તરુરાગ અને નદીસૂક્ત/પસાયતાનો તાડ: Difference between revisions

Artimundra (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૧૦.પસાયતાનો તાડ}} {{Poem2Open}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = નાથા ડોસાનો આંબો |next = નામાંકિત કઢાઈ }}"
 
Artimundra (talk | contribs)
No edit summary
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
ગોઠ ગામની પડખે રાજગઢ મહાલનું થાણું. થાણાની સામે ઉત્તરમાં છેક નદી સુધી પડતર ખુલ્લી જમીન. આ જમીનને અમે ‘પસાયતું’ કહીએ. પસાયતામાં થોડાંક આંબલીનાં ને તાડનાં ઝાડ છે. નાનપણમાં પસાયતાની બધી આંબલીઓ ઉપર ચઢ્યો છું, પણ તાડે ચઢ્યો નથી. આ મુલકમાં તાડ તો ઝાઝા, પણ અમે રહ્યા બ્રાહ્મણ. અમારાથી તાડને અડાય નહીં, પછી ચઢવાની તો વાત જ ક્યાં? તાડ તો રાક્ષસ, રાવણનો વંશવેલો, એટલે એના રસની – તાડીની કે એનાં ફળની – ઝીલડાંની તો વાત પણ ના થાય. ઝીલડાં તો રાક્ષસના માથાં! સીધા, ડાળડાળી વગરના તાડે ચઢવું અઘરું, એક પડકાર જેવું. મન તો ઘણુંય થાય, પણ ના ચઢાય, તાડે ચઢવાનું સ્વપ્ન આજ લગી સ્વપ્ન જ રહ્યું છે, ક્યારેય સિદ્ધ નથી થયું; કદાચ થશે પણ નહીં હવે.
ઉનાળાના બપોરનો ઉગ્ર તાપ ધીમે ધીમે શમવા માંડે. પસાયતાના પેલા તાડની ટોચ ઉપર, એના લાંબાં-પહોળાં તાડછાં (તાડપત્ર) ઉપર પડ્યો પડ્યો પીળો તડકો પવનમાં ઝોલાં ખાતો હોય ત્યારે ગામના કોળી ફળિયામાંથી સોમા ખુશાલ નીકળે. ઉઘાડું, તાડ જેવું કાળું શરીર, એક હાથમાં ધારિયું ને બીજા હાથમાં કાંઠલે બાંધેલી દોરીએ લટકતું ઢોચકું, નાનકડો ઘડો, ઘડિયું. તાડના થડના નીચલા ભાગને ટચકા મારીને થોડે ઊંચે સુધી પગ ગોઠે એવી જગ્યા કરી હોય. હાથમાંના ધારિયાને ને ઢોચકાને પછી કેડે બાંધી દેવામાં આવે. થોડે સુધી પાડેલા ટચકા ઉપર પગ ગોઠવીને ચઢાય, પછી તો બે પગ ને બે હાથ થડને બાથમાં લે ને સડસડાટ કરતો પેલો જણ ચઢવા માંડે. અમે ઓટલા ઉપરથી હીંચકે બેઠા બેઠા ઘણીવાર આ દૃશ્ય જોઈ રહીએ. મોટેરાંને બતાવીએ, તો તેઓ તિરસ્કારથી કહે : એ હલકી જાત, તાડમાંથી તાડી કાઢે ને નશો કરે. પાસે ઘોઘંબામાં એક દારૂની દુકાન. આદિવાસીઓને ખાખરાનાં પાનના પડિયામાં ભરીને દારૂ પીતા જોઈએ. ક્યારેક તો એમાં નાનાં બાળકો પણ હોય. દારૂ-તાડીનું ભારે કુતૂહલ રહે અમને. દારૂની દુકાન આગળથી જતા હોઈએ ત્યારે મહુડાની મીઠી વાસ આવે તે બહુ ગમે, પણ એવું કોઈને કહેવાય નહીં. તાડીનાં તો દર્શન પણ દુર્લભ. પછી મોટા થયા ત્યારે નીરો નામનું પ્રવાહી દીઠું ને પીધું પણ.
પેલો તાડની ટોચે પહોંચેલો જણ કેડેથી ધારિયું કાઢી તાજા એક તાડછાને ટચકા મારી કાપે ને નીચે પાડે ને પછી એના ઝાડ વળગી રહેલા ટૂંકા ડાળ જેવા ભાગને મોંઢે ઢોચકું ભરવી દે આખી રાત એમાં તાડનો રસ ઝરે ને બીજે દિવસે ઉતારે ને વળી ઢોચકું ભેરવે. દિવસભરના સખત શ્રમ પછી ઉનાળાની રાતે તાડી પીને ખાટલીમાં ઘોરતા સોમા ખુશાલનું એક ચિત્ર (કાલ્પનિકસ્તો) મનમાં બરાબર જડાઈ ગયું છે. હમણાં વતનમાં જવાનું થયું ત્યારે નરી આંખે એ તાડને એવો ને એવો પસાયતામાં ઊભેલો જોયો. જોતાં બાળપણના અમારા પેલા દોસ્તે વાતવાતમાં કાઢેલાં વચનો યાદ આવી ગયાં : ઇતિહાસ ઝડપથી બદલાય છે, પણ ભૂગોળને બદલાતાં વાર લાગે છે. સાવ સાચું; જુઓને, જે ગામમાં અમે જનમ્યા તે ગામ નથી, તે ઘર નથી, સ્વજનો નથી, પેલા સોમા ખુશાલ નથી ને એ દેશી રાજ્ય પણ નથી; પણ નદી છે, ડુંગરા છે ને પેલી આંબલીઓ ને તાડનું ઝાડ પણ પસાયતામાં છે!
આ તાડ સાથે કેટકેટલાં દૃશ્યો-સંસ્મરણો મનમાં ઝૂલે છે! પવનમાં ડોલતો, લાંબાં-પહોળાં પાનથી આકાશના દેવોના શરીરે ઉઝરડા કરતો એ તાડ! શિયાળામાં ઉઘાડા શરીરે થથરતો એ તાડ! ચોમાસામાં એના પાનને છેડેથી ઝીણાં જલટીપાં ટપકાવતો એ તાડ! પવનના તોફાનમાં શરીરને અડધું વળી જતું, પડી જતું અટકાવી થોડી થોડી વારે ટટ્ટાર થઈ જતો તાડ! ચોમાસું નજીક આવતાં પોતાનાં બધાં પત્રો (પાઠાં) ઘર છાવા માટે આપી દઈને સાવ બોડો કે એક ચોટલીભેર ઊભેલો તાડ! નાનાં નાનાં નાગાંપૂંગાં ટાબરિયાં વચ્ચે ઊભેલા ‘ડાયા’ (વયોવૃદ્ધ) આદિવાસી જેવો માથે ફાળિયું બાંધી આસપાસ ઊગેલા નાના નાના તાડછોડ વચ્ચે ઠાવકાઈથી ઊભેલો તાડ! પૂર્વમાં ઊગતા સૂર્ય-ચંદ્રનાં સોનેરી-રૂપેરી પીછાં ખોસી તાડીના નશામાં નાચતો તાડ! રાજની સામે બહારવટે ચઢેલા એ પ્રદેશના રૂપ નાયક જેવો કાળની સામે બહારવટે ચઢેલો એ અજરામર પસાયતાનો તાડ!
રાવણ કહો તો રાવણ ને રાક્ષસનાં માથાં ગણો તો રાક્ષસનાં માથાં, એ તાડ, તાડપત્રો ને ઝીલડાં આજે પણ એવાં જ મોજુદ છે - પેલા પસાયતામાં ને આ મનમાં, જ્યારે જ્યારે કોઈ ઠેકાણે તાડ જોઉં છું ત્યારે પેલો પસાયતાનો તાડ નજરમાં એકાએક ઊગી નીકળે છે; જ્યારે જ્યારે તાડીની વાત નીકળે છે ત્યારે એ સોમા ખુશાલ એમના ઢોચકાં-ધારિયાં સાથે દેખાય છે. કાળી ઊંચી સીધી કાયા ને ઉપર ફરફરતાં છોગાં. રાક્ષસના કપાયેલા હાથ જેવાં તાડપત્રનાં ઠૂંઠાં, ઢોચકાં ને ઝીલડાં. બાજુમાં ઊભેલી, આની ઊંચાઈને લીધે ઠીંગણી લાગતી પેલી આંબલી પણ કાતરા લટકાવતી, જીભને લલચાવતી ડોકિયું કરી જાય છે. પાસે થઈને જતો પેલો ગાડાચીલો, એની શીળી ધૂળ, એમાં વહેલી સવારે જોયેલા પક્ષીઓના પગલાં, કોઈ બબ્બે તળેલિયાં સાથે જેમતેમ ખેંચાતું ભાર ભરેલું ગાડું, પાછળ ખાખરાના પાનની બનાવેલી બીડી-ચલમનો ધુમાડો કાઢતો જતો આદિવાસી - બધું પ્રત્યક્ષ થઈ જાય છે. ઓ પેલો મારો બાળસાગરિત જામલો ધારિયું-ઢોચકું લઈને ચઢે....
૩૦-૧૦-૧૯૮૬


{{Poem2Close}}
{{Poem2Close}}