ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભોજો ભગત ભોજલ-ભોજલરામ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભોજસાગર_વાચક-૧ | ||
|next = | |next = ભોલાદાસ | ||
}} | }} |
Latest revision as of 11:45, 5 September 2022
ભોજો(ભગત)ભોજલ/ભોજલરામ [જ.ઈ.૧૭૮૫-અવ. ઈ.૧૮૫૦] : જ્ઞાનમાર્ગી કવિ. અવટંકે સાવલિયા. વતન સૌરાષ્ટ્રમાં આવેલું જેતપુર પાસેનું દેવકીગાલોળ. જ્ઞાતિએ લેઉઆ કણબી. પિતા કરસનદાસ. માતા ગંગાબાઈ.કેટલાંક કારણોસર ભાઈઓ સાથે અમરેલીની બાજુમાં આવેલા ચક્કરગઢમાં અને પછી ચક્કરગઢથી થોડે દૂર આવેલા એક ટીંબા પર વસવાટ. ટીંબાની આસપાસ વસેલું ગામ તે ફત્તેહપુર. આયુષ્યના અંતિમ દિવસોમાં પોતાના શિષ્ય જલારામની પાસે વીરપુરમાં અને ત્યાં જ અવસાન. કેટલાક ચમત્કારિક પ્રસંગો તેમના જીવનમાં બન્યા હોવાનું કહેવાય છે. નિરક્ષર, પરંતુ સંતોભજનિકોના સંગને લીધે શ્રુતપરંપરામાંથી મળેલા કાવ્યવારસાને આત્મસાત કરી કવિએ પોતાનાં જ્ઞાનદૃષ્ટિ અને કાવ્યસમજ ખીલવ્યાં છે. ભક્તિનો મહિમા એમની કવિતામાં છે, તો પણ નિર્ગુણની ઉપાસનાનો બોધ કરતી જ્ઞાનમાર્ગી કવિતાનો પ્રભાવ તેમણે સવિશેષ ઝીલ્યો છે. સગાળ શેઠ અને સંધ્યાવતીની પ્રભુનિષ્ઠા સુપેરે ઉપસાવતું અને કવિની કથનશક્તિનો સારો પરિચય આપતું ૫ કડવાંનું ‘ચેલૈયા-આખ્યાન’(મુ.), ઈશ્વરની ભક્તાધિનતા બતાવવા ૬ કડવાં ને ૧૪૧ કડીઓમાં ભક્તોની યાદી આપતી ‘ભક્તમાળ’(મુ.), યોગની પરિભાષામાં કુંડલિની જાગ્રત કરવાનાં સોપાન બતાવતી અને કુંડલિની જાગ્રત થયેલા મનુષ્યની જ્ઞાનદૃષ્ટિને વર્ણવતી ૩ કડવાંની ‘બ્રહ્મબોધ’(મુ.) અને અક્ષરની પરિભાષામાં વૈરાગ્યબોધ આપતી અને કાવ્યશક્તિની પ્રૌઢિનો અનુભવ કરાવતી ૫૯ કડીની ‘બાવનાક્ષરી’ (ર.ઈ.૧૮૩૨/સં.૧૮૮૮ ચૈત્ર સુદ-; મુ.) કવિની કંઈક લાંબી કહી શકાય એવી રચનાઓ છે. કવિની સાચી શક્તિનો પરિચય એમનાં મુદ્રિત રૂપે ઉપલબ્ધ થતાં ને હસ્તપ્રતનો આધાર બતાવતાં આશરે ૧૭૫ પદમાં થાય છે. આરતી, ધોળ, ભજન, મહિના, વાર, તિથિ, ચાબખા વગેરે વિવિધ રૂપે પ્રાપ્ત થતાં આ પદોમાં કેટલાંક સાધુશાઈ હિન્દીમાં કે વ્રજભાષાની અસરવાળાં છે. સદ્ગુરુનો મહિમા, સંસારના સુખોનું મિથ્યાત્વ ને એવાં સુખો પરત્વે વૈરાગ્ય કેળવવાનો બોધ, એવા સુખોમાં રચ્યાપચ્યા રહેતા અજ્ઞાની જીવો કે સાધુપણાનો ઢોંગ કરતા વૈરાગીઓ પર તીખા પ્રહારો, જીવનમુક્તનાં લક્ષણો, અભેદાનુભવનો આનંદ વગેરે આ પદના વિષય બને છે. પ્રેમલક્ષણા ભક્તિની અસરવાળાં પદોમાં ક્યાંક ભક્તિનો ઉદ્રેક અનુભવ છે તો ક્યાંક ભક્તિનો મહિમા ગવાય છે. પરંતુ કવિ જનસમાજમાં લોકપ્રિય છે તે તો તેમના ચાબખાથી. જ્ઞાનરૂપી વાણીની તીખાશ અને પ્રહારકતાને લીધે ચાબખા નામથી જાણીતાં આ પદોમાં સંસારીસુખનું મિથ્યાત્વ બતાવી એના પ્રત્યે વૈરાગ્યભાવ કેળવવાનો બોધ કવિ આપે છે ને ધર્મને નામે પાખંડ ચલાવતા ઢોંગી સાધુઓ પર પ્રહારો કરે છે. સૌરાષ્ટ્રની તળપદી બોલીના સંસ્કાર, રૂઢોક્તિઓ ને ઘણી જગ્યાએ યુદ્ધની પરિભાષાનો પ્રયોગ અને એ સૌને લીધે જોમવાળી ને ચોટદાર બનેલી વાણીથી આ ચાબખા સોંસરા ઊતરી જાય એવા વેધક બન્યા છે. અગમ્ય તત્ત્વના અનુભવને વ્યક્ત કરતાં કેટલાંક પદોમાં કવિએ પ્રયોજેલી યૌગિક પરિભાષા આમ તો પરંપરાગત છે, તો પણ કવિની એ પ્રકારના અનુભવની તાલાવેલીને વ્યક્ત કરતી સચ્ચાઈના બળવાળી બની શકી છે. કૃતિ : ૧. ભોજા ભગતનો કાવ્યપ્રસાદ, સં. મનસુખલાલ સાવલિયા ઈ.૧૯૬૫ (+સં.); ૨. ભોજા ભક્તની વાણી, સં. મનસુખલાલ સાવલિયા અને અન્ય, ઈ.૧૯૮૩ (+સં.); ૩. ભોજા ભગતના ચાબખા : ૧-૨, સં. કામેશ્વર એ. જોશી; નકાદોહન; ૫. પ્રાકામાળા : ૫; ૬. પ્રાકાસુધા : ૪; ૭. બૃકાદોહન : ૧, ૫, ૬. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. ગુસારૂપરેખા : ૧; ૭. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧-‘ધીરો, ભોજો અને ભજનસાહિત્યપ્રવાહ’; ૮. બૃકાદોહન : ૮; ૯. માનસી, માર્ચ ૧૯૩૯-‘ભોજો ભક્ત’, સુરેશ દીક્ષિત; ૧૦. ગૂહાયાદી; ૧૧. જૈગૂકવિઓ : ૩(૨). [ર.શુ.]