કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૧૧. સાગર રાણો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧. સાગર રાણો |ઝવેરચંદ મેઘાણી}} <poem> [લોકગીતોના ઢાળોમાંથી ઘડ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 58: | Line 58: | ||
{{Right|(સોના-નાવડી, પૃ. ૧૯૭-૧૯૮)}} | {{Right|(સોના-નાવડી, પૃ. ૧૯૭-૧૯૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૧૦. રાતાં ફૂલ | |||
|next = ૧૨. શિવાજીનું હાલરડું | |||
}} |
Latest revision as of 08:03, 22 September 2021
ઝવેરચંદ મેઘાણી
[લોકગીતોના ઢાળોમાંથી ઘડેલો ઢાળ]
માળા ગૂંથી ગૂંથી લાવે
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે.
ધરતીને હૈયે પે’રાવે
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે.
આઘે આઘે એની અનુપમ વાડી,
ચાંદો સૂરજ રૂડા રાખ્યા બે માળી,
વિધ વિધ વેલડી વાવે
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. – માળાo
ઊંડે પાતાળે ગાળ્યા એણે ક્યારા
રોપ્યા રાતલડીના રંગત તારા
નવલખ નદીઓ સિંચાવે
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. – માળાo
સોનલ ફૂલડે સવાર મલકતાં
સંધ્યાના થાળ ગુલાબે છલકતા
રજનીમાં ડોલર આવે
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. – માળાo
રાત દિવસ બીજાં કામ ન ફાવે,
ગાંડો પિયુજી લાખો ગેંદ ગૂંથાવે,
જૂજવા રંગ મિલાવે
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. – માળાo
રીસભરી ધરણી નવ રીઝે
સ્વામીનાં દાન ત્રોડી ત્રોડી ખીજે
દરિયો વિલાપ ગજાવે
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. – માળાo
યુગયુગના અણભંગ અબોલા
સૂના સાગર કેરા હૈયા-હિંડોળા
ગરીબડો થઈને બોલાવે
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. – માળાo
કરુણાળુ બોલ કહાવે
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે.
ગેબીલા શબદ સુણાવે
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે.
ચરણ ચૂમીચૂમી ગાવે
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે.
માળા ગૂંથી ગૂંથી લાવે
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે.
ધરતીને પાયે પે’રાવે
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે.
૧૯૨૭
(સોના-નાવડી, પૃ. ૧૯૭-૧૯૮)