ગુજરાતી નિબંધ-સંપદા/રા. વિ. પાઠક/ખરાબ કરવાની કલા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''ખરાબ કરવાની કલા'''}} ---- {{Poem2Open}} કોઈ કહેશો કે ખરાબ કરવાની કળા ઉપર લખવા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ખરાબ કરવાની કલા'''}}
{{SetTitle}}
----
{{Heading|ખરાબ કરવાની કલા | રા. વિ. પાઠક}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈ કહેશો કે ખરાબ કરવાની કળા ઉપર લખવાનું શું પ્રયોજન? ખરાબ કરવાથી શો ફાયદો થવાનો હતો? આવા લેખનો ઉપયોગ શો?
કોઈ કહેશો કે ખરાબ કરવાની કળા ઉપર લખવાનું શું પ્રયોજન? ખરાબ કરવાથી શો ફાયદો થવાનો હતો? આવા લેખનો ઉપયોગ શો?

Revision as of 06:23, 28 June 2021

ખરાબ કરવાની કલા

રા. વિ. પાઠક

કોઈ કહેશો કે ખરાબ કરવાની કળા ઉપર લખવાનું શું પ્રયોજન? ખરાબ કરવાથી શો ફાયદો થવાનો હતો? આવા લેખનો ઉપયોગ શો?

હું કહું છું આવા સવાલો કરનારે આ લેખ વાંચવો જ નહીં, કારણ કે આ લેખ સમજવાને તે અધિકારી નથી. કલા વિશે સીધાસાદા અભિપ્રાયો પણ એ `પ્રશ્નક’ જાણતો નથી. (મને પણ એક નવો શબ્દ બનાવવાનું માન મળી ચૂક્યું!) કેટલી વાર કહીએ કે ભાઈ કલાનું પ્રયોજન કલાથી ભિન્ન હોઈ શકતું નથી, કલાને ફાયદાથી માપવાની નથી, કલાનો ઉપયોગ ન હોઈ શકે. છતાં જે ન સમજે तान् प्रति नैष यत्न:।

અને એક બીજી રીતે વિચારતાં ખરાબ કરવું એ જ જગતનું રહસ્ય છે. જગતમાં મોટા થવું એમાં જ કૃતકૃત્યતા રહેલી છે, એમાં તો કોઈથી ના પડાય એમ નથી. હમણાં જ આપણા એક સાક્ષરે તે સિદ્ધ કર્યું છે. મોટા થવું એટલે બીજી ચીજો અને વ્યક્તિઓ ઉપર સ્વામિત્વ મેળવવું. અને સ્વામિત્વ એટલે ખરાબ કરવાનો હક. મારું છોકરું હોય તેને સારું ખવરાવવાનો ગમે તેને હક છે, મારગનો જનારો પણ તેને સારું આપી શકે; પણ ખરાબ ખવરાવીને માંદો પાડવાનો માત્ર મને જ હક છે. મારા છોકરાને કાંઈ પણ સારું શીખવવાનો ગમે તેને હક છે, પણ ખરાબ શીખવવાનો, મારામાં જેટલા દુર્ગુણો હોય તેટલા બધા શીખવવાનો, તેને જગતને માટે નિરુપયોગી બનાવવાનો મને એકલાને જ હક છે. બૈરી હોય, તો તેને સારી રીતે બોલાવવાનો ગમે તેને હક છે, પણ તેને ગાળ દઈને બોલાવવાનો, તેને લાકડી મારવાનો માત્ર તેના સ્વામીને જ હક છે. મારાં કપડાં ધોઈ આપવાનો ગમે તેને હક છે, અરે મારું ઘર કોઈ સાફ કરી આપે, કપડાં કોઈ ધોઈ આપે, વાસણ કોઈ માંજી આપે તો એને સેવાનું કેટલું પુણ્ય મળે! – પણ મારાં કપડાં ગંદાં કરવાનો, વાસણ ચિડાઈને અફાળીને ભાંગી નાખવાનો માત્ર મને જ હક છે. ડાહ્યાં માબાપો બચ્ચાં બહારની બદી ન શીખી જાય પણ પોતાની જ બધી બદીઓ શીખે એટલા માટે છોકરાંને ઘર બહાર જવા દેતાં નથી, અને ડાહ્યા સ્વામીઓ પત્નીને છૂટી મૂકતા નથી. સ્વામિત્વનું ખરું રહસ્ય જ ખરાબ કરવામાં રહેલું છે.

અને આ બાબત જોકે ફિલસૂફીમાં હું પહેલી જ વાર લખું છું પણ લોકવ્યવહાર, જે ફિલસૂફી કરતાં હંમેશાં વધારે આગળ ગયેલો હોય છે, તેમાં સ્વીકારાઈ છે. `ધણીનો બળદ કોશે નાથે કે કોહાડે નાથે તેમાં કોઈને શું?’ એ કહેવત એ જ બાબત સિદ્ધ કરી આપે છે. બીજી એક લોકડહાપણની વાર્તામાં આ જ સ્વીકારાયું છેઃ

`કેમ મિયાંસાહેબ, આ લડકા તમારા હે?’

`સાલા મેરા નહીં તો ક્યા તેરા હે?’

`નહીં નહીં, મિયાંસાબ! આપકા… આપકા. શિયાળામાં અચ્છી તરહ સે ખૂબ સાલમપાક ખિલાઓ.’

`મેં ચાહૂંગા તો સાલમપાક ખિલાઉંગા, નહીંતર માર માર કે સાલા કી ઠૂંસ કાઢૂંગા ઇસમેં તેરા ક્યા!?’

આ સંવાદ આટલો જ હશે કે કદાચ થોડોક વધારે ચાલ્યો હશે, પણ વધારે લાંબો ચાલી શકે તેમ નથી, એ તો દરેક વાંચનાર સમજી ગયો હશે. જ્યાં સત્ય તરત જ સીધેસીધું આવી જાય છે ત્યાં સંવાદને લાંબો કરવાની જરૂર રહેતી નથી.

આ સત્ય નહીં સમજાવાથી કેટલાક માણસો બહુ અધીરા થઈ જાય છે. આ સત્ય જો બરાબર સમજાય તો કોઈ પણ સુધારક નકામી સ્ત્રી-સ્વાતંત્ર્યની વાતો ન કરે, કોઈ પણ મોન્ટેસોરી નકામાં કેળવણીનાં ટાયલાં ન લખે. આ આખી બોલ્શેવિક હિલચાલ આ સત્ય નહીં સમજવાથી થયેલી અધીરાઈનું પરિણામ છે. અને આપણા દેશમાં પણ આવી વાતો કરનારા માણસો પાકવા લાગ્યા છે! `આ શેઠને મિલ ચલાવતાં નથી આવડતી, તેથી માલ સારો વેચાતો નથી, બહારની હરીફાઈમાં આપણે ઊભા રહી શકતા નથી, મિલના વહીવટમાં કંઈક ગોટાળો ચાલે છે.’ `પણ ભાઈ, એ મિલ તો એની છે. એ એનું એમ નહીં કરે તો બીજો કોણ કરશે?’ આ જ માનસ રાજકારણમાં પણ છે. `દારૂથી દેશ પાયમાલ થઈ જાય છે, સ્વભાષા દ્વારા કેળવણી ન આપવાથી હિંદની પ્રગતિ થઈ શકતી નથી…’ `પણ ભાઈ, ધણીનો કોઈ ધણી છે?! અંગ્રેજ સરકાર દેશનો ધણી છે તેની મરજીમાં આવે તેમ કરે તેમાં તમે શેના રાતાપીળા થઈ જાઓ છો?’ બાળક આ બરાબર સમજે છે. રમકડાથી રમીને છેવટે તેને ભાંગી નાખે છે ત્યારે જ તે પરનું સ્વામિત્વ તે અનુભવી શકે છે.

હવે ખરાબ કરવાની કલા એ જ જીવનનું રહસ્ય છે એમાં તો કોઈને શંકા નહીં જ રહી હોય.

જીવનના જુદા જુદા પ્રદેશોમાં આ કલા જુદી જુદી રીતે પ્રગટ થાય છે. દાખલા તરીકે, ધારો કે તમે એક સુંદર ઘર ભાડે રાખ્યું. કોઈ જગાએ ડાઘોડૂઘી કશું નથી. હવે તેની ભીંત ખરાબ કરવા માટે તમે તેને ધોળાવો નહીં તો તેથી પણ ભીંત ખરાબ થાય પણ તેમાં તમારી કલા નથી. તેમજ કોલસાથી ભીંત કાળી કરો પણ તેમાં કલાની સાહજિકતા નથી. એ તો તમે જાણી જોઈને કર્યું. એમ નહીં. પણ ધારો કે તમે જમીને હીંચકા ઉપર બેઠા છો, શેઠાણીએ પાન કરી આપ્યું છે, અને તમે પાનની લિજ્જતમાં દીવાલ ઉપર પિચકારી મારો, તેમાં કલા છે. તે તમારા મુખનું સ્વાભાવિક ઉચ્ચારણ છે અને તેથી પાછી દીવાલ ખરાબ થાય છે. એ જ રીતે રસ્તા, ગાડીઓ, રેલવેના ડબા વગેરે ઘણું ખરાબ કરી શકાય.

એક બીજો દાખલો એક અંગ્રેજ મુસાફરે નોંધેલો તે લઉં છું. પારકો દાખલો લેવામાં મારી નવીનતા કદાચ ઓછી થતી હશે પણ આપણા દેશની નવીનતા તેમાં જરા પણ ઘટતી નથી. ધારો કે એક અંગ્રેજ કોઈ દરબાર સાથે સારી રોલ્સરૉય મોટરમાં મુસાફરી કરે છે, દરબાર છે, અને તેના કેટલાક મરજીદાનો કે એ.ડી.સી.ઓ હાંકનારની સાથે બેઠા છે, તેમના રંગબેરંગી ફેંટા હવામાં ફરફર ઊડે છે અને હિંદની અદ્ભુત રંગસમૃદ્ધિ ખડી કરે છે.

એક સૂચના જરા કરું. કેટલાક રાજભક્તો પોતાની રાજભક્તિ બતાવવા ભુજા પર યુનિયન જૅક ટાંકણીએ લગાવે છે, કેટલાક છાતીએ ચાંદની પેઠે લગાવે છે કે લટકાવે છે, કેટલાક મોટરના કે સાઇકલના આગલા ભાગમાં ફરફરતો ખોસે છે; ત્યારે રાજામહારાજાઓ પોતાના માણસોના ફેંટાના છૂટા ઊડતા છેડામાં યુનિયન જૅક છપાવે તો કેવું? રાજભક્તિનું ચિહ્ન તો માથા પર જ શોભે! અને વળી વાવટાની માફક આ તો ફરફરે!

– હવે એ ફેંટા હવામાં ઊડતા હોય અને શિયાળાનો સવારનો પહોર હોય, અને આગળ બેસનારને શરદી લાગવાથી નાક છીંકવું હોય તો તેણે રૂમાલને બદલે નાક લૂછવાને એ ઊડતા છેડાનો જ ઉપયોગ કરી લેવાનો! આ પણ ખરાબ કરવાની કળા નથી શું?

તમને લાગશે કે નાક છીંકવાની બાબત કલામાં લેખાય નહીં. ખોટ્ટું! એ તમને માત્ર અંગ્રેજી સાહિત્ય વાંચવાથી ભ્રમ થયો છે. રશિયન નૉવેલો, વાર્તાઓ વાંચો. જુઓ કે દરેક પાત્રના વર્ણનમાં તે નાક કેમ છીંકતો તે વાત આવે છે કે નહીં? રશિયા આપણા હિંદને વધારે મળતો છે, એ લગભગ પૂર્વનો દેશ છે.

એ જ કલાકીય {પરકીય, રાજકીય, સ્થાપત્યકીય, સાહિત્યકીય, તેમ કલાકીય.} રીતે સ્ત્રીઓ પોતાને માટે કે પોતાનાં બાળકોને માટે સાડલાના છેડાનો અને સામાન્ય પુરુષો અંગરખાની કે પહેરણની ચાળનો, કોટની બાંયનો કે ધોતિયાનો ઉપયોગ કરી શકે.

જાજરૂ જેવી અપવિત્ર જગાને પણ ખરાબ કરી શકાય. ખરી રીતે અપવિત્ર વસ્તુ પણ ચોખ્ખી હોઈ શકે. પણ પવિત્રતા-અપવિત્રતાના વિચારો, મૂળ ધર્મના કે વહેમના નથી પણ માત્ર સ્વચ્છતાના સિદ્ધાન્ત ઉપરથી હિંદુ ધર્મે તે સ્વીકાર્યા છે, એવું શાસ્ત્રીય વિધાન સિદ્ધ કરવા આપણે જાજરૂ ગંદું પણ રાખીએ છીએ. અને તે બહુ સહેલી રીતે થઈ શકે છે, કારણ કે સાફ કરવા ભંગીને અંદર પેસવા દઈએ તો જાજરૂ વધારે અપવિત્ર બને, અને આપણે જાતે સાફ કરીએ તો આપણે વધારે અપવિત્ર બનીએ, માટે આપણે જાજરૂને સાફ કરતા જ નથી, એટલે તે અનેક રીતે ગંદું થાય છે. આ જ અપવિત્રતાના વિચારથી જાજરૂ જવાનો લોટો પણ આપણે ગંદો રાખીએ છીએ. ગંદો રાખવાથી પવિત્રતા સાચવવામાં ઘણી સગવડ મળે છે. એક તો ગંદો લોટો બીજાં બધાં વાસણોથી એકદમ જુદો પડે છે એટલે ભૂલથી તે પવિત્ર કાર્યમાં વપરાવાનો સંભવ જ નથી રહેતો. વળી તેને જાજરૂ પાસે કે જોડા પાસે રાખવો પડે અને તેની બરાબર સંભાળ રાખી ન શકાય; ચોર લઈને ચાલતો થાય તોપણ તેને અડીને લઈ ન લેવાય, માટે ચોરાય તો બહુ નુકસાન ન થાય એ અગમચેતીથી આપણે વપરાઈને કાણો થઈ ગયેલો લોટો એ માટે રાખીએ છીએ. તેથી તે પાણીથી ભરાય ત્યારે આપણા જૂના ઘટિકાયંત્ર પ્રમાણે સમયનું માપ કાઢવાના કામમાં પણ આવે છે. તેનાં કેટલાંક કાણાં ઉપર મળી ચોંટાડેલી હોય છે તે તેના ઉપયોગની જાહેરાત જેવી દેખાય છે. આવી રીતે પવિત્રતાના વિચારોથી ખરાબ કરવાની કલામાં એક પ્રકારની ભવ્યતા આવે છે. હજારો વર્ષના પવિત્રતા સંબંધી જે આપણા સનાતન વિચારો તે વડે આપણે જે રીતે જાજરૂ ખરાબ કરીએ છીએ તેની આગળ બીડીનાં ખોખાં નાખીને તે ખરાબ કરવાની આધુનિક કલા તો કાંઈ વિસાતમાં નથી. એક સનાતનધર્મી કવિએ નકામો ખેદ કર્યો છે કે:

પાયખાનામાં બીડીઓ ફૂંકે, પાન ચાવતાં ચાવતાં થૂંકે; રીતભાતને માળવે મૂકે, રે હાય હાય રે હિંદુપણું જાય હાલ્યું.

પણ જાજરૂ એ બીજી રીતે વિચારભુવન પણ છે. ઘણા માણસોને કહેતાં સાંભળીએ છીએ કે તેમને સારામાં સારા વિચારો જાજરૂમાં આવે છે. એક અસીલે પોતાના વકીલને ખાસ જાજરૂમાં પોતાના કેસ વિશે વિચાર કરવાનું કહેલું. જાજરૂ આવી રીતે પ્રેરણાપોષક હોવાથી ઘણા માણસો જાજરૂમાં ઈશ્વરસ્તુતિ લખે છે, ઘણા ચિત્રો કાઢે છે, ઘણા લાંબાં લાંબાં ભાષણો લખે છે અને પછી એકના જવાબમાં બીજો લખે છે એમ ભીંત ઉપર તુમારો ચાલે છે. અલબત્ત, ખરાબ કરવાની આ રીત જ્યાં જાજરૂમાં પ્રકાશ પડતો હોય ત્યાં જ શક્ય છે, અને જાજરૂમાં એટલો પ્રકાશ ઘણી વાર નથી હોતો. તેનો ખાસ ફાયદો એ છે કે આ જાજરૂ છે અને તે અપવિત્ર છે તે ઉપરાંત ત્યાંની ગંદકીની આપણને વિશેષ અસર થતી નથી.

જેમ જાજરૂ જેવી અપવિત્ર વસ્તુને ખરાબ કરી શકાય છે એમ કેટલીક વસ્તુને પવિત્ર કરવા અથવા પવિત્ર રાખવા માટે પણ ખરાબ કરવી પડે છે. બ્રાહ્મણનું અબોટિયું એટલું બધું પવિત્ર છે કે તેને ચોખ્ખું રાખી શકાય જ નહીં. उर्णा वातेन शुध्यति। ઊન માત્ર પવનથી શુદ્ધ થાય છે. ઊનમાં રેશમનો પણ સમાવેશ કરવો જોઈએ. હવે જે વસ્તુ માત્ર પવનથી શુદ્ધ થાય છે તેને જો પાણીથી ધોઈએ તો પછી વસ્તુનું માહાત્મ્ય ક્યાં કહ્યું! માટે મહારાજોનાં અબોટિયાં, સંધ્યા કરવાનાં વાસણ, ઠાકોરજીનાં સિંહાસનો, ઠાકોરજીની ગાદી, ઠાકોરજીને નવરાવીને કોરા કરવાનો અંગૂછો, બધાં પવિત્રતાના કારણે ગંદાં જ રહેવાં જોઈએ. જનોઈ પણ તે જ કારણે ગંદી રહેવી જોઈએ. શું તેને ગળા બહાર કાઢીને સાબુથી ધોવાય એમ છે? ગળા બહાર જનોઈ કાઢો પછી તમારાથી કશી ક્રિયા જ ન થાય. કશી ક્રિયા ન થાય તો ધોઈ પણ કેમ શકાય? માટે જનોઈ પવિત્રતાને કારણે ગંદી રહે છે.

પણ પવિત્રતા આખા જીવનને અસર કરે છે એવું પણ એક જગાએ મેં જોયું છે. મ્યુનિસિપાલિટીમાંથી પાણી કદાચ ચોખ્ખું મળતું હોય તે કબૂલ કરીએ. ચોખ્ખું એટલે હાલના સાયન્સની દૃષ્ટિએ ચોખ્ખું. તે ફિલ્ટર કરેલું હોય, અંદર દવા નાખીને સારું કરેલું હોય વગેરે. પણ તે પવિત્ર તો જ્યારે ગળણે ગળાય ત્યારે જ બને. અને કેટલાક માણસો પીવામાં તેમજ નાહવામાં તેમજ ઢોળવામાં પણ પવિત્ર પાણી જ વાપરે છે. મારા પાડોશી જૈન છે. તેમના પિતાએ ઘર ચણાવ્યું ત્યારે ચણવામાં પણ ગળેલું પાણી વાપરેલું. એટલે પાણીને ગળવું તો જોઈએ. અને પાણી ગળવાને આપણી બુદ્ધિએ એક બહુ વિચિત્ર ઉપાય શોધી કાઢ્યો છે. એક કપડું લઈને નળને જ વીંટી દેવું! ગોળામાં ગળવાને તો કપડું જરા મોટું જોઈએ પણ આ નળને મોઢે તો નાનામાં નાનું ચીંથરું ચાલે. ઘણાં માણસોને ઘેર તો મેં નળરાજા ગૂંગળાઈ જાય એટલો કપડાનો ડૂચો જોયો છે. પછી એ ડૂચો કદી ધોવો પડતો નથી, કારણ કે તેમાં અંદરનો કચરો કદી બહાર આવી શકતો નથી. અને બહાર તો કચરો ચોંટવાનો સંભવ નથી. એટલે જરા પણ મહેનત કર્યા વિના હંમેશાં પાણી ગળાઈને જ આવવાને માટે આ સારામાં સારો ઉપાય છે.

હવે જરા ખરાબ કરવાની કલા જીવનના એક બીજા પ્રદેશમાં જોઈએ. તેમાં મને મુખ્ય ચોપડી બગાડવાની કળા લાગે છે. ચોપડી ક્યાં સુધી વાંચી તેની નિશાની રાખવા પાનું ખૂણા પર વાળવું એ સહેલામાં સહેલી યુક્તિ છે. તેથી મહેતાજીઓનાં પાઠ્યપુસ્તકોનાં એટલાં બધાં પાનાં વાળેલાં થઈ જાય છે કે પછી નવી નિશાની કરવા નવો ખૂણો વાળવો પડે છે. અને પાનું ચોખૂણ હોવા છતાં તેને વાળી શકાય તેવા બે જ ખૂણા હોય છે તેથી ખૂણા ખૂટી જાય છે, ફાટવા માંડે છે. પણ તે કરતાં વધારે સફળ રીત, નિશાની તરીકે પેનસિલ કે હોલ્ડર મૂકવાની છે. મોટી ચોપડીમાં અંદર પેનસિલ મુકાય પછી તેના પર ભાર આવવાથી ચોપડીની બાંધણી ફાટવા માંડે છે અને થોડા વખતમાં કર્તાએ ન ધાર્યા હોય તેવા વિભાગો પડી જાય છે. આ ઉપરથી મને એક બીજી રીત યાદ આવે છે. મારા એક મિત્રને બી.એ. થયા પછી ચૌદ વરસે ‘સરસ્વતીચંદ્ર’ વાંચવાની મરજી થઈ. તેનો પહેલો ભાગ પોતાની પાસે હતો તે વાંચ્યો. બીજો ભાગ ખાસ `સ્ત્રીયોપયોગી’ હોવાથી પોતે મગાવ્યો – શાલોપયોગી, બાલોપયોગી, વ્યવહારોપયોગી તેમ સ્ત્રીયોપયોગી પણ શબ્દ થાય – અને સ્ત્રીઓ માટે પહેરવેશ જુદો છે, તેમનું સંગીત ગરબી રાસ વગેરે જુદાં જ છે તેમ આપણે ત્યાં તેમને માટે સાહિત્ય પણ જુદું રાખીએ છીએ. જેમ કેટલીક પુસ્તકપ્રકાશન કંપનીઓ હિંદ અને સંસ્થાનો માટે જુદી આવૃત્તિઓ કાઢે છે તેમ આપણે સ્ત્રીઓ માટે જુદું જ સાહિત્ય કાઢીએ છીએ. અસ્તુ. એ ભાઈ ‘સરસ્વતીચંદ્ર’ના બે ભાગો વાંચ્યા પછી ત્રીજો લઈ ગયા, અંદરનો વાર્તાનો ભાગ વાંચી પાછો આપી ગયા, અને પછી ચોથો લઈ ગયા. હવે સરસ્વતીચંદ્રનો ચોથો ભાગ જ્યારે છપાયો ત્યારે તેના વિદ્વાન કર્તાને પુસ્તકોના પદ્મિની હસ્તિની વગેરે પ્રકારો થઈ શકે છે તે વાતની ખબર નહીં. કૌમુદીકારે આ ભાગ પાડવાની નવીન યોજના શરૂ કરેલી, પણ પોતે જ તે યોજનાનો ધીમે ધીમે ક્ષય કરી નાશ કર્યો. પ્રથમ પદ્મિની લખવાને બદલે માત્ર પ. લખ્યો અને પછી આખી પ્રથા જ છોડી દીધી! હવે આ ઉપયોગી પ્રકારોની એ વિદ્વાન કર્તાને ખબર નહીં હોવાથી ચોથો ભાગ ઘણો જાડો થઈ ગયો છે. કોણ જાણે એ હસ્તિની વિભાગમાં કદાચ ખપે. તેની લંબાઈ કરતાં જાડાઈ જરાક જ ઓછી છે. હવે મારા મિત્રને આરામખુરશીએ બેસીને વાંચવાની ટેવ, અને તેમણે મુખ્યત્વે રેનૉલ્ડની નૉવેલો વાંચેલી તે એક હાથમાં પુસ્તક ઝાલી, પાનું વંચાતું જાય તેમ તેમ ફેરવીને પાછળ લઈ જવાનો તેમનો રિવાજ. તેમણે એ જ પ્રયોગ આ ચોથા ભાગ પર કર્યો. તમે સમજી શકશો કે શું થયું હશે. પ્રથમ પીઠ ફાટી ગઈ. અને પછી ચામડી ઉતાર્યા પછી જેમ શરીરની કાપકૂપ થઈ શકે તેમ થોકડીઓ જુદી જુદી થઈ ગઈ. પછી એ મિત્રે થોકડીઓ જ લઈ લઈને વાંચી નાખી અને બહુ માગી ત્યારે કબૂતર મારી નાખ્યા જેવી વીંખાઈ ગયેલી મને પાછી આપી.

એક બીજો પણ આવો જ દાખલો યાદ આવે છે. મારા એક મિત્રનું કોઈ પુસ્તક ખોવાયેલું. ઘણું શોધે પણ જડે નહીં. પછી એક વાર બીજા મિત્રને ત્યાં અમે બંને મળવા ગયેલા. ત્યાં તેનો નોકર એક ચોપડી લઈ કબાટમાં મૂકતો હતો. મારા મિત્રે તરત બૂમ પાડી કહ્યું કે: `એ મારી ચોપડી છે.’ હવે પુસ્તકનું નામઠામ કશું દેખાતું નહોતું. મેં કહ્યું: `તમે કેમ જાણ્યું?’ તેમણે કહ્યું: `તેનું પૂઠું જુઓ. મારે ઘેર દરેક ચોપડીના પૂંઠા ઉપર ચાના કપ મૂક્યાનાં દસબાર કૂંડાળાં હોય જ છે. એ મારી જ ચોપડી છે.’ પણ એ ચોપડી ઉઘાડી જોઈ તો તેમની નહોતી. એ તો અમે બેઠા હતા તે ઘરધણીની જ હતી. ત્યારે મને ખબર પડી કે ચોપડી ખરાબ કરવાની આ પણ એક અદ્ભુત કળા છે!

કલાકારો બે પ્રકારના હોય છે. કેટલાક કલા કરે છે ત્યારે બેદરકારો જેવા દેખાય છે. આધુનિક કલાનું એ ખાસ લક્ષણ છે. પ્રશંસાના અર્થમાં બેદરકાર શબ્દ સાહિત્યમાં હમણાં હમણાં જ આવવા લાગ્યો. તે પહેલાં તો તે અવગુણ ગણાતો હતો. ઉપર જણાવ્યા તે કલાકારો પહેલા વર્ગમાં આવે. પણ બીજાથી પણ ચોપડી ખરાબ થઈ શકે છે. બેમાં કયા વધારે સારા તે હું નક્કી કરી શક્યો નથી.

બહુ સંભાળીને વાંચવાથી પુસ્તકો અદ્ભુત રીતે બગડે છે. આવા વાચકોનો ઓછોવત્તો દરેકને અનુભવ હશે. પણ મારે આવા એક મહાન વાચકનો અનુભવ થયેલો. તેઓ મારી સાથે કૉલેજમાં ભણતા હતા અને કૉલેજની પરીક્ષાઓનો તેમને ઘણો જ અનુભવ થઈ ગયેલો. તેઓ પાંચ-સાત જાતની પેનસિલો રાખતા. સાધારણ અગત્યનું હોય તેને અમુક રંગથી નિશાની કરતા. તેથી વધારેને માટે બીજો રંગ, તેથી વધારે માટે ત્રીજો રંગ એમ અગત્યની જુદી જુદી કોટિઓ માટે તેમણે પાંચ-સાત રંગો નક્કી કરેલા. પછી પરીક્ષા પહેલાં એક માસ હોય ત્યારે પહેલા રંગનું વાંચવું, પછી પંદર દિવસે બીજા રંગનું… અને છેક છેલ્લે દિવસે તો સૌથી વધારે અગત્યદર્શક રંગની નિશાનીઓ વાંચી જવી. નિશાનીઓ પણ આડીઊભી બંને કરતા. વળી માર્જિનમાં N.B., Imp., Very Imp., Most Imp. {ધ્યાનમાં રાખો, અગત્યનું, બહુ અગત્યનું, ઘણું જ અગત્યનું.} વગેરે લખતા. તે ઉપરાંત L.B.H. લખતા. આ છેલ્લી `લાઘવી’ તો ડિક્ષનરીમાં પણ કદાચ ન મળે માટે કહું છું કે તેનો અર્થ learn by heart એટલે કે `ગોખી મારો’ એવો થાય છે. તે ઉપરાંત એ બે લીટીઓ વચ્ચે અને માર્જિનમાં શબ્દોના અર્થો કે પ્રોફેસરોએ કહેલું લખી લેતા. ટૂંકમાં, ચોપડીનાં પાનાંમાં ક્યાંય પણ કોરી જગા રહેવા ન દેતા. એમણે વાંચેલી ચોપડી પછી કોઈ ન વાંચી શકતું. હું માનું છું તેઓ પોતે પણ નહોતા વાંચી શકતા.

પહેલાં મેં કહ્યું કે ખરાબ કરવાનો હક સ્વામિત્વમાં રહેલો છે. પણ ચોપડીઓ સંબંધી એવું નથી. ચોપડી તો ગમે તેની હોય પણ ખરાબ કરી શકાય. અને તેની તો ચોરી પણ કરી શકાય, અંદરનાં પાનાં કે ચિત્રો ફાડીને લઈ જઈ શકાય. કહેવત છે કે `પાળે તેનો ધરમ અને ચોરે તેની ચોપડી.’ અને તેથી ચોપડીઓ ખરાબ કરવાની કળા ઘણી જ વિકાસ પામી છે.

હવે કેટલાક બહુ ધ્યાનપૂર્વક વાંચનારા અને સ્વતંત્ર વિચાર કરનારા ગમે તેની ચોપડી હોય તેમાં પોતાના વિચારો માર્જિનમાં લખે છે. તેથી તેમના પછી વાંચનારને તે વિચારો વાંચવા હોય કે ન હોય તોપણ વાંચવા પડે છે. આનો એક દાખલો મને હમેશ યાદ રહેશે. મારા એક મિત્ર કોઈ નવલકથા લાઇબ્રેરીમાંથી લઈને વાંચતા હતા અને હું જઈ ચડ્યો. તેમાં અમુક જગાએ કોઈ વાંચનારે લખેલું કે `વાર્તાકાર ગધેડો છે.’ તેની નીચે પછીના વાંચનારે લખેલું કે `આ લખનાર ગધેડો છે.’ વાક્ય દ્વિઅર્થી છે પણ તેમાં ગંમત પડે તેમ છે. મારો મિત્ર લખવા જતો હતો કે `બંને ગધેડા છે.’ પણ મેં ના પાડી અને સમજાવ્યો કે આમ કરવાથી માણસની સંખ્યા ઘટતી જશે અને જગતમાં ગધેડાની સંખ્યા વધતી જશે. એ મિત્ર મારું માની ગયો અને `એ વાત એટલેથી રહી.’ પણ ચોપડી ખરાબ કરવાની આ પણ એક મશહૂર કલા છે.

ખરાબ કરવાની કલામાં સૌથી અદ્ભુત મોઢું બગાડવાની કળા છે. જેમ નવલકથા લખવાની કલા, કલા છે તે ઉપરાંત પૈસાની પ્રાપ્તિ પણ કરાવે છે, તેમ આ કલાથી પૈસો પણ મળે છે. અમેરિકામાં થોડાં વરસ ઉપર સૌથી કદરૂપી બાઈને એક ઇનામ મળેલું હતું. અને આ કલા આપણે ધારીએ તે કરતાં વધારે વપરાય છે. કેટલીક કલા જેમ અજ્ઞાત હોય છે તેમ આના કલાકારો હજી આ વાત જાણતા નથી.

ધારો કે કોઈનું મોઢું સારું છે, અથવા છેવટ ખરાબ તો નથી જ. પણ તે તેને બગાડી શકે છે. એક બહુ જ સારી યુક્તિ એ છે કે કોઈ પણ વસ્તુ જોવી હોય ત્યારે આંખો બંધ કરવી અને મોં પહોળું કરવું. કેમ જાણે મોંથી જ જોતા હોઈએ. થોડી વાર એમ કરશો એટલે ટેવ પડી જશે, નજીકમાં નજીક ચીજ કે દૂરમાં દૂર ચીજ જોવાને પણ આવો ચહેરો કરવો પડશે, તેથી કરચલીઓ અને મોંના સ્નાયુઓ એવી રીતે ગોઠવાશે કે પછી મોં એવું જ રહ્યા કરશે. અહીં મોં શબ્દ જરા સમજીને વાંચશો. મોં એટલે ખાવાનું અને બોલવાનું કાણું એ અર્થ પણ ખરો, અને ચહેરો એ અર્થ પણ ખરો; જ્યાં જે હોય ત્યાં તે યથાયોગ્ય સમજી લેવાનો.

હોશિયારીથી પણ મોઢું બગડે છે. એક માણસ સાથે વાત કરતાં કરતાં તમે તેને હોશિયારીમાં કેવો બનાવો છો તે સૂચવવા પડખે ઊભેલા બીજા કોઈ માણસ તરફ મિત્રભાવે જોતા જાઓ, એક ગાલ ઊંચો કરીને અને તે બાજુની આંખના ઉપલા પેઢાને નીચે કરીને જરા જરા આંખ ઝીણી કરતા જાઓ: થોડા જ દિવસોમાં, કાંઈ પણ કારણ સિવાય, સ્નાયુઓ એમ જ હાલવા માંડશે, આંખ ઝીણી થવા લાગશે અને પછી ઊંઘમાં પણ મોઢું વાંકું અને આંખ ઝીણી રહ્યા કરશે.

અતિશય લાગણીથી પણ મોઢું બગડે છે. કોઈ કહે કે `બારેજડી ગાડી અઢી વાગ્યે પહોંચશે’ અને તે જ વખતે તમને જો ઘણી જ લાગણી થઈ જાય, તમે તો આ ટ્રેનમાં અને આ રસ્તે આવતાંજતાં ઘરડા થઈ ગયા, આ આજકાલનો માણસ તમારાથી મતભેદ કરી જુદો વખત બતાવે છે, લોકોને કાંઈ અક્કલ નથી, દુનિયામાં સાચું કહેનારને કોઈ માનતું નથી, એનાં કર્યાં એ ભોગવે એમાં આપણે શું, – એટલી બધી લાગણી તમને થઈ આવે, તેથી જિંદગીનો કંટાળો આવે, તમે નિરાશ થઈ માથા પર હાથ ફેરવવા માંડો, બંને આંખો ઝીણી કરી નાખો, કૂતરાં એકબીજા પાસે મોઢું લાવી અહિંસાથી લડતી વખતે નાક ઉપર કરચલી ચડાવી દે, તેમ તમે પણ નાક પર કરચલી ચડાવી દો, તો પછી દુકાનનું પાટિયું દેખી, કે માખી દેખીને પણ તમને લાગણીઓ થઈ આવવાની, અને થોડા માસમાં કે દિવસમાં આખું મોઢું એવું જ થઈ જવાનું.

આ કલા ઘણી વિસ્તરેલી છે પણ રેખાચિત્રો સિવાય તે સ્ફુટ કરી શકાય તેમ નથી. માટે બરાબર મોઢાં ચીતરી આપનાર કોઈ સ્વૈરવિહારી ચિતારો મળે ત્યાં સુધીને માટે આ વિભાગ મુલતવી રાખવો પડશે. માગશર-પોષ, ૧૯૮૪
[સ્વૈરવિહાર-૧]