સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/ઊછરતાં છોરુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઊછરતાં છોરુ|}} {{Poem2Open}} નારસિંહ ઠાકોર વટથી જતા હતા. એમણે એક હાથમાં એનેમલનું ધોળું ચા ભરેલું ટૅબ્લર, તેના ઉપર ઢાંકેલી રકાબી અને બાકી રહેલી આંગળીઓ ઉપર સિફતથી ટીંગાવેલા ત્રણેક પ્ય...")
 
No edit summary
 
Line 197: Line 197:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = મીન પિયાસી
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = દુનિયાનું મોં
}}
}}

Latest revision as of 05:35, 6 September 2022

ઊછરતાં છોરુ

નારસિંહ ઠાકોર વટથી જતા હતા. એમણે એક હાથમાં એનેમલનું ધોળું ચા ભરેલું ટૅબ્લર, તેના ઉપર ઢાંકેલી રકાબી અને બાકી રહેલી આંગળીઓ ઉપર સિફતથી ટીંગાવેલા ત્રણેક પ્યાલા કોક કુશળ નટની અદાથી લીધા હતા, અને બીજા હાથે બે આંગળી વચ્ચે બીડી પકડી લહેરથી ફૂંક લેતા હતા. એમની બાપદાદાની ઠકરાતમાંથી એમને જે કાંઈ વારસો મળ્યો હતો તે માત્ર આ એમની સોટા જેવી અને વરસે વરસે ઝડપથી છટકતી જતી કાયાનો જ હતો. અર્ધી ચડ્ડીમાં અંદર ખોસી દીધેલું પહેરણ, તથા શહેરી ઢબે કપાવેલી બાબરીને લીધે એમને બીજા શહેરી છોકરાથી જુદા પાડવા જરા અઘરું થઈ પડે; પણ એ ઠાકોરને એમના અસલ રજવાડાશાહી પોશાકમાં – ચોરણો, કેડિયું ને ફાળિયામાં જુઓ તો ઠાકોર ખરેખર ઠાકોર હતા એમ લાગ્યા વિના ન રહે. શહેરીપણું તેમની અંદર ઊતરતું જતું હતું છતાં ઘોડી ઉપર બેસનાર કાઠીની ચપળતા તેમની ચાલમાં હતી. ખુલ્લી પિંડીઓ, અર્ધા ખુલ્લા હાથ, ડોકનો વળાંક, અણિયાળું નાક, નાના નાના હોઠ, સહેજ અણીદાર દાઢી અને ભાલના ઘઉંનો રંગ, એમને સોહામણા તરીકે જરૂર પાસ કરી દે. પણ એ બધી ઠકુરાઈને હૉટેલના કાતરિયામાં પડી રહેતી પોતાના ચોરણા-કેડિયાની પોટલીમાં બાંધી રાખીને ઠાકોરે હમણાં તો આ હૉટેલમાં વરધીઓ પૂરી પાડવામાં જ ખત્રીવટ દાખવવાની હતી. તેઓ અત્યારે એક હેરકટિંગ સલૂનમાં ચાની વરદી પૂરી પાડવા જતા હતા. ‘અરે વાહ, ઠાકોર, તમે જાતે કંઈ આવ્યા ને!’ હેરકટિંગ સલૂનના સ્વામીએ તેમને જોઈને આનંદભર્યો ઉદ્ગાર કર્યો. ઠાકોરે અર્ધી પીધેલી બીડીને પગથિયા પર ફેંકીને પગથી મસળી નાખી. તેઓ એક પિચકારી લગાવીને થેંકયા અને માથાની બાબરી હાથથી ઉછાળીને, જાણે બોલતા જ ન હોય તેવી રીતે બોલ્યા ‘હા!’ અને સલૂનની અંદરનાં ચિત્રો મૂંગા મૂંગા જોઈને થોડી વારે ઉમેર્યું આપણે શું? જયાં કહે ત્યાં આ ચાલ્યા!' અને તેમણે પ્યાલાઓમાં ચા કાઢવા માંડી. ‘ઠાકોર, બરાબર લાવ્યા છો ને? પેલા કબાટ પાછળથી બીજો એક કપ કાઢીને એક વધારે બનાવજો!’ ‘હા, રાજા, તમે કહો તેટલા બનાવું.’ અને ચા ભરતાં ભરતાં બોલ્યા આપણે કસર કરનારા નહિ. વરદી કરતાં અરધો કપ આપણે તો વધારે જ નાખી લાવવાના!' સલૂનમાં અત્યારે ખાસ ઘરાકી નહોતી. એકાદબે ઘરાકની દાઢી બની રહી હતી. સલુનના માલિક તથા તેના મહેમાનો ચા પીતા હતા તે દરમિયાન નારસિંહજી ભીંત ઉપરની ભાતભાતની છબીઓ જોવામાં વળી રોકાયા. આવી છબીઓ તો અનેક વાર જોઈ હતી. હૉટેલમાંય ક્યાં ઓછી હતી? પણ તેમનો રસ ઘટવાને બદલે રોજબરોજ વધતો જતો હતો. એક અર્ધનગ્ન ગૌરાંગીની છબી ઉપર તેમની નજર મંડાયેલી જોઈને સલુનના સ્વામીએ પૂછ્યું ‘કેમ ઠાકોર? પસંદ આવે છે?’ ઠાકોરે કંટાળાથી હોઠ ભીડ્યા, પિચકારી લગાવીને બહાર થંક્યા અને બોલ્યા, ‘છી, પતલી કમરિયાંવાલી નથી!' અને બધા ખડખડાટ હસી પડ્યા. ‘વાહ ઠાકોર, તમે કહેતા હો તો તેવીની વરદી આપીએ!... લો જરા. ચાર કાતરછાપ લઈ આવો ને?' કહી સલુનસ્વામીએ એક આનો આપ્યો. નારસિંહજી સિગારેટો લઈ આવ્યા. ત્રણ સિગારેટો મહેમાનોએ સળગાવી. વધેલી ચોથીને સળગાવવાનું નારસિંહને કહેવામાં આવ્યું. ઠાકોર સિગારેટ વટથી સળગાવી, તેનો છેડો મૂઠીમાં પકડી ચલમની પેઠે દમ લેવા લાગ્યા. અને કપ-રકાબીઓને ભેગાં કરતાં કરતાં બોલ્યા ‘સારંગભાઈ, જરા કટ લઈ આપો ને?’ ‘હો!’ સલૂનના સ્વામીએ પૂછ્યું, ‘કાં, કંઈ તૈયારી કરી છે કે શું?’ ‘સહેજ, જરા ‘ચાબુકવાળી’ જોવા જવાનો વિચાર છે.’ ‘અરે મગના, જો આ ઠાકોરની કટ બનાવી દે બરાબર,' હુકમ છૂટ્યો, ‘ઠાકોરનો જરા વટ પડે એવી!’ મફતમાં કટ બનાવડાવીને તથા રકાબી, પ્યાલા અને ટૅબ્લરને એક હાથમાં લઈ નારસિંહજી બીજો હાથ કટ ઉપર ફેરવતા પગથિયાં ઊતરવા લાગ્યા. રસ્તા ઉપર જરા ભીડ હતી. સ્ત્રીઓનું એક રમણીય ટોળું જતું હતું. ઠાકોરની નજર તેમાં ભૂલી પડી. તે પગથિયું ચૂક્યા, પડછાયા. ખણંગ કરતાં રકાબી-પ્યાલા પગથિયાના પથ્થર પર અફળાયાં. પડતાં પડતાં પણ ઠાકોરે બહુ સિફત વાપરી. માત્ર એક જ પ્યાલો ફૂટ્યો. પ્યાલો ફૂટ્યો પણ તેનો કાન તો તેમની આંગળી પર વળગી રહ્યો. ‘હાં હાં, સંભાળો, ઠાકોર!' સારંગભાઈ બોલ્યા. ‘બરાબર રસ્તા પર ઊતરીને પછી જુઓ.’ અને સલૂનની અંદર આછું હસવું ગુંજી રહ્યું. કાંઈ જ ન બન્યું હોય તેમ નારસિંહજી પેલા ટોળાની પાછળ પાછળ આંગળી પર લટકી રહેલા કપના કાનને નીરખતાં નીરખતાં ચાલવા લાગ્યા. રસ્તામાં આવતી કચરાપેટીમાં તેમણે કપનો કાન એક ગાળ બોલીને ફેંકી દીધો, અને ઝડપથી હૉટેલ તરફ ચાલવા માંડ્યું. હોટેલમાં પેસતાં જ ગલ્લા ઉપર બેઠેલા માણસે તેમને ટોક્યા, ‘કેમ અલ્યા? કયાં રવડ્યા કરતો હતો? સુવર, વરદી આપવા જાય છે કે રખડવા?' ઠાકોરની જીભ પર શબ્દો આવી ગયા ‘સુવ્વર તારો બાપ!’ પણ મોઢેથી તેને કાંઈ જવાબ આપ્યા વિના ઠાકોર રસોડાની અંદર ચાલ્યા ગયા. અંદરથી જમ પડતી હતી ‘ઠાકોર, ઠાકોર, ચાલો જલદી. બીજી વરદી ઉપર જવાનું છે , બહારથી મહેતાની બૂમ પડી. અને ઠાકોરને નામે એક પ્યાલો લખી નાખજો. ફોડી નાખ્યો છે!' ૨ ઠાકોર કાઠિયાવાડના વતની હતા, અને વખાના માર્યા શહેરમાં આવી વ્યા હતા. અફીણ ખાતાં ખાતાં મરી ગયેલા, નારસિંહજીના પિતા વાઘુભાએ જમીનજાગીર બધી દેવામાં ખલાસ કરી હતી; એક ખોરડું રહ્યું હતું. તેમાં મા અને બેન રહેતાં હતાં. બેનનાં લગન ઊકલી ગયાં હતાં. થોડા વખત પછી એને સાસરે વળાવવામાં ઘરની જે કાંઈ બચત હતી તે ભેગી કરીને વાપરી નાખવી પડી હતી. હવે ઓઝલમાં રહીને કરી શકાય એવો છીંકણી વાટવાનો ગૃહઉદ્યોગ મા કરતી હતી. પણ છોકરાનું શું કરવું? છેવટે એક ઓળખીતાએ કહ્યું ‘ચંદનબા, તમે કહેતાં હો તો છોકરાને ઠેકાણે પાડી આપું. આ શહેરમાં કાંઈ ગોઠવી દઉં.’ અને તેણે નારસિંહજીને શહેરની એક હૉટેલ અને વીશી જેમાં ભેગી હતી તેવા ‘મહાલક્ષ્મીવિલાસ'માં ગોઠવી દીધા. ચોરણો, કેડિયું, માથે ઓડિયાં, ગામડિયા જોડા એવા વેશમાં દસ વરસના નારુભા હૉટેલના છોકરાઓને કુતૂહલનો વિષય થઈ પડ્યા. નારૂભાને પણ આ દુનિયા એટલી જ કુતૂહલભરી લાગી. સર્કસમાં, જંગલમાંથી પકડી આણેલા પ્રાણીને સર્કસનાં બીજાં પ્રાણી જેવા લાગે તેવું નારસિંહજીને લાગતું હતું. હૉટેલનો ભપકો, ટેબલો, દીવા, પંખા, અરીસા, જાતજાતની વાનીઓ, ચમકતો ગલ્લો અને તે પર ખણખણનતા પડતા પૈસા અને અત્યંત સ્વસ્થ રીતે બિલો તારમાં ભેરવ્ય જતો ગલ્લા પર બેસનારો; બીજી બાજુ ટેબલ ટેબલે ફરતા મહેતાઓ. વાનીઓ આપી જતા છોકરાઓ, તેમની અંદરોઅંદરની ચપળ વાતચીત અને ત્રીજી બાજુ અનંત વૈવિધ્યવાળા, અનેક જાતના સ્વભાવવાળા ઘરાકો એ બધું નાગુભાને કોક અગમ્ય, મોહમયી અને છતાં ભયજનક સૃષ્ટિ જેવું લાગવા માંડ્યું. ‘અરે મહેતા, આને – શું તારું નામ અલ્યા?' ગલ્લા પર બેઠેલા માણસે નારુભાને પૂછવું. પેલા ઓળખીતા એને જ નારુભાને જાળવી ગયા હતા. ‘નારસિંહજી!’ છોકરાના મોમાંથી કોમળ મંદ અવાજ આવ્યો. ‘ઓહો!’ પેલો જરા હસ્યો અને એક યંત્ર જેવા અવાજે બોલ્યો ‘અરે, આ નવા ઠાકોરને લઈ જાઓ. અને કંઈક બતાવો.’ અને ઠાકોર તરફ ફરીને તે બોલ્યો, ‘જાઓ ઠાકોર.’ અને વળી બૂમ પાડી બોલ્યો ‘અને આ પેલો દલિયો જતો રહ્યો છે તેનાં લૂગડાં પણ ઠાકોરને આપજો.’ મહેતાએ હાથમાંની પેન્સિલ હલાવી ઠાકોરને પોતાની પાછળ આવવા જણાવ્યું. અરીસાનો પાછળનો ભાગ જેવો ખાલી, લુખ્ખો, અપારદર્શી, અંધ. ગંદો હોય છે તે જ પ્રમાણે હૉટેલોના, હેરકટિંગ સલૂનોના, દુકાનોના અને મોટાં થિયેટરોના અંદરના ભાગ હોય છે. ચમકતા પડદા પાછળ આકૃતિહીન રંગનાં ધાબાં અને અંધારું જ હોય છે. એક અર્ધી અંધારી ઓરડીમાં એક ખૂટી પરથી ચડ્ડી અને ટૂંકું ખમીસ મહેતાએ ઠાકોરને આપ્યું ને કહ્યું, ‘આ પહેરી લો. અને તમારી પોટલી અહીં મૂકજો અને જાવ પણે નળ આગળ રકાબી-પ્યાલા ધોવા લાગો. જો જો, ફૂટે ના હોં!’ અને તે ચાલ્યો ગયો. ઠાકોર ચડ્ડી ખમીસ પકડીને કેટલીય વાર ઊભા રહ્યા. એ અંધારું, પાસેના એ ચૂલાઓનો ધુમાડો, એ વાસણોનો ખખડાટ, નારુભાના મગજમાં જાણે કે કાંટાની પેઠે વાગવા લાગ્યાં. તે રોઈ પડ્યા અને ખૂણામાં લપાઈને ઊભા રહ્યા. એ ઘર, એ મા, એ લીંપેલા આંગણામાં આવતો તડકો, એ પાદર, એ વડલો, એ ધણ, એ તળાવ, એ વાછરાં અને એ પાવા વગાડવાની મઝા! ‘ક્યાં છે પેલા ઠાકોર?' કોઈકે ઠાકોરને ઢંઢોળ્યા. ‘અલ્યા ઊંઘી ગયો છે કે? ઊઠ, ચાલ ખાવા.' કોક છોકરાએ તેમને બાવડું પકડી ઊભા કર્યા. ખાવાનું ઘર કરતાં તો ઘણું સરસ હતું, પણ ઠાકોરને તે ન ભાવ્યું. તેમના મનમાં એક જ શબ્દ રમી રહ્યો હતો ‘મા, મા!' અને લુખ્ખો રોટલો પીરસતી મા તેમની નજર આગળ આવી રહી. છૂટું ઢોર ખીલે બંધાતાં હિજરાય તેમ ઠાકોર હિજરાવા લાગ્યા. પણ ધીરે ધીરે એમને બધું સદવા લાગ્યું. પેલો ઓળખીતો એમની ખબર કાઢી જતો, માની ખબર આપી જતો અને ઠાકોરના પગારમાંથી થોડો ભાગ માને પહોંચાડવા લઈ જતો. હૉટેલના જગતમાં તેમનું સ્થાન ધીરે ધીરે નક્કી થતું ગયું. તેમનાથીય નાની ઉમ્મરના છોકરાઓ ત્યાં હતા. મોટા તો હતા જ. એ બધાનું ખાવાનું તથા સૂવાનું હૉટેલમાં જ રહેતું. મોટા છોકરા નાના છોકરા પર તો રોફ કરતા જપણ આ નવા છોકરા પર તો નાના પણ રોફ કરી જતા. શરૂઆતમાં તો થોડા દિવસ નાગુભાએ એ વેઠી લીધું. પણ એક દિવસ એક નાનું ગટિયું છોકરે બીડી પીતું પીતું ઠાકોરની મશ્કરી કરવા લાગ્યું. નાભાએ એ ગટિયાને બાવડેથી પકડ્યો અને તેના જ મોંમાંથી બીડી ખેંચી કાઢીને તેના ગાલ પર ચાંપી દીધી. છોકરું ચીસો પાડવા અને ઘડાયેલી ગાળો દેવા લાગ્યું. પણ તેનું કોઈએ સાંભળ્યું નહિ. કંતાયેલા શરીરવાળા એ છોકરાઓ કરતાં નારૂભામાં બળ તો બેશક વધારે હતું, પરંતુ શહેરના છોકરાઓની પટુતા તેમનામાં ન હતી. પણ તેય ધીરે ધીરે આવવા લાગી. તે સફાઈથી બીડી પીતાં, ગાળ દેતાં, ઉઠાઉગીરી કરતાં, દાટી દેતાં શીખ્યા. તેમનાથી નાની ઉમ્મરના બધા છોકરા તેમનું કહ્યું માનતા, અને એક વાર તેમની ફરિયાદથી એક છોકરાને રજા આપવામાં આવેલી ત્યાર પછી મોટી ઉમ્મરના છોકરાઓ પણ ઠાકોરને નારાજ ન કરવામાં પોતાની સલામતી માનતા, ઘણી વાર ઠાકોરનું કામ પણ બીજા કરી આપતા. રાતે ત્રણ વાગ્યે ઊઠવાનું હોય ત્યારે તે થોડો વખત સૂઈ પણ રહેતા. એ નાના જગતમાં ગાઢ મિત્રતાઓ પણ બંધાતી અને કાતિલ શત્રુવટો પણ રચાતી. એક વાર હૉટેલમાં રાત્રે બારેક વાગ્યે ઘરાકી બંધ થયા પછી એક સંપૂર્ણ નગ્ન સ્ત્રીની એક મોટા કદની છબી ટીંગાવાઈ રહી હતી. ખીલીઓ ચોડનારાઓ લહેરથી કામ કર્યે જતા હતા. વચ્ચે વચ્ચે ગરમાગરમ ખુશબૂદાર વાતો પણ ચાલતી હતી. ધીરે ધીરે હૉટેલના બધા છોકરાઓ પણ ત્યાં ટોળે વળ્યા. એકબીજા સામે આંખમીંચામણાં ચાલતાં હતાં, તેવામાં એક મોટો માણસ બોલ્યો ‘જાવ રે, છોકરા, સૂઈ જાઓ, બધા. શું જોવા ભેગા થયા છો?' રસોડાની પાસેના એક કાતરિયામાં જ્યાં એક બાજુ લાકડાં, એક બાજુ ચોકડી અને એક બાજુ અનાજ પડી રહેતું તેમાં છોકરાઓ સૂતા હતા. વીજળીનો એક ઝાંખો દીવો તેમાં બળતો રહેતો. નારૂભાને ઊંઘ ખૂબ જ આવતી. સૂતા પછી ધરતીકંપ થાય તોય તે જાગે તેમ ન હતા. ઊંઘમાં તેમને વિચિત્ર પ્રકારના અવાજો, સીસકારા સંભળાતા, પણ જાગ્યા પછી સ્વપ્નની પેઠે એ બધું ઊડી જતું. આજે બધા છોકરાઓ ધીરે ધીરે ઓરડા તરફ ગયા. બેત્રણ ગંદી ગોદડીઓ લાંબી પાથરી તેમાં બધા ઝુકાવતા હતા. એ શયનગૃહ તરફ જતાં જતાં દરેક જણ પેલી છબી તરફ નજર નાખતો જવા લાગ્યો. એ બધાની નજરથી પ્રેરાઈ નારુભાની નજર પણ પેલી છબી તરફ વિશષ કુતૂહલથી ગઈ. તેમના મનમાં કંઈક ન સમજાય તેવો સળવળાટ થયો. તેમની આગળ બે છોકરા એકબીજાના ખભા પર હાથ નાખીને ચાલતા હતા. જેને ઠાકોરે બીડી ચાંપી દીધી હતી. તે છોકરો ધીરે ધીરે ઠાકોર તરફ અહોભાવથી જોતો થયો હતો. તેણે આવી ઠાકોરના હાથમાં હાથ નાખ્યો અને બોલ્યો ‘ઠાકોર, મને પેલો લખમણ બહ સતાવે છે.’ ઠાકોરે કંઈ જવાબ ન આપ્યો. બધા સૂઈ ગયા, પણ ઠાકોરને કોણ જાણે કેમ ઊંઘ ન આવી, સૂતા સૂતા બધા ઘુસપુસ વાતો કરતા હતા. ‘અલ્યા, હવે લાઇટ હોલવી નાખું છું.' કહી લખમણે ઊભા થઈને લાઈટ હોલવી નાખી. નારૂભા ઊંઘમાં સરવા લાગ્યા, પણ પેલી છબી તેમને વિચિત્ર રીતે બેચેન કરવા લાગી. દરેક જણાની સૂવાની જગ્યા લગભગ મુકરર હતી. ‘ઓ! મારો પગ ચબદાયો!’ પેલા ગટિયાએ બૂમ પાડી. ‘હવે સૂઈ રહે, વહુ!' લખમણનો ગુંડો અવાજ સંભળાયો. બધા છોકરાઓમાં એ સૌથી વધારે ગુંડો હતો. ઠાકોર એક બાજુ છેલ્લા સૂતા હતા. થોડી વારે તદૃન શાંતિ થઈ ગઈ. કોણ જાણે કેટલોય વખત ચાલ્યો ગયો. ઠાકોરને સ્વપ્નો આવવા લાગ્યાં. જાણે કે કોઈ મોટી મોટી, ગાડાના પૈડા જેવડી, લાલ પીળી જલેબી ઉતારતું હતું. એકદમ કોઈએ ચીસ પાડી ‘ઓ બાપ રે!’ અને પછી છૂટથી ગાળો સંભળાવા માંડી. અવાજ ગટિયાનો જ હતો. નારુભા એકદમ જાગી ગયા અને કૂદકો મારી ઊભા થઈ તેમણે લાઇટ કરી. ઝાંખો દીવો પણ તેમની આંખને ઝંખવાવી રહ્યો. અને એકદમ બેચાર અવાજો આવ્યા ‘એ સુવ્વર, કોણે લાઈટ કરી? હોલવી નાખ! હોલવી નાખ!' અવાજોમાં એક જાતની ભયાનકતા હતી. નારુભાએ આંખો ચોળી. તેમણે બહુ જ વિચિત્ર દૃશ્ય જોયું. તેમના મનમાં કંઈક પ્રકાશ ફુર્યો. તેમણે તરત લાઇટ બંધ કરી દીધી અને પોતાની જગાએ આવીને સૂઈ ગયા. તેમનું શરીર થરથર કાંપતું હતું. અંધારું. ફરીથી ગટિયાનો અવાજ ‘ઠાકોર, મારો પગ ચગદ્યો તમે!’ ફરીથી શાંતિ. થોડી વારે તેમણે તેમની નજીકમાં ગટિયાનો અવાજ સાંભળ્યો. ‘ઠાકોર, તમારી જોડે મને સૂવા દો.’ અને તે કાંઈ બોલે તે પહેલાં ગટિયો તેમની પાસે આવીને સૂઈ ગયો. ‘ગટિયા!' ઠાકોરે ધીરે રહીને કહ્યું. ‘ઠાકોર ચૂપ! પેલો લખમણ...’ ગટિયાનો અવાજ શાંત બડબડાટ બની ગયો. ઠાકોરને પોતાના મગજ ઉપર જાણે ચૂનાનો કૂચડો ફેરવાતો હોય તેવું લાગ્યું. જાણે કોઈ તેમના શરીરને ચાવીઓ આપતું હતું. ‘ગટિયા, જતો રહે!' તે ધીરેથી બોલ્યા. ‘ના ભાઈસા'બ, તમારી ગાય...’ ઠાકોરે આંખ ઉઘાડી. બધે અંધારું હતું. તેમની આંખ મીંચાઈ. ગટિયો એક કુરકુરિયાની પેઠે તેમની સોડમાં લપાતો ગયો. અંધારું જ અંધારું. કેટલું ભયાનક! ૩ તે રાતથી નારૂભા અને લખમણ વચ્ચે વેર બંધાયાં. લખમણ ઊંચો સળિયા જેવો હતો. એના ગાલનાં, કોણીનાં અને ઘૂંટણનાં હાડકાં ખૂણાદાર હોઈ એના ઊંચા શરીરને કોક રાક્ષસી વાતાવરણથી ઘેરી લેતાં હતાં. એના પહોળા મોઢાના હોઠમાં હમેશાં બીડી રહેતી અને તેના માથાની બાબરી હમેશાં અડધા કપાળ પર વેરવિખેર પડેલી રહેતી. વારે ઘડીએ તેના મોંમાંથી ગાળો નીકળ્યાં કરતી. કોક બાદશાહની છટાથી તે ઘરાકોને વાનીઓ પીરસતો. ચાના ભરેલા પાંચ પાંચ કપ તે એકીસાથે ઘરાકોને પહોંચાડતો. લાંબા ડગલે તે હોટેલમાં જોતજોતાંમાં ફરી વળતો. આજ લગી બધા છોકરાઓનો એ રાજા હતો અને કોઈ છોકરાની દેન ન હતી કે એની માગણીને નકારી શકે. નવો આવેલો છોકરો પોતા ઉપર શું થઈ રહ્યું છે એ સમજે તે પહેલાં જ લખમણ પોતાનું કામ કરી નાખતો અને પછી એ દુનિયામાં એ વસ્તુ તેને સ્વાભાવિક બની જતી. બલકે ધીરે ધીરે છોકરાઓને જીવનની એ જ એક મોજ બનતી. માબાપો વિહોણા, સમાજના અનેક થરોમાંથી આવેલા, ભણેલા-અભણ. કશાય સારા સંસ્કાર વિનાના વાતાવરણમાં જીવતા, ઉશ્કેરી મૂકનારી છબીઓથી ભરેલા અને જીવનમાં જેનો કયાંય મેળ ન ખાય એવી ગાયનની ચીજોને ઘૂંટ્યા કરતા તથા સિનોમાનાં ગલીચ દૃશ્યોને વારંવાર વાગોળતા આ છોકરાનું એક જુદું જ જગત રહેતું. એમને મહિને જે બે-ત્રણ રૂપિયા પગાર મળતો તેમાંથી ભાગ્યે જ કંઈ તેઓ બચાવી શકતા. ફૂટેલા કપ-રકાબી જોડવામાં, સિનેમા વગેરે જોવામાં, અને પોતાના ‘છોકરાને રીઝવવામાં તેમની કમાણી ખરચાઈ જતી. હૉટેલમાં આવીને પાઅર્ધા કલાકમાં કશોક નાસ્તોપાણી કરીને બાર આના રૂપિયાનું બિલ કરી ફટ લઈને રૂપિયો ગલ્લા ઉપર ફેંકનાર કે કડકડતી નોટ ગલ્લા ઉપર ધરી દેનાર ઘરાકો તેમના કુતૂહલનો અને અહોભાવનો વિષય બની રહેતા અને ઘણાઓની એવી મહેચ્છા રહેતી કે આપણે પણ આવાં કડકડતાં કપડાં પહેરી ફટ દઈને રૂપિયો ફેંકી દેતાં ક્યારે થઈએ. આખો દિવસ વરદીઓમાં કે ટેબલો ઉપરથી દોડાદોડીમાં વીતતું તેમનું જીવન ખરેખરું તો રાતે શરૂ થતું. અને એક વાર એ કાતરિયામાં પોતાની પથારીમાં ગોઠવાઈ ગયા પછી અમુક સ્થિરતાથી ચાલ્યા કરતું. પણ એ કાતરિયામાં પણ ક્રાન્તિઓ આવતી, હુલ્લડો મચતાં અને લોહી પણ કદીક રેડાતું. તે રાત પછી નારુભા બદલાઈ ગયા. બીજાને રક્ષણ આપવાથી માણસમાં જે પ્રૌઢપણું આવે છે એ તેમનામાં દેખાવા લાગ્યું. હૉટેલના છોકરાઓ લખમણથી ત્રાસી ગયા હતા અને તેને ભોયે પાડવાની કોઈ પણ રીત જડે તો તેમાં મદદ કરવા તૈયાર હતા. પણ ઉઘાડે છોગે તેની સામે થવું મુશ્કેલ હતું. હૉટેલનો માલિક તેના ઉપર ઘણી રહેમ-નજર રાખતો. છોકરાઓ કહેતા કે લખમણની મા અને હૉટેલના માલિકને કંઈક છે. કોક કહેતું કે લખમણની બેનને અને હૉટેલના માલિકને કંઈક છે. તો કોક કહેતું કે તેની મા અને બેન બેય માલિક સાથે છે. પણ એ ગમે તેમ હોય, લખમણની ચપળ સર્વિસ હૉટેલવાળાને બહુ કામમાં આવતી હતી અને એટલે એની સામે સફળ રીતે ફરિયાદ કરવી ઘણું અઘરું હતું. ગટિયો શરીરે નાનો હતો, પણ તેનું મગજ બહુ ચાલાક હતું. તેણે લખમણની બધી પોલો અને નિર્બળતાઓ નારુભાને કહેવા માંડી અને આજ લગી નારૂભાને અપરિચિત રહેલા હૉટેલના પ્રપંચો અને બગાડની વાતો ગટિયા પાસેથી તેમને ધોધમાર મળવા લાગી. ફલાણો ફલાણાની વહુ છે, અને ફલાણો ફલાણાની અને એવું એવું ઘણું. લખમણ હવે નારૂભા તરફ કતરાતો રહેવા લાગ્યો. તે નારૂભા પાસે થઈને પસાર થાય ત્યારે ખૂંખારો ખાતો અને ખભા ચડાવી હાથની મુકી વાળી દાંત કચકચાવતો. નારૂભા જોતા ગયા કે છોકરાઓ પોતાના તરફ અમુક માનભરી રીતે જુએ છે. તેમનામાં એક નવી હિંમત આવી. વળી ગટિયાનું ચપળ મગજ પણ તેમને ઘણી વસ્તુઓ સમજાવી દેતું. લખમણની એક નબળાઈ હતી તે લગભગ બધા જ જાણતા હતા પણ બે-ત્રણ છોકરાઓને લખમણે હૉટેલમાંથી. કઢાવી મૂક્યા પછી તેનો કોઈ ઈશારો કરતું નહિ. લખમણે રૂપિયા બનાવવાનો ઇલાજ મેળવવા એક ફકીર પાછળ ભાગવા માંહ્યું હતું અને તે ફકીરની જાળમાં સપડાયો હતો. ફકીર એનો ઉપયોગ કરી, ચાર-છ આનાના પૈસા આપી ઈલમ બતાવવાની વાત ટાળ્યા કરતો હતો. છેવટે ફકીરે બીજા છોકરાઓની માગણી કરવા માંડી. લખમણ આ નવા આવેલા ગટિયાને ફોસલાવીને લઈ ગયો. અને એક અંધારી રાતે મસીદના કોક અંધારા ખૂણામાં લખમણે પોતાની જિંદગીની મોટામાં મોટી બીક વહોરી લીધી. ‘તું બૈઠ યહાં,' કહી ફકીર ગટિયાને લઈને ઓથમાં ગયો. અને થોડી જ વારમાં ગટિયાની ચીસોએ હવાને ભરી દીધી. ગટિયાને કાંડેથી થથડાવતો લઈને ફકીર બહાર આવ્યો અને ‘સાલા સુવ્વર! યે કૈસી નાદાન લડકી લે આયા હૈ?' કહી ગટિયાને એક તમાચો મારી બેસાડી દીધો. અને ઉશ્કેરાયેલી હાલતમાં લખમણનું કાંડું પકડી તેને તો ઓથમાં ખેંચી ગયો. ગટિયાએ ધીરે ધીરે જઈને એ બધું જોઈ લીધું અને બીજે દિવસે બધાને પોતે જોયેલું કહેવા માંડ્યું. લખમણે પોતાની વાત છુપાવવા ગટિયાને લાલચો આપવા માંડી અને તેમાં ન ફાવતાં ધાકધમકી પણ વાપરવા માંડી. પણ એ વાત તો છેવટે બધે ફેલાઈ જ ગઈ અને છોકરાઓ જ્યારે લખમણને ચીડવવા માગતા હોય ત્યારે ગુપચુપ ગુપચુપ ‘ફકીર' ‘ફકીર' એમ બોલતા. ટોળામાંથી કોણ બોલે છે તે તો પારખી શકાતું નહિ અને લખમણ લાચાર બની કોક એકાદને ધોલધાપટ કરી શાંત થઈ જતો. પણ ધીરે ધીરે ‘ફકીર' શબ્દ એની નાલેશીનો સૂચક બનતો ગયો. એક દિવસ સવારના પહોરમાં ઘરાકીની લગભગ ન જેવી શરૂઆત થઈ હતી ત્યારે લખમણ એક મોટા આરતા આગળ ઊભો રહી બાબરી સમારતો હતો, ત્યાં પાછળથી નારુભાની આકૃતિ અરીસામાં દેખાઈ. નારૂભાના મોં પર ખંધું હાસ્ય હતું અને તેમણે એક ખૂંખારો ખાઈ મૂછ પર હાથ નાખ્યો. લખમણ ઝડપથી પાછો ફર્યો અને નારૂભા ઉપર ત્રાટક્યો. ‘એ બહાદુરના બેટા!' લખમણે ત્રાડ નાંખી. ‘મૂછ તો છે નહિ ને શેનો હાથ ફેરવે છે? મરદના ખેલ જોવા હોય તો આવી જા.’ નાગુભાએ એક લુચ્ચાઈભર્યા સ્મિતથી કહ્યું ‘જોયા જોયા હવે, ફકીરવાળી! અને લખમણનો પિત્તો છટક્યો. તેણે એક કાચનો કપ ઉપાડીને ઝીંક્યો. નારુભા ધીરેથી સરકીને ગલ્લાની પાસે જઈને ઊભો રહી ગયો. લખમણનો ઝીંકલો કપ ખણણણ કરતો ગલ્લા પાસે આવીને કકડા થઈ ગયો. ગલ્લા પર બેઠેલા માણસે ત્રાડ નાખી ‘કોણ છે એ?’ ધૂંવાંપૂવાં થતો લખમણ આવ્યો ને બોલ્યો ‘મહેતાજી, આને કહેવું હોય તો કહેજો, નહિ તો જોયા જેવી થશે.’ ‘પણ બેટમજી, કપ બાપના છે તમારા? અલ્યા, લખમણને નામે એક કપ માંડી દેજો. અને હવે મિજાજ જરા ધ્યાનમાં રાખજો. મામાને ઘેર નથી રહેતા તમે, સમજયા ને?' ડોળા તતડાવતો લખમણ અંદર ચાલ્યો ગયો. અને ત્યારથી ઠાકોર સામે તેના પેતરા શરૂ થઈ ગયા. બીજે કે ત્રીજે દિવસે જ્યારે પગાર ચૂકવાયો ત્યારે નારુભાને પોતાના પગારમાંથી આઠેક આના ઓછા મળ્યા. કારણ પૂછતાં જણાયું કે એ તો એમણે ફોડી નાખેલા કપના હતા, જે એમણે કદી ફોડ્યા ન હતા. નાભાનો વિરોધ કોઈએ સાંભળ્યો નહિ અને લખમણ ખંધાઈથી હસતો તેમને જોઈ રહ્યો. થોડાક દિવસ ગયા અને નારૂભા એક વરદી આપીને લહેરથી હાથમાં કપ લટકાવતા પાછા આવતા હતા. રાતના અગિયાર વાગી ગયા હતા. પેલા હેરકટિંગ સલૂનવાળાએ આજે પોતાની લગ્નની ખુશાલીમાં તેમને પોતાને નવો રેશમી રૂમાલ આપ્યો હતો. તે રૂમાલને બંડીની બાંયમાં ખોસીને મોંથી સિસોટી વગાડતાં રોફથી તે પગથિયાં ચડતા હતા. હૉટેલમાં પગ મૂકતાં જ તે થંભી ગયા. આખી હૉટેલના છોકરાઓને ભેગા કરવામાં આવ્યા હતા. બધે ભયનું વાતાવરણ હતું. હૉટેલ-માલિકની કડક આંખ જાણે ઠાકોરની જ રાહ જોઈ રહી હોય તેમ તેમના ઉપર તૂટી પડી. ‘કેમ અલ્યા, મોટો બાદશાહ બનીને ફરે છે તે કયાં રવડ્યા કરતો હતો?' ‘ભાઈશાબ વરદી આપવા ગયો હતો, સલૂનમાં.' ‘એ તો સમજ્યા, મોટા વરદીવાળા, ચાલ બોલ, ગલ્લામાંથી કેટલા પૈસા આજે ઉપાડ્યા છે?' ઠાકોર પોતાને શું પુછાઈ રહ્યું છે તે સમજી શક્યા નહિ. હૉટેલમાં ચોરી થઈ હતી અને બધા છોકરાઓની ઝડતી લેવાઈ રહી હતી. ઠાકોરના લીલા રેશમી રૂમાલ ઉપર માલિકની નજર ગઈ. તે ખેંચી કાઢીને તેણે પૂછ્યું ‘બોલ સુવર, આ ક્યાંથી લાવ્યો?' ‘એ તો મને પેલા ભગવાને આપ્યો.' ઠાકોર નરમાશથી બોલ્યા. હવે જરા વિચારીને બોલ, મોટી! તને ભેટ આપશે તો પછી થઈ રહ્યું!' માલિકે ઠાકોરને તિરસ્કારી નાખ્યા. ‘ચાલ બોલી દે, કેટલા ઉપાડ્યા છે પૈસા?' પણ ઠાકોર શું બોલે? ‘ચાલો, બધાની ઝડતી લો.’ માલિકે હુકમ કર્યો. દરેક છોકરાનાં ખિસ્સાં, ઓટી તપાસાવા માંડ્યાં. વચ્ચે વચ્ચે ધમકીઓ પીરસાતી જતી હતી. ‘સીધેસીધા કહી દેજો, નહિ તો જે હાથમાં આવ્યો છે તેની ખેર નથી, હા! વારેઘડીએ માલિકની નજર ઠાકોર તરફ ફરતી. ‘ઠાકોર, સાચું બોલી જજે અલ્યા. હું જાણું છું બધું, આ બધા કહે છે કે તે લીધા છે. તને લેતાં નજરોનજર જોનાર પણ છે!’ ‘મેં લીધા હોય તો કાઢી લો મારી કનેથી.’ ઠાકોર મૂંઝાઈને બોલ્યા. ‘ચાલો કાતરિયામાં, બધાના બિસ્તરા તપાસો.’ અને બેએક મહેતાને લઈને માલિક કાતરિયામાં ગયો. દરેકનો સામાન પીંખતાં પીંખતાં નારૂભાની પોટકીમાંથી પાંચેક રૂપિયાનું પરચૂરણ હાથમાં આવ્યું. નારુભાને પોતાને જ આ વાતની ખબર ન હતી. તેઓ અચંબો પામીને જોઈ રહ્યા. ‘નહોતું લીધુંને આ ક્યાંથી નીકળ્યું?' ડોળા તતડાવતા માલિકની સામે નારુભા કશો જવાબ ન આપી શક્યા. ‘ચાલો, સવારે તમારી વાત છે. પોલીસને જ સોંપી દેવો પડશે. કહેવડાવે છે પોતાને ઠાકોર, પણ છે તો ગોલાની જાતનો જ?’ ‘ગોલો' શબ્દ સાંભળી નારૂભાને હાડોહાડ વ્યાપી ગઈ. પણ તે મૂંગા ઊભા રહ્યા. આ બધું કેમ બન્યું તે તેમને એકદમ ન સમજાયું. રાતે ગટિયાએ તેમને કહ્યું ‘ઠાકોર, એ બધું લખમણે કર્યું છે. મહેતો આડોઅવળો થયો ત્યારે ગલ્લામાંથી પૈસા ઉપાડી તમારી પોટલીમાં મૂકતાં મેં એને ભાળ્યો હતો.' સવારે પોલીસને સોંપાતાં, પોતાની થવાની ભયાનક દશા કલ્પતાં નારુભાએ પથારીમાં તરફડિયાં માર્યા કર્યા. પણ સવાર ધારી હતી તેટલી ભયાનક ન નીવડી. માલિક કશાક કામે બહારગામ ચાલી ગયો હતો. માલિકની ગેરહાજરીમાં લખમણ હૉટેલનો અડધો માલિક ગણાતો. હવે તેનો અમલ થયો. પણ એવામાં એક નવો મહેતો આવ્યો. કયાંક આફ્રિકામાં એ અત્યાર લગી કામ કરતો હતો. મોટા થોભિયાવાળી મૂછો તે રાખતો હતો. મોટા મોટા બરાડા પાડી તે વાતો કરતો. છોકરાઓને મમ્મો ચચ્ચો વાપર્યા વગર તે બોલાવતો જ ન હતો. તેના કડપથી હૉટેલના છોકરા ત્રાસવા લાગ્યા. તે કોઈની શરમ ન રાખતો. મોટો લપતંગ લખમણ પણ એના પંજામાંથી છટકી ન શકયો. મહેતો એક લાંબી હાથેકની જાડી પેન્સિલ પોતાની પાસે રાખતો અને ગમે ત્યાંથી આવીને એકદમ ઘચ દઈને એનો ગોદો મારીને પછી જ છોકરા સાથે વાતચીત શરૂ કરતો અને વાત કરતાં છોકરાની ગળચી પકડી તેને ચબદ્યા કરતો અને ગળચી છોડ્યા પહેલાં એક ચૂંટી ભરી લેતો. કોણ જાણે કેમ લખમણ આ મહેતા સામે ફાવી શક્યો નહિ. એણે મહેતાને ‘છોકરા’ આપવાનો પ્રયત્ન પણ કરી જોયો અને તેના ઉપર મહેતાની આંખ વધુ વિફરી. નાસીપાસ થયેલ લખમણની ચીડ નારૂભા સામે એકઠી થતી ગઈ. બીજા છોકરાઓ પણ એની સામે ‘ફરન્ટ' થઈ જઈ પેલા ‘ગોલા’ સાથે ભળી જતા હતા. કોઈક જ હવે તેને રાતે કોઠું આપતું હતું. તેણે હૉટેલમાં ચાલાકીથી બગાડ શરૂ કરવા માંડ્યો અને જાતે જ તેની ફરિયાદ કરી, મહેતાનો વહાલો થઈ કોક નિર્દોષ છોકરાને માથે તે ચડાવી દેવા લાગ્યો. ઝનૂની મહેતો તેનું સાચું માની લઈ પેલા નિર્દોષ છોકરાને ધીબી નાખતો, ગાળો દેતો ને દંડ કરતો. એક વાર લખમણે યુક્તિથી એક કેળાની છાલ ફરસ પર ગોઠવી રાખીને ગટિયાને તે પર લપસાવી પાડી તેના હાથમાંના કપ ફોડાવી નાખ્યા. વળી કોક છોકરાને ઉતાવળે ઉતાવળે જતાં જતાં ધક્કો લગાવી તેના હાથમાંની વાની તે ઢોળાવી નાખતો. હૉટેલમાં બગાડની ફરિયાદો વધતી ગઈ. એક દિવસ મીઠાઈના કબાટના કાચ ફૂટ્યા. એક બીજે દિવસે છબીમાંના કાચ ફૂટ્યા. વળી કોક ત્રીજે દિવસે અરીસો ફૂટ્યો અને લખમણ તે ચોરી પકડી આપનાર ડિટેક્ટિવ તરીકે મહેતાનો માનીતો થવા લાગ્યો. એક દિવસ નાગુભાને માથે એક મોટું આળ આવ્યું. કબાટમાંની જલેબીનો કોઈએ ભુક્કો કરી નાખ્યો હતો. મહેતાએ નારૂભાને બોલાવી, પેન્સિલનો ગોદો મારીને, ગળચી કચડીને ગાળો દેતાં કહ્યું, ‘અલ્યા એ ગોલકા! તું શું સમજે છે તારા મનમાં? બાપનું છે આ બધું?' ‘પણ, મેં તો આમાંનું કશું જ કર્યું નથી.’ ‘હવે જા નથી કર્યાવાળી?’ મહેતાએ બીજો ગોદો લગાવી કહ્યું, ‘આ નજરોનજર જોનાર સાક્ષીઓ છે ને? કેમ અલ્યા લખમણ?' લખમણે હા કહી અને નારૂભા સામે કુટિલતાથી ભરેલી આંખ મારી. ‘તમારે મારી નાખવો હોય તો મારી નાખો. પણ મેં ઈ નથી કર્યું.’ નારુભાએ દૃઢતાથી કહ્યું. ‘એમ કે?' મહેતો કરડાઈને બોલ્યો. ‘મારી નાખશું ત્યારે કોઈ બચાવવા નહિ આવે! જા હવે, આ ફેરા જતો કરું છું. અલ્યા, આ નારિયાને નામે તમે બે રૂપિયા લખી કાઢો.’ નારુભાના એ મહિનાના પગારનો મોટો ભાગ દંડમાં ખેંચાઈ ગયો. શટિયો તેમની પાસે સિયાવિયા થઈને ઊભો રહ્યો હતો. તે એકદમ રડી પડ્યો. લખમણ ખૂંખારા ખાતો ચાલ્યો ગયો. ગટિયાને ખભે હાથ નાખી નટુભાએ તેને કહ્યું, ‘ચાલ ભાઈલા, રડ નહિ. એ તો જોઈ લેવાશે.' ૪ રાતે ગટિયો નારૂભા પાસે આવ્યો. બહુ જ ધીરેથી પણ ઉત્સુકતાથી તે બોલવા લાગ્યો ‘ઠાકોર!' ‘શું છે?’ આવતી ઊંઘને ઠેલતાં ઠાકોર બોલ્યા. ઊઠો ઊઠો. કંઈક બતાવું. જોજો અવાજ ન થાય હોં!' અને બિલ્લી પગલાંએ ચાલતા બંને જણ હૉટેલના નીચલા માળે પહોચ્યા. હૉટેલ હમણાં જ બંધ થઈ હતી. ગ્રામોફોનોની રાડ્યો બંધ થવાથી ચકલું અજબ રીતે શાંત લાગતું હતું. ઓરડામાં તદન અંધારું હતું. માત્ર ગલીમાં પડતી ભીંત પાસેની એક બારી સહજ ઉઘાડી હતી. અને તેમાં લખમણની ઊંચી આકૃતિ ઊભેલી હતી. તે કોકની સાથે કશીક વાત કરી રહ્યો હતો. નારુભા તે સાંભળીને સહેજ કમકમી ઊઠ્યા. થોડી વારમાં બારી બંધ કરી લખમણ સ્વસ્થ પગલે ઉપરને માળે જવા લાગ્યો. નારુભા અને ગટિયો શ્વાસ થંભાવીને એક બાજુએ દબાઈ રહ્યા. લખમણ દાદરને ઉપરને પગથિયે પહોંચ્યો તેવામાં ગટિયાને એક છીંક આવી. પાસેના કેબલ પાસે પડેલા કપ ઉપર તેનો હાથ પડ્યો. અવાજ થયો. લખમણ જરાક થંભ્યો. એને બિલાડી માની ‘છીડે!' કહી ચાલ્યો ગયો. થોડી વાર પછી જ્યારે નારુભા ને ગટિયો કાતરિયામાં આવ્યા ત્યારે લખમણ કાતરિયાની એકની એક કમાડ વગરની બારી પાસે ઊભો રહી બીડી પીતો હતો. પગરવ સાંભળી તેણે તેના તોછડા સ્વરે પૂછ્યું ‘કોણ છે ત્યાં એવડો એ?' જવાબમાં નારુભાએ લાઈટ કરી, ને સામો જવાબ વાળ્યો ‘કેમ? શું છે?' ‘વાહ રે ઠાકોર સાહેબ, આમ મોડી રાતે કયાં રવડો છો? કહી દેવા દો મહેતાને. અને એ ગટલી! તું ટૂંકી થઈને આ લાંબા જોડે ખેંચાય છે તે જીવતી રહેવાની નથી હોં! આ લખમણ જૂઠું નથી કહેતો તે યાદ રાખજે.’ ‘હવે જા, થાય તે કરી લેજે. જોઈ તને મોટી!' નારુભાએ તેને નારીજાતિમાં મૂકીને જવાબ વાળ્યો. ‘છેવટે તો ફકીરવાળી જ ને!' લખમણના ગળામાંથી બિલાડાના જેવો એક ઘુરકાટ નીકળ્યો. પણ નજીકના ભવિષ્યમાં જ ધરાઈને વેર વળી શકવાનું હોવાથી તે શાંત રહ્યો. લાઇટ હોલવીને કાતિલ ગાળો બોલતો તે ઊંઘી ગયો. મહેતાએ પહેલાં તો નારુભા કે ગટિયાનું કહેવું માન્યું જ નહિ, પણ જ્યારે બધી હકીકત ખૂબ ખાતરીપૂર્વક તેની આગળ રજૂ કરવામાં આવી ત્યારે તે કંઈક પલળ્યો, અને નાગુભાએ આપેલી માહિતીની ખાતરી કરવા તૈયાર થયો. નક્કી કરેલા દિવસે નારુભાએ અને ગટિયાએ વારાફરતી લખ તેમ મહેતાની પાસેથી સાંજે બહારગામ જવાની રજા લીધી. મહેતો પણ પોતે એક દિવસ બહાર જવાનો છે. માટે હૉટેલને સંભાળવાનું લખમણને સોપીને ગયો. લખમણ ઘણો રાજી થયો. પોતાની યોજના આમ સહેલાઈથી સફળ થશે એમ તેણે નહોતું ધાર્યું. હવે આ નારૂભાની ગેરહાજરી તેમની સામે મોટા પુરાવા રૂપે પણ લઈ શકાશે. હોટેલ બંધ થવાનો વખત થાય તે પહેલાં મહેતો, નારૂભા તથા ગટિયો પાછલે બારણેથી છાનામાના દાખલ થઈ નીચેના સોડાવૉટરની રૂમમાં છુપાઈને બેસી ગયા. મહેતાએ એક ટૉર્ચ અને સીસાના ગઠ્ઠાવાળી સોટી પાસે રાખી હતી. તેઓએ કલાકેક મૂંગાં મૂંગાં ગાળ્યો. એકનો ટકોરો થયા પછી દાદર ઉપર કોકનાં પગલાં સંભળાયાં. એક ખૂંખારો થયો. લખમણ જ હતો. મહેતાએ નારુભા અને ગટિયાને સોડાની ખાલી બાટલીઓ હાથમાં રાખવાનું ઇશારાથી સચવ્યું તથા બીજી કેટલીક સૂચનાઓ આપી. અંધારા ઓરડામાં માત્ર પગલાંના અવાજથી પ્રેત જેવા લાગતા લખમણે જઈને બારી ઉઘાડી. બહારનું ઊજળું આકાશ એકદમ નજરે આવ્યું અને તેમાં લખમણનું વિચિત્ર બાબરીવાળું માથું દેખાયું. તેણે એકાદ-બે ટકોરા માર્યા, બહાર જોયું. નારુભા તથા ગટિયાને લઈને મહેતો બારીની નજીક આવ્યો. થોડી વારમાં ધારીમાં એક બીજું ડોકું દેખાયું. ત્રીજું દેખાયું અને તરત જ તેમના શરીર બારીમાં ઊભાં થઈ ગયાં. તેઓ નીચે ઊતરે તે પહેલાં મહેતાએ ટૉર્ચ ફેંકી અને સીસાના ગઠ્ઠાની સોટી લખમણની ગરદન ઉપર ઝીંકી. નારૂભા અને ગટિયાએ પેલા બે જણ ઉપર બાટલીઓ ફેંકી, ટૉર્ચના અજવાળાથી ઝંખાઈ જઈ, એ ત્રણે જણ કંઈ પણ વિચારી શકે તે પહેલાં આ બની ગયું. એકેક બાટલીનો ઘા લઈને પેલા બેય જણ બારીએથી કુદી પલાયન થઈ ગયા. ગરદનમાં ચોટ પામેલો લખમણ બેશુદ્ધ જેવો ભોંયે પડ્યો હતો, તેને મહેતાએ ગળચીમાંથી પકડીને ઊભો કર્યો અને તેની આંખો ઊઘડતાં બે સમસમતા તમાચા મોં પર ચોડી દીધા. નારૂભા અને ગટિયાને તથા મહેતાને ત્રણેને સાથે જોઈ લખમણ અચંબો પામ્યો. અને એક નિરાધારી-ભરી દૃષ્ટિ નાખી કંઈ પણ બોલ્યા વગર મારના દર્દથી કણકણવા લાગ્યો. ‘તને ઓળખ્યો, કૂતરા!' બોલી મહેતાએ નાગુભાને કહ્યું ‘જા અલ્યા, પોલીસને બોલાવી લાવ.' લખમણના હાંજા એકદમ ગગડી ગયા. એક બાળકની પેઠે ઢગલો થઈ તે મહેતાના પગમાં ઢળી પડ્યો ને કરગરવા લાગ્યો. ભાઈશા'બ, મને કાઢી મૂકવો હોય તો કાઢી મૂકો. પોલીસને ના સોંપશો.’ મહેતો પણ આ મામલાને લંબાવવા માગતો ન હતો. ‘જા, અત્યારે ને અત્યારે અહીંથી ચાલતો થા.’ કહી તેણે બારણું ખોલી લખમણને બહાર ધકેલી દીધો. મહેતાને વિદાય કરી બારણાં વાસી ગટિયો અને નારૂભા કાતરિયામાં જઈને સૂઈ ગયા અને એકબીજાની પડખે ઘસઘસાટ ઊંઘી ગયા. ૫ લખમણના ગયા પછી હૉટેલનું વાતાવરણ બદલાયું. લખમણની બધી સત્તા હવે નારૂભાના હાથમાં આવી પડી. અને છોકરાઓમાં એક જાતની શાંતિ અને સંતોષ ફેલાવા લાગ્યાં. નારૂભાને થવા લાગ્યું કે મને હવે વહેલી મૂછો ઊગે તો સારું. અને તે માટે હેરકટિંગ સલૂનના માલિકની સલાહ લેવા લાગ્યા અને મૂછ ઊગી ન હતી છતાં તેની સલાહ પ્રમાણે મૂછ ઉપર અસ્ત્રો ફેરવાવા લાગ્યા. હવે તેમને સલૂનમાં વરદી આપવા જવાનું રહ્યું ન હતું. હૉટેલની ઘરાકી ઓછી થાય ત્યારે મઝાનાં કપડાં પહેરી તે સલૂનની બહાર મૂકી રખાતી ખુરશી ઉપર જઈ બેસતા, ગપ્પાં મારતા અને હૉટેલનો બીજો છોકરો વરદી લઈ આવતો તે શેઠની અદાથી ઉડાવતા. લખમણના ત્રાસથી મુક્ત થયેલા છોકરાઓ આભારવશ થઈ કદી કદી કહેતા, ‘નારુભા, તમે ઈ બહુ સારું કર્યું. તમારો ગુણ નહિ ભૂલીએ. કહેશો તો તમારી પાસે આવી જઈશું.’ પણ તેને નારૂભા, ‘છટ્ છટ્.’ કહીને ખાનદાન રીતે ઉડાવી દેતા અને બોલતા તમે મને કેવો ધારો છો? ખરી વાત એ હતી કે પહેલેથીય છોકરાઓમાં એમનું ધ્યાન બહુ હતું જ નહિ. કદીક છોકરાઓની પોતાની માગણીને લીધે એ વશ થયા હશે, પણ હવે તો તેમની નજર બીજે જ દોડતી હતી. તેમને ઓરત જોઈતી હતી. અને ઊગવા પ્રયત્ન કરતી મૂછ ઉપર હાથ નાખી તે વિચારતા ‘શું હું મરદ નથી હવે?' પણ એમની મરદાનીની બીજી જ રીતે કસોટી થવાનું નિર્માયું હતું. બહારગામ ગયેલો માલિક પાછો આવી ગયો હતો. મહેતાએ ચોરીનો બનાવ અને લખમણને કાઢી મુકવાની બિના બધું તેને કહ્યું. કોણ જાણે કેમ મહેતાના એ પગલાથી માલિક બહુ પ્રસન્ન ન થયો. મહેતો પણ જરા અચંબો પામ્યો. પેલી લખમણની મા-બેનની વાત સાચી નહિ હોય? પણ માલિક ચૂપ રહ્યો. હોટેલ બરાબર ચાલતી હતી એટલે એને બહુ ચિંતા ન હતી. એક દિવસ એક વિચિત્ર સરઘસ હોટેલ પાસે થઈને પસાર થયું. અને હૉટેલના એકએક છોકરાએ જે માળ પર તે હતો ત્યાં ત્યાંની બારીએથી ઝકીને જોયું. ત્યાં જ પાસે સભા થઈ અને એક ઊંચી પડછંદ કાયાવાળા અડધા કપાળ ઉપર ઝૂકેલી અણીદાર ટોપીવાળા માણસે ભાષણ કર્યું. હૉટેલના છોકરાઓના દુઃખો સામેના સંગઠનની એમાં શરૂઆત હતી. સભાને અંતે પત્રિકાઓ આવી અને કેટલાય ઘરાકો એ પત્રિકા લઈ હોટેલમાં આવ્યા ને પત્રિકાઓ ત્યાં મૂકીને ચાલ્યા ગયા. હોટેલના છોકરાઓને હવે હૉટેલ જુદા જ રૂપે દેખાવા લાગી. એ એમને મનથી સ્વર્ગભૂમિ મટવા લાગી. કાતરિયું એમને ખરેખરી ઘોર જેવું લાગવા લાગ્યું. હૉટેલનો એમનો મળતો મસાલેદાર છતાં વાસી, ઊતરેલો ખોરાક ઢોરોને નિરાતા નીરણ જેવો લાગવા માંડ્યો. એમનાં કપડાં હવે ગંદાં છે તે એમને સમજાવા લાગ્યું. હૉટેલની નોકરી એ પોતાનું પરમ ભાગ્ય સમજાવાને બદલે હવે પોતાના શરીર પીસતી એક ઘાણી જેવી તેમને દેખાવા લાગી. રોજ બસો ત્રણસોનો ગલ્લો ઠાલવનાર દુકાનમાલિક આગળ તેમને મહિને દહાડે મળતા પાંચસાત રૂપિયા કૂતરાને નખાતા ટુકડા જેવા લાગ્યા. તેમની ગંદકી, અપમાન. ઓછો પગાર, ખરાબ ખોરાક, નોકરીને બેહિસાબ કલાકો અને માણસાઈનો અભાવ તેમને સમજાવા લાગ્યો. હૉટેલ તેમને માટે બદલાઈ ગઈ. હૉટેલમાં પાવનાર લોકો પણ કોક જુદી અળખામણી દુનિયાના માણસો દેખાવા લાગ્યા. નારુભા ઊંડા વિચારમાં પડી ગયો. પોતે જ્યારે પહેલવહેલા અહીં આવેલા તે દિવસિ યાદ આવ્યો. હજી એમની આંગડી ને ચોરણો ફાળિયાના એક છેડામાં કાને પડ્યાં હતાં. તે દિનથી આજ લગીનો પોતાનો વિકાસ તે જોઈ રહ્યા. આજે બધા છોકરા તેમનું માનતા હતા. તેમની ક્ષત્રીવટ ઊછળી આવી. શા માટે અમે બધા અમારા હક્ક માટે ન લડીએ? આ ખોરાક, આ કપડાં, આ શાર આ રહેવાનું! અને આ બદબોઈ ભરેલી રાતની જિંદગી, આ અસંસ્કારિતા એ તો માણસનું જીવન છે કે ઢોરનું? અને ઢોર કરતાંય નપાવટ જીવન છે આ તે! કુમળાં કૂમળાં કાચાં બચ્ચાં અહી રોજબરોજ આવતાં જાય છે અને તેમના ઉપર આ હીન જીવનનો કસાઈ-છરો રોજ ફરી રહે છે. અત્યારે જ્યારે ઉલ્લાસમય વાતાવરણમાં જીવનની તૈયારી કરવાની હોય છે ત્યારે આ બિચારા આ ખાળકુંડીમાં રગદોળાઈને કીડાના જીવન માટે પલોટાય છે. હૉટેલમાં નામ માત્ર છોકરો ન જોઈએ! આવી આવી વિચારમાળા એમનું મગજ વિચારી શકે તેવી રીતે તેમને આવવા લાગી. ‘સળગાવી મૂકો આ કાતરિયું,’ એને થઈ આવતું. અને આ બધા છોકરાઓને માટે કંઈક કરવું જોઈએ. પેલા વાંકી ટોપીવાળાને મળવું જોઈએ એમ એમને વિચાર આવ્યો. અને નારુભા વાંકી ટોપીવાળાને મળ્યા. હૉટેલનો માલિક આ પલટાતા ઠાકોરને જોઈ રહ્યો. ૬ એક દહાડો હૉટેલ પાસેથી પસાર થતા સરઘસમાં ઠાકોરને જોઈ માલિકની આંખ કરડી બની. તેમણે ઓટલા ઉપર જઈને બૂમ પાડી ‘એલા એ, આમ આવ જોઉં. પણ ઠાકોર તો ચાલ્યા જ ગયા.માલિક હાથ મસળતો ઉકળાટ અનુભવતો બેસી રહ્યો. એને થયું કે આ ઠાકોર જરૂર કાંઈ ધમાલ કરવાનો. ઠાકોરને રજા આપવાનો તેણે નિર્ણય કર્યો. બીજે દિવસે નારુભા ઉપર ટપાલમાં માનો કાગળ આવ્યો. એમને અહીં મૂકી જનાર પેલા માણસે તે લખ્યો હતો. કાગળમાં હતું કે નારસિંહજીને માલમ થાય કે જે તમારાં લગન લેવાયાં છે માટે દિન સાતની અંદર ઘરે આવી જજો, ને આટલાં આટલાં વાનાં ક્ષેત્રમાંથી સસ્તાં મળે માટે ખરીદીને લેતા આવજો. ગલ્લા પાસે ઊભા રહી ઠાકોરે કાગળ વાંચ્યો. પેલો મહેતો ગલ્લા ઉપર બેઠો હતો. ‘કેમ, ઠાકોર શું આવ્યું છે?’ તેણે સહાનુભૂતિથી પૂછ્યું. ઠાકોરે કાગળ આપ્યો. કોક વિચિત્ર વિષાદથી તેણે કાગળ પાછો આપ્યો. ‘કેમ?' નારુભાએ પૂછ્યું. ‘ભલે, જાઓ.' મહેતાએ ટૂંકો જવાબ આપ્યો. મહેતાનો ચહેરો જોઈ નારુભાના દિલમાં એક દિલગીરી છવાઈ. તે તૈયારી કરવા ઉપર ચાલ્યા ગયા. ઠાકોરને હોટેલમાંથી રજા આપવાનું કામ માલિકે મહેતાને સોંપ્યું હતું. મહેતાની એ હિમ્મત ન ચાલી. થોડી વારે માલિક આવ્યો ને ગલ્લો સંભાળી લેતાં બોલ્યો, ‘કેમ, પતી ગયું કે?' મહેતાએ નારુભાએ ગલ્લા પર રાખી મૂકેલો કાગળ બતાવ્યો. વાંચીને માલિકે એક વિચિત્ર ચાળો કર્યો. ‘કેમ. તે તમારે જાતે ઉઘલાવવો છે એને? પરણવાનો હશે તો પરણશે. નહિ તો ઊંઘી જશે... ‘શેઠ, જરા વિચાર કરો. સારું નથી થતું. પરિણામ નહિ સારું આવે.' મહેતાએ શાંતિથી કહ્યું અને ત્યાંથી ચાલી ગયો. ઘરાકને પરચૂરણ આપવાને ગલ્લો ફંફોળતાં માલિક બોલ્યો ‘હવે શું થઈ જવાનું છે?' અને એક જણને બૂમ પાડી, ‘અલ્યા પેલા ઠાકોરને કોઈ બોલાવો જોઈએ.’ જવાબમાં ઠાકોર જાતે જ હાજર થયો. માલિક બોલ્યો ‘લ્યો, ઠાકોર આજથી તમારી નોકરી હવે બંધ થાય છે. સાંજે હિસાબ કરી પગાર લઈ જજો. અને તમારો સરસામાન અત્યારે જ લઈ જાઓ.’ નારુભા વજ્ર પડ્યું હોય તેમ મૂઢ બની ગયા. આવી ઘટનાની કલ્પના તેમને આવી ન હતી એમ નહિ. પણ તે સ્થિતિ આટલી જલદી આવશે એમ નહોતું ધાર્યું. તે ટટાર થયા ને પૂછ્યું ‘કેમ મને રજા આપો છો?' ‘મરજી અમારી.’ માલિક બોલ્યો. ‘વારુ, ચલાવશે ત્યારે હૉટેલ.' ‘તું જા હવે, મોટી!’ માલિક ત્રાડુક્યો. પણ તે પહેલાં નારૂભા હૉટેલનાં પગથિયાં ઉતરી ગયા હતા.' નારુભા પગથિયાં ઊતરીને સામે એક બંધ રહેતી દુકાનને ઓટલે જઈને બેઠા. જમવાની વેળા થઈ ગઈ હતી. નારૂભાને રજા આપ્યાની વાત હૉટેલમાં પળ વારમાં ફેલાઈ ગઈ. જમી કરીને આવેલા માલિકનું ધ્યાન ગલ્લા ઉપર છે તો બેઠાં મીઠાઈના કબાટ પાસે એક પ્લેટમાં મીઠાઈ, ભજિયાં અને ચેવડો દાબીદાબીને ભરતા એક નાના છોકરા તરફ ગયું. તે ગટિયો હતો. માલિકને ના મોં પર કશુંક વિચિત્ર દેખાયું. ખીચોખીચ ભરેલી પ્લેટ તથા ચાનું એક મોટું ટંબ્લર લઈ તેને બહાર નીકળતો જઈ માલિકે પૂછ્યું ‘ક્યાં જાય છે અલ્યા?' ‘વરદી ઉપર.’ કહી ગટિયો પગથિયાં ઊતરી ગયો. અને માલિકની અજાયબી વચ્ચે સામે ઓટલા ઉપર બેઠેલા નારુભા પાસે પહોંચી ગયો. નકામા થવા સાથી કાયર એવો માલિક સમસમીને બેસી રહ્યો અને તેની નજર સામે જ નારુભા અને ગટિયો હૉટેલનો માલ ઉડાવી રહ્યા. દરમિયાન હૉટેલમાં છોકરાઓએ વારાફરતી જમી લીધું હતું. ગટિયો ખાલી પ્લેટ તથા ટેબ્લરને લઈને હૉટેલમાં આવ્યો ત્યારે માલિકે પૈસા માગ્યા. ‘શેના પૈસા?’ કેમ કયા તારા દાદાને ખવાડી આવ્યો?' ‘તમારા દાદાને. મોં સંભાળીને બોલો. શેઠ થયા તે શું થઈ ગયું?' આટલા નાના છોકરાને મોંએથી કદી ન સાંભળેલી એવી વાણી સાંભળી માલિક ચોંકી પડ્યો. ક્રોધના આવેશમાં તે મૂઢ બની ગયો. થોડી વારે શાંત થઈ તેણે મહેતાને કહ્યું ‘આ પેલા વેંતિયાને રજા આપો, ને એના પગારમાંથી આ બિલના બાર આના વસૂલ કરી લો.’ મહેતો બધું સમજતો હોય તેમ મરકતે મોઢે બોલ્યો ‘વાર.’ અને ગટિયાને કહ્યું ‘જા ભાઈ, આજથી તને રજા છે.’ ગટિયો મેડા ઉપર ગયો અને થોડીક વારે નીચે આવી સડસડાટ પગથિયાં ઊતરીને સામેને ઓટલે પહોંચી ગયો. માલિકના હૃદયમાં મુંઝવણ વધવા લાગી. કંઈક અમંગળ શંકાઓ તેને થવા લાગી. થોડી વારમાં જે બન્યું તેનાથી તે દિમૂઢ થઈ શીંગડા જેવો બની ગલ્લા ઉપર ચોંટી ગયો. ગટિયાના ગયા પછી થોડીક વારે એક છોકરો આવીને ગલ્લા પાસે ઊભો રહ્યો. ‘કેમ અલ્યા?' માલિકે તેને તતડાવ્યો. ‘મારે તમારી નોકરી નથી કરવી. હું જાઉં છું.’ ‘હેં?' માલિકનો સાદ અચંબાથી ફાટી ગયો. છોકરો પગથિયાં ઊતરી સામેના ઓટલા ઉપર ચાલ્યો અને અર્ધા કલાકમાં તો લગભગ બધા જ છોકરાઓ. હું જાઉં છું. શેઠ!' ‘હું જાઉં છું, શેઠ!’ એમ કહી કહી હોટેલ છોડી સામે ઓટલા પાસે એકઠા થઈ ગયા. આખી હૉટેલ રસોઇયા અને મહેતા સિવાય ખાલી થઈ ગઈ. ઘરાકો માલિકને તતડાવતા થોડી વાર થોભી ઊઠી ઊઠીને ચાલતા થયા. અર્ધા જણ તો અધું ખાધેલું તેનું બિલ પણ આપ્યા વિના ચાલી ગયા. ‘પૂરું ખવડાવ્યું છે ક્યાં તે પૈસા આપ?' ગ્રામોફોન ઉપાડીને રેકર્ડ મકવા જેટલી સ્થિરતા પણ માલિકમાં ન રહી. છેલ્લી રેકર્ડના અટકવા સાથે હૉટેલમાં કારમી શાંતિ વ્યાપી રહી. સામેના ઓટલા ઉપરથી એકસામટા અવાજો આવ્યા. ‘ઇન્કલાબ ઝિન્દાબાદ’ ‘હૉટેલ બૉયઝ સંગઠન!’ અને છોકરાઓ સરઘસના આકારે નારુભાની આગેવાની હેઠળ ત્યાંથી કૂચ કરી ગયા. માલિક ચિડાયો. તેને મહેતાનો પણ આ કાવતરામાં હાથ લાગ્યો. મહેતા, હવે તમે પણ અહીંથી છૂટા છો.' અને ગલ્લો વાસીને તે ઊતરી પડ્યો. મહેતાએ કોટ પહેરીને નીકળતાં નીકળતાં મજાકમાં ‘સાહેબજી!’ કર્યા. નવા નોકરીની શોધમાં માલિક નીકળ્યો અને સીધો લખમણની મા પાસે પહોંચ્યો. પણ માલિકને નોકર ન મળ્યા. લખમણને સાથે લઈ તે ઘણું ઘણું ફર્યો. એક નહિ પણ અનેક હૉટેલોમાં છોકરાઓએ હડતાળ પાડી હતી. આખા શહેરમાં હો હો થઈ રહી. ત્રણ દિવસની સજ્જડ હડતાલથી ઘરાકો અને માલિકો બંને ગભરાયા. પેલો વાંકી ટોપીવાળો છોકરાઓને ભેગા કરી સરઘસો કાઢતો હતો અને સભાઓ ભરતો હતો. છેવટે એક સ્થાનિક આગેવાને વચ્ચે પડી સમાધાન કરાવ્યું. તે જ હૉટેલની સામે ચકલામાં સભા મળી. જે ઓટલા ઉપર જઈને નોકરીમાંથી છૂટેલા નારૂભા બેઠા હતા તે જ ઓટલા પરથી પેલી વાંકી ટોપીવાળાએ અને આગેવાનોએ ભાષણ કર્યા. નારુભા રાષ્ટ્રીય વાવટો ઝાલીને ત્યાં પાસે આખો વખત ઊભા હતા. સમાધાનની શરતો સમજાવતાં વાંકી ટોપીવાળો બોલ્યો ‘આજે નહિ તો કાલે, હૉટેલના છોકરાઓને આ જીવતા નરકમાંથી આપણે બચાવવાના છે. એમ નથી થયું ત્યાં લગી આપણી કેળવણીને માથે એ જ રહેવાની છે. ગરીબાઈથી પાયમાલ થતાં કુટુંબોનાં કાચાં કુમળાં બાળકો આવીને અહીં આ હોટેલની કઢાઈઓમાં હોમાય છે. આપણે નિરાંતે તળેલાં ભજિયાં પૂરી હૉટેલમાં ઝાપટીએ છીએ પણ એ ભજિયાંની સાથે છોકરાઓનાં જ જીવન પણ તેલમાં તળાયેલા છે તે જાણતા નથી. પણ હવે એ અટકવું જ જોઈએ અને આજથી એ અટકે છે. છોકરાઓને સભ્ય રીતે પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. અમુક કલાક જ કામ લેવાવું જોઈએ. તેમને રહેવાની આરોગ્યમય સગવડ થવી જોઈએ, તેમનો પગાર ધોરણવાર ઠરવો જોઈએ. તેમને કેળવણી મળવી જોઈએ અને તેમને છેવટે માબાપનું હેત મળવું જોઈએ. શહેરના હૉટેલવાળાઓ આજથી આ બધું કબૂલે છે. જો તેઓ વચનભંગ નહિ છે તો આજથી હૉટેલવાળા છોકરાઓના જીવનમાં નવો તબક્કો શરૂ થાય છે. બોલો. ઇન્કિલાબ ઝિન્દાબાદ, હૉટેલ બૉઝ ઝિન્દાબાદ!’ સભા પૂરી થઈ. વાવટો પકડીને બધા જ છોકરાઓ અને મહેતાને સાથે લઈ નારુભાએ હૉટેલપ્રવેશ કર્યો. માનભંગ છતાં પ્રસન્ન માલિકે તેમને બોલાવ્યા ને હૉટેલ સોંપી. લખમણ પણ ચોરીછૂપીથી એક બાજુ લપાઈને ઊભો હતો. આજે બધું બની ગયું હતું તેથી તેનામાં કંઈક નવી સમજણ આવી હતી. પણ તેને ભય હતો કે આ લોકો મને તો હૉટેલમાં નહિ જ રાખે. અચાનક નારુભાએ કહ્યું ‘શેઠ, આ લખમણને પણ રે રાખી લેવો પડશે.' શેઠે કહ્યું: ‘ભલે!’ અને લખમણ તરફ જોઈ નારૂભાએ કહ્યું: ‘કેમ લખમણ આવીશ ને? પણ હવે ફકીરવાળી નહિ ચાલે. હો?' પણછ તોડી નાખેલા બાણ જેવો ઢીલો થયેલો લખમણ માત્ર જરાક શરમિંદુ હસ્યો. ‘ફકીરવાળી'નો અર્થ સમજતા માત્ર બે-ચાર છોકરા જ હસ્યા. અને બીજા ઘડીક મૂંઝાઈને એ વાત ભૂલી ગયા. અને સાતમે દિવસે નારૂભા લગન કરવાને ખરેખર નીકળ્યા. માએ કહ્યા પ્રમાણેનું બધું હટાણું તેમણે કરી લીધું. અને નવી ખરીદેલી મોટી પેટીમાં તે ભર્યું. ઠાકોરના લગનમાં જવાને દરેક છોકરો ઉસુક હતો; પણ માત્ર ગટિયાને અને સૌની અજાયબી વચ્ચે લખમણને જ પસંદગી મળી. હેરકટિંગ સલૂનવાળાએ ત્રણેના બાલ અફલાતૂન કાપી આપ્યા. પેલા વટાણાની પેટીને બે બાજુથી બે કડીઓએ પકડી નારુભા ને લખમણ સ્ટેશને જવા નીકળ્યા. ગટિયો તેમની આગળ આગળ તેમના પગમાં અટવાતો ચાલતો હતો. ચાલતાં ચાલતાં પેલી સલુન રસ્તામાં આવી. સલૂનનો–માલિક સિગારેટ પીતો બહારની ખુરશી ઉપર બેઠો હતો. તે હસીને બોલ્યો ‘કેમ ઠાકોર, ચાલ્યા?' અને ઉમેર્યું, ‘સીધેસીધું ભાળીને હાલજો. નહિ તો આ પેટીનો સામાન ગયો ને તો લગન અટકશે.' ઠાકોર હસીને બોલ્યા ‘અરે હવે શું અટકે? આ હવે તો ત્રણ જણા છીએ. સીધેસીધા ઘરે જ પહોંચવાના. સીધા ઘરે.' ‘હા, હા, અને વહેલા આવો ઠકરાણી લઈને.’ કહી સલુન માલિક ઊઠ્યો અને દુકાનમાં પેઠો. દુકાનનું કાચનું બારણું દૂર દૂર જતા ત્રણે જણનું પ્રતિબિંબ પાડતું ઝગઝગારા કરતું કેટલીયે વાર લગી જાણે આનંદમગ્ન હોય તેમ આમતેમ ડોલી રહ્યું. [‘ઉન્નયન’]