મનીષા ગદ્યપર્વ ખેવના સ્વાધ્યાય અને સૂચિ/મનીષા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "== <big>મનીષા</big> == {{Poem2Open}} વાણીમાં ખાસ તો વિવેચનલેખોમાં આધુનિકતાનો આછો અણસાર વરતાતો હતો : મનીષામાં એનો વિશેષ વિકસિત આવિષ્કાર થવા માંડ્યો હતો: ને ક્ષિતિજમાં એનું પ્રબળ પ્રભાવશાળી સ્વરૂપ પ...")
 
No edit summary
Line 33: Line 33:
[તથાપિ, સપ્ટે.-નવે.,૨૦૦૫]
[તથાપિ, સપ્ટે.-નવે.,૨૦૦૫]
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = નિવેદન
|next = ગદ્યપર્વ
}}

Revision as of 15:44, 5 June 2023

મનીષા

વાણીમાં ખાસ તો વિવેચનલેખોમાં આધુનિકતાનો આછો અણસાર વરતાતો હતો : મનીષામાં એનો વિશેષ વિકસિત આવિષ્કાર થવા માંડ્યો હતો: ને ક્ષિતિજમાં એનું પ્રબળ પ્રભાવશાળી સ્વરૂપ પ્રગટ્યું હતું. મનીષામાં ૧૯૫૫-૫૬થી સુરેશભાઈની નવલિકા, નવલિકાના અનુવાદ, માનસવિહાર (જનાન્તિકેનું પૂર્વરૂપ), ગ્રન્થપરિચય (વિવેચનની આસ્વાદભરી બાની, પશ્ચિમની કૃતિઓનો આહ્લાદજનક પરિચય), સંજ્ઞા વિચાર વગેરેમાં આધુનિક મિજાજનો વિકસિત આવિષ્કાર પ્રતીત થાય છે. વળી, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, ભાષાશાસ્ત્ર વગેરે દ્વારા સાહિત્ય તેમજ અન્ય વિદ્યાશાખાઓના સંબંધની ભૂમિકા સચવાય છે. એક જ હકીકત અધૂર૫ની લાગણી જન્માવે છે. કવિતામાં આધુનિકતા હજી પ્રગટવી બાકી છે એ તો સુરેશભાઈ ૧૯૫૮ પછી વિશ્વમાનવમાં કવિતાના આસ્વાદ કરાવે, કેટલાક યુરોપના કવિઓના કાવ્યોના અનુવાદ કરે, ગુલામમોહમ્મદ શેખનાં ગદ્યકાવ્યો ક્ષિતિજમાં પ્રગટ થાય ત્યાં સુધી રાહ જોવી પડી છે. ઉમાશંકરે મનીષાને લાજવાબ કહ્યું. મનીષાના પ્રકાશનને આવકાર્યું પરંતુ ત્રૈમાસિકના બીજા અંકમાં આલ્બેર કામૂ વિશે જે લેખ સુરેશભાઈએ લખ્યો એને ક્લિષ્ટ કહી બેજવાબદાર વિધાન કર્યું. એ વિધાન આમ છે. ‘આપણા બૌદ્ધિકોએ એક વાત બરાબર ધ્યાનમાં રાખવા જેવી છે. તે એ કે પરદેશના લેખકની ચોપડીની નકલ જે એમના હાથમાં છે તે એકલી જ હિંદમાં આયાત થઈ છે એવું નયે હોય. જે લેખક મનમાં વસી જાય – અથવા તો ખૂંચે - તેવું બને તેટલું બધું સાહિત્ય વાંચીને પછીથી જો એને વિશે લખવામાં આવે તો તે ઓછામાં ઓછું અસ્પષ્ટ હશે અને એમાંથી બિનજાણકાર તેમ જ જાણકાર તમામને કાંઈક સૂચન મળશે' એમાં વદતો વ્યાધાત નથી લાગતો ?

જયંત પારેખ - એક અંગત પત્રમાંથી

મનીષા

કેવળ બહુજન સમાજની અર્ધનિદ્રિત શ્રદ્ધાઓને પંપાળવાને બદલે જાગ્રત, તેજસ્વી કલાભાવનાને પુરસ્કાર કરવાનું વલણ સુરેશ જોષી સંપાદિત સામયિકોમાં પ્રાપ્ત થાય છે. સામયિકો એ સુરેશ જોષીનો પ્રાણ રહ્યાં છે. સામયિકો વિનાના સુરેશ જોષીની કલ્પના કરી શકાય નહીં. એ સામયિકોનાં શીર્ષકો પણ કેવાં વિચારોત્તેજક અને રોમાંચ જગાવનારાં ! ‘વાણી’, ‘ક્ષિતિજ', ‘ઊહાપોહ’, ‘એતદ્' જેવાં સામયિકોનું સ્મરણ કરતામાં જ ગુજરાતી અભ્યાસીઓનું મોં ભર્યુંભર્યું થઈ ઊઠે છે ! પરંતુ સુરેશ જોષીના સામયિકનો આરંભ કે અંત એવો ઊહાપોહ ભર્યો, ઉત્તેજિત કરી મૂકે એવો ક્યારેય રહ્યો નથી. સામયિકમાં પોતે જે સમજે છે એ વિચારવલણોને સ્પષ્ટતાપૂર્વક ચીંધવા, કેટલાક પાસાંઓ વિશે ચીવટપૂર્વક લખવું એ જ એમનું ધ્યેય રહ્યું. સામયિકને નિર્મમપણે બંધ કરવું અને થોડા જ વખતમાં ફરી નવું સામયિક લઈને હાજર થવું એ સુરેશ જોષીનો વિશેષ રહ્યો છે. ઉમાશંકર જોષીએ કોઈ સભામાં એ મતલબનું કહેલું કે : ‘સુરેશ હશે ત્યાં લગી ગુજરાતમાં ‘ક્ષિતિજ’ જેવું કોઈને કોઈ સાહિત્યિક સામયિક હશે જ.’ ‘મનીષા’નો આરંભ જૂન-૧૯૫૪માં થયેલો પણ એ અગાઉ ‘ફાલ્ગુની’ અને ‘વાણી’ નામના બે સામયિકોમાં એના સંચાલન, સંપાદન સાથે જોડાવાનું સુરેશ જોષીને બન્યું હતું. ‘વાણી’ના પ્રથમ અંકમાં જ સર્વપલ્લી રાધાકૃષ્ણન, જ્યોર્જ સાન્તાયના, બ્રેડલીના કળા વિશેના વિચારો પ્રકટ થયા છે. ‘કેટલીક સંજ્ઞાઓ' ને નામે આરંભાયેલી લેખમાળા તો આજે પણ અનિવાર્ય જણાય એ પ્રકારની છે. સંપાદકોએ(સુરેશ જોષી, મોહનભાઈ પટેલ અને ભવાનીશંકર વ્યાસ. વૈશાખ-જેઠ વિ.સં. ૨૦૦૪થી ભવાનીશંકર વ્યાસ સંપાદક તરીકે જોડાયા હતા.) નોંધ્યું છે : ‘આપણાં વિવેચનને ચોક્કસ પરિભાષાની સમજ આવશ્યક છે. વિવેચનમાં વપરાતી સંજ્ઞાઓનો શો સંકેત છે એનું અસંદિગ્ધ સ્પષ્ટીકરણ વિવેચનક્ષેત્રમાં પ્રવર્તતી અરાજક્તા ટાળવા જરૂરી છે.’ (અંક : ૧, ‘વાણી’) આ અવતરણથી સમજાશે કે વિવેચનના પાયાના પ્રશ્નો પરત્વેની સંપાદકોની કેવી જાગરુક દૃષ્ટિ હતી ! સાહિત્યસ્વરૂપોની ચર્ચાઓ, ડોલરરાય માંકડના ભાષાવિષયક અભ્યાસલેખો તેમજ કેટલીક સંજ્ઞાઓના સ્પષ્ટીકરણ વડે ‘વાણી’ને યાદ કરી શકાય. જો કે એ સમયે વિ.ક. વૈદ્યના પ્રતિષ્ઠિત સામયિક ‘માનસી’એ સંજ્ઞાઓની ચર્ચા માત્ર અછડતી કે ઉપરછલી છે એમ કહી દીધું ત્યારે સંપાદકોએ આક્રોશ ઠાલવ્યો છે. (અંક : ૧૨, ‘વાણી’) અને ગુજરાતના કોઈ વિવેચકોએ એવી ચર્ચા કરવાનો ઉમળકો બતાવ્યો નથી એનું આશ્ચર્ય પણ અનુભવ્યું છે. ‘મનીષા’ પ્રકાશિત થયું ત્યારે વિ.ક. વૈદ્ય ‘કૌમુદી’ના પ્રભાવને સરજવા ‘માનસી’માં નિષ્ફળ પ્રયાસ કરી રહ્યાં હતા. ‘સંસ્કૃતિ’, ‘મિલાપ’, ‘ફાર્બસ ત્રૈમાસિક’, ‘ગુજરાતી નાટ્ય’ અને ‘બુદ્ધિપ્રકાશ' જેવા સામયિકોમાંના કેટલાંક રાજકારણના વમળમાં ઘેરાઈ જતાં સુરેશ જોષીના મતે એ તંત્રીઓ ‘ગેરહાજર તંત્રી' બની રહ્યાં હતા. તંત્રીની અવેજીમાં કામ કરનારા માણસોની રુચિ જુદી હોવાથી સામયિકોનું જે ધોરણ જોઈએ એનો સુરેશ જોષીએ અભાવ અનુભવેલો. ગુજરાત જેને માટે વીસપચીસ મિનિટથી વધુ સમય ફાળવી શકે એવા પ્રિય સામયિકોની સુરેશ જોષીને તીવ્ર ખેંચ વરતાતી હતી. (જુઓ : ‘આત્મનેપદી’ : સં. સુમન શાહ, પૃ. ૫૧-૨ પ્ર.આ. ૧૯૮૭) આ સામયિકો વચ્ચે ‘મનીષા’ના પ્રકાશનને તંત્રીઓએ સાહસ નહીં પણ દુઃસાહસ ઘટાવ્યું હતું. અર્થશાસ્ત્રની પરિભાષામાં એને માંગ વગરના ઉત્પાદન તરીકે લેખવામાં આવેલું. ‘મનીષા’ના કાર્યક્ષેત્રનો નિર્દેશ કરતા તંત્રીઓએ મૂળભૂત પ્રશ્નોની મીમાંસા પ્રત્યેની ઉદાસીનતા, આત્મસંશોધન અને નિર્મમ સત્વપરીક્ષણના અભાવની વાત તરફ ધ્યાન દોર્યું છે. અસ્પષ્ટ સંકેતોવાળી ને વિના પ્રયોજને અસ્તિત્વમાં આવતી પરિભાષા નાહકની ગૂંચ ઊભી કરનારી છે એમ નોંધીને વિવેચનની પાછળ સ્પષ્ટ સિદ્ધાંતસૂઝને અનિવાર્ય લેખી છે. આમ, ‘મનીષા’એ પરંપરાગ્રસ્ત થઈ રહેવાનો નકાર પ્રથમ અંકમાં જ આગળ ધર્યો. અખો, પ્રેમાનંદ, શામળ, દયારામને તેમજ ગોવર્ધનરામ, ન્હાનાલાલ, મુનશી, બ.ક.ઠા. તથા રમણલાલ દેસાઈની નવેસરથી તટસ્થ સમાલોચના થતી રહે એને ઇષ્ટ માન્યું. વિદ્યાપીઠોમાં સાહિત્યનું શિક્ષણ જે રીતે અપાઈ રહ્યું છે એમાં ધરમૂળના ફેરફારની આવશ્યકતા તંત્રીઓએ જોઈ છે. પાઠ્યપુસ્તક પરાયણ બની રહેતો વિદ્યાર્થી પરિશીલન કે વિવેચનમાં મૌલિક દૃષ્ટિને વિકસાવી શકતો નથી એટલે સાહિત્યનો વ્યાસંગ કેળવ્યા વિના જ વિદ્યાપીઠના બહાર નીકળ્યે જતાં આ ટોળાંઓ સામે પ્રથમ અંકમાં ઘેરી ચિંતા વ્યક્ત થઈ છે. સુરેશ જોષીનું વિદ્યા વિષયક ચિંતન-મનન ‘વિદ્યા-વિનાશને માર્ગે' સુધી લંબાતું આપણે જોઈએ છીએ પરંતુ એ ચિંતનના મૂળ અહીં શોધી શકાય. આદર્શ સાહિત્યશિક્ષણ કયા પ્રકારનું હોઈ શકે એ સંદર્ભમાં તંત્રીઓએ અહીં તુલના અભ્યાસ, પૂરક વ્યાખ્યાનમાળાઓ, રસમીમાંસા અને અલંકારશાસ્ત્રના દોહનો, પશ્ચિમની સાહિત્યમીમાંસાના પ્રમાણભૂત દોહનગ્રંથો તૈયાર કરી વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાની વાતને તારસ્વરે દર્શાવી છે. ‘મનીષા’ના પ્રકાશનમાં પોતાને નિમિત્તરૂપ લેખતા તંત્રીઓએ માન્યું છે કે કોઈકને તો શરૂઆત કરવાની રહે જ છે પરંતુ ‘મનીષા’ અમુક વ્યક્તિઓનું કે અમુક જૂથનું બની રહે એ સ્થિતિને તેઓએ ઈષ્ટ લેખી નથી. તમામ સંનિષ્ઠ અભ્યાસીઓ ‘મનીષા’ને પોતાનું ગણી પોતાના સ્વાધ્યાયનો લાભ આપે એવો આગ્રહ જ સંકીર્ણતા કે વાડાબંધી સામે તોપ દાગીને મોકળાશ ભર્યું વાતાવરણ સરજવાની ખેવના પ્રગટ કરી રહે છે. ‘મનીષા’નું કાર્યક્ષેત્ર તંત્રીઓએ સાહિત્ય, કલા અને વિવેચન પૂરતું મર્યાદિત રાખ્યું નથી. અન્ય માનવવિદ્યાશાખાઓના મૂળભૂત તત્ત્વને સમજવાનો અને માનવવિદ્યાઓના આજ સુધીના વિકાસને રજૂ કરવાનો પ્રયત્ન તંત્રી રસિક શાહના અન્ય વિષયો પ્રત્યેની રસરુચિને કારણે અહીં કરવાનો જણાય છે. એના પરિણામ રૂપ જ એ સમયગાળાના સામયિકોમાં ‘મનીષા' નોખું છે. ‘મનીષા’નો પ્રથમ અંક સોળ પૃષ્ઠોનો હતો. ડબલ ક્રાઉન સાઇઝમાં પ્રકટ થતાં ‘મનીષા’ના ટાઇટલમાં કશી ઝાકઝમાળ ન હતી. તમામ લખાણો બે કોલમમાં પ્રકટ થયા છે અને ઝીણા ટાઇપમાં. એક એક જગાનો કરકસર ભર્યો ઉપયોગ થયેલો જોઈ શકાય છે. આરંભે ‘મનીષા’નું વાર્ષિક લવાજમ દેશમાં રૂા. ત્રણ, પરદેશમાં છ શિલિંગ હતું અને છૂટક નકલ ચાર આનામાં મળતી. ભાષાશાસ્ત્ર જેવા વિશેષાંકની બે રૂપિયા જેવી વિશેષ કિંમત રહેતી. ત્રણ રૂપિયા જેવા વાર્ષિક લવાજમમાં સાતસો જેટલા ગ્રાહકો ‘મનીષા'ને પગભર કરી શકે એવી ટહેલનો ધાર્યો પ્રતિસાદ મળ્યો નથી. ૧૯૫૬માં ‘મનીષા’ની ખાધ હજારેક રૂપિયા સુધી પહોંચતા એની આયુદોરી તૂટી જવા આવેલી પણ શુભેચ્છકોના આગ્રહથી એને લંબાવવામાં આવી. એ પછી વાર્ષિક લવાજમ પણ ત્રણ રૂપિયામાંથી પાંચ રૂપિયા સુધી લઈ જવાની વ્યવહારુ નીતિ અપનાવવાની ફરજ પડી હતી. ‘મનીષા'ના પ્રથમ અંકનું સ્વરૂપ કેવુંક બંધાયું હતું? અહીં સુન્દરમ્ અને પ્રજારામ રાવળનાં કાવ્યો, ઇવાન બુનિન અને સહાદત હસન મન્ટોની ટૂંકી વાર્તાઓ છે પરંતુ આ અંકનો જો કોઈ વિશેષ હોય તો અભ્યાસલેખો છે. ‘કાવ્યમાં અર્થબોધ’ નામનો સુરેશ જોષીનો લેખ કાવ્યસર્જનપ્રક્રિયા અને કાવ્યમાં રહેલા અર્થની સંદિગ્ધતાનો વિચાર કરે છે. કાવ્યની કસોટી શેના આધારે થવી જોઈએ ? કાવ્યનો આનંદ માણવાની પૂર્વ શરતો વિશે લેખકે અહીં માર્મિક ચર્ચાઓ મૂકી છે. ‘કાવ્યનું તત્ત્વ અને ધ્વનિ’ (રામપ્રસાદ બક્ષી), વિજ્ઞાનનો આત્મા (રસિક શાહ) જેવા લેખો તેમજ કામવિજ્ઞાનના સંદર્ભ તરીકે ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કરી શકે એવા બે ગ્રંથોની વિશિષ્ટતા દર્શાવતી સમીક્ષા આ અંકનું ધ્યાનાર્હ પાસું છે. જુદાજુદા દૃષ્ટિબિંદુનો પરિચય કરાવવા એક સાથે એક પુસ્તકના બે વિવેચનો એકીસાથે પ્રગટ કરીને વિવેચનવ્યાપારની પ્રક્રિયા સમજવી એ પણ ‘મનીષા’નો અભિલાષ રહ્યો છે. એ ધ્યેયનું મૂર્તિમંત રૂપ ચુનીલાલ મડિયાના વાર્તાસંગ્રહ ‘રૂપ-અરૂપ’ની પ્રથમ અંકમાં જ મળેલી બે સમીક્ષાઓ છે. જેમાંની એક સમીક્ષા ચન્દ્રકાન્ત મહેતાએ અને બીજી કરસનદાસ માણેકના હાથે થઈ છે. ચન્દ્રકાન્ત મહેતાએ ‘રૂપ-અરૂપ’ શીર્ષકથી માંડીને વાર્તાના અસંભવિત બનાવો, વાર્તાના સંવાદોની ઝાટકણી કાઢી છે પણ લેખકની વાત જમાવવાની શક્તિ, શબ્દચિત્રો અને કથનશૈલીનો પુરસ્કાર કર્યો છે જ્યારે કરસનદાસ માણેક મડિયાની વાર્તાઓમાં ભરપૂર એવા અકસ્માતોથી અકળાયા છે. વસ્તુસામગ્રીના ઘટાટોપની તેમ વાતુલશૈલીની એ આકરી ટીકા કરે છે પણ મડિયાની ફોટોગ્રાફીને વખાણે છે. મડિયામાં ઘણું છે પણ ઘણું નથી એમ કહેતા વિવેચક મડિયાના સંગ્રહને ચન્દ્રકાન્ત મહેતાની જેમ નિરાશાજનક કહેવાને બદલે સુષુપ્તિના સંગ્રહ તરીકે ઘટાવે છે. આ સમીક્ષાઓ વડે ‘મનીષા'એ જે વાતાવરણ રચવાનો આદર્શ રાખેલો એની ઝાંખી મળે છે. પરંતુ આવા પ્રયત્નો એ પછીના અંકમાં ઝાઝા થયા નથી. આવા ગંભીર પુરુષાર્થનો પડઘો પાડવા જેટલું આપણું સાહિત્યવર્તુળ સજ્જ ન હતું એમ લાગે છે. પ્રથમ અંકની આ સામગ્રી જોતાં આ જ અંકમાં તંત્રીઓએ ‘મનીષા’ને જ્ઞાનસત્ર રૂપે લેખવાની જે વાત કહી છે એ યથાર્થ જણાય છે. ‘મનીષા’ના પ્રકાશનને આવકારતા ઉમાશંકરે ‘મનીષા’ને લાજવાબ કહ્યું હતું. ‘જન્મભૂમિ’ના ‘ક્લમ અને કિતાબ’ વિભાગના અવલોકનકારે, ‘નાગરિક’ અને ‘જીવનપ્રકાશ’ના અવલોકનકારે પણ આ જ લાગણીનો પડઘો પાડ્યો હતો. ‘મનીષા’માં એ સમયગાળાની કાવ્યપ્રવૃત્તિનું ચિત્ર બહુ આછું અંકે થયું છે. જેમાં ઉશનસ્, જયંત પાઠક, કરસનદાસ માણેક, વેણીભાઈ પુરોહિત, હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય', પ્રજારામ, દેવજી મોઢા જેવા નામો નજરે ચઢે છે. શ્રી અરવિંદના કાવ્યોનો સુંદરમે કરેલા અનુવાદો, હિંદી કવિતાઓ તેમજ સુરેશ જોષીએ કરેલા રવીન્દ્રનાથના કાવ્યાનુવાદો કાવ્યવિભાગને કંઈક સંતર્પક બનાવે છે. સુરેશ જોષીના નામે તેમ હવે તો ‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહમાં સ્થાન પામેલા કેટલાંક સાહસિક કાવ્યો જેકિસન કિનારીવાલાને નામે લખાયેલા. જે ‘મનીષા’માં પ્રકાશિત થયા છે. મોટાભાગે તો મુખપૃષ્ઠ પર કાવ્યરચનાઓ પ્રકટ કરવાનું ને વધુ તો છાંદસ રચનાઓનું, ગીતોનું પ્રભુત્વ અહીં દેખાશે. બાલમુકુંદ દવેની ‘તીર્થોત્તમ’ જેવી પ્રસિદ્ધ રચના ‘મનીષા‘ ના મુખપૃષ્ઠ પર પ્રકાશિત થયેલી છે. વાર્તાના અનુવાદો અહીં મોટા પ્રમાણમાં દેખા દે છે. કૃતિ અમુક ધોરણની ન હોય તો ન છાપવી અને એને બદલે પરદેશની કૃતિ દ્વારા સાહિત્યસંપર્ક કરવો એવો મત તો પ્રથમ અંકમાં જ તંત્રીઓએ પ્રકટ કરેલો છે. પ્રથમ અંકમાં ઇવાન બુનિન અને મન્ટોની વાર્તાના પ્રકાશન પછી બીજા અંકમાં દઝાઇ ઓસામુની વાર્તા છે. સમરસેટ મોમ, ગ્રેહામ ગ્રીન, હેયવુડ બ્રાઉન જેવા અનેક સર્જકોની વાર્તાઓ અહીં રજૂ થઈ છે પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત તો એ છે કે આ તમામ વાર્તાઓના અનુવાદનો પુરુષાર્થ તો સુરેશ જોષીએ કર્યો છે. હંસરાજ શાહ જેવા અન્ય અનુવાદકોના નામ અહીં નજરે ચઢે છે ખરાં પણ પ્રત્યેક અંકમાં સુરેશ જોષી દ્વારા થતી આ અનુવાદની પ્રક્રિયા આપણું સમગ્ર ધ્યાન એ તરફ વાળી લે છે. વિશ્વસાહિત્યના આંગણામાં ભાવકને લાવી મૂકવો અને વાર્તા તત્ત્વ-સત્ત્વની રુચિ ઊભી કરવાનો આ પરિશ્રમ ખરે જ નોંધપાત્ર છે. ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’ અને ‘એતદ્’ સુધી સતત ચાલતી રહેલી આ અનુવાદપ્રવૃત્તિથી સુરેશ જોષીને ‘અનુવાદિયા’ની ટીકા પણ સાંભળવાની આવી છે ને તે છતાં ગુજરાતી સાહિત્યમાં અનુવાદની એક કાર્યશાળા સમા બની રહેનારા સુરેશ જોષીના આ પ્રયત્નને આપણે અવગણી શકતા નથી એ હકીકત છે. ‘સેતુ' જેવા કેવળ અનુવાદના સ્વતંત્ર સામયિકના આરંભ પાછળ (સં. ગણેશ દેવી) સુરેશ જોષીની અનુવાદ પ્રવૃત્તિનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાય. બીજા વર્ષથી ‘મનીષા’ના પૃષ્ઠો પર સુરેશ જોષીનું મૌલિક નવલિકાલેખન આરંભાય છે. ‘નળ-દમયંતી' (અંક ૧૩-૧૪), ‘વારતા કહોને ! (અંકઃ ૧૯), ‘વાતાયન’ (અંક : ૨૭), રમણીક દલાલને નામે લખાયેલી ‘ગૃહપ્રવેશ’ (અંક : ૨૦) જેવી વાર્તાઓ અહીં પ્રકટ થઈ છે. ‘ગૃહપ્રવેશ'ની રામપ્રસાદ બક્ષીની લાંબી સમીક્ષા પણ ‘મનીષા’માં પણ પ્રકટ થયેલી જણાશે. જેમાં સર્જકની રચના-સંપત્તિ વિષયક નોંધો છે. ‘મનીષા'માં જ ‘રાજહંસ'ને નામે ચાલેલો ‘માનસવિહાર’ સુરેશ જોષીને ‘જનાન્તિકે' જેવા નિબંધો રચવા તરફ લઈ જવામાં મદદરૂપ થયો છે. સર્જક તરીકે જુદાજુદા સ્વરૂપો પરત્વે સુરેશ જોષીનો અભિગમ કયા પ્રકારનો પ્રવર્તતો હતો એનો આલેખ ‘મનીષા’માં સુપેરે મળી રહે એમ છે. અગાઉ નોંધ્યા મુજબ સર્જનાત્મક લેખનની તુલનાએ અભ્યાસ લેખોની સમૃદ્ધિ ‘મનીષા’નું મહત્ત્વનું ઘટક બની રહે છે. કેવળ સાહિત્યિક લેખોને બદલે વિકસતાં જતાં અન્ય ક્ષેત્રો વિશે વિચારતા થઈને દૃષ્ટિને વ્યાપકતા આપવી એ ‘મનીષા‘નું ધ્યેય રહ્યું હતું. પરિણામે પહેલા જ અંકમાં રસિક શાહે ‘વિજ્ઞાનનો આત્મા’ નામક લેખમાં વિજ્ઞાનના હાર્દને સમજી એની અનેક શાખા પ્રશાખાના મૂળભૂત તત્ત્વોને વિચારવાનું આહ્વાન આપ્યું છે. ફિલસૂફીના પ્રશ્નોને અજ્ઞાનમૂલક પૂર્વગ્રહોથી મુક્ત કરી કઈ નવી રીતે ચર્ચી શકાય તેની ભૂમિકા આ લેખમાં જોઈ શકાય. ડૉ. આઇ.પી. દેસાઈ અને વાય.બી. દામલેના સમાજશાસ્ત્રીય લેખોના અનુવાદો, ‘ભાષા અને રાષ્ટ્ર’ (બુદ્ધદેવ બસુ), ‘લેખન વ્યવસાયના વીસ વર્ષ’ (વિલિયમ સારોયાન) વડનગર : પૌરાણિક અને પુરાતત્વની દૃષ્ટિએ (રમણલાલ મહેતા) જેવા લેખોના વિષયો વિવિધ દિશાના રહ્યાં છે. હરિવલ્લભ ભાયાણીએ ‘ભણેલાની ભૂલ' નામના લેખમાં ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓના ઉત્તરપત્રોમાંથી વીણેલી ભાષા વિષયક ભૂલોના સ્વરૂપને લગતી જે નોંધ આપી છે એ રસપ્રદ છે. આવી ભૂલો દૂર કઈ રીતે થઈ શકે એનું નિદાન લેખકે અહીં કર્યું છે. ભાષાપરિવર્તનોની દૃષ્ટિએ પણ આ મહત્ત્વનો લેખ છે. સાહિત્યકૃતિઓની સમીક્ષાઓ ઉપરાંત સમાજજીવનમાં મહત્ત્વનો ભાગ ભજવતી કૃતિઓ પર પણ નજર ઠેરવવાનું તંત્રીઓએ જરૂરી સમજ્યું છે. ‘નીતિનાશને માર્ગે’ (ગાંધીજી), ‘આક્રમક વૃત્તિ અને એનું સ્વરૂપ' (લુડીઆ જેકસન), ‘સ્ત્રી-પુરુષ મર્યાદા’ (કિશોરલાલ મશરુવાળા) જેવા પુસ્તકોની સમીક્ષા આ દિશાની સૂચક છે. ‘મનીષા’માં ભાષાશાસ્ત્ર સંબંધી નારાયણ ગોવિંદ કાલેલકરની લેખમાળા ધ્વનિવિચારનો ઇતિહાસ' ઘણી નોંધપાત્ર છે. રામપ્રસાદ બક્ષી, ભોગીલાલ સાંડેસરા અને ડોલ૨રાય માંકડ જેવા સંશોધકોનો લાભ ‘મનીષા’ને પ્રથમથી જ પ્રાપ્ત થયો હતો. એ કારણે આ વિદ્વાનોના કળામીમાંસાને લગતા, સાહિત્ય સ્વરૂપોની વિશદ્ ચર્ચા મૂકી આપતા લેખો ‘મનીષા'ના મહત્ત્વના અંગો તરીકે ઊપસે છે. ભોગીલાલ સાંડેસરાનો ‘સંશોધનના પ્રશ્નો’ જેવો લેખ સંશોધન બરના કેટલાક વિષયોનું માર્ગદર્શન આપનાર બની રહે છે. ‘મરાઠી સાહિત્ય' (મં.વિ.રાજાધ્યક્ષ) ‘શેક્સપિયર અને અંગ્રેજી સાહિત્ય વિવેચન' (ચન્દ્રકાન્ત શુક્લ) ‘અભિનવ પ્રશિષ્ટ કવિતા' (વ્રજરાય દેસાઈ) અદ્યતન બંગાળી કવિતાના વલણો. ‘અર્વાચીન બંગાળી કવિતા' (જીવનાનંદ દાસ) જેવા લેખો સમગ્રતયા સાહિત્યના વલણોને અને પ્રવાહોને તપાસે છે. વિષ્ણુપદ ભટ્ટાચાર્યની ‘સાહિત્ય અને રસતત્ત્વ’ નામની બંગાળી લેખમાળાનો સુરેશ જોષીએ આપેલો અનુવાદ, સુરેશ જોષીના ‘કાવ્યમાં અર્થબોધ', ‘કેથાર્સિસ-વિમોચન', બટુભાઈના નાટકોની સમીક્ષા તેમજ ‘વિદ્યાર્થી’ ઉપનામે લખેલો બહુચર્ચિત લેખ ‘નવલકથાનો નાભિશ્વાસ', ‘મનીષા'માં પ્રકાશિત થયા છે. આ લેખની સામે પીતાંબર પટેલે ‘સંસ્કૃતિ'માં કરેલી ચર્ચાના અનુસંધાને પ્રતિચર્ચા કરતો હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’નો લેખ પ્રાપ્ત થયો છે. લેખક અહીં સ્પષ્ટ કહે છે કે આપણી સમીક્ષાદૃષ્ટિ સંખ્યા પર નહીં પણ સત્ત્વ પર અહોનિશ મંડાયેલી રહેવી જોઈએ. સો નવલકથાઓનું પ્રકટવું એ ચમત્કાર નથી. એક ઉત્તમ નવલકથાનું પ્રકટવું એ જ ચમત્કાર છે. પીતાંબર પટેલે નવલકથાના વિષયવૈવિધ્ય અને એમાં પ્રગટ થતાં જીવનમાંગલ્યની કરેલી ચર્ચા સામે લેખકે આક્રોશ વ્યક્ત કરીને ‘વિદ્યાર્થી’ના લેખને પુરસ્કાર્યો છે. સાહિત્યના અધ્યયનની માર્મિક તપાસ કરનારો લેખ ‘વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ’ પણ ‘મનીષા’ના પાને જોવા મળે છે. આમ કવિ, વાર્તાકાર, નિબંધકાર અને વિવેચક લેખે સુરેશ જોષીની સમગ્ર શક્તિનો હિસાબ ‘મનીષા'માં મળે છે. ‘મનીષા’માં પ્રકાશિત થયેલા સર્જકચરિત્રો, ઉત્તમ પુસ્તકોનાં આસ્વાદલક્ષી સ્વાધ્યાયો, સમકાલીન પુસ્તકોની સમીક્ષાઓ અને પાશ્ચાત્ય તેમ ભારતીય સર્જકોના ટૂંકા ગદ્યલખાણો ‘મનીષા’ના વૈવિધ્યમાં રંગ પૂરે છે. ‘મનીષા’નો પ્રથમ અંક જૂન-૧૯૫૪માં પ્રકાશિત થયો એ પછી ‘મનીષા’ના સળંગ અઠ્ઠયાવીસ અંકો સપ્ટેમ્બર ૧૯૫૬ સુધી પ્રકાશિત થયા છે. એ પછી ‘મનીપા’નું પ્રકાશન સંજોગોવશાત્ બંધ રહ્યું. ફેબ્રુ-૧૯૫૭માં ત્રૈમાસિક સ્વરૂપે કોઈ અંકક્રમાંક દર્શાવ્યા વિના જ તે પ્રસિદ્ધ થયું છે. ૧૯૫૭માં એ પછી કોઈપણ અંક પ્રકાશિત થયો નથી. તે સીધો જ ૧૯૫૮ના જાન્યુઆરીમાં ઉષા જોષીના સંપાદકપદે પ્રકાશિત થયો છે. એના સહાયક મંડળમાં સુરેશ જોષી, રસિક શાહ ઉપરાંત ભોગીલાલ ગાંધી ઉમેરાયા. પરામર્શકો તરીકે ડોલરરાય માંકડ અને રામપ્રસાદ બક્ષી રહ્યાં. એની સઘળી વ્યવસ્થા વડોદરા ખાતેથી થવા લાગી. સોળ પાનામાં સમાઈ જતો ‘મનીષા'નો અંક અહીં દોઢસોથી વધુ પૃષ્ઠોનું વાચન આપતો થયો પરંતુ જાન્યુઆરી પછી છેક ઑગસ્ટમાં અને ત્યારબાદનો અંક છેક ૧૯૫૯ના ઑક્ટોબરમાં પ્રકાશિત થયો. ત્રૈમાસિનો ત્રીજો અંક પ્રકટ કર્યો ત્યારે એને બંધ કરવાની ઇચ્છા નહીં હોય એથી એની નોંધ કે જાહેરાત સંપાદકે કરી નથી. એમ જ કશી પૂર્વ જાહેરાત વિના ‘મનીષા'નું પ્રકાશન સમેટી લેવામાં આવ્યું. પરંતુ આટલા ટૂંકા સમયમાં ‘મનીષા’એ બે વિશેષાંકો આપ્યા છે. ૧૯૫૫ના મે મહિનામાં સુરેશ જોષી ભાષાશાસ્ત્રના અભ્યાસાર્થે પૂનાની ડેક્કન કૉલેજમાં ગયા હતા તે દરમ્યાન દેશવિદેશના ભાષાશાસ્ત્રીઓનો સંપર્ક કરવાની એમને તક સાંપડેલી. એ વિદ્વાનોની ઉપસ્થિતિનો લાભ લઈને ભાષાશાસ્ત્રનો વિશેષાંક કરવાની યોજના સુરેશ જોષીના મનમાં રમતી થયેલી. ડૉ. પ્રબોધ પંડિતે આ વિશેષાંકનું સંપાદન કરવાની જવાબદારી સ્વીકારતા આ વિશેષાંકની અધિકૃતતા સ્પષ્ટ છે. વિદેશી વિજ્ઞાન અભ્યાસીઓના ભાષાવિષયક લખાણોના અનુવાદો તૈયાર કરવા તેમ જ આપણાં ભાષાઅભ્યાસીઓને પ્રેરવાનો પુરૂષાર્થ આ વિશેષાંકમાં પામી શકાય એમ છે. (અંક : ૧૭-૧૮, ઑક્ટો.,-નવે., ૧૯૫૫) ધ્વનિવિચારને લગતા વિવિધ પુસ્તકોની સમીક્ષા કરતા જઈ છેલ્લા પાંચ વર્ષની (૧૯૫૧થી ૫૫) આ વિષયની મહત્ત્વની કૃતિઓનો બાવીસ જેટલા પૃષ્ઠોમાં એમ.એ. મહેન્દળેએ જે પરિચય આપ્યો છે એ જ દર્શાવે છે કે આ દિશાના જ્યારે ધ્યાનાર્હ પ્રયત્નો ઝાઝાં થયા નથી ત્યારે સંપાદકોની દૃષ્ટિ જુદા જુદા વિષયો પરત્વે કેવી નિયમિતપણે થતી રહી છે. એ જ દિશામાં રામપ્રસાદ બક્ષીએ આપેલાં ત્રણ વ્યાખ્યાનો એકત્રિત કરીને ‘મનીષા’ એ ‘નાટ્યરસ’ વિશેષાંક પ્રસિદ્ધ કરેલો. (ઑક્ટો., ૧૯૫૯) ગુજરાતી ભાષામાં છૂટી છવાઈ ચાલેલી રસવિષયક ચર્ચાઓની નોંધ લઈને તંત્રીએ રસ સંબંધી એકસૂત્રી વિચારણા રજૂ કરતા અભ્યાસની ખોટ આ અંક દ્વારા પૂરી કરી છે. રસવિષયક વિચારણા કરતા ૧૪ પ્રકરણોમાં રસની પરિભાષાથી માંડીને રસનિષ્પત્તિ વિશે મીમાંસકોના વિચારવલણોની સાધક બાધક ચર્ચા દ્વારા રસમીમાંસાનો સંદર્ભ રચી આપ્યો છે. આ બંને વિશેષાંકો, ખરા અર્થમાં વિશેષાંકો બની રહ્યાં છે. પ્રથમ વર્ષના અંતે જ ‘મનીષા’ને સ્વીકારવું પડ્યું કે સર્જકોનો તેમજ સાહિત્યના અભ્યાસીઓનો જોઈએ એટલો સહકાર પ્રાપ્ત થયો નથી. Teen ager વર્ગની વિવેચનપ્રવૃત્તિને ખતરનાક અનિષ્ટ તરીકે બતાવનારા સુપ્રતિષ્ઠિતો ક્રિયાશીલ ન હોવાથી એ નવલોહિયા પર જ આધાર રાખવો પડે એવી ઇષ્ટાપત્તિની નોંધ તંત્રીઓએ લીધી છે. સર્જકો કે પ્રકાશકો તરફથી વિવેચનને માટે અપ્રાપ્ય રહેતી કૃતિઓ, કૃતિને ન્યાય આપી શકે એવા અધિકારી વિવેચકની ઊણપ ‘મનીષા’ને વરતાઈ છે. તંત્રીઓએ આથી કહેવું પડે છે કે : નિર્ભીક, તટસ્થ વિવેચન માટેની આબોહવા આપણે ત્યાં છે નહીં એની દુઃખદ પ્રતીતિ અમને થઈ છે.’ આ હતોત્સાહી નિવેદન પણ આપણી સાહિત્યિક આબોહવાનું નિર્ભીક-તટસ્થ મૂલ્યાંકન છે. સાહિત્યના શ્રેયને લક્ષમાં લઈને આબોહવા રચવાનો જે પ્રયત્ન થવો જોઈએ એ જ્યારે થતો નથી ત્યારે એને સૌથી મોટા અનિષ્ટ તરીકે લેખતા તંત્રીઓની સાહિત્યખેવનાનો અંદાજ અહીં સહેજે પામી શકાય એમ છે. નવા વર્ષના પ્રથમ અંકમાં ગતવર્ષની સિદ્ધિ મર્યાદાઓનું આકલન કરવું એ ‘મનીષા’ની રીતિ રહી છે. બીજા વર્ષના સરવૈયામાં પણ તંત્રીઓનો સૂર વિશેષ બદલાયેલો જણાતો નથી. તેઓએ નોંધ્યું છે : ‘વિવેચનમાં ખાસ કોઈને રસ નથી.' આ જ અંકમાં છેલ્લી પચ્ચીસીની કવિતાની આલોચના કરતો એક વિશેષાંક, પશ્ચિમમાં વિવેચનના ક્ષેત્રે જે નવા પ્રયત્નો થયાં હોય તેવા પ્રતિનિધિરૂપ વિવેચનના અર્પણનો આલોચનાત્મક પરિચય રજૂ કરતો એક વિશેષાંક, સાહિત્યના કોઈ એક સ્વરૂપની શક્ય એટલી દિશાથી મીમાંસા કરતો એક વિશેષાંક અને સમાજશાસ્ત્ર, ફિલસૂફી કે એવા કોઈ સાહિત્યેતર વિષયોની ચર્ચા કરતા ચારેક વિશેષાંકો આપવાની મનીષા’એ જાહેરાત કરી છે. ‘મનીષા’નું એ સ્વપ્ન પૂર્ણ તો થયું નથી એ દુઃખદ જરૂર છે પણ એ સમયગાળાના ને એ પછી આગળ આવેલા સામયિકોએ આ જાહેરાતમાંથી એવી કોઈ પ્રેરણા લીધી નથી એ એથી યે વધુ દુ:ખદ છે. બત્રીસ જેટલા અંકોની ‘મનીષા'ની મજલ બહુ લાંબી ન ગણાય. સુરેશ જોષી, રસિક શાહે કલ્પેલું સાહિત્યિક સામયિકનું સ્વરૂપ હજુ બંધાતું જતું હતું. સામયિકમાં સાહિત્યની સાથોસાથ માનવવિદ્યાઓના અપાર વિષયો તરફ દૃષ્ટિ લંબાવવાનો ઝાઝો વખત થયો ન હતો. પણ આ સામયિકે ‘વાણી’ને મુકાબલે સુરેશ જોષીને તેમ અનેક અભ્યાસીઓને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો છે. ‘વાણી’ના ‘રવીન્દ્ર વિશેષાંક’ની તુલનાએ સુરેશ જોષી અહીં જુદાં જુદાં નામે પણ સતત વ્યક્ત થયા છે. સાહિત્યિક પત્રકાર તરીકે તો ખરાં જ, પણ સર્જક સુરેશ જોષીની તાલીમશાળા ‘મનીષા' બને છે જેનું સીધું જ પરિણામ ‘ક્ષિતિજ'માં જોઈ શકાય છે. ‘ક્ષિતિજ’માં જે રીતે આધુનિક સર્જનાત્મક પરિમાણો ઉપસ્યાં છે, લલિતકલાઓ વિષયક જે વ્યાપક વિચારણા થઈ છે એવું પરિમાણ ‘મનીપા'માં ઉપસતું નથી એથી એમની છબી સર્જનાત્મક આર્વિભાવોને પ્રકટ કરનારાં સામયિકને બદલે ગંભીર પર્યેષણા કરતા વિચારશીલ સામયિક તરીકેની વિશેષ ઉપસી હતી. અન્ય વિદ્યાશાખાઓના અભ્યાસોને કારણે આમ બનવું શક્ય પણ હતું. તે છતાં ભાષાશાસ્ત્રની આટલી સઘન ચર્ચા ‘ભાષાવિમર્શ’ જેવા સામયિક પછી આટલા ટૂંકા ગાળામાં કયાંય પ્રકટી નથી એ નોંધવું જોઈએ. પરભાષાના સાહિત્યનો તેમ સાહિત્યપ્રવાહોને અવગત કરાવતા ‘મનીષા’ના લેખો ગુજરાતી વાચકને વિશ્વસાહિત્યનો નાનો અમથો પરિચય કરાવતા રહ્યાં છે. વિશ્વસાહિત્ય સુધી લંબાતી ને રસરુચિના ઘડતરની આ મથામણ ‘મનીષા’નું પ્રદાન લેખવું જોઈએ. ‘વાણી’ પછી ‘મનીષા’ સુરેશ જોષીના આવનારા પ્રમુખ સામયિક ‘ક્ષિતિજ’ની ભોંય બની રહે છે. સર્જક લેખે તેમ સાહિત્યિક પત્રકાર તરીકેનો એ બલિષ્ઠ અવાજ ‘મનીષા’માં જે રીતે-ભાતે પ્રકટ થયો છે એ પ્રદાનને વિસરી શકાય એમ નથી. અને ત્યારે આપણે પણ ઉમાશંકરની જેમ ‘લાજવાબ મનીષા' એમ બોલી ઊઠીએ છીએ.

[તથાપિ, સપ્ટે.-નવે.,૨૦૦૫]