અર્વાચીન કવિતા/જેહાંગીર માણેકજી દેસાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 52: Line 52:
દૃગથી અશ્રુધાર, દ્રવન્તી, થયું ક્ષીર એ ક્ષાર!
દૃગથી અશ્રુધાર, દ્રવન્તી, થયું ક્ષીર એ ક્ષાર!
મંજુલ વંજુલ રસઝરણાનો ઊડ્યો સહુ કિલકાર.
મંજુલ વંજુલ રસઝરણાનો ઊડ્યો સહુ કિલકાર.
{{gap|10em}}‘આત્માનાં આંસુ’ (વ. ૧૯૨૪).</poem>}}
{{gap|6em}}‘આત્માનાં આંસુ’ (વ. ૧૯૨૪).</poem>}}
<br>{{HeaderNav2
<br>{{HeaderNav2
|previous =    દેશળજી પરમાર  
|previous =    દેશળજી પરમાર  
|next =  ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો
|next =  ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો
}}
}}

Revision as of 13:34, 14 July 2024

જેહાંગીર માણેકજી દેસાઈ
(૧૮૭૭ – ૧૯૪૬)

ચમકારા (૧૯૩૧), પારસિકા (૧૯૩૮), રસધારા (૧૯૪૧). શુદ્ધ ગુજરાતી કવિતા લખનારા તથા શિષ્ટ ગદ્ય ઉપર કાબૂ ધરાવનારા પારસી લેખકોમાં મહત્ત્વના ગણાય તેવા આ લેખક છે. તેમનું ગદ્ય ઉપર જેટલું પ્રભુત્વ છે તેટલું ગુજરાતી ભાષાના શુદ્ધ પદ્ય ઉપર તેમજ કવિતાની બાની ઉપર નથી. તેમના ત્રણ સંગ્રહોમાંની સંખ્યાબંધ રચનાઓમાં તેમની શૈલી પારસીબોલીની અને દલપતરીતિની કવિતાની વધુ નજીક રહેલી છે. ‘પારસિકા’નાં કાવ્યો પારસી જીવનને લગતાં હોઈ, પારસી બોલીની અસર તેમાં વધુ ઊતરી છે. છતાં એ કાવ્યોમાં પારસી બોલીના બીજા લેખકો જેટલો આવેશ તથા તમન્ના આવી શક્યાં નથી. આ કાવ્યોનું મહત્ત્વ પારસી ધર્મની કેટલીક ભાવનાઓને સુગમ્ય કરવા પૂરતું છે, પણ તેમાં કળાતત્ત્વ ન જેવું છે. ‘ચમકારા’ અને ‘રસધારા’નાં કાવ્યો ચાલુ જીવનના અનેક પ્રસંગોને તથા જીવંત વ્યક્તિઓને સ્પર્શે છે. તેઓ ગુજરાતી ભાષાનો સારો પરિચય ધરાવે છે છતાં પોતાના વિષયને કવિતાની રસવત્તાએ લઈ જવાની શક્તિ તેમનામાં બહુ દેખાતી નથી. તેમનામાં સંસ્કૃત પિંગળ ઉપર બહુ થોડો કાબૂ છે. સંસ્કૃત શબ્દોના તેમણે કરેલા પ્રયોગો શિથિલ છે. કાવ્યરચનામાં તેમની કલ્પના બહુ પ્રાથમિક ભૂમિકાએ વિચર્યા કરે છે અને ગમે તેવા ઊંચા કે મોટા વિષયને તેઓ સામાન્ય પ્રાકૃત ભૂમિકાઓથી ઊંચે લઈ જઈ શકતા નથી. તેમણે ઘણુંખરું તો ગેય ઢાળોમાં લખેલું છે. જુદા જુદા રસોને તથા અનેક વિષયોને તે સ્પર્શ્યા છે. તેમાં દેશભક્તિ તથા હાસ્યના વિષયો ખાસ ધ્યાન ખેંચે છે. પ્રભુભક્તિનાં કાવ્યોમાં બીજાં કાવ્યો કરતાં વધારે સૌષ્ઠવ છે. લેખકનાં સૌથી વધારે રસાવહ કાવ્યો કટાક્ષનાં બનેલાં છે. ‘રસધારા’માંનાં હાસ્યવિભાગનાં કાવ્યોમાં કેટલોક બુદ્ધિશાળી કટાક્ષ દેખાય છે. ઐતિહાસિક તથા હિંદુધર્મની પૌરાણિક કથાઓ લઈને લખેલાં કાવ્યોમાં ઊંચી વર્ણનાત્મક શક્તિ લેખક લાવી શક્યા નથી. લેખકનો દાવો પણ હળવી ભૂમિકા ઉપર રહી છંદપદની બહુ ઝીણવટમાં ઊતર્યા વગર પ્રાકૃતજનને પ્રસન્ન કરવાનો છે. અને તેમાં તેમને સફળતા મળેલી છે. ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યાના ‘સંયુક્તાખ્યાન’ (૧૯૩૨)માં મનહર છંદમાં જૂની ઢબે સંયુક્તા-પૃથ્વીરાજનો શૃંગાર વર્ણવાયો છે. કુદરતનાં કેટલાંક વર્ણનો સારાં છે. શૃંગારરસનું નિરૂપણ કેવળ સ્થૂલ છે, અને કદીક તે ઉપહસનીય પણ બની જાય છે. વાણીમાં સરલતા છે, પણ ઔચિત્ય અને ગૌરવ નથી. લેખકના ‘તરંગમાલા’ (૧૯૩૩)માં અર્વાચીન શૈલીમાં સિત્તેરેક કાવ્યો છે. આ અધ્યાપક લેખકનો ભાષા છંદ વગેરે પર કાબૂ છે, પણ તેમનું કાવ્ય રસના કે જીવનતત્ત્વના ઊંડાણમાં જઈ શકતું નથી. દલપતની રીતિએ ‘અરીસો’ કાવ્ય આહ્‌લાદક બન્યું છે. હીરાલાલ દ. મહેતાનું ‘હરિગીત અને બીજાં કાવ્યો’ (૧૯૩૨) તેમાંના દસ દસ પંક્તિવાળી ૧૦૩ કડીના લાંબા ‘હરિગીત’ કાવ્યને લીધે ધ્યાન ખેંચે છે. ઈશ્વરને આલંબી કરેલું જુદી જુદી જાતનું ચિંતન તથા ભક્તિ આ હરિગીત છંદમાં લખાયેલ કાવ્યનો વિષય છે. પ્રકૃતિમાં પ્રભુના સૌન્દર્યનું દર્શન, તથા માનવહૃદયની પ્રભુગામી મધુર ઊર્મિઓનો આમાં થોડો થોડો સુંદર સ્પર્શ છે, તોપણ કાવ્યની બાની રસની ઘનતાએ બહુ પહોંચી શકી નથી. કાવ્ય કેટલીક વાર લાગણીની તથા વિચારની ઘણી હળવી તથા સાધારણ કોટિમાં સરી પડે છે. ‘મૃગનો માર્ગ’ તથા બીજાં પ્રકીર્ણ કાવ્યોમાં ‘મૃગનો માર્ગ’ની -બાની વધુ શ્લિષ્ટ તથા ઊર્મિસંભૃત બની છે, જોકે તેમાં નિરૂપણની શિથિલતા છે જ. સ્નેહજ્યોતિ – પછીથી સ્વામી સ્વયંજ્યોતિ બનેલા આ સંન્યાસી કવિનાં ૧૯૦૪થી ૧૯૧૦ની વચ્ચે મુખ્યત્વે લખાયેલાં કાવ્યો ‘ભર્ગદર્શન’ અને ‘કિરણકલાપ’ (૧૯૪૩) નામે સંગ્રહાયાં છે. જીવનમાં સંન્યાસ ધારણ કરનાર આ સંવેદનશીલ કવિની રચનાઓમાં માર્દવ અને મીઠાશ છે. સંન્યાસ લેતાં પહેલાં પણ તેના ભણકારા તેમનાં કાવ્યોમાં દેખાય છે. એમની કવિતા કલાપી, કાન્ત અને ન્હાનાલાલ એ બધાના સંસ્કારો ઝીલીને તેને સારો આકાર આપી શકી છે, તેમ જ પોતાનું આગવું તત્ત્વ પણ થોડું આપી શકી છે, ખાસ તો એમનાં અપદ્યાગદ્યનાં ત્રણેક કાવ્યો ન્હાનાલાલના અપદ્યાગદ્યની ચારુતાને બરાબર ઝીલી શક્યાં છે. કાન્તની કોમળતા અને શિષ્ટ સરળતા પણ તેમનામાં છે. પણ કાવ્યકલાની પકડ ઢીલી છે અને કાવ્યો ઊંડો અર્થસંભાર કે રસનું ચારુત્વ પામી શકતાં નથી. તો પણ આવી મનોહર પંક્તિઓ તેમનામાં ઘણી મળે છે :

હું ખણું ઊંડું પાતાળ,
હું ઊડું વ્યોમ નભમાળ,
કે શિખર પહાડનાં તોડું,
ને ઉદધિસંગમ જોડું,
આ ગ્રહમંડળમાં ફરી ફરી પછી આ ભૂતલ સામે નિરખું;
તો અજબ સ્વાર્થની સંકલનામાં વિશ્વ અકલ છે સરખું.
‘સ્વાર્થ સરણી’

વિઠ્ઠલરાંય યજ્ઞેશ્વર આવસત્થીના “રસિકનાં કાવ્યો’ (૧૯૩૪)માં લેખકની છેલ્લાં ચાળીસેક વરસમાં લખાયેલી કૃતિઓ છે. આ લાંબા પટમાં વિકસેલી ગુજરાતી કવિતાની ઘણી અસરો તેમણે ઝીલેલી છે. તેમની ભાષા ઘડાયેલી, પ્રૌઢ અને શિષ્ટ રીતિની છે. અર્વાચીન કવિતાના મુખ્ય વિષયો, પ્રકૃતિ અને પ્રણય ઉપર તેમણે લખેલું છે, કેટલાંક વર્ણનાત્મક કથાકાવ્યો પણ લખ્યાં છે. ભાષા અને છંદનું સૌષ્ઠવ છતાં તેમની કૃતિઓમાં ઊર્મિઓ કે પ્રસંગો બહુ વિરલ પ્રસંગે રસની કોટિએ પહોંચે છે. પ્રકૃતિનાં સાદાં વર્ણનાત્મક કાવ્યોમાં લેખકને વધારે સફળતા મળેલી છે. ‘સરિતા સ્વયંવર’ તથા ‘વર્ષાવિહાર’ ‘ચંદા’ની ઢબની રસિક કૃતિઓ છે. પણ ‘તળાજાની ટેકરી’ ‘પ્રભાત’ તથા ‘દિલદાર-દર્શન’ જેવી કૃતિઓમાં તેમનો ગંભીર પ્રયત્ન સફળ નથી થઈ શક્યો તે દેખાઈ આવે છે. ‘પુનર્મેળાપ’નું કથાકાવ્ય પણ આ રીતની નિર્બળતા બતાવે છે. ‘બાળકાવ્યમાળા’ (૧૯રપ)નાં બાળકાવ્યોમાં તેમને વધારે સફળતા મળેલી છે. કેટલાક હળવા ભાવો કોમળ રીતે તેઓ વ્યક્ત કરી શકે છે. ખાસ કરીને તેમનાં ઋતુવાર રચેલાં છ હાલરડાંમાં કુદરતનું મનોહર વર્ણન આવે છે. ‘અમે સાત છંઇએ’ ‘એકણ લણનારી’ એ વડ્‌ઝવર્થની અંગ્રેજી કૃતિઓના સારા અનુવાદો છે. ‘મા આવ્યાની વાટ’ તથા ‘મીઠી માથે ભાત’ જેવાં કથાકાવ્યોમાં કરુણની ઘેરી છાંટ સફળ રીતે આવી શકી છે. ‘ન્હાનાલાલના ‘જ્યા-જ્યન્ત’નો અંગ્રેજીમાં અનુવાદ કરનાર ઉછંરંગરાય કેશવરાય ઓઝાએ ડોલનશૈલીમાં બે નાનકડાં ખંડકાવ્યો લખ્યાં છે. ‘શેણી અને વીજાણંદ’ અને ‘મેહ-ઊજળી’ (૧૯૩૫). ‘સૌરાષ્ટ્રની રસધાર’માંથી વાર્તાનો વિષય લઈને ડોલનશૈલીમાં ગૂંથેલાં આ કાવ્ય ગદ્યમાં લખાયેલી વાર્તા જેટલાં રસવાળાં બની શક્યાં નથી. આ સ્તબકની અંદર એવા ઘણાએક કવિતાલેખકો છે જેમનાં કાવ્યો માસિકોમાં અવારનવાર આવતાં રહ્યાં છે, પણ ગ્રંથસ્થ નથી બની શક્યાં. આમાંના ઘણાએક ઉપનામ હેઠળ લખતા હોઈ તેમને વિશે કાંઈ ચોક્કસ કહેવું મુશ્કેલ બને છે. એવા ઉપનામથી કે પોતાના નામથી લખતા પચાસેક ઉપરાંત કવિતાલેખકોમાંથી કેટલાકનાં કાવ્યો ધ્યાન ખેંચે તેવા કળાસત્ત્વવાળાં જોવા મળે છે. એમાંના કેટલાક તો સાહિત્યક્ષેત્રમાં પોતાની બીજી પ્રવૃત્તિથી વિશેષ જાણીતા બનેલા છે. આ લેખકોમાં નીચેનાં નામ ખાસ ગણનાપાત્ર છે : ‘ભ્રમર’, ‘કુંજ’, ‘મુકુલ’, ‘નિર્ગુણ’, ‘કુસુમ’ – દેવચંદ રામજી ઠક્કર, ‘વ્રજવિહારી’, ‘રસનિધિ’, ‘મલયાનિલ’, ‘નૂતનશ્રી’, ‘કુસુમાકર’, જીવાભાઈ અ. પટેલ, અતિસુખશંકર ક. ત્રિવેદી, મોહનલાલ પા. દવે, હિંમતલાલ જગન્નાથ પંચોળી, હાસમ હીરજી ચારણિયા, ચતુરભાઈ ઉમેદભાઈ પટેલ, મંજુલાલ જ. દવે, નર્મદાશંકર બાલાશંકર પંડ્યા, ચતુરભાઈ શંકરભાઈ પટેલ. ‘કુંજ’ની રચનાઓમાં નવી શૈલીની પ્રૌઢિ અને સરળતા તથા ચિંતનપરાયણતા જોવામાં આવે છે. ન્હાનાલાલ તરફ તેમનો ખાસ ભક્તિભાવ દેખાય છે. જ ‘શિશુક્રીડા’ અને ‘અમરવિજયી આત્મશુચિતા’ (‘બુદ્ધિપ્રકાશ’ ૧૯૧૨, ૧૯૧૭) તેમનાં સારાં કાવ્યોમાં ગણાય તેવાં છે. ‘વ્રજવિહારી’નાં ‘વીર નર્મદની ઉત્તરાવસ્થાનો વૃત્તિક્ષોભ’ તથા ‘કવિ અને તેનું વિશ્વ’ (‘સુદર્શન’ ૧૯૦૯) બંને લાંબાં કાવ્યો લેખકની શક્તિનાં સારાં ઉદાહરણ છે. જાણીતા વાર્તાકાર ‘મલયાનિલ’નાં કાવ્યોમાં એક પ્રકારની ખૂબ મીઠી હલક મળે છે. તેમના ગીતાંજલિના અનુવાદો, ‘રૂદિયામાં કોયલ’ તથા ‘મનોરથ ઝૂલો’ (‘બુદ્ધિપ્રકાશ’ ૧૯૧૮) ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. જીવાભાઈ પટેલે ‘માડીની ઝૂંપડી’ જેવી સૌમ્ય મધુર કૃતિ આપેલી છે. અતિસુખશંકર ત્રિવેદીએ ‘રામેશ્વરની યાત્રા’ (‘સુદર્શન’ ૧૯૧૦)ને સૌષ્ઠવવાળા પદ્યમાં મૂકેલી છે. હિમ્મતલાલ પંચોળીના ‘ઝૂલેખાનું સ્વપ્ન’ (‘સુદર્શન’ ૧૯૧૯)માં નરસિંહરાવની શૈલીનું ખંડહરિગીત છંદમાં સફળ પુનઃસર્જન છે. હાસમ ચારણિયાનું ‘દરિયો” (‘બુદ્ધિપ્રકાશ’ ૧૯૧૩) એક સુભગ કૃતિ બનેલી છે. ચતુરભાઈ ઉ, પટેલે ‘અજબ તાર ખેંચ્યા’ જેવાં કેટલાંક સુંદર ઊર્મિકાવ્યો લખેલાં છે. નર્મદાશંકર બાલાશંકરમાં નરસિંહરાવ તથા કલાપીની રીતની શક્તિ સારી દેખાય છે. ‘ન્હાની બ્હેન’ના (‘બુદ્ધિપ્રકાશ’ ૧૯૧૦) કાવ્યમાં ભાઈના મૃત્યુને કરુણ રીતે તેમણે નિરૂપ્યું છે. ‘ભૂતકાળના પડછાયા’માં તેમની શક્તિ ઘણા પ્રગલ્ભ રૂપે દેખાય છે :

મ્હેં દીઠા પ્રતાપી રાજા,
ને સુણી ધર્મની ગાથા,
મ્હેં નગ્ર ભવ્ય વિલોક્યાં,
ચતુરંગી સૈન્ય મ્હેં દીઠાં,
ને દીઠાં અસ્થિ પ્રાચીન પ્રજાનાં અવનિતટે રડવડતાં,
કાળનિધિઉપકંઠ વેળુમાં દીઠા લીસોટા જૂના.

મંજુલાલ જ. દવેએ કવિતાની વધારે સેવા તો અંગ્રેજી કાવ્યોના ઘણા સફળ અનુવાદો દ્વારા કરેલી છે, તોપણ પોતાની મૌલિક કૃતિઓમાં પણ તેમણે સારી સર્જકશક્તિ બતાવી છે. નરસિંહરાવ અને ન્હાનાલાલની શૈલીની છાયાઓ તેમણે પ્રશસ્ય રીતે અપનાવી છે. ‘તુજ કબ્ર પર’, ‘હું સમર્પું શું તને’ (‘બુદ્ધિપ્રકાશ’ ૧૯૨૫) તથા ‘બે કાવ્યો’ (‘સુદર્શન’ ૧૯૨૭)માં તેમની રચનાશક્તિ ખાસ રૂપે જોવા મળે છે. ‘બે કાવ્યો’માંથી નીચેની પંક્તિઓ પ્રકૃતિના એક વિરલ આંતરિક સૌન્દર્યને આલેખે છે :

છેલ્લી આ કિરણાવલી, છેલ્લી સાયંકાળનીઃ-
લસે નૌતમ ભાત એવી ક્ષિતિજરેખા અવનવી.
છાની એકલ તારલી અજ્ઞાન કો સાગર તરી
આવી વ્યોમતટે મનોહર મૂર્તિ શી રમવા તરી,
ને ચન્દ્રી ઊગે ભેખ ભગવે ઉભય પાર પ્રભા ઝગી.
લોકલોકાન્તર અમીમય તૃપ્તિ ઝીલે રસ રસી.
હસે પ્રકૃતિ હસે પુરુષ હસે માનવમંજરી
દેવમંદિર પ્રેમઘંટા બજી અદ્‌ભુત રાગ શી.

‘કુસુમાકર’ – શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરાની કવિતાની ઉપાસના સૌથી વધુ ગંભીર અને સતત વહનવાળી રહી છે. આપણા એક અત્યંત સમભાવી વિચારક શ્રી વિષ્ણુપ્રસાદના શબ્દોમાં કહીએ તો ‘કુસુમાકર કવિ છે; કલાકાર નથી, કારીગર પણ નથી... કુસુમાકર તપાસવા માગતા જ નથી જે મારી કવિતામાં સૌંદર્ય અને અર્થની વાહકતા કેટલી છે? એમના સંકુલ માનસમાં કેટલું મુદ્રારૂપ (pose) અને કેટલું સત્સ્વરૂપ (real) છે તે બીજાને તેમજ તેમને પણ મોટે ભાગે અજ્ઞાત જ રહેવાનું.’ એમનાં અનેક પ્રસિદ્ધ થયેલાં કાવ્યોમાંથી ‘આત્માનાં આંસુ’ (‘વસન્ત’ ૧૯૨૫) ‘નિર્વાણનું પદ્મ પરાગ ઢોળે’ (‘વસન્ત’ ૧૯૩૨) ‘મારાં દ્વાર’ (‘વસન્ત’ ૧૯૩૪)ને તેમની ઉત્તમ ક્ષણોનાં સર્જન તરીકે રજૂ કરી શકાય. આમાંથી પણ બીજી કૃતિ તેમણે અપનાવેલી ન્હાનાલાલીય લાક્ષણિકતાઓમાં ઉમેરો પામેલી તેમની વિલક્ષણ રંગદર્શિતાની વધુ સાચી પ્રતિનિધિ છે. જ્યારે તેઓ પોતાની શૈલીને પ્રસન્ન રાખી શકે છે ત્યારે પ્રસાદમધુર પંક્તિઓ રચી શકે છે તે નીચેની પંક્તિઓ પરથી જણાશે :

ઊભો હું કાળસરિતને તીર
વહે જ્યાં અમૃત સરખું નીર,
મલપતું ગાન મંજુ સુધીર.
વહન્તું નિર્મળ સ્વચ્છ શું ક્ષીર!
દૃગથી અશ્રુધાર, દ્રવન્તી, થયું ક્ષીર એ ક્ષાર!
મંજુલ વંજુલ રસઝરણાનો ઊડ્યો સહુ કિલકાર.
‘આત્માનાં આંસુ’ (વ. ૧૯૨૪).