રચનાવલી/૧૩૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩૩. રત્નાવલી (શ્રીહર્ષ) |}} {{Poem2Open}} સંસ્કૃત સાહિત્યમાં કવિ હર્ષનું સ્થાન નોખું છે. એક સારો શાસક એક સારો સાહિત્યનો આશ્રયદાતા અને એક સારો કવિનાટ્યકાર આ ત્રણે હર્ષમાં એકઠા થયા છ...")
 
No edit summary
Line 19: Line 19:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૩૨
|next =  
|next = ૧૩૪
}}
}}

Revision as of 11:40, 8 May 2023


૧૩૩. રત્નાવલી (શ્રીહર્ષ)


સંસ્કૃત સાહિત્યમાં કવિ હર્ષનું સ્થાન નોખું છે. એક સારો શાસક એક સારો સાહિત્યનો આશ્રયદાતા અને એક સારો કવિનાટ્યકાર આ ત્રણે હર્ષમાં એકઠા થયા છે. જાણીતા સંસ્કૃત ગદ્યકાર અને થાકા૨ બાણે તો હર્ષના જીવન પર ‘હર્ષચરિત’ લખ્યું છે; અને જાણીતા ચીની પ્રવાસી હ્યુ-એન-ચાંગે પ્રત્યક્ષ હર્ષને મળ્યાની અને હર્ષના જીવનની તેમજ એની રાજપ્રવૃત્તિની પોતાના પ્રવાસલેખનમાં નોંધ કરી છે, પ્રભાકરવર્ધનના મૃત્યુ પછી પોતાના નાનાભાઈ હર્ષવર્ધનને ગાદીએ બેસાડવા ઇચ્છતા મોટાભાઈ રાજ્યવર્ધનની હત્યા થતાં હર્ષવર્ધન માત્ર સોળ વર્ષની વયે ગાદી પર આવે છે. હ્યુ. એન. ચાંગે હર્ષવર્ધનને કનોજના રાજા તરીકે ઓળખાવ્યો છે. હર્ષવર્ધને રાજા તરીકે યુદ્ધ અને કલા બંનેમાં પોતાની કુશળતા બતાવી છે. હર્ષને નામે ત્રણ નાટકો મળે છે : ‘પ્રિયદર્શિકા', ‘રત્નાવલી' અને ‘નાગાનન્દ’. એમાં ‘પ્રિયદર્શિકા' તેમજ ‘રત્નાવલી' બંને પ્રાચીન કથાસાહિત્યમાં પ્રચલિત વત્સરાજ ઉદયનના પાત્રની આસપાસ રચાયાં છે. વત્સરાજ ઉદયનની કથા બ્રાહ્મણસાહિત્ય, બુદ્ધસાહિત્ય અને જૈનસાહિત્યમાં જાણીતી છે. બૃહત્કથાશ્લોકસંગ્રહ, બૃહત્કથામંજરી અને કથાસરિત્સાગરમાં ઉદયન પરિવારની વિગતો મળે છે. ઉદયનની આ વિગતોને આધારે સંસ્કૃત સાહિત્યમાં ઘણાં નાટકો લખાયાં છે. ભાસનાં ‘પ્રતિજ્ઞાયોગધરાયણ' અને ‘સ્વપ્નવાસવદત્તા' જેવાં નાટકો કે શક્તિભદ્રનું ‘ઉન્માદવાસવદત્તા' કે શૂદ્રકનું ‘વત્સરાજચરિત’ ઉદયનકથાને લઈને ચાલે છે. કવિ હર્ષે પણ ઉદયનની પ્રચલિત કથાનો ‘પ્રિયદર્શિકા’ અને ‘રત્નાવલી’માં ઉપયોગ કર્યો છે. હર્ષનું ‘નાગાનન્દ’ નાટક વધુ શિષ્ટ અને પ્રસિદ્ધ ગણાયું હોવા છતાં હર્ષનું ‘રત્નાવલી' નાટક પ્રચલિત વસ્તુમાં કઈ રીતે પ્રાણ પૂરી શકાય છે એનું ઉદાહરણ છે. એટલે કે ‘રત્નાવલી'ની કથા નવી નથી પણ એને નાટક રૂપે રજૂ કરવામાં, એ જમાનાના એની પોતાની રીતનાં દશ્યશ્રાવ્ય માધ્યમોનો એમાં થયેલો ઉપયોગ આશ્ચર્યકારક છે. વળી હર્ષનું આ નાટક સંસ્કૃતમાં જેને ‘નાટિકા' કહેવાય છે એને અનુસરે છે. સંસ્કૃત નાટકનાં અઢાર ગૌણ સ્વરૂપો બતાવાયાં છે, જેને ઉપરૂપકો કહેવાય છે, એવાં ઉપરૂપકોમાંનું એક ઉપરૂપક તે નાટિકા છે. નાટિકામાં ચાર અંક હોવા જોઈએ; એ જરૂરી છે. એ કાલ્પનિક કથા પર આધારિત હોય એ પણ જરૂરી છે. ઉપરાંત નાટિકાના કેન્દ્રમાં નારીપાત્ર હોવું અત્યંત જરૂરી છે. ‘રત્નાવલી', નાટિકા માટે નક્કી કરેલા નિયમોને બરાબર અનુસરે છે. ‘રત્નાવલી'નું નાટ્યવસ્તુ આવું છે. કોઈ સિદ્ધપુરુષ ભવિષ્યવાણી કરે છે કે સિંહલેશ્વર વિક્રમબાહુની કન્યા રત્નાવલીને જે કોઈ પરણશે તે ચક્રવર્તી રાજા થશે. આ સાંભળીને કૌસંબીના પ્રધાન યોગન્ધરાયણ એક યોજના કરે છે અને પોતાના રાજા ઉદયન સાથે રત્નાવલી પરણે એ માટે ઉદયનની વર્તમાન પ્રૌઢ રાણી ‘વાસવદત્તા બળી મરી છે' એવા સમાચાર ફેલાવી વિક્રમબાહુ પાસેથી રત્નાવલીને મેળવે છે. પણ રસ્તામાં વહાણ તૂટી જતાં પાટિયાને આધારે બચી ગયેલી રત્નાવલી કૌસંબીના કોઈ વેપારી દ્વારા કૌસંબી પહોંચે છે. પ્રધાન યોગધરાયણ એને ‘સાગરિકા તરીકે ઓળખાવી રાણી વાસવદત્તાની દાસી તરીકે મૂકે છે. મદનમહોત્સવમાં રાજા ઉદયન અને સાગરિકા પરસ્પરથી આકર્ષાય છે, ત્યાં પહેલો અંક પૂરો થાય છે. બીજા અંકમાં સાગરિકાની સખી સુસંગતતાને સાગરિકાએ દોરેલા ચિત્ર પરથી ઉદયન તરફના એના પ્રેમની ખબર પડે છે અને મદન જેવા દોરેલા રાજાની બાજુમાં સુસંગતા સાગરિકાનું રતિ તરીકે ચિત્ર દોરે છે. આ બંનેની વાતચીત થતી હોય છે એવામાં વાંદરાઓનો ઉપદ્રવ થતાં પાંજરામાંની સારિકા ઊડી જાય છે; અને સારિકાને શોધવામાં ચિત્રને છોડીને બંને આગળ વધે છે. ત્યાં એ જ જગ્યાએ રાજા ઉદયન એના વિદૂષક મિત્ર વસન્તક જોડે આવી પહોંચે છે. સારિકા સાગરિતા અને સુસંગતા વચ્ચે થયેલી વાતને જેવી થયેલી તેવી રજૂ કરે છે. એક બાજુ સારિકા મુખે થયેલી વાતચીત અને બીજી બાજુ જડી આવેલું ચિત્ર – આ બંને દ્વારા રાજા ઉદયનને સાગરિકાના પોતાના પ્રત્યેના પ્રેમની ખબર પડે છે. પણ ત્યાં આવી પહોંચેલી રાણી વાસવદત્તાને પણ પતિ ઉદયન અને સાગરિકાના પરસ્પરનાં આકર્ષણની ખબર પડે છે. ત્રીજા અંકમાં રાણી વાસવદત્તાના વેશમાં આવેલી સાગરિકા ગેરસમજને કારણે ફાંસો ખાવા તૈયાર થતાં રાજા ઉદયન એને બચાવવા જાય છે, એ સાથે જ રાણી વાસવદત્તાનો પ્રવેશ થાય છે. ક્રોધ અને ઇર્ષ્યાથી વાસવદત્તા સાગરિતા અને વિદૂષક બંનેને બંદી બનાવીને લઈ જાય છે. ચોથા અને છેલ્લા અંકમાં આગ ફાટી નીકળતાં બંદી બનાવેલી સાગરિકા બળી મળશે એવું ધારી રાણી વાસવદત્તા સાગરિકાને બચાવવા ઉદયનને પ્રેરે છે. રાજા સાગરિકાને ઉગારી લે છે. સાગરિકા સિંહલની કુંવરી છે એની જાણ થાય છે. યોગન્ધરાયણ પ્રવેશ કરીને પોતે જ યોજના ઘડી હતી એ વાત જાહેર કરે છે. વાસવદત્તા સિદ્ધપુરુષની વાણીને ધ્યાનમાં લઈ પ્રસન્નતાથી ઉદયન અને રત્નાવલીના લગ્નને મંજૂરી આપે છે. નાટકમાં બીજા અંક દરમ્યાન ચિત્રનો ઉપયોગ અને સારિકા દ્વારા આખીને આખી વાતચીતનું જેમનું તેમ પુનરાવર્તન ઉદયનને અને સાગરિકાને નજીક લાવવા સહાય કરે છે એ આખો નાટ્યપ્રપંચ રસ પડે તેવો છે. એ જ રીતે ત્રીજા અંકમાં એકાન્ત મિલન માટે સાગરિકાને મળવા જતો ઉદયન ગતિશીલ અંધકારનું અને એનો મિત્ર વસન્તક આકારલક્ષી અંધકારનું વર્ણન કરે છે તે આકર્ષક છે. વસન્તક કહે છે : ‘અહીં અંધકારનો સમૂહ આછાં વૃક્ષોની વનરાજીને ઘાટી બનાવે છે અને ગાઢ કાદવ ચોપડાવેલા પુષ્ટ ડુક્કર કે ભેંસ જેવો આકાર ઉપસાવે છે.' ઉદયનનું વર્ણન જુઓ : ‘સાંજ પડતાં પૂર્વ દિશામાં અંધકાર વ્યાપવા માંડે છે. ધીમે ધીમે અંધકાર પ્રસરતાં પર્વત, વૃક્ષો અને નગરના જુદા જુદા ભાગો દેખાતાં બંધ થાય છે. આ ઉપરાંત મિત્ર વસન્તકને રસ્તો દેખાતો નથી તો રાજા ઉદયન જુદાં જુદાં વૃક્ષોની ગંધ દ્વારા માર્ગને પ્રત્યક્ષ કરે છે. આવાં જીવંત વર્ણનો અને વિશિષ્ટ નાટ્યપ્રપંચોથી ‘રત્નાવલી’ સંસ્કૃત સાહિત્યનું નોંધપાત્ર નાટક ગણાયું છે.