સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/વંચિત કન્યા ની દુવા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વંચિત કન્યા ની દુવા|}} {{Poem2Open}} સિહોર ગામના દરબારગઢની ડેલીએ તે દિવસે બાપ-દીકરા વચ્ચે રકઝક થઈ રહી છે. સોળ વરસનો રાજબાળ આતોભાઈ ભાલે ને તરવારે તૈયાર થઈ ઘોડીના પાગડામાં પગ નાખી ચડવ...")
 
No edit summary
 
Line 36: Line 36:
ડેલીએ ઊતરીને એણે કન્યાનાં રોતાં માવતરને દીકરી સુપરત કરી. બાપુ અખેરાજજીને બાળોરાજા પગે લાગ્યો. ગદ્ગદ કંઠે ઢેઢ કન્યાએ કહ્યું : “બાપુ! હું નીચ વરણની નાર ઠરી. હું તુંને તો શું આપું? આંતરડીની આશિષ આપું છું કે તું જ્યાં ચઢીશ ત્યાં તારી આવી જ ફતેહ થાશે.”
ડેલીએ ઊતરીને એણે કન્યાનાં રોતાં માવતરને દીકરી સુપરત કરી. બાપુ અખેરાજજીને બાળોરાજા પગે લાગ્યો. ગદ્ગદ કંઠે ઢેઢ કન્યાએ કહ્યું : “બાપુ! હું નીચ વરણની નાર ઠરી. હું તુંને તો શું આપું? આંતરડીની આશિષ આપું છું કે તું જ્યાં ચઢીશ ત્યાં તારી આવી જ ફતેહ થાશે.”
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = દીકરો!
|next = કામળીનો કૉલ
}}
<br>

Latest revision as of 12:21, 3 November 2022

વંચિત કન્યા ની દુવા


સિહોર ગામના દરબારગઢની ડેલીએ તે દિવસે બાપ-દીકરા વચ્ચે રકઝક થઈ રહી છે. સોળ વરસનો રાજબાળ આતોભાઈ ભાલે ને તરવારે તૈયાર થઈ ઘોડીના પાગડામાં પગ નાખી ચડવા જાય છે, અને બુઢ્ઢા બાપુ અખેરાજજી એનું બાવડું ઝાલી મનાવી રહ્યા છે : “ભાઈ, એમ ન ચડાય, તારાથી ન ચડાય. તું મારે એકનો એક છો. તું ગોહિલ-ગાદીનો રખેવાળ છો.” “બાપુ, બાવડું મેલી દ્યો. હું પગે પડું છું, મેલી દ્યો.” સોળ વરસની એની અવસ્થા હતી. પરણ્યા પછી પહેલી રાતે જેમ કન્યા શરમાતી શરમાતી કંથના ઓરડામાં આવતી હોય તેમ જુવાની પણ આતાભાઈના અંગમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહી હતી. હજુ ઘૂંઘટ નહોતો ઉઘાડ્યો. તે દિવસે બપોરે દરબારગઢની ડેલી ઉપરની મેડીમાં આતાભાઈની આંખ મળી ગઈ હતી. અચાનક ઊંઘમાંથી ઝબકી ઊઠ્યો, અને કઠોડામાં આવીને જોયું તો ડેલીએ એક બુઢ્ઢો અને એનાં બાળબચ્ચાં ધ્રુસકે ધ્રુસકે રોતાં હતાં. કુંવરે પૂછ્યું : “એલા કોણ છો?” “અન્નદાતા, ઢેઢ છીએ.” “કેમ રુવો છો?” “બાપુ, અમે આ નેસડા ગામમાં રહીએ છીએ. મારી દીકરીને ઘેલાશાના બરવાળે પરણાવી છે. બાઈ નાની છે, ને જમાઈ બહુ કપાતર મળ્યો છે. બાઈને મારી મારીને અધમૂઈ કરે છે. દુઃખની મારી દીકરી આંહીં ભાગી આવેલી. વાંસેથી એને તેડવા આવ્યાં તે અમે ન મોકલી, એટલે ઘેલાશાના કાઠી ઘોડે ચડીને આવ્યા, તે હમણાં જ દીકરીને ઘોડે નાખીને બરવાળે ઉપાડી ગયા. બાપુ! મારી પારેવડી જેવી દીકરીનું શું થાશે? અમારા ઢેઢુંનો કોઈ ધણી ન મળે?” ‘અમારા ઢેઢુંનો કોઈ ધણી ન મળે!’ એ વેણ જુવાન આતાભાઈના કલેજા સોંસરું પેસી ગયું. “તારા ધણી બાપુ છે, રો મા.” એમ કહીને એણે નોકરોને હુકમ કર્યો : “મારી ઘોડી હાજર કરો.” પોતે હથિયાર ધરીને નીચે ઊતર્યો. ઘોડીને પલાણ નાખવાની વાટ ન જોઈ. ઉપર ચડે, ત્યાં ગઢમાંથી બાપુ અખેરાજજીએ સાદ કર્યો : “ભાઈ, ઊભો રહે.” આવીને બાપુએ ઘોડીની લગામ ઝાલી લીધી. દીકરાનું બાવડું ઝાલ્યું. અખેરાજજીને એ એકનો એક દીકરો હતો. દરબારનો બુઢાપો હતો. કુંવર બોલ્યા : “બાપુ, અત્યારે મને રોકો મા, આ ઢેઢની છોકરીને અને મારે છેટું પડે છે. એ કહે છે કે અમારો કોઈ ધણી નથી.” “બાપ, તુંથી જવાય નહિ, ફોજ મોકલું.” “ના બાપુ, મારે એકલાને જ જાવું છે.” “બેટા, એકલા ન જવાય; દુશ્મનો ક્યાંક મારી પાડે.” “બાપુ, છોડી દ્યો. આપણે રાજા : વસ્તીનું રક્ષણ કરવા આપણે જાતે જ ચડવું પડે.” “ના, મારા બાપ! આખું કટક જાય, પણ તું નહિ. તું હજી બાળકો છો.” આતાભાઈને બાપની મરજાદની હદ આવતી હોય એમ થયું. એના હોઠ ફફડવા લાગ્યા, એના મોઢા ઉપર લાલ લાલ લોહી ધસી આવ્યું, તોય બાપુ સમજ્યા નહિ; ત્યારે એણે બાપનો હાથ ઝોંટી, ઘોડીને એડી મારી કહ્યું : “ખસી જા ભગતડા! એમ રાજ ન થાય!” બાપ જોતા રહ્યા, ડાયરો ‘હાં હાં’ કરતો રહ્યો. આતાભાઈની ઘોડીને જાણે પાંખો આવી. જોતજોતામાં તો પંથ કાપી નાખ્યો. દૂર દુશ્મનોને દીઠા. બે અસવારો છે, એકની બેલાડ્યે બાઈ માણસ બેઠેલું છે. બાઈની ચૂંદડી પવનમાં ઊડતી જાય છે. વગડામાં અબળા ધા ઉપર ધા નાખી રહી છે. બીજો અસવાર એની પાછળ ઘોડી દોડાવતો પોતાની ઝગમગતી બરછી બતાવીને બાઈને ડરાવતો જાય છે. ‘ઢેઢનું કોઈ ધણી નહિ’ એવી ધા સંભળાય છે. વગડામાં કામ કરતાં લોકો ઊભાં થઈ રહે છે અને વીલે મોંએ વાતો કરે છે : ‘બાઈ ભાગેડુ લાગે છે.’ સોળ વરસનો એકલવાયો આતોભાઈ આ ત્રાસ જોતો, ઘોડીને દબાવતો, વંટોળિયા જેવો વેગ કરતો, લાલચટક મોઢે લગોલગ આવી પહોંચ્યો. ખળખળિયા વૉંકળાને વળોટી બરાબર સામા કાંઠા ઉપર ચડ્યો. હાક પાડી : “હાં કાઠીડાઓ! હવે માટી થાજો : અબળાને ઉપાડી જનાર શૂરવીરો! સૂરજના પોતરાઓ! હવે માટી થાજો, હું આતોભાઈ!” ત્યાં તો ઘોડાંનાં ભેટંભેટાં થઈ ગયાં. કાઠીડાઓ બરછીનો ઘા કરે તે પહેલાં તો આતાભાઈનો ભાલો એકની ઘોડીનાં તોરિંગનાં પાટિયાં વીંધીને પાર થઈ ગયો, અને બીજાનું બાવડું તરવારને એક ઝાટકે ઉડાવી નાખ્યું. કાઠીઓને જીવ બચાવવાની બીજી બારી નહોતી રહી. પોતાની છાતી સાથે બાંધેલા બંધ છોડી નાખીને અસવારે ઢેઢ કન્યાને પડતી મૂકી દીધી. બેય જણા ‘ભાગો! ભાગો!’ બોલતા નીકળી ગયા. કન્યા થરથર ધ્રૂજે છે. “બીશ મા હવે. હું આતોભાઈ, તારી ભેરે ઊભો છું. આવી જા મારી બેલાડ્યે!” એમ બોલીને આતાભાઈએ બાઈનું કાંડું ઝાલ્યું. પોતાના પગનો પોં’ચો ટટાર કરીને કહ્યું : “આના ઉપર પગ માંડીને આવી જા મારી વાંસે.” કન્યા ઊભી થઈ રહી : “બાપા, હું ઢેઢ છું. તમને આભડછેટ...” “આભડછેટ કેવાની વળી? તું તો અમારી બોન-દીકરી છો. આવી જા ઝટ ઘોડી માથે, નીકર આપણે બેય આંહીં ઠામ રહેશું. હમણાં કાઠીડાનું કટક આંબી લેશે.” આતાભાઈએ કન્યાને બેલાડ્યે લીધી. “હા, હવે મારા ડિલને બરાબર ઝાલી રાખજે, નીકર પડીશ નીચે ને મનેય પાડીશ. ઝાલ્ય, બરાબર ઝાલ્ય!” એવી બથ્થડ વાણી બોલતો આતોભાઈ ઉઘાડી સમશેરે વગડો ગજવતો પાછો વળ્યો. ઘોડાના સફેદ દૂધિયા પૂછનો ઝંડો, કન્યાની ઓઢણી અને જુવાન આતાભાઈની પાઘડીનું છોગું હવામાં ફરકતાં ગયાં. માર્ગે એને પોતાના પિતાનું મોકલેલ કટક મળ્યું. કટકને મોખરે ઢેઢકન્યાને બેલાડ્ય લઈને ઉઘાડી સમશેરે જ્યારે આતોભાઈ સિહોરની બજારે નીકળ્યો, ત્યારે હજારોની આંખોનાં તોરણ થઈ રહ્યાં હતાં. આતાભાઈના આ પહેલા પરાક્રમ ઉપર એ હજારો નેત્રોની અંજળિઓ છંટાતી હતી. બાઈઓ આ વીરનાં વારણાં લેતી હતી. ઢેઢકન્યા તો એ નાટારંભ કરતી ઘોડી ઉપર બાપુને જોરથી ઝાલીને જ બેઠી રહી. ડેલીએ ઊતરીને એણે કન્યાનાં રોતાં માવતરને દીકરી સુપરત કરી. બાપુ અખેરાજજીને બાળોરાજા પગે લાગ્યો. ગદ્ગદ કંઠે ઢેઢ કન્યાએ કહ્યું : “બાપુ! હું નીચ વરણની નાર ઠરી. હું તુંને તો શું આપું? આંતરડીની આશિષ આપું છું કે તું જ્યાં ચઢીશ ત્યાં તારી આવી જ ફતેહ થાશે.”