સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/એક અબળાને કારણે: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક અબળાને કારણે|}} {{Poem2Open}} સિંધમાં તે સમયે એક સૂમરો રાજા રાજ કરતો હતો. સૂમરાના દરબારમાં હેબતખાન નામના એક જતની નોકરી હતી. સૂમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે હેબતખાનના ઘરમાં સૂમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 59: | Line 59: | ||
હાલાજીના માથામાં બાદશાહે હાંસુજીને ભૂતિયા, ભહરિયા, દાંતિયા ને જાંબુડિયા નામનાં ચાર ગામડાં પણ આપેલાં. તે ગામ આજે ઉજ્જડ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયાં છે. હજુયે એનાં ઢોરાં એંધાણીઓ તરીકે મોજૂદ છે, અને એ ગામો ઉપરથી મારગોનાં નામ પણ પડેલાં છે. | હાલાજીના માથામાં બાદશાહે હાંસુજીને ભૂતિયા, ભહરિયા, દાંતિયા ને જાંબુડિયા નામનાં ચાર ગામડાં પણ આપેલાં. તે ગામ આજે ઉજ્જડ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયાં છે. હજુયે એનાં ઢોરાં એંધાણીઓ તરીકે મોજૂદ છે, અને એ ગામો ઉપરથી મારગોનાં નામ પણ પડેલાં છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = એક તેતરને કારણે | |||
|next = સિંહનું દાન | |||
}} | |||
<br> |
Latest revision as of 12:18, 3 November 2022
સિંધમાં તે સમયે એક સૂમરો રાજા રાજ કરતો હતો. સૂમરાના દરબારમાં હેબતખાન નામના એક જતની નોકરી હતી. સૂમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે હેબતખાનના ઘરમાં સૂમરી નામની પદ્મણી જેવી કન્યા છે. કામદેવના ભૂવા સરખા ગાંડાતૂર સૂમરાએ હેબતખાનની કન્યાનું માગું મોકલાવ્યું. હેબતખાને ના પાડી; જવાબ વાળ્યો : “રાજાના હીરામોતીના હારની બેડીઓ કરતાં તો મારી સૂમરીને હું કોઈ મારા જેવા ગરીબના ઘરની ઘરવાળી બનાવીશ.” સૂમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો : “નાસવા માંડ, છ મહિને જબરજસ્તીથી તારી છોકરી ઝૂંટવી લઈશ.” હેબતખાન પોતાના કબીલાને લઈ પોતાના રસાલા સાથે ભાગવા મંડ્યો. ભૂજમાં આવીને એણે રાવનું શરણું માગ્યું. રાવે તો પોરસમાં આવી જઈ આશરો દીધો, પણ રાવના અમીર-ઉમરાવોએ ને કામદારે સિંધ તરફ આંગળી ચીંધીને બતાવ્યું : “સૂમરાનાં ભાલાં આવીને હમણાં ભૂજને રોળી નાખશે.” કામદારે હેબતખાનને કહ્યું : “ચાલ્યો જા.” ભરકચેરીમાં હેબતખાને રાવને પૂછ્યું : “આ હુકમ આપનો છે?” રાવની આંખો ભોંયમાં ખૂંતી ગઈ. એણે માથું ઊંચું કર્યું નહિ. ‘યા અલ્લાહ!’ કહીને હેબતખાન પોતાનાં બાળબચ્ચાં લઈ ચાલતો થયો. બધા જતો જામનગરમાં રોકાઈને આશરો માગવા ગયા. જામનગરે સંભળાવ્યું : “ભૂજે ન સંઘર્યો, તો મારું શું ગજું?” નગરનાં બારણાં બંધ જોઈને જતો ધ્રોળ રાજમાં ગયા. ધ્રોળથી જાકારો સાંભળીને આખો કબીલો મૉતની તૈયારી કરી ચાલી નીકળ્યો. માર્ગે મૂળી ગામનો ટીંબો આવ્યો. પાદરમાં જ જુવાન સોઢાઓ રમતાખેલતા હતા. જુવાનોએ આ જતોનાં બાળકોને રોતાં સાંભળ્યાં, લીંબુની ફાડ જેવી આંખોમાંથી બોર બોર જેવડાં પાણી પાડતી જતાણીઓને જોઈ. મૂળીને પાદરથી એક વટેમાર્ગુ પણ પોરો ખાધા વગર જાય નહિ, અને આ રોતાંકકળતાં દોઢ હજાર મુસાફરો કાં સીધાં ચાલ્યાં જાય? સોઢાઓએ જતને પૂછ્યું : “ભાઈ, ક્યાં જાવું?” “જાવું તો દરિયામાં.” “કેમ એમ?” “ધરતી અમને બધેયથી જાકારો દે છે, એને અમારો ભાર આકરો થઈ પડ્યો છે.” “આમ આડું કેમ બોલો છો, ભા?” “આડું નથી બોલતા, ભાઈ! સાચું જ કહીએ છીએ. પરશુરામે એકેય રજપૂત ક્યાં રહેવા દીધો?” “પણ, ભાઈ, બોલો તો ખરા, શી આફત છે?” હેબતખાને બધી વાત કહી સંભળાવી. પરમારોમાં વાત પ્રસરી ગઈ. મૂળીને ટીંબે મોટા લખધીરજીથી ચોથી પેઢીએ લખધીર બીજાનું પાટ તપતું હતું. એણે જઈને પોતાની વૃદ્ધ માતાને પૂછ્યું : “માડી, જતોને આશરો આપું?” પરમાર માતા બોલ્યાં : “દીકરા, આજ એક વાત મને સાંભરી આવે છે : તું નાનો હતો. એક વખત હું નાહવા બેઠી હતી, ત્યારે તું રોતો હતો. હું આવીને જોઉં, ત્યાં તો તને વડારણ ધવરાવતી હતી. મેં તને ઊંધે માથે લટકાવીને વડારણનું ધાવણ ઑકાવી નાખેલું. પણ આજ લાગે છે કે એકાદ ટીપું તારા પેટમાં રહી ગયું હશે, નહિ તો પરમારનો દીકરો નિરાધારને આશરો દેવાને ટાણે રજા લેવા આવે નહિ.” એટલું બોલતાં તો માની મોટી મોટી આંખોમાંથી આંસુડાં ચાલ્યાં ગયાં. “માડી! તમારે અક્કેક આંસુએ મારો અક્કેક અવતાર ઓળઘોળ કરું.” એટલું કહી માને પાયે માથું અડાડી જુવાન લખધીરજી ઊપડતે પગે ચાલ્યો ગયો. આખો ડાયરો લઈને જતોની આડો ફર્યો : “જવાય નહિ, મૂળીના કૂબામાં જેટલી જગ્યા હશે તેટલી તમને કાઢી દેશું; અને રક્ષણ નહિ કરી શકાય, તોય મરશું તો ખરા!” હેબતખાન બોલ્યો : “હું પારકાને રક્ષણે જીવવાના લોભે નથી આવ્યો, પરમારો! હું તો ફક્ત આટલી જ શાંતિથી મરવા માગું છું કે આખરે અમને સંઘરનારા રજપૂત મળ્યા ખરા.” પરમારોએ જતોને ઓરડા કાઢી આપ્યા. જતના ઉચાળાને વીંટીને રાતદિવસ પરમારોનો પહેરો બેસી ગયો. ત્યાં તો સૂમરાની ફોજના પડઘા બોલ્યા. મૂળીની ભૉં થાળી જેવી સપાટ છે. થોડે માણસે એ ભોંમાં બચાવ થઈ શકે નહિ. તેથી જત અને પરમારોએ માંડવના વંકા ડુંગર ઉપર આશરો લીધો. સૂમરાની ફોજ ડુંગરાની તળેટીમાં ઓડા લગાવી બેઠી. પણ ઉપર જવાનો લાગ આવતો નથી. ઉપર ચડવાની એ વિકટ કેડીએ જનાર શત્રુ કાં તો પલભરમાં ઉપરની ગોળી ખાઈને મરે છે, કાં તો તે નીચેનાં ઊંડાં કોતરોમાં ઊડી પડે છે. એમ છ મહિના વીત્યા. એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલાજીએ વેલા નામના હજામને કાંઈક આકરાં વેણ કહ્યાં હશે, તે ન સંખાવાથી વેલો ભાગીને સૂમરા બાદશાહની છાવણીમાં આવ્યો. આવીને કહ્યું : “શું કામ મરો છો? તમને એક દિવસમાં જિતાડું.” બાદશાહ કહે : “શાબાશ! હું તને ગામગરાસ આપીશ.” વેલાએ ઈલાજ બતાવ્યો. ડુંગરની પાછળના ભાગમાં એક બહુ જ વંકી છૂપી જગ્યાએ પરમારોને પાણી પીવાનો એક કૂવો હતો. એ એકના એક જળાશયમાં વેલા હજામે સૂમરાઓને હાથે બે ગાયો કપાવી નખાવી. સાંજે આવીને પરમારોના પખાલીઓએ કૂવાને ભ્રષ્ટ થયેલો જોયો. પરમારોએ પોતાનું મૉત સામે ઊભેલું દીઠું અને જતોને જણાવી દીધું : “ભાઈઓ, સવારે ઊઠીને અમે તો ઝાડીમાંથી નીકળીને કેસરિયાં કરશું; પણ તમે મુસલમાન કોમ છો; તમને એ પાણી પીવામાં વાંધો નથી, તમે સુખેથી જિવાય ત્યાં લગી જીવજો. અમારા છેલ્લા રામરામ છે!” હેબતખાને જવાબ વાળ્યો : “શું એકલા પરમારો જ મરી જાણે છે? આજે જુઓ તો ખરા, જતના લોહીમાં પરમારના લોહી જેટલી જ ક્ષાત્રવટ ભરી છે કે નહિ?” રાત પડી ત્યાં તો જતાણીઓમાં કાળો કકળાટ થઈ રહ્યો : “અરેરે! દૂધિયા દાંતવાળા પરમારોને આવતી કાલે તો જારનાં ડૂંડાંની જેમ વાઢી નાખશે, અને હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રજપૂતાણીઓ કાલે પ્રભાતે ચિતા ઉપર ચડશે. હાય રે પાપણી દીકરી, સૂમરી! હાય ડાકણી! તું કેટલાને ભરખી લઈશ!” સૂમરીએ એક ખૂણામાં બેઠાં બેઠાં આ મે’ણાં સાંભળ્યાં. અધરાત ભાંગી અને સહુ જતાણીઓની આંખ મીંચાઈ, તે વખતે સૂમરી કિલ્લાના ચોગાનમાં આવીને ઊભી રહી. આકાશમાં ટમટમ ઝબૂકતાં ચાંદરડાં સામે જોઈ રહી. એના હૈયામાંથી નિસાસો નીકળી ગયો : “રે ખુદા! મારો શો ગુનો? મને આવડું બધું રૂપ કાં દીધું?” સવારને પહોરે સૂર્ય મહારાજે જ્યાં ઉદયાચળને માથે કોર કાઢી, ત્યાં તો કેસરિયા વાઘા સજીને પરમારો નીકળ્યા. જતો પણ સાથે જ નીકળ્યા. સૂમરા સાથેના એ સંગ્રામમાં હેબતખાનનો એકનો એક જુવાન દીકરો કામ આવી ગયો. રાંડેલ ભાભીએ સૂમરીને સંભળાવ્યું : “ચુડેલ! તારા સગા ભાઈનેય તેં આજ ભરખ્યો?” સૂમરીને કાળજે જાણે છેલ્લું તીર ભોંકાવાનું હતું તે ભોંકાઈ ગયું. રાતે સોપો પડી ગયો તે વખતે છાનીમાની બહાર નીકળી, એક ગોવાળિયાના છોકરાને સાથે લઈ સૂમરી સાંઢ્ય ઉપર ચડી, અને ખુદા બતાવે તે માર્ગે પંથ કાપવા માંડ્યો. એ વાતની ખબર પડતાં જ એની પાછળ સૂમરાઓ ચડ્યા. બરાબર બગબગું થયું તે ટાણે સૂમરી વણોદ ગામને પાદર પહોંચી. પાછું વાળીને જુએ ત્યાં તો સૂમરાના ઘોડા આડા ફરી વળેલ જોયા! ‘હે અમ્મા, મારગ દેજે!’ એટલું કહીને સૂમરીએ સાંઢ્ય ઉપરથી પડતું મેલ્યું. ધરતી ફાટી, અને મા જેમ રોતા બાળકને પોતાને થાનોલે વળગાડીને ઉપર પાલવ ઢાંકે, તેમ ધરતીએ પણ સૂમરીને અંદર લઈ પોતાનું પડ ઢાંકી દીધું. સૂમરી જે ઠેકાણે સમાઈ ગઈ ત્યાં એની ચૂંદડીનો એક છેડો બહાર રહી ગયો હતો. અત્યારે ત્યાં ‘સૂમરી બીબીનું તળાવ’ છે, ને કબર છે. એ કબરની માનતા ચાલે છે. અહીં માંડવના ડુંગર ઉપર તો જુવાનડાઓ હોળી ખેલતા હોય તેમ લોહીની શેડો છૂટતી હતી. ઈસાજી નામનો એક જત દુશ્મનની કારમી ગોળી ખાઈને કંડોળાની ટેકરી ઉપર પડ્યો હતો, અને એનાથી થોડે આઘે લખધીરનો કાકો આસોજી પણ ઘાયલ થઈને સૂતો હતો. બેયનાં અંગમાંથી ખળળ ખળળ લોહીની રેલ ચાલતી હતી. ઈસોજી પડ્યો પડ્યો પોતાના લોહીના રેલા આડે માટીની પાળ બાંધતો હતો. મૉતની પીડામાં કષ્ટાતો આસોજી પૂછવા મંડ્યો : “ભાઈ ઈસા! મરતી વખતે શું તને ચાળો ઊપડ્યો? માટી શીદ ફેંકી રહ્યો છો?” ઈસો જવાબ આપે છે : “હે ભાઈ, આ ચાળો નથી. આ મારું — મુસલમાનનું — લોહી છેલ્લી ઘડીએ તારા લોહીમાં ભેળાઈને તને ભ્રષ્ટ ન કરે, ને તારું મૉત ન બગાડે, માટે હું આડી પાળ બાંધું છું!” “એ ઈસા! મ બોલ, મ બોલ! મૉત બગડતું નથી, સુધરે છે. આજ છેલ્લી પથારીએ સૂતાં સૂતાં આભડછેટ ન હોય. ન અટકાવ, ન અટકાવ. આપણાં લોહીને ભેળાવા દે.”
ઈસા સુણ, આસો કહે, મરતો પાળ મ બાંધ,
જત પરમારા એક જો, રાંધ્યો ફરી મ રાંધ.
એ સાંભળીને ઈસાજીએ પોતાના લોહીને વહેવા દીધું. બેયનાં લોહી ભેળાં રેલ્યાં. ત્યારથી જત અને પરમાર પરસ્પર પરણે છે. એ લોહીનાં આલિંગન અમર રહી ગયાં છે. ત્યાં તો વણોદથી વળી આવેલા સવારોએ ખબર આપ્યા કે જેને માટે વેર મંડાયું હતું તે તો ધરતીમાં સમાઈ ગઈ. પોતાની દીકરી જીવતી દુશ્મનોના હાથમાં ન ગઈ, અને મૉત વહાલું ગણ્યું, તે જોઈને જતો પ્રસન્ન થયા. પણ પરમારોને તો એ સ્ત્રીની આત્મહત્યા સ્ત્રી-હત્યા જેટલી જ વસમી લાગી. પરમારો હતાશ થઈ ગયા. સૂમરાએ તો પરમારોની કતલ કરી નાખી હતી. તે ઉપરાંત એણે હાલાજીને કેદ કરીને લખધીરજીને કહ્યું : “મારા લશ્કરને સિંધમાંથી આવવાનું ખર્ચ નહિ આપ, તો હાલાજીને ઉપાડી જઈ મુસલમાન કરીશ.” લખધીરજીએ અમદાવાદના બાદશાહ મહમ્મદ બેગડાની સહાય માગી. બેગડાએ વચ્ચે પડી લશ્કરનું ખર્ચ લખધીરજી ચૂકવશે એવી બાંયધરી દીધી, અને ખર્ચ પરમારો ન ભરે ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું ઠરાવ્યું.
હાલોજી પરમાર મહમ્મદશાહની સાથે અમદાવાદ જઈ રહ્યો. બાદશાહની ઉમેદ હતી કે હાલાજીને મુસલમાન બનાવવો; પણ જોરજુલમથી નહિ — એને ઇસ્લામનું સાચું નૂર બતાવીને. તેથી બાદશાહે ચાર મરજાદી બ્રાહ્મણોને બોલાવીને હાલાજીના રસોડા ઉપર મૂક્યા. હાલાજી જરાય ન દુભાય તેવી રીતે બાદશાહે બંદોબસ્ત કરાવ્યો. બીજી તરફ એને ઈસ્લામ ધર્મનાં રહસ્યો સમજાવવા મૌલવીઓ રાખ્યા. પણ હાલાજીનું મન પલળ્યું નહિ. સૂમરાની ખંડણી પૂરી થયે હાલોજી પોતાના ભાઈની પાસે મૂળી ચાલ્યો ગયો. પાંચમે જ દિવસે મારતે ઘોડે હાલોજી પાછો અમદાવાદ આવ્યો. ભરકચેરીમાં હાંફતી છાતીએ હાલોજી આવીને બોલી ઊઠ્યો : “બાદશાહ સલામત! મને મુસલમાન બનાવો, જલદી મને મુસલમાન બનાવો.” બાદશાહ તાજુબ બની ગયા. એમણે બધી હકીકત પૂછી. હાલાજીએ હકીકત કહી. “હું મારે ઘેર ગયો, આપે આંહીં મને કેવી રીતે પવિત્ર રાખ્યો તેની વાત મેં મારાં ભાઈ ભાભીને કહી સંભળાવી. ત્યાર પછી મને તરસ લાગવાથી હું પાણિયારે જવા ઊઠ્યો, ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી. ભાભીએ કહ્યું : ‘તમે પાણીને ગોળે અડશો મા.’ “મેં કહ્યું : ‘ભાભી, હાંસી કરો છો કે શું?’ ભાભી બોલ્યાં : ‘ના, હાંસી નથી, ખરું છે.’ તોય હું હાંસી સમજ્યો, ચૂલા પાસે જવા ચાલ્યો, પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું : ‘તમે તો મુસલમાનની ભેળા રહી આવ્યા છો. હવે તમે ચોખ્ખા ન ગણાઓ.’ જહાંપનાહ, જો હિન્દુ ધર્મ આવો સાંકડો હોય તો મુસલમાન જ કાં ન થઈ જવું? મને મુસલમાન જ બનાવો.” હાલોજી મુસલમાન બન્યો; બાદશાહે લખધીરજીને મૂળીથી અમદાવાદ બોલાવ્યા, અને હુકમ દીધો કે રાણપુરની ચોવીસી હાલાને આપો. બાદશાહે પોતે બીજાં ચાર ગામ પણ હાલાજીને મસાલમાં આપ્યાં; એ રીતે હાલાજીને રાણપુરની ગાદી પર મોકલ્યા. સાથે મોગલ, શેખ, સિપાઈ, લોદી અને બલમલા રાઠોડ એમ ચાર અમીરો આપ્યા; એક મસાલ આપી.
એક દિવસ હાલોજી પરમાર રાણપુરથી જમાબંધી ભરવા માટે ધંધુકા ગયા છે. તે જ દિવસે કાઠીઓએ ધંધુકાની ગાયો વાળી. ગામમાં વસ્તીનાં કલ્પાંત સાંભળીને હાલાજીનું હૃદય હલમલી ઊઠ્યું. મનમાંથી અંતર્યામી દેવ બોલ્યા : “હાલાજી, તારી કાયા ભલે વટલી, પણ રુદિયો તો ગૌબ્રાહ્મણપ્રતિપાળનો રહ્યો છે ને! આજ તું બેઠાં કાઠી ગાયો વાળી જશે? હે અગ્નિપુત્ર! બાપદાદાના બિરદ સંભાર!” એકલ પંડ હાલોજી ગાયોની વહારે ચડ્યા. ધંધુકાની દક્ષિણે એક ગાઉ ઉપર કાઠીઓની સાથે ભેટો થયો, અને ધીંગાણામાં હાલોજી કામ આવ્યા. આજ સરવરશા પીરની જગ્યામાં એમની પાંચેક હાથ લાંબી કબર મોજૂદ છે. હાલાજીનાં રાણી પોતાના દીકરા હાંસુજીને તેડી બાદશાહની પાસે ગયાં. રાણીની અરજથી, જે જગ્યાએ ગાયોને કારણે હાલોજી કામ આવ્યા તે આખી જગ્યા બાદશાહે ગૌચરમાં આપી દીધી. હાલાજીના માથામાં બાદશાહે હાંસુજીને ભૂતિયા, ભહરિયા, દાંતિયા ને જાંબુડિયા નામનાં ચાર ગામડાં પણ આપેલાં. તે ગામ આજે ઉજ્જડ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયાં છે. હજુયે એનાં ઢોરાં એંધાણીઓ તરીકે મોજૂદ છે, અને એ ગામો ઉપરથી મારગોનાં નામ પણ પડેલાં છે.