નવલકથાપરિચયકોશ/અખેપાતર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(added pic)
 
Line 3: Line 3:
'''‘અખેપાતર’ : બિન્દુ ભટ્ટ '''</big><br>
'''‘અખેપાતર’ : બિન્દુ ભટ્ટ '''</big><br>
{{gap|14em}}– આશકા પંડ્યા</big>'''</center>
{{gap|14em}}– આશકા પંડ્યા</big>'''</center>
 
[[File:Akhepatar.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
(‘અખેપાતર’, પ્ર. આ. ૧૯૯૯, પુર્નમુદ્રણ : ૨૦૦૭)
(‘અખેપાતર’, પ્ર. આ. ૧૯૯૯, પુર્નમુદ્રણ : ૨૦૦૭)

Latest revision as of 18:11, 24 December 2023

૧૨૭

‘અખેપાતર’ : બિન્દુ ભટ્ટ

– આશકા પંડ્યા
Akhepatar.jpg

(‘અખેપાતર’, પ્ર. આ. ૧૯૯૯, પુર્નમુદ્રણ : ૨૦૦૭) સર્જક પરિચય : વાર્તાકાર, અનુવાદક, વિવેચક, સંપાદક અને નવલકથાકાર બિન્દુ ભટ્ટનો જન્મ (તારીખ : ૧૮-૦૯-૧૯૫૪) જોધપુર, રાજસ્થાનમાં. ત્યારબાદ લીંબડી અને અમદાવાદમાં નિવાસ. એચ. કે. આટ્ર્સ કૉલેજ, અમદાવાદમાંથી બી.એ. (ઈ. ૧૯૭૬). ગુજરાત યુનિવર્સિટીમાંથી હિન્દી વિષય સાથે એમ.એ. (ઈ. ૧૯૭૮). ‘આધુનિક હિન્દી ઉપન્યાસઃ કથ્ય ઔર શિલ્પ કે નયે આયામ’ વિષય પર ભોળાભાઈ પટેલના માર્ગદર્શનમાં સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ. ઈ. ૧૯૯૧થી ઉમા આટ્ર્સ એન્ડ નાથીબા કૉમર્સ મહિલા કૉલેજ, ગાંધીનગરમાં હિન્દીના અધ્યાપક. હાલ નિવૃત્ત. ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’, ‘અખેપાતર’ (નવલકથા), ‘બાંધણી’ (વાર્તાસંગ્રહ), ‘અંધી ગલી’ (ધીરુબેન પટેલની ‘આંધળી ગલી’નો હિન્દી અનુવાદ), ‘અપભ્રંશ વ્યાકરણ’ (હરિવલ્લભ ભાયાણી સંપાદિત વ્યાકરણનો હિન્દી અનુવાદ), ‘બીજાના પગ’ (શ્રીકાન્ત વર્માની વાર્તાઓનો ગુજરાતી અનુવાદ), ‘અદ્યતન હિન્દી ઉપન્યાસ’, ‘આજ કે રંગનાટક : એક તુલનાત્મક અધ્યયન’ (હિન્દી વિવેચન) જેવા ગ્રંથો તેમની પાસેથી મળે છે. ‘અખેપાતર’ માટે સાહિત્ય અકાદમી, દિલ્હીનું વર્ષ ૨૦૦૩નું પારિતોષિક. કૃતિ પરિચય : ઈ. ૧૯૯૯માં પુસ્તકરૂપે પ્રગટ થયેલી ‘અખેપાતર’માં ૩૬ પ્રકરણ છે. ૨૭૬ પૃષ્ઠ ધરાવતી આ કૃતિ સર્જકે રઘુવીર ચૌધરીને અર્પણ કરી છે. ‘નિવેદન’માં સર્જક કૃતિ વિશે વાત કરતાં કેટલીક રસપ્રદ વાતો જણાવે છે. ‘૯૫માં કૃતિનું લેખન શરૂ થયું. કૃતિની પ્રારંભિક કાચી સામગ્રી સર્જકને પોતાનાં ૮૭ વર્ષનાં બા પાસેથી અને એમના કરાંચી નિવાસનાં સગાં-સંબંધીઓ, પડોશીઓનાં સંસ્મરણોમાંથી મળી. પ્રથમ છ પ્રકરણ સળંગ અને પછી ‘જન્મભૂમિ પ્રવાસી’માં (ઈ.૧૯૯૮ના નવેમ્બરથી) હપ્તાવાર પ્રગટ થઈ. સર્વજ્ઞ કથક અને કંચનબાની સ્મૃતિઓ વડે(સ્મૃતિઓ, અતીત અને વર્તમાન, પત્ર, પીઠઝબકાર, સંવાદ આ બધી પ્રયુક્તિઓ સર્જકે અહીં ખપમાં લીધી છે.) કહેવાતી આ કૃતિના કેન્દ્રમાં કંચનબા છે. ૭૮ વર્ષનાં કંચનબા જસાપરમાં આવે છે ત્યાંથી આરંભાતી કથા ત્રણ દિવસના અનુષ્ઠાન પછી કંચનબા ગામ છોડે ત્યાં પૂર્ણ થાય છે. અહીં સમયનું સંકોચન છે. આ ત્રણ દિવસના સમયમાં સર્જકે સ્મૃતિઓ વડે, અતીત અને વર્તમાનમાં આવનજાવન કરીને કંચનબાના આખા આયખાને (સાથે જ આઝાદી પૂર્વેના સમયથી આઝાદી પછીના સમયપટને) આવરી લે છે. એ રીતે અહીં સમયનું વિસ્તરણ છે. સમયની આ ગૂંથણી કૃતિના વિષયને અનુરૂપ છે. કંચનબાની જીવનગાથા સુરેન્દ્રનગરના નાનકડા ગામ રામપરથી શરૂ થઈ, સાસરી જસાપર થઈને કરાંચી અને ત્યાંથી પુનઃ જસાપર અને અમદાવાદ થઈને અંતે તેઓ જસાપર છોડે છે ત્યાં પૂરી થાય છે. કરાંચીના મેયર દેવશંકર શુકલના પુત્ર અમૃત સાથે પરણેલી કંચનને ગૌતમ, ચંદ્રકાંત અને અરુણા નામનાં ત્રણ સંતાનો છે. વિભાજનવેળાએ કરાંચીમાં હિંદુઓ પર ભય હોવાથી અમૃત, પાગલ પિતા દેવશંકર, બાળકો અને કંચનને જહાજમાં ભારત મોકલી આપે છે અને પોતે કમ્પાલા જતો રહે છે. તોફાનોમાં મોટો દીકરો ગૌતમ ખોવાઈ જાય છે અને દેવશંકર જહાજમાંથી સમુદ્રમાં પડી જાય છે. ઓખા બંદરે ઊતરેલી કંચન પર એક પુરુષ બળાત્કાર કરે છે. કંચન જેમતેમ જસાપર પહોંચે છે. પતિના કોઈ સમાચાર નથી. યજમાનવૃત્તિ કરીને કંચન સંતાનોને ઉછેરે છે. જસાપર આવ્યા બાદ કંચન વિકલાંગ પુત્ર કાર્તિકને જન્મ આપે છે. ચંદ્રકાંતને અમદાવાદમાં નોકરી અને પત્ની વિશાખા બંને મળે છે. અરુણા ભણ્યા પછી અમદાવાદમાં સમાજ કલ્યાણ ખાતામાં અધિકારી બને છે. કાર્તિક વડોદરામાં ચિત્રકલાનો અભ્યાસ કરી મુંબઈમાં નોકરી મેળવે છે. ચંદ્રકાંતને સહાય કરવા કંચનબા જસાપરનું ઘર વેચીને અમદાવાદમાં તેની સાથે રહે છે. કમ્પાલાથી ઈવનો (અમૃતની બીજી પત્ની) પત્ર આવે છે અને કંચનબાના જીવનમાં ફરી વળાંક આવે છે. પત્રથી અમૃતના મૃત્યુ અને બીજા લગ્નના સમાચાર મળે છે. અમૃતના મૃત્યુ પછી તેની ડાયરીમાંથી કંચનની અને તેના નામે લીધેલી ફિક્સ ડિપોઝીટની રસીદ મળે છે અને ઈવ જસાપર કંચનને પત્ર લખે છે. પૈસાની વાત જાણી ચંદ્રકાંત કંચનબાની જાણ બહાર કેવોન(અમૃતને ઈવથી થયેલો પુત્ર) પાસેથી અમૃતના બે લાખ રૂપિયા કંચનબાની ખોટી સહી કરીને લઈ લે છે. આ વાતથી આઘાત પામેલાં કંચનબા જસાપર ગામ દસ વર્ષ પછી સતીમાના થાનકે આવે છે અને ત્રણ દિવસનું અનુષ્ઠાન કરે છે. માના થાનકે સાંત્વના મેળવી કંચનબા રૂખીએ આપેલું છાલિયું લઈને ગામ છોડે છે ત્યાં કૃતિ પૂર્ણ થાય છે. ગરીબ બ્રાહ્મણની પુત્રી, સંપન્ન પરિવારની પુત્રવધૂ, વિભાજનવેળાએ સંપત્તિ, પતિ, પુત્ર અને શીલ ગુમાવતી સ્ત્રી, ગરીબીમાં લોટ માંગી બાળકોને એકલે હાથે ઉછેરતી મા, પતિના સમાચાર ન મળતાં પતિ વિનાની સૌભાગ્યવતી, બે દાયકા બાદ પતિના મૃત્યુ અને બીજા લગ્નના સમાચાર જાણવા પામતી વિધવા અને પુત્રને ત્યાં બાળકના જન્મથી સાસુ અને દાદી બનતી કંચનબા. કંચનબાના સમગ્ર જીવન અને વ્યક્તિત્વનાં આ બધાં પાસાં કૃતિમાં સુરેખ રીતે ઊઘડ્યાં છે. કંચનબાની જીવનયાત્રા આલેખતી આ કૃતિની સંકલના પણ નોંધપાત્ર છે. માળા કરતાં કંચનબા વિચારે છે કે, ‘એક માળા પૂરી થતાં મેર અને એનું ફૂમતું હાથમાં આવ્યું. બીજી જ પળે મણકો આંગળીઓમાં પકડાઈ ગયો. ફરી બીજી માળા. એક વણથંભ્યો ક્રમ. આ જીવનનું પણ કંઈક આવું જ છે ઘણીવાર લાગે કે હાશ આમાંથી પરવાર્યા! ઘડીભર મન વિસામો લે ન લે ત્યાં તો મણકો હાજર. વળી નવી માળા, નવી જિંદગી, નવું પ્રકરણ! કદાચ આ નિરંતરતા એટલે જ જીવન!’ સર્જકે મુખ્ય પાત્ર કંચનબાના જીવનક્રમ જેવી જ કૃતિની સંકલના – મણકાની માળા જેવી – પ્રયોજી હોઈ તેનો અંત અને આરંભ તથા કંચનબાનું જીવન એકમેક સાથે જોડાઈ ગયાં છે. પાત્રોની ગૂંથણીમાં પણ સર્જકની કલાત્મકતા જોવા મળે છે. સખી હરિપ્રિયા અને ભલાભાઈ, નણંદ જયા, રૂખી ભાભી, દેવશંકર, અમૃત, ચંદ્રકાંત, અરુણા, કાર્તિક આદિ અન્ય પાત્રોની ત્રિજયાઓ કંચનબાના કેન્દ્રમાંથી વિકસે છે. તેથી આ પાત્રો કંચનબાનાં વિવિધ પાસાં ઉજાગર કરતાં જણાય. અલબત્ત, તેમનાં સ્વતંત્ર વ્યક્તિત્વ પણ સર્જકે જાળવ્યાં છે. જયાની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને ત્યારબાદ સમાજ સુધારક તરીકેની કામગીરી, અરુણાનો અપરણિત રહેવાનો નિર્ણય, પોતાના પિતા કોણ? એ પ્રશ્નને લીધે રવાડે ચડી જતો અને પછી સુધરતો, માની વ્યથા સમજતો વિકલાંગ કાર્તિક, કેવોન પાસેથી મદદ લીધા બાદ પસ્તાતો કંઈક ભીરુ પ્રકૃતિનો ચંદ્રકાંત, હરહંમેશ કંચનની પડખે રહેતાં હરિપ્રિયા અને ભલાભાઈ – એમ બધાં પાત્રોની વૈયક્તિક રેખાઓ પણ વિકસી છે. કંચનબાના જીવનની નોળવેલ જેવું જસાપર ગામ પણ અગત્યનું છે. તેમના બાળપણના સંસ્મરણો અહીંના છે. કરાંચીથી પુનઃ ગરીબ બની પાછાં ફરેલાં કંચનબાને જસાપરમાં આશ્રય મળે છે. પૈસા માટે ચંદ્રકાંતે કરેલો વિશ્વાસઘાત અને તેમાંથી કળ વળે તે માટે કંચનબા જસાપર સતીમા પાસે આવે છે. કૃતિમાં આવતો વિભાજનનો સંદર્ભ પણ અગત્યનો છે. સ્વજનો, સંપત્તિ અને શીલ ગુમાવી કંચનબા વિકલાંગ બાળકને જન્મ આપે છે. આ અપંગતા એ માત્ર કંચનબાનું અંગત નહીં પણ તત્કાલીન ભારતના સામાન્ય લોકોની વિકલાંગતાને પણ સૂચવે છે. વિભાજનને લીધે કથાને એક બૃહત્ પરિમાણ સાંપડ્યું છે. સર્જકની ભાષા પણ પ્રસંગ, પાત્રો અને પરિસ્થિતિ મુજબ નવાં ઘાટ ધારણ કરતી રહી છે. ‘ધણીની ગેરહાજરીમાં જે જીવે છે, જોગવે છે એની ઝાળ તો જગત ક્યાં જોવે છે?’ ‘હું એક સ્ત્રી છું. એક અમથા તણખલાને માળો સમજીને જીવી જવાની મારામાં શક્તિ છે.’ અલબત્ત, ધારાવાહિકરૂપે લખાઈ હોવાથી ક્યાંક પ્રકરણના આરંભમાં પુનરાવર્તન અને શુષ્કતા અનુભવાય. કથક અને કંચનબાની સ્મૃતિઓમાં સેળભેળ થઈ જવાથી ક્યાંક પ્રસંગ આલેખનમાં ભૂલો થઈ છે. મનસુખ સલ્લા ‘વેદનાના અમૃતનું અક્ષયપાત્ર’ નામના લેખમાં કંચનબા વિશે લખે છે, “ ‘ફર્સ્ટ ક્રૂસીફિકેશન ધેન રિસરેકશન’ એ બાઇબલ તત્ત્વ કંચનબાના જીવનમાં ચરિતાર્થ થાય છે... વેદનાનો, યથાર્થનો સહજ સ્વીકાર તે તેમનું બળ બની જાય છે. આ તાટસ્થ્ય, આ સમજ, યથાર્થને ઓળખવું એ જ સાચી મુક્તિ છે. આ અવબોધ પછી કંચનબા જીવનના એવા સમ પર આવે છે જ્યાંથી ભાવિની અનિશ્ચિતતામાં પણ તેઓ સમતાપૂર્વક પ્રવેશી શકે છે. તેમને માટે આ નવજન્મ છે. નવલકથાનું આ કેન્દ્રબિંદુ છે.” ચંદ્રકાંત ટોપીવાળા ‘અખેપાતર : નવી નારીનું સત’ નામના લેખમાં લખે છે, “વીસમી સદીના છેલ્લા બે દાયકાના પ્રારંભે મળેલી ઈલા આરબ મહેતાની ‘બત્રીસ પૂતળીની વેદના’ (૧૯૮૨) અને કુન્દનિકા કાપડિયાની ‘સાત પગલાં આકાશમાં’ (૧૯૮૪) જેવી નારી સંવેદનકેન્દ્રી નવલકથાઓની સામે વીસમી સદીના અંતે આવેલી આ નવલકથાએ નારીચેતનાને વધુ કલાત્મક અભિવ્યક્તિની ગુંજાશ બક્ષી છે, એમાં શંકા નથી.”

આશકા પંડ્યા
નવલકથાકાર, વિવેચક
aashkapandya@gmail.com