નિરંજન/૨૧. નવીનતાની ઝલક: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. નવીનતાની ઝલક|}} {{Poem2Open}} વળતે દિવસે પિતાજીને મહાભારત વાંચ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
રોટી! આખરે તો રોટી જ બધા જ્ઞાનની માતા છે: નિરંજનની વિચારમાળામાં એ ઝબુકાટ થઈ ગયો. | રોટી! આખરે તો રોટી જ બધા જ્ઞાનની માતા છે: નિરંજનની વિચારમાળામાં એ ઝબુકાટ થઈ ગયો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૦. વાત્સલ્ય | |||
|next = ૨૨. માસ્તરસાહેબ | |||
}} |
Latest revision as of 11:15, 20 December 2021
વળતે દિવસે પિતાજીને મહાભારત વાંચવા કોઈ ગૃહસ્થને ત્યાં જવાનું હતું. મહાભારતનો દળદાર ગ્રંથ ડોસા મુશ્કેલીથી બગલમાં દબાવતા હતા. એક હાથમાં ડગમગતી લાકડી હતી. ``હું સાથે આવું? નિરંજન માંડ માંડ બોલી શક્યો. પિતાના જર્જરિત કલેવર તરફ કરુણતા પામતો અને ધર્મશાસ્ત્રોની પારાયણોની જૂની પ્રથા સામે અણગમો અનુભવતો, ભણેલા તરીકે શરમાતો યુવાન ઘણી મહેનતે પૂછી શક્યો: ``હું આવું? બાપનું ડગમગતું ડોકું કરુણ હાસ્ય સાથે પુત્રનો ચહેરો નિહાળી રહ્યું. એને પુત્રનો પ્રશ્ન નવાઈભર્યો લાગ્યો. ``તું – તું આવીશ તો તો – તો તો હું બહુ રાજી થઉં, ભાઈ! ડોસા હાંફતાહાંફતા બોલતા હતા. નિરંજને ગ્રંથ ઉપાડી લીધો. ડોસાએ દીકરાને એક ખભે પોતાનો હાથ મૂક્યો. ડોસાના બોલબોલ કરતા મોંમાંથી થૂંકના છાંટા ઊડી નિરંજનને મોંએ છંટકાતા હતા. પહેલો માણસ સામો મળીને વક્ર નજરે જોઈ રહ્યો ત્યારે નિરંજનને લજ્જા આવી. બીજો માણસ મળ્યો ત્યારે એ લજ્જા ઓછી થઈ ગઈ. બજારમાં નીકળતાં એક જ નાકું વળોટ્યું. લોકો કોઈ કુતૂહલથી જોઈ રહ્યા. નિરંજનની કસોટી પતી ગઈ. પહેલી દૃષ્ટિએ નવાઈ પામતો સમુદાય બીજી જ ક્ષણે હરકોઈ વિચિત્ર ઢંગ વિશેનું કૌતુક ખોઈ બેસે છે. સમુદાયની ઠેકડી લાંબું ટકતી નથી. સમુદાયની વૃત્તિમાં જે ઉદારતા પડી છે તે કોઈ મહાન તત્ત્વવેત્તાની ઉદારતા છે. પણ સાંકડી બજારમાં એક મોટર અટકી પડી હતી. બાજુમાં એક બળદ-ગાડું સલવાઈ ગયું હતું. દુકાનોના ઓટા ચડીને પિતાને દોરી જતા નિરંજને મોટરની નજીક ઘસાતાં શબ્દ સાંભળ્યા: ``આ તો ભારી બખડજંતર થયું. મોટરમાંથી બોલાયેલા એ શબ્દો નિરંજનની જૂની સ્મૃતિને જાગ્રત કરે ત્યાં તો અંદર બેઠેલા દીવાનસાહેબને એણે દીઠા: દીવાનસાહેબની બાજુમાં બેઠેલી યુવાન સ્ત્રીને પણ દીઠી. ``ચાલો સરયુ, આપણે ચાલીને જવું રહ્યું. એમ કહી દીવાનસાહેબ પુત્રી સહિત નીચે ઊતર્યા. આ તરફથી પિતાપુત્ર અને પેલી તરફથી પિતાપુત્રી સામસામાં ભેટ્યાં. નિરંજને સરયુ તરફ ગયેલી નજરને તત્કાલ પાછી સમેટી લઈ દીવાનસાહેબને વંદન કર્યાં. શ્રીપતરામ ડોસાએ પણ `સાહેબ મહેરબાન!' શબ્દે સન્માન આપ્યું ને ઉમેર્યું કે: ``ભાઈ આવી ગયો છે; કાલે રાત્રે આવી ગયો. ``હલ્લો! દીવાનસાહેબ આનંદભેર બોલી ઊઠ્યા, ``કેમ છો? ક્યારે આવ્યા? અમારાં સુનીલાબહેન કેમ છે? ``મને ખબર નથી. નિરંજને જવાબ વાળતાં સરયુ તરફ જોઈ લીધું. ``વારુ! મળજો પછી. કેમ શ્રીપતરામ માસ્તર! કેમ છો? કંઈક લેવાયા લાગો છો. દીવાનસાહેબે અવાજમાં દમામ પૂરીને તબિયતના ખબર પૂછ્યા. ``નહીં – નહીં રે સાહેબ! ને હવે તો ભાઈ આવી ગયો છે એટલે શી ચિંતા છે? એમ કહી ડોસા પુત્રની મહત્તા ગાતા હતા. દીવાનસાહેબ અને સરયુ પસાર થઈ ચોકમાં પહોંચી ગયાં. નિરંજને પાછળ નજર કરી ત્યારે સરયુ પણ પાછળ જોઈને પોતાની સાડીનો પાલવ સમારતી હતી. સરખી ઉંમરનાં બે જણાં, મુખ્યત્વે કરીને સ્ત્રી અને પુરુષ, એક જ વખતે, એક જ ક્ષણે, એક જ પલકારે પાછળ જોઈ દૃષ્ટિ મેળવી લે એ એક અકસ્માત જ હોય છે. છતાં આ અકસ્માત જગતના આદિકાળથી એક અચૂક નિયમરૂપે કેમ બન્યા કરતો હશે? એ એક સૃજનજૂની સમસ્યા નથી શું? પિતાને લઈ આગળ વધતો નિરંજન આ ગામમાં કેટલી નવીનતાઓ નિહાળતો હતો: ખંડેરો પુરાતાં હતાં; નવી ઇમારતો નીકળી રહી હતી. હટાણે આવેલાં આજુબાજુના પ્રદેશનાં ગ્રામજનો એ સાંકડી બજારને ગિરદી કરીને શોભાવી રહ્યાં હતાં. નાનપણથી જેઓને રોજ ને રોજ જોયા કરતો હતો તેઓને આજે જોવામાં નવીન કૌતુક, નવીન રસ પડવા લાગ્યો. સારુંય સચરાચર નવીનતામાં ભીંજાતું ભાસ્યું. પાણીનાં ચળકતાં ત્રાંબાળુ બેડાં ઉપાડીને નદીતીરેથી મલપતી ચાલે ચાલી આવતી સ્ત્રીઓને આજે એણે નવદૃષ્ટિએ નિહાળી. નિહાળતાંનિહાળતાં એ ન ધરાયો. દુકાનદારોની જોડે રકઝક કરતી કાઠિયાણીઓ, આહીર વનિતાઓ અને ગોવાલણો નિહાળી. નિરંજન આજ પહેલી જ વાર ભાન પામ્યો કે આ સ્ત્રીઓમાંથી અકેક સુનીલા જાગી ઊઠતાં વાર ન લાગે. જવાંમર્દ ડાંખરા કાઠીઓ, આહીરો અને રબારીઓ પર શાસન ચલાવતી આ ઓરતો જો નવી દુનિયાને વિશે જ્ઞાન પામે અને સાધનો પામે તો પશ્ચિમની રમણીઓનું કયું સાહસ, કયું પરાક્રમ, કયું બુદ્ધિકાર્ય એમનાથી અસાધ્ય રહી શકે? રશિયાના શતકો-જૂના અંધારિયા ગ્રામપ્રદેશોમાં એક દાયકા પૂર્વે શું આંહીં છે તે કરતાંય સાતગણી બદતર હાલત નહોતી? છતાં આજે ત્યાંનાં ઠેર ઠેરનાં સ્થાનિક રાજતંત્રોમાં રમણી કેવી દુર્દમ, તેજસ્વતી બની ઘૂમી રહેલ છે! બંધાણમાં ડૂકી ગયેલા નિષ્ક્રિય પતિઓને પનારે પડેલી આમાંની કેટકેટલી લલનાઓ એકાદ ગાયભેંસનું દુઝાણું રાખી જીવનસંગ્રામ ખેડે છે! અબલા, લજ્જાવતી, ધણીના માર પણ ખાતી, કોઈ કોઈ વાર ધ્રુસકે રડતી, જુનવાણી દેવદેવીઓને અંધ આસ્થા ધરી પૂજ્યા કરતી આ ને આ જ પહાડી સ્ત્રીઓ ખરાખરીને ટાંકણે કેવો ઉગ્ર સામનો કરી ખડી રહે છે! આને કોણ પછાત કોમો કહે? આ સૂકા સાગસીસમના કાષ્ઠમાં એક જ અગ્નિતણખો શું બસ ન થઈ પડે? રાજની ભૂખડીબારશ પોલીસ, રાજની રાંકડી અદાલતો, રાજની વસૂલાત કરનારા માંયકાંગલાઓ, એ બધા આ સિંહણોના એક જ હુંકારે ડરીને રાજધાની ભેગા ન થઈ જાય? આને કોણે ડરપોક કરી મૂકી? ખેતરમાં ઊભા કરેલા પેલા ચાડિયાઓ કરતાં જરીકે વધુ જીવતી નહીં એવી રાજસ્થાની રાજસત્તાઓનો ભય આ પહાડની પુત્રીઓમાં ક્યાંથી પેસી ગયો? આવો એકાદ પ્રશ્ન પણ યુનિવર્સિટીના પરીક્ષકો અમને કેમ મૂકતા નથી? `થિસીઝ' લખાવનારાઓ પોતાના વિદ્યાર્થીઓ પાસેથી આવું એકપણ સજીવ દૃષ્ટિબિંદુ નથી માગતા, નથી સૂચવી શકતા, કેમ કે નથી સમજી શકતા. પરીક્ષકો હજી ઓક્સફર્ડ-કેમ્બ્રિજની મધ્યયુગી પ્રણાલીની એઠ જ જમી રહ્યા છે. થોથાં ને થોથાં લખાવે છે. તેની લખાવટ ચીલે ને ચીલે ચાલી આવે છે. આ પરીક્ષકોએ સોળ વર્ષના કિશોરોથી લઈ ચોવીસ વર્ષના તરુણોને હજારોની સંખ્યામાં ઝીણું ઝેર દઈદઈ જીવતે મૂઆ કર્યા છે. આ કતલખાનાનો કોઈ જોટો નથી! આ જલ્લાદોને કોઈ સજા કરનાર નથી. આ... વિચારદોર કપાયો. પિતાજી મહાભારત ગાતા હતા. કૃષ્ણવિષ્ટિનો પ્રસંગ ચાલતો હતો. ડોસાની હાંફતી છાતીમાંથી આટલો બુલંદ લલકાર શી રીતે નીકળે છે! શ્રોતાઓ ઘૂંટણભર થઈ જાય છે. વાચન પૂરું થયા પછી લોકોએ નિરંજનને ઘેરી લીધો ને યુરોપમાં જાગતી નવી જાદવાસ્થલી વિશે પૂછપરછ કરવા માંડી. બે મહિના સુધી લાગટ પરીક્ષામાં જ ડૂબી ગયેલો નિરંજન પોતાના હાસ્યજનક અજ્ઞાન ઉપર અતિ લજ્જા પામ્યો, કેમ કે લોકો એના કરતાં તો કેટલુંય વધુ જાણતાં હતાં. લોકોને એ જ્ઞાન અનિવાર્ય થઈ પડેલું, કારણ કે એ જ્ઞાન ઉપર લોકોની રોટલીનો આધાર હતો. રોટી! આખરે તો રોટી જ બધા જ્ઞાનની માતા છે: નિરંજનની વિચારમાળામાં એ ઝબુકાટ થઈ ગયો.