દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/ભગવાનની ટેવ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
 
(No difference)

Latest revision as of 02:26, 7 May 2025


ભગવાનની ટેવ

ભગવાનને ઘણી બધી નાંખી દીધાની ટેવ.
જાત જાતની વહીઓમાં ઝીણા ઝીણા અક્ષરે બારીકમાં બારીક ચીજના
હિસાબ લખી રાખે.

એક ચોપડીમાં બધા ય તારાનાં નામ.

ક્યારે બનાવ્યા? શેમાંથી બનાવ્યા? વજન કદ ટાઢા ગરમ ચળકાટ કાટ કેટલાં ચકરડાં ફરે કેટલું કીધા બાર્યું કરે ક્યારે મરવાના મરીને ભંગાર થઈ ક્યાં ખડકાવાના? આ બધું ય કોઈના કામનું નહીં તે મફતિયું ભેગું કરી રાત રાત ચશ્માં ચડાવી ટાંકે ને નિશાની કરી રાખેલા ખૂંટે આકાશમાં ટાંગે.

એવું જ બીજી ડાયરીમાં આ બારીની પાળે સાંકળીને બાંધેલા કૂંડાના મોટાં પાનવાળા છોડ માટે. કેટલાં પાંદડાં? કેટલા રંગનાં? કેટલી નસોનાં જાળાં? કેટલું ક્લોરોફિલ? કઈ તારીખે રંગ ઓસરવાના? કેટલું સુકાવાનાં? ક્યારે કરમાવાનાં? રોજ પાણી હું રેડું પણ પાનાં પ્રભુની પોથીનાં પલળે.

એક રજિસ્ટરમાં પાડાની ખાલના બાલની ગણતરી. જંગલીથી માંડી ખેતરમાં હળ ખેંચતા કે ભિસ્તીની પખાલ ઊંચકી જતા કે કૂવાનો કોસ તાણતા કે નદીના કાદવમાં લંબાવી ચકલાં તેડાવી થોડી થોડી વારે મોટેથી ભાંભરી પૂંછડો ઉછાળતા એવા બધી નસલના પાડા. જંગલી હોય તો કયા પ્રાંતના, કયા દેશના, કયા ખંડના, શું ચાવતા, કેટલા પોદળા મેલતા, કેટલું દોડતા, કયા અક્ષાંશ-રેખાંશથી કેટલું આઘે જતા કે પાછા ફરતા- આવી બધી વિગતો હેઠે લીટી દોરી, રંગ રંગની શાહીથી છૂટી પાડી, ટીપકી-ચોકડીઓ-ચકરડાં-કૌંસ-ક્રોસ એવી એવી નિશાનીથી સરવાળા-બાદબાકી સહિત વાળની વાત લખી બે હજાર વરસથી ય ઝાઝી ઉંમરનાં ઝાડના કબજામાં વેરાન નદીના કિનારે પડતા એના પડછાયાના ભરોસે ભરાવી રાખતા.

એટલે આ ભગવાનની નવાઈ તો લાગે પણ પૂછવાની હિંમત નહીં. જાણ નહીં કે જવાબ દેશે કે નહીં. એટલે શું પૂછવું એ ય સાંભરે નહીં.

ભગવાનનું તો ભાઈ ભલું પૂછવું. જો તમારી અને મારી ફાઈલ બાંધી રાખી હોય તો ભારે પડશે એ તો નક્કી. આપણને ખબર નથી કે શું કામ જન્મ્યા. ભીતરથી પાટુ મારીને માને કેટલી કકળાવી અને બહાર પડ્યા ત્યારે રાતોરાત બરાડા તાણી કેટલી અકળાવી? ધણીને વળગીને રોવા જાય કે પંપાળાવા જાય ત્યારે કેવી ચીસાચીસ કરી? માંડ માંડ કોક દી આઝાદી દીધી તો આ ભાઈ કે બહેન જન્મ્યાં. એમને ય ખબર નથી કે શું કામ જન્મ્યાં. આવડી મોટી દુનિયામાં કયો ભડવીર જડશે જે ચોટીને હાથમાં ઝાલી સત્યવચન કહી શકશે કે શું કામ જનમ લીધો? આમ આપણી જેવાં બચાડાં કાંઈ પણ મતલબ વિનાનાં એ ય વિગતેવિગત ચડેલાં ચોપડે ભગવાનના. કરોડો, અબજો, પરાર્ધ. પરાર્ધ એટલે તો ભગવાનનો અડધો પલકારો. અડધું ઊંઘે. અડધું જાગે. ને જાગીને વળી હિસાબ જોવે. આવા ભગવાનની પાસેથી આ બધી મહેનતનો કંઈ સળ મળે એવી કોઈ આશા ખરી?

પણ ક્યારેક તો, આમ તો નિયમિત સમય પ્રમાણે, આ દસ્તાવેજ ખાનામાં લાઈબ્રેરીમાં આગ તો લાગતી હશેને! બધું જ બળીને રાખ થઈ જાય એવી. છતાં કોઈ કહે છે, માનવું કે ન માનવું, જેટલા ચોપડા એટલા ભગવાન છે ને દરેક ભગવાનની પાસે આમ ગણી ન ગણાય એવી લાઇબ્રેરીઓ છે અને એ લાઈબ્રેરીઓમાં બધા ભગવાનોનાં છોકરાં વાંચવા ભણવા જાય છે અને મોટા થઈને ભગવાન બની પોતપોતાની મનગમતી લાઈબેરીઓ બાંધ્યે જાય છે.

શયતાન, વયો જા મારી પછવાડે ને મેલ પલીતો પડતો.