ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વીનેશ અંતાણી/તરસના કૂવાનું પ્રતિબિંબ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} સાંજ સુધી તો કશું જ નહોતું પણ રાત પડતાં તો વાવડો નીકળ્યો અને શ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''તરસના કૂવાનું પ્રતિબિંબ'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
સાંજ સુધી તો કશું જ નહોતું પણ રાત પડતાં તો વાવડો નીકળ્યો અને શરીર પર રેતીના કણના પ્રહાર થવા લાગ્યા. રણની કાંધ ઉપર ચંદ્ર હજી તો ઊગ્યો જ હતો કે ક્ષિતિજ રેતીની આંધીથી ઘેરાઈ ગઈ અને ઉપરનું આકાશ રંગ બદલવા લાગ્યું. એણે ખાટલી ઉપરથી પગ ઊંચા લઈ લીધા. આખા દિવસની ધખધખતી લાય પછી વાવડો ગમતો હતો, પણ વાવડો ખેંચી લાગ્યો હતો તે રેતીનું તોફાન હવે દિવસો સુધી રહેવાનું હતું. હજી તો શરૂઆત હતી. સવાર પડતાં રેતીની દીવાલો ઊભી થઈ જશે અને સુસવાટા મારતો વાવડો પસાર થતો રહેશે.
સાંજ સુધી તો કશું જ નહોતું પણ રાત પડતાં તો વાવડો નીકળ્યો અને શરીર પર રેતીના કણના પ્રહાર થવા લાગ્યા. રણની કાંધ ઉપર ચંદ્ર હજી તો ઊગ્યો જ હતો કે ક્ષિતિજ રેતીની આંધીથી ઘેરાઈ ગઈ અને ઉપરનું આકાશ રંગ બદલવા લાગ્યું. એણે ખાટલી ઉપરથી પગ ઊંચા લઈ લીધા. આખા દિવસની ધખધખતી લાય પછી વાવડો ગમતો હતો, પણ વાવડો ખેંચી લાગ્યો હતો તે રેતીનું તોફાન હવે દિવસો સુધી રહેવાનું હતું. હજી તો શરૂઆત હતી. સવાર પડતાં રેતીની દીવાલો ઊભી થઈ જશે અને સુસવાટા મારતો વાવડો પસાર થતો રહેશે.

Revision as of 08:34, 21 June 2021

તરસના કૂવાનું પ્રતિબિંબ


સાંજ સુધી તો કશું જ નહોતું પણ રાત પડતાં તો વાવડો નીકળ્યો અને શરીર પર રેતીના કણના પ્રહાર થવા લાગ્યા. રણની કાંધ ઉપર ચંદ્ર હજી તો ઊગ્યો જ હતો કે ક્ષિતિજ રેતીની આંધીથી ઘેરાઈ ગઈ અને ઉપરનું આકાશ રંગ બદલવા લાગ્યું. એણે ખાટલી ઉપરથી પગ ઊંચા લઈ લીધા. આખા દિવસની ધખધખતી લાય પછી વાવડો ગમતો હતો, પણ વાવડો ખેંચી લાગ્યો હતો તે રેતીનું તોફાન હવે દિવસો સુધી રહેવાનું હતું. હજી તો શરૂઆત હતી. સવાર પડતાં રેતીની દીવાલો ઊભી થઈ જશે અને સુસવાટા મારતો વાવડો પસાર થતો રહેશે.

એણે આજુબાજુના ભૂંગાઓમાં જોયું. નાની નાની ચીમનીઓનો પ્રકાશ એક એક ભૂંગાને દ્વીપ બનાવી દેતો હતો. ભૂંગામાં ઊંચા, પડછંદ, દાઢીવાળા આદમીઓ, કાળા બુરખાવાળી ધોળી સ્ત્રીઓ અને ફક્ત ખમીસ પહેરીને ફર્યા કરતાં બાળકો ઠરી રહેલા ચૂલા સામે જોતાં આવતી કાલે નીકળી પડવાની ગમગીનીને ખોતરતાં હશે. એણે બગાસું ખાધું. ખુલ્લા થયેલા મોઢામાં રેતી ઘૂસી ગઈ. ઉધરસ આવી. એક ઊંટ ગાંગરવા લાગ્યું. એ ઊભો થઈ ગયો. આ લોકોને કોઈ પણ રીતે નહીં સમજાવી શકાય? ઊંડો શ્વાસ લઈને દરેક ભૂંગા સાથે કાંટાની વાડથી વાળેલા વાડાઓમાં ઊંચી ડોક કરીને રેતીની આંધીને સૂઘતાં ઊંટોનાં કાળાં છાયાચિત્રો જોયાં કર્યાં. એ ઊંટોની ડોક જંગલમાં ઊગી આવેલાં થડિયાંનો આભાસ ઊભો કરતી હતી. એ પોતાના ભૂંગામાં ગયો. અંદર જલી રહેલી ચીમનીને ફૂંક મારીને બુઝાવી દીધી. બહાર નીકળી આવ્યો અને ચાલવા માંડ્યું.

ચાળીસ-પચાસ ભૂંગાઓ વસાવીને ઊભું થયેલું આ ગામ. લોકો એને વાંઢ કહેતા. રણની જમીન ઉપર ઊગી આવેલી વાંઢમાંની એક વાંઢ. વાંઢની બહાર બાવળ અને પીલુનાં ઝાડોની ઝાડી આવેલી હતી. દિવસે ઊંટ અહીં છૂટથી ચરતાં. છાતીની પાંસળીઓ ઉલેચી ઉલેચીને ઊભાં કરેલાં ચાર-પાંચ નાનાં નાનાં ખેતરોમાં ડૂંડાં બેસતાં ત્યારે ડૂડાંનો લીલો રંગ રણની આબોહવામાં આગંતુક લાગતો. પણ એ તો ક્યારેક જ. બાકી ખારાપટ પર ઊગેલા ઘાસ પર લોકોનું પશુધન ઊછરે અને એ પર વાંઢના લોકોનો જીવનનિર્વાહ ચાલે. ગામની બહાર ખોદેલા ખૂંયરા (કૂવા) ઉપર માટીનો હવાડો બાંધેલો હતો. પણ છેલ્લાં ચાર વર્ષથી આવા ખૂંયરા, અરે ખુદ પાતાળ, પણ પાણી વિના ખાલી થઈ ગયા હતા. એ ફરતો ફરતો સુક્કા તળાવની જમીન પર આવી ગયો. કરચલીવાળા ચહેરા જેવી તળાવની જમીન પર તરડ પડી ગઈ હતી.

અહીંથી પણ ભૂંગા જોઈ શકાતા હતા. થોડા ભૂંગાની ચીમનીઓ બુઝાઈ ગઈ હતી. માત્ર ઓળા જ દેખાતા હતા. ચન્દ્ર હજી પૂરેપૂરો રેતીમાં ઢંકાઈ ગયો નહોતો, પણ પાછલી રાતે નમ્યા પહેલાં જ ઢંકાઈ જશે. સૂરજ તો ઊગશે જ નહીં. દિવસો સુધી. છતાંયે સવાર તો પડશે જ. આવતી કાલની સવારે આખી વાંઢ ખાલી થઈ જશે. એને વેદના થઈ. કેટલાયે દિવસ સુધી એ બધાને રોકતો રહ્યો. સમજાવતો રહ્યો. પણ સતત ચાર વર્ષથી દિવસ-રાતની જેમ હાલ્યા આવતા દુષ્કાળે ઊંચી કાયાવાળા આદમીઓની છાતી તોડી નાખી હતી. પાણી વિના બેહાલ પશુઓ તરફડી તરફડીને મરી ગયાં હતાં. વાટ જોવાનું કહ્યું તો ગાળ ખાધીઃ વાટ તો, ભૂંડા, ચાર વરસથી જોઈએ છીએ. તું જ કે’, નથી જોતા? હા પાડવા સિવાય એની પાસે કોઈ જવાબ નહોતો. તું જ કે’, ગુમાવ્યું એટલું રહ્યું છે બાકી? એણે ખાલી પડતા જતા વાડાઓ તરફ નજર ફેરવી હતી. છાતીમાં શ્વાસ ભરીને પૂછ્યું હતું, પણ ક્યાં જશો? થોડી વાર સુધી તો કોઈએ જવાબ નહોતો આપ્યો પણ પછી કોઈક બોલ્યું હતું, સડક તો લાંબી છે. હાલ્યા જશું. એકઠા થયેલા બધા જ લોકોનાં સુકાઈ ગયેલાં જડબાંઓ પર સંમતિ દેખાતી હતી. હવે કોઈ ઉપાય નહોતો. પણ હું નહીં આવું. કોઈએ એની નોંધ ન લીધી. મરવું જ છે તો સડક પર મરવા કરતાં મારા ભૂંગામાં મરવું શું ખોટું છે?

પણ કરીશ શું અહીંયાં?

આટલાં વરસ શું કર્યું છે?

એને ગમતું નહોતું. અહીંથી ચાલ્યા જવું વ્યાવહારિક હતું, છતાંયે એને ગમતું નહોતું. આ જાણે પરાજય હતો. રણના આદમીઓની છાતી કુદરત તોડી જાય એ કેમ પોસાય? તું તો એકલો છે. મારી ગયો તોયે કોને ખોટ પડવાની છે… એને લાગ્યું કે આ આક્ષેપ હતો. એને ખોટી રીતે સમજવામાં આવી રહ્યો હતો. પણ બોલવાનો અર્થ નહોતો.

આખા દિવસના ઉકળાટ પછી રણની રાત ઠંડીહિમ જેવી થઈ જાય. એ ઊભો રહ્યો. પોતાના ભૂંગા તરફ પાછો ચાલ્યો. ચારે તરફનું રણ અંધકાર અને રેતીમાં અટવાઈ ગયેલું, નિઃસ્તબ્ધ અને ભેંકાર લાગતું હતું. ચન્દ્ર ઝાંખો થઈ ગયો હતો. વાવડો દર વર્ષે લાવતો એ આંધી લાવ્યો હતો.

ખાટલી પર પડ્યો. વાડામાં બાંધેલું ઊંટ એને આવેલો જોઈને ગાંગર્યું. એણે આંખ પર હથેળી દાબી દીધી. આંખ બળતી હતી. અંદર રેતીના કણ ખૂંચતા હતા. આ તોફાન હવે દિવસો સુધી ચાલશે. દાઢી, વાળ, દાંત, નખ અને કાનમાં રેતીના કણ લટકવા માંડશે. એ નાનો હતો ત્યારથી આવી આંધી જોઈ છે. ઊંટ લઈને સીમમાં ચરાવવા જતો ને આવા તોફાનમાં આખો દિવસ કાઢી નાખતો. તોફાન ખૂબ વધી જાય ત્યારે ઊંટો ગરદન લંબાવીને પડ્યાં રહે અને એ એકાદ ઊંટના પેટની આડશે છુપાઈ જાય. રોટલા ખાવા કાઢે ત્યારે રેતી પણ ચવાય. અંધકાર, પવન અને રેતીની વચ્ચે સમય પસાર થતો ગયો ને એ મોટો થતો ગયો. એની સમજણમાં અને વધતી વયમાં રેતીનાં તોફાનોએ નવા અર્થ પ્રેર્યા. ગમે તેવા બપોરે ઊંટોને ચરતાં મૂકીને, બાવળના કે પીલુના એકાદ ઝાડ નીચે મોરચંગ કાઢીને એ વગાડવા માંડતો. ધીરે ધીરે લય બંધાતો જાય. મોરચંગના અવાજમાં એ બધું ભૂલી જાય. રેતી ઓકતો બપોર, લાંબાં લાંબાં શુષ્ક મેદાનોની એકલતા અને ઊંટોની આંખોમાં ઓગળ્યા કરતો સમય… બધું જ અદૃશ્ય થઈ જતું. પછી તો એ મોરચંગ બીજા માટે વગાડતો થઈ ગયો. એ વર્ષે કોઈ વખતે નહોતું ચાલ્યું એટલું લાંબું તોફાન ચાલ્યું. લાંબી ડોક તાણીને રેતીની વણજાર વણથંભી પસાર થતી જ રહી. એ પીલુના થડની આડશે બેઠો રહેતો. બંધ આંખોમાં રેતી ખૂંચતી અને હાથ અને હોઠોની વચ્ચે મોરચંગ દબાયેલું રહેતું. પણ એને ખબર હોય કે એના ખભા પર જે શ્વાસ સ્પર્શે છે તે કોઈ ઊંટનો શ્વાસ નથી. કણાની જેમ રેતી ખૂંચે છે તોયે બે પાંપણોની વચ્ચે બાવળની શૂળ ખોસીને ખુલ્લી આંખે એને કોઈ સાંભળતું. આંખમાંથી ખારાં પાણી વહી જતાં અને એને સંભળાતું, હવે બસ કર, ભૂંડા… મારાથી નથી સંભળાતું. એ અટકી જતો ને પૂછતોઃ થાકી ગઈ? ના, એ ડોકું ધુણાવતી અને એનાં લાંબાં લાંબાં ચાંદીનાં એરિંગ આંદોલિત થઈ ઊઠતાં. વાળમાં બાંધેલી ઘૂઘરી ઝણકી ઊઠતી. ના, થાકી નથી ગઈ… તારી આંખમાં રેલો તો જો… એ હસતો. આંખમાં કણાં ખૂંચ્યા છે તે ખારાં પાણી તો કાઢશે જ ને! ને પછી એની આંખમાં તાકી રહેતો. એ શરમાઈને ડોક નીચે સંતાડતી. કે’ને… એ કહેતો. પણ શું કહું? એ લાલ થઈ ગયેલી આંખ ઊંચી કરીને પૂછતી. આ અંદર કણાં ખૂંચે છે એનું કંઈક બોલ ને… છૂંદાયેલો હાથ પકડી લેતો. ભરપૂર પુરુષનો ખડતલ સ્પર્શ અનુભવતી એ બોલતી, કણા તો મારી આંખમાંયે ખેંચ્યા છે. પણ શું કરું? વાવડો બંધ થાય તો કણાયે નીકળે. વાવડાની વાત પર એ હસતો. ગાંડી, વાવડો એમ બંધ ન થાય. વાવડા તો આપણી ભીંત છે. જોતી નથી, આ ભરબપોરે પણ મને અને તને કોઈ દેખી શકતું નથી…

પછી તો વાવડો અટકતો. રેતીની દીવાલ ખસી જતી અને આકાશનો મટમેલો રંગ સાફ થઈ જતો. રાત દરમિયાન એકાએક બદલી ગયેલાં દૃશ્યોવાળી સાફ સવાર ઊગતી. આટલા દિવસોનું વેર લેતો હોય તેમ કાળઝાળ સૂરજ ગરમી ઝીંક્યે રાખતો. કબૂતર અને હોલાનાં ગળાં ધ્રૂજતાં રહેતાં. લૂ ઝીંકાતી રહેતી. સાંજ નમ્યે રણની કાંધ ઉપર ઠંડી રાત ઊતરી આવતી. રાતે પણ ખાટલામાં પડ્યો પડ્યો એ મોરચંગ વગાડતો. એને ખબર રહેતી કે થોડે દૂર આવેલા ભૂંગામાં એ પણ ખાટલો નાખીને પડી હશે ને એના કાન મોરચંગ પર મંડાયા હશે. ઘણી વાર દશ-બાર ભૂંગા દૂર એકાદ ઓળો ઊભો થતો દેખાતો ને પાછો ખાટલા પર પછડાઈ પડતો. રણની ઉનાળાની ઠંડી રાત આખાયે પટ પર છવાઈ જતી ને એ ધીરે ધીરે સૂઈ જતો.

આ બધું થતું પણ વરસાદ ન આવતો. વાદળાં ઘેરાય, ચકલીઓ ધૂળમાં પાંખ ફેલાવીને નહાય, ઊંટ ગરદન ઊંચી કરીને હવાને સૂંઘે પણ કશું જ ન થાય. ક્યારેક ઘેરાઈ ઘેરાઈને છાંટા પડી જાય ને આકાશ ખૂલી જાય. ફટ ભૂંડા, વરસતાંયે ન આવડવું? એને ખબર નહોતી કે એનું બોલવું કોઈ સાંભળી ગયું હશે. રેતીની વણજાર સાથે એક દિવસ એક અજાણી સાંઢણી એની વાંઢમાં આવીને એની મોરચંગની પ્રીતને ઉપાડીને ચાલી જતી દેખાઈ, એ જાણે કહેતી હતી, ફટ ભૂંડા, વરસતાં ન આવડ્યું તો આવડો ઘેરાયો કાં?

એ બેબાકળો બનીને સફાળો જાગી ઊઠ્યો. આખું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું હતું. પાછલી રાતની નિઃસ્તબ્ધ શાંતિ હતી અને પડખેની ઝાડીમાંથી તમરાં બોલતાં હતાં. એને લાગ્યું, જાણે એક સાંઢણી હમણાં જ એની ખાટલી પાસેથી પસાર થઈ ગઈ હતી. પણ કશું જ નહોતું. વધી ગયેલા વાવડાના સુક્કા સુસવાટાની પેલે પાર બધું જ સંકેલાઈ ગયું હતું અને આછો ચન્દ્ર ખારી જમીન નીચે ઊતરી જવાની તૈયારીમાં હતો.

એણે બીડી સળગાવી અને સળગતી બીડીના આછા લાલ પ્રકાશને તાકતો બેસી રહ્યો.

સવારે આંખ ઊઘડી ત્યારે દિવસ ચડી ગયો હતો. પણ સૂર્ય નહોતો ઊગ્યો. કાનમાં જુદા જ પ્રકારની ચહલપહલના અવાજ સંભળાયા. એ બેઠો થઈ ગયો. વાંઢના લોકો જવાની તૈયારી કરી રહ્યા હતા. જરૂરી વસ્તુઓ બહાર કાઢવામાં આવી રહી હતી. ઊંટો ગાંગરતાં હતાં. બેત્રણ ઊંટને નીચે બેસાડીને એમના પર ખાટલી મૂકવામાં આવતી હતી. ખાટલાના પાયા સાથે ફાનસ, ખાલી માટલાં અને પોટલાં લટકાવવામાં આવી રહ્યાં હતાં. આદમીઓ એમની દાઢી નીચે છુપાયેલી ઉદાસીને અવાજમાં વ્યક્ત કર્યા વિના સતત બોલ્યે જતા હતા. કાળા બુરખા પહેરેલી સ્ત્રીઓ ભૂંગામાંથી અંદરબહાર આવજા કરતી હતી. ચારે બાજુની પ્રવૃત્તિમાં એ નિષ્ક્રિય બેઠો હતો. વાડામાં જોયું તો એનું ઊંટ પણ બાવળ સાથે બંધાયેલું હતું. અને આંખો બંધ કરીને જડબાં હલાવતું હતું.

આ ફેરાનો દુષ્કાળ ચટ્ટાન જેવી છાતવાળા લોકોને પણ ભાંગી ગયો. એને લાગ્યું કે એ પરાજિત થઈ રહ્યો છે. કશુંક છટકી રહ્યું છે અંદરથી. વર્ષોથી ભોગવતો આવ્યો છે એ અધિકાર કોઈક છીનવી રહ્યું છે… અહીંથી જવું હોય તો જઈ શકાય… પણ ગયા પછી શું? એ સમજતો હતો, આખી વાંઢ ચાલી જશે પછી અહીં પણ શું રહેવાનું હતું? જડબાં ફાડીને તાકી રહેલાં ખાલી ભૂંગા… ઊંટના બરાડા અને ઊંટની ગંધ વિનાની હવા… રેતીનાં તોફાનો… બાવળની સૂકી ડાળી પરથી વારંવાર ઊડી જતા હોલા… ધખધખતાં મેદાનો અને અંધારી રાતે ચીમનીના પ્રકાશ વિનાના ભૂંગાના કાળા કાળા ઓળા… પાછલી રાતે કાંધ ઉપર ઝળૂંબી રહેલા ચન્દ્રની એકલતા…

બધા ધીરે ધીરે ખસકી રહ્યા હતા. સીમમાં એકઠા થઈ ગયા હતા. એ પણ પાછળ ઘસડાયો. દૂર મરી ગયેલાં ઢોરોનાં હાડપિંજર પર કાગડા ઊડતા દેખાયા. પછી એ કાગડા સ્થિર થઈ ગયા અને ચાળીસ-પચાસ ઊંટો ચાલવાથી ઊડતી ધૂળ વાવડાની ધૂળમાં સમાઈ ગઈ… એ બધાને સડક પર જવું હતું, ને સડક પર ગયા. ન ગયો માત્ર એ અને વાડામાં બાંધેલું એનું ઊંટ. દેખાયું ત્યાં સુધી એણે જોયા કર્યું. ચારે બાજુ વાવડો, વાવડો ને વાવડો. રેતી, રેતી અને રેતી. વાળમાં હાથ ફેરવ્યો. ધૂળ ખરી.

મરી ગયેલાં ઢોરોનાં હાડપિંજરને સડતાં મૂકીને, પાણીથી સુકાતાં ગળાંવાળાં છોકરાંઓને ઊંટ ઉપર બાંધેલી ખાટલી પર બેસાડીને બધા ચાલ્યા ગયા હતા. ન ગયો માત્ર એ. એનો કોઈ અર્થ નથી, એણે કહ્યું હતું. છતાં પણ બધા ગયા હતા. જઈ તો એ પણ શક્યો હોત. તરસ તો એના ગળામાંયે કાંકરીની જેમ ખૂંચતી હતી. રાહતકામોની મજૂરી કરી કરીને છાતી તો એની પણ તૂટી ગઈ હતી છતાંયે એ નહોતો ગયો. જવાનું ક્યાં હતું? એણે એક ઊંડો શ્વાસ લીધો. એના બધા જ પ્રશ્નો નિરુત્તર રહી જવા જ પુછાયા હતા. સામે એક સડક હતી. થોડે દૂર સુધી દેખાઈ ને પછી અજાણી દિશામાં તૂટી પડતી સડક.

પાછળ વાંઢ હતી. ખાલી, ભેંકાર, ઉજ્જડ… આ ભૂંગા, આ ખાલી તળાવ, પીલુનાં ઝાડ, બાવળના કાંટાળા પડછાયા, ઉનાળાના ધખધખતા બપોર અને ટાઢી હિમ જેવી રાતો… હું નહીં આવું. પડઘા પડ્યા. શાંતિમાં ઝીણું ઝીણું મોરચંગ વાગતું હતું અને એક સાંઢણી દૂર ને દૂર દોડતી જતી હતી. બધું જ સમાપ્ત થઈ ગયું હતું.

ખોબો ભરીને રેતી એની આંખમાં ઉલેચાઈ ત્યારે એને ભાન આવ્યું કે સામે વાવડો ઊભો છે. એના ગળામાં સુક્કા પડઘા પડતા હતા. ફેફસાંની જાળીમાં આ મોસમનું સમગ્ર તોફાન ભરાઈ બેઠું હતું. નસેનસમાં દૂર ચાલ્યા ગયેલાં ઊંટોની પગની ગાદીઓનો થપ્પ થપ્પ અવાજ પડઘાતો હતો. હાડપિંજરોને ખોતરતા કાગડા એની ચામડીમાં ચાંચ ભરાવતા હતા. પગમાં બધા જ બાવળની શૂળો ભોંકાતી હતી. આકાશ રેતીથી ઘેરાયું હતું. ઘેરાવું હતું તો ભૂંડા, રેતી બનીને કાં ઘેરાયો… એ જોરથી બોલી ઊઠ્યો. ફાટેલી આંખે એ પાછો ફર્યો. પરસેવા પર રેતી ચોંટતી હતી. આંખમાંથી ખારાં પાણી નીકળતાં હતાં. કણા લાગ્યા છે ને… વાંઢના દરેકે દરેક ખાલી ભૂંગામાં એ જઈ આવ્યો. એ દોડ્યો. પોતાના ભૂંગા પાસે આવ્યો. વેરાન નિઃસ્તબ્ધતામાં એણે એક અવાજ સાંભળ્યો. વાડામાં એનું ઊંટ ગાંગરતું હતું. ક્ષણવાર એ થંભી ગયો. ફાટેલી આંખે ઊંટને જોતો રહ્યો. પછી એ ભૂંગામાં ગયો. પાછો બહાર આવ્યો ત્યારે એના હાથમાં કુહાડી હતી. ઝાંપો ખોલીને તે વાડામાં ગયો. એને નજીક આવતો જોઈને ઊંટે ગરદન હલાવી અને ગાંગરવા માંડ્યો. આંખ બંધ કરીને એણે જોરથી ઊંટની ડોક પર કુહાડીનો ઘા કર્યો. ઊંટનો અવાજ અવરોધાઈ ગયો. બળપૂર્વક કુહાડી પાછી ખેંચીને એણે ફરીથી ચાર-પાંચ ઘા કર્યા. ઊંટ નીચે ઢળી પડ્યું. એના લાંબા પગ તરફડિયાં મારતા હતા. કપાયેલા શરીરમાંથી લોહી વહેતું હતું. થોડી વારે ઊંટના પગ શાંત થઈ ગયા અને આખું શરીર લંબાઈને ઢળી પડ્યું. એણે પોતાના તંગ થઈ ગયેલા શરીરને ઢીલું કર્યું અને બળપૂર્વક પકડેલી કુહાડી ફેંકી દીધી. ઊંટની નજીક ગયો. નીચે નમ્યો ને ઊંટની ખુલ્લી રહી ગયેલી આંખમાં તાકવા માંડ્યું. એ છળી ઊઠ્યો. મરી ગયેલી નિશ્ચેતન બે આંખો જાણે તરસના ઊંડા કૂવા હતા અને એ કૂવામાં એનું પોતાનું જ પ્રતિબિંબ દેખાઈ રહ્યું હતું…