અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યજ્ઞેશ દવે/માચુ પિચુનાં ખંડેરોમાં: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માચુ પિચુનાં ખંડેરોમાં|યજ્ઞેશ દવે}} <poem> એ ગહન ગંભીર ઉપત્યક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 111: | Line 111: | ||
નોંધ : માચુ પિચુ – દક્ષિણ અમેિરકાના પેરૂ દેશમાં આવેલ ઇન્કા સંસ્કૃતિનું મહત્ત્વનું પ્રાચીન સ્થળ. | નોંધ : માચુ પિચુ – દક્ષિણ અમેિરકાના પેરૂ દેશમાં આવેલ ઇન્કા સંસ્કૃતિનું મહત્ત્વનું પ્રાચીન સ્થળ. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =મધર ઈવ — આદિ માતા | |||
|next =મોતીસરીનું આ વન | |||
}} |
Latest revision as of 12:21, 28 October 2021
યજ્ઞેશ દવે
એ ગહન ગંભીર ઉપત્યકાઓમાં
જ્યાં વાદળો સરકે છે પાછલા પ્રહરના સ્વપ્નની જેમ,
જ્યાં એ વાદળોની ધૂસર જવનિકા પાછળ
પૂરો થયો છે એક કરુણ ખેલ
ઉપર ઓગણપચાસ મરુતો
જ્યાં ઝાંય ઝાંય કરતા ફૂંકાય છે ઝંઝાના વેગથી
ને
જ્યાં નીચે કશુંક રહ્યું છે
સ્થિર, નિષ્કંપ.
કેડીઓ ને રસ્તાઓ
જ્યાં ઝરણાં બનીને દોડતાં ખોવાઈ જાય છે
ઘનપલ્લવ વનરાજીતી ગંભીર છાતીમાં
જ્યાં ઉર્વર ઉદ્ભિજ સૃષ્ટિ હળવા હળવા હાથથી
રૂઝવે છે ઘવાયેલા પથ્થરોના ઘાવ.
જ્યાં મૃત્યુ કોઈ એકાકી ધનિક પ્રૌઢાની જેમ
રહ્યું છે તેનો અસબાબ સાચવતું
એ માચુ પિચુનાં ખંડેરોમાં આમ કોણ બેઠું છે
પોતાના જ બે હાથ વચ્ચે માથું ટેકવી
આટલું બધું એકાકી?
કોનો પડછાયો ભળી જાય છે
હરતી ફરતી ભૂતાવળોની સાથે?
કોણ ચડે છે ને ઊતરે છે આ સોપાનશ્રેણીઓ પર?
અલપઝલપ આંખો દેખાડી કોણ છુપાઈ જાય છે
આ શિલાઓ પાછળ?
કોણ આ કર્મમૂળ સુધી ઝૂકીને
આછા નિઃશ્વાસ સાથે કહી જાય છે કશુંક
સાવ જનાન્તિક?
ક્યાં ગયા એ શ્રમિકોની સુડોળ કાયા પર ચળકતા સૂર્યો?
ક્યાં ગઈ એ રક્તવર્ણી ચળકતી પીઠો?
એ બલિષ્ઠ સ્નાયુઓની સુરેખ ચાપો?
એ કુંતલકેશરાજિમાં ભૂલી પડેલી બે સફેદ કોડી જેવી આંખો?
ધરબાયેલા કંકાલો
ધૂળ ખંખેરી ઊભા થયા ભૂમિમાંથી.
ચાંદની રાતે
નરકંકાલો સાથે નારીકંકાલોની ક્રીડા
અફળાતા અસ્થિઓના બોદા અવાજો, ભયાવહ ચિત્કારો
એક જડબાના પોલાણમાં ફસડાઈ પડેલી બીજા જડબાની ડાબલી.
ક્યાં ગયાં એ કામુક સ્તનો?
એક સ્તનની પરિક્રમા કરતાં કરતાં જ
થાકીને સૂઈ ગયેલી આંગળીઓ
અગ્નિના બાણ જેવા હોઠો
જંઘાના મૂળમાં બાઝેલાં પ્રસ્વેદનાં મોતીઓ,
સુવર્ણનાં કંકણથીય ઉજ્જ્વળ એ કમનીય હાથ,
કાનની બુટમાં રતાશ બની ફરકી ગયેલો એ કંપ.
નરમ માંસની ઉષ્ણ ઘ્રાણ,
એકમેકની કામનાએ વણેલું એ નગ્નતાનું વસ્ત્ર
એક અસ્થિના પોલાણમાંથી
હૂહૂકાર કરી વિસ્તરતું જાય છે કશુંક
જ્યાં મરે છે બધું જ આ પૃથ્વી પરનું
જ્યાં કોટાનકોટિ નિહારિકાઓ,
લક્ષલક્ષ નક્ષત્રો, તારાઓ મરે છે કોઈ જ અવાજ વગર.
જ્યાં મરે છે કાળ ધીમે ધીમે
કોહવાતાં જતાં પાંદડાંની જેમ.
ઇન્કાના પથ્થરજડ્યા સર્પિલ રસ્તાઓ પરથી પડછાયો સંકોરી
કોઈ ઊતરી ગયું છે હળવે પગલે
એન્ડીઝની પેલી તરફ
પાસિફિકની પેલે પાર.
એક સમયે પૃથ્વીના હૂંફાળા ગર્ભાશય સમા આ ટીટીકાકા
સરોવરમાં
કારખાનાનાં ઓકેલાં પાણીથી
ટૂંપાઈ ગયો છે નીલ માછલીનો નરમ ગર્ભ.
પૂર્ણિમાની રાત્રે જળમાં રમવા ઊતરી આવેલ
આખા આકાશને વેતરતી ચાલે છે
સહેલાણી લૉન્ચોની ભખભખતી ચીસ.
કોઈ કાળે પૃથ્વીની નાભિસમ કુઝકો નગરીમાં
ઇન્ડિયનોની રક્તિમ નાભિ નીચે ધીમે ધીમે
ભળતું જાય છે રાખોડી લોહી.
શસ્ય ક્ષેત્રોનાં ધનધાન્યમાં
હવે નથી રહ્યો કોઈ દેવોનો કે રાજાનોય ભાગ
બધો ભાગ —
બધો ભાગ હવે મરણના મુખમાં.
સોનેરી કણસલાંઓની, ભરી ભરી ઊંબીઓની
પવન સાથે કાલીઘેલી વાતો હવે ભૂમિમાં.
સમર્થ નૃપતિઓય ચાલ્યા ગયા છે.
પૃથ્વીની હૂંફાળી શય્યા સેવવા.
ને,
એક જ લાકડીએ હાંકી કઢાયેલ દેવો છે
સાવ નિર્વાસિત — ચૂપ.
મધ્યાહ્નના નિશ્ચેષ્ટ પ્રહરમાં
નૃતનગર પર સૂર્ય પ્રજ્વળે છે
પ્રખર ક્રૂર બાજની જેમ
એક સાદ પાડું ને
હજાર હજાર પડઘાઓ ગબડી પડે ખીણમાં.
લથડતા સમયને જ્યાં પસાર થતાં
પરસેવો વળે છે એ ખંડેરોમાંથી એક ટૂરિસ્ટ
દોડી જાય છે સડસડાટ
બધે મીંઢા મૌનનું મરણવર્તી સામ્રાજ્ય.
કાળ જેવું વિકરાશ સ્વરૂપ છે
તે સમય તો
પડ્યો રહ્યો છે શ્લથ, અલસ, નિદ્રાવશ
બે પથ્થરો વચ્ચે પડી રહેલી ગરોળીની મીંચાયેલી આંખમાં.
રઝળતી ખોપરીઓના પાત્રમાં દારૂ પીને છાકટા થાય છે સ્પેનયાર્ડો.
સો સો મણ સોનાના ભાર નીચે દબાય છે પેરું.
છેલ્લો ઇન્કા બેસી પડે સૂર્યનો અસ્ત જોઈને.
કોણ જાણે ક્યાંથી
આ અળવીતરો પવન આવીને પાનું ફેરવી જાય છે
ને
એન્ડીઝનાં તુષારમંડિત શિખરો પરથી
સાંજના વિલાતા જતા પ્રકાશમાં
ફરી ફરીને પાછો ફરું છું
મારી જ તૂટેલી ખુરશીના ખોળામાં
સાંજ ઢળી ચૂકી છે
ઝાંખા પ્રકાશમાં રેખા ચિત્ર જેવી
લીમડાની ચમરી હળવા પવનમાં જરાક કંપે છે
સાંધ્ય આકાશમાં આર્દ્રાનો ગુલાબી તારો
મારાં આંસુમાં ચળકે છે.
નોંધ : માચુ પિચુ – દક્ષિણ અમેિરકાના પેરૂ દેશમાં આવેલ ઇન્કા સંસ્કૃતિનું મહત્ત્વનું પ્રાચીન સ્થળ.