નારીસંપદાઃ નાટક/રાજીનો સનેડો: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading|૩<br>રાજીનો સનેડો|}} <center> '''એક અંકનું નાટક'''<br> લેખિકા: સ્વાતિ મેઢ</center> સરનામું: સ્વાતિ મેઢ, ૧૦/૧૧૫, પરિશ્રમ એપાર્ટમેન્ટસ, વિમાનગર પાસે, સેટેલાઈટ રોડ, અમદાવાદ. મોબાઈલ નંબર ૯૭૨૪૪૪૨૫૮૬/...") |
No edit summary |
||
Line 35: | Line 35: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center|'''દૃશ્ય-૧'''}} | {{center|'''દૃશ્ય-૧'''}} | ||
Revision as of 02:25, 16 September 2024
રાજીનો સનેડો
એક અંકનું નાટક
સરનામું: સ્વાતિ મેઢ, ૧૦/૧૧૫, પરિશ્રમ એપાર્ટમેન્ટસ, વિમાનગર પાસે, સેટેલાઈટ રોડ, અમદાવાદ. મોબાઈલ નંબર ૯૭૨૪૪૪૨૫૮૬/૮૯૮૦૦૧૯૦૪ email: swatejam@yahoo.co.in
- સનેડો એટલે પ્રેમ, ઘેલછા, ધૂન. અહીં યુવાન નાયિકા રાજીની સ્વઓળખ માટેની ઝંખના અભિપ્રેત છે.
પાત્રો કુલ ૬, દૃશ્યો ૧૧
રાજીનો સનેડો, * (એક અંકનું નાટક) લેખિકા: સ્વાતિ મેઢ
પાત્રો
રાજી : નાયિકા. શરૂઆતમાં દસ વર્ષની કન્યાથી પુખ્ત વયની યુવતી તરીકે વિકસતું સ્ત્રીપાત્ર ઘેલી : રાજીની માતા ઘેલો : રાજીના પિતા ડાહી : રાજીની સમાન વયની બહેનપણી અમથો : રાજીનો યુવાન સાથી વાળંદકાકા, વાળંદકાકી
પ્રારંભમાં મંચ પર અંધારું છે અને નેપથ્યમાંથી સનેડાનું ગીત ગવાશે. પ્રારંભગીત : (સનેડાનો દોહરો) ઉંદર દેશના લોકમાં, પૂંછડાનો મહિમાય પૂંછડેથી શણગાર ને પૂંછડે વટ્ટવહેવાર (તાલ સાથે) હે જી પૂંછડે વટ્ટવહેવાર રે (૨) સનેડો સનેડો રાજીનો સનેડો (૨) (આ ગીત પૂરું થતાં એનાઉન્સમેન્ટ થશે.) (મંચ પર ધીમે ધીમે પ્રકાશ પથરાતો જાય છે.) પ્રવકતા : એક દેશ. અનેક પૂંછડિયા ઉંદરોનો દેશ. અનેક પૂંછડીઓ એમની પ્રાચીન પવિત્ર પરંપરા, ગૌરવવંતી પરંપરા, અભિમાન લેવાની પરંપરા, અનેક પૂંછડીઓ આ દેશના વાસીઓના જીવનનો આદિ, મધ્ય અને અંત. એમાં હતી એક રાજી. સાત સાત પૂંછડીઓવાળી રાજી....
દૃશ્ય-૧
(રાજી ઉંદરડી દસેક વર્ષની બાલિકારૂપે પ્રવેશે છે. ગીત ગાતી ગાતી આવે છે અને સ્ટેજ પર પહોંચીને નાચવા માંડે છે.)
રાજી : (ગીત અને નૃત્ય સાથે)
હું તો રાજી ઉંદરડી મારે સાત સાત પૂંછડીઓ
હું તો રાજી ઉંદરડી મારે સાત સાત પૂંછડીઓ
હું તો ઉંદરદેશની વાસી મારે સાત સાત પૂંછડીઓ
મારો કેવો પડે વટ્ટ મારે સાત સાત પૂંછડીઓ
હું તો વટ્ટ મારતી ચાલું મારે સાત સાત પૂંછડીઓ
(ગીત-નૃત્યને અનુરૂપ સંગીત પશ્ચાદ્ભૂમાં રાજી તરફ પ્રકાશ ઓછો થતો જાય.)
દૃશ્ય-૨
(રાજીની મા ઘેલી અને રાજીનો બાપ ઘેલો બેઠાં છે. રાજી નજીકમાં રમે છે. મા-બાપ હેતાળ નજરે રાજીને જોઈએ રહ્યાં છે.) ઘેલી: (ઉમળકાથી) રાજી બેટા, ત્યાં શું કામ બેઠી છું? અહીં આવી જા, મારા ખોળામાં) (રાજી પાસે આવે... આવતી રહે મારી મીઠડી, મારી વહાલુડી (ઘેલી રાજીને વહાલ કરે છે. ) ઘેલો: (રાજીને) જોજે હો બેટા, સાચવીને બેસજે હં કે (રાજીને એનાં પૂંછડાં સાચવતાં નથી ફાવતું) ઘેલો: (ઘેલીને સંબોધીને) કહું છું તમે ય તે જરા રાજીની પૂંછડીઓ સાચવતાં જાઓ. (ધેલી પ્રસન્નતાથી માથું હલાવે છે, રાજી જેમ તેમ બેસે છે. પડતી રહી જાય છે. મા એને સાચવીને બેસાડે છે.) ઘેલીઃ (હસીને) આવડી અમથી નાનકી ને પૂંછડીઓ લાંબી લસ્સ! ઘેલોઃ લે મારી રાજી તે કાંઈ જેવી તેવી છે? સાત સાત પૂંછડીઓ છે એને ! ખબર છે બેટા? આપણા અનેકપૂંછડિયા ઉંદરલોકમાં જેને જેટલી પૂંછડીઓ એટલી એની આન, બાન ને શાન. પેઢીઓની પેઢીઓ આ પૂંછડીઓને સાચવે અને એને માટે પ્રાણ પાથરે, તને ખબર છે બેટા. તારી આ સાત પૂંછડીઓ કોની કોની છે? રાજી: (ભોળાભાવે) ના. (આંખમાં કુતૂહલભાવ) ઘેલોઃ જો સાંભળ. એક પૂંછડી તારા હરખાદાદાની, બીજી પૂંછડી તારા ધનાકાકાની, ત્રીજી પૂંછડી તારા ઓતમદાદાની. ઘેલીઃ ઓતમદાદા એટલે મારા બાપા હં કે રાજી. એમને પાંચ પૂંછડીઓ હતી ને તારા હરખા દાદાને ય પાંચ પૂંછડીઓ હતી. ઘેલો: ચોથી પૂંછડી તારા ખુશાલમામાની, પાંચમી પૂંછડી તારા હસ્તાભૈલાની. રાજીઃ પણ તો મારી પૂંછડી કઈ? ઘેલી: જો ને આ રહી. નાનકડી પૂંછડી છે તો ખરી. ઘેલો: ને આ સાતમી પૂંછડી છે ને તે તારા.... ઘેલી: પેલા આવનારાની. રાજી: આવનારો એટલે? કોણ આવવાનું છે હેં મા? (ઘેલો-ઘેલી બેચ હસી પડે છે.) ઘેલીઃ કશું સમજતી નથી, નાની છે ને? (ફરી બંને હસે છે. એમનું જોઈને રાજી પણ હસવા માંડે છે અને મા-બાપની સામે જોયા કરે છે.) રાજી: પણ મા, આટલી બધી પૂંછડીઓનું શું કામ? ઘેલી: અરે એનાથી જ તો આપણું ખાનદાન ઊંચું ગણાય ને? એટલે તો મેં તને પેલું 'મારે સાત સાત પૂંછડીઓ'નું ગીત શીખવાડયું છે. એ રાજી બેટા, એ ગીત ગાને! 'મારે સાત સાત પૂંછડીઓ'નું. (રાજી માના ખોળામાંથી ઊતરીને નાચે છે અને ગાય છે.) રાજીઃ હું તો રાજી ઉંદરડી મારે સાત-સાત પૂંછડીઓ મારો કેવો પડે વટ્ટ મારે સાત સાત પૂંછડીઓ હું તો વટ્ટ મારતી ચાલું મારે સાત સાત પૂંછડીઓ, મારે સાત સાત પૂંછડીઓ મારે સાત સાત પૂંછડીઓ (ઘેલી અને ઘેલો રાજીના નૃત્ય-ગીતને તાળી પાડીને તાલ આપે છે.) ઘેલોઃ જા બેટા, હવે રમવા જા.
દૃશ્ય-૩
(સ્ટેજ પર ડાહી એકલી બેઠી છે. ડાહીને ચાર પૂંછડીઓ છે. રાજી આવે છે. બંને બાલિકાઓ છે. એકબીજાના હાથ પકડી લે છે.) ડાહી: રાજી. તું આવી ગઈ? હું ક્યારની એકલી બેઠી છું તારી રાહ જોતી. રાજી: હું મારાં મમ્મી-પપ્પા સાથે વાતો કરતી'તી. ચાલ રમીએ. શું રમીશું? (સહેજ વિચારવા રોકાઈને) એ ચાલ પકડાપકડી રમીએ. ડાહી : એ હા, ચાલ. (બંને પકડાપકડી રમવા માંડે છે. રમતાં રમતાં બંનેનાં પૂંછડાં એકબીજા સાથે અટવાઈ જાય છે.) ડાહી : (હસતી હસતી) એ રાજી, ઊભી રહે, મારી પૂંછડીઓ તારા ભેગી અટવાઈ ગઈ. રાજી : (હસતી હસતી) હાય હાય અલી. લે ચાલ છૂટી કરી દઈએ. (બંને પૂંછડાં છૂટાં કરવા જાય છે. પૂંછડાં વધારે અટવાય છે. બંને સહેજ દૂર જવા જાય છે ત્યાં પૂંછડીઓ ખેંચાય છે. બંનેની ચીસાચીસ, ચીસો સાંભળીને રાજીની મા બહાર આવે છે.) ઘેલી: શું થયું અલીઓ? રાજી: મા, જોને અમારાં પૂંછડાં ગૂંચવાઈ ગયાં. ગાંઠો પડી છે. અમારાથી છૂટતી નથી. ઘેલી: (ખિજાઈને) એવું તે શું કર્યું તે આમ ગાંઠો પડી ગઈ? ડાહી: (નિર્દોષ ભાવે) શી ખબર આવું કેવી રીતે થયું? રાજી: છે ને તે અમે પકડાપકડી રમતાં'તાં. (ઘેલી આંખો કાઢીને) ઘેલી: તે મૂઈઓ તમને પકડાપકડી રમવા કોણે કહ્યું'તું? નવરીઓ નહીં તો! રાજી: અમને પકડાપકડી રમવું બહુ ગમે. ડાહી : બહુ મજા પડે. દોડાદોડ કરવાની. ઘેલી: ચૂપ બેસો. ડાહીલીઓ. પકડાપકડી રમો એમાં પૂંછડાની આવી ગૂંચો પડે. રાજી: તો અમે શું રમીએ? ઘેલી: ઓટલે બેસીને એ ય મજાના કૂકા ન રમીએ? કૂકા નહિ તો કોડીઓ રમીએ, બંગડીના કાચ વીણવાની રમત રમીએ, આમ દોડાદોડી કરવાની શી જરૂર? ખબરદાર ફરી આવા ગૂંચવાડા કર્યા છે તો! ઉંદરડીઓ થઈને આવી દોડાદોડ કરો છો? શરમ નથી આવતી? (રાજી અને ડાહી બેયનાં મોં પડી જાય છે.) ઘેલી: ઓ ભગવાન, ક્યારે સમજશે આવી આ? (ખીજવાઇને) પકડાપકડી રમતી'તી, ના જોઈ હોય તો પકડાપકડીવાળી ડાહી, તું તારે ઘેર જા. રાજી: પણ મા, મને બેઠાં બેઠાં કૂકા રમવા નથી ગમતા. ઘેલી: બહુ થયું હવે. હેંડ તું ય ઘરમાં (અંદર જાય છે.) (ધેલી રાજીને ખેંચીને ઘરમાં જાય છે. રાજી પોતાની પૂંછડીઓ તરફ કંટાળાથી જોતી જોતી માની પાછળ પાછળ અંદર જાય છે.) (સમય પસાર થયાનું પાર્શ્વસંગીત)
દૃશ્ય-૪
(રાજી થોડી મોટી થઈ છે. ટીનેજર છે. રાજીની પૂંછડીઓ રંગેલી છે, એને ફૂમતાં બાંધ્યાં છે.) (નેપથ્યમાંથી રાજીનો પ્રવેશ. રાજી દોડતી દોડતી આવે છે. એને દોડતાં ફાવતું નથી, કૂદવા જાય છે, પૂંછડાંમાં પગ અટવાય છે, એ પૂંછડાં હડસેલવા કરે છે, ખિજાય છે.) રાજી: (બબડે છે ) ત્રાસ કરે છે આ પૂંછડીઓ. જ્યાં જઈએ ત્યાં નડે, ચાલવા જઈએ તો જોડે ઢસડાય કૂદવા જઈએ તો આડી આવે. પાછી એને સાચવવી ય પડે. મા કહે છે. પૂંછડીઓ સાચવી જાણે એ જ ઉંદરડી ખરી. ધૂળ ને પથરા! (પ્રેક્ષકોને સંબોધીને) આ જુઓ, જુઓ તો ખરા. મારી માએ પરાણે, ખરેખર હો, પરાણે મારી પૂંછડીઓ રંગી આપીને પાછા કૂમતાં ય બાંધી આપ્યાં. મને તો જરાય નથી ગમતું, પણ મા કહે છે શોભા, શણગાર વિના ઉંદરડી કેવી દેખાય? તમે કહો, કેવી દેખાય? મને તો મારી રંગેલી પૂંછડીઓ દેખાતી નથી. મેં કહ્યું તે મા, બીજાને દેખાડવા હું મારી પૂંછડીઓ શું કામ રંગું? મા કહે ઉંદરડીએ તો બીજાને દેખાડવા જ બધું કરવું પડે. (મોં મચકોડીને) અમારે માનવું પડે માનું કહ્યું, શું થાય? (રાજીની માનો પ્રવેશ) ઘેલી: પાછી બબડવા બેઠી પૂંછડીઓ વિશે? સમજ અલી સમજ, હવે મોટી થઈ તું. બધી ઉંદરડીઓને આમ સાત સાત પૂંછડીઓ નથી હોતી. રાજી: (એકદમ ડાહી થઈને) બરાબર છે મા, પણ મા હું એક વાત પૂછું? મારે દાદાના, બાપાના, મામાના, કાકાના નામની પૂંછડીઓ છે. પણ દાદીના, માના, મામીના, કાકીના નામની પૂંછડીઓ કેમ નહીં? હેં? ઘેલી: એ તો ના હોય રાજી: પણ કેમ ના હોય? ઘેલી: (કંટાળીને) ના હોય તે ના હોય. બસ એવું. રાજી: પણ એવું કેવું? તું ય વિચાર કર ને મા, એવું કેવું? (ઘેલી વિચાર કરે છે, એને કાંઈ સમજાતું નથી. અભિનય દ્વારા આ દર્શાવવું.) ઘેલી: બસ એ તો એવું. (રાજી માની આસપાસ ફરતી જોડકણું ગાય છે.) રાજી: એવું કેવું? એવું તે મા કેવું? દાદાના નામની પૂંછડી, દાદીના નામની નહીં એવું કેવું? બાપાના નામની પૂંછડી, માના નામની નહીં મા એવું કેવું? મામાના નામની પૂંછડી, મામીના નામની નહીં આ એવું કેવું? કાકાના નામની પૂંછડી, કાકીના નામની નહીં પણ શાને એવું? મા શાને એવું? આ એવું કેવું? ઘેલી: (મૂંઝવાઈને) ચૂપ બેસને દોઢડાયલી, જ્યારે ને ત્યારે કવિતડા ગાય છે તે (ચાળા પાડીને) એવું કેવું? એવું કેવું? તું કોણ પૂછનારી એવું કેવું? કહ્યું તો ખરું. એવું તે બસ એવું. (ખીજવાઈને અંદર જતી રહે છે.) (રાજી ગંભીર થઈ જાય છે. ચૂપ થઈ જાય છે. થોડી ક્ષણો પછી ફરી ગણગણવા માંડે છે.) એવું કેવું? ભૈ એવું કેવું? કહે ને મા, એવું કેવું?
દુશ્ય-૫
(રાજી હવે નવયુવતી છે. આકર્ષક દેખાય છે. રંગીલી અને ફૂમતાવાળી પૂંછડીઓને જરા સહેતાં શીખી છે. પહેલાં કરતાં સહેજ હોંશિયારીથી પૂંછડીઓને સાચવી શકે છે પણ પૂંછડીઓથી કંટાળે તો છે જ.) રાજી: ત્રાસ થાય છે મને પૂંછડીઓથી. શું કામ આટલી બધી પૂંછડીઓ? શું કામ? આપણને આપણી પોતાની એક પૂંછડી હોય એટલે બસ. કેવી નિરાંત હોય? પણ ના,આ તો દાદાઓની, કાકા-મામાઓની, બાપાઓ-ભાઈઓના નામની ય પૂંછડીઓ લઈને ફરવાનું. મારું ચાલે તો કાપી નાખું આ પૂંછડીઓ.(આમતેમ આંટા મારે છે.) (કટાક્ષપૂર્ણ સ્મિત સાથે) કેવી વિચિત્ર વાત છે. મારા આવા તીણા દાંત ભલભલી ચીજો કાતરી નાખે. ઝીણી ઝીણી કરચો કરી નાખે કોઈ પણ વસ્તુની, પણ મારાથી મારી પૂંછડી ન કાપી શકાય. હાઉ રિડિક્યુલસ. આપણો ભાર, ધરાર ભાર આપણે વેઠવાનો. લે પણ અમારે નથી વેઠવો આ ભાર, તો? (પ્રેક્ષકોને સંબોધીને) અમારા દેશના અનેક પૂંછડિયાઓ, હું ય એમાંની ખરી હોં. પૂંછડીઓના પૂળા લઈને ફર્યા કરે. (હસતાં હસતાં વર્ણન કરે) બધા રાતદિવસ ઉંદરદોડમાં મશગૂલ. આમ દોડશે, તેમ દોડશે. આગળ જવા જશે. પાછળ ફરવા જશે, કોઈ ડાબી બાજુ વળવા જાય. કોઈ જમણી બાજુ વળવા જાય. આવી દોડાદોડમાં એમની પૂંછડીઓ એવી અટવાઈ જાય (ખડખડાટ હસે છે.) મજા પડે જોવાની. ગૂંચવાઈ ગયેલી પૂંછડીઓ છોડવા ઊભા રહેવું પડે. કોઈ કોઈ વાર તો એવી ગૂંચો અને ગાંઠો પડે કે લડાઈઓ થઈ જાય. એ ય ને ખેંચાખેંચી, તાણાતાણી. દે ધીનાધીન. પછી ગૂંચો ઉકેલાય કે વળી પાછી દોડાદોડ શરૂ. ભલા ભૈ, કાપી નાખો ને પૂંછડીઓ. પણ ના, એવું તો કોઈ ના કરે. આ બધી દોડાદોડમાં ઉંદરડીઓ ય કાંઈ કમ નહિ હોં કે. ઉંદરદોડમાં ય ખરી ને ગૂંચો-ગાંઠોની લડાઈઓમાં ય ખરી, મને નથી ગમતી આવી ગૂંચડાગૂંચડી. હું તો એક ખૂણે બેસી રહું, એટલે જ તો નવરી છું તમારી સાથે વાત કરવા. આમ તો મને દોડાદોડ, કૂદાકૂદ કરવી બહુ ગમે. પણ આ પૂંછડીઓ, સચ અ ન્યુસન્સ! (રાજીની એકોક્તિ ચાલતી હોય ત્યારે એક યુવાન, દેખાવડો, સ્માર્ટ ઉંદરડો દૂરથી એની તરફ મુગ્ધ નજરે જોઈ રહ્યો હોય છે. રાજીની નજર એની તરફ જાય, નજર મળે એટલે પેલો ઉંદરડો નજીક આવે ! અમથો: હાય રાજી રાજી: હાય. (એના તરફ ધ્યાન નથી આપતી) અમથો કેમ એકલી ઊભી છે? દોડાદોડ નથી કરવી? રાજી: તારે શુ પંચાત? જા ને તારે રસ્તે. અમથો: મને ય નથી ગમતું દોડાદોડ કરવાનું. રાજી: (પ્રેક્ષકોને) ટાઇમપાસ કરે છે. (અમથાને) જા, તું દોડાદોડ કર. ઉંદરોએ દોડાદોડ કરવી જ જોઈએ. અમથો: મને તો તારી કંપની ગમે છે. રાજી: હવે રહેવા દે રહેવા દે. ખબર છે મને. બધા મારી રંગબેરંગી પૂંછડીઓ જોઈને મારી જોડે વાત કરવા આવે છે. બાય ધ વે, તારું નામ શું? અમથો: અમથો. રાજી: (હસીને) અમથો? એટલે નામ પ્રમાણે ગુણ છે. અમથો અમથો ઊભો છે. બોર કરે છે. અમથો: ના રાજી. એવું નથી. આઈ લાઈક યુ. રાજી: હું કે મારી સાત પૂંછડીઓ? અમથો: તારી પૂંછડીઓ સાથે મારે શું લેવાદેવા? મને તો તું ગમે! રાજી: (પ્રેક્ષકોને) ના હોય ! આવો આ પહેલો મળ્યો મારી પૂંછડીઓની વાતો નથી કરતો!
(બેકગ્રાઉન્ડમાં મધુર સંગીત)
અમથો: રિયલી રાજી, યુ આર ટુ ક્યુટ. યુ આર સો ચાર્મિંગ. રાજી: ચાર્મિંગ, ક્યુટ, વોટ ડુ યુ મીન? આવું તો બધા કહે છે, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. અમથો: રાજી, આઈ મીન, આઈ મીન, યુ આર વેરી સ્માર્ટ, બ્રિલિયન્ટ, સો ડિફરન્ટ. રાજી: ખરેખર? (રાજી ખુશ થાય છે. અમથો નજીક આવે છે.) અમથો: યસ, આઈ મીન ઈટ. કમ ઓન લેટ્સ બી ફ્રેંડ્ઝ. (રાજી મલકાય છે.) (રાજી-અમથાનું પરસ્પર આકર્ષણ વધે. રાજી અમથાના હાથ પકડીને નાચે. કોઈ ફિલ્મી ગીત બેકગ્રાઉન્ડમાં વગાડી શકાય.) (શરણાઈનું મ્યુઝિક વગાડી શકાય.) (પ્રકાશ રાજી તરફ)
દૃશ્ય-૬
(રાજી સ્ટેજ પર એકલી છે.) રાજી: થેન્ક ગોડ. આ પૂંછડાપ્રેમી દુનિયામાં કોઈક તો છે મારા જેવું. (પ્રેક્ષકોને) યુ નો, એને ય દોડાદોડ નથી ગમતી ને ખબર છે, અત્યાર સુધીમાં આવો આ પહેલો મળ્યો. એણે કહ્યું, મારે તારી પૂંછડીઓ સાથે શું લેવાદેવા? રાજી, આઈ લાઈક યોર સ્માર્ટનેસ. બીજા બધા તો મારી ફૂમતાવાળી સાત પૂંછડીઓ જ જુએ. ઓ ઇટ્સસોઓઓઓ... ગુડ, (પ્રેમગીત ગણગણે છે. કોઈ પણ ભાષામાં) (મૂડ બદલીને, પણ આ પૂંછડાનો ત્રાસ. મારે તો કાપી જ નાખવી છે આ પૂંછડીઓ. પણ કાપી કોણ આપે? અમથાને કહું? ના, ના. એને તો સરપ્રાઈઝ આપીશ. (ફરીથી વિચારમાં) પૂંછડીઓ કાપી કોણ આપે? (આંટા મારે છે.) (આ દરમિયાન ડાહી, રાજીની નાનપણની બહેનપણી પ્રવેશ કરે. એ રાજીને જોઈ રહે. રાજીની નજર એની તરફ જાય) રાજી: ઓ, ડાહી કેમ છે યાર. લોંગ ટાઈમ નો સી? ડાહી: કેમ છે શું? એમને એમ, અહીં ને અહીં. એની એ જ ઉંદરદોડ. તું ભલી ખૂણામાં બેસી રહે છે. (આંખો મીંચકારીને) પેલાની રાહ જુએ છે? રાજી: (ખોટું ખિજાતાં) જા ને હવે. મને તો ઉંદરદોડનો કંટાળો આવે છે એટલે એકલી બેઠી છું. એ ડાહી તને આ બધું ગમે? ડાહી: આ બધું? એટલે? રાજી: એટલે આ દોડાદોડ, પૂંછડાના ભાર લઈને દોડાદોડ કરવાનું? એ ડાહી, યાદ છે આપણે નાના હતા ત્યારે એકવાર પકડાપકડી રમતાં આપણાં પૂંછડાં ગૂંચવાઈ ગયાં'તાં મારી મા આપણને કેટલું બધું વઢી'તી નહિ? (બન્ને હસે છે.) ડાહી: હા. પણ હવે તો દોડાદોડીમાં ગૂંચો-ગાંઠો પડે તે છોડતાં ય આવડી ગયું છે. રાજી: એ ડાહી, તને કંટાળો ન આવે? ડાહી: કંટાળો શેનો? રાજી: આ પૂંછડાંનો ભાર લઈને ફરવાનો? આ પૂંછડાં કાપી નાખવાં જોઈએ. ડાહી: જા, જા હવે, તારા તુક્કા તારી પાસે રાખ. રાજી: (ઉત્સુકતાથી) એ ડાહી સાંભળને, મેં એક ગરબો બનાવ્યો છે. તું સાંભળ, સાંભળ, સાંભળ જ. ડાહી: રાજી, મને મોડું થાય છે. રાજી: ના. આપણાં બહેનપણાંનાં સમ. પ્લીઝ, સાંભળને (રાજી ડાહીની સંમતિની રાહ જોયા વિના જ ગરબાના સ્ટેપ્સ સાથે ગાવા માંડે છે.) રાજી: હે મને લાગે આ પૂંછડાંનો ભાર રે, આ ભાર હું શીદને વેઠું? ચાલતાં ને દોડતાં, ચડતાંઉતરતાં, વાગે છે પૂંછડાંનો માર રે આ માર હું શીદને વેઠું? (ડાહી સ્તબ્ધ બનીને રાજીને નાચતી જોઈ રહે છે.) એ ડાહી, તું ય ગાને, ઉંદરિયા દેશના સૌએ નરનારને, ઉંદરિયા દેશના સૌએ નરનારને, પૂંછડાં તણો શણગાર રે, હે, પૂંછડાંથી શોભા-શણગાર રે એ હું નહિ રે કરું. હે મને લાગે છે પૂંછડાંનો ભાર રે આ ભાર હું શીદને વેઠું? મને ના ગમતો એવો શણગાર રે એ હું નહિ રે કરું (પૂંછડાંના ભાર છતાં રાજી ખૂબ નાચે. ખૂબ નાચે, એના તાનમાં ડાહી પણ થોડું નાચી લે પણ વહેલી અટકી જાય. રાજી નાચતાં નાચતાં પૂંછડાં પર ખીજ કાઢે.) ડાહી: મૂરખ છે તું રાજી, ગાંડી છે. તારે સાત સાત પૂંછડીઓ છે. લોક આખું તારી અદેખાઈ કરે છે અને તું આવી વાત કરે છે? મને કહ્યું તો કહ્યું. બીજા કોઈને ના કહેતી. રાજી: (હસતાં હસતાં) કેમ? ડાહી: અલી બેન, પૂંછડાં તો આપણી શોભા કહેવાય, માન કહેવાય. ઇજ્જત કહેવાય, બુદ્ધુ, ભાર નહિ. આવું તો બોલાય જ નહિ, બાઆ...૫ બોલાય જ નહિ. (રાજી એની સલાહ સાંભળીને મોઢું મચકોડે છે.) ડાહી: તને ખબર છે રાજી. આપણે નાનપણની બહેનપણીઓ એટલે હું તારી વાત ના કરું. બીજા તો કાંઈ કાંઈ બોલે બાઆ...૫. રાજી: (હિંમતથી ) પૂંછડીઓ કાપીએ તો શું થઈ ગયું? કોઈ કોઈ ઉંદરડા પૂંછડીઓ કપાવી નાખે છે તો મારાથી કેમ ના થાય? ડાહી : ને તે એ ઉંદરડાઓના હાલ નથી જોયા? કોઈ એમને બોલાવે નહિ. પાંચમાં પૂછે નહિ એવાને. કોઈ ઉંદરડીઓ તો સપને ય આવું ન કરે. રાજી: પણ ડાહી, મને તો તારામારામાં અને ઉંદરડામાં કોઈ ફરક નથી દેખાતો, તને દેખાય છે? ડાહી: (વિચારમાં પડે છે) ના, ફરક તો મને ય નથી લાગતો પણ તો ય આપણી વાત જુદી ને એમની વાત જુદી. એવું બધા કહે છે. (રાજી એની વાત સાંભળી, ન સાંભળી કરે છે.) રાજી: એ ડાહી, તું મારી બહેનપણી નહિ? મારું એક કામ કરીશ? ડાહી: શું? પેલાને બોલાવવા જવાનું છે? અબઘડી જાઉં. રાજી: (સહેજ ખીજથી) એવી વાત નથી. આ તો એક ખાનગી કામ છે. ડાહી: શું કામ છે? રાજી: ડાહી, તું તારા દાંત વડે મારી પૂંછડીઓ ના કાપી આપે? ડાહી: (ભડકીને) હેં, જા જા હવે, આવું તે કાંઈ કરાય? રાજી: પ્લીઝ ડાહી, આપણાં બહેનપણાંનાં સમ. પ્લી.... ઝ ડાહી: (બે ડગલાં પાછળ હટીને) ના ભૈ ના, તું ગમે તે કહે, આવા ખોટા કામમાં હું તને સાથ નહિ આપું. (સ્વસ્થ સ્વરે) તે તારા પેલાને પૂછ્યું છે? એવો એ જાણશે ત્યારે? રાજી: (વિશ્વાસથી) ના ના, એનો વાંધો નહિ. એ તો મારો સાચ્ચો સાથીદાર છે. ડાહી: એ તો બધું ઠીક, તું જાણે ને તારો એ જાણે. પણ હું તો તને પૂંછડી કાપી ના આપું. ને મારું માને તો આ વાત બીજા કોઈને કહેતી નહિ. એને બદલે પૂંછડાં લઈને રહેતા શીખ પછી મને ના કહેતી કે મેં કહ્યું નહોતું. રાજી: હું તો પૂંછડાં કાપવાની જ. ડાહી: તારે જે કરવું હોય તે કર. તારા જેવી સાથે તો વાત કરવામાં ય મુસીબત છે. બાઆ.. ૫. (ડાહી ઝડપથી ચાલી જાય છે.) (રાજી સ્ટેજ પર એકલી અસ્વસ્થ, બેચેન)
'દૃશ્ય-૭
(રાજી મૂંઝાતી બેઠી છે. બે-ચાર ક્ષણ પછી ઉઠે છે. પૂંછડીઓ અટવાય છે. રાજી પાછી બેસી જાય છે અને ગણગણે છે. એનું એ જ ગીત ગાય છે. આ વખતે એની લય ધીમી છે.) રાજી: મને લાગે પૂંછડાંનો ભાર રે, આ ભાર હું નહિ રે વેઠું ચાલતાં ને દોડતા, ચડતાં, ઊતરતાં, વાગે આ પૂંછડાંનો માર રે એ માર હું શીદને વેઠું? ઉંદરિયા દેશના સૌએ નરનારને, ઉંદરિયા દેશના સૌએ નરનારને, પૂંછડાં તણો શણગાર રે હે, પૂંછડાંથી શોભા-શણગાર રે એ હું નહિ રે કરું. હે મને લાગે છે પૂંછડાંનો ભાર રે. આ ભાર હું શીદને વેઠું?. મને ના ગમતો એવો શણગાર રે એ હું નહિ રે કરું મને લાગે છે પૂંછડાંનો ભાર રે એ ભાર હું શીદને વેઠું? (ગીત ગાઈને રાજી સહેજ વાર શાંત બેસે છે, વિચારમુદ્રામાં) (થોડી વાર પછી એકદમ ઊભી થાય છે.) રાજી: યેસ્સ, વાળંદકાકા! વાળંદકાકાને કહું, એ મને પૂંછડીઓ કાપી આપશે. એ ય તે બાપાની, દાદાની, કાકાની પૂંછડીઓ અને મૂંછો સમારવા આવે છે, નખોરિયાની ધાર કાઢી આપે છે. ચાલ વાળંદકાકાને મળું. (નેપથ્યમાં જતો રહે છે) (મંચ પર થોડી ક્ષણો અંધારું. એ દરમિયાન વાળંદકાકા એમના ઓજારો સાથે સ્ટેજ પર ગોઠવાઈ જાય) (નેપથ્યમાંથી રાજીનો પ્રવેશ) રાજી: વાળંદકાકા, ઓ વાળંદકાકા, આવું? વાળંદકાકા: (ઊંચું જોયા વિના) કોણ છે? રાજી: એ તો હું રાજી, વાળંદકાકા. વાળંદકાકા: કોણ રાજી? (ઊંચું જોઈને) ઓહો, તું પેલી સાત પૂંછડીઓવાળી રાજી મેં તો તારા બહુ વખાણ સાંભળ્યા છે. કહે છે તું બહુ હોંશિયાર છે ને દેખાવડીય છે ને ચબરાક છે. પાછું ખાનદાને ઊંચું, કહેવું પડે હો. બોલ શું કામ પડ્યું? રાજી: (અચકાતાં અચકાતાં) કાકા છે ને તે... વાળંદકાકા: હા, હા, બોલ. શું છે? રાજી: કાકા, તમે મારા દાદા, બાપા બધાય ને પૂછડાં ને મૂંછો સમારી આપો છો ને? વાળંદકાકા: હા, તો? રાજી: તે કાકા, તમે મારી પૂંછડીઓ કાપી ના આપો? વાળંદકાકા: (સાંભળીને ભડક્યા હોય એમ હાથમાંનું કામ પડતું મૂકીને) હે, શું કહ્યું? ફરી બોલ તો. રાજી: કાકા, મારે મારી પૂંછડીઓ કપાવવી છે. વાળંદકાકા: (ખીજાઈને) શું બકે છે તું? ખબરદાર એકેય અક્ષર ઓચરી છે તો! (ધૂંવાપૂંતા થઈ જાય છે.) ભાન છે તને શું બોલે છે તું? અક્કલ બહેર મારી ગઈ છે તારી? રાજી: પણ કાકા. વાળંદકાકા: ચૂઉઉઉપ આવો વિચાર તને આવ્યો કેમ કરીને? બોલ્યા, પૂંછડી કપાવવી છે તારો બાપ જાણશે ત્યારે? રાજી: પણ કાકા, મને ખબર છે કોઈ કોઈ ઉંદરડા તમારી પાસે..... (આ દરમિયાન વાળંદકાકી મંચ પર જ થોડે દૂર ઊભેલાં દેખાય છે. રાજી તરફ હાથથી ઈશારા કરે છે. રાજીનું ધ્યાન નથી.) વાળંદકાકા: (વઢે છે) વાદ કરે છે તું? ઉંદરડાના વાદ કરે છે? ઉંદરડા તો ગમે તે કરે, એમની એક પૂંછડી જ હોય, કોઈ બોલાવે નહિ તો એમને પાલવે. તને ના પાલવે રાજી: (વિનવણીના સ્વરે) પણ કાકા મારી વાત..... વાળંદકાકા: (ખીજાય) નીકળ, તું અહીંથી અબઘડી નીકળ કહું છું. રાજી: કાકા સાંભળો તો ખરા. વાળંદકાકા: ( એવો જ ગુસ્સો) તું જાય છે કે ઠોકું એક છૂટા હાથની? (પોતાના હાથમાંનું હથિયાર ઉગામે છે.) (રાજી ત્યાંથી ખસી જાય છે પણ જતી નથી.) રાજી: (થોડે દૂર જઈને) હવે તો હું પૂંછડી કપાવીને જ રહીશ. જોઉં કોઈક રસ્તો નીકળશે. (એના સ્વર અને અંગભંગીમાં દૃઢનિશ્ચય જણાય છે.) (ત્યાં એને અવાજ સંભળાય) અવાજ: એય રાજી, છુસ્ છુસ્ (રાજી આમતેમ જુએ, કોઈ ન દેખાય) અવાજ: (ફરીથી) એય રાજી, છુસ્સ્ છુસ્, સાંભળ એ રાજી. (રાજીને બે ડગલાં આગળ અવાજની દિશા પરખાય, એ દિશામાં જાય) રાજી: (આશ્ચર્યથી) અરે વાળંદકાકી! તમે મને બોલાવતાં'તાં? વાળંદકાકી: ત્યારે શું? ક્યારની તને બોલાવું છું, તારા કાકા સાથે તું વાત કરતી હતી ત્યારની. રાજી: શું કામ? તમારે ય મને વઢવાનું છે? લો વઢી લો. વાળંદકાકી: (વહાલથી) અરે મારી રાજી, તને તે હું કાંઈ વઢું? શું કામ વઢું? રાજી: (અસમંજસમાં) તો પછી? કાકાએ તો મને... વાળંદકાકી: (શાંત સ્વરે) જો રાજી, મેં તારી ને તારા કાકાની આખી વાત સાંભળી છે. રાજી: (ઢીલી પડીને) કાકી, શું કહું તમને? મને બસ, પૂંછડીઓનો.... વાળંદકાકી: ભાર લાગે છે ને? કપાવવી છે ને? રાજી: હા, કાકી. વાળંદકાકી: બેટા, આખો ઉંદરદેશ અનેક પૂંછડિયો છે. તને શું કામ એ નથી ગમતું ? રાજી: આખો દેશ નહિ હોં કાકી, ઘણા ય ઉંદરડા હોય છે એકપૂંછડિયા, તો મને એવું મન થાય, તેમાં શું ખોટું છે?. વાળંદકાકી: કાંઈ ખોટું નથી. હું સમજું છું એ વાત. તારે પૂંછડીઓ કપાવવી છે ને? હું કાપી આપું, તો ગમે? રાજી: (નવાઈથી) કાકી તમે? તમને આવડે? વાળંદકાકી: કેમ તે વળી તારા કાકાને આવડે તો મને કેમ ના આવડે? રાજી: હા, એ વાત ખરી. મને એવો વિચાર ના આવ્યો. (ઉત્સુકતાથી) કાકી, તમે મને પૂંછડીઓ કાપી આપશો? વાળંદકાકી: હા, કાપી આપું. અબઘડી. રાજી: (ઉતાવળથી) જલદી કરો કાકી, બધી પૂંછડીઓ કાપી નાખો, એક મારી જ રાખો. વાળંદકાકી (મલકીને, વહાલથી) તું તો બહુ ઉતાવળી મારી રાજી! પણ સાંભળ, એક વાત કહું. રાજી: (કંટાળીને) મારે વાત નથી સાંભળવી, બસ પૂંછડીઓ કટ્ટ! એક ઝાટકે.. વાળંદકાકી: જો રાજી, તું આ બહુ હિંમતનું કામ કરવાની છું. લોક તને બળવાખોર કહેશે. મુશ્કેલી પડશે, ગયેલી પૂંછડીઓ પાછી ના મળે સમજીને? રાજી: (મરણિયા સ્વરે) કુછ ભી હો જાય, હમ સહને કો તૈયાર હૈ. વાળંદકાકી: ઓ મારી બુદ્ધુ છોકરી, જુવાનીના તોરમાં બોલાય આવું બધું, કરાય નહિ. રાજી: (નિરાશ થઈને) તમે ય કાકી, ફસકી પડ્યાને? વાળંદકાકી: ના ના, રાજી. હું તો કહું છું. એક એક પૂંછડી કપાવ. જલદી કોઈને ખબર નહિ પડે. પછી જોયું જશે. રાજી: એય ખરું, સારું તો તમે કહો તેમ. (રાજી-વાળંદકાકી પરથી પ્રકાશ હટે, રાજી પર પડે)
'દૃશ્ય-૮
રાજી: હાશ, બે પૂંછડીઓ ગઈ. ભાર થોડો ઓછો થયો. ગાંઠો, ગૂંચવાડા ય ઓછા થયા (પ્રેક્ષકોને) ખબર છે તમને? ગઈકાલે તો હું ચાર પગથિયાં ચડી ગઈ, સડેડાટ. ને થાંભલે ય ચડી ગઈ બોલો. એવી મજા પડી! (ગીત ગાય છે.) રાજી: મને લાગે રે પૂંછડાંનો ભાર રે, એ ભાર હું દૂર રે કરું એક પછી એક પછી એક પછી એક એક કાઢીશ હું પૂંછડાંનો ભાર રે, એ ભાર મને ગમતો નથી. મને લાગે છે પૂંછડાંનો ભાર રે, એ ભાર હું દૂર રે કરું. (રાજી નાચતી હોય છે ત્યાં એની મા ઘેલી અને બાપ ઘેલો પ્રવેશે. બંને અકળાયેલાં છે. રાજી એમને જોઈને એક ખૂણામાં જતી રહે છે.) ઘેલો: (કડક અવાજે) મેં સાંભળ્યું છે, તમારી રાજી પૂંછડીઓ કપાવે છે. ઘેલી: (નરમાશથી) સાંભળ્યું તો મેં ય છે. ઘેલો: (વઢીને) તમે ધ્યાન શું રાખો છો એનું? ના, ના આટલું ય ન થાય તમારાથી? ઘેલી: પણ હવે એ મોટી થઈ, એને ગમે તે કરે, મારી વાત ના માને. ઘેલો: (કટાક્ષમાં) હા હા, કરો, કરો છૂટી પડવાની વાત! ક્યાં છે? છે ક્યાં એ? બોલાવો એને અહીં, તાત્કાલિક. (ઘેલી આમતેમ ડાફોળિયાં મારે છે. રાજી મા-બાપની તકરાર સાંભળતી હોય છે.) ઘેલી: (મૂંઝાઈને) શી ખબર ક્યાં ગઈ હશે? (એની નજર રાજી પર જાય છે.) આ રહી, આ ઊભી ખૂણામાં. અહીં આવ તો રાજી. (રાજી નજીક આવે.) ઘેલો: (ગુસ્સાથી રાજીને) શું કરો છો આ? કોના રવાડે ચડ્યા છો? રાજી: કોઈના નહિ. મારી મરજી. ઘેલો: (ખૂબ ગુસ્સાથી) જો તો, જો તો કેવું ફટફટ બોલે છે? (ઘેલીને) તમે જ ફટવી છે એને. રાજી: કેમ વળી? મારી મરજી ન હોય? માને શીદને વઢો છો? ઘેલો: શું? શું બોલી? રાજી: તમે બધા પૂંછડીનો ભાર વેઠો એટલે મારે ય વેઠવો? ઉંદરદેશમાં કોઈ કોઈ ઉંદરો એક જ પૂંછડી રાખે છે. ઘેલી: પણ બેટા. ઉદરડાઓની વાત જુદી. રાજી: કેમ જુદી? અમારે બીજાના નામની પૂંછડીઓનો ભાર ના વેઠવો હોય. મારે મારું નામ હોય. મારી પૂંછડી હોય, એક જ પૂંછડી હોય, બાપાદાદાની ના હોય, તો શું થઈ ગયું? ઘેલો: પૂંછડી કપાવનારા ઉંદરડાઓને ય કોઈ નથી બોલાવતું. ને મારે તારા આ લખ્ખણથી કોઈને મોં બતાવવા જેવું નથી રહ્યું. મારે ય ગામમાં ફરવું છે ને? રાજી: બાપા, તમે અમસ્તા અકળાઓ છો. બધાય પોતપોતાની પૂંછડીઓ સાચવવામાં પડ્યા હોય છે, કોઈને કોઈની પડી નથી હોતી. ઘેલો: (કટાક્ષથી) ઓહોહો, તું તો આખા ગામની ડાહી! બહુ હમજો છો ને કંઈ? (ઘેલીને) તમે તો કાંઈ કહો. ઘેલી: હવે રાજી મોટી થઈ છે. એને આમ ન કહેવાય. ઘેલો: (ઘેલીને) તમેય મને સમજાવવા બેઠા છો? (રાજીને) જો રાજી કહી દઉં છું, જે થયું તે થયું, હવે પૂંછડી કપાવી છે તો પીંજરે પૂરી દઈશું. ઘેલી: હા, હા, પીંજરે પૂરી દઈશું. (રાજી મૂંગી મૂંગી સાંભળે છે. અંગભંગીમાં દૃઢનિશ્ચય) ઘેલો: આવી આ તો કુળનું નામ બોળવા બેઠી છે. એ ભગવાન, આવી કપાતર મારે ઘેર ક્યાંથી આવી? (ઘેલો ગુસ્સે થઈને આંટા મારે છે, ઘેલી રડવા બેસે છે. રાજી બન્નેને જોઈ રહે છે. માની નજીક જઈ એને ખભે હાથ મૂકે છે. મા ઊંચું જુએ છે રાજી તરફ અને મોં ફેરવે, એનો હાથ હડસેલી દે છે.) (પ્રકાશ ત્રણેને આવરી લેતો હોય તેમાંથી રાજી તરફ ફોકસ. રાજી સહેજ આગળ આવીને) રાજી: (ગીતની પંક્તિઓ કાવ્યપઠનની શૈલીમાં-એના અવાજમાં આત્મવિશ્વાસ છે.) મને ના ગમતો પૂંછડાંનો ભાર, એ ભાર હું નહિ રે વેઠું. હાલતાં ને ચાલતાં, ચડતાં ઊતરતાં, આડે આવે આ પૂંછડાંનો ભાર એ ભાર હું નહિ રે વેઠું. ભલે થાય રોકટોક ભલે વાત કરે લોક આ ભાર હું નહિ રે વેઠું. ઉંદરના દેશના લોક ભલે માને પૂંછડાંને શોભા-શણગાર, એ શણગાર મને ગમતો નથી. મને જોઈએ બસ એક મારા નામની જ પૂંછ બીજાં નામોનો ભાર મને ગમતો નથી એ ભાર હું નહિ રે વેઠું. (ગીતપંક્તિઓ પૂરી થાય અને રાજી પરથી પ્રકાશ હટે)
'દૃશ્ય-૯
(રાજી વાળંદકાકીના ઘરમાં) રાજી: હજી એક પૂંછડી કાપી આપો કાકી. વાળંદકાકી: એક એક કરતાં તેં ચાર પૂંછડીઓ કપાવી રાજી, હવે ત્રણ બાકી. રાજી: બાપા, દાદા, કાકા, મામા, બધાયની પૂંછડીઓ એક પછી એક (અભિનય કરીને) ઊડી ગઈ. હવે એક કાપો. બે તો મારે રાખવી છે. વાળંદકાકી: કેમ લી? એક તારી, ને બીજી કોની? રાજી; (શરમાઈને) 'એ'ની વાળંદકાકી: પેલા અમથાની કે? રાજી: (લાડથી) હં, એના નામની પૂંછડી તો હું રાખીશ. એ બહુ સારો છે, બહુ બહુ બહુ જ સારો. વાળંદકાકી: (મરમમાં મલકાઈને) એમ કે? રાજી: હંઅ..... વાળંદકાકી: (મરમમાં હસવાનું ચાલુ) ઠીક ત્યારે એમ.
'દૃશ્ય-૧૦
(રાજી ખૂબ ચપળતાથી, સ્ફૂર્તિથી હરે ફરે છે, દોડે છે, ચડઊતર કરે છે. દોડતાં-ફરતાં વચ્ચે વચ્ચે એ પોતાની બે પૂંછડીઓ તરફ પ્રેમથી જોઈ લે છે. એને પંપાળી લે છે. રાજી પ્રસન્ન દેખાય છે.) (રાજીના સાથી-સહચર અમથાનો પ્રવેશ. એની પાંચે ય પૂંછડીઓ સાબૂત છે.) અમથો: ઓહો રાજી, બહુ ખુશ છે ને કાંઈ? (ચહેરા પર સ્મિત, વાણીમાં કટાક્ષ) રાજી: (પોતાનામાં મસ્ત) શું વાત કરું અમથા, આ પૂંછડાંનો ભાર ગયો, એવી હળવાશ લાગે છે. કહેવાની વાત નહિ. અમથો પણ રાજી, તે મને પૂછ્યું ય નહિ?. રાજી: શું? શું ના પૂછ્યું? અમથો: (સહેજ ઊંચો સ્વર) શું તે આ પૂંછડાં કપાવવાની વાત. મને પૂછ્યા વિના જ બસ મન ફાવે તેમ પૂંછડાં કપાવી નાખવાનાં? રાજી, તે એમાં તને શું પૂછવાનું? અમથો: (ખીજાઈને) એટલે? મને પૂછવાની જરૂરે ય નહિ? રાજી: પૂંછડીઓ મારી હતી. મેં કપાવી નાખી, મારી મરજી. અમથો : (ઉશ્કેરાઈને) કહી દીધું મારી મરજી. અરે તારી પૂંછડીઓ પર તો હું મોહ્યો'તો. તારી પૂંછડીઓનો વટ મને મળે એટલે સ્તો. (આ સાંભળીને રાજી પહેલાં આશ્ચર્ય અનુભવે. પછી આઘાત, પછી ગુસ્સો) બોલી નાખ્યું, મારી મરજી. ના કાંઈ ખાનદાનની પરવા, નહિ જવાબદારીનું ભાન, બસ મન ફાવે તેમ કરો. બહુ બુદ્ધિ ચાલવા માંડી છે ને કાંઈ? હોશિયારી બહુ વધી પડી છે? (સ્વગત) પાછા તમને મદદ કરનારા ય મળે છે. (અમથાના સંવાદ દરમિયાન રાજી પોતાના ગુસ્સા પર કાબૂ મેળવી લે છે ) રાજી: (સ્વસ્થ અવાજે) પણ એમાં શું થયું? હું તો કહું છું તું ય કપાવી નાખ તારી પૂંછડીઓ, બહુ સારું લાગશે. અમથો: (ગુસ્સો માઝા મૂકે છે) શું? શું બોલી તું? તું મને કોણ કહેનારી? (બરાડા પાડે છે) તું કોણ? હેં તું કોણ? તારે કહ્યે મારી પૂંછડીઓ કપાવું હું? એમ કે? પૂંછડીઓ થકી અમારો ભવ્ય ઇતિહાસ, આન-બાન-શાન, વટ-વહેવાર એનું શું? અમારાં માન-સન્માન, ઇજ્જત- આબરૂનું શું? તારા જેવું છે કાંઈ? ન કોઈ વાતનું ભાન, ન કોઈ વાતની પરવા, ખબરદાર મારી પૂંછડીઓ વિશે કાંઈ બોલી છે તો! રાજી: (હેબતાઈ જાય છે) પણ મેં તો મને સારું લાગ્યું તે તને કહ્યું. (સમજાવટના સ્વરે) ને જો મેં તારા નામની પૂંછડી તો રાખી છે ને? અમથો: (ધમકાવીને) ચૂપ ! કહું છું, ચૂપ ! આગળ એકે ય અક્ષર બોલી છે તો પૂંછડે પૂંછડે એવી ધીબેડીશ કે...... (અમથો રાજી તરફ ધસે છે, રાજી દૂર ખસી જાય છે. અમથો ધમધમ કરતો જતો રહે છે.) (રાજી થોડીવાર સ્તબ્ધ, સ્થિર, પછી સ્વસ્થ થાય છે.) રાજી: બોલ્યો, પૂંછડે પૂંછડે ધીબેડીશ. પૂંછડે પૂંછડે ધીબેડતાં તો મને ય આવડે હો. આ તો હવે પૂંછડાં રહ્યાં નથી. (અટકીને) પણ પૂંછડાં હોત તો આવું સાંભળવાનો વારો ય ન આવ્યો હોત ને! (નેપથ્ય તરફ નજર કરીને) અલ્યા બેવકૂફ, એ ય જોતો નથી કે તારા નામની પૂંછડી રાખી છે જોઈ લે હવે શું કરું છું હું.
'દૃશ્ય-૧૧
(રાજી ઉતાવળી, અધીરી પ્રવેશે વાળંદકાકીના ઘરમાં) રાજી: કાકી, વાળંદકાકી, જલદી કરો. વાળંદકાકી: શું થયું રાજી? કેમ આમ ઉતાવળી? રાજીઃ કાકી, હમણાં જ, અબ્બીહાલ મને એક પૂંછડી કાપી આપો. વાળંદકાકી: પણ કેમ? રાજી: (ગુસ્સાથી) કેમ બેમ ના પૂછો કાકી, પૂંછડી કાપી આપો, બસ. (રોવા જેવી થઈ જાય છે) (વાળંદકાકી રાજીની પાસે આવે છે, એની પીઠે હાથ ફેરવે છે. રાજી રડતી નથી, રડવાનું રોકી રાખે છે.) વાળંદકાકી: પણ થયું શું? એ તો કહે. અમથા સાથે કાંઈ થયું? (રાજી બોલતી નથી. વાળંદકાકી સમજી ગયાનો ભાવ દેખાડે છે.) રાજી: કાકી, તમે તે દહાડે મરમમાં હસતાં'તાં મને એમ કે તમે ખુશ થયાં'તાં. આજે સમજાયું કે... વાળંદકાકી: સમજાયું ને? 'એવો એ' કેવોય સારો હોય, પણ આપણી મનમરજી એનાથી ન સંખાય રાજી: હું ય સમજી ગઈ કાકી. પણ હવે તો બસ હું એના ય નામની પૂંછડી કાપી નાખીશ. વાળંદકાકી: (આશ્ચર્યથી) શું કહે છે રાજી! રાજી: હા કાકી, બસ એના નામની પૂંછડી ય હવે તો કાપી નાખીશ. વાળંદકાકી: દરદ થશે હો બેટા, આ પૂંછડી તારી સાથે જોડાયેલી છે એમ તું ય આ પૂંછડી સાથે જોડાયેલી છું. એ કપાશે તો દરદ થશે. રાજી: તો ય કાકી આ પૂંછડી કાપી જ આપો. વાળંદકાકી: વેઠાશે એ દરદ રાજી? રાજી : (ગળગળા સ્વરે) ખબર છે કાકી, દરદ થશે પૂંછડી કપાયાનું જ નહિ, એથી ય ઊંડું ઊંડું દરદ થશે, છેક અંદર સુધી કપાયાનું દરદ થશે, પણ તોય.... (સહેજ અટકીને) પણ તો ય મારે હવે રાજી જ રહેવું છે, રાજી. પોતાની એક પૂંછડીવાળી, બસ રાજી, રાજી ને રાજી જ. વાળંદકાકી: ચોક્કસ? રાજી: હા, ચોક્કસ હવે વાર ન કરો. (વાળંદકાકી રાજીની પૂંછડી કાપે છે. આ વખતે આ ક્રિયા સ્ટેજ પર થશે. રાજીની એક પૂંછડી કપાઈને નીચે પડે છે. રાજી એના તરફ મિશ્રભાવે—દર્દ અને હર્ષના મિશ્રભાવે જોઈ રહે છે) (થોડી સેકંડો માટે ટેબ્લો)- રાજી: (ખુશ થતી નાચે છે.) મને લાગતો'તો પૂંછડાંનો ભાર રે, એ ભાર હું શીદને વેઠું? એક પછી એક પછી એક પછી એક એક કાઢ્યો મેં પૂંછડાંનો ભાર રે એ ભાર મેં ફેંકી દીધો (સનેડો ગવાય અને નૃત્ય થાય) (સનેડાનો દોહરો) રાજી ઉંદરડી રૂડી, એને પૂંછડી સાત રાજીને એ ના ગમે, રાજી પૂંછડી કપાવવા જાય (તાલ બદલાય) હે રાજી પૂંછડી કપાવવા જાય રે સનેડો સનેડો રાજીનો સનેડો (સનેડાનો દોહરો) રાજી પૂંછડી કપાવતી, સૌએ બહુ અકળાય સૌએ એને બહુ ધખે, તોથે રાજી ધાર્યું કરી જાય (તાલ બદલાય) હે જી રાજી ધાર્યું કરી જાય રે સનેડો સનેડો રાજીનો સનેડો (સનેડાનો દોહરો) એક એક પૂછડી ગઈ, છેવટ રહી બસ એક રાજી, રાજી થઈ રહી એવી રાજી રેડ (તાલ બદલાય) એ તો નાચે છે. એ તો નાચે છે, નાચે છે, નાચે છે એ તો નાચે છે, થન થનગનાટ રે સનેડો સનેડો રાજીનો સનેડો (સનેડાનું નૃત્ય ધમધોકાર જામે છે. પછી બંધ થાય છે. આ દરમિયાન બીજાં બધાં પાત્રો સ્ટેજ પર આવી જાય છે. નૃત્યમાં પણ એમને જોડી શકાય. બીજાં પાત્રો સ્થિર છે. પ્રવક્તા આગળ આવે છે. રાજી એમનાથી થોડી પાછળ સેન્ટર સ્ટેજમાં ઊભી રહેશે.) પ્રવક્તા: રાજીએ મનધાર્યું કર્યું. પોતાની એક પૂંછડી સાથે જીવવાનું નક્કી કર્યું. જુવાનીનું જોશ છે. હૈયામાં હામ છે. પણ મને એક ચિંતા છે. મને જ નહીં. સૌને ચિંતા છે. સૌના નિસ્બતની વાત છે. આ અનેકપૂંછડીઓની પરંપરાવાળો દેશ એક જ પૂંછડીવાળી રાજીને સ્વીકારશે? એને જીવવા દેશે એની રીતે, એના પોતાના ગૌરવ સાથે? તમને શું લાગે છે? રાજી આપણી વચ્ચે હોય તો? સ્વીકારીશું એને?
- (પ્રેક્ષકો પાસેથી જવાબ મેળવી શકાય.)
સમાપ્ત
સ્થળ: અમદાવાદ તારીખ: ૨૪ મે ૨૦૨૨ સોમવાર
સરનામું: સ્વાતિ મેઢ, ૧૦/૧૧૫, પરિશ્રમ એપાર્ટમેન્ટસ, વિમાનગર પાસે, સેટેલાઈટ રોડ, અમદાવાદ. મોબાઈલ નંબર ૯૭૨૪૪૪૨૫૮૬/૮૯૮૦૦૧૯૦૪ email: swatejam@yahoo.co.in