મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ક્યાં ગયા એ લોકો?: Difference between revisions
(+1) |
m (Meghdhanu moved page મણિલાલ હ. પટેલ/ક્યાં ગયા એ લોકો? to મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ક્યાં ગયા એ લોકો? without leaving a redirect) |
(No difference)
|
Latest revision as of 15:44, 17 February 2024
મને ગમતા હતા એ લોકો, જે –
અજાણ્યા વટેમારગુંને
ઘરે તેડી લાવી જમાડતા
તડકો પ્હેરી ખેતરે જતા
સાંજે, વરસાદે પલળતા પાછા વળતા
જ્યાં જતા ત્યાં
મારુંતારું કર્યા વગર કામે વળગતા
વિધવાને ખળે ખેતર લાવી આપતા
વહુવારુને બેડું ચઢાવતાં
જરાક મલકાઈ છલકાઈ જતા
કન્યાદાન માટે કરકસર કરી બચત કરતા...
વગડાને વ્હાલ કરતા
વાડે વાડે કંકોડીના વેલા વાવતા
એમનો પરસેવો પવનમાં પમરતો
ખેતરોમાં મૉલ થઈ ઝુલે છે હજીય...
એ લોકો ગમતા હતા મને
જે ટેકરીઓમાં ગામ વસાવતા
સાપને સરકી જવા દેતા
ઉનાળાની ઊભી વાટે પરબ બંધાવતા
પગે ચાલી પરગામ જતા
નદી ઓળંગવા
પાણી ઉતરવાની વાટ જોતા
પાડોશીને ખાટલે નવું વાણ ભરી આપતા
ચાર ભજીયાં માટે જીવ બગાડતા
સીમમાં જતાં, લક્કડિયા માતાને
ગામની સુખાકારી માટે વિનવતા...
એ લોકો પડતી રાતે પડસાળે બેસી
મહાભારત સાંભળતાં, ભરી સભામાં –
ભીષ્મના મૌન સામે અકળાઈ જતા,
બીજે દિવસે ઘરના વાડામાં
પીઠ પર પૃથ્વી મૂકી અવતાર ગણવા
નીકળેલી ગોકળગાયને જોઈને શાંત થૈ જતા,
‘છાણના દેવને કપાસિયાની આંખો જ શોભે’ –
જેવી કહેવત ઘડતા
અમારી નિશાળની ચોપડી ઊંધી પકડી
ઉકેલવા મથતા અને પૂછતા –
આ ચોપડીને પાને પાને આટલાં બધાં
કીડીમંકોડા મરેલાં કેમ ચોંટાડ્યાં છે?
ભજનમાં કબીરની સાખી ગાતા
ક્યારેક પાદરના વડ નીચે ચૉરે
જાણે છે જ નહિ એમ બેસી રહેતા
એ લોકો, જેમને મેં
જાત અને ઝાડ સાથે
વાતો કરતા જોયા-સાંભળ્યા હતા...
શનિવારે એક ટાણું કરતા
કૂતરાને કટકો રોટલોને બિલાડીને
ઘીવાળો કોળિયો ભાત ખવડાવતા,
મેળે જતા ચગડોળે બેસી છેલ થતા
ને વળતાં પત્ની માટે
સાકરનું દેરુ ને બંગડી લાવતા,
બપોરે કૂવાકાંઠે પોતાનાં જોડી કપડાં
ધોઈ ને સૂકાવાની વાટ જોતાં જોતાં
પાદરના પાળિયા ને નવરાવીને
સિન્દુર ચઢાવતા...
ઝાયણીના દિવસે ઝાંપે જઈ અને –
ગામ આખાને ગળે મળતા –
મેં હજી હમણાં સુધી જોયા હતા
દરેક ગામમાં ને મારામાં ય – !
એમના ય વંશવારસો હતા...
હું શોધું છું એમને –
મને ગમતા હતા એ માણસો
ક્યાં ગૂમ થઈ ગયા એ...?
ક્યાં??