તરુરાગ અને નદીસૂક્ત/જીરા કૉઠી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
Artimundra (talk | contribs)
No edit summary
Artimundra (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૮.જીરા કૉઠી}}
{{Heading|૮. જીરા કૉઠી}}


{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 09:26, 5 July 2026


૮. જીરા કૉઠી

ગોઠ ગામની પૂર્વ દિશામાં પથરાયેલા વગડામાં અર્ધાક ગાઉ પર વૈજનાથ મહાદેવનું મંદિર છે. મંદિરનો ટેકરો ઊતરીએ એટલે તરત રસ્તાના બે ફાંટા પડે. એક જાય સીધો ગોઠ ગામમાં, બીજો જરા વાયવ્યખૂણે વળે ને કરડ નદીએ જતો નીકળે. આ બીજે રસ્તે મહાદેવના થાનકથી જરા આઘે જાઓ એટલે સાગ ને સીતાફળીનાં ઝાડ વચ્ચે એક ઊંચેરું કૉઠીનું ઝાડ દેખાય, કાળી ડાળીઓ ને ધોળાં ફળવાળું; એ જ અમારી જીરા કૉઠી. આમ તો કૉઠીના ફળ - કૉઠાં - કાચાં હોય ત્યારે ખાટાં લાગે. એમાંનો આછા કથ્થાઈ રંગનો ગર ખાતા દાંત ખટાઈ જાય. પણ આ કૉઠીનાં કૉઠાં અદ્ભુત! કાચાં ખાઈએ તોય ગળ્યાં લાગે! ચટણી કરીએ તો ગોળ ઓછો નાખવો પડે. ગામડા ગામમાં અમારે ત્યાં બારે માસ શાક ના મળે. પછી ઋતુ પ્રમાણે કેરી-કૉઠાની ચટણી ને ચોમાસામાં ઊતરેલા શાકના પાકમાંથી કરેલી ભીંડા, કારેલાં જેવાં શાકની સૂકવણી, વધારાનું શાક સમારી સૂકવી માટલામાં ભરી રાખવાનું ને જરૂર પડ્યે વઘારવાનું. વડીલો ક્યારેક આજ્ઞા કરે : ‘બચુડા, શાંતિયા જાવને પેલી જીરા કૉઠીનાં કૉઠાં લઈ આવો ચટણી કરવા; જો જો પાછા વગડામાં ને વગડામાં સાંજ પાડી દેતા.’ અમારે તો ભાવતું’તું ને વૈદ્યે કહ્યું એવું! આમેય ઘરમાંથી નીકળી વગડામાં રખડવાનું, નદી ભણી ઊતરી જવાનું બહાનું શોધતા જ હોઈએ, એટલે અમે હા-ના કર્યા વગર દોડી જ નીકળીએ. બૂટ ચંપલ તો પહેરવાનાં હોય નહીં ને બે જણનાં થઈને ચડ્ડીનાં ચાર ને ખમીસનાં બે મળી કુલ છ ખિસ્સાં અંગીકાર કરેલાં જ હોય એટલે કશું લેવા - કરવાની ચિંતા નહીં, દોડવા જ માંડીએ; ને મોટેરાં બહાર ઓટલે આવીને જુએ એટલામાં તો અમે વગડામાં અલોપ! જીરા કૉઠીની શોધ ખાસ અમારી, એટલે કે દાદાની. બીજાઓને આ ઝાડની આવી વિશિષ્ટતાની જાણ નહીં એટલે વગડા વચ્ચે ઊભેલી આ કૉઠીએ ભાગ્યે જ કોઈ કૉઠાં લેવા આવે. આમેય ત્યારે કૉઠાં કે સીતાફળ વેચવાનાં ફળ નહોતાં ગણાતાં, ને જંગલમાં એનાં વૃક્ષો એટલાં બધાં થતાં કે એમને લેવા વીણવા માટે પડાપડી હોય જ નહીં. સીતાફળી ઉપર સીતાફળ પાકી ગયાં હોય પણ કોઈએ એમને હાથ પણ ન લગાડ્યો હોય. કૉઠી હેઠળ પાકીને કેટલાંય કૉઠાં પડ્યાં હોય, પણ ભાગ્યે જ કોઈ લે. ગોવાળિયાઓ ઢોર ચરાવતાં ક્યારેક વળી સીતાફળનો કે કૉઠાનો સ્વાદ કરી લે એટલું જ. આજે તો આવી વાત મારા ગામમાં કરું તો જુવાનિયાઓને એ સતયુગની એટલે કે જૂઠી લાગે. અમે પછી જંગલમાં વન્ય પ્રાણીની જેમ અકુતોભય વિહરીએ. રસ્તામાં આવતી તોતિંગ આંબલી એ ચઢતા, ‘ભંગિયાંની કોતેડી’ નામથી ઓળખાતા કોતરને બે કાંઠે ઊગેલી કણઝીઓની છાયામાં નિરાંતે સૂતેલાં શિયાળવાંને ચમકાવતા નસાડતા, રસ્તામાં આવતા કઢાઈના ઝાડના થડે સાગની સળીથી અમારું નામ કોતરવા, ચાંચમાં કાચંડો લઈને તપખીરિયા પાંખે ઊડવા કરતા કોકડિયા કુંભારને જોતા, ક્યારેક ચરતાં ઢોરથી ડરીને રસ્તો ચાતરતા નિરાંતે કૉઠીએ પહોંચીએ. કૉઠીની આસપાસ જરા ખાડા જેવી જગા, એમાં સાગડાનાં મોટાં મોટાં પાન ખરીને પડ્યાં હોય. પાન જરા ઊંચું કરીએ કે ઓથે છુપાયેલું કૉઠું મળ્યું જ છે! ખુલ્લી જગ્યામાં પણ કેટલાંક પડ્યાં હોય. ચટણીની વાત ચટણીએ કરીને પહેલાં તો પથ્થર ઉપર કૉઠાં ફોડી ગળ્યો મધ ગર ખવાય તેટલો ખાઈએ, પછી ચડ્ડીના એક ખિસ્સામાં બે ને ખમીસનામાં એક એમ બે જણ થઈને આઠ-દસ કૉઠાં ઘેર લાવીએ. ક્યારેક એવુંય બને કે એક પણ કૉઠું નીચે ન પડ્યું હોય એટલે અમે રખડી રખડીને નદીએ થઈને મોડામોડા ખાલી ખિસ્સે ઘેર આવીએ. આ ઝાડ ઉપર ચઢવાની અમારી જીગર નહીં. થડ ઘણું ઊંચે ગયા પછી જ એમાંથી ડાળીઓ ફૂટેલી ને વળી કાંટાનીય બીક. ઝાડ એટલું ઊંચું કે અમારા નાના હાથે પથ્થર મારીને કૉઠાં પાડવા ગજું ના પહોંચે. જીરા કૉઠી જે વગડામાં ઊભેલી તેને અમે માલગુણ કહીએ. આ માલગુણમાં ખાસ વૃક્ષો તે સાગ, ખાખરા ને સીતાફળીઓ, વચ્ચે વચ્ચે થોડાંક કઢાઈનાં, આંબલીનાં, કણઝ-કણઝીનાં ઝાડ ખરાં. સાગ તો સરકાર માટે સોનાનો સોટો ને ખાખરા ઉપર પણ બારીઆ સરકારે લાખના ઉત્પાદન માટે જંતુઓ મૂકવાનો પ્રયોગ કરેલો. આજે તો આ માલગુણ નથી, એક કાળે હતું એવું માનવા પ્રેરે એવી કોઈ નિશાનીય રહી નથી. કોતર પુરાઈ ગયાં છે, જમીન સપાટ કરવામાં આવી છે, ખેતરો ખેડાય છે ને આદિવાસીઓનાં થોડાંક છાપરાં પણ બંધાયાં છે. ગોઠથી મહાદેવ સુધી હવે પાકી સડક છે. વાંકી-ચૂંકી - એકવાર આડા રસ્તે ઊતરતા તે સાપ જેવી. સડકે તેલની ગાડીઓ દોડે છે ને માથા ઉપર વીજળીનાં દોરડાં. અંધારાને લીધે માત્ર આરતી વખતે જ ગભારામાં જેમનાં દર્શન થતાં તે પાર્વતીજી હવે તો વીજળીના ગોળા નીચે, આરસની આરસીમાંથી પ્રતિબિંબત થતા બહાર ઝળહળ પ્રકાશમાં અંજાતાં ઊભાં છે ને શિવજી તો બીલીપત્રોના ઢગલા હેઠળ ગળતીના પાણીથી જેમ તેમ કરીને ઠંડા થવા મથી રહ્યા છે. આધુનિકતાની ગરમ હવા સર્વત્ર વ્યાપી વળી છે. નીરવતાનું બાષ્પીભવન થઈ ગયું છે. અહીં હવે વનની છાયા નથી. અરે, સમ ખાવા માટેય એક વૃક્ષ નથી! હા, સરકાર હવે વનીકરણનો કાર્યક્રમ ઘડી રહી છે, એટલે અહીં વૃક્ષો વવાશે, પાણી પવાશે, થોડાંક ઊગશે, વધારે મરશે ને આ જંગલોય હવે તો આયોજીત – Planned! નીલગીરીના જંગલમાં નીલગીરી વૃક્ષો જ હોય ને સુબાવળના વનમાં સુબાવળ જ! એમાં અચાનક સુગંધીદાર ફૂલવાળા કડાના કે શિરીષના વૃક્ષને મળી જવાનો રોમાંચ હવે અશક્ય. ઉપયોગની વૃત્તિને જ્ઞાનની સંપત્તિ લાધી, ઉપયોગ-ઉપભોગનો રોગ લાગુ પડ્યો એટલે ભય, વિસ્મય, રોમાંચ બધું વિવર્ણ, મ્લાન, પીળુંપચ. વન્ય પશુઓનાં જેમ અભયારણ્યો, તેમ હવે ચોક્કસ વૃક્ષોનાં આરક્ષિત અભયારણ્યો. એમાં બીજા વૃક્ષોની ઘૂસણખોરી નહીં! પેલી જીરા કૉઠી! હવે તો એકદા એ અમુક સ્થળે હતી એવું અનુમાન કરવું પડે છે. વગડો થયો, જીરા કૉઠી ગઈ, શૈશવ ગયું - જીવનમાંથી કેટકેટલું ગળપણ ગયું! હા, હજીય ક્યારેક, એ હવે નથી તે ઘર, હવે નથી તે વગડો ને હવે નથી તે જીરા કૉઠી, શમણામાં આવે છે ખરાં! પણ શમણાં એમ બોલાવ્યા થોડાં આવે છે! વિચારું છું. એક વાર ઇચ્છા થાય ત્યારે જ્યાં સુધી જતા તે જગાએ પહોંચવા હવે શમણાંનો આશ્રય લેવો પડે છે, શમણાની રાહ જોવી પડે છે! દિન પલટ્યો પલટી ઘડી..... ૧૨-૧૦-૧૯૮૬