દરિયાપારથી/એકલક્શી પ્રયાણ-પિપાસા: Difference between revisions
(+૧) |
m (Meghdhanu moved page દરિયાપારથી.../એકલક્શી પ્રયાણ-પિપાસા to દરિયાપારથી/એકલક્શી પ્રયાણ-પિપાસા without leaving a redirect: removing ... as per advice) |
(No difference)
| |
Latest revision as of 01:56, 15 May 2026
માર્ગ-પરાયણ મુસાફરો કરતાં ઘર છોડીને નહીં નીકળી શકનારાંની સંખ્યા અનેકગણી વધારે હોવાની. પ્રવાસ-પ્રેમીઓને ગાંડાં ગણનારાં, અજાણી જગ્યાઓનું એવું તે શું આકર્ષણ હશે? એવા પ્રશ્ન કરનારાં હંમેશાં વધારે જ હોવાનાં. પણ કારણ સમજાવવાં કે જવાબ આપવા સહેલા નથી હોતાં, તે દરેક એકલક્શી પ્રયાણરત મુસાફર જાણે છે. એક એવું અનિયંત્રણીય સંવેદન હોય છે જે કુતૂહલ અને ઉત્સુકતાના સ્તરેથી શરૂ થઈને, અદમ્ય આવેગ અને હિંમતનું ભાન કરાવીને મુસાફરને વૈશ્વિક અહોભાવ તથા આત્મ-આવિષ્કારના અનુભવ સુધી પહોંચાડી શકે છે. જે અપરિચહિત છે તે આવા મુસાફરોને ભયજનક નથી લાગતું, બલ્કે એને સમજવા, જાણવા, એનાથી પરિચહિત થવા પ્રેરે છે. કશુંક સુંદર, કશુંક નવીન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે મનમાં એક પ્રકારના લયનો આરંભ થઈ જાય છે, અને પછી મન એ સંવેદનને ફરી ફરી અનુભવવા ઇચ્છતું રહે છે. આ પ્રકારના જે મુસાફરો હોય છે તે, ખરેખર, સર્વ-સામાન્ય ઢાંચાથી જુદા નિપજ્યા હોય છે. પેલા વળાંક પછી શું હશે, તે જાણવા એ તલસતા હોય છે. પૃથ્વી પરના વિભિન્ન પ્રદેશો અને પરિવેશ અંગે પૃચ્છા તથા નિરીક્શણ કરી કરીને એ બધા જાણે સમાજને, જીવનને, પોતાની જાતને ઓળખવા મથતા હોય છે. અંતે એમને બે જાતનાં ફળની પ્રાપ્તિ થતી જોઈ શકાય છે. એક તો, નવીન થકી, તેમજ શારીરિક કઠિનાઈ ભોગવવાને કારણે વિશિષ્ટ રોમાંચ તેમજ આરોગ્યનો અનુભવ થાય છે. બીજું, કશાની શોધ થઈ હોય, ને કશું સિદ્ધ કર્યું હોય તેવા સ્પંદનને કારણે વિચાર, સંવેદન ને વર્તનનું એકીકરણ થાય છે; અને જાણે શારીરિક, માનસિક તેમજ આત્મિક સ્વસ્થતાની વચ્ચે સમતુલન સંધાય છે. ફક્ત સમય બચાવવા માટે નહીં, પણ કશો ઊંડો અર્થ પામવાના ઉદ્દેશથી મુસાફરી કરનારાં વિશ્વને વિસ્તાર તથા પૂર્ણતાની દૃષ્ટિથી જોવા પ્રયત્ન કર્યા કરતાં હોય છે. આદર્શથી સભર આવા મુસાફરો આજે હશે તે કરતાં વર્ષો પહેલાં કદાચ વધારે હતા. એ જમાનામાં કે જ્યારે મશીનો (ફોન, ફૅક્સ, ટૅલૅક્સ વગેરે) નહોતાં, ને યાંત્રિક વાહનો (ટ્રેન, મોટર, વિમાન) નહોતાં – અરે, કદાચ ચોક્કસ માર્ગ પણ નહોતા – ત્યારે જે નીકળી પડ્યા હતા તે જ ખરા વિરલા હતા. જ્યારે બાજુના ગામ સુધી જવું પણ એક સાહસ જેવું હતું ત્યારે અતિદૂરની દિશાઓને અનુસરનારાઓને તો પ્રવાસ-વીર જ કહેવા પડે. ભારતમાં પણ હતા આવા લોકો કે જે ઉત્તરનાં ધર્મસ્થાનોની જાત્રા કરવા નીકલ્યા હોય. સદીઓ પહેલાંની વાત અહીં ના કરીએ, ને ફક્ત ૧૯૩૦-૪૦ના દસકાઓની જ કરીએ તોયે જણાશે કે સાધુ-સન્યાસીઓ ઉપરાંત કેટલાક સાહસીઓએ પણ કઠિન મુસાફરીઓ કરેલી. સાથે જ, એ સમયે એવાં પણ કુટુંબો હતાં, કે જે ઘરના મુખ્ય પુરુષની – પિતાની – જાત્રા કરવાની પ્રેરણા પામીને, યોજનાપૂર્વક ગુજરાતથી છેક બદ્રિ-કેદાર સુધી ગયાં હોય. એમાં એક કુટુંબ મારું હતું. મારા જન્મ પહેલાંની વાત છે. મારાં માતા-પિતા રસાલો લઈને, ગુજરાતથી છેક ઉત્તરે હિમાલયના પ્રદેશમાં ગયેલાં. સાથે નોકર-ચાકર, રસોઈયા, મદદગારો વગેરે લીધેલા, એમ સાંભળ્યું છે. લગભગ આખી મુસાફરી ગાડાંમાં કરેલી. મારાં મોટાં ભાઈ-બહેન થોડું થોડું ચાલતાં પણ રહ્યાં હશે. ને પછી ઘોડા લીધા હશે. સાથે સામાન ઊચકનારા પણ હશે. બહુ વાતો સાંભળી નથી, પણ એમ જાણેલું કે ત્રણેક મહિનાઓ ચાલેલી આ મુસાફરી. એવા પ્રયાણરત કુટુંબની એક સદસ્ય એવી હું, મારા સમયે, એ પ્રમાણેની જ મુસાફર બની. મારાં કુટુંબીઓ કરતાં ઘણી જુદી એ રીતે કે હું કોઈ રસાલો સાથે રાખતી નથી, બલ્કે એકલી જ રસ્તે પડું છું. પણ એવી મુસાફર કે જે આ યુગમાં પણ યાંત્રિક ઉપકરણો સાથે ના રાખતી હોય. નહીં લૅપ-ટૉપ, નહીં ઈન્ટરનૅટ, અને કાંડા-ઘડિયાળ પણ નહીં. સૂરજના અજવાળાની સામે જોઈને જ સમયનું અનુમાન કરું, ને હંમેશાં સાચી પણ પડું. અને લાંબાં અંતર માટે બસ, ટ્રેન, વિમાન વગેરે વાહન લેવાં પડે, પણ જ્યાં શક્ય હોય ત્યાં ચાલીને જ જવાનો નિયમ. હજી મારો પ્રયત્ન એવો કે શક્ય હોય તેટલી એ આગલા જમાનાના મુસાફરો જેવી બનું. જેમ જીવનમાંનાં થાણાં પર, તેમ દુનિયામાંનાં સુંદર સ્થાનો પર અટકી જઈ શકું, સ્થિર થઈ જઈ શકું, ચિત્તની અંદર એમને ઊતરવા દઈ શકું.