વાર્તાવિશેષ/૯. બિનગુજરાતી વાર્તાઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 155: Line 155:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = . પંચવિધ નવોન્મેશ
|previous = . અખતરા અને નિસબત
|next = . શલાકા-પરિચય
|next = ૧૦. ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તા : જયેશ ભોગાયતા
}}
}}

Revision as of 17:17, 29 December 2023

૯. બિનગુજરાતી વાર્તાઓ


૧. અંતિમ ગગન : અનિલા દલાલ

ડૉ. અનિલાબહેન દલાલ અંગ્રેજીનાં અધ્યાપિકા હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદનાં મંત્રી અને ઉપપ્રમુખ તરીકે સેવા આપી. અનેક પ્રવાસોમાં ભોળાભાઈ પટેલને સાથ આપ્યો. બંગાળી સાહિત્યની વિવિધ કૃતિઓના ગુજરાતી અનુવાદો આપ્યા. પરિષદના ૪૮મા અધિવેશનમાં ભુજ ખાતે વિવેચન વિભાગનાં અધ્યક્ષ તરીકે અનિલાબહેને ‘સાહિત્યમાં તત્ત્વબોધ’ વિશે ૧૪ પૃષ્ઠનું અભ્યાસપૂર્ણ પ્રવચન આપ્યું. વિવેચન અને અનુવાદનાં એમનાં પંદરેક પુસ્તકો છે. ગુજરાતી ભાષા-સાહિત્યને પાંચથી વધુ એવી લેખિકાઓ પ્રાપ્ત થઈ જેમણે પોતાની સાહિત્યસેવાના બદલામાં કશું વળતર મેળવવાની ખેવના રાખી નથી, બલ્કે પોતાની બચત પણ સાહિત્ય-કલાની પ્રવૃત્તિઓને પોષવા અર્પણ કરી છે એ બદલ અનિલાબહેન પ્રત્યે વ્યાપક આદર જોવા મળે છે. દાયકાઓથી ચાલતી મહિલાઓની સાહિત્યસંસ્થા ‘અભિરુચિ’નાં એ એક અગ્રણી કાર્યવાહક રહ્યાં છે. ‘અંતિમ ગાન’ પુસ્તકમાં અઢાર વાર્તાઓના અનુવાદો છે. ભારતીય લેખકોએ અંગ્રેજીમાં લખેલી વાર્તાઓના અહીં અનુવાદો છે તો પશ્ચિમની જુદી જુદી ભાષાઓના અંગ્રેજીમાં સુલભ અનુવાદો પરથી કરેલા ગુજરાતી અનુવાદોનો પણ સમાવેશ છે. એમના નિવેદનમાંથી થોડોક અંશ જોઈએ : ‘છેલ્લી વાર્તા (દેવળનો સેવક) તો સમરસેટ મોમની છે પણ પંદરમી વાર્તા ‘લી સોન : લસણની ફસલ’ ગ્યુએન થાન્હ લૉન્ગ’ વિયેટનામના સાંપ્રત લેખકની છે, જેમાં ત્યાંના આંતરવિગ્રહની અને મુક્તિઆંદોલનના દીર્ઘ સમયની કરુણાંતિકા, ભય, વિષાદ, અનિશ્ચિતતા પ્રચ્છન્નપણે વહી રહ્યાં છે. અંગ્રેજી ટૂંકી વાર્તાઓના લેખકોના સાંપ્રત જીવન, માનવીની માનસિકતાના પ્રશ્નો પરના અભિગમનું ધારદાર અને ક્યારેક કટુ નિરૂપણ મળે છે. કૃતિઓની સંરચનાની ખૂબીઓ, અનુભૂતિનું નિઃસંકોચ સર્વાશ્લેષી વિવરણ, અનુભવની વિધવિધ ક્ષિતિજો વિશેષરૂપે ધ્યાનાર્હ બને છે.’ પ્રથમ વાર્તા ‘હાર્મોનિયમ’ કુતૂહલ જગવી અંતે સંગીત ન જાણતા પણ ચાહતા માણસના ઉમળકાભર્યા પ્રતિભાવ નોંધી પૂરી થાય છે. આમાં અનન્ય સૂર જગવતા હાર્મોનિયમને પણ એક પાત્રનું સ્થાન મળ્યું છે. કોણે કેટલી મહેનતે બનાવ્યું, ક્યાંથી ક્યાં પહોંચ્યુ એ વિગતો પણ રસપ્રદ છે. અમેરિકામાં રહી ઘરઝુરાપો વેઠતા ભારતીયો-પાકિસ્તાનીઓના ઉલ્લેખો, સંગીતસંધ્યા વગેરેના નિર્દેશથી વાર્તાને ઐતિહાસિક-ભૌગોલિક સંદર્ભો પ્રાપ્ત થાય છે. વાર્તાકથક ગાયિકાને સાથ આપવા હાર્મોનિયમ લઈને શાહિદ આવે છે. આરંભથી જ કદરના ઉદ્‌ગારો કાઢે છે. એક સંગીતરસિક શ્રોતા જાણતલ છે. ‘મારે કહેવું જ જોઈએ કે તે સજ્જનની સતત સહભાગિતા સંગીત જેવી લાગી નહીં. પરંતુ તે તેમાં બરાબર સંવાદિતા સાધતી લાગી.’ (પૃ. ૭, અંતિમ ગાન) જાણકાર ન હોય એવા સહૃદય પણ સંવાદિતા સાધી શકે. આ મુદ્દો યાદ રહી જાય છે. લેખિકા શૈલા ધર અમેરિકાના બોસ્ટન અને દિલ્લીમાં તેજસ્વી કારકિદર્ીને કારણે જાણીતાં. નાની વયે જાણીતાં થયેલાં ઝુમ્પા લાહિરી (જન્મ ૧૬૬૭)ની વાર્તા ‘જ્યારે શ્રી પિરઝાદા જમવા આવતા’ માં બાંગ્લાદેશના મુક્તિસંગ્રામની પરિસ્થિતિનું વર્ણન છે. આત્મકથાત્મક રિતિથી વાર્તા લખાઈ છે. જુઓ. ‘૧૯૭૧ની પાનખરમાં એક વ્યક્તિ અમારે ઘેર આવતી. તેના ખિસ્સામાં ચોકલેટ લઈને અને તેના પરિવારના જીવન કે મરણની ખાતરી કરવાની આશાઓ ધરીને.’ સત્તર પૃષ્ઠની આ વાર્તા વિગતોના ઝીણવટભર્યા વર્ણનને કારણે ધ્યાન ખેંચે છે. સુખાન્ત છે. શ્રી પરિઝાદા છેલ્લે ઢાકા પહોંચે છે. એમના ઘરનું શું બચ્યું છે એ જોવા પામે છે. ‘મૅડમ કિટી’ના લેખક નવતેજ શર્ણ પંજાબી છે, પિતા પણ જાણીતા લેખક. ખુશવંતસિહની વાર્તા ‘બળાત્કાર’નો અહીં સમાવેશ છે. શંકર વેદાન્તમ્‌ વૉશિંગ્ટન ડી. સી.માં રહે છે. પત્રકાર છે. એમની વાર્તા ‘અનોખા સમાચાર’ હેવાલની ભીતર લઈ જાય છે. ‘જોશીમહારાજનો એક દિવસ’ આર. કે. નારાયણની રચના છે. એ ભૂતકાળમાં ડોકિયું કરાવે છે. શશી દેશપાંડે (૧૯૩૮) નવલકથા, ટૂંકીવાર્તા અને બાલસાહિત્ય ક્ષેત્રે નામના ધરાવે છે. નારી-સંવેદનનું નિરૂપણ આ લેખિકાની વિશેષતા છે. ‘ઘૂસણખોરી’ એમની વાર્તાનું નામ છે, નાટ્યાત્મક છે. જેના પરથી સંગ્રહનું નામ આપ્યું છે એ વાર્તા ‘અંતિમ ગાન’ અનિલાબહેનની શોધ ગણાય. કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પણ પૂર્વોત્તર ભારતની નાની નાની ભાષાઓના મૌખિક અને લિખિત સાહિત્યને મહત્ત્વ આપે છે. લેખિકા તેન્સૂલા (જન્મ ૧૯૪૫) નાગા જાતિમાં જન્મેલાં છે. નોર્થ ઇસ્ટર્ન હિલ યુનિવર્સિટીમાં તેન્સૂલા અંગ્રેજીનાં આધ્યાપિકા રહ્યાં છે. પદ્મ ઍવોર્ડથી સંમાનિત છે. શ્રી ગણેશ દેવીએ સ્થાપેલા વડોદરાની ભાષા પ્રકાશને તેમજ વિદેશી પ્રકાશકોએ આ લેખિકાએ લખેલા, સંપાદિત કરેલા સાહિત્યનું પ્રકાશન કર્યું છે. શોષણ સામેનો સંઘર્ષ એમના લેખનની વિશેષતા છે. આમાં ધાર્મિક શોષણનો પણ સમાવેશ થાય છે. નાગાલેન્ડના લોકોનાં રાજકીય આંદોલનો વિશે પણ અનિલાબહેને ધ્યાન ખેંચ્યું છે. ‘નાગાપ્રદેશની પોતાની અનેક બોલીઓ છે અને મૌખિક સાહિત્યની પરંપરા છે. પણ આજના નાગાલેન્ડમાં પાશ્ચાત્ય કેળવણી પહોંચી ગઈ છે. આજના શિક્ષિત નાગાલોકો અંગ્રેજીમાં લખે છે. નાગાલેન્ડની લોકકથા જેવી લાગતી આ વાર્તા ‘અંતિમ ગાન’ માં ત્યાંના એક રક્તરંજિત ઇતિહાસની સત્ય ઘટના ગૂંથાયેલી જોઈ શકાય.’ (પૃ. ૬૫) અહીં વિશ્વવિખ્યાત વાર્તાકારોની કૃતિઓ પણ છે. મોપાસાં, તોલ્સ્તોય, ચેખોવ, હાઈનિરિખ બ્યોલ, ટોમસ હાડર્ી, જેમ્સ જોય્યસ, કેથરિન મેન્સફીલ્ડ, ઓ. હેન્રી.

૨. કનેરી અને અન્ય વિદેશી વારતાઓ

વિશ્વની જુદી જુદી મહાન ભાષાઓના ઉત્તમ સજર્કોની બાર વાર્તાઓના ભાવાનુવાદનું આ પુસ્તક છે : ‘કનેરી અને અન્ય વિદેશી વાર્તાઓ’ પુસ્તક જોતાં કોઈકને પ્રશ્ન થશે : કોણ છે આ મીના શાહ? આવી આવડત અને નવરાશ એમને ક્યાંથી મળી? એક મીના દવે છે, જે પહેલાં લલિતનિબંધો લખતાં હતાં. પુસ્તકનો આમુખ વાંચતા જાણવા મળશે કે આ તો કવિશ્રી ઇન્દ્ર શાહનાં જીવનસાથી છે. ડૉ. બાબુ સુથાર અને ઇન્દ્ર શાહે આજથી પાંચેક વર્ષ પહેલાં ‘સન્ધિ’ ત્રૈમાસિક શરૂ કરેલું. એના સત્તર અંક થયા છે. આ સામયિકે મૌલિક રચનાઓ સાથે અનુવાદ પણ પ્રગટ કર્યા છે. આ સામયિકના સંપાદકો દરેક લખાણ વાંચીને એનું યોગ્ય સંપાદન કરે છે. મીનાબહેન શાહને ડૉ. બાબુ સુથારના પરામર્શનનો લાભ મળ્યો અને એમનું નિવાસસ્થાન તો ભારતીય લેખકોના આતિથ્ય માટે પણ જાણીતું અને માતૃભાષા માટેની આત્મીયતા તો ખરી જ. વળી, કવિવર લા. ઠા. અને વિવેચક શિરીષ પંચાલનું પ્રોત્સાહન. પરિણામે સાંપડ્યું આ યાદગાર પુસ્તક. સ્વીડીશ લેખક પાર લાગેકૅવીસ્તાની વાર્તા ‘માનવજાત વિશેની એક દંતકથા’, ઇટાલીના લૂઈજી પિરાન્દેલોની વાર્તા ‘યુદ્ધ’, વાલેરી બ્રિયુસોવની વાર્તા ‘અરીસાની ભીતરમાં’, નોબેલ સજર્ક સાગફીડ લેન્ઝની વાર્તા ‘ગામમાં સરકસ આવ્યું ત્યારે’, નોબેલ પારિતોષિક વિજેતા જાપાનીઝ લેખક યાસુનારી કાવાબાતાની વાર્તા ‘કનેરી’ પરથી લેખિકાની પસંદગીનો ખ્યાલ આવશે. ‘કનેરી પંખીઓ’ ત્રણેક પૃષ્ઠની વાર્તા છે, પત્ર રૂપે લખાઈ છે. પ્રથમ વાક્ય ચુંબકનું લક્ષણ ધરાવે છે : ‘આજે હું મારા વચનનો ભંગ કરીને ફરી એકવાર તમને પત્ર લખી રહ્યો છું.’ પત્રનો વિષય છે ભેટ મળેલાં બે કનેરી પંખીઓ. પત્ની કાળજી લેતી, પોતે માત્ર નજર નાખતો અને ભેટ આપનાર યુવતીને યાદ કરી લેતો. તુરંત આવે છે વાર્તાનો માર્મિક અંશ : ‘તમે જ કહ્યું હતું ને? ‘તમારે પત્ની છે અને મારે પતિ. આપણે એકબીજાને મળવાનું બંધ કરવું જોઈએ. કાશ, તમારે પત્ની ન હોત તો કેવું! હું તમને આ કનેરી પંખીઓ આપું છું. એમને જોઈને તમે મને યાદ કરજો. તમે જુઓ તો ખરા! આ બેઉ પંખીઓ હવે એક યુગલ બની ગયાં છે. જોકે, દુકાનદારે તો મન ફાવે એમ એક નરને અને એક માદાને પકડીને આ પાંજરામાં મૂકી દીધાં હતાં.’ (પૃ. ૪૩) ‘આપણી સ્મૃતિઓ મૃત્યુ પામે ત્યારે આ પંખીઓને મરવા દેજો’ આ વાક્ય વ્યક્તિ અને પંખીને જોડે છે. વળી, ‘મારી પત્નીને લીધે જ આ પંખીઓ જીવ્યાં છે’ એ વિધાન પ્રેમ અને દામ્પત્યના ભાવને નજીક લાવે છે. તો છેલ્લે એક નિર્મમ લાગતો પ્રશ્ન આવે છે : ‘મૅડમ, હું આ કનેરી પંખીઓને મારી નાખીને એમને મારી પત્નીની કબરમાં જ દફનાવી દઉં તો કેવું? એ પગલું યોગ્ય જ ગણાશે, ખરું ને!’ જેને સંબોધીને પત્ર લખાયો છે એનાથી વાર્તાનાયક અંતર કેળવતો જાય છે અને અંતે પ્રેમના નિમિત્તને પત્નીની નજીક લઈ જાય છે! આ વાર્તા વિશે કોઈ ભાવક આથી જુદી રીતે પણ પ્રતિભાવ આપે. પણ વાર્તાનું એકેએક વાક્ય સ્પર્શતું જાય છે. કશુંક અપૂર્વ અને અનન્ય વાંચ્યાનો અનુભવ થાય છે. ‘મમીના પગનો પંજો’ ફ્રેંચ સજર્ક થિયોફીલ ગોતિયેરની સોળ પૃષ્ઠ લાંબી વાર્તા છે. કલ્પના, સ્વપ્ન, તરંગ પણ મનુષ્યના આંતરિક અસ્તિત્વનાં વાસ્તવિક સૂક્ષ્મ ઘટક છે. મમી અને એને સાચવવાની ઐતિહાસિક ઘટનાનો લેખકે પૂરતો ઉપયોગ કર્યો છે. પણ જે કંઈ વાર્તામાં બને છે એ એક પછી એક રહસ્ય ઉઘાડે છે. કાટમાળની દુકાનમાંથી વૃદ્ધ ઠીંગુજી પાસેથી ખરીદેલો પંજો વાર્તાના કેન્દ્રમાં છે. વાર્તાકથકના માનસમાં જેણે એ પંજો ગુમાવ્યો છે એ રાજકુમારી આવે છે! વાર્તા આગળ વધે છે. રાજદંડ ચીંધીને ફેરો પૂછે છે : ‘બોલ, વળતરરૂપે તારે શું જોઈએ?’ પગના પંજાના બદલામાં એ રાજકુમારીનો હાથ માગે છે. ફેરોની કાચની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ‘તું કયા દેશનો છે? તારી ઉમ્મર શું છે?’ જવાબ છે : ‘મારી ઉમ્મર સત્તાવીસ વર્ષની છે.’ બીજો પ્રશ્ન : તું માત્ર સત્તાવીસ વર્ષનો છે અને ત્રણ હજાર વર્ષની હરમોન્થીસ સાથે લગ્ન કરવા ઇચ્છે છે?’ યુવકની માગણી હરમોન્થીસને ગેરવાજબી નહોતી લાગી. રાજા ફેરોના બળનો ઉલ્લેખ થાય છે. છેવટે સ્વપ્ન ખૂલે છે. પંજાનું સ્થાન મૂર્તિ લઈ લે છે! વાર્તાનો અંત જુઓ : ‘આગલા દિવસે ખરીદેલા મમીના પંજાને બદલે રાજકુમારી હરમોન્થીસે ભેટ આપેલી લીલી આઈસીસની મૂર્તિને મેં જોઈ ત્યારે મને કેટલું આશ્ચર્ય થયું હશે!’ (પૃ. ૮૪, કનેરી અને અન્ય વિદેશી વારતાઓ) ‘અરીસાની ભીતરમાં’ વિવિધ અરીસાઓ દ્વારા થતી જાતઓળખમાંથી વાર્તા સર્જાય છે, અરીસાઓને ખસેડી દેવાથી પ્રશ્ન ઊકલે? નવા અરીસાની શોધ ચાલુ જ રહે છે. દોસ્તોએવ્સ્કીની વાર્તા ‘હાસ્યાસ્પદ માણસનું સપનું’ જીવનની અર્થહીન એકવિધ સક્રિયતાનો સંકેત છે : એમાં વચ્ચે આકાશના તારાને જોઈ રહેલા વાર્તાનાયકને આઠેક વર્ષની ભયભીત છોકરી મદદ માગતી, જીદ કરતી પીછો કરે છે એને તરછોડી વાર્તાનાયક એના પાંચમા માળના ફ્લેટમાં પહોંચી જાય છે. છોકરી મદદ માટે બીજા રાહદારી તરફ દોડી જાય છે. આ પછી વાર્તાનાયક એની ઓરડીની દુનિયામાં લઈ જાય છે. આગળ જતાં એક સૂચક વાક્ય આવે છે : ‘આમ તો મારે માટે બધું નિરર્થક જ હતું પણ હજી મને વેદનાનો અનુભવ થયો હતો.’ (પૃ. ૫૧) વાર્તાને અંતે નાયક કહે છે : ‘અને હા, પેલી છોકરીને મેં શોધી કાઢી છે... હું હવે જીવવાનો છું. હું પણ જીવતો રહેવાનો છું.’ આ ઇચ્છા પણ એક હાસ્યાસ્પદ માણસનું સપનું છે? ‘એક પાગલની રોજનીશી’ માઓના સમકાલીન ચીની લેખક લુ સુનની ઐતિહાસિક વાસ્તવિકતા ધરાવતી સને ૧૯૧૧ પહેલાંની ચીનની સ્થિતિનું આલેખન કરતી પ્રભાવક નવલિકા છે. પાગલ માણસ ખરેખર તો ક્રાંતિકારી છે. ‘વીંછીઓનો સામનો કરવાની એક પદ્ધતિ’ આજર્ેન્ટિનાના લેખક ફરનાન્ડો સોરેન્ટીઓની વીંછીભક્ષણની વાર્તા છે. પુસ્તકના અંતે ઇટાલી કાલ્પીનોની વાર્તાની માર્મિક ચર્ચા છે, જેમાં ગામલોકોને માત્ર ગિલ્લીદંડા રમવાની છૂટ છે. રમ્યા કરે છે, બીજું કશું ઝંખતા નથી. છેવટે પોલીસ પ્રતિબંધ મૂકે છે, ગામલોકો બળવો કરે છે. કેટલાક મરી જાય છે, તેમ છતાં ગામલોકો ફરી એકવાર ગિલ્લીદંડા રમવા માંડે છે. મીનાબહેને કહ્યું છે કે જુદા જુદા દેશોની વાર્તાઓ વાંચતાં મૂળભૂત રીતે માનવ એક છે એવો અનુભવ થાય છે મહાસાગરના જળની જેમ માનવ હૃદય સર્વત્ર સમાન છે.

૩. સૂક્ષ્મ સૌંદર્યાનુભૂતિ સુધી લઈ જતી નવલિકાઓ :

દક્ષા પટેલ, રાજેન્દ્ર પટેલ ‘અમૃતમંથન’ કાનાઈ કુન્ડુની નવલિકા છે. શ્રીમતી દક્ષા પટેલે એનો અનુવાદ કર્યો છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કાલિદાસને સંબોધીને કહેલું કે હે મહાકવિ, આ જીવનના મંથનમાંથી જે વિષ નીકળ્યું એનું તમે પોતે પાન કર્યું અને જે અમૃત નીકળ્યું એનું અમને દાન કર્યું. ‘અમૃત જે ઉઠે છેલો કરિ ગેછો દાન!’ આ વાર્તામાં એક યુવાન નારીની વેદનાની વાત છે. એનું માતૃત્વ એવું પ્રબળ છે કે બાળકના જન્મ પહેલાં જ એના સ્તન દૂધથી ભરાઈ જાય છે. વાર્તાના આરંભે આ જુમેલીને એનો પતિ બિતાન ઠપકો આપી ઉતાવળી ચાલવા કહે છે. ‘તને રાક્ષસે બનાવેલી છે, ઈશ્વરે નહીં’ એવાં કટુવચન સંભળાવતો રહે છે. આ વિધાન જુમેલીને લાગુ પડે છે કે વિતાનને એ વાર્તાના અંતે સૂચવાય છે. જુમેલીનાં સ્તનમાં દૂધ ઊભરાઈ રહ્યું છે, એની અસહ્ય પીડા થઈ રહી છે. છતાં ચાલ્યા વિના છૂટકો નથી. ક્યાં પહોંચવાનું છે? જ્યાં માના દૂધ વિના રડતાં બાળકો છે. પૈસા લઈ સ્તનપાન કરાવતી ગરીબ-દૂબળી માતાઓ છે. મેદાનના ઝાકળભીના ઘાસ વચ્ચે ક્યાંક પથ્થર પડ્યા છે. જુમેલી જગા શોધી લઈ, સાલ્લો ખેંચી લઈ, ખોળો પહોળો કરી છાતી પરથી ભીનું કપડું ખસેડે છે. લેખકના શબ્દોમાં : ‘સ્ત્રીઓના ટોળામાં શોરબકોર મચી જાય છે. હાય નસીબ! આટલું દૂધ અમારા થાનમાં હોત તો દસ બાળકોને મફતમાં પિવડાવત.’ આ સાંભળી જુમેલીનો પતિ બિતાન ગુસ્સે થાય છે. આજે એણે બાળક દીઠ ભાવ વધારી આઠ આના લેવાની જાહેરાત કરી દીધી છે. એ જાણે છે કે ગાયભેંશનું દૂધ આનાથીય મોંઘુ છે. દૂબળી સ્ત્રીઓ, એમનાં બાળક એથીય વધુ દૂબળાં, રડે તો એમનો અવાજ પણ ન સંભળાય પણ ક્યાં છે આઠઆના હાથવગા? એક માતા ભૂખ્યા બાળકને શાંત રાખી શકતી નથી. બાળક એની સૂકી છાતીથી છૂટવા મથે છે. ‘બિચારી માએ પોતાની કમરે ખોસેલા પૈસા માટે હાથ ફેરવ્યો. ત્યારે જુમેલીના થાનમાંથી ધાવણ ટપકવા લાગ્યું હતું. પીડાને લીધે તેના ચહેરાની રેખાઓ વંકાતી હતી. બાળકની માએ બિતાનને હાથમાં આઠ આની પકડાવી દીધી કે જુમેલીએ હાથ લંબાવ્યો. રોતા બાળકને પ્રેમથી ખોળામાં લઈ લીધું. કાળા જાંબુ જેવી ડીંટી મોંમાં આવતાં જ બાળક આશ્ચર્યજનક રીતે શાંત થઈ ગયું.’ જુમેલી દૂધ પાતાં માની મમતા અનુભવે છે. એનું વર્ણન યાદગાર છે. દૂધ પી તૃપ્ત થઈ ઊંઘી ગયેલું બાળક ‘ભીની માટી જેવું’ થઈ જાય છે. અહીં સુધી વાર્તા જુમેલીના નૈસર્ગિક માતૃત્વ અને બિતાનના લોભનું નિરૂપણ કરે છે. પણ ભાવકને આઘાત આપનાર હકીકત તો હવે ખુલ્લી પડે છે. જુમેલી પહેલી વાર માતા થવાની હતી ત્યારે ધાવણ ચઢવાથી એને અસહ્ય પીડા થાય છે. એક દિવસ સોયથી છેદ કરે છે. ધાવણને બદલે લોહી! વૈદ્ય પાસે બિતાન લઈ જાય છે. તપાસ, આશા બંધાવી, દવા આપવી આ ક્રમ ચાલ્યા કરે છે. જુમેલીને કસુવાવડ થતી રહે છે. છેવટે જુમેલી બિતાનને નસબંધી કરવા આગ્રહ કરે છે. બિતાન છેતરામણું આશ્વાસન આપે છે. સંમત થતો નથી. સાત કસુવાવડ પછી જુમેલી વૈદ્યને વિનવે છે : ‘સારી દવા આલો વૈદ્ય મહારાજ કે બાળકને જન્મ આપી શકું.’ ‘તારું ગર્ભાશય લપટું થઈ ગયું છે. તું ક્યારેય બાળકને જનમ નહીં આપી શકે’ કહેતાં જ વૈદ્ય ભીડ ચીરતા બહાર નીકળી ગયા.’ જુમેલી વીફરે છે. વૈદ્યની દવાને ઘાસ અને માટી જેવી કહે છે, વૈદ્યને દગાખોર કહે છે. વૈદ્યના ઠપકાથી ચૂપ થતી નથી. છેવટે વૈદ્ય હકીકત જાહેર કરે છે : ‘તારો પતિ ગર્ભપાતની દવા ખરીદતો હતો, બાળક પેદા કરવાની નહિ. જરા પૂછ તેને.’ જુમેલી સ્તબ્ધ થઈ ગઈ છે. બિતાન ત્યાં નથી. જુમેલીનો ગુસ્સો ઊભરાઈને છેવટે શાન્ત થઈ જાય છે. વાર્તાને અંતે લેખક નોંધે છે : ‘આકાશ ભરેલા તારાઓના અજવાળે ધૂળિયા રસ્તા પર તે આગળ ચાલવા લાગી, જેમ કોઈ દૂઝણી ગાય પરિચિત રસ્તા પર પોતાના માલિકના ઘેર પાછી ફરે છે તેમ.’ દૂઝણી ગાય એ તો શુભનો નિર્દેશ કરે છે પણ અહીં માતૃત્વ ગુમાવી પતિનું પેટ ભરવા પોતાનું દૂધ વેચતી અસહાય જુમેલીની મૂંગી યાતનાનો અનુભવ થાય છે. વાર્તાનું શીર્ષક ભારતીય ભાવનાને અનુરૂપ છે ‘અમૃતમંથન.’ નારી પોતાનું અસ્તિત્વ વલોવી શિશુ માટે અમૃતનું સજર્ન કરે છે. એની એ સજર્કતાને અહીં કેવી કારમી સજા થઈ છે. નારીચેતનાની આ અનન્ય અભિવ્યક્તિ છે. દુઃખની ઊંડી સમજણ કૃતિને વધુ પ્રભાવક બનાવે છે. ‘હું દુઃખની લાંબી રાત’ ભારત સાણસેની નવલિકા છે. વાર્તા કહેનાર પાત્ર રેનકોટ પહેરીને સ્ટેશન પર આંટા મારે છે. સ્ટેશન પર બેઠેલાં, સૂતાં માણસો અને કૂતરાંનું વર્ણન છે. બધાના વર્તનનું બારીક અંકન છે. ગાડી ક્યાં સુધીમાં આવશે, ખબર નથી. સમય વીતતાં એક માણસની ધૂંધળી આકૃતિ નજરે પડે છે. નાના પાટિયા નીચે પૈડાં જડેલી ગાડી પર એ માણસ બેઠો છે. ગળામાં મંજીરા લટકે છે. સ્ત્રીઓને ફસાવતા દલાલનો નિર્દેશ કરે છે આ ભિખારી નામે બબ્રુવાન. વાર્તાકથક એને સિગારેટ ધરે છે : ગાવા માટે નહીં, વાર્તા કહેવા માટે. બબ્રુવાન વાર્તા કહે છે પણ એવા ખુલાસા સાથે કે પોતે એ સત્યકથાને સમજી શક્યો નથી. ન્યાય-અન્યાયની ગૂંચ એ ઉકેલી શક્યો નથી. વાર્તા એ સમયની છે જ્યારે એ લોકો મોટા શહેરની ઝૂંપડપટ્ટીમાં રહેતાં હતાં. સખત ઠંડીના દિવસોમાં એક શ્રીમંતે ધાબળા વહેંચવાનું નક્કી કર્યું. કામળા આપતાં શેઠનો નોકર ગાળો પણ આપતો હતો. એની સાથે મુનીમ હતો. એ બોલેલો : ‘હવે તો ગરમાવાનો આશરો મળ્યો છે... પછી તો કહેવું જ શું?... વસ્તી વધારો કૂતરાઓ... સાલાઓ...’ એક અતડો રહેતો ભિખારી છે મોટી ઉંમરનો ભોલાશંકર. એની ઝૂંપડી પર ‘લાલ બંગલા’ ફિલ્મનું પોસ્ટર ચોડેલું હતું. તેથી બધા એ ઝૂંપડીને ‘લાલ બંગલો’ કહેતાં હતાં. એની ખાસિયત હતી : ‘મૃતક પાસે બેસી બરાડા પાડી પાડીને મરેલા માણસની બધી વાતોનું એ વર્ણન કરતો. બેઠાં બેઠાં ઘસડાતો, ડરામણા અવાજે ગાળાગાળી કરતો.’ એને મળેલા કામળાના બે છેડા ખીંટીએથી બાંધી એ સાચવતો, હાથમાં ચાકૂ રાખતો જેથી કોઈ એને મળેલો કામળો ખેંચી જવાની હિંમત ન કરે. વાર્તા કથક પાત્ર એક અસહ્ય ઠંડીની રાતે, પોતાનાં સ્ત્રીબાળકોને બેઠાંબેઠાં લપાઈને ધ્રૂજતાં જોઈ ભોલાશંકરનો કામળો ખેંચી લાવવા જાય છે. પણ હિંમત કરી શકતો નથી. કલાક પછી સ્ત્રી-બાળકોને જિવાડવાની ચિંતાથી કોઈ પણ ભોગે કામળો પડાવી લેવા જાય છે. જુએ છે તો કામળાના છેડા બાંધેલા નથી. કશો પ્રતિકાર થતો નથી. ભોલાશંકરે કેમ આમ કર્યું હશે? આ ઉપકારની વાત લેખકે બોલકી બનાવી નથી. વાર્તા અહીં પૂરી થતી નથી. એક રાતે આ ભિખારીની પત્ની બીજા પ્રૌઢ માણસની સાથે ચાલી જાય છે. બબ્રુવાન જાગે છે છતાં ઊંઘવાનો દેખાવ કરી પડી રહે છે. સ્ત્રી જતાં પહેલાં એને પગે લાગે છે. વર્ષો વીતી ગયાં છે એ વાતને. બબ્રુવાન એકલો જીવે છે. એ વાર્તા સાંભળતા સજ્જનને તાર તાર થઈ ગયેલો પોતાની પાસે રહેલો ભોલાશંકરનો કામળો બતાવી કહે છે : ‘બહુ જ મુશ્કેલ છે સમજવું. હચમચાવી મૂકે છે આ જ્ઞાન! શું સમજ્યા?’ ભોલાશંકર અને આ ભિખારીનો ત્યાગ વાચકને વિચારતો કરી જાય છે. ‘હું દુઃખની લાંબી રાત’ ગીતપંક્તિ વાર્તાકથક પુરુષને પ્રિય છે પણ બબ્રુવાનના જીવનને વધુ લાગુ પડે છે. બબ્રુવાન પોતે પૂર્વે સિનેમાગૃહનો દરવાન હતો, તેથી આ ગીત ધરાવતી ફિલ્મ તેણે જોયેલી. આ ગીત એની વીતકકથા હોઈ એનાથી કેમ ભુલાય. પેલો કામળો જે હવે તાર તાર થઈ ગયો છે એ ભોલાશંકર જેવા અનેક માણસોને જોડે છે. શ્રીમતી દક્ષાબહેન પટેલે કરેલા અનુવાદોમાં બિલાડી પણ એક ભારતીય વાર્તાના પરિવેશ સાથે નિરૂપણ પામેલી છે. એકલી પડી ગયેલી મા માટે બિલાડી અને એની અનુગામી પેઢીઓનું સાહચર્ય કેવું વજુદ ધરાવે છે એ વાર્તાકથકને વર્ષો પછી, નિવૃત્તિના સમયમાં સમજાય છે. જે બિલાડીને એણે નિર્દયતાથી નસાડવા દૂર સુધી પીછો કરેલો એ બિલાડીના પેટમાં બચ્ચાં હતાં એ સંકેત પણ વાર્તા દ્વારા વ્યક્ત સંવેદનને ઊંડાણ બક્ષે છે. શ્રી રાજેન્દ્ર પટેલે કરેલા અનુવાદોમાં ‘અને’નું પુસ્તક વાર્તા સજર્ક અને ભાવકની સજર્ક કલ્પનાને સંકોરે છે. બિનજરૂરી વિશેષણો બાદ થતાં ભાવકની કલ્પનાશીલતા સક્રિય થાય છે. આ મુદ્દો વાર્તાના સ્વરૂપમાં ફલિત થયો છે. ‘મારા બાપુજી અંધારામાં બેસી રહે છે’ વાર્તામાં બાપુજીએ એમના કિશોર કાળમાં વેઠેલી યાતનાનો નિર્દેશ સાદીસીધી ટેવને અર્થ બક્ષે છે : બાપુજીની આ ટેવ પર અકળાતો રહેતો દીકરો છેવટે વિગત જાણી કહે છે : ‘એમનું બાળપણ ઓસ્ટ્રેલિયામાં વીત્યું હતું. એ બાળપણની કથા મને સાંભરે છે. હું જોઉં છું એક વિશાળ મોભવાળી વીશી. મારા દાદા થડા પાછળ ઊભા છે. મોડી રાત છે, ઘરાક બધાં વિદાય થઈ ગયાં છે ને એમને ઝોકાં આવે છે. હું જોઉં છું તગતગતા અંગારાના થર, છેલ્લી ભડભડતી જ્વાળા. વીશીમાં ક્યારનું અંધારું છવાયું છે ને પળે પળે ઘેરું થતું જાય છે. હું જોઉં છું એક નાનો બાળક મસમોટા ફાયર પ્લેઇસને એક પડખેના બળતણના ઢગલા પર આડો પડ્યો છે. એની પારાની જેમ ચમકતી આંખ હોલવાયેલી જ્વાળાની કજળેલી રાખ પર મંડાય છે. આ બાળક છે મારા બાપુજી.’ ‘અદૃશ્ય થઈ જતો હાથી’ શહેરી સમાજ, રાજનીતિ અને અખબારી વાસ્તવિકતા પરના વ્યંગ-કટાક્ષથી શરૂ થઈને જાગૃતિ અને ભ્રમની મનોદશાના સ્ત્રીપુરુષના સંબંધ પર પડતા સૂક્ષ્મ પ્રભાવ સુધી પહોંચે છે. એક જ નવલિકામાં પ્રયોજાયેલી અનેકવિધ રચનારીતિઓ અહીં જોવા મળે છે. ‘નદીનો ત્રીજો કાંઠો’ વાસ્તવ અને કલ્પનાનો એક સાથે આધાર લે છે. પિતા માટે પુત્રનો આનુવંશિક ભાવ આ વાર્તાની મહત્ત્વની કડી નથી. નૌકામાં રાતદિવસ ગાળતા પિતાની ટેવ માતાને પસંદ નથી છતાં પુત્ર ખાવાનું સહેલાઈથી ચોરીને પિતાને આપવા લઈ જઈ શકે એવી એની ગોઠવણ મૂક સંમતિ હોય છે. અંતે પુત્ર એકલો પડે છે. ‘પાછા વળો, તમારી જગ્યા હું લઈશ.’ પછી ભયની કંપારી, પિતાને ભેટવાની ભ્રાન્તિ, પોતાના અસ્તિત્વ પ્રત્યે સંદેહ, છતાં આવી ખેવના : ‘હું ઇચ્છીશ કે તે મને નાની હોડીમાં મૂકીને મઝધારના પ્રવાહમાં લાંબા કિનારા વચ્ચે લઈ જાય અને હું નદીમાં ખોવાઈ જઈશ. નદીની અંદર, નદીની નીચે... નદી... નદી...’ આ નદી ભૌગોલિક હકીકત હોવાની સાથે જીવસૃષ્ટિની ચેતનાના પ્રવાહનું પ્રતીક પણ બને છે. લેખકની વર્ણનશક્તિ એવી પ્રભાવક છે કે કાલ્પનિક પણ યથાર્થ લાગે. વિશ્વસાહિત્યમાં નવલિકાનું સ્વરૂપ કેવા ભિન્ન અભિગમોથી ખેડાતું રહ્યું છે એનાં દૃષ્ટાંત આ સંગ્રહમાં મળી રહેશે. લેખકોના જીવન અને કલા વિશેના ખ્યાલ જુદા જુદા હોવા છતાં દરેક નવલિકા સંવેદના જગવે છે અને કેટલીક સૂક્ષ્મ સૌંદર્યાનુભૂતિ સુધી ભાવકને લઈ જાય છે એ આ સંગ્રહ ‘નદીનો ત્રીજો કાંઠો’ની ઉપલબ્ધિ છે. શ્રીમતી દક્ષાબહેન અને રાજેન્દ્રભાઈ માટે આ અનુવાદ-કાર્ય પ્રસન્ન દામ્પત્યનું ઉપકરણ પણ રહ્યું છે. એમના દ્વારા ભારતીય તેમ જ અન્ય ભાષાઓના આવા પ્રાસંગિક અનુવાદો મળતા રહે એવી શુભેચ્છા. તા. ૮-૯-૨૦૧૦

૪. મથુરા કા માનચિત્ર

શ્રી ગૌરહરિ દાસ (જન્મ ૧૯૬૦) ઓડિયા ભાષાના સમર્થ કથાલેખક છે. વાર્તા-નવલકથા બેઉ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન છે. એ જે કંઈ લખે છે એ ભાવકોને વિશ્વાસપાત્ર લાગે છે અને રજૂઆત સ્પષ્ટ હોવાથી સ્પર્શી જાય છે. શ્રી સૌમ્યરંજન પટનાયકના દૈનિક ‘સંવાદ’ના એ અગ્રણી સંપાદક છે. રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત છે. બાંગ્લાદેશનાં વિખ્યાત લેખિકા તસલિમા નસરીનના ભારત રોકાણની મુદતમાં વધારો કરવામાં ઉપકારક નીવડે એવી એમની સૂઝસમજ છે. વીસ હજારથી વધુ નકલો ધરાવતા વાર્તામાસિક ‘કથા’ના સંપાદક તરીકે પણ એ મહત્ત્વની કામગીરી બજાવે છે. પચીસ વર્ષની નીચેની વયના વાર્તાકારોની રચનાઓની સ્પર્ધા યોજીને દસેક વાર્તાકારોના અભિવાદન-પુરસ્કાર માટે રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ યોજે છે. છેલ્લા ત્રણેક દાયકાની ઓડિયા નવલિકાની સામગ્રી અને રજૂઆત સમજવા શ્રી ગૌરહરિદાસના વાર્તાસંગ્રહનો મહેન્દ્ર શર્માએ કરેલો હિન્દી અનુવાદ ‘મથુરા કા માનચિત્ર’ વાંચતાં લાગ્યું કે ગુજરાતી સાહિત્યના ગાંધીયુગમાં ‘ભૂખ્યાજનોના જઠરાગ્નિ’નું આલેખન થયું, પછી એ જઠરાગ્નિ સાહિત્યમાં તો લગભગ શાન્ત થઈ ગયો, સામાજિક નિસબત કરતાં કલાનું મૂલ્ય વધુ હોય એ રીતે અધ્યાપકો વિવેચન કરતા થયા, પણ ઓડિયા ભાષામાં હજી સામગ્રી અને સ્વરૂપ પરત્વે ગાંધીયુગનો પ્રભાવ વરતાય છે. ‘મથુરાનું માનચિત્ર’ વાર્તાના કેન્દ્રમાં બે નારી છે. એક છે સાઠ વર્ષની દરિદ્ર યશોદા અને બીજી છે ડેપ્યુટી કલેક્ટરની પત્ની દેવકી. વાર્તા યશોદાની આર્થિક અસહાયતાના વર્ણનથી શરૂ થાય છે. યશોદાની દીકરીને બે સંતાન છે. બેએક વર્ષનો દીકરો અને ચાર માસની દીકરી. જમાઈ જતો રહ્યો છે. ખબર નથી ક્યાં ગયો છે. ચોવીસ પરગણા બાજુ કે સૂરત? બધો ભાર વૃદ્ધા પર છે. અનાજના છોડ વઢાઈ ગયા પછી ખેતરમાં હલો કરીને જે કંઈ હાથ લાગે એથી શું વળે? સરકાર તરફથી પંદર દહાડે અનાજના જથ્થા રૂપે સો રૂપિયા મળે છે. એ લેવા એ પૌત્ર સાથે બ્લોક ઓફિસે પહોંચે છે. સાહેબ નથી આવ્યા અને પટાવાળો એની ઊંઘમાં ખલેલ પાડવા બદલ યશોદા પર ગુસ્સે થાય છે. વાર્તાના ઉત્તરાર્ધમાં લેખક સૂચવે છે તે જે સો રૂપિયા યશોદાને નથી મળ્યા એ મળ્યા હોય એ રીતે અંગૂઠાની છાપ લીધેલી છે. યશોદાને દૌહિત્ર-દૌહિત્રી માટે ભારે માયા છે પણ એમને જિવાડવાં કેવી રીતે? પાટપુરના બજારનો તેલભાજીનો વેપારી મધુ સાહૂ નિઃસંતાન છે. એ યશોદાના દૌહિત્રને ખોળે લેવા ઇચ્છે છે. દર મહિને બસો રૂપિયા આપશે, બાર મહિના સુધીમાં કુલ બે હજાર ચારસો રૂપિયા આપશે. પણ યશોદાની દીકરીને ચિંતા છે. વેપારી દીકરાને ખોળે લેશે પણ બારેક વરસનો થતાં એની પાસે કાળી મજૂરી કરાવશે... પણ શું થાય? વાર્તા વાંચતા એમ લાગે કે નાનીમા યશોદા છેવટે બાળકને વેચવાનો વિચાર છોડી દેશે, વાત્સલ્યનો વિજય થશે. પણ એવું કશું થતું નથી. જીવનના ઉધાર પાસા ભણી વાર્તા આગળ વધે છે. પેલી બાજુ સબ-કલેક્ટરની પત્ની દેવકીના પેટમાં એકેય સંતાન ટકતું નથી. એની સંવેદના કાવ્યાત્મક રીતે વ્યક્ત થઈ છે. દેવવ્રત બદલી કરાવીને આ વિસ્તારમાં આવ્યા છે. ડૉક્ટર જૈનાની સારવાર છે. ગર્ભને પાંચ મહિના થયા છે. દેવકીને આશા બંધાઈ છે. ત્યાં અખબારો પહેલા પૃષ્ઠ પર સમાચાર ચમકાવે છે : ‘ખૈરગઢમાં બાળકનું વેચાણ શિશુ બિક્રી!’ તંત્ર ખળભળી ઊઠે છે. દેવવ્રત પર કલેક્ટરનો ફોન આવે છે, મંત્રીનો ફોન આવે છે. આ સમાચારને કેવી રીતે ફેરવી તોળવા? અને યશોદા અને એની દીકરી વિરુદ્ધ સાક્ષી ઊભા કરવામાં આવે છે. ખરાબ ચાલચલગત, પેલો મધુ સાહૂ એનો ‘બીજો’ હશે, માટે જ આ સોદો. ગરીબી સાથે આને કંઈ સંબંધ નથી. સરકાર માબાપે પોતાની ફરજ બજાવવામાં સહેજે ઊણપ રહેવા દીધી નથી. બદનામી સહન ન થતાં યશોદા, એની દીકરી બે બાળક સાથે આત્મહત્યા કરે છે. આ હકીકતનું પણ અનુકૂળ અર્થઘટન કરવામાં દેવવ્રત સફળ થાય છે. વાર્તાનું ત્રીજું ઘટક વળી દેવકીની દારુણ મનોદશાનો નિર્દેશ કરે છે. પતિના માનવતા વિરુદ્ધનાં જુઠાણાંનો ભારે આઘાત છે. દેવકી પડદો પકડીને ઊભી હતી, પડી જાય છે, ગર્ભપાત થઈ જાય છે. એ જડ જેવી બની જાય છે. એને હવે સારવાર નથી જોઈતી. પતિને કહે છે : ‘મારી પાસે આવશો નહીં, તમે માણસ નથી, કસાઈ છો. તમારા માટે માણસને મારવો એ કલમનો ખેલ છે, દૂર ખસી જાઓ. દૂર...’ આ ટૂંક સાર પરથી કોઈને એમ પણ લાગે કે આ તો કારિકાલેખન ‘ફૉર્મ્યુલા રાઈટિંગ’ કહેવાય. પણ બાર પૃષ્ઠ લાંબી નવલિકા શબ્દશઃ વાંચતાં એમાં માતૃત્વની અસહાયતા, ગરીબીનો અભિશાપ, માતૃત્વની ઝંખના અને પોતાની નિર્મમતાને ઢાંકી સારી છાપ ઊભી કરવા માટેના સરકારી તંત્રના પેંતરા આ બધું ઝીણવટથી પ્રતીતિજનક રીતે રજૂ થયું છે. ઓડીશાના સમાજની વાસ્તવિકતાનો પણ એથી નિર્દેશ થાય છે. વાર્તા વાંચ્યા પછી યશોદા અને દેવકીની કરુણતા ભૂલી ભુલાતી નથી.

૫. મોનિકા ગજેન્દ્રગડકરની મરાઠી કથા : ‘ભૂપ’, દેવયાની દવે

આચાર્ય દેવયાની દવેએ સંસ્મરણો લખ્યાં. ઉષ્માભર્યો આવકાર મળ્યો. વિદ્યાર્થી તરીકે તેજસ્વી તો હતાં જ. અધ્યાપક થયાં, મહારાષ્ટ્રની કૉલેજોમાં આચાર્ય તરીકે કામ કરતાં મરાઠી ભાષા સાહિત્યનો વ્યાસંગ વધાર્યો. અનુવાદ આરંભ્યો. વરિષ્ઠ લેખિકા ધીરુબહેન પટેલે સૂચવેલી ‘ભૂપ’ નવલિકા દ્વારા લેખિકા મોનિકા ગજેન્દ્ર ગડકરનો પરિચય કેળવ્યો. એમના ત્રણ વાર્તાસંગ્રહો છે : ‘ભૂપ’, ‘આર્ત’ અને ‘શિલ્પ.’ જ્ઞાનેશ્વરના અભંગની પંક્તિ છે : ‘વિશ્વની વિકળતા મારા મનમાં પ્રગટી.’ જાણે કે આ મોનિકાજીની ધ્રુવપંક્તિ છે. સને ૧૯૬૦ પછી જી. એ. કુલકર્ણી અને મોનિકા ગજેન્દ્રગડકર દ્વારા મરાઠી ટૂંકી વાર્તાનો નવો પ્રવાહ શરૂ થયો. મોનિકાજીની વાર્તાઓમાં નારી જીવનની અવ્યક્ત વેદના સાથે દુઃખનો સામનો કરવાની ઊર્જા છે. ત્રણ વાર્તાસંગ્રહોમાંથી ખુદ મોનિકાજીએ પાંચ વાર્તાઓ પસંદ કરી આપી. અનુવાદ પ્રક્રિયામાં મદદ કરી, ‘કથા પંચામૃત’માં પાંચ દીર્ઘકથાઓ સમાવેશ પામી છે : ભૂપ, શિલ્પ, ધર્મ, આધાર, રૂટ્‌સ. ૧૩૦ પૃષ્ઠના પુસ્તકને અંતે વિખ્યાત મરાઠી લેખિકા અને સમીક્ષક વિજયા રાજાધ્યક્ષના મોનિકાજી વિશેના વક્તવ્યનો દેવયાનીબહેને ભાવાનુવાદ આપ્યો છે. આ પુસ્તક મરાઠી કથાસાહિત્યની ગુણવત્તાનો પરિચય કરાવે છે. મોનિકાજી શાસ્ત્રીય સંગીત જાણતાં હોય તો જ આવી દીર્ઘ નવલિકા લખી શકે. ‘ભૂપ’ રાગનું નામ છે. એની ગાયકી અને ગાનાર-સાંભળનારના વ્યક્તિત્વનો પણ અહીં કથાને અંતે પરિચય થાય છે. ચાર પાત્રો છે : સંગીતકાર અવધૂતપંત, એમનાં સમુદાર ગૃહિણી અને વત્સલ માતા મંગળાબાઈ. સંગીત શીખવા આવતો શિષ્ય ચિંતન કથાના આરંભે પ્રત્યક્ષ થાય છે. વાર્તા વર્તમાનમાં ભૂતકાળની ઘટનાઓ અને વિવાદોને લઈ આવે છે. અવધૂતપંત સંગીતનો વારસો પુત્ર વિવેકને આત્મસાત થાય એમ ઝંખે છે. એમની આ અભિલાષા એમની જીદ પણ છે. તેથી વિવેક સંગીત શીખે, માત્ર સંગીતમય જીવન જીવે બીજું કશું જ ન કરે એમ ઝંખે છે અને એમ જ થશે એવું માની લે છે. અવધૂતપંત ચાલીસીમાં હતા ત્યારે કલા અકાદમીનો તાજો પુરસ્કાર મળ્યો હતો. એવામાં વિવેકનો જન્મ થયો હતો. ‘ચોતરફ વૈભવ જ વૈભવ હતો.’ આનંદનો વૈભવ, આ ભૂતકાળની વાત થઈ. આજે વિવેક અમેરિકામાં છે. અવધૂતપંતે એને અનિચ્છાએ જીનેટિક એન્જિનિયર થવા અમેરિકા જવા દીધો હતો. એ પછી અવધૂતપંતે સ્વસ્થતા કેળવીને પોતાની સંગીત સાધનાને શિષ્ય ચિંતનમાં રૂપાન્તર થતી જોઈ છે. મંગળાબાઈ વિવેકને યાદ કરતાં જીવે છે. ફોન આવે ત્યારે એમનો માતૃભાવ છલકાય છે પણ અવધૂતપંત તટસ્થ રહે છે. કથાનો બીજો ફકરો શિષ્ય ચિંતનને ઉપસાવે છે : ‘ચિંતનનો દમદાર ષડ્‌જ ઘૂમવા લાગ્યો. ભૈરવનો કોમલ રિષભ... તેમાંની આર્તતા મંગળાબાઈને છેક રસોડામાં પણ સ્પર્શી. અવધૂતપંતનો ધીરગંભીર સૂર તેમાં ભળ્યો. તે બહાર આવ્યાં. ચિંતને કાન પર હાથ મૂકીને ઝપતાલમાં એક ચીજ શરૂ કરી. આજ નંદલાલ સખી! પ્રેમ માદક પિયે સંગ લલના લિયે! જમુના તીર રે ચરન. ફૂલ કેસર કમલ! માલતી સઘન બન મંદ સુગંધ સીતલ! સમીરે બરન... કથા વિકાસ માટે પાયારૂપ સામગ્રી સંગીત સાધના છે. તેથી એની સર્વાંગસુંદર જાણકારી લેખિકા ધરાવતાં હોય તો જ ઘટનાની-અનુભવની સચ્ચાઈ ભાવક સુધી પહોંચે, અહીં એ શક્ય બન્યું છે. વાર્તા આગળ વધે છે તેમ તેમ પુત્રની ગેરહાજરીના સંકેતો સાથે પણ કલાનો આનંદ વરતાતો રહે છે. વળી એકાએક વિચ્છેદની પીડા ઝબકે છે. અવધૂતપંતે પુત્રને કહેલું : ‘કલા કોઈ એકને ફળે છે. સામેવાળા શ્રોતાઓને નિર્મળ આનંદ આપવો એ પણ મોટું આહ્‌વાન છે.’ આમ કહીને સંગીતકાર પિતા પુત્રને નિર્ણય બદલવા કહેતા નથી. ‘મારા જેવા કલાકાર માટે તે હીણું કામ ગણાય. ઠીક છે તેં સંપૂર્ણ વિચાર કર્યો છે. જરૂર જા. પણ ગીત-સંગીત તદ્દન ભૂલી જા.’ (પૃ. ૭, કથા પંચામૃત) ‘આજે વિવેકની યાદ પણ અવધૂતપંતના મનમાંથી ઓછી થઈ છે. વિવેક માટેનું તેમનું તૂટેલું સ્વપ્ન તે ચિંતનના ગીતમાં જોવા મળ્યું.’ (પૃ. ૧૦) વિવેક આજે અમેરિકામાં પીએચ. ડી. કરે છે. ભારત આવ્યો છે. એની જાણે કે અવધૂતપંત પર કશી અસર નથી. વિવેકનો રિયાજ ચાલુ છે એની પણ એ નોંધ લેતા નથી. થોડા દિવસ પછી વિવેક સહાધ્યાયી અમેરિકન યુવતી સાથે લગ્ન કરવાના પોતાના નિર્ણયની જાણ કરે છે. પિતાની તટસ્થતા અને માતાની લાગણી વ્યક્ત થાય છે. ખાનદાનનો સંગીત સાથેનો સંબંધ પૂરો થયો એમ કહી અવધૂતપંત બારણાં બંધ કહી દે છે. વાર્તાનું હાર્દ હવે પછી ઊઘડે છે. સંગીતના કાર્યક્રમમાંથી પાછા આવેલા અવધૂતપંતને પેરેલિસિસનો એટેક આવે છે. અહીં વિવેકનો પિતૃપ્રેમ વ્યક્ત થાય છે. બીજી બાજુ ચિંતન બીજા ગુરુ શોધી લે છે. એને પોતાની કારકિદર્ીની ચિંતા હતી, ગુરુજીના સ્વાસ્થ્યની નહીં. વિવેક એને કહે છે : ‘બાબાએ તને આટલું આપ્યું તે શા માટે? તું તારી જાતે વધારી શકે છે. શીખેલું સંગીત જ આગળ ઉપર નવો પ્રકાશ પાથરે છે.’ (પૃ. ૨૩) વિવેકે પોતે કારકિદર્ી માટે ઇજનેરી શાખા પસંદ કરી પણ એણે સંગીતની સાધના ચાલુ રાખી છે, એની પ્રતીતિ અવધૂતપંતને વાર્તાને અંતે થાય છે. વિવેક ગાય છે. ભૂપના સૂર વાતાવરણમાં વ્યાપી રહ્યા હતા. ઇતને જોબન પર માન ન કરિયે ડરિયે પ્રભુસે આજ આલી. લેખિકાએ અહીં સંગીતની અસર વર્ણવી છે. શ્રોતા તરીકે બેઠેલા અવધૂતપંતને પોતાના શબ્દો યાદ આવે છે. ‘વિવેક સ્વર સાથે મૈત્રી કર, તો જ તને વશ રહેશે. સંગીત એટલે સંગીત, નિર્મળ આનંદનું વાવાઝોડું સંગીત લાગવું જોઈએ, તો જ ખરું સંગીત.’ કુટુંબજીવનમાં, બે પેઢીઓના સંબંધમાં આવેલા પરિવર્તનમાં ભાવક ઓતપ્રોત થાય છે. ભારતીય સંગીત દ્વારા વ્યક્ત થતી ભારતીયતા વ્યક્તિગત કારકિદર્ીમાં વિક્ષેપ સજર્તી નથી, નવું વૈશ્વિક પરિણામ લાવી શકે છે. આવો મહત્ત્વનો મુદ્દો મોનિકાજી અહીં કલાત્મક રીતે રજૂ કરી શક્યાં છે, આચાર્ય દેવયાની દવે દ્વારા એમને અભિનંદન.

૬. ભાગલાથી મન્ટો કપાયા નહીં

સઆદત હસન મન્ટો (૧૧-૫-૧૯૧૨ થી ૧૮-૧-૧૯૫૫)ની જન્મશતાબ્દી ભારત અને પાકિસ્તાનમાં એક સરખા આદરથી ઊજવાઈ. જાણે ભાગલા પૂર્વેનાં ભારત-પાક એક પ્રજા તરીકેની હેસિયતથી મન્ટોને યાદ કરી રહ્યાં હતાં. સમગ્ર એશિયામાં મન્ટોના સાહિત્યનો પ્રસાર થયેલો છે. વાર્તાઓનાં વૈશ્વિક સંપાદનોમાં પણ એમની વાર્તાઓ સમાવેશ પામેલી છે. હિન્દીના લેખક નરેન્દ્ર મોહન મન્ટોના સાહિત્યના ઊંડા અભ્યાસી રહ્યા છે. મન્ટોની વાર્તાઓ, નાટકો, નિબંધો અને ચરિત્રોના એમણે ઉર્દૂમાંથી અનુવાદ કર્યા છે. જાણે કે મન્ટો એમની ભીતર જીવે છે. મન્ટોને વ્યક્ત કરવા એ સદા બેચેન રહ્યા છે. તેથી શતાબ્દીવર્ષમાં ‘મન્ટો જીવે છે’ નામે જીવનચરિત્ર એમણે પ્રગટ કર્યું. એના લોકાર્પણ કાર્યક્રમમાં મન્ટોની ત્રણ દીકરીઓ નિગહત, ગુજહત અને નુસહત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં હાજર રહી હતી. ભારતમાં થયેલું એમનું સ્વગાત લગ્નના ઉત્સવ જેવું એમને લાગેલું. મન્ટોનાં પત્ની સાફિયાએ મન્ટોના ગૃહજીવનને અજવાળ્યું હતું. અનુવાદક શ્રી મોહન દાંડીકરે પણ એમના પ્રાસ્તાવિકમાં આ સન્નારીના સમર્પણભાવનું ગૌરવ કર્યું છે. શ્રી મોહન દાંડીકરના નામે એકસઠ પુસ્તકો છે. અનુવાદ માટેનો સાહિત્ય આકાદમી દિલ્લીનો પુરસ્કાર એમને પ્રાપ્ત થયેલો છે. એમના સ્વતંત્ર લેખનમાં સર્વોદય ભાવના ફલિત થતી જોવા મળે. એમનાં સુપુત્રી પારુલબહેન ‘ભૂમિપુત્ર’ અને યજ્ઞ પ્રકાશન સાથે વર્ષોથી સંકળાએલાં છે. મોહનભાઈએ છેક ૧૯૮૨માં મન્ટોની શ્રેષ્ઠ વાર્તાઓનો અનુવાદ પ્રગટ કરેલો. હાસ્યકાર વિનોદ ભટ્ટ પણ અવારનવાર મન્ટોને યાદ કરતા રહ્યા છે. જલિયાંવાલા બાગના હત્યાકાંડથી શરૂ કરીને જે કંઈ અજુગતું થયું એની સામે મન્ટો લખતા રહ્યા છે. વાસ્તવિકતાને ધારદાર રીતે રજૂ કરવાને કારણે શ્લીલ-અશ્લીલના ભેદ રહેતા નહીં. જે કંઈ અસદ અને અમાનવીય લાગ્યું એના પર મન્ટોએ પ્રહાર કર્યા. રૂઢિચુસ્ત વાચકો બે ઘડી અકળાયા પણ સચ્ચાઈનો ચાહક સામાન્ય ભાવક મન્ટોનો ઋણી બન્યો. ભારતની લગભગ બધી ભાષાઓમાં મન્ટો પહોંચ્યા છે. નરેન્દ્ર મોહન આ જીવનચરિત્ર ‘મન્ટો જીવે છે’ લખતા હતા ત્યારે પણ એમને ઠપકો આપનાર શુભેચ્છકોની ખોટ ન હતી. એક મિત્રે કહેલું : ‘ઉર્દૂના એ અશ્લીલ શરાબી લેખકની બાયોગ્રાફી? શું થઈ ગયું છે તને?’ આવી છાપ જૂની પેઢીના ઘણા વાચકો ધરાવતા હશે. કેમકે મન્ટોની પાંચ વાર્તાઓ સામે અશ્લીલતાના આરોપ મૂકી કેસ થયેલા. એ વાર્તાઓ પણ સતત ચર્ચાતી રહી છે : ‘કાલી સરવાલ’, ‘ધુઆં’, ‘બૂ’, ‘ઠંડા ગોસ્ત’ અને ‘ઉપર, નીચે ઔર દરમિયાન’. આ સીમામાં બંધાયેલી નહીં છતાં બેચેન કરી મૂકે એવી વાર્તા છે : ‘ખોલ દો.’ વિશ્વની ઘણી ભાષાઓમાં આ વાર્તાનો અનુવાદ થયો છે. ભારત-પાકિસ્તાનના વિભાજન વખતે સ્ત્રીઓ પર જે જાતીય હુમલા થયા એનું અહીં આલેખન છે. સિરાજદીન એની દીકરી સકીના સાથે ભાગલા વખતનાં કોમી રમખાણોનો ભોગ બને છે. સકીનાની માની લાશમાંથી આંતરડાં લબડ્યા કરતાં હતાં. એણે મરતાં પહેલાં કહેલું, ઝટ સકીનાને લઈને ભાગો. નાસતાં નાસતાં સકીનાનો દુપટ્ટો પડી ગયો હતો ‘અબ્બાજી જવા દો એને!’ એણે કહેલું પણ સિરાજુદીને એ લઈ લીધો હતો પછી તો એની પાસે માત્ર દુપટ્ટો જ બચ્યો. જે મળ્યું એને એણે પોતાની દીકરી વિશે પૂછ્યું. સ્વયંસેવકોએ ખાતરી આપી. સકીનાની શોધ ચાલતી રહી. પછી તો થોડા દિવસ એને સ્વયંસેવકોએ જ રાખી હતી. સિરાજૂદીન પૂછ્યા કરતો હતો. એ હોસ્પિટલની બહાર ખોડેલા લાકડાના થાંભલાને અઢેલીને ઊભો હતો. પછી અંદર ગયો. ત્યાં એક લાશ હતી. એના ફિક્કા ચહેરા પર ચમકતો તલ જોઈને સિરાજૂદીન બૂમ પાડી ઊઠ્યો. ‘સકીના!’ ડોક્ટરે આવીને લાઈટ કરી લાશની નાડી તપાસી. પછી સિરાજૂદીનને કહ્યું ‘બારી ખોલી નાખ.’ અને એ સાંભળીને સકીનાના મુડદાલ શરીરમાં સળવળાટ થયો. નિજીર્વ જેવા હાથે એણે નાડી છોડી, સલવાર નીચે સરકાવી. વૃદ્ધ સિરાજૂદીન રાજી રાજી થઈ ગયો. ‘જીવ છે... મારી દીકરી જીવે છે...’ ડોક્ટર પરસેવે રેબઝેબ થઈ ગયો. આ છે વાર્તાનો અંત. ડોક્ટર બારી ખોલવા કહે છે અને લાશ જેવી બની ગયેલી અને અત્યાચારનો ભોગ બનીને યાંત્રિક રીતે વર્તતી થઈ ગયેલી પોતાની સલવારની નાડી છોડવા લાગે છે. ત્રાસનું કેવું ભયંકર રૂપ! ડોક્ટર માટે પણ આ ઘટના અસહ્ય બને છે જ્યારે પેલા વૃદ્ધ પિતાને દિવસોનો બળાત્કાર વેઠ્યા પછી શબવત્‌ બનેલી દીકરીના અંગમાં ચેતનનો સળવળાટ જોવા મળતાં આશ્વાસન મળે છે! કેવા સામસામા છેડાના પ્રતિભાવો જીવન-મરણની, સામાજિક લજ્જા અને નર્યા વાત્સલ્યની કેવી સહજોપસ્થિતિ! માત્ર ભય અને ભયજન્ય વર્તનમાં આલેખન તરીકે પણ આ વાર્તા અનન્ય છે પણ એને માનવતાના ભાગલા અને એના તળિયા ઝાટક દેવાળાની તસવીર તરીકે જોઈએ છીએ ત્યારે મન્ટોના લેખનના ન્યાયનો ખ્યાલ આવે છે. ‘સુગંધી’ નામે ગુજરાતીમાં ઊતરેલી વાર્તા ‘હતક’ એક તવાયફના જીવનની ભરતી-ઓટનું ઝીણવટભર્યું વર્ણન કરે છે. અહીં મન્ટોની નિરૂપણ-પદ્ધતિમાં કલાની સૂક્ષ્મતા, સાંકેતિકતા કેવું મોટું સ્થાન રોકે છે એ જોઈ શકાશે. એ જ્યારે ખૂબ કમાતી હતી, સામાન્ય લાગતા કશું ન આપતા માધો પર પણ પોતાનો પ્રેમ દાખવતી હતી. દલાલની સલાહ માનતી ન હતી. પણ છેલ્લે એવો સમય આવે છે જ્યારે એ એક રાતે ટેક્સીમાં બેઠેલા શેઠ દ્વારા જાકારો પામે છે. અરે રામ કાલ તું આ ગરોળી ક્યાંથી પકડી લાવ્યો? તું આનાં આટલાં બધાં વખાણ કરતો હતો? દસ રૂપિયા ને આ... આ કરતાં તો ખચ્ચર સારું.’ આ ઘટના અસહ્ય નીવડે છે. એ જે રીતે માધાને જાકારો આપે છે એમાં એના આઘાતનું રૂપ બરોબર પ્રત્યક્ષ થયું છે અને પછી જીવનમાં એક ભયંકર સૂનકાર એ અનુભવે છે. જાણે મુસાફરોથી ભરેલી રેલગાડી દરેક સ્ટેશને મુસાફરોને ઠાલવતી ઠાલવતી હવે પતરાના શેડમાં એકદમ એકલી છે. વાર્તા આ શબ્દો સાથે પૂરી થાય છે. ‘ક્યાંય સુધી એ પેલી નેતરની ખુરશી પર બેસી રહી. ઘણા ઘણા વિચારને અંતે એને પોતાનું મન બહેલાવવા માટેનું બીજું કોઈ સાધન ન મળ્યું. ત્યારે એણે પેલા ખહુડિયા કૂતરાને ખોળામાં લીધો અને સાગના મોટા પલંગ પર એને સાથે લઈને સૂઈ ગઈ.’ સુગંધીએ નહિ, માણસે પોતે જ સમાજમાં રહીનેય પશુની ખાસિયતો સાથે જીવતા માણસે પોતે જ પોતાની જગાએ કૂતરાને સ્થાપ્યો છે! મન્ટો વેદના અને વ્યંગનું એક સાથે કેવું અસરકારક નિરૂપણ કરી શકે છે! એક વાર્તા ધાર્મિક સાંપ્રદાયિક અંધશ્રદ્ધા વિશે છે! ‘બે કોમો’ પ્રેમકથા છે આમ તો. મખ્તાર અને શારદાનો મુગ્ધ પ્રેમ ધીરે ધીરે ચુંબન-આલિંગનમાં પરિણમે છે. લેખકે એક પછી એક દૃઢ થતી કડી રચીને પરસ્પર સ્વીકાર પામતા જતા પ્રેમનું મનોહર ચિત્રણ કર્યું છે. પછી મુખ્તાર સભાન થઈ જાય છે. સંબંધ એટલી હદે આગળ વધ્યો હતો કે લગ્ન વિશે વિચારવું જ જોઈએ. એ જઈને એના પિતાની રજા લઈ આવે છે. શરત માત્ર એટલી જ છે કે શારદા મુસલમાન બને, પછી એ જ દિવસે લગ્ન! આ ઉકેલ સાંભળીને શારદા મૂંઝાય છે. કહે છે : ‘તમે જ હિન્દુ થઈ જાવ ને!’ આ ઉદ્‌ગાર પહેલાં મુખ્તારમાં વેદના અને પછી હાસ્ય જગવે છે. ‘હું હિન્દુ કેવી રીતે થઈ શકું?’ ‘તો હું પણ મુસલમાન કેવી રીતે થઈ શકું?’ ‘તું કેમ મુસલમાન ન થઈ શકે? મતલબ કે તું મને ચાહે છે, એટલે.’ પ્રેમ જેવી મહાન વસ્તુ લાધ્યા પછી, સામાજિક બંધનોનો ભોગ બનતાં યુવક યુવતી, પ્રેમ કરતાં ધર્મને વધુ મહત્ત્વની વસ્તુ માની બેસે છે અને એની હઠમાં એ પ્રેમ ગુમાવી નફરતની કમાણી કરે છે. શારદા બીજા રૂમમાં જઈ અંદરથી બારણાં વાસી દે છે અને મુખ્તાર પોતાના ઇસ્લામને છાતીએ બાંધીને ચાલ્યો જાય છે. આવા અંત સુધી પહોંચવું એ એક વિદ્રોહીનું ક્રાન્તદર્શીનું જ સાહસ કહેવાય. માણસને હાથા બનાવતા બધા ક્ષેત્રના નેતાઓ પ્રત્યે મન્ટોને સૂગ હતી. એણે ‘હું વાર્તાકાર નહિ, ખીસાકાતરું છું.’ એમ કહીને પોતાનો પરિચય આપતાં કહેલું છે : ‘નેતાઓને અને દવા વેચનારાઓને હું જાતભાઈ માનું છું.’ નેતાગીરી કરવી અને દવા વેચવી એ બન્ને ધંધા છે... હું ભૂખ્યો હતો માટે મેં નાટકો લખ્યાં. દાદ એ વાતની માગું છું કે મારા મગજે મારા પેટમાં ઘૂસીને એવાં એવાં હાસ્યનાટકો લખ્યાં છે જે બીજાઓને ખૂબ હસાવે છે. મારા માટે આ એક કડવું સત્ય છે કે હું મારા પોતાના દેશમાં, જેને લોકો પાકિસ્તાન કહે છે તે દેશમાં મારું અસલી સ્થાન શોધી શક્યો નથી. એ જ કારણે મારો જીવ ગુંગળાયા કરે છે. એ જ કારણે ક્યારેક હું પાગલખાનામાં હોઉં છું ને ક્યારેક હું હોસ્પિટલમાં પણ હોઉં છું. ‘હું જાણું છું. જીવન જો સંયમપૂર્વક જીવવામાં આવે તો તે એક જેલ છે. હું એ પણ જાણું છું, જીવન જો સંયમપૂર્વક જીવવામાં ન આવે તો તે પણ એક જેલ છે. એટલે આપણે તો કોઈ ને કોઈ રીતે મોજાંના દોરાને એક છેડેથી પકડીને ઉખેળ્યા કરવાનું છે. આમીન!’ છ વાર્તાઓ પર પાકિસ્તાન સરકારે કેસ કરેલા અને મન્ટોએ જેલ પણ ભોગવેલી. આજે તો મન્ટોનું નિરૂપણ અશ્લીલ નહીં પણ પ્રબળ અને પ્રભાવક લાગે છે પણ ત્યારેય એમની સત્યશોધને બિરદાવનારા કોઈક મળી આવતા ખરા. ‘ઠંડા ગોસ્ત’ વાર્તા વિશે જુબાની આપતાં મનોવિજ્ઞાનના એક પ્રાધ્યાપકે કહેલું કે આ વાર્તા જો કોઈ શૈક્ષણિક સામયિકમાં ‘કેસ હિસ્ટ્રી’ તરીકે પ્રગટ થઈ હોત તો એના પર અશ્લીલતાનો આરોપ ન આવત. આમાં વપરાયેલા શબ્દો બોલવામાં ભલે ગંદા લાગે પણ ‘કેસ હિસ્ટ્રી’માં આજ શબ્દો યોગ્ય લાગત.’ મન્ટોના ચિત્ત પર વિભાજનની યાતનાઓની ઘેરી છાપ હતી. એમણે અગાઉ ભારત છોડવાનો વિચાર કર્યો નહીં હોય. કાશ્મીરી હતા. મોહનભાઈ નોંધે છે તેમ મન્ટોના વડવાઓ અફઘાન રાજાઓના અત્યાચારોથી ત્રાસીને કાશ્મીરથી પંજાબના લાહોરમાં આવ્યા. પછી અમૃતસર. તેઓ કર ઉઘરાવવાનું કામ કરતા. કિસ્તબાસી પંડિતો હતા. એમનામાંથી જેમણે ઇસ્લામ અંગીકાર કર્યો એ મન્ટો કહેવાયા, જે હિન્દુ રહ્યા એ મનવટી કહેવાયા. આ બંને જાતિઓ આજે પણ શ્રીનગર અને કાશ્મીરની ખીણમાં છે. મન્ટો દિલ્લીથી મુંબઈ અને ત્યાંથી પાકિસ્તાન ગયા. ભારત પાછા આવવું હતું પણ એ શક્ય બન્યું નહીં. ભારત માટેનું ખેંચાણ કદી ઘટ્યું નહીં. પાકિસ્તાનના અમેરિકા સાથેના વધતા સંબંધો મન્ટોને પસંદ ન હતા. અમેરિકન મૂડીવાદ વિરુદ્ધ એ સતત લખતા હતા. લેખનો પુરસ્કાર વીસ-પચીસ રૂપિયા મળતો. આર્થિક વિટંબણાઓ ઓછી ન હતી. છતાં અમેરિકા તરફી વર્તમાનપત્રમાં લખવા પાંચસો રૂપિયા આપવા સાથેનું આમંત્રણ મન્ટોએ નકાર્યું. ‘મન્ટોને કોઈ ખરીદી શકશે નહીં.’

આજે વિવેચકો ઘટનાપ્રધાન વાર્તાને બદલે સંવેદનપ્રધાન વાર્તાને વધુ બિરદાવે છે. મન્ટો ઘટનાના મર્માન્તક આલેખન દ્વારા સંવેદન જગવે છે, વિચાર જગવે છે. ભારત-પાકના ભાગલા પછી સાડા છ દાયકા વીતી ગયા હોવા છતાં કેટલાક પ્રશ્નો રહી રહીને માથું ઊંચકે છે. મન્ટોની વાર્તાઓ, નાટકો, નિબંધો ખંડિત મનુષ્યની યાતના વર્ણવે છે અને અવિભાજિત માનવધર્મના સંકેત મૂકે છે. મન્ટોના અવસાનના છ વર્ષ પછી દેવેન્દ્ર સત્યાર્થી મન્ટોની કબર પરના લેખને કાલ્પનિક વળાંક આપે છે : ‘કબરમાં પડ્યા પડ્યા મન્ટો ફરી પાછા વિચાર કરે છે કે એ મોટા વાર્તાકાર છે કે ખુદા મોટા વાર્તાકાર છે?’ ખુદાએ મન્ટોના ખભા પર હાથ મૂકીને પૂછ્યું : ‘પેલી ટોબા ટેકસિંહ વાર્તા તેં લખી છે?’ ‘મન્ટોએ કહ્યું : લખી છે તો શું થઈ ગયું? મેં તમારી પાસેથી ૪૨ વરસ ૮ મહિના અને ૭ દિવસ ઉધાર લીધા છે તેનો અર્થ એવો નથી કે તમે મારી વાર્તાના સારા વિવેચક પણ થઈ શકો... ખસેડી લો આ તમારો હાથ.’ ખુદા મરકમરક હસવા લાગ્યા. એમણે મન્ટોના ખભા પરથી પોતાનો હાથ લઈ લીધો. કહેવા લાગ્યા : ‘જા તારા બધા ગુના માફ કરી દીધા.’ (પૃ. ૧૬૦, મન્ટો જીવે છે) આ પ્રસંગની ચર્ચા કરતાં નરેન્દ્ર મોહન કહે છે કે મન્ટોને મન લેખકનો મોભો સહુથી મોટો હતો. ઇસ્મત ચુગતાઈએ મન્ટોનાં બેગમ સાફિયાના અવિચળ પ્રેમને કાવ્યાત્મક અંજલિ આપી છે. મન્ટોના ફિલ્મજગતના સંપકરેમાં પણ કદી પત્ની પ્રત્યે બેવફાઈ આવી નહોતી. સાફિયા બેગમ અને મન્ટોનું દામ્પત્ય જીવન મન્ટો માટે આશીર્વાદરૂપ હતું.