર્શ કર્યો છે એ વિધાનો જાણવા જેવાં છે : – ‘વાર્તાલેખન એ મારે માટે કવિતા લેખનના જેવો જ એક વિશિષ્ટ અનુભવ બની રહ્યો છે.’ – ‘વાર્તાલેખન, સર્જનાત્મક ગદ્યની રીતે તે આવે છે ત્યારે જાણે ગિરિશિખરો નહિ, પણ પર્વતની કંદરાઓમાં, ગિરિતળેટીઓમાં, વન-ઉપવનોમાં અને માનવીનાં નગર મહાનગરો, શેરીઓ, પોળો, ગલીકૂંચીઓ, ખેતરો-પાદરોની દુનિયામાંથી આપણી પાસે નાનાં મોટાં ફૂલ ચૂંટાવી લે છે.’ – ‘પણ આ બધું તે વાર્તાની પૃષ્ઠભૂમિની, અંતરંગની વાત છે. છેવટે તો વાર્તા ગમે તે રીતે સજધજ થઈને રંગભૂમિ ઉપર આવી કેવું કામ કરી જાય છે, ગમે તે અવસ્થામાંથી લખાયેલી વાર્તા કેવી નીવડે છે છે એ જ મુખ્ય વસ્તુ છે.’
‘હીરાકણી’ (૧૯૩૮) :
સુન્દરમ્નો ‘હીરાકણી’ નામે પ્રથમ વાર્તાસંગ્રહ સંગ્રહ ૧૯૩૮માં પ્રકાશિત થયેલો. આ સંગ્રહની બીજા ક્રમની વાર્તા ‘લૂંટારા’ તેમણે ‘ત્રિશૂળ’ ઉપનામથી ભરૂચથી નીકળતા સાપ્તાહિક ‘વિકાસ’માં ૧૯૩૧માં પ્રગટ કરેલી. સુન્દરમ્ની એ પ્રથમ વાર્તા. ૧૯૩૧થી લઈને ૧૯૩૭ સુધીમાં લખાયેલી અને વિવિધ સામયિકો-સાપ્તાહિકોમાં પ્રકાશિત થયેલી છ વાર્તાઓ અને બે અપ્રસિદ્ધ વાર્તાઓ – ‘હીરાકણી’ અને ‘ભીમજીભાઈ’ સહિત કુલ આઠ વાર્તાઓનો સંગ્રહ એટલે ‘હીરાકણી અને બીજી વાતો.’ આ સંગ્રહની બીજી આવૃત્તિ ૧૯૬૭માં થઈ છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘ગોપી’ વાર્તાકાર સુન્દરમ્ની અતિ પ્રસિદ્ધ વાર્તા છે. મોતી રાવળનો છોકરો ગોપાળ-ગોપી આ વાર્તાનું કેન્દ્રબિન્દુ છે. વાર્તા ચરિત્રકેન્દ્રી છે. ગોપાળ-ગોપીના નૃત્યથી ઊઘડતી વાર્તા અંતે ગોપીની મૂર્ચ્છિત અવસ્થામાં તેના શ્વાસોચ્છવાસ સાથે ઊંચીનીચી થતી જાંબલી ઓઢણીમાં ઢગલો થઈ પડેલા ગોપી પાસે અટકે છે ત્યારે જાણે સમગ્ર વાર્તાનું નર્તન થંભી ગયું હોય તેવું પ્રતીત થાય છે. વાર્તાની ચોટ અહીં સ્વાભાવિક ક્રમમાં આવી છે. લગ્નપ્રસંગનો ગ્રામજીવનના પરિવેશ અને ગ્રામીણ ભાષાશૈલીમાં નિરુપિત આ વાર્તામાં મોતી રાવળની લોભવૃત્તિ સામે ગોપીના કલાકાર વ્યક્તિત્વનું સમાયોજન આ વાર્તાની ખૂબી બની એ ઊપસે છે. માનવજીવનના વાસ્તવદર્શી રંગને અહીં વાર્તાકારે ટૂંકી વાર્તાની સ્વરૂપગત વિશેષતાઓમાં આલેખ્યો છે. ગોપીના વિશિષ્ટ ચરિત્રનો એક હૃદયસ્પર્શી પ્રભાવ આ વાર્તામાં ભાવકને અનુભૂત થાય છે. ‘લૂંટારા’ વાર્તામાં સુન્દરમ્ વર્ગવિષમતાનું ચિત્ર આલેખે છે. ‘અમારાં બેડિયાં રાતના અગિયારે ગામની ભાગોળેથી નીકળ્યાં.’ – આવાં સીધાં કથનથી વાર્તા શરૂ થાય છે. વાર્તાકથક પોતાના ગામથી કૉલેજના અભ્યાસ માટે મુંબઈ જવા નીકળ્યો છે. ગામથી બાર ગાઉ દૂરના તાલુકા ગામ જંકાનેરની જિનમાં જવા નીકળેલાં પંદર બેડિયાંની હારમાં કથકનું ગાડું પાંચમા ક્રમે હતું. બાર ગાડામાં કપાસના વેપારી દામોદર શેઠનો માલ ભર્યો હતો. ગાડાવાળા દેવા અને લખાની વાતચીતમાં ગાડાની ગતિ સાથે વાર્તા આગળ વધે છે. કથક જેનું નામ ચીમન છે તે આ વાતો સાંભળી રહ્યો છે અને કહી પણ રહ્યો છે. શોષક અને શોષિતની પીડા આ વાતોમાં પડઘાય છે. વર્ગભેદની સામાજિક કુંઠાને અહીં સુન્દરમ્ આલેખે છે. ચીમનને તેનો નાનોભાઈ તેનો પત્ર લખીને જાણ કરે છે કે દામોદર શેઠ કપાસ વેચીને ગામ પાછા ફરતા હતા ત્યારે નદીના ભાઠામાં કોઈએ શેઠને લૂંટી લીધા. દામોદર શેઠની ફરિયાદથી બધાંય ગાડાવાળાના ઘરની ઝડતી લેવાઈ. પકડીને તાલુકે કેદ કર્યા. જમીન માટે સરકાર હજાર હજાર રૂપિયા માંગે છે પણ કોણ જામીન થવા તૈયાર થાય તે પ્રશ્ન છે. કથકના પિતા પાસે મદદની અપેક્ષાએ આવેલી લખા ડોસાની દીકરીને બાપાએ બે મણ બાજરી આપી વિદાય કરી. મુંબઈમાં ભણતો વાર્તાકથક પત્ર વાંચવાનું બંધ કરી બહાર ફરવા નીકળે છે. મિલમાં હડતાળ, મજૂરોનાં હુલ્લડ, પોલીસનો લાઠીચાર્જ એવી વિગતો સાથે વાર્તાને અંતે કથક હોસ્ટેલમાં એડવાન્સ, કૉલેજની ફી, ટેનિસક્લબ અને દરજીનાં બિલ ચૂકવી દોઢસો રૂપિયામાંથી વધેલાં પાંચની સિલક હાથમાં રાખી બાપને પૈસાની સગવડ કરી રાખવા કાગળ લખવા બેઠો છે. આ પ્રથમ વાર્તાથી જ વર્ગવિષમતાનું વાસ્તવ અને શોષિત પ્રત્યેની અનુકંપાનો સૂર સુન્દરમ્ વ્યંજિત કરી શક્યા છે. ‘પૂનમડી’ વાર્તામાં સર્જકે નારીહૃદયનાં કોમળ ભાવસંચલનો શબ્દસ્થ કર્યાં છે. પૂનમડીનાં ચરિત્રની આસપાસ ગુંથાયેલી આ વાર્તા એક અર્થમાં ઊર્મિકાવ્યનો અનુભવ કરાવે છે. પ્રથમ પુરુષ એકવચનની કથનરીતિમાં નિરુપિત આ વાર્તામાં વાર્તાકથકના મુખેથી પૂનમડીનું ભાવચિત્ર વણાતું આવ્યું છે. પત્ની બીમાર હોવાને કારણે ઘરકામમાં મદદ કરી આપતી પૂનમડી સાથે પછી તો વાર્તાકથકની પત્ની લીલાને ઊંડો સખ્યભાવ કેળવાઈ જાય છે. ધારાળાની જરા ભીનેવાન છોકરી પૂનમડી, કથક અને તેની પત્નીના ઘર-હૃદયમાં જે સ્થાન અંકિત કરી જાય છે તેનું રસમય ચિત્ર આ વાર્તામાં લાંબી લેખણે રચાયું છે. પ્રસ્તાર આ વાર્તાની નબળી કડી બની રહે છે. એ સિવાય રવીન્દ્રનાથ ટાગોર અને શરદબાબુની નાયિકા સાથે હરોળમાં ઊભું રહે શકે તેવું સંવેદનક્ષમ ચરિત્ર પૂનમડીનું આ વાર્તામાં ઊપસ્યું છે. ‘યા નસીબ’ વાર્તા તેનાં ભાવવિશ્વ અને આલેખનને કારણે ધ્યાન ખેંચે છે. વૃદ્ધ રાધીમા, તેની યુવાન વિધવા પુત્રવધૂ વસુમતી ઉપરાંત બળુબાબુનાં ચરિત્રોને અવલંબીને આ વાર્તાનું સંવેદન ઘાટ પામ્યું છે. રાધીમાના પરિવારનો જાહોજલાલીસભર ભવ્ય ભૂતકાળ અને દારુણ દરિદ્રતા દર્શાવતાં વર્તમાનની સંનિધિમાં આ વાર્તા વિસ્તરી છે. સંતાનઝંખતી વસુમતીની માનસિક સ્થિતિ અને બળુબાબુ સાથે તેનાં લગ્નનું નિરૂપણ વાર્તાને રસપ્રદ બનાવે છે. બિનજરૂરી લંબાણને કારણે વાર્તાનું પોત પાતળું પડી ગયું છે. વાર્તાનો અંત કરુણ બન્યો છે પણ ધરી ચોટ ઉપસાવવામાં નિષ્ફળ રહે છે. ‘ગટ્ટી’ સુન્દરમ્ની એક વિલક્ષણ વાર્તા છે. ‘ખોલકી’ અને ‘નાગરિકા’ જેવી વાર્તાનો પૂર્વતંતુ જાણે કે ‘ગટ્ટી’ વાર્તામાં મળે છે તો રા. વિ. પાઠકની ‘જક્ષણી’ વાર્તાના મહારાજની નાનકડી વહુ સાથેનું આંશિક સામંજસ્ય પણ સ્મરણમાં આવે તેવું આ વાર્તાનું વસ્તુ છે. વાર્તાનાયક વીરજી હેલાળો ઘણાં વર્ષે પોતાના ગામ-ઘરે આવ્યો છે. તેની વહુની વય વધી છે પણ કદ કાઠી વિકસ્યાં નથી. ઘરમાં સૌ તેને ‘ગટ્ટીવહુ’ કહીને જ બોલાવે છે. વીરજી અને ગટ્ટીના મનોભાવોને વાર્તાકારે સરસ રીતે વ્યંજિત કર્યા છે. ગ્રામસમાજની માનસિકતા, રીતિ-રિવાજ અને પરંપરાનું આલેખન કરતો પરિવેશ આ વાર્તાને રોચક બનાવે છે. મિત્રવર્તુળથી છૂટો પડી શિયાળાની મોડી રાતે ઘરે પાછા ફરતા વીરજી માટે સૂવાના ઓરડાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં નાના ખાટલા પર તેની વહુ ગટ્ટી સૂતી છે અને ઊંઘમાં સપનાંઓ જોતી પોતાને ગટ્ટી કહી ચીઢવતાં લોકો પર રોષ અને ગુસ્સો વ્યક્ત કરી રહી છે. સાથે વીરજીના આગમનથી પોતે કેવી ખુશ થઈ છે અને હવે બધાંને પહોંચી વળશે તેવો ભાવ ઊંઘમાં જ વ્યક્ત કરે છે. વીરજી-ગટ્ટીનાં સુખદ મિલનને વાર્તાકારે અંતિમ વાક્યમાં મોઘમ સંકેત સાથે રજૂ કર્યું છે. ‘ભીમજીભાઈ’ સુદીર્ઘ વાર્તા છે. સ્ત્રી-પુરુષ સંબંધની સંકુલતામાં સુન્દરમ્ને હંમેશાં રસ પડ્યો છે. આ વાર્તામાં ગાંધીવિચારના ચુસ્ત અનુયાયી લોકસેવક ભીમજીભાઈ અને વિજયા-વીજળીના અનુરાગનું કથાનક ગાંધીયુગની ચેતનાને આબાદ ઝીલતું આલેખન પામ્યું છે પણ સુન્દરમ્નો વ્યંગ્ય-કટાક્ષ વાર્તાને એક નવો દૃષ્ટિકોણ આપે છે. સ્ત્રીસંગ અને સ્ત્રીસ્પર્શથી દૂર રહી દૃઢ અનુશાસની-સંયમી રહેવા ઇચ્છતા ભીમજીભાઈના વ્યક્તિત્વની રેખાઓની તુલનાએ વિજયા-વીજળીનું ચરિત્ર વાર્તામાં સરસ ઉઠાવ પામ્યું છે. પરંતુ વાર્તા તો નબળી જ રહી છે. ‘મિલનની રાત’ વાર્તા મૂળે તો પહેલાં ‘એક સુહાગી રાત’ નામે પ્રસિદ્ધ થઈ હતી. અહીં તેનાં મુખ્ય પાત્ર મંછીનું નામ પાલી કરીને વાર્તાકારે તેને સંગ્રહમાં સ્થાન આપ્યું છે. સાળી-બનેવીના સંબંધને લઈને આપણે ત્યાં ગુજરાતીમાં ટૂંકી વાર્તા બહુ ઓછી રચાઈ છે. ‘મિલનની રાત’માં ઘરભંગ થયેલ આશા હોણ પોતાની સાસરીમાં જાય છે ત્યારે ગ્રામીણ સમાજની રૂઢિ-પરંપરા મુજબ તેમની સાળી પાલી મજાક-મશ્કરી કરી આશા હોણને હાંસીપાત્ર બનાવે છે. વાર્તામાં આશા હોણનાં બીજાં લગ્ન પાલી સાથે થાય તેવા અંકોડા વાર્તાકારે રસપ્રદ રીતે સંયોજિત કર્યા છે પણ શિયાળાની કડકડતી ટાઢમાં ઘરની બહાર ખાટલામાં સૂતેલા આશા હોણને સપનામાં મૃત પત્ની જીવી અને તેની ચિતા, ચૂલો અને ચોરીનો તાપ એવું બધું અનુભવાય છે. બસો રૂપિયા આપે તો પાલી સાથે લગ્ન થઈ શકે તેની દ્વિધા પણ સપનામાં અનુભવે છે. પણ વાર્તાને અંતે ખાટલામાં લાલી કૂતરીની હૂંફે રાત આખી ટાઢ ઉડાડી અને સવારમાં સાસરીમાં ફરી મજાકનું પાત્ર બન્યાનું આશા હોણનું ચરિત્ર તત્કાલીન સમાજજીવનનું વરવું વાસ્તવ ઉજાગર કરે છે. સંગ્રહનું નામ જેને મળ્યું છે તે ‘હીરાકણી’ સુન્દરમ્ની અતિ પ્રચલિત વાર્તા છે. અર્જુન-હીરાકણી અને પ્રહ્લાદનાં ચરિત્રોને કેન્દ્રમાં રાખીને આ વાર્તામાં સુન્દરમ્ સ્નેહલગ્નનું દર્શન વ્યક્ત કરે છે. શરીરસૌષ્ઠવ અને બુદ્ધિ-કલામાં મનમોહક અર્જુનને પરણવા માટે અનેક યુવતીઓ ઇચ્છા વ્યક્ત કરે છે પણ અર્જુનને કોઈ પસંદ નથી. તેનો મિત્ર પ્રહલાદ કુશળ શિલ્પી-કલાકાર છે. હીરાકણીનું અતિ સુંદર શિલ્પ ‘અજેયા’ ખૂબ પ્રસિદ્ધ થાય છે જે પ્રહલાદે બનાવ્યું છે. પ્રહલાદને ત્યાં અર્જુન-હીરાકણીની મુલાકાતો થાય છે. ધીમે ધીમે બંને એકબીજાનાં સ્વભાવ-લક્ષણોથી પરિચિત થવા લાગે છે પણ પરસ્પરના અનુરાગને વ્યક્ત કરવામાં વ્યક્તિગત ‘ઈગો’ આડો આવે છે. ફિલ્મોની સફળ અભિનેત્રી તરીકે પ્રસિદ્ધ ‘અજેયા’ – હીરાકણી સાથે અંતે અર્જુનના લગ્ન થાય અને નવી વહુનું નવું નામ પાડવા અર્જુન થોડો જ ફેરફાર સૂચવે કે હીરાકણી ત્યારે આ દંપતીના હૃદયકમલમાં અંકિત ભાવમુદ્રાઓનો સંકેત મળે છે. દાંપત્યજીવનના મંગલ રાગનો સંકેત વાર્તાને અંતે મળી રહે છે. બિનજરૂરી લંબાણ આ વાર્તાની ગતિને મંદ બનાવે છે. વાર્તામાં આલેખિત ઊર્મિનો પ્રવાહ સડસડાટ વહેવાને બદલે મંથર ગતિએ અંત સુધીએ પહોંચે છે.
‘ખોલકી અને નાગરિકા’ (૧૯૩૯)
સુન્દરમ્નો બીજો વાર્તાસંગ્રહ ‘ખોલકી અને નાગરિકા’ નામે ઈ. સ. ૧૯૩૯માં પ્રગટ થયો હતો. તેમાં પાંચ વાર્તાઓ પ્રસિદ્ધ થઈ હતી. સંગ્રહની વાર્તા ‘ખોલકી’ સુન્દરમ્ની સદાબહાર વાર્તા બનીને ચિરંજીવ થઈ છે. સ્ત્રી-પુરુષના સંબંધ અને તેમાં ય જાતીય સંબંધને વિષયવસ્તુ તરીકે વાર્તામાં ઘાટ આપવાનું સાહસ સુન્દરમે આ વાર્તામાં સબળ અને સફળ રીતે સિદ્ધ કર્યું છે. પ્રથમ પુરુષ એકવચનની કથનરીતિમાં ચંદનબાનાં મુખેથી વ્યક્ત થતી વાત સુન્દરમ્ની કુશળ વાર્તાકાર તરીકેની પ્રતીતિ કરાવે છે. સંસારરસનો સ્વાદ નહિ પામેલી બાળરાંડ ચંદન માટે પતિસુખનો પ્રથમ અનુભવ કેવો વિદારક બને છે એ પળ સુધી વાર્તાને લઈ જવાની સુન્દરમ્ની કુનેહ કાબિલેદાદ છે. વાર્તામાં બિનજરૂરી પ્રસ્તાર કર્યા વિના સીધીસટ- સોંસરી ગતિમાં વહેતી વાર્તા અંતે ધારી અસર ઉપસાવી રહે છે. પડોશણની મેડીએ મોડી રાતે ચંદન અને એના ‘ભિયા’નું મિલન અંતે ‘આમ ફરને, ખોલકી!’ વિધાનમાં ઘણું બધું વ્યંજિત કરી દે છે. ગાંધીયુગમાં રચાઈ હોવા છતાં આ વાર્તા ગાંધીયુગને વળોટીને યુગાતીત વાર્તા તરીકે ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં સન્માન પામી છે. પહેલાં ‘કૂતરાં’ નામે પ્રગટ વાર્તા પછીથી ‘લાલ મોગરો’ તરીકે ‘ઉન્નયન’ સંગ્રહમાં સમાવેશ પામી છે. છ નાના ખંડોમાં વહેંચાયેલી આ વાર્તામાં શનિયાના શ્વાનપ્રેમની સમાંતરે જમના ગોરાણી અને ડેપ્યુટી કલેક્ટરના અવૈધ સંબંધનું કથાનક જીવમાત્રની જાતીય વૃત્તિઓ પ્રતિ સંકેત કરી રહે છે. વાર્તાનું લંબાણ વાર્તારસને અવરોધે છે. વાર્તાને અંતે કૂતરા લાલિયાનું મૃત્યુ જાણે જમના ગોરાણીનું પાપ હોય તેમ શનિયાને લાગે છે. સર્વજ્ઞ કથનકેન્દ્રથી રજૂ થયેલી આ વાર્તા મુખ્યત્વે શનિયાના કૂતરાં પ્રત્યેના સ્નેહ અને જમના ગોરાણી પ્રત્યેની નફરતનું આલેખન થયું છે. ‘કૂતરાં’ને સ્થાને ‘લાલ મોગરો’ શીર્ષક ઘણું સૂચક બની રહે છે. ‘નારસિંહ’ નામથી પ્રકશિત થયેલી આ વાર્તામાં સુન્દરમ્ ગ્રામજીવન અને નગરજીવનના સંઘર્ષને આલેખે છે. શહેરની હોટેલમાં ચાની વરદી પૂરી પાડવાનું મજૂરી જેવું કામ કરતાં નારસિંહ ઠાકોરના ચરિત્રને કેન્દ્રમાં રાખતી આ વાર્તામાં સુન્દરમ સામાજિક વાસ્તવનાં ઘેરાં પરિમાણો તો આલેખે જ છે પરંતુ એથી ય વિશેષ નગરોની ગંદી-ગોબરી અને સાંકડી ઓરડીઓમાં કુમળી વયના કિશોરોના મનો-શારીરિક શોષણનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ આ વાર્તાને ‘bold’ બનાવે છે. આ વાર્તાને પછીથી સુન્દરમ્ ‘ઊછળતાં છોરું’ એવું પ્રતીકાત્મક શીર્ષક આપી પોતાની વાર્તાસૂઝનો પરિચય આપી રહે છે. વ્યક્તિસ્વાતંત્ર્ય અને આત્મ-સન્માનની ભાવના વ્યક્ત કરતી આ વાર્તામાં ગાંધીવિચારનો પડઘો પણ સંભળાય છે. વાર્તાનું લંબાણ એક નબળી કડી બની રહે છે. ‘પ્રેમના કૂવામાં’ વાર્તા તેનાં નામ પ્રમાણે પ્રણયસંવેદનને લઈને આવે છે. કુન્દન, શેફાલી અને નીમીના હૃદય-ત્રિકોણમાં ઉદ્ભવતા ભાવ-સંવેગો આ વાર્તાના વિષયને સાદ્યંત વહેતો રાખે છે. કુન્દનની શેફાલી પ્રત્યેની આસક્તિ અને નીમીનો કુન્દન પ્રતિનો અનુરાગ આ વાર્તાના શીર્ષકને સાર્થક કરવામાં નિર્ણાયક બળ બન્યાં છે. આ વાર્તાને પણ પાછળથી સુન્દરમે ‘પ્રેમ કૂપ’ જેવું કાવ્યાત્મક શીર્ષક આપ્યું હતું. સંગ્રહની અંતિમ વાર્તા ‘નાગરિકા’ જાણે કે ‘ખોલકી’ વાર્તાનું પ્રશિષ્ટ ‘વર્ઝન’ હોય તેવું લાગે છે. આ વાર્તા પણ પ્રથમ પુરુષની કથનરીતિએ નાયિકાના મુખેથી કહેવાઈ છે. ‘મેં માન્યું હતું કે પૂરેપૂરા નાગર હશે.’ – એવા વિધાનથી શરૂ થતી આ વાર્તામાં નવવિવાહિતાની પતિપ્રેમ ઝંખના એકદમ નાગરિકી ભાષામાં અને સામાજિક મર્યાદામાં વ્યક્ત થઈ છે. ચાલીસેક માણસોના બહોળા પરિવારમાં શિક્ષિત વિદ્યાપ્રેમી પતિને એકાંતમાં મળવું નાગરિકા માટે તો દુષ્કર છે. વાર્તામાં ‘રઘુવંશ’ અને અન્ય સાહિત્યિક સંદર્ભોનો વિનિયોગ નાગરિકાની હૃદયવ્યથાને ઉપસાવવામાં સંનિધિકરણની ભૂમિકા ભજવે છે. પતિની રસિક મનોહર મૂર્તિની કલ્પના કરતી નાયિકા વાર્તાને અંતે મોડી રાતે નાની નણંદની ‘મીઠી કોમળ હૂંફ’માં ઊંઘી જાય એ દૃશ્ય ઘણું સૂચક બન્યું છે. વાર્તાજન્ય સંવેદન હોવા છતાં વધુ પડતી વર્ણનાત્મકતા આ વાર્તાનો ઘાટ કથળાવે છે.
‘પિયાસી’ (૧૯૪૦) :
સુન્દરમ્નો ત્રીજો વાર્તાસંગ્રહ ‘પિયાસી’ ૧૯૪૦માં પ્રકાશિત થયો હતો. તેમની જાણીતી વાર્તા ‘મીન પિયાસી’ આ સંગ્રહમાં અંતિમ ક્રમમાં પ્રગટ થઈ છે. જેના પરથી સંગ્રહને ‘પિયાસી’ નામ મળ્યું છે. સંગ્રહમાં કુલ મળીને ચૌદ વાર્તાઓ છે. ગ્રામજીવન અને નગરજીવનનું નરવું-વરવું વાસ્તવ સુન્દરમ્ની આ વાર્તાઓમાં ઝીલાયું છે. આ સંગ્રહની વાર્તાઓમાં સુન્દરમ્ રસપ્રદ રીતે ભાવબોધ કરાવે છે. ખાસ કરીને નારીજીવનની વિવિધ ભાવદશાઓ આ વાર્તાઓમાં વસ્તુ બનીને આવી છે. નારી હૃદયના કોમલ ભાવોને અંકિત કરતી ‘આશા’ એક ભાવનારંગી વાર્તા છે. નણંદ-ભાભીના સંબંધની આડશે નારીના ગૃહસ્થી પ્રવેશની ભાવસ્થિતિને વાર્તાકારે રસપ્રદ રીતે વ્યંજિત કરી છે. આશા અને રુક્મિણીના ભાવસંચલનો આ વાર્તાનું આસ્વાદ્ય પરિમાણ છે. ‘જીવનની તરસ’ વાર્તામાં માતૃત્વ અને વાત્સલ્યનો ભાવ રહસ્યમય રીતે ઘૂંટાયો છે. કમળા શેઠાણીના ‘ભૂતિયા’ મકાનમાં બાલમંદિર શરૂ કરવાની વાત અને વાર્તા-નાયક માસ્તરની પત્ની ચંપાનાં મનનું ભૂત અંતે નીકળ્યાની વાત વાર્તાને ઘાટ આપવામાં ઠીક ઠીક સફળ રહી છે. ‘સૌન્દર્ય શું?’માં સ્ત્રીનું શરીર બાળકો પેદા કરવાનું સાધન હોય તેમ વાર્તાકથકના મુખે કાન્તનાં ‘વસંત વિજય’નો સંદર્ભ વણીને વાર્તા રચવાનો પ્રયાસ કર્યો છે પણ એટલો સફળ જણાતો નથી. ‘પની’ ચરિત્રકેન્દ્રી વાર્તા છે. તુલસીદાસની પંક્તિઓનો સંદર્ભ વણી વાર્તાકાર પ્રથમ પુરુષની રચનારીતિમાં પનીના જીવનની કરુણકથા આલેખે છે. શંકાશીલ અને વ્યસની પતિ ઝીણિયાના સંતાપથી જીવ ગુમાવતી સગર્ભા પનીની કરુણગર્ભ કથા શિક્ષિત વાર્તાકથકના મુખે ભાવાત્મક વાણીમાં આલેખી છે. સુન્દરમ્ની વાર્તાકલાના વિશેષો આ વાર્તામાં માણી શકાય તેમ છે. ‘માને ખોળે’ સુન્દરમ્ની સાદ્યંત સબળ અને સફળ ટૂંકી વાર્તા છે. નારીજીવનની કરુણ-વિષમ પરિસ્થિતિને શબૂના ચરિત્ર દ્વારા સુન્દરમ્ ધારદાર રીતે ઉપસાવી શક્યા છે. નમાલા પતિ મેઘા હોણ અને રાક્ષસ જેવા સસરા રૂપા હોણ સંગાથે પિયર છોડી સાસરી જવા નીકળેલી ગર્ભવતી શબૂ મહીસાગર માના ખોળામાં જ સસરા અને પતિના હાથે કરુણ મોત પામે અને શબૂની સાથે તેનું બાળક પણ માને ખોળે અંતિમ શ્વાસ લે તેવી વેધક વ્યંજના વાર્તાને અંતે ઊપસે છે. ‘માને ખોળે’ સુન્દરમ્ની વાર્તાકલાને સિદ્ધ કરતી એક ઉત્તમ વાર્તા છે. સ્ત્રી-પુરુષ સંબંધોની સંકુલતા સુન્દરમ્ની વાર્તાઓનો એક પ્રમુખ વિષય રહ્યો છે. ‘અંબા ભવાની’ વાર્તામાં અંબા અને તેને નદીના પાણીમાંથી ડૂબતી બચાવનાર ‘પાણીના મગર’ તરીકે જાણીતાં અમરોના વિશિષ્ટ સંબંધની વાત વાર્તાકલાનાં ધોરણોને સાચવીને આલેખાઈ છે. લંબાણ આ વાર્તાની એક દેખીતી નબળાઈ છે. એ સિવાય ગ્રામસમાજની સામૂહિક માનસિકતા અને વ્યક્તિગત સંવેદનનું સંઘર્ષમય નિરૂપણ આ વાર્તામાં રસપ્રદ નીવડ્યું છે. ‘મીન પિયાસી’ વાર્તામાં ભજન પરંપરાની સત્ત્વવાણીમાં પિતા-પુત્રના સંબંધની સંઘર્ષમય ભાવસ્થિતિ સંવેદનક્ષમ બની છે. ગામડેમાં નિજાનંદથી ભક્તિભાવે ભજન કરતાં પિતા અને નાની-મોટી બે પુત્રીઓને નગરમાં ભજન ગાઈ ભીખ માંગવાની પ્રવૃત્તિમાં જોડી દેતાં પુત્રના હૃદય પરિવર્તનની કથા આસ્વાદ્ય બની છે. ભજનોની વાણી આ વાર્તાના પોત સાથે બરાબર વણાઈને આવી છે. વાર્તાનું લંબાણ સુન્દરમ્ની રૂઢ શૈલીને કારણે થોડું કઠે તેમ છે પણ વાર્તાનો રસ સાદ્યંત જળવાઈ રહ્યો છે. સામાજિક વાસ્તવ અને વર્ગ વિષમતાનું નર્યું વાસ્તવિક આલેખન પણ તેમની વાર્તાઓની વિષયસામગ્રી બની છે. ‘માજા વેલાનું મૃત્યુ’, ‘બીડીઓ’, ‘લીલી વાડી’, ‘પેકાર્ડનો પ્રવાસ’, ‘જમીનદાર’, ‘મહેરબાનીની રાહે’ અને ‘ખાસડા કટર’ જેવી વાર્તાઓમાં સુન્દરમ્ સામાજિક વિષમતા અને વર્ગભેદની સમસ્યાઓને સમાજવાદી અભિગમથી આલેખે છે. ‘માજા વેલાનું મૃત્યુ’માં પ્રાચીન કાળના કુલપિતા જેવો માજો વેલો વાર્તાને અંતે મૃત્યુ પામવાનો છે એવો સંકેત તો વાર્તાનું શીર્ષક જ સૂચવી જાય છે. પરંતુ તેનાં ગરિમાપૂર્ણ અને સંતોષપ્રદ મૃત્યુ સુધી લઈ જવા માટે વાર્તાકાર સુન્દરમે જે વાર્તારસ વહાવ્યો છે તેમાં વાર્તા અને વાર્તાકારની ખૂબી જણાઈ આવે છે. કથન-વર્ણન અને સંવાદની પ્રયુક્તિથી સવર્જ્ઞ કથનરીતિમાં નિરુપિત આ વાર્તામાં માજા વેલાનું ચરિત્ર ચિરંજીવ બની રહ્યું છે. સુન્દરમ્નું સામાજિક દર્શન અહીં મુખર બન્યાં વિના વાર્તાના કલાત્મક ઘાટમાં આકારિત થયું છે. ‘બીડીઓ’ વાર્તામાં માંગી-ભીખીને બીડીઓ પીતાં અને દારુણ કંગાલિયતમાં જીવન જીવતાં અમલી અને હરિયાના દલિત પરિવારની કથની આલેખાઈ છે તો ‘લીલી વાડી’ વાર્તામાં પણ ભિખારણ રેવલી અને તેનાં પ્રત્યે અનુકંપા ધરાવતાં સુવર્ણકાન્તની કથા નિરુપણ પામી છે. રેવલીના બીમાર બાળક માટે પોતાના બાળકની સારવારમાં વિલંબ થતાં વાર્તાને અંતે પોતાના બાળકનો જીવ ગુમાવતા સુવર્ણકાન્ત ‘તમારી વાડી લીલી રાખે ભગવાન!’ એવા રેવલીના શબ્દો સંભળાય તેમાં ઘેરો કરુણ વ્યંજિત થાય છે. ‘પેકાર્ડનો પ્રવાસ’ વાર્તામાં પેકાર્ડ મોટરની ગતિ સાથે વાર્તાકારે નગરજીવનની બે વિપરીત સ્થિતિઓને, ઉન્નત અને અભાવગ્રસ્ત જનજીવનના વાસ્તવને હળવી શૈલીમાં આલેખ્યું છે. સમાજવાદી વિચારધારાના પ્રતિનિધિ વિપુલનું ચરિત્ર વાર્તાની મુખ્ય સંવેદના સાથે પેકાર્ડની જેમ જ ગૂંથાયું છે. ‘જમીનદાર’ વાર્તામાં લોભ-લાલચને વશ થઈ પોતાની ખેતીની જમીન ગુમાવતાં માનાજી અને તેનાં પરિવારની કથા હૃદયસ્પર્શી બની છે. ધૂમકેતુની ‘ગોવિંદનું ખેતર’ અને રા. વિ. પાઠકની ‘મુકુન્દરાય’ વાર્તાનું સ્મરણ કરાવે તેવી આ વાર્તા છે. ‘મહેરબાનીની રાહે’ વાર્તામાં બેકારીની સમસ્યાથી ઘેરાયેલા શિક્ષિત યુવકની વાત સર્વજ્ઞ કથક રીતિમાં કહેવાઈ છે. જયંત ખત્રીની ‘અમે બુદ્ધિમાનો’ વાર્તા યાદ આવે. પિતા-પુત્રના સંબંધ ઉપરાંત દાક્તરી વ્યવસાયની ધરી સાથે અત્યંત હળવી શૈલીમાં ‘કોમિક વેઈન’માં નિરુપિત ‘ખાસડા કટર’ પણ ધંધા-રોજગાર, આજીવિકાની સમસ્યાને તાકે છે. આમ, ‘પિયાસી’ વિષયવસ્તુ અને અભિવ્યક્તિની દૃષ્ટિએ સુન્દરમ્નો નોંધપાત્ર વાર્તાસંગ્રહ સિદ્ધ થયો છે.
‘ઉન્નયન’ (૧૯૪૫) :
‘ખોલકી અને નાગરિકા’ સંગ્રહની પાંચ વાર્તાઓમાં બીજી પાંચ ઉમેરીને ‘ઉન્નયન’ નામે દસ વાર્તાઓનો સંગ્રહ ૧૯૪૫માં પ્રગટ થયો હતો. આ સંગ્રહના નિવેદનમાં જ સુન્દરમે આ વાતની સ્પષ્ટતા કરી છે. ‘કૂતરાં’, ‘નારસિંહ’ અને ‘પ્રેમના કૂવામાં’ એ ત્રણ વાર્તાઓ આ સંગ્રહમાં અનુક્રમે ‘લાલ મોગરો’, ‘ઊછળતાં છોરુ’ અને ‘પ્રેમ કૂપ’ના નામે પ્રગટ થઈ છે. ‘ઉન્નયન’ સંગ્રહના પૂર્વાર્ધની પાંચ વાર્તાઓની ચર્ચા આગળ ‘ખોલકી અને નાગરિકા’ સંગ્રહ નિમિત્તે કરી છે તેથી અહીં ઉત્તરાર્ધની પાંચ વાર્તાઓનો પરિચય લઈએ. ‘પ્રસાદજીની બેચેની’ સુંદરમ્ની એક નોંધપાત્ર વાર્તા છે. પત્ની, બાળકોને વહાલથી રાખતાં, સામાજિક દૃષ્ટિએ મોભાદાર અને ધાર્મિકવૃત્તિ ધરાવતા શિવપ્રસાદજીની પુરુષગત એક નબળાઈ આ વાર્તામાં તેમની આકસ્મિક બેચેનીનું કારણ બને છે. ધંધાદારી સ્ત્રીઓ પાસે જઈને પોતાની જાતીય વૃત્તિ સંતોષવી પ્રસાદજી માટે સહજ ક્રમ છે અને તેમના પરિવારે પણ આ ક્રમ સ્વીકાર્યો છે છતાં અનુભવી પ્રસાદજીની ઊંઘ આજે વારે વારે ઊડી જવી અને પેલી નવી બાઈના મુખેથી સાંભળેલા શબ્દો ‘યા રહીમ! યા રસૂલ!’ પ્રસાદજીને બેચેન કરી મૂકે છે. વેશ્યાવૃત્તિમાં રત હોવા છતાં ‘રહીમ રસૂલ’ને યાદ કરતી એ સ્ત્રીની આસ્થા જોઈ પોતાની પૂજાની ઓરડીમાં નાહીધોઈ શુદ્ધ થયેલા પ્રસાદજીનું મન પૂજા-અર્ચનામાં ચોંટતું નથી અને વાર્તાને અંતે તેમનો સહજ ઉદ્ગાર ‘દયાલો, ઉસ ઔરત કો આપ સે ક્યા નિસ્બત હૈ?’ એક ઘેરી ચોટ લઈને આવે છે. વાર્તાની શીઘ્ર લક્ષ્યવેધી ગતિ સુન્દરમ્ની વાર્તાકલાનું પ્રમાણ બની રહે છે. પ્રસાદજીની બેચેનીને વાર્તાકારે સંયત શબ્દોમાં પણ ગહન મર્મ સાથે ઉજાગર કરી છે. ‘ભદ્રા’ નાયિકાકેન્દ્રી વાર્તા છે. વાર્તા ચાર ખંડમાં વહેંચાયેલી છે. અનાવશ્યક લંબાણ આ વાર્તાની મર્યાદા બને છે. ગાંધીમાર્ગે આઝાદીની લડતમાં જોડાઈને અઢીએક વર્ષના કારાગાર પછી અમદાવાદમાં આવતા મગનભાઈ પોતાના મિત્ર મોહનના ઘરે જવા નીકળ્યા છે. સાબરમતી જેલથી નીકળીને અમદાવાદની બદલાયેલી તસવીર જોતાં જોતાં જોતાં મિત્રના ઘરે પહોંચે છે. મિત્રને સ્થાને ત્યાં ભદ્રા નામની સ્ત્રી તેમનું સ્વાગત કરે છે અને તેમના રોકાણની વ્યવસ્થા પણ કરે છે. વાર્તામાં મોહન અને ભદ્રાનો ભૂતકાળ અને વર્તમાન બંને સરસ રીતે આલેખાયા છે પણ વાર્તાની સંવેદના સાથે એનો તાલમેલ ઓછો બેસે છે. અનીતિ અને દુરાચારના માર્ગે શ્રીમંત થયેલો મિત્ર અને તેના આ કાર્યમાં અનિચ્છાએ પણ સહયોગી બનેલી ભદ્રાની વાત વાર્તામાં રસાત્મક રીતે ઘૂંટાઈ નથી. મગનભાઈની વિમાસણ અને ચિંતન આ વાર્તાને બોધપ્રધાન બનાવે છે. ‘પાપિણી’ વાર્તામાં નારીહૃદયની ઋજુતાને વાચા મળી છે. મનોહરના પ્રેમમાં પડેલી શાંતા મનોહર પ્રેરી ખાનગી રીતે દેહવ્યાપારની અનૈતિક પ્રવૃત્તિમાં ડૂબેલી છે પણ ગામડેથી બાજુમાં રહેવા આવેલી નાનકડી બાળા ફૂલવંતીને જોઈને શાંતાનું હૃદય જુદા જ ભાવસ્પંદનો અનુભવવા લાગે છે. મનોહરની લોલુપ પુરુષ નજરમાંથી ફૂલવંતીને બચાવવા પેરવીમાં સતત રહેવા લાગે છે. શાંતાને ફૂલવંતી સાથે પૂર્વજન્મનો ઋણાનુબંધ હોય તેવું લાગે છે. વાર્તામાં શાંતા અને મનોહરના પૂર્વ સંબંધની કડી પણ લંબાણથી આવી છે. મનોહર અને તેના પોલીસમિત્રથી ફૂલવંતીને બચાવવા માટે શાંતા વાર્તાને અંતે પોતાના પ્રાણનું પણ બલિદાન આપે છે. વાર્તાને અંતે મરણાસન્ન શાંતા અને ફૂલવંતીની ઉપસ્થિતિમાં મનોહર અને પોલીસ અમલદારનું હૃદયપરિવર્તન પ્રતીતિકર બનતું નથી. ‘પાપિણી’ શીર્ષક એક ઘેરા કરુણ વ્યંગ્યમાં પડઘાતું સંભળાય છે. ‘પુષ્પિતા’ પણ નારીકેન્દ્રી વાર્તા છે. નવદંપતી તરીકે મુંબઈ મહાનગરમાં વસવાટ માટે આવેલા વાર્તાનાયક-કથક હું અને તેની પત્ની લીલાની સાથે પાડોશી યુવતી પુષ્પિતાની આસપાસ વિસ્તરી આ વાર્તા નાયકના મુખે આલેખન પામી છે. ગર્ભશ્રીમંત પરિવાર અને મા વિનાની દીકરી પુષ્પિતાનો પાડોશ વર્તાનાયક અને તેની પત્ની લીલાને અનુકૂળ આવી જાય છે. લીલાની પ્રસૂતિનો પ્રસંગ અને પુષ્પિતાના અન્ય યુવક સાથે પ્રેમલગ્ન થવાની વાત વાર્તામાં રસપ્રદ તાણા વણે છે પરંતુ વાર્તાને અંતે જન્મદિવસે જ પુષ્પિતાનું આત્મહત્યા કરવાનું પગલું રહસ્યમય લાગે છે. પુષ્પિતાનો અંતિમ પત્ર મૃત્યુનું કારણ દર્શાવે છે પણ તે પ્રતીતિકર લાગતું નથી. વાર્તા સંવેદનની પ્રવાહિતાને બદલે વિચારોના વમળોમાં વધુ અટવાઈ છે. વાર્તાનાયક, લીલા અને પુષ્પિતાના પારસ્પરિક સંબંધની કડીઓ બરાબર ખૂલતી ન હોય તેવું લાગે છે. બિનજરૂરી લંબાણ આ વાર્તાની પણ મર્યાદા બન્યું છે. અંતિમ વાર્તા ‘ઉલ્કા’ સામાન્ય છે. નારીકેન્દ્રી આ વાર્તામાં પણ સ્ત્રીના ભાવવિશ્વને આકાર આપવાનો પુરુષાર્થ વાર્તાકારે કર્યો છે. પોતાના સૌન્દર્યથી ગર્વ અનુભવતી યૌવના ઉલકાની મનોવ્યથા આ વાર્તાનો વિષય બને છે. ગાડીમાં બેઠેલા અજાણ્યા યુવકની દૃષ્ટિનો તિરસ્કાર અનુભવતી ઉલ્કા કવિમિત્ર લાલનના હૃદયભાવને સમજી શકતી નથી. ગિરિનગરની હૉસ્પિટલમાં પથારીમાં માંદગીભરી સ્થિતિમાં કવિ લાલનના મૃત્યુના સમાચાર ઉલ્કાને વધુ અકળાવે છે. વળી વાર્તામાં ચિત્રકાર કમલનયન સાથે ઉલ્કાનો હૃદયતંતુ જોડાય છે પણ વાર્તાકાર છેક અંત સુધી આ સંબંધનું નામ નથી પાડતા. પ્રસ્તાર આ વાર્તાની મર્યાદા છે. સુન્દરમ્ સ્નેહની કોઈ વિભાવના સાર્થક કરવા વાર્તા રચાતા હોય તેવું અહીં લાગે છે. ‘ઉલ્કા’ વાર્તા ઓછી ને ચિંતનાત્મક નિબંધ વધુ લાગે છે.
‘તારિણી’ (૧૯૭૭) :
સુન્દરમ્નો અંતિમ વાર્તાસંગ્રહ ‘તારિણી’ (૧૯૭૭) છે. આ સંગ્રહમાં કુલ મળીને ત્રીસ વાર્તાઓ છે. ઈ. સ. ૧૯૪૫માં તેમણે પોંડીચેરી નિવાસ સ્વીકાર્યા પછી વાર્તા લખવાની પરિસ્થિતિ બદલાઈ અને કોઈ ને કોઈ નિમંત્રણથી જ વાર્તાઓ લખાતી હોવાને કારણે વર્ષમાં સરેરાશ એક વાર્તા માંડ તેઓ લખી શક્યા હોય તેવા સંજોગોમાં ૨૧ વર્ષમાં ૨૧ વાર્તાઓ અને તે પૂર્વે લખાયેલી ૯ જેટલી વાર્તાઓ મળીને આ સંગ્રહમાં ૩૦ વાર્તાઓ સંગ્રહિત થઈ છે. આમાંની કેટલીક અધૂરી હોવાનું પણ સુન્દરમે ‘આ વાર્તાઓ’ નામે પ્રસ્તાવનામાં સ્વીકાર્યું છે. અહીં ૧૯૩૩થી માંડીને ૧૯૭૬ સુધીના સમયખંડની વાર્તાઓ સમાવેશ પામી છે. સુન્દરમ્ની વાર્તાકલાનાં વિશેષો દર્શાવી આપતી ‘ગોદડીની ઊંઘ’, ‘આશા’ (ઠંડું જીવન), ‘ઇવનિંગ ઈન પેરિસ’, ‘કસુમ્બી સાડી’, ‘એઈ દિકે’ અને ‘તારિણી’ જેવી વાર્તાઓ આ સંગ્રહમાં ધ્યાન ખેંચે છે. કાર્લમાર્ક્સ અને સિગ્મંડ ફ્રોઇડની વિચારધારાને ઝીલતી ‘ગોદડીની ઊંઘ’ એક સશક્ત વાર્તા છે. નબાપી છોકરી ગોદાવરીનાં મનોસંચલનો અને શેઠની સામાજિક નિસબત આ વાર્તાનો વિષય બનીને પ્રભાવક નિરુપણ પામ્યાં છે. પોતાની જ વાર્તા ‘આશા’નો બીજો છેડો ‘ઠંડું જીવન’ વાર્તામાં ખૂલ્યો છે. આશાનું પન્નાલાલ સાથેનું લગ્ન અને પ્રથમ રાત્રિનું વર્ણનમાં રહેલી ઉષ્માહીન સંબંધની વિરૂપતા સુન્દરમ માર્મિક રીતે અંતે ઉપસાવી આપે છે. સંવેદન, સુગંધ અને સંગીતના સથવારે મકરંદ અને અંજનાના પ્રણયની કથા ‘ઇવનિંગ ઈન પેરિસ’ વાર્તામાં વ્યંજનાગર્ભ વાણીમાં નિરુપિત થઈ છે. ગુલાબદાસ બ્રોકરની ‘લતા શું બોલે?’ના અનુસંધાનમાં સુન્દરમ્ ‘સુરેશ બોલ્યો’ વાર્તા રચે છે. પૂર્વ કથાને નવા અભિગમ અને સંવેદનથી આલેખવાનો પ્રયાસ થયો છે પણ તેમાં વાર્તાકાર સફળ થઈ શક્યા નથી તેવું લાગે છે. ‘નયન ઉદાસ’ વાર્તા અભિવ્યક્તિ રીતિને કારણે રસપ્રદ બની છે. શ્રી અરવિંદના જીવનદર્શનનો પ્રભાવ સ્વીકારીને લખાયેલી વાર્તાઓ ‘એઈ દિકે’, ‘કસુમ્બી સાડી’, ‘તારક-હારિણી’ અને ‘તારિણી’ અધ્યાત્મને વિષય બનાવીને રચાયેલી વાર્તાઓ છે. અપૂર્ણતાથી પૂર્ણતા તરફની જીવાન્નની ગતિનો સંકેત આ વાર્તાઓમાં બોધક બન્યો છે. ‘દુનિયાનું મોં’, ‘પંડ્યાનું પુનર્લગ્ન’, ‘હલાવીને પીવી’ વાર્તાઓમાં વાસ્તવદર્શી વલણ નોંધપાત્ર છે. વાર્તાકાર સામાજિક વાસ્તવને કેન્દ્રમાં રાખીને માનવસંબંધો અને દુનિયાદારીનાં સત્યો ઉજાગર કરવા આ વાર્તાઓમાં ઠીક ઠીક સફળ રહ્યાં છે. ‘ચિરંજીવિની’, ‘મુરારિ’, ‘નરભેરામ’, ‘સાંજ-સવાર’, ‘ઠપકાની દરખાસ્ત’, ‘પૂજાના વાળ’, ‘બે માનો દીકરો’, ‘સાથીઓ’ અને ‘પુલકેશ’ જેવી વાર્તાઓ આ સંગ્રહની સંખ્યામાં વધારો કરે છે. પણ અપવાદ બાદ કરતાં તેમાં વાર્તાકલાનાં તત્ત્વો પ્રમાણમાં ઓછાં જોવા મળે છે. અધૂરી વાર્તાઓના ખંડો પણ નિષ્પ્રાણ લાગે છે. આ વાર્તાઓમાં આમ જોઈએ તો સુન્દરમ્ પોતાની પૂર્વ પરિચિત લાક્ષણિકતાઓ સાથે જ ઉપસ્થિત થયા છે.
સુન્દરમ્ની વાર્તાકલા :
સુન્દરમ્ ગાંધીયુગના એક સમર્થ વાર્તાકાર સિદ્ધ થયા છે. ધૂમકેતુ અને રા. વિ. પાઠકના અનુગામી વાર્તાકાર તરીકે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનાર સુન્દરમ્, પન્નાલાલ-પેટલીકર, જયંત ખત્રી અને સુરેશ જોષી જેવા સશક્ત વાર્તાકારોના પ્રભાવશાળી પુરોગામી પણ ગણાયા છે. સમાજવાદી વિચારધારાનું સીધું પ્રતિબિંબ સુન્દરમ્ની વાર્તાકલાનો એક વિશેષ બન્યો છે. દીનજન વાત્સલ્ય અને સામાજિક સમરસતાની ગાંધીવિચારની હિમાયત સુંદરમ્ની ઘણી વાર્તાઓમાં વિષય બનીને પડઘાઈ છે. વર્ગવિષમતાનું વાસ્તવ તેઓની વાર્તામાં માર્મિક વાણીમાં નિરુપિત થયું છે. ધૂમકેતુના ભાવનારંગી ગ્રામજીવનની તુલનાને સુંદરમ્ની વાર્તાઓનો વાસ્તવદર્શી ગ્રામસમાજ વધુ પ્રતીતિજનક લાગે છે. ગ્રામીણ સમાજના દરિદ્રો અને ઉપેક્ષિતોની વેદનાને સુન્દરમે આ વાર્તાઓમાં સ્થાન આપ્યું છે. ફ્રોઇડના માનસશાસ્ત્રીય સિદ્ધાંતોને સુન્દરમે ઘણી વાર્તાઓમાં કલાત્મક રીતે વણી લીધાં છે. ચરિત્રોનાં મનોસંચલનોમાં વહેતી વાર્તાઓ સુંદરમ્ની એક મહત્ત્વની લાક્ષણિકતા બની છે. સ્ત્રી-પુરુષ સંબંધોના જાતીય આવેગજન્ય વિષયવસ્તુઓનું કલાસંયમ સાથે નિરુપણ કરતી વાર્તાઓ સુન્દરમ્ની વધુ એક સિદ્ધિ છે. આગવી વિશિષ્ટ ઓળખ સ્થાપિત કરનારાં ચરિત્રો સુંદરમ્ની વાર્તાકળાનો મહત્ત્વનો હિસ્સો છે. જુદાં જુદાં વર્ગ, વય અને સ્વભાવનાં ચરિત્રો સાથે વાર્તાનું કાઠું ઘડવાનું સુન્દરમ્ને સારું ફાવ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ અને કારુણ્યની મૂર્તિ સમા નારીચરિત્રો સુન્દરમ્ની વાર્તાઓનું આકર્ષક અંગ રહ્યાં છે. તેમની વાર્તાઓના કેટલાંક ચરિત્રો ગુજરાતી ટૂંકી વાર્તા સાહિત્યમાં ચિરંજીવ બની રહ્યાં છે. કથનરીતિની એકાગ્ર અસર ઉપસાવવામાં સુન્દરમ્ મોટેભાગે સફળ રહ્યા છે. પ્રથમ પુરુષની કે સર્વજ્ઞ કથનની રીતિમાં વાર્તા કહેવાની તક સુન્દરમે આબાદ ઝડપી છે. સુંદરમ્ની વાર્તાઓનું ભાષાપોત હંમેશાં સીધું સાદું અને લક્ષ્યગામી રહ્યું છે. અલબત્ત, વિગતપ્રચુર વર્ણનો કરવાની ટેવને કારણે ઘણી વાર્તાઓ સંરચનાની દૃષ્ટિએ શિથિલ જણાય છે. વાર્તાનો તંગ દોર બહુ ઓછી વાર્તાઓમાં સિદ્ધ થયો છે. સુંદરમ્ની ઘણી વાર્તાઓમાં ઘટનાનું તત્ત્વ અતિ અલ્પ રહ્યું છે. પ્રતીકાત્મકતા એ સુંદરમ્ની વાર્તાઓનો એક નોંધપાત્ર ગુણધર્મ છે. વિષમ પરિસ્થિતિઓને બાજુ બાજુમાં મૂકીને સુન્દરમ્ પોતાની વાર્તાઓમાં વિશિષ્ટ અર્થો નિપજાવવાની શક્યતાઓ રચે છે. તેમની ઘણી વાર્તાઓમાં કવિ સુન્દરમ્ની સંવેદનશીલ મુદ્રા પણ અંકિત થતી જોઈ શકાય છે. સાહિત્યિક સંદર્ભોથી વણાતી વાર્તાઓ પણ ધ્યાન ખેંચે છે. સુન્દરમ્ની વાર્તાઓમાં જીવનનાં વાસ્તવમૂલક વિરૂપ ચિત્રો છે તો ભાવનામૂલક મંગલ ચિત્રો પણ છે. આધ્યાત્મિક ઉત્ક્રાંતિ સાથે જીવનનું વિશિષ્ટ દર્શન કરાવતાં વિસ્મયકારક ચિત્રો પણ આ વાર્તાઓમાં રસપ્રદ છે. પ્રસ્તાર એ સુન્દરમ્ની વાર્તાઓની મોટી મર્યાદા છે. જરૂરી ન હોય એવી વિગતોનું નિરુપણ સુન્દરમ્ની ઘણી વાર્તાઓનું આકારશિલ્પ કથળાવે છે. જે બિન્દુથી વાર્તા શરૂ થઈ હોય ત્યાંથી અંત સુધીની શરગતિ સાધવાને બદલે ઘણી વાર્તાઓમાં સુન્દરમ્ ભટકી જઈને વાર્તાની સબળ ચોટ ઉપસાવવામાં નિષ્ફળ રહ્યા છે. સુન્દરમ્ની વાર્તાઓની વિશેષતાઓની સમાન્તરે મર્યાદાઓ પણ ઊડીને આંખે વળગે એવી હોવા છતાં ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં એક ઊજળું પ્રકરણ બનીને સુન્દરમ્ની વાર્તાઓ સ્થાન પામી છે. ધૂમકેતુનો ‘ભાવનાલોક’ અને રા. વિ. પાઠકનો ‘બુદ્ધિલોક’ સુન્દરમ્ની વાર્તામાં તળ ભૂમિનો વાસ્તવલોક બનીને અસરકારક રીતે જીવનનાં સૌંદર્ય અને કદર્યને વાર્તાકળાના નિયમોને આધીન રહીને આલેખવાનો પ્રયત્ન કરે છે. વર્ગવાસ્તવની પીઠિકાએ આ વાર્તાઓમાં જીવનનું માંગલ્ય અને સૌંદર્ય નિરુપિત કરવાનો સુન્દરમ્નો ઉદ્દેશ થોડી પણ સબળ વાર્તાઓમાં સિદ્ધ થયો છે તે ગુજરાતી વાર્તાજગતનું એક મૂલ્યવાન સંભારણું છે.
સુન્દરમ્ની વાર્તાઓ વિશે વિવેચકો :
– ‘આમ સુન્દરમ્ની વાર્તાઓ ચિત્ત પર શી અસર મૂકી જાય છે એ વાત વિશે વિચારતાં બે વાત આપણે સ્પષ્ટ રીતે જોઈ શક્યા : એક તો એ કે એમના યુગનો ભાવબોધ એ ઝીલે છે અને બીજી એ કે એ ભાવબોધ ઝીલતાં છતાંયે કલાકૃતિ પાસે રહેલી સહજ અપેક્ષા આ કે તે ભાવનાવાદ કે વિચારનો એ પ્રચારકુંડ ન બની રહે, પણ માનવહૃદય અને માનવજીવન સાથે સીધો સંવાદ સાધનાર કલાકૃતિ જ બની રહે એ અપેક્ષા સંતોષવાનો એનો હંમેશાં પ્રયત્ન રહેતો હોય છે.’ – ગુલાબદાસ બ્રોકર, (‘સુન્દરમ્ની વાર્તાકલા’ લેખ પૃ. ૨૧૦, ‘શબ્દયોગ’માંથી) – ‘આ બધી વાર્તાઓ જોતાં ગુજરાતી વાર્તાસાહિત્યના કોઈ પણ અભ્યાસીને એટલું તો અવશ્ય લાગશે કે સુન્દરમ્ની વાર્તાઓનો કંઈક સંબંધ આલેખનની સકળતા અને સ્વસ્થતા પૂરતો આગલી પેઢીમાં રામનારાયણ પાઠકની – ‘દ્વિરેફ’ની વાર્તાસૃષ્ટિ સાથે અને મનોજગતની અકળતા તથા એની તાજગીભરી અભિવ્યક્તિ પૂરતો જયંત ખત્રી અને સુરેશ જોષી સાથે છે.’ – સુરેશ દલાલ (‘વાર્તાયન-૪ : સુન્દરમ્-જયંત ખત્રી’, ‘થોડાં નિરીક્ષણો’માંથી) – ‘ત્રીસ-ચાલીસના ગાળાની આ વાર્તાઓ તે જમાનાના પ્રશ્નોને ચોક્કસ રૂપ આપતી હોવા છતાં સુન્દરમ્ને મનુષ્ય-સ્વભાવમાં પડેલી ચિરસ્થાયી બાબતોમાં જ વિશેષ રસ છે, અને એનું એક કલાકારની હેસિયતથી આલેખન કરવાની ફાવટ છે તેથી આ વાર્તાઓ આ કે તે વિચારધારાની વાહક બનવામાંથી ઊગરી ગઈ છે.’ – રમણલાલ જોશી (‘સુન્દરમ્ની પ્રતિનિધિ વાર્તાઓ’ની પ્રસ્તાવના ‘ગુજરાતી ટૂંકી વાર્તાનું કર્ણફૂલ’માંથી.)
સંદર્ભગ્રંથ :
૧. ‘સુન્દરમ્’, લે. જોશી, રમણલાલ, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રન્થ ૫, પૃ. ૧૭-૪૦, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. વર્ષ ૨૦૦૫
૨. ‘શબ્દયોગ’ સં. ઓઝા મફત, પંડ્યા સુધા, પ્રકા. મહેન્દ્રસિંહ ચૌહાણ, વર્ષ ૧૯૮૪
૩. ‘સુન્દરમ્ : સર્જકપ્રતિભા’ સં. ઓઝા મફત, પ્રકા. સવિતા ઓઝા, અમદાવાદ, ૧૯૯૧
૪ ‘સુન્દરમ્ : એક અધ્યયન’, ડૉ. પંડ્યા શિવાંગી અને ડૉ. પંડ્યા દીપક, પ્રકા. ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ ૨૦૧૮
પ્રો. ડૉ. વિપુલ પુરોહિત
પ્રોફેસર
ગુજરાતી ભાષા-સાહિત્યભવન,
ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
સંશોધક, વિવેચક
મો. ૯૧૦૬૫ ૦૬૦૯૪