નવલકથાપરિચયકોશ/શાન્તિદા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 25: Line 25:
{{right|પ્રોફેસર અને અધ્યક્ષ,}}
{{right|પ્રોફેસર અને અધ્યક્ષ,}}
{{right|ગુજરાતી વિભાગ,}}  
{{right|ગુજરાતી વિભાગ,}}  
{{right|ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ}
{{right|ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ}}
{{right|વિવેચક, સંશોધક, સંપાદક, ચરિત્રકાર, અનુવાદક}}
{{right|વિવેચક, સંશોધક, સંપાદક, ચરિત્રકાર, અનુવાદક}}
{{right|મો. ૯૦૯૯૦૧૭૫૫૯}}
{{right|મો. ૯૦૯૯૦૧૭૫૫૯}}

Revision as of 02:56, 15 December 2023

૧૪

‘શાન્તિદા’ : સુમતિ મહેતા

– દર્શના ધોળકિયા

‘શાન્તિદા’ સુમતિની બીજી નવલકથા છે. એમાં પણ બાર પ્રકરણો છે. આ કૃતિમાં શાન્તિદા, તેનો પતિ મહેન્દ્ર, શાન્તિદાની સખી કાન્તા, મહેન્દ્રનો દાક્તર મિત્ર વાસુદેવ, કાન્તાના મામા ચંદુલાલ – આટલાં મુખ્ય પાત્રો છે. શાન્તિદાનાં બે સંતાનો, શાન્તિદાના પિતાના મિત્ર શાસ્ત્રીજી, આદિ ગૌણ પાત્રો તરીકે મુકાયાં છે. સમગ્ર નવલકથા શાન્તિદાને કેન્દ્રમાં રાખીને લખાઈ છે. તે એક સ્વાભિમાની, સુશીલ, સંસ્કારી ને શોખીન નારી છે. પતિને ખૂબ ચાહતી શાન્તિદા રંગીન જીવન જીવવામાં રસ ધરાવે છે. તેનો પતિ મહેન્દ્ર બૅન્કમાં ઑફિસર છે. પત્નીને ખૂબ ચાહતો મહેન્દ્ર પત્ની પ્રત્યેના આત્યંતિક પ્રેમને લઈને ક્યારેક પત્ની પ્રત્યે પણ વહેમાતો ને દેવાને ધિક્કારતા સ્વમાની પુરુષ તરીકે આલેખાયો છે. પતિ મહેન્દ્રને ક્ષયનો રોગ લાગુ પડતાં તેની સારવાર માટે શાન્તિદાને ન છૂટકે દેવું કરવાનો વારો આવે છે ને પિતાના મિત્ર પણ કઠોર અને પરપીડક વૃત્તિ ધરાવતા ચંદુલાલ પાસેથી શાન્તિદાને ઉધાર રકમ લેવાની ફરજ પડે છે. પિતાની માંદગી દરમ્યાન ન છૂટકે પિતાની સહી કરી આપીને શાન્તિદા ચંદુલાલના ઉપકાર નીચે આવી જાય છે. પતિના ડરથી શાન્તિદા આ વાત પતિથી છુપાવે છે. તે દરમ્યાન ચંદુલાલ તેને ઘેર આવીને મહેન્દ્રને આ અંગે જાણ કરવાની ધમકી આપે છે. બીજી બાજુ, ચંદુલાલની ભાણેજી ને શાન્તિદાની બાળપણની સખી કાન્તા શાન્તિદાને ઘેર આશ્રય લેવા આવે છે. શાન્તિદા પોતાની મૂંઝવણ તેના પાસે વ્યક્ત કરે છે. કાન્તા શાન્તિદાને મદદરૂપ થવા કમર કસે છે. એ માટે તે ચંદુલાલ પાસેથી મહેન્દ્ર પર પત્ર લખાવવા માટે ચંદુલાલને ઘેર જાય છે. ઘણા સમયે બહેનની પુત્રીને મળતાં ચંદુલાલ પણ ઢીલો પડે છે ને કાન્તાના કહેવાથી શાન્તિદાને નિર્દોષ ઠેરવતો પત્ર એ લખી તો આપે છે પણ તેણે પહેલાં લખેલો પત્ર મહેન્દ્રના હાથમાં આવી જતાં, મહેન્દ્ર શાન્તિદાને સાંભળ્યા વિના જ તેને શાન્તિદાના લાનોલીના બંગલામાં રવાના કરી દે છે. મામાને ઘેર પહોંચીને તેમના પાસે પત્ર લખાવતી કાન્તા મોડી મોડી મહેન્દ્ર પાસે પહોંચે છે ને મહેન્દ્રને પણ ચંદુલાલનો પત્ર વાંચવા મળતાં એ પસ્તાવાથી અડધો થઈ જાય છે ને શાન્તિદાને લેવા લાનોલી પહોંચી જાય છે. કૃતિને અંતે બંનેનું સુખદ મિલન થાય છે. મહેન્દ્રના દાક્તર મિત્ર વાસુદેવનો શાન્તિદા પ્રત્યેનો એકપક્ષી મૂક પ્રેમ લેખિકાએ દર્શાવ્યો છે, જેનાથી આખરે તો શાન્તિદાનું, પાતિવ્રત્ય જ ઉજાગર થયું છે. ચારિત્ર્યસંપન્ન શાન્તિદા માને છે તેમ, પતિ સિવાયના અન્ય પુરુષ પ્રત્યે નારી નજર સુધ્ધાં ન કરી શકે, બલકે તેના દ્વારા વ્યક્ત થતા ભાવને અનુમોદન સુધ્ધાં ન આપી શકે. શાન્તિદાના આવા ચરિત્રચિત્રણમાં સુમતિના શીલવિષયક ખ્યાલોનો પરિચય પણ સાંપડે છે તેમ જ તત્કાલીન યુગની નારી પ્રત્યેની અપેક્ષા પણ છતી થાય છે. કથાના આરંભથી રંગીન મિજાજી, શોખીન, પતિભક્ત શાન્તિદા કૃતિને અંતે કેળવાયેલી સમજથી વિકાસ પામતી લેખિકાએ આલેખી છે. એનું આરંભનું ચાંચલ્ય જીવતરે આપેલી સમજથી અંતે મંજાયેલું બન્યું હોવાનું અનુભવાય છે. પોતા પાસે પાછી ફરેલી પ્રિય પત્નીને ‘જોયું શાન્તિ? હવે આ બાળકોને હું વધારે ઉપયોગી કે તું?’ એવો પ્રશ્ન કરતા મહેન્દ્રને શાન્તિદાનો ઉત્તર છે તેમ, ‘સહુ વગર ચાલે, એ તો બે દહાડા લાગે. પછી પાછું બધું નિયમિત... બધી રીતે. ધૈર્ય રાખવાથી સુખ સાંપડે.’ એમ કહીને પોતાને સાંપડેલું ચિંતન કાવ્યપંક્તિમાં રજૂ કરતી શાન્તિદાનું વિધાયક પરિવર્તન કૃતિના અંતને ઉપશમ ભણી વાળે છે. “નભે જ્યારે ચડે વર્ષા, રહેવું છત્રની તળે, સમો થાતાં વિખરાશે, સૂર્ય તાપ સદા મળે.’ પાત્રાલેખનની લગોલગ કૃતિમાં આવતાં વર્ણનો લેખિકાની કલ્પનાશક્તિ, નિરીક્ષણની ક્ષમતા ને જીવનપ્રીતિનાં દ્યોતક બને છે : ‘ઝીણા કપડામાંથી પછવાડેથી સુંદર કાળો અંબોડો ડોકિયાં કરતો હતો.’ (એજન, પૃ. ૧૦૧) “સુંદર પોશાક કરતાં પણ શાન્તિદાની સુંદરતા સાદાં વસ્ત્રોમાં બહુ જ વધતી હતી. અને જરા શ્રમિત હોવાથી પરસેવાનાં મોટાં બિંદુ વિશાળ કપાળ શૌભાવતાં હતાં. વળી વાળ પણ છૂટીને આગળ ગળા ઉપર રમતા હતા.’ (એજન, પૃ. ૧૦૩) પાત્રની સાથે લેખિકાએ કરેલાં પ્રકૃતિવર્ણનો પણ આસ્વાદ્ય ને મનોહારી બન્યાં છે : ‘કાર્તિક સુદ પૂર્ણિમાનો દિવસ હતો. સાંજના છ વાગ્યા હતા. સૂર્યનારાયણ પોતાની રશ્મિઓ સંકેલતા સામે પહાડ પછવાડે અસ્ત થતા હતા. અને કેટલાંક રહેલાં કિરણો પાણી પર નૃત્ય કરી એને સોનેરી બનાવતાં હતાં. (એજન, પૃ. ૧૧૬) મહારાષ્ટ્રનાં વિવિધ સ્થળવિશેષો પૂના, મુંબઈ, લાનોલીનું પણ લેખિકાએ કરેલું નિરીક્ષણ તેમની વર્ણનશક્તિની સાથોસાથ તેમનાં ભૂગોળ તેમ જ સ્થળ વિશેના જ્ઞાનને પણ વિશદ રીતે ઉજાગર કરતું રહે છે. સમગ્ર નવલકથામાં લેખિકાનું જીવનદર્શન એક ચિંતકને છાજે એ રીતની અભિવ્યક્તિ પામ્યું છે. દામ્પત્યસંબંધમાં આવતા વાળાઢાળાને જોઈ શકતી શાન્તિદા જેવી એક નારીનો આરંભનો રાગાવેગ કૃતિને અંતે આછરે છે ને એનામાં રહેલી ઈશ્વર પ્રત્યેની આસ્તિકતા જીવનને જોવાની નવી દૃષ્ટિ તેને સંપડાવે છે. માત્ર ઓગણીસ વર્ષની કાચી વયે લખાયેલી આ કૃતિમાં લેખિકાની કેળવાયેલી સમજને જોતાં એક નીવડેલી જીવનનિષ્ઠ વ્યક્તિએ આ કૃતિ લખી હોવાની છાપ પડે છે.

ડૉ. દર્શના ધોળકિયા
પ્રોફેસર અને અધ્યક્ષ,
ગુજરાતી વિભાગ,
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ
વિવેચક, સંશોધક, સંપાદક, ચરિત્રકાર, અનુવાદક
મો. ૯૦૯૯૦૧૭૫૫૯
Email: dr_dholakia@rediffmail.com