ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/‘ઘેરો’ - સિતાંશુ યશશ્ચન્દ્ર: Difference between revisions
No edit summary |
m (Meghdhanu moved page ગાતાં ઝરણાં/‘ઘેરો’ - સિતાંશુ યશશ્ચન્દ્ર to ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/‘ઘેરો’ - સિતાંશુ યશશ્ચન્દ્ર without leaving a redirect) |
(No difference)
|
Latest revision as of 01:08, 11 March 2024
૪. ‘ઘેરો’ □ સિતાંશુ યશશ્ચન્દ્ર
●
હંમેશ ફૂંકાતા પવન પર ચડીને એક વાર સહસા ધુમ્મસના ગોટા આવે
ને પછી ચોમેર આંખને વહાવી વસ્તુઓને ઢાંકી દે
ને પછી પવન પડી જાય
ને ત્યાંનું ત્યાં રહે ધુમ્મસ
એમ.
કે પછી
કંટાળાની પળે જેનાથી સહસા સભાન થઈ જવાય,
બારણાનું તોરણ, ગોશાળાની ચારના ઓરડાના કમાડની તરડ, ખાટલાનો
ખીલો, અને બાવડા પરનો મસો
હંમેશ હોય જ જે, ભલે ખ્યાલ બહાર, ને એક વાર એકાએક દેખાવા માંડે
એમ
ગઢની બહાર ખડી છે ફોજ, ખરુંને ?
અજાણી તો શેની ?
પણ અજાણી
અડીખમ કમાડ તો બંધ છે દરવાજે
દરવાજે ગઢના
રાત પડ્યે સેંકડો મશાલ
દરરોજ રાતે સેંકડો મશાલ
રાત પછી રાત
ને સેંકડો મશાલ
સૂરજ ઊગે ત્યારે
રાત આખી મશાલ ધરીને અધ્ધર રાખ્યાથી કળતા ડાબા બાવડા પર
એવું જ કળતર થતા જમણા હાથનો પંજો ફેરવતાં
ટેરવાંને મસો અડકે છે ને સહસા થઈ જવાય છે સભાન.
ઘેરો.
ઘેરો થાળે પડયા પછીથી નથી રહ્યા કોઈ નિયમ, કોઈ બાધ.
હવે હવેથી
ઘેરી
નદીનાં પાણીમાં જાતજાતનો સડો યે ભેળવે છે
પેલી ફોજ
ઉપરવાસે સહેજ ચઢીને.
પણ
કોણ સતત સડાવી શકે એક નાની નદીનાં યે પાણીને
મનસ્વીને,
વળી કોણ સતત રાખી શકે સાફ એમને ?
એ એક નાનકડી નદી વહ્યા કરે છે.
મેદાન સોંસરવી
ગઢ સોંસરવી
નાનકડી.
સૂરજ આથમે પછી દેખાય કે ચંદ્ર
તો ક્યારનો ઊગ્યો હશે સીમાડા પાછળથી
અંધારું થતાં તો દોઢ વાંસ ઊંચો દેખાય છે આકાશમાં.
આથમણા દરવાજે રાંગ પર ગોઠવેલી તોપના નાળચા પાસે
બેઠો છું, ને દખણાદા ઉજ્જડ મેદાનમાં
દસેક ભડકા થયા છે
રોજ માફક
ચિતાના.
નીચેથી, ગઢની કાળી દીવાલ આડે,
એમની નકશી વધારે ઉઠાવ લેતી હશે
અહીંથી સ્હેજ ચપટી લાગે છે ઝાળ.
નવાઈ શેની થાય, હવે,
હવે નવાઈ નથી થતી, નથી રહી નવાઈ હવે.
અજાણી હતી ફોજ. એ આવી તે પહેલાં સોદાગર જેવા
આવ્યા હતા પાંચ-સાત ત્યારે કેટલું કુતૂહલ હતું ગામ આખામાં :
એમની બોલછા, એમની આંખોનો રંગ, એમની પોઠનો માલ,
એમના સોનૈયા પરની છાપ, કપડાંનો વણાટ એમના પહેરવેશનો.
પછી ઘેરો શરૂ થયો, ઉપરવાસનાં ત્રણ રણ આપણે
હાર્યા પછી, પછી અજાણ્યું બધું જાણીતું થઈ ગયું.
માત્ર ફોજ નહીં.
નવાઈ પહેલાં તો હતી અજાણી ફોજની,
પછી
અજાણ્યા હતાં આપણે એકમેકને આટલાં બધાં, તેની
છેવટ નવાઈ લાગી સહુને પોતપોતાની
મથ્યો તે મથ્યો છે
કેટકેટલું મથ્યો છે ગઢ તોડવાને ઘેરો !
વીરતાથી યે મથ્યો છે. મથ્યો છે કાયરતાથી યે,
કપટથી યે.
ટક્યો ટક્યો તે કેવું ટક્યો છે ગઢ !
કપટથી યે ટક્યો, કાયરતાથી યે, વીરતાથી યે, જડતાથી યે ટક્યો.
સગા ભાઈઓને ચાલે એકબીજા વગર,
પણ ટકી ન શકે એકમેક વિના
આ ઘેરો અને ગઢ.
ટક્યા, મથ્યા, મથ્યા, ટક્યા, ટક્યા, મથ્યા તે કેટલું
મથ્યા છે.
દસેક ભડકા થાય છે ઉજ્જડ દખણાદા પટમાં
વિધિસર, છાપરી નીચે, તળાવ કાંઠે મા’દેવની સામે,
લાકડાના ગંજ ને ચંદનના કોથળા જ્યાં મળતા હોય તેવી,
વિધિસરની સ્મશાનભૂમિ તો રહી ગઈ ગઢ બહાર.
દસેક ભડકા થાય છે ને સેંકડો મશાલ સળગે છે.
અજવાળું યે જાણે કે ઓછું પડે છે ને અંધારું યે કહીએ
કે ઓછું પડે છે ને તોપના નાળચા પાસે ઊભા ઊભા
રાત ખૂટતી નથી. આના કરતાં કેસરિયાં કરીએ.
ફોજ અને ગામ વચ્ચે ખાઈઓ છે.
ખાઈઓમાં કેવાં મઘમઘે છે પોયણાં ! પાણી સ્થિર છે. મહિનાઓથી
ચાલે છે ઘેરો. ગામમાં સેંકડો બાઈઓનાં પેટ મોટાં છે. આ
ફેલાયેલા ગામના મહોલ્લે મહોલ્લે જાણે બે વાત આપણને
સહુને એકઠા, સંકળાયેલ ને સમાન રાખે છે :
ઘેરો અને ગરભ. ખાઈઓનાં પાણીની પોતાની વિશેષ વાસ છે.
તોપના તંગ ઊંચા નાળચા પર હાથ ફેરવતાં ફેરવતાં મારું મન
વિચારે ચઢી જાય છે.
ઘેરો ઘાલીને પડેલી ફોજના ચહેરામહોરા તો જાણીતા હવે
થઈ ગયા છે. એમાંનાં કેટલાંયને તે હું તો ઓળખી કાઢું,
કમાડ ખૂલશે કે કમાડ તૂટશે ત્યારે બાથંબાથ ભેળા
મળીશું ત્યારે જરૂર ઓળખી કાઢીશ આમાંથી પચીસ
પચાસને તો. આથમતા સૂરજના તેજમાં સહેજ રતાશ મારતો,
વહેલી બપોરના ઝળહળાટમાં ઉઘાડો પડી ગયેલો, મશાલોના
ભડકાએ વેરવિખેર કરી નાખેલો, અજવાળિયાની પાછલી
તિથિઓના આકાશ તળે સોહામણો લાગતો માણસનો
ચહેરો ફરી ફરીને જોયો હોય, એની વાત જ જુદી છે.
પચીસપચાસને આંખોના અણસારે ઓળખી કાઢીશ.
ને આ કારમા કાળમાં ઘણા યે મરદ ઘરની ઔરતના
પાંગરેલા પેટ તરફ જોઈ વિચારે ચઢી જાય છે. પછી સ્હે
જ હસી પડે છે.
ઘેરાની ભીંસને કારણે કે સ્વાભાવિક રીતે જ કદાચ આપણને
એકમેકનાં મોં ઘીરે ધીરે ઓછાં ગમતાં થયાં છે. ગઢની અંદર.
સહસા બળબળતાં પોટલાં વરસી પડે છે ઘાસની ગંજી ક્યારેક
સળગી ઊઠે છે પછી પાસેનાં કમાડ આંચ પકડી લે છે ને
જોતજોતામાં છાપરા સુધી સસડી જાય છે ભીંતો ને
મોભ પર, વાંદરું રમતું હોય એમ, નાની નાની ઝાળ
ઊછળે છે ને ભડભડભડભડભડભડભડભડ
ભડ કોણ ને કોણ કાયર ?
બધાં માણસ.
આમને યે માણસ ને સામને યે માણસ.
મરતાં યે માણસ ને જનમતાં યે માણસ.
ગાભણાં યે માણસ ને વાંઝણાં યે માણસ.
સતાં યે માણસ ને પાપણાં યે માણસ.
ચોંપીલાં યે માણસ ને મૂઢ એ ય માણસ.
ગમતાં યે માણસ ને અણગમતાં યે માણસ.
જાણીતાં તે જાણીતાં કંઈ કેટકેટલાં માણસ.
માણસની સામે આ તો લટકાં કરતાં માણસ.
આમને યે માણસ ને સામને યે માણસ.
ગઢ બહાર ને ગરભ માંહ્ય અજાણ્યાં સહુ માણસ.
આમ ને આમ લવરીએ ચઢી જવાય છે હમણાંનું વળી
તમે નથી, ભેરુ, તોય તમારી સાથે વાતોએ ચઢી જવાય છે.
આના કરતાં કેસરિયાં કરીએ.
ભલાદમી, એક જણ એકલો
જે કરે તેને કેસરિયાં કેવાય ?
ભલાદમી, તને
વિચારો શેના આવે છે ?
તને દુઃખ શેનું છે ?
હજી ગઢમાં અનાજ ખૂટ્યું નથી.
નદીનાં પાણી ભલે ચોખ્ખાં નથી, તો મેલાં યે નથી.
ને તું યે
જો સુખી નથી તો દુઃખી યે નથી.
ને સ્નેહસોબતમાં નથી, તો એકલો યે નથી.
માણસ જેવો માણસ છે ને માણસ વચ્ચે જીવે છે. તે છે શું ?
કે
ગઢની ખાઈમાં ખીલતાં અઢળક પોયણાં
રાતોની રાતોને ભરચક ભરીને પછી એ સ્થિર પાણીમાં
ત્યાંનાં ત્યાં જ કરમાઈ જાય છે,
એટલે ?
રાતને સમયે ડોકાબારી ફંગોળી, રાંઢવાનાં ચક્કર ગોળ
ઘુમાવતાંક, કડેડાટ લાકડાના પુલોને નીચા ઉતારી, મારતે ઘોડે,
દસ દસ પાટિયાં ઠેકતાં ધસી જતાં જતાં,
ઝૂકી, લળી, લંબાઈને હાથ ફેલાવી એકાદ પોયણાને
સ્થગિત પાણી પરથી તોડી લઈ, પાઘમાં પરોવી લઈ,
પેલી વારંવાર જોયેલી છાવણીના જાણીતા રસ્તાઓમાં
જાણીતા મસ્તક હાથ લંબાવી તોડી લેવા પહેલી વાર
સાવ એકલા આખરનું ધસી જવાનાં અરમાન છે ને ?
પાણીની પોતાની ગંધથી પોયણાંની ગંધને અળગી તારવવી
એ કેમ તારે માટે આટલું જરૂરી છે, ભલાદમી ?
અને, આખર, પાણી એટલાં સ્થિર તો નથી
જેટલી સ્થિર છે પેલી ડુંગરોની હાર.
પોપટનાં લીલાં, મખમલી ઝુંડ ઝૂકી પડે છે. બગલાંની
હાર સ્હેજ સ્હેજ છેટે ખાબકે છે; ને તુંય તે
ફેંકે છે પથરો ક્યારેક ક્યારેક, નહીં ?
અરે, હું તો મારી સાથે વાત કરવા લાગ્યો.
તમે નથી પાસે, ભેરુ ને તમારી સાથે વાતે વળગું છું, તેમ.
પછી સંદેહ જાગે છે કે
લવરીએ ચડીને મારી પોતાની સાથે વાતે ચડું છું, તે
હું પોતે યે છું કે નહીં ?
ઘેરો છે ઘેરો, આટઆટલાં માણસ ચોમેર ખડાં છે.
ચોદિશ પહેરા, ન ઉઠાવે કોઈ કોઈના પરથી નજર.
ને ઉમેર્યો મેં એક જણ એમાં. પોતાની સાથે જ
વાતે ચડી જઈને, હવે કોણ ભરશે પહેરો એના પર ?
એટએટલું એકલવાયાપણું છે બધે ? કે બીજું છે એનું કારણ ?
—આ જે ઉમેરાયો એક જણ ?
ડુંગરા સ્થિર છે.
ડુંગરાની કાળી લસરકાતી લીટી ઉપર
ભૂરું આકાશ સ્થિર છે.
આકાશમાં તેજભર્યાં નક્ષત્રો ચાલે છે.
પણ એમના ચાલવાનો કશો જ સંબંધ નથી
આ રાંગ પર ફરી ફરીને મારા ફરવા સાથે ડાબેથી
જમણે જાઉ છું કે જમણેથી ડાબે. નક્ષત્રો ચાલે છે.
તે આકાશગંગાનાં ખળખળ વહેતાં પાણી સાથે
મારી તરસને કશો જ સંબંધ નથી ?
મારો સંબંધ તો છે આ ઘેરા સાથે, એટલું જાણું છું
મારી ભૂખ અને તરસનો સંબંધ
મારા હલનચલનનો સંબંધ
સવારથી સવાર સુધીના મારા થાકનો સંબંધ : ઘેરા સાથે.
પહેલી રાતે
ક્યારેક તો તંદ્રાનો તીખો હુમલો થાય છે ભીતરથી
ત્યારે જાગવા મથતો હું મને મારાથી એટલો અળગો લાગું છું
કે ભ્રમણા થાય છે. હું ઘેરો ઘાલનાર ફોજનો ભાગ છું, એવી.
મને સાચેસાચ ભ્રમણા થાય છે કે મારો મારી સાથે કશો સંબંધ નથી
અથવા તો
કોટાનકોટિ અધધધ તારાઓએ ચોતરફથી ન તૂટે તેવો ભયાનક ઘેરો ઘાલ્યો છે
ને હું ગઢ છું - ભંગુર પણ અણનમ
ભ્રમણાથી તે સત્ય સુધીનું અંતર એક ડગલાથી યે ઓછું થઈ ગયું છે.
ને મારે રોન ભરવા માટે રાંગ પર જગ્યા નથી.
પથ્થરના પૂતળા જેવો પથ્થરના ગઢ પર ખડો છું. ને આંખમાં
બે તારા ઊતરીને ઉભડક બેસે છે.
પછી થોડી વારે રાત આખરની ભાંગે છે.
ને હાથીના પગ તળે કોઈ ખૂટલનું બેવડ ઘડ દબાય, બટકે,
ને ભીતરના રાતા અને રંગરંગીન અવયવ ડોકાય બહાર
તેમ પરોઢ બહાર આવે છે. ત્યારે
ફરી મને થાય છે
કે હું મરીને એક તારો થઈશ,
બ્રહ્માંડમાં કોટાનકોટિ તારાઓ, ઝળહળ ઝળહળ, પલપલ
પલકતાં, અંત વિનાના બ્રહ્માંડમાં તારાઓ ...
સૂરજ ઊગે છે ને ગઢની પેલી તરફ ઘેરો; આ તરફ, આ
તરફ...
ગઢમાં ગરદી થઈ જાય છે એવી પળે.
ભારે ભીંસ છે. ઘેરા પર ઘેરા છે : ડુંગરા,
ડુંગરાના ઘેરામાં ફોજ, ફોજના ઘેરામાં ગઢ,
ગઢના ઘેરામાં માણસો, દરેક માણસના ઘેરામાં
ભીતરી મેદાન, ભીતરી મેદાનમાં ભીડ.
ભીતરી મેદાનમાં ભીડ : પણ ભીડની વચ્ચોવચ ગઢ.
ગઢની એક તરફ અરધી ભીડ, અરધી ગઢની ભીતર.
બહારવાળી ભીડ પૂછે ડારતે અવાજે : ટકાશે ?
ભીતરવાળી સાંભળે ચૂપચાપ.
પણ ડુંગરાની પાછળ-પણ ડુંગરાની પાછળ ?
કદાચ છે ને ગઢીના ખજાનાના ઓરડાની નીચે, કહે છે,
એક ભોયરું છે
ભોયરું સાસરવું નીકળે છે ઉગમણા ડુંગરની પાછળ,
કે અફવા ?
અથવા તોડી શકશે ગઢને, તોતિંગ ખીલાળા કમાડ પર
ઊંટ ભેટાડી, હાથી ભટકાડી, કે રાત વખતે ઝપાઝપ
તોપના ગોળા ઉરાડી સમારકામનો મોકો જ ન રહેવા દઈ...
અથવા તો ખૂટશે ભીતર કશુંક અનિવાર ? અથવા હટશે
ચોતરફથી ઘેરો - હર્યોભર્યો ?
‘હર્યોભર્યો’ ? શો બોલ નીકળ્યો ભીતરથી, જાણે કે,
ઘેરો તોડી ટેકનો ?
ડરને અને ઈચ્છાને એક સરખો ચહેરો.
થયું છે ક્યારેક ક્યારેક થયું યે છે મને
કે
જો એકાએક આ ચોતરફનો ઘેરો ઉઠાવી લઈ
આ ભીંસ કરતી ફોજ હટી જાય ક્યાંક એક રાતે
તો વળતી સવારે
આ અડીખમ ગઢ
ફાટી પડે અંદરથી જ બહાર તરફ, જેમ
પરપોટો ફાટી પડે ફટાક
જો ચોતરફનું ભીંસ કરતું પાણી સહસા ઓસરી જાય
અચાનક રક્ષક. ભ્રમણા કે સાચ ?
પાણી.
અંધારામાં મને સંભળાય છે અવાજ વહેતા પાણીનો.
સાદી, નાનકડી, શાંત નદી
વહે છે ગઢ સોંસરવી, મેદાન સોંસરવી,
પેલા ડુંગરાની (ના, પેલે પાર નહીં) ભીતરથી પ્રગટેલી
શાંત, નાનકડી, સાદી નદી વહે છે
સોંસરવી.
સૂરજ ઊગ્યો છે.
થોડાંક ગાબડાં થોડુંક સમારકામ : છે, ગઢ છે.
થોડીક ડોળીઓ થોડીક નવી ટુકડીઓ : છે, ઘેરો છે.
એક વધારે રાત પૂરી થયાનો થાક છે,
એક વધારે રાત પૂરી થયાનો આનંદ પણ.
ને કળતર પણ.
પાણીમાં ઝબકોળાવા નીચો ઊતરું છું રાંગથી,
ડબકોળાઉ, ડૂબકી મારું. નદીમાં,
હાથ પગ છાતી જાંઘ વાંસો માથું ખભા બાવડાં
ખભા પરનો નાનકડો અમથો મસો આખો હું
આખેઆખો હું, છતાં નથી કરતો ખાસ મારો વિચાર.
વહી જાય છે નદી
ન સાફ, ન મેલી
શાંત, નાનકડી, સાદી
મારા સોંસરવી.....શાંત.
('જટાયુ')