ગાતાં ઝરણાં/ઋણ સ્વીકાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 54: Line 54:
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  નિવેદન
|previous =  નિવેદન
|next = સર્જક-પરિચય
|next = કર્તા-પરિચય
}}
}}

Latest revision as of 02:04, 15 May 2024


ઋણ સ્વીકાર

જીવનમાં અણધાર્યું ઘણું બને છે.

મારા કાવ્ય-સંગ્રહની બાબતમાં એવું જ બન્યું છે.

મને જેની કલ્પના પણ ન હતી એ થેલી આપવાની વાત જ્યારે કેટલાક મિત્રોએ સૌ પ્રથમ મને જણાવી ત્યારે આ કાર્યની ગંભીરતા મને જણાઈ ન હતી, પણ થેલી આપવાનું કાર્ય માત્ર ગણતરીના દિવસોમાં જ પતી ગયું અને ત્યારે મારી જવાબદારીના ભાને મને ચિંતિત કરી દીધો.

કાવ્યો બધાં વેરવિખેર પડ્યાં હતાં. એને એકત્રિત કરી એના ગુણદોષ જોઈ-તપાસી મઠારીને ગ્રંથસ્થ કરવાનાં હતાં. આ કાર્ય મારે માટે નવું હતું. વળી કવિને પોતાની કઈ કૃતિ ખરાબ લાગે? પણ મારી મૂંઝવણુનો ઉકેલ આવી ગયો.

કેટલાક સમભાવી અને માયાળુ મુરબ્બીઓએ એ કામને પોતાનું ગણી મને ઋણી કર્યો છે.

સૌથી પ્રથમ શ્રી ઈશ્વરલાલ ઈ. દેસાઈ બધાં કાવ્યો તપાસી ગયા. એમણે કેટલાંક કીમતી સૂચનો કર્યાં. ત્યાર બાદ શ્રી પ્રીતમલાલ મઝમુદારનો મેં સૌથી વિશેષ સમય લીધે. કલાકો સુધી કવિતાના ગુણદોષની ચર્ચા કરી એમણે મને પુષ્કળ માર્ગદર્શન આપ્યું, કાવ્ય રચનાના ભયસ્થાન વિષે સાચી સમજ આપી અને કેટલીક પંક્તિઓને સુંદર રીતે મઠારી પણ આપી. ત્યાર બાદ બધી કૃતિઓ શ્રી ઉમાશંકરભાઈ પર મોકલી આપી. ઘણાં ઘણાં - રોકાણો છતાં ઉમાશંકરભાઈ અત્યંત કાળજીથી બધી કવિતાઓ એક એક પંક્તિ વિરામ ચિહ્નો સહિત તપાસી ગયા, કંઈ કેટલાય સુધારા સૂચવ્યા અને કેટલીક પંક્તિઓને પાસાદાર દર્પણ જેવી ચમક આપી અને સાથોસાથ પ્રસ્તાવના પણ લખી આપી. એ વાંચી મારા આનંદનો પાર ન રહ્યો.

“નિગાહે લુત્ફોઈનાયતસે ફયઝયાબ કીયા,
મુઝે હઝૂરને ઝરરે સે આફતાબ કીયા.”

મને રજકણને સૂર્ય બનાવી મૂકનારું એ સૌજન્ય હતું. એમની મારા પ્રતિ હંમેશ મીઠી નજર રહી છે અને તે માટે હું તેમનો સદાનો ઋણી છું.

આ બધી પ્રક્રિયામાં સારો એવો સમય નીકળી ગયો, એટલે સંગ્રહ મોડો પ્રગટ થઈ શક્યો છે.

શ્રી ઉમાશંકર જેવા રસજ્ઞ, સમભાવી મર્મજ્ઞે યોગ્ય છણાવટ કર્યા પછી મારે મારાં કાવ્યો વિષે વિશેષ શું કહેવાનું હોય? સંભવ છે કે એમણે ઉદારતાથી જતી કરી હોય એવી ક્ષતિઓ પણ મારી કૃતિઓમાં હોય.

થેલી અર્પણ સમારંભ પ્રસંગે કવિ અને કવિતાના ઉચ્ચ આદર્શની છણાવટ કરતો મૂલ્યવાન સંદેશ(કવિ અને કલાકાર) પાઠવવા માટે મારા પ્રત્યે હંમેશ મીઠી નજર રાખનારા મુરબ્બી શ્રી વિષ્ણુભાઈનો આભાર માનું છું.

મારા પ્રત્યે માયા રાખનારા પંડિત ઓમકારનાથનો આભાર ક્યા શબ્દોમાં માનું? એમના “બે બોલ” આ સંગ્રહ માટે સ્વાગત ગીત સમા છે.

મુરબ્બી શ્રી મોહનલાલ પાર્વતીશંકર દવેનો મારા પ્રત્યેનો પરમ સદ્ભાવ અને મમતા પણ ન જ ભૂલું! એમના જેવી સૌજન્યમૂર્તિનો સ્નેહ સંપાદન કરનારે પોતાની જાતને ધન્ય માનવી રહી. આ સંગ્રહ માટે એમણે લખી આપેલા બે શબ્દો માટે એમનો ઋણી છું.

મારી ગઝલ-પ્રવૃત્તિમાં સદાય રસ ધરાવતા અને ક્યારેક ક્યારેક ઠપકા સહિત યોગ્ય દિશાસૂચન કરતા જ. “મુનાદી” સાહેબ, જેમના બે બોલનો સુયોગ મને પ્રાપ્ત થયો છે, એ વડીલનો દિલથી આભાર માનું છું.

થેલી અર્પણ સમારંભમાં હાજર ન રહી શક્યા છતાં તે પ્રસંગે આશીર્વાદ રૂપે સંદેશા મોકલી આપવા માટે શ્રી જ્યોતીન્દ્ર હ. દવે, શ્રી કરસન માણેક, શ્રી ચંદ્રવદન મહેતા અને સુરત સુધરાઈના પ્રમુખ શ્રી ધીયા સાહેબનો આભાર માનું છું.

“ગની-કાવ્ય-પ્રકાશન સમિતિ”નો આભાર ક્યા શબ્દોમાં માનું? આ સંગ્રહ પ્રકટ થઈ શક્યો છે તેનો યશ અને શ્રેય એને જ ઘટે છે. પ્રમુખશ્રી તથા મંત્રીઓ અને સભ્યોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

આ સંગ્રહ માટે સૌ પ્રથમ પ્રેરણા આપનાર મારા મિત્ર શ્રી મનુભાઈ બક્ષીને કેમ વીસરું? તથા સંગ્રહનું નામ સૂચવનાર શ્રી રતિલાલ–અનિલને પણ હું કદી નહીં ભૂલી શકું. સંગ્રહને શણગારવાનો પહેલેથી છેલ્લે સુધીનો યશ એમને જ ઘટે છે. બહુ જ નિકટના એ સહમાર્ગી મિત્રનું સ્થાન મારા હૃદયમાં છે.

મારી કાવ્ય-પ્રવૃત્તિમાં રસ લઈ મને પ્રોત્સાહન આપનાર દરેક સ્નેહીનો અલગ અલગ ઉલ્લેખ કરવો અશક્ય છે માટે તેમનો સમૂહગત આભાર માની લઉં છું.

કાવ્ય–સંગ્રહને પૂરતી કાળજીથી ટૂંક સમયમાં સારી રીતે છાપી આપવા માટે ગાંડીવ મુદ્રણાલયના સંચાલકોનો આભાર માનું છું.

અંતમાં જેવો છે તેવો આ કાવ્ય–સંગ્રહ ગુણત ગુજરાતને ચરણે ધરી કૃતાર્થ થાઉં છું.

૬-૮-૫૩
ગોપીપુરા, સુભાષચોક
સુરત
“ગની” દહીંવાલા