કિરીટ દૂધાતની વાર્તાઓ/૧૧. આવવું અને જવું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧. આવવું અને જવું|}} {{Poem2Open}} ‘લે, આવ્યો તો ખરો!’ મને બસમાંથી ઊત...")
 
No edit summary
Line 167: Line 167:
‘પૂછી તો જો, મારા માટે કોઈ સીટ ખાલી છે કે નહીં?’
‘પૂછી તો જો, મારા માટે કોઈ સીટ ખાલી છે કે નહીં?’
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ?????-?????
|next = ?????
}}

Revision as of 10:36, 14 March 2022

૧૧. આવવું અને જવું

‘લે, આવ્યો તો ખરો!’ મને બસમાંથી ઊતરતો જોયો એટલે નટુ બોલ્યો. ‘તે, આવવું તો પડે જને.’ રમણીક બોલ્યો, ‘મને તો પંદર દી’ પે’લા એક વાર રાતે ઊંઘ નો’તી આવતી તો સાડાબારે મોબાઇલ મવડીને આને રમરમાવ્યો’તો કે હાળા આ વખતે નથી આવ્યો તો તારા નામનું પોટલું વાળીને કાંધીએ ચડાવી દેવું.’ ‘એલા શું વાત કર્ય છો! મને તો કીધુંય નૈ!’ નટુ બોલ્યો. ‘અરે, પછી તો મને એવી શાંતિની ઊંઘ આવી ગઈ કે સવારે ઊઠ્યો તંયે ભૂલી ગયો’તો કે કાળુને ઘઘલાવ્યો છે.’ સાલ્લા, તારી ભાભીને ફાળ પડી કે આટલી રાતે આ કોનો મોબાઇલ રણક્યો? નક્કી કોઈના મરણના સમાચાર હશે. એ તો ધ્રૂજવા માંડી’તી.’ ‘પણ કાળુ, આ રમણીકનું કામ પે’લેથી આવું. ઈ તો ભિક્ષાચરણનેય હાંકી લેય.’ મેં પૂછ્યું, ‘એલા, ઈ કોણ?’ ‘લે, ભિખુદા, આપણી હાર્યે નો’તો ભણતો? એને જગ્યાની ગાદીએ બેસાડ્યો એટલે નવું નામ તો આપવું પડેને? તે મસ્તીગર બાપુએ હાફ સાંસારિક રાખ્યું અને હાફ દીક્ષાનું ભિક્ષાચરણ કરી નાખ્યું. જાવ બચ્ચા રળી ખાવ.’ ‘ઓહો! એવું છે એમને?’ ‘તને મૂળ આમંત્રણ તો એનું જ છેને? ચૈતરી પૂનમે મસ્તીગર બાપુએ સમાધ્ય લીધેલી તે બાપુની વાંહે હવે એ દિવસે મોટો ભંડારો કરે છેને? ત્રણેક વરહથી કે’છે કાળુને બોલાવવો છે. આપણે હાર્યે ભણતા. કાળુને જરૂર બરકવો છે,’ નટુ બોલ્યો. ‘એલા, ઈ તો હવે વરહમાં એક-બે વાર તો ભગતોને ન્યા અમદાવાદેય પધરામણી કરે છે. તારે મળવાનું નથી થ્યું?’ રમણીકે પૂછ્યું. ‘એક વાર તો એ આવીને નીકળી ગયા પછી ખબર પડી. ગઈ સાલ એણે ગજેરાને ત્યાં પધરામણી કરેલી ત્યારે ગજેરાએ એના મોબાઇલ પરથી મને આશીર્વાદ અપાવેલા, વાત કરાવેલી અને આમંત્રણ પણ આપેલું કે આવો, અહીં જગ્યાનાં બધાં સેવક ભાઈ-બહેનો ભેગાં થ્યાં છે, પ્રસાદી સાથે લઈશું, પણ મારે તે દિવસે વિધાનસભા ક્વેશ્ચન હતો. મારી નીચેવાળા રજા પર હતા એટલે બધી દોડાદોડ મારે જ કરવાની હતી. એટલે ન જવાયું.’ ‘હવે ચાલીસનો થયો, આમ અમદાવાદ ગાંધીનગરના ધોડા કર્યે રાખ છો તો ક્યાંક હોફિસમાં ખુરશીમાં બેઠા બેઠા ટેલી જઈશ. કાંક બાર્ય નીકળતો જા, આપણી હાર્યેવાળો મનસુખ સવજી ભગત વે’લો જતો ર્યો અને આ તુલસીદાસનેય હેવી ડાયાબિટીસ આવ્યો છે. અમે ત્રણેય ચૂપચાપ બજારમાં થઈને પ્લોટ એરિયા બાજુ ચાલ્યા. હું વારાફરતી બંનેના ચહેરા અને શરીર જોતો હતો. નટુના ચાલીસ વરસના શરીર પર પચાસ વરસની પર્ત બાઝી ગઈ હતી. એ બોલે ત્યારે હવે એના ચહેરાની ડાબા ભાગની ચામડી કરચલી પડીને ખેંચાતી હતી. એણે પગમાં ટાયરનાં ચપ્પલ પહેર્યાં હતાં જેને લીધે પંજા રજોટાયેલા દેખાતા હતા. એ કાલે ઊઠીને પચાસનો થશે ત્યારે સાઠની ઉંમરનો દેખાશે. રમણીકનું શરીર ભરાયું હતું. એણે મોજાં અને પાલિશ કરેલા બૂટ પહેર્યા હતા. હજી સવાર-સાંજ પોતાના જ ખેતરમાં દાડિયા અને સાથી રાખ્યા હોવા છતાં નાનું મોટું કામ કરી લેતો હશે, એટલે સતત તડકામાં રહેવાને લીધે શરીરની ચામડી સહેજ કાળાશ પડતી અને સુક્કી થઈ ગઈ હતી. બંને કાપડ ખરીદવા ગયા હશે ત્યારે મેચિંગ વગરનાં કપડાં લે છે એવી સમજણ વગર પાંચ મિનિટમાં એ કામ પૂરું કરી નાખ્યું એવું બતાવવા ઝટપટ ખરીદી પતાવીને બહાર નીકળી ગયા હશે. બંને જન્મ્યા પછી વડવાઓના ગામમાં કોઈ જાતના તણાવ વગરની જિંદગી જીવીને એકંદરે સુખી હોવા છતાં એમનાં શરીર વહેલાં ઘસાઈ ગયાં હતાં. મને થયું કે બંનેનો હાથ પકડીને લાગણીવેડાથી ભરપૂર મોં-માથા વગરનું કશુંક બોલી નાખું, મારા મનમાં એમની ઉંમરનો ઘેરો પ્રભાવ પડ્યો છે એ ભૂંસી કાઢું. છેલ્લે બંનેને જોયા ત્યારે એમના પ્રૌઢ થવાની શરૂઆત થઈ નહોતી. જો કે એ બંને આ પ્રક્રિયાથી અજાણ હતા. મને યાદ આવ્યું કે હજી ગઈ કાલે તો અમે બધા કિશોર હતા અને શિયાળામાં સવારે આછા અંધારામાં રોટલો, દહીં અને અથાણાનો બોળો ખાઈને ઉઘાડા પગે, હાથપગની ફાટી ગયેલી ચામડી સાથે ખભે દફતર ઝુલાવતા નિશાળે જતા હતા. ઝઘડો થાય તો એકબીજાને પાટીથી મારતા હતા. વર્ગમાં વ્યાસસાહેબ અંગ્રેજી ભણાવતા હોય કે શુકલઅદા સંસ્કૃત શીખવાડે ત્યારે અમારા દફતરમાં સંતાડી રાખેલા તૂટી ગયેલા અરીસાના ટુકડા ચોરીછૂપીથી બહાર કાઢીને એને હાથમાં ત્રાંસા ગોઠવીને ગમતી છોકરીઓનું પ્રતિબિંબ ઝીલવા મથતા. એમાં સફળતા મળે તો એના કેફમાં એવી રીતે ફરતા કે બે-ત્રણ દિવસ સુધી કોઈને સીધો જવાબ આપવાની દરકાર ન કરતા. મારા કાકાઓ અને કુટુંબના બધા ભાઈઓ ગુસ્સે થતા કે ‘કશું સમજ્યા વગર ગામનું જેવું છે એવું બધુંય તારી વાર્તાઓમાં શું લખ્યા કરે છે?’ પણ મને આ ક્ષણે વિચાર આવ્યો કે રમણીક અને નટુ અને બીજી એક જણીને મેં મારી વાર્તાઓમાં એમની કિશોરાવસ્થામાં એવાં થિજાવી દીધાં છે. બહારની દુનિયામાં એ બધાંને ભલે યુવાની કે આધેડ અવસ્થા આવે પણ મારી વાર્તાઓમાં હું એમને વૃદ્ધ નહીં થવા દઉં. અમદાવાદથી નીકળ્યો ત્યારના આખા રસ્તે રમણીકની ભાષામાં કહીએ તો, ‘કૂતરાં ખડ ખાઈ ગયાં હોય’, એવા વિચાર આવતા હતા. રમણીકનું બોલવાનું પહેલેથી જ આવું હતું. અમે એના વાડામાં બનાવેલા મકાનના પાકા ધાબા નીચે બેસીને છઠ્ઠા-સાતમાનું લેશન કરતા હોઈએ ત્યારે એના દાદા તડકાથી ત્રાસી ખેતરેથી તરસ્યા થઈને આવે. ગોળામાંથી આખો લોટો ભરીને, માથે વીંટાળેલું પનિયું પડી ન જાય તે માટે એક હાથ માથાના પાછલા ભાગે ટેકવી બીજા હાથે અધ્ધર પકડેલા લોટામાંથી ધાર કરીને ‘ઘટકઘટક’ અવાજ સાથે એકશ્વાસે બધું પાણી પી જાય, ત્યારે રમણીક મને કોણી મારીને એમના ગળામાં ઉપર-નીચે થતો હૈડિયો બતાવે. પછી એના દાદા પનિયું છોડી એનાથી મોં લૂછીને, ફરી માથે વીંટી અમારી સામે જોઈને ‘એલા છોકરાંવ બરાબર ભણજ્યો હો નકર આ અમારી જેમ ખેતરમાં કાળા ઉનાળામાં ઢવડા કરવાના દિવસો આવશે,’ કહીને જીવન ઉપયોગી કેળવણી આપી દીધી હોય એવા સંતોષથી બીજા વૃદ્ધો સાથે ચોરે બેસવા ચાલ્યા જતા. એના ગયા પછી રમણીક કહેતો, ‘જોયો? આતાની નૈઢિયો જોયો?’ ‘એમાં શું છે જોવા જેવું?’ ‘અસ્સલ સોપારી જેવો છેને?’ ‘તે શું છે?’ ‘મને રોજ થાય કે એ સૂતા હોય ત્યારે સૂડી લઈને એને સોપારીની જેમ વેતરી નાખવો જોઈએ.’ ‘કોડા, ઈ તારા ગ્રાન્ડફાધર થાય છે એના વિશે આવી કલ્પના ન કરાય.’ ‘એમાં શું? અમથાય ઈ હવે મરવાના કાંઠે પહોંચી ગયા છે.’ ‘હાલ્ય હાલ્ય હવે, લેશનમાં ધ્યાન રાખ.’

આગળ રમણીક અને નટુ ચાલ્યા જતા હતા. મને રમણીકની સૂડીવાળી વાત યાદ આવી. મારો હાથ અનાયાસ ગળા સુધી ગયો. સાલ્લું માથું ચડી ગયું છે, ચા પીવી પડશે. રમણીકની ડેલી આવી. એની અંદર ગયા એટલે એણે મારા હાથમાંથી બેગ લઈને ઓસરીમાં હારબંધ આવેલા ચાર રૂમમાંથી એકમાં જઈને અંદર મૂકી આવ્યો. નટુ થોડા વિવેક ભરેલા અવાજે બોલ્યો, ‘આમ તો મારા ઘેર્યે ઉતારો રાખત પણ મારે કાલ મે’માન આવી ગ્યા એટલે રમણીકે કીધું, ‘મારે ત્રણ રૂમ ખાલી જ પડી છેને?’ કાળુ આયાં ઊતરશે.’ રમણીક બહાર આવતાં બોલ્યો, ‘આમેય તમારું ઘર તો હવે નિણ ભરવાના કામનું રહ્યું છે. એવા કડબ ભરવાના ઘરમાં સાફસૂફી કરવાની કાહટી કોણ કરાવે? તારે રે’વાનું કેટલા દી’? જંઈ આવે તંઈ મારે કે નટુને ત્યાં વગર કીધે આવી જાવાનું.’ રમણીકનાં પત્ની સ્ટીલની કીટલીમાં ચા લઈને આવ્યાં. મારા હાથમાં સ્ટીલની રકાબી પકડાવતાં બોલ્યાં, ‘મારાં દેરાણીને કેમ નો લાવ્યા?’ મેં ચાનો સબડકો ભરતાં રમણીકને પૂછ્યું, ‘તું મારા કરતાં મોટો છો?’ ‘અરે ભાઈ, મોટાઈ તારી ભાભીને આંટો લઈ ગઈ છે. આખા ગામની વહુવારુંને દેરાણી બનાવતી ફરે છે.’ નટુ કહે, ‘તે મોટાઈ તો આવે જને. આ રમણીકે ઘૂડખાડાવાળા રસ્તે પાંચ વીઘાનું ખેતર લીધું, દેવળિયાના કેડે છ વીઘાની વાડીનું બાનું આપ્યું છે. મંડળીનો વહીવટ હાથમાં લીધો છે. એટલે મોટાઈ તો આવે જને?’ મેં પૂછ્યું, ‘રમણીકની ચડતી કળાના સમાચાર તો ત્યાં ઠેઠ અમદાવાદ સુધી પહોંચી ગયા છે, પણ નટુ તારે કેમ છે?’ ‘મારેને? મારે તો જેટલી જમીન ભાગમાં આવી’તી એટલી જ છે. કોઈ વધારો નથી કરી શક્યો. વેચવાની નોબતેય નથી આવી પણ આપણી દિશાએ નહેર આવતાં પાકમાં સરખાઈ આવી ગઈ છે. ખરચા જેટલા તો નીકળી રે’ય છે.’ ‘જો રમણીક, તારે સારું છે તો નટુને ક્યારેક જરૂર પડે તો પૈસા ઉછીના આપવા. સાલ્લા, એમાં બહાનાં ન બતાવતો.’ મને કોણ જાણે કેમ પણ ગામમાં આવ્યો પછી ગળામાં ખરેરી બાઝી જતી હતી. રમણીકે ફળિયામાંથી એક સળી ઉપાડી અને દાંત ખોતરતાં બોલ્યો, ‘તે આપણી કે દી’ના છે? એને જંઈ જરૂર પડે તંઈ પાંચપચ્ચીસ હજાર લઈ જ જાય છે. મેં કોઈ દી’ વ્યાજેય ગણ્યું છે હેં, નટા’ ‘એમાં તો નાં પડાય એમ નથી. ઈ તો તારે જોતા હોય તો તનેય વગર વ્યાજે ધીરે એવો છે.’ ‘તો બસ’ હું સંતોષથી બોલ્યો અને ખોટો ખોંખારો ખાધો. ભાભીએ નટુને કીધું, ‘મારાં દેરાંણીને કઈ કઈને થાકી કે કો’ક દી’ બેસવા આવોને પણ ઈય નથી મંડાતા.’ ‘લે, તો હું એની સાસુ હોય એમ તારી પટલાઈ હાંક્યા કરે ઈ કરતાં તો કથા સાંભળવા નો જાય? કાન તો પવિત્ર થાય.’ રમણીકે એમને લીધાં. મને યાદ આવ્યું, દસમામાં દિવાળીના વેકેશનમાં રમણીકની સગાઈ થઈ ગઈ હતી. લગ્ન પહેલાં બંને એકબીજાને કાગળ લખતાં ત્યારે હું કાગળમાં ટાંકવા માટે અમરેલીથી લઈ આવેલી સસ્તી ચોપડીઓમાંથી રમણીકને શાયરીઓ શોધી આપતો. હવે એ બંનેને આ યાદ હશે? ભાભી રકાબીઓ ભેગી કરીને ગરવાઈથી હસીને જતાં રહ્યાં. રમણીક બોલ્યો, ‘લે હવે નાંઈને પરવાર્ય અટલે ન્યા જાઈ, ભીખુદા’ કે’તો હતો કે કાળુને તરત જગ્યામાં ચાપાણી કરવા લાવજ્યો.’

જગ્યામાં પહોંચ્યા ત્યારે આવતી કાલના ઉત્સવની તૈયારી ચાલતી હતી. ભિક્ષાચરણ દૂર એક ઓસરીમાં પાતળી ગાદી પર બેસી, ગૌમુખીમાં હાથ રાખીને માળા ફેરવતા હતા. એમણે સાદો સફેદ ઝભ્ભો, એકદમ સફેદ ધોતિયું વીંટીને પહેર્યું હતું. એ આસપાસ ચાલતી રઘવાટભરી દોડધામ પોતાને કોઈ લેવાદેવા ન હોય એમ જોઈ રહ્યા હતા. તો બેચાર સેવકોએ આ બધું ચાલી રહ્યું છે, એમાં પોતાને જ બધી લેવાદેવા હોય એમ આમથી તેમ દોડાદોડ કરી મૂકીને બાકીના બીજા સેવકોને મૂંઝવી માર્યા હતા. એમણે દૂરથી જોઈને માળા વિનાનો બીજો હાથ ઊંચો કરી નિખાલસ સ્મિત આપ્યું. નટુએ મને કાનમાં કહ્યું, ‘આમ તો હાળો ભાઈબંધ છે પણ હવે બીજા સેવકોય હાજર છે. તે પગે લાગજે.’ ‘અચ્છા, અચ્છા એવું છે એમ?’ ‘હા, થોડો દેખાવ કરવો પડશે. એકલા હોઈએ ત્યારે તો એ ભાઈબંધની જેમ વરતે છે.’ અમે ત્રણેયે જઈને પ્રણામ કર્યા. એમણે ગૌમુખીવાળો હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યા. એના શરીર પર હજી ઉંમરની કોઈ અસર નહોતી. ‘ક્યારે આવ્યા, કાળુભાઈ?’ ‘જુઓને, કલાક પહેલાં. સીધા રમણીકને ત્યાં જઈને સામાન મૂક્યો અને ચાપાણી પીને તરત અહીં આવ્યા.’ ‘ઉતારો તો જગ્યામાં રાખવો’તો. આપણે જગ્યામાં હવે તો બે એ.સી. રૂમ પણ ઉતાર્યા છે. અમદાવાદ અને સુરતવાળા સેવકોની જગ્યા પ્રત્યે સારી આસ્થા છે. એમને રોકાવામાં મુશ્કેલી ન પડે એ જોવું આપણી ફરજ છે.’ ‘અહીં તમારે મોટો સમૈયો છે એમાં વળી ક્યાં ભીડ કરવી? રમણીકને ત્યાં ઠીક છે.’ એ હસ્યા અને વધારે વાત ન લંબાવી. પછી થોડી વારે એમણે બાજુમાંથી પસાર થઈ રહેલા કોઈ સેવકને હાક મારીને બોલાવ્યો, ‘એલા, આ અમદાવાદવાળા મહેમાનો માટે તાજી ચા બનાવીને લાવજો.’ ‘અરે આપણે ત્યાં પીધી.’ રમણીક બોલ્યો. ‘રમણીકભાઈ, તમારે હા-ના કરવાની નથી. આમેય અમારા મહેમાન તમે ઝૂંટવીને વચ્ચેથી લઈ ગયા છો. ન્યા અમદાવાદમાં તો સાહેબ પકડાતા નથી.’ અમે ચારેય હસ્યા. એમની બાજુમાં કોક બાંઠકા એવા ભાઈ ભગવાં કપડાં અને લાંબા વાળમાં ખૂબ તેલ નાખીને બેઠેલા. એમણે પૂછ્યું, ‘તમારા એક નમરના સેવક લાગે છે?’ ‘અરે, અમારા પૂર્વજીવનના ભાઈબંધ છે. સાથે ભણતા. હવે ગાંધીનગર સચિવાલયમાં રેવન્યુ ખાતામાં નોકરી કરે છે.’ ‘લે. એલા, આપણે ગાંધીનગરવાળાનું તો ખાસ કામ છે.’ ભિક્ષાચરણે એ બાંઠકાની ઓળખાણ કરાવી, ‘કનૈયાલાલ મહારાજ છે. મોરબીની બાજુમાં વીસડયાળી જગ્યાના મહંત છે. હરદ્વારમાં અમે વેદાંતનો ત્રણ મહિનાનો કોર્સ હાર્યે કરેલો.’ ‘લે, એમ છે?’ કહીને અમે ત્રણેયે નમસ્કાર કર્યાં. ભિક્ષાચરણ બોલ્યા, ‘કાળુભાઈ તમે બોવ મોંઘા થઈ ગ્યા છો. બાકી આ બે દી’ તો જગ્યાનાં બધાં સેવક ભાઈબેનો આવાં કીડિયારાની જેમ ઊભરાય છે. એક તમે જ નો દેખાણા. હવે આવ્યા છો તો મેં નવા સુધારા કરાવ્યા ઈ ખાસ જોજો. આપણે સેવકો માટે એટેચ સંડાસ બાથરૂમવાળી દસ રૂમ ઉતારી છે. આ વરસે ચોમાસા પછી ગૌશાળા પણ શરૂ કરવી છે. જો મેળ પડે તો સદાવ્રત પણ શરૂ કરવું છે.’ ‘ચોક્કસ હવે આવ્યા છીએ તો બધું જોઈ લેશું.’ કનૈયાલાલબાપુને કીડીઓ ચડતી હતી, ‘ઓેલ્યા ગાબાણીભાઈ તમારે ત્યાં નોકરી કરે છે? હમણાંથી ફોન ઉપાડતા નથી.’ ‘હા, એની હમણાં બદલી થઈ ગઈ છે.’ ‘તે ઈ તમારા સાહેબને કે’જોને કે બાપુ ઈયાદ કરતા’તા.’ ‘એ મારો સાહેબ નથી. એ મારી બ્રાન્ચમાં કારકુન હતા. પણ બાપુ, ક્યાંક તમે એને પૈસાબૈસા નથી આપી દીધાને? એ ગાબાણી એનજીઓ અને ધાર્મિકસંસ્થાવાળાને પ્રોમિસ આપતો ફરે છે કે તમને સરકારી જમીન પાણીના ભાવે અપાવી દઈશ પછી એમની પાસેથી એડવાન્સમાં પૈસા લઈ લે છે. હમણાં બેચાર સંસ્થાવાળાઓએ અમારી બ્રાન્ચમાં આવીને ગાળાગાળી કરી એટલે એનો ભાંડો ફૂટ્યો, એમાં એની બદલી કરી છે.’ ‘તે હા, મનેય કીધેલું કે આશ્રમની બાજુનો સરકારી ખરાબો લાગુ પડતી ભેણી તરીકે અપાવી દઈશ.’ ‘અને પૈસા બી લઈ ગયો હશેને, બરાબર?’ બાપુ સમસમી ગયા. કશું બોલી ન શક્યા. ભિક્ષાચરણ ફરીથી બોલ્યા, ‘ગૌશાળા જ્યાં કરવા ધારી છે ઈ જમીન ખાસ જોતા જાજ્યો.’ મને થયું આ વારંવાર એકની એક વાત કરે છે તો સંકેતમાં કદાચ ફાળો માંગતા હશે. મેં ખિસ્સામાંથી અગાઉ તૈયાર રાખેલા પાંચ હાજર કાઢીને એમના તરફ લંબાવ્યા. એ ચમક્યા પછી, ‘કાળુભાઈ, કાળુભાઈ,’ કહીને હસી પડ્યા. પણ અમારી આજુબાજુ બેઠેલા સેવકોમાં ખળભળાટ મચી ગયો. ‘આ ચૂં કરો ચો?’ એક સેવક ગુજરાતી ભાષાને ‘ચૂં ચાં પૈસાની’ કરીને બોલ્યા. અને એમ હશે કે ‘ચ’ છાંટવાથી ભાષા અભડાઈ જતી બચી જાશે. ત્યાં બીજા સેવક રોષથી બોલ્યા, ‘બાપુને અજાચક વ્રત છે એટલીએ ખબર નથી? બાપુ પૈસો હાથમાં પકડતા નથી.’ ‘તો કેવી રીતે પકડે છે? મને નવાઈ લાગી કે હમણાં તો નવી દસ રૂમની અને ગૌશાળાની વાત થતી હતી અને પાછો પૈસા લેવાની ના પાડે છે! ‘અરે! એમને જે પ્રસાદી, અટલે કે એમાં ફૂલ, શ્રીફળ અને પૈસા સીકે આવી જાય, સમજ્યા? ઈ ધરવું હોય તો બાપુ એને હાથ અડાડે ઈ વાતમાં માલ નૈ! એના વતી કોઈ સેવક ઈ બધું સ્વીકારે, સમજ્યા? પછી બાપુ રાજી થાય તો સાકરનો પડો મગાવીને એને હાથ અડાડીને આપે એટલે એ પ્રસાદી થઈ જાય, ઈ આપણે સ્વીકારવાની’ મને થયું એને કહ્યું કે, ‘કોડા, આપણે જે ધરાવીએ એને તો નૈવેદ્ય કહેવાય.’ ત્યાં પે’લા ‘ચકારે’ ફરી ઝુકાવ્યું, ‘આટલા ચુધરેલા થઈને બિલકુલ ચમજતા નથી?’ આમ ‘ચ’કાર કરવાથી અને એક ભણેલી વ્યક્તિની ટીકા કરવાનું મળ્યું એટલે એ અને બીજા સેવકોને જાણે સવારમાં ઊઠ્યા પછી બ્રશ કર્યા વગર મોઢું તદ્દન ચોખ્ખું થઈ ગયું હોય, એટલું જ નહીં ઉપરથી મોંમાંથી મિંટની તાજી સુગંધ આવતી હોય એવી લાગણી એમના ચહેરા પર છવાઈ ગઈ. એ બધાને પોતાનું હોવું સાર્થક લાગતું હોય એવા હાવભાવ થઈ ગયા. તો કનૈયાલાલબાપુના મુખભાવ પરથી લાગતું હતું કે મારા તરફ પાંચ મિનિટ પહેલાં જન્મેલા એક ભૌતિક આદરનું બાળમરણ થયું છે. ત્યાં નટુએ મારો હાથ કોણી પાસેથી ખેંચ્યો, ‘હાલ, જગ્યામાં આંટો દઈએ.’ નટુ, રમણીક અને હું ઊભા થયા. મેં થોડી દૂર જઈને કહ્યું, ‘ખરું છે માળું! ચા કરતાં કીટલી વધારે ગરમ છે. ‘જો, આ તો તું આવ્યો અટલે તારી હાર્યે ખેંચાઈને આયાં આવ્યા, બાકી આ સેવકોનું રાવણું હોય તંઈ અમે જગ્યામાં પગ નો મૂકીએ. બાપુને કઈ દીધું છે, સાથે ભણતા’તા ઈ જૂની વાતો કરવાની ઇચ્છા હોય તો રાતે તમારાં ભજનિયાં પતી જાય પછી જ અમને બેયને બોલાવવા.’ એક લીંબડાને ગોળફરતો ઓટલો ચણ્યો હતો, ત્યાં જઈને હાથરૂમાલ પાથરીને હું બેસી ગયો. સામે પતરાની છાપરીવાળી ઓસરીને બે દિવસ પૂરતી રસોડામાં ફેરવી દીધી હતી, જેમાંથી ધુમાડાની અને ઘીની કોઈ મીઠાઈ બનાવવાની સુગંધ આવતી હતી. નટુ બોલ્યો, ‘તું આયાં ઘડીક બેસ, હું અને રમણીક રસોડામાં આંટો મારતા આવીએ. કાલ હાટુ પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે કે કેમ એય જોવું પડશે.’ મારા મનમાં ચણચણાટી થતી હતી. મેં એમ જ જમણી બાજુની લાંબી પરસાળમાં જોયું. ત્યાં કેટલીક સ્ત્રીઓ ધોળ ગાતી ગાતી સાંજના ભોજન માટે શાક સમારતી હતી. એમાંથી એક પરિચિત લાગતી સ્ત્રી ઊભી થઈ. આજુબાજુની ભીડ અને અવાજો અને ભક્તિ સંગીતથી સહેજ પણ રજોટાયા વગર જાણે કે કોઈ સ્વપ્નમાં ચાલતી હોય એ રીતે મારા તરફ આવી. મારા ગળે ફરીથી ખરેરી બાઝી. હા, આ એ જ હતી. કેટલાં વરસે એને જોઈ? મેં એનું નિરીક્ષણ કર્યું. એ ચાલતી ત્યારે લાડ માંગતી હોય એ રીતે પગલાં માંડતી. એ ચાલ આજે પણ જળવાઈ રહી હતી. આટલાં વરસોમાં એના દેખાવમાં બહુ બદલાવ આવ્યો નહોતો. ક્યારેક મોડી રાતે અચાનક ઊંઘ ઊડી જાય ત્યારે એને ઘણી વાર યાદ કરતો. ધારણા કરતો કે હવે તો એનું ફિગર બગડી ગયું હશે, પણ આશ્ચર્યકારક રીતે એ ચુસ્ત, જળવાઈ રહ્યું હતું. હા, કાન પાસે થોડા વાળ સફેદ થવાની શરૂઆત થઈ હતી. એણે લીલા રંગની સાડી બીજી સ્ત્રીઓ કરતાં જુદી ઢબે પહેરી હતી. એ મારી સામે આવીને બે ફૂટના અંતરે ઊભી રહી. એના હાથમાં હાઈસ્કૂલના દિવસોમાં રાખતી એવો નાનો વેલબુટ્ટાવાળો રૂમાલ હતો. અહીં સરસ ઠંડી હવા આવતી હતી, છતાં એના કપાળ પર પરસેવાનાં મોતી બાઝવા મંડ્યાં હતાં. એ બે સેકંડ ઊભી રહી. એની મોંકળામાં એ જ કુમાશ હતી. એ બોલી, ‘કેમ છો, ભાઈ? ‘ભાઈ!’ એ ‘ભાઈ’ ન બોલી હોત તો મેં એના દાંતની સફેદ પંક્તિઓ નોંધી હોત. પણ, ‘ભાઈ?’ મારા મગજમાં સટાકો બોલી ગયો. મેં ચીડથી કહ્યું, ‘ચલ ચલ હવે ભાઈની વહુ ના જોઈ હોય તો.’ એણે આવા જવાબની ધારણા નહોતી રાખી. એ ઘડીભર સ્તબ્ધ થઈને એમ જ ઊભી રહી. એના ચહેરા પર એક ક્ષણ લાલાશ આવી અને તરત એનું સ્થાન ગુસ્સાએ લીધું. હાઈસ્કૂલના એ દિવસોમાં એને બરો બહુ હતો. ગુસ્સાની એ ક્રિયા થોડી વધારે ચાલી હોત તો એનો ચહેરો ક્રોધથી તમતમી ગયો હોત અને પીઠ ફેરવીને ચાલતી થઈ હોત. પણ એણે એક ઊંડો શ્વાસ લીધો. ચહેરા પર ખસિયાણું હાસ્ય આવ્યું. એણે એ રીતે જ હસીને પૂછ્યું, ‘કેમ આ રીતે વાત કરે છે? મારી ઓળખાણ ન પડી?’ ‘ઓળખાણ પડી એટલે તો ગુસ્સો આવ્યો.’ ‘સમાચાર પૂછ્યા એમાં ગુસ્સો?’ ‘અરે, ત્યાં પે’લો બાવો એક વાક્યમાં ભીખ માંગે છે અને આપણે પૈસાની થોકડી ધરીએ તો બીજા વાક્યે અજાચક થઈને ઊભો રહે છે અને હવે તને ‘ભાઈ-ભાઈ’ સૂઝે છે.’ ‘તારી રીસ તો એવી ને એવી જ રહી.’ ‘સા...રું, આને રીસ ગણવી, બસ.’ એ હસી પડી, ‘તને કઈ રીતે પૂગવો?’ ‘હા, એ ચિંતામાં બહુ દૂબળાં પડી ગયાં નહીં? એટલે આવ્યાં છો આટલાં વરસે તમારું મોં-સોરી. મોગો...બતાવવા.’ ‘મોગો તો તું ચડાવીને બેઠો છો. અમારી આવી કદર કરવાની?’ આટલું બોલ્યા પછી સ્વાભાવિક રીતે ચહેરા પર રીસનો ભાવ અપેક્ષિત હતો પણ એને અચાનક યાદ આવ્યું તો હવે પૂરું હસતાં બોલી, ‘એ, મોગો.. શબ્દ યાદ આવે છે?’ મેં વિચાર્યું. ‘અરે... હા... હાઃ’ દસમામાં એ એકધારી દસ દિવસ સ્કૂલે નહોતી આવી. મેં અકળાઈને નટુ અને રમણીકને એની ડેલી બાજુ ચક્કર લગાવવા મોકલેલા. પણ એના કોઈ સમાચાર નહોતા. છેવટે એ એક દિવસ ફરી દેખાણી, કદાચ એને તાવ આવેલો, મેં નોટના પાનાનો ડૂચો કરીને એના પર ફેંકેલો. એણે એ ખોલી, હથેળીથી ઇસ્ત્રી કરીને કાગળ ફરીથી સપાટ કરીને વાંચેલો. મેં એમાં લખેલું. ‘મરી જાવ... મરી, હવે શું આવ્યાં છો મોગો બતાવવા?’ પછી એણે વર્ગમાં આખો દિવસ મારી સામે જોઈ ડાબો અને જમણો ગાલ અને શરીર વારાફરતી બંને બાજ ઝટકો આપીને, ‘આ મોગો? આ મોગો?’ એમ કહી મોઢાનો મોગો બનાવીને ચાળા પાડ્યે રાખ્યા હતા. અમારે ‘જનતા વિદ્યાલય’ હાઈસ્કૂલમાં વળી રક્ષાબંધનને આગલા દિવસે છોકરા અને છોકરીઓનો શાળાનો અલાયદો એવો રક્ષાબંધનનો કાર્યક્રમ સંસ્કૃતના શિક્ષક શુક્લઅદા આગ્રહ કરીને રખાવતા. એમાં વર્ગની એક છોકરીએ કોઈ એક છોકરાને રાખડી બાંધવાની રહેતી. કયો છોકરો અને કઈ છોકરી એ શુક્લઅદા પોતે આંતરિક પ્રેરણાથી સ્થળ પર એ સમયે જ નક્કી કરતા. એમાં દર વરસે મારો જીવ સુકાઈ જતો અને એના ચહેરા પરથી પણ લોહી ઊડી જતું. હું ભગવાનને પ્રાર્થના કરતો કે, ‘હેડંબા જેવી શારદી મારી બેન થજો, પણ પેલ્લી મને રાખડી બાંધે એવું ના કરતા.’ મારા નસીબે ત્રણેય વરસ દરમિયાન એને રાખડી બાંધવાની ન આવી. છેલ્લા વરસે રાખડીના કાર્યક્રમના દિવસે એ મારી અંગ્રેજીની નોટ લેવા ઘેર આવી ત્યારે મને પૂછેલું, ‘ધાર કે મારે તને રાખડી બાંધવાનો વારો આવ્યો હોત તો તું મારો ભાઈ થાતને? મને ગુસ્સો ચડ્યો, ‘ચલ ચલ હવે ભાઈની વહુ ના જોઈ હોય તો.’ હું હસી પડ્યો. હા, ‘મોગો’ યાદ આવ્યું, ‘ભાઈની વહુ’ પણ યાદ આવ્યું. વચ્ચે આ શબ્દો ક્યારેય યાદ નહોતા આવ્યા. આટલાં વરસે યાદ આવ્યા. ત્યાં મને નટુનો ઉતાવળિયો અવાજ સંભળાયો, ‘એ શાંતિલાલ... એ શાંતિલાલ... ન્યા ક્યાં ધોડ્યા જાવ છો... ભલ્યે માંણા, મેં કામ સોંપ્યું’તું ઈ યાદ રાખ્યું કે બસ એમનમ બેય માણહ હાથ ઉલાળતા હાલ્યાં આવ્યાં છો?’ જેને નટુએ ‘શાંતિલાલ’ તરીકે સંબોધન કર્યું હતું એ અમારાથી ઠીકઠીક દૂર અટકીને ઊભા રહ્યા. ‘કયું કામ? બોલોને, નટુભાઈ?’ ‘ઓલ્યું જાયફળ અને ખસખસવાળું.’ ‘તે લાવ્યો છુંને.’ ‘લાવો... લાવો. એની જરૂર છે.’ ‘અટાણે?’ ‘અરે કાલે પીરસવાના લાડવા અત્યારે બનાવવાના છે. રાતે ચોકીમાં ઠારીને ઢાંકી દેવાના છે. ખસખસ ભભરાવીને. અટાણે જ જોશે.’ ‘તે અટાણે આપી દવ બોલોને... તમે કીધું’તુંને કે અમારે લીલિયામાં સારી જાતના ખસખસ અને જાયફળ નથી મળતા એટલે ઢસાની માર્કેટમાં ખાસ આંટો મારીને ઊંચા માંયલા લઈ આવ્યો છું.’ ‘લાવો, લાવો, કાઢો અટાણે જ જોશે.’ ‘હું તો ભૂલતો હોઈશ ભલામાણ્યે?’ બોલતાં બોલતાં શાંતિલાલ નટુ સાથે ઉતારાની રૂમ તરફ ચાલતા થયા. એ આ બંનેને જતા જોઈ રહી, પછી મને કહે, ‘મારા ઘરવાળા છે.’ ‘શાંતિલાલ?’ ‘હા.’ ‘ઓહ!.. મેં પહેલી વાર જોયા.’ ‘બહુ સારા છે.’ હું ચૂપ થઈ ગયો. એ મારી સામે જોઈ રહી. પછી આજીજી કરીને બોલી, ‘આ નટુભાઈએ મેળાપની ત્રણચાર મિનિટ વધારી આપી છે. એમાં કંઈક વાત તો કર.’ હું તતપપ થઈ ગયો, ‘શું વાત કરાવી છે, બોલ?’ ‘જે ફાવે તે.’ ‘સારું ત્યારે, તું સમીનમી તો છોને?’ એ હસી પડી, ‘સમાનમા જ હોઈએને. અમે તારી જેમ મોગો ચડાવીને નો ફરીએ હો.’ કહીને એણે ડાબા જમણા ગાલ વારાફરતી ખેંચીને મોગા ચડાવ્યા. મને હસવું આવ્યું અને રીસ પણ ચડી, ‘જો હવે તું ભૂતકાળ અને વર્તમાન ભેગા ના કરી દે.’ ‘તે એમ જ હોયને, થોડી સમતા રાખતાં શીખીએ.’ ‘સારું, સારું મોટી બેન, બસ?’ ‘જો...જો... હવે તું બોલ્યો છો હો. મને ના કહેતો : ચલ ચલ હવે ભાઈની વહુ ના જોઈ હોય તો..’ ‘હશે, હશે. સલાહ દેવામાં બાકી રહી ગયાં હતાં તો તમે પણ વારો કાઢો.’ ‘સાવ ગાંડીઓ જ રહ્યો. જો, સમતા રાખીએ.’ આ સમતા શબ્દ જગ્યાના સેવકોમાં પ્રિય હશે કે એનાથી એ બીજું કશુંક કહેવા માંગતી હશે? મારી આંખમાં જેટલી પણ સમાઈ શકે એટલી તૃષ્ણા ભરીને મેં એની સામે જોયું. ગામ છોડ્યા પછી સામેનું પાત્ર ચાહે સાત સારું હોય પણ મારા કોઈ સ્પર્શ, કોઈ ચુંબન કે કોઈ શરીરસંબંધમાં એ તૃષ્ણાને મેં કદી કોઈના પર ન્યોછાવર કરી નહોતી. મારી જીદ હતી કે આ એની થાપણ હતી, જે એના માટે જ ગોપવીને રાખું. હું વિચારતો : અચાનક એક દિવસ એ આવશે અને પોતાની આ અનામતની માંગણી કરશે તો હું એને અક્ષત આપી તો શકીશને? પણ મને ખ્યાલ આવ્યો કે હવે એનો કોઈ અર્થ નહોતો. જિંદગીમાં આ પહેલી અને છેલ્લી એક ઢળતી બપોર હતી, જેમાં આ કઢંગા સ્થળે અને આ જ ક્ષણે એ તૃષ્ણા નજરોમાં ભરીને ફક્ત આંખોથી જ એની સાથે સંવનન કરવાનું હતું. એ અસહજ થઈ ગઈ, ‘આવી રીતે કેમ જુએ છે? મને કોઈ દી’ જોઈ નથી?’ એટલું બોલતાં એનું ગળું ભરાઈ આવ્યું. એ અચાનક પીઠ ફેરવીને ચાલતી થઈ. દૂરથી નટુ અને શાંતિલાલ ‘હો... હો..’ની બુમરાણ કરતા આવ્યા. એમાં નટુનો અવાજ અકુદરતી રીતે મોટો હતો. મેં ફરીથી બધે નજર ફેરવી. લોકોનો ઘોંઘાટ અને દોડધામ હવે મને અડતાં નહોતાં. એ આવી હતી ત્યાં પાછી સ્ત્રીઓના ટોળામાં જઈને બેસી એનું કામ કરવા માંડી. ‘એ આવો, ઓળખાણ કરાવું, આ અમારા કાળુભાઈ’, કહેતાં નટુ અને શાંતિલાલ નજીક આવ્યા.

સાંજે રમણીકનાં પત્નીએ જગ્યામાં જમવા ન જવા દીધો. કહે, ‘આયાં ઘેરે જ જમવાનું છે. કાલે જગ્યામાં લાડવા ખાજો ધરાઈને, મારાં દેરાણી કહેશે કે અમારા એને તમારે ઘેરે એક ટંક પણ થાળી એંઠી નો કરાવી? નટુભાઈએ પણ આયાં જ વાળું કરવાનું છે.’ ‘એલા, ફરી પાછી દેરાણી?’ રમણીક હસીને બોલ્યો, ‘હવે ભઈ, તું મને મોટો માની લે, બસ.’ ભાભી હસતાં હસતાં જતાં રહ્યાં. જમ્યા પછી અમે ત્રણેયે નક્કી કર્યું અત્યારે જગ્યામાં ભજનમાં નથી જવું. અહીં જ તડાકા મારીએ. જાતભાતની વાતોમાં મેં ધીરે રહીને પૂછ્યું, ‘નટા?’ ‘બોલને?’ ‘પેલું જાયફળ અને ખસખસવાળું તો બહાનું હતુંને?’ નટુ હસી પડ્યો, ‘એ તો એમ જ હોયને ત્યારે. ‘તું અમારી ચોકી કરતો હતોને?’ ‘ડાબી બાજુ હું હતો. જમણી બાજુ રમણીક ઊભેલો ઈ તારું ધ્યાન નહીં પડ્યું હોય.’ ‘આપણે ભણતા ત્યારે આ જ રીતે કોઈને તમારી પાસે ફરકવા ન દેતા.’ ‘આપણી પાસે બધા પ્લાન રેડી હોય, સમજ્યો? ભાઈબંધી કોને કઈ છે?’ ‘સલ્લાવ.’ મને હસવું આવતું હતું.’ થોડી વાર બંને ચૂપ રહ્યા. પછી રમણીક બોલ્યો, ‘કાળુ, એને કોઈ દી’ અડ્યો છો કે નઈ?’ ‘શું અડવાનું? યાર, ત્યારે તો આપણે માંડ દસમામાં હતા.’ ‘હવે ભાઈ, આપણો જંતી તો નવમામાં એની ઓલીને એક વાર મોકો મળ્યો તો તે બધે અડી આવેલો.’ ‘ના, ના. આપણે એવું નથી કર્યું.’ ‘છતાંય કંઈક તો હશે.’ ‘હવે એમાં એવું થયેલું કે આપણે નવમામાં હતા ત્યારે હેડમાસ્તર કાલાવડિયાસાહેબની બદલી નહોતી થઈ?’ ‘એ તો યાદ જ હોયને.’ ‘આપણે બધાએ હડતાલ પાડવી કે જિલ્લે અરજી કરવી એની માથાકૂટ ચાલતી હતી, એ દિવસોમાં એ અને બીજી છોકરીઓ ‘અમારે શું કરવાનું છે?’ એ પૂછવા ઘેર આવેલી. હું ત્યારે મેડી પર ખાટલામાં બે-ત્રણ ઓશીકાને ટેકે આડો પડેલો, એ બધી ઉપર આવીને ખાટલા પાસે બેસી ગયેલી. વાતો કરતાં સાંજ પડી ગઈ. ચોરામાંથી ઝાલરનો અવાજ આવવા માંડ્યો. ત્યારે તો ગામમાં ઇલેક્ટ્રિસિટી પણ નહોતી આવેલી. એકબીજાનાં મોં પણ ન દેખાય એવું અંધારું હતું, હું વાત કરતાં કરતાં બેઠો થયો અને પગ નીચે લીધા. એ બરાબર એ જગ્યાએ જ બેઠી હતી એનો મને ખ્યાલ ન રહ્યો. મારા પગ એના ખોળામાં ગોઠવાઈ ગયા. મને બે’ક ક્ષણ પછી ખ્યાલ આવ્યો. મેં પગ ખેંચવા કર્યું. પણ એણે હાથથી ખેંચીને એના ખોળામાં જ રહેવા દીધા. દસ-પંદર મિનિટ માટે. એના સાથળની અંદરની કોમળ ત્વચા મારા પગને અડતી હતી.’ ‘અરે, સાલ્લાઓ, પછી?’ ‘પછી શું? થોડી વાર પછી એ બધી ઊઠીને જતી રહી.’ ‘બ...સ્સ, એટલું જ?’ ‘હા, એટલું જ, નટુ. બધાનું અડવું જુદું જુદું હોય. અમારું આવું હતું.’ થોડી વાર સુધી શાંતિ છવાએલી રહી. નટુ બોલ્યો, ‘ચાલો હવે પથારીભેગા થઈએ. કાલે આખો દી’ જગ્યામાં જશે. મારે તો નવ વાગ્યા પહેલાં ખેતર આંટો દઈને સીધું જગ્યામાં આવી જવું પડશે.’ રમણીક બોલ્યો, ‘હા સાલ્લું, મારેય ખેતર વે’લા આંટો મારી દેવો પડશે.’

બીજા દિવસે દસેક વાગે અમે ત્રણેય જગ્યામાં પહોંચ્યા. બધે માણસો હકડેઠઠ્ઠ હતું. યજ્ઞ અને રસોઈના ધુમાડામાં કોલાહલ ભળીને સાવ જુદું જ વાતાવરણ ખડું કરતો હતો. મને આમ પણ ભીડમાં ચક્કર આવવા જેવું થાય છે. ગઈ કાલની ઓછા અવાજવાળી આ જગ્યા જ નહોતી. શાંતિલાલ કે એ ક્યાંય ન દેખાયાં. રમણીકે અને નટુએ તપાસ કરી, ‘ઢસાવાળાં મે’માન ક્યાં ગ્યા? ક્યાં ગ્યા?’ થોડી વારે કોઈએ કહ્યું, ‘એ તો બસ પકડવા એ પાદર ઊભાં છે. અમને સમજાયું નહીં : એ લોકો કેમ અધવચ્ચેથી નીકળી ગયાં?’ અહીં પણ કોઈને ખબર નહોતી. મેં કહ્યું, પાદર જઈએ. સામેથી લોકો પૂરમાં તણાતા આવતા હોય એમ બહારગામથી જગ્યામાં આવ્યે જતા હતા. દૂર બસસ્ટેન્ડે એ બંને એકાકી ઊભાં હતાં. રમણીકે પૂછ્યું, ‘અરે શાંતિલાલ, કેમ અત્યારમાં ઊપડ્યા? ગઈ કાલે તો ઘેરે ચા-પાણી પીવા આવવાની વાત થઈ હતી.’ ‘અરે, અમારે દુઝાણાવાળી બે ભેંસો પાડોશીને ભળાવીને આવ્યાં છીએ. પણ એ અમારી હાથવાર છે. એ અમારા સિવાય કોઈને દોવા નહિ દે. મેં તમારાં બેનને કીધું કે દર્શન તો થઈ ગ્યા છે તો હવે રોકવાનો અરથ નથી. હાલો નીકળી જઈએ હવે. મેં એની સામે જોયું. એ બોલી ‘તમારા - એટલે કે એ સાચું કે છે, આમેય ટાઇમની ખેંચ્ય લઈને નીકળ્યા’તા. હવે પહોંચવું પડશે.’ ‘લે, ભારે કરી.’ શાંતિલાલ હસીને બોલ્યા, ‘જેવો જેનો મેળ. ઇચ્છા તો બે દિવસ રોકાવાની હતી પણ ફકર્ય છે. એમ કરોને, કંઈક તમે ત્રણેય ભાઈબંધો ઢસા આવી ચડોને. આપણે મેડીબંધ મકાન છે, કોઈ અગવડ નહીં પડે.’ ‘ઈ તો જોશું. પણ તમે રોકાણા હોત તો હળાતમળાતને.’ મેં કીધું, ‘તમારા ગામમાં તો આ જગ્યાના કોઈ સેવક નથી. તમે ક્યાંથી માનતા થયા?’ ‘સાચું હો, અમારા કુટુંબમાં અમે સુરાપુરા સિવાય કોઈને પુંજતા નથી. પણ તમારાં બેન, છેલ્લાં ત્રણ વરસથી કે’ છે : હાલો જાઈ... હાલો જાઈ... છેવટે એક રાત પૂરતા થતા આવીએ... એમાં ફકર્ય વેઠીને આવવું પડે છે.’ રમણીક હસીને બોલ્યો, ‘આ આપણા સેવક-ઇન-લો છે. ઘરવાળી માને ઈ દેવના દર્શનનો લાભ આપણનેય મળે.’ બધા હસી પડયા. ત્યાં જગ્યા બાજુથી ભવાન શ્વાસભેર આવ્યો, ‘એ કાળુભાઈ, તમે આયાં છો, પણ ન્યાં તમને બાપુ ખુદ યાદ કરે છે. હમણાં જ હાલો.’ ‘શું છે હવે, ઘડી વાર રહેને. આ મહેમાનને વળાવીને આવીએ છીએ.’ ‘હાલો, હાલોની. બાપુ યાદ કરે છે. હું મે’માન પાસે ઊભો છું, બસ? તમે જાવ.’ એ બોલી, ‘તે જતો... જતા આવો. બસને હજી વાર છે.’ હું એમ જ ઊભો રહ્યો. ભવાન હાથ પકડીને બોલ્યો, ‘હાલોની, બાપુ બરકે છે.’ હું નામરજીથી ભવાનની પાછળ ખેંચાયો, ‘હમણાં જ આવું છું.’ જગ્યામાં ભિક્ષાચરણ, કાલવાળા બાપુ અને બીજા બે-ત્રણ સંતો મારી રાહ જોતા હતા, ‘આ આવી ગ્યા કાળુભાઈ. કાળુભાઈ સંતોને તમારું કામ પડ્યું છે.’ ભિક્ષાચરણ બોલ્યા. કામ તો ધૂળ જેવું હતું. કનૈયાલાલ બાપુએ મારી ગાંધીનગરની નોકરીવાળી વાત કરેલી એટલે બધાને પોતપોતાના આશ્રમમાં લાગુ પડતી જમીન જોઈતી હતી, તો કોઈને એકાદ ખેડૂત જમીનનું દાન દેવા તૈયાર હતો એની શું વિધિ થાય એ જાણવું હતું. એકાદ સાધુને તો રિવોલ્વરનું લાઇસન્સ કઢાવવું હતું પણ કલેક્ટરે અરજી નામંજૂર કરેલી તે ગૃહવિભાગમાં અપીલ કરવી હતી, ત્યાંથી સેટલમેંટ કરીને એ મંજૂર કરાવવું હતું. એમ ન થાય તો અરજી કલેક્ટરને રિમાઇન્ડ કરાવવી હતી. મારું મન રઘવાયું થઈ ગયું, ‘અરે યાર, હું હજી રોકાવાનો જ છુંને. બધાનાં કેસની ચર્ચા કરી લેત. આમ શું દોડાવ્યો?’ પણ સંતોને બીજે નોતરાં હતાં. તાત્કાલિક નીકળવાનું હતું. પૂરી પિસ્તાલીસ મિનિટે મારો છુટકારો થયો. ભવાન જે રીતે મને શ્વાસભેર બોલાવવા આવ્યો હતો એમ હું પણ બસસ્ટેન્ડે પહોંચ્યો, ત્યાં નટુ અને રમણીક બે જ જણા હતા. ‘ક્યાં ગયાં એ બંને?’ મેં આજુબાજુ જોતાં પૂછયું. ‘એ તો ગયાં.’ નટુ લાચારીથી બોલ્યો. ‘પણ જાય કેવી રીતે? બસને તો હજી વાર છે.’ મને ગુસ્સો આવતો હતો, ‘અરે યાર! લીલિયા બાજુથી એક ચકડો અમરેલી જતો હતો. તે ચકડાવાળો કહે, હાલો બે પેસેંજરની જગ્યા છે. તે શાંતિલાલ કહે કે જતા રહીએ તો ઢસાનું કનેક્શન વહેલું મળી જાય, તે એ તો ગયાં.’ હું એક ઝાડના આડા પડેલા સુક્કા થડ પર બેસી ગયો. નટુ અને રમણીક પણ મારી બાજુમાં આવીને બેઠા, થોડી વાર પછી નટુ કહે, ‘ચાલો જગ્યામાં જઈએ. ત્યાં રાહ જોવાતી હશે.’ રમણીક બોલ્યો, ‘હાલો હાલો તંયે, બાકી હવે તો આયાં કે ત્યાં વળી કોણ રાહ જોવાવાળું હતું?’ ગઈ કાલે આ સમયે આવ્યો હતો અને બંને બસસ્ટેન્ડે લેવા આવ્યા હતા અને ગામમાં પ્રવેશ્યા હતા, એમ ફરીથી ત્રણેય ગામમાં પ્રવેશ્યા, થોડી વારે રમણીક બોલ્યો, ‘કેટલા દી’ રોકાવાનો છો? કેટલી રજા મળી છે? આવ્યા છો તો આજે રાત્યે આપણી વાડીએ ભજિયાનો પ્રોગ્રામ કરીએ?’ ‘રજાને? રજા તો ઠીક, પણ થાય છે, હું પણ આજે સાંજ થતાં નીકળું? ફરીથી પાછો આવીશ. પ્રોગ્રામ નેક્સ્ટ ટાઇમ કરીશું.’ ‘હવે તારું નેક્સ્ટ ટાઇમ તો કોણ જાણે ક્યારે આવશે. આટલાં વરસે આવ્યો છો તો રોકાને, યાર.’ ‘ના, ના, મને જવા દો.’ મેં રમણીકના ખિસ્સામાંથી એનો મોબાઇલ ખેંચીને કહ્યું, ‘ફોન જોડને. તપાસ કર. આજે કોઈ લક્ઝરી બસમાં સીટ છે કે નહીં?’ રમણીક મારી સામું જોઈ રહ્યો. મેં એના હાથમાં એનો જ મોબાઇલ પકડાવ્યો, ‘પૂછી તો જો, મારા માટે કોઈ સીટ ખાલી છે કે નહીં?’