પુનશ્ચ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 224: | Line 224: | ||
{{સ-મ|૨૦૦૫}} <br> | {{સ-મ|૨૦૦૫}} <br> | ||
</poem> | |||
== ચાલો દૂર દૂર == | == ચાલો દૂર દૂર == |
Revision as of 05:51, 9 August 2022
ઉમાશંકરની સ્મૃતિમાં
ઓગણીસો અઠ્ઠાવનથી ઓગણીસો અઠ્યાસી લગીનાં વર્ષોમાં
વારંવાર તમે મને વાત્સલ્યભાવે પૂછ્યું હતું, ‘કૈં લખાયું છે ?’
ત્યારે મેં અપરાધભાવે માત્ર એટલું જ કહ્યું હતું, ‘ના.’
એકવાર તો તમે મને રોષ – વધુ તો દુ:ખ – સાથે કહ્યું હતું,
‘ભલે, તો આપણાથી ઓછા લાપરવા લોકો લખશે.’
આજે તમે નથી, હવે ક્યાંથી કહું ? –
‘જુઓ, લખાયું છે. લ્યો, આ રહ્યું.’
મનમાં
સ્ત્રી : તમારા મનમાં શું આ હતું ?
પુરુષ : તો તમારા મનમાં શું હતું ?
સ્ત્રી : હવે નહિ કહું.
(એ સ્ત્રીની આંખમાં આંસુ હતું.)
સ્ત્રી : તમે સમજુ છો,
પણ તમે મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.
પુરુષ : તમે પણ સમજુ છો,
તમે પણ મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.
(એ બેની આંખમાં સ્મિત હતું.)
રસ્તો
સ્ત્રી : હવે તમે અંદર આવવાનો રસ્તો જાણો છો.
પુરુષ : અંદર આવવાનો રસ્તો હું જાણું તે પહેલાં
મારે બહાર જવાનો રસ્તો જાણવો જોઈએ.
સ્ત્રી : એમ કેમ ?
પુરુષ : જ્યાં માયાવી ટાપુ હોય,
ટાપુ પર સર્સી હોય,
એના હાથમાં જાદુઈ પુષ્પો હોય,
એના મહેલમાં માનવપશુ-પક્ષીઓ હોય,
ત્યાં હું યુલીસિસ.
હવે ન પૂછશો ‘એમ કેમ ?’
હવે તમે તો એમના એમ.
આશ્ચર્ય
સ્ત્રી : આશ્ચર્ય થાય છે આપણે અહીં શા માટે આવ્યાં છીએ.
પુરુષ : આશ્ચર્ય થાય એટલા માટે.
સ્ત્રી : શું આશ્ચર્ય ?
પુરુષ : તમે ને હું,
તમે દક્ષિણ ને હું ઉત્તર,
તમે ગૌર ને હું શ્યામ,
તમે કોમળ ને હું કઠોર,
તમે ક્યહીં ને હું ક્યહીં,
છતાંય આ ક્ષણે આપણે બે અહીં.
આ આશ્ચર્ય.
સ્ત્રી : એ આશ્ચર્ય વિશે પણ આશ્ચર્ય થાય છે તે શા માટે ?
પુરુષ : એટલા માટે કે...
ના, એનો ઉત્તર નથી
છે માત્ર આશ્ચર્ય.
ચહેરો
સ્ત્રી : તમારો હસતો ચહેરો મને ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : તમારું પહોળું કપાળ મને ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : તમારું લાંબું નાક મને બહુ ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : તમારી ભૂરી બે આંખો મને બહુ જ ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : તમારો હસતો ચહેરો મને ગમે છે.
નામ
સ્ત્રી : તમારું નામ મને ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : એનો અવાજ મને ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : એનો આકાર મને બહુ ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : એનો અર્થ મને બહુ જ ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : તમારું નામ મને ગમે છે.
જોડે જોડે
સ્ત્રી : આટલો સમય ક્હો, તમે ક્યાં હતા ?
મને મળ્યા કેમ મોડે મોડે ?
પુરુષ : હતો તમારા મનમાં, પણ છતા
થવું હતું મારે થોડે થોડે;
આટલો સમય તમે તો દેહને
જોયો દર્પણમાં કોડે કોડે,
આજે જોયું મનને, જોયો સ્નેહને;
હવે આપણે બે જોડે જોડે.
પાસે, દૂર
સ્ત્રી : પાછા આવો, તમે ક્યાં છો ?
પુરુષ : દૂર દૂર, તમે જ્યાં છો.
સ્ત્રી : હું તો અહીં છું પાસે, તમારી સામે.
પુરુષ : તમે સામે છો એવો ભ્રમ તમને ભલે થાય,
પણ તમે પાસે નથી, એથી મારું મન દૂર દૂર જાય;
પાસે, દૂરનું રહસ્ય તમારું મન ક્યારેય નહિ પામે.
તમે જે નથી
સ્ત્રી : આમ શું તમે મને જોઈ રહ્યા છો ?
આમ જોઈ જોઈને હવે તમે મને ખોઈ રહ્યા છો.
આજે જ મને જુઓ છો ? કદી મને જોઈ ન’તી ?
જુઓ, હું એની એ જ છું, જે હું આજ લગી હતી.
આમ આજે શું આ મારી આંખમાં આંખ પ્રોઈ રહ્યા છો ?
પુરુષ : તમે એનાં એ જ છો એ માત્ર તમારો વ્હેમ છે,
તમે સ્ત્રી છો ને તોયે આમ માનો એમ કેમ છે ?
આમ હવે તમે જે નથી તેને તમે રોઈ રહ્યાં છો.
હું તમને ખોઈ રહી
સ્ત્રી : હું તમને ખોઈ રહી,
તમે ક્યાં છો ? હું તમને ક્યાંય નથી જોઈ રહી.
પુરુષ : તમે મને નહિ, તમારી જાતને ખોઈ રહ્યા,
એથી ક્હો છો તમે મને ક્યાંય નથી જોઈ રહ્યા;
ને હવે તમે તમારી જાત પર રોઈ રહ્યા,
તમારી આંખોમાં મારી છબી એને લ્હોઈ રહ્યા,
હવે આંખોની અંદર પણ હશે કોઈ નહિ;
હવે તમે કહી શકો, ‘હું તમને ખોઈ રહી.’
રહસ્યોમાં
સ્ત્રી : હવે ક્હો, મારાં રહસ્યોમાં તમારું સ્થાન ક્યાં છે ?
પુરુષ : તમારાં રહસ્યોમાં જો મારું કોઈ સ્થાન હોય
તો પછી તમે જ ક્હો, મારું માન ક્યાં છે ?
તમારે રહસ્યો જેવું કશું છે જ નહિ,
તમે ઘણું બધું માની લો છો;
તમે ભલા છો ! તમને એનું ભાન ક્યાં છે ?
જોકે તમે સ્વયં એક રહસ્ય છો,
કારણ કે તમારામાં કશું જ રહસ્યમય નથી;
તમે ભલા છો ! તમને એનું જ્ઞાન ક્યાં છે ?
મારી આંખો
- તમે મારી આંખોથી અજાણ,
પ્રિયે, આ મારી આંખો એ આંખો નથી,
એ તો છે તમારું હૃદય વીંધે એવાં બાણ.
પુરુષ : તમને પણ મારા હૃદયની ન જાણ,
એ કુસુમથી વધુ કોમળ, પણ વજ્રથી વધુ કઠોર,
તમે છોડી તો જુઓ એ બાણ,
તોડી જુઓ એને, નહિ તૂટે એવું એ નઠોર.
તો પછી એ બાણ જો છૂટે તો કયું લક્ષ્ય ચીંધે ?
જોજો, રખેને એ બાણ તમારું હૃદય વીંધે !
સૌંદર્ય અને સત્ય
સ્ત્રી : તમે કમળની પાંખડીઓ તોડી નાખી
ને પછી એની દાંડી હાથમાં રાખી
‘આ સૌંદર્ય છે.’ એમ મને જે કહ્યું
એમાં ક્હો, સત્ય ક્યાં રહ્યું ?
પુરુષ : તમે પાંખડીઓ તોડી નાખો કે ન નાખો
ને દાંડી હાથમાં રાખો કે ન રાખો
પાંખડીઓને તો ખરવું જ રહ્યું
એ સત્ય તમે ના ગ્રહ્યું !
પ્રમાણિક-અપ્રમાણિક
પુરુષ : માદામ, તમે પ્રમાણિક છો ?
સ્ત્રી : હા જી, હું પ્રમાણિક છું,
પણ શ્રીમાન ! કહો, તમે પ્રમાણિક છો ?
પુરુષ : ના, હું અપ્રમાણિક છું.
પણ તમે જ્યારે ક્હો છો કે તમે પ્રમાણિક છો
ત્યારે તમે અપ્રમાણિક છો,
અને હું જ્યારે કહું છું કે હું અપ્રમાણિક છું
ત્યારે હું પ્રમાણિક છું.
હવે ક્હો કોણ પ્રમાણિક અને કોણ અપ્રમાણિક ?
ચાલો દૂર દૂર
સ્ત્રી : ચાલો દૂર દૂર... જ્યાં આપણે બે મનમાન્યો પ્રેમ કરીએ,
જ્યાં આપણે બે સાથે જીવીએ ને સાથે મરીએ;
જ્યાં ધૂંધળા આકાશમાં સૂરજ ઊગતો હોય ઝાંખો ઝાંખો,
જાણે અશ્રુથી ચમકતી મારી ચંચલ આંખો;
જ્યાં આપણો શયનખંડ વર્ષોજૂનાં રાચરચીલાથી શોભતો હોય,
છત પરનાં રંગીન સુશોભનો અને ભીંત પરના
ઊંચાઊંડા અરીસાથી ઓપતો હોય,
જ્યાં અંબરનો આછો ધૂપ ચોમેર મહેકતો હોય,
અમૂલ્ય ફૂલોની સુગંધ સાથે ભળીને બહેકતો હોય;
જ્યાં ક્ષિતિજ પારથી આવી આવીને કૈં નૌકાઓ નાંગરતી હોય,
જેના થકી મારી નાનામાં નાની ઇચ્છાઓ પાંગરતી હોય;
જ્યાં આખુંયે નગર આથમતા સૂરજની
રંગબેરંગીન આભા ઓઢતું હોય,
જ્યાં સમગ્ર વિશ્વ સમી સાંજના
સ્નિગ્ધ સઘન અંધકારમાં પોઢતું હોય;
જ્યાં બધું જ સ્વસ્થ, સુન્દર, સમૃદ્ધ, શાન્ત ને ઉન્મત્ત હોય...
પુરુષ : લાગે છે કે બૉદલેરનાં કાવ્યો તમે વાંચો છો,
‘યાત્રાનું નિમંત્રણ’ કાવ્ય વાંચી તમે રાચો છો;
પણ તમે જાણો છો બૉદલેર આવું આવું ઘણું બધું કહેતા હતા,
ને પછી જ્યાં હતા ત્યાંના ત્યાં જ – પૅરિસમાં જ – રહેતા હતા;
તમે પણ જીવનભર ‘ચાલો દૂર દૂર...’ એવું એવું ઘણું બધું કહેશો,
ને પછી આયુષ્યના અંત લગી જ્યાં છો ત્યાંના ત્યાં જ રહેશો.