નારીસંપદા : ટૂંકી વાર્તા/સંજુ દોડ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:54, 20 September 2024

સંજુ દોડ્યો

નીલમ દોશી

અને... મુઠ્ઠીઓ વાળી તેર વરસનો સંજુ ફરી એકવાર દોડ્યો. બરાબર એક વરસ પહેલાંની જેમ જ... દોડતા સંજુના મનમાં દોડતી રહી એક વરસ પહેલાંની એ ક્ષણો... ત્યારે પણ તેણે ચારે તરફ નજર ફેરવી હતી. કોઈ દેખાયું નહોતું. ઘોર અંધકાર... અને બાર વરસના સંજુએ હિંમત એકઠી કરી હતી. દીવાલ પરથી એક કૂદકો... અને બીજી જ ક્ષણે... મુઠ્ઠીઓ વાળી દોટ મૂકી... ક્યાં... કઈ તરફ? કોને ખબર? એક અજાણ ભાવિ... પરંતુ જે સહન કર્યું હતું તેનાથી વધારે ખરાબ કશું હોઈ જ ન શકે... એ એક જ વિચાર... અને એક જ છલાંગે આટલી ઊંચી દીવાલને તે કૂદી ગયો હતો. હાંફતી છાતીએ થોડી થોડી વારે પાછળ ફરી જોઈ લેતો હતો... કોઈ આવતું તો નથી ને? આશંકા, ભયનો ઓથાર... પકડાઈ જવાનું પોષાય તેમ નહોતું. ગયે વરસે આ જ રીતે ભાગવાનો પ્રયત્ન કરતાં પકડાઈ ગયેલા રમેશની દશા પોતે નજરે જોઈ હતી. રમેશ... આ યાદ સાથે જ દોડવાની ઝડપ આપોઆપ વધી ગઈ હતી. હાથ, પગ આખા છોલાયા હતા. પરંતુ આ પળે એની પરવા કોને હતી? આમ પણ વરસોથી એવું તો કેટલુંયે છોલાતું આવ્યું હતું. પાછળ હડકાયું કૂતરું પડ્યું હોય તેમ ખાસ્સીવાર દોડ્યા પછી અંતે તે થાક્યો. શ્વાસ ફૂલતા હતા. દોડીદોડીને હવે હાંફ ચડી હતી. નસીબે પણ આજે પહેલીવાર સાથ આપ્યો હતો. પાછળ કોઈ દેખાતું નહોતું. તે ઘણો દૂર નીકળી ચૂક્યો હતો. અનાથાશ્રમની દીવાલનો પડછાયો પણ ન પડી શકે એટલે દૂર... તો હવે અનાથ તે નહોતો રહ્યો ! હવે તેની ઓળખ અનાથાશ્રમનના એક અનાથ છોકરા તરીકે નહીં અપાય. હવે તે હતો એક છોકરો... માત્ર છોકરો... અનાથ, ગટરનો કીડો, હરામની ઔલાદ કે એવા કોઈ વિશેષણોથી મુક્ત બાર વરસનો છોકરો. ચારે તરફ માના ગર્ભ જેવો અંધકાર છવાયેલો હતો. કશું દેખાતું નહોતું. પોતે કઈ જગ્યાએ આવ્યો છે તેની સમજ નહોતી પડતી. થાક, ભૂખ, ઊંઘ... શરીર આખું તૂટતું હતું. તે ઘડીક ઊભો રહ્યો. આંખો થોડી ટેવાઈ. ચારે તરફ નજર નાખી. સામે ફૂટપાથ પર થોડા લોકો સૂતા દેખાયા. કદાચ પોતા જેવા જ કોઈ અભાગિયા લોકો... હિંમત કરી તે ત્યાં ગયો. ભીંતનો ટેકો લઈ એક જગ્યાએ બેઠો. અહીં બધા તેના કરતાં શ્રીમંત દેખાયા. બધા પાસે ફાટ્યા તૂટ્યા ગોદડી કે ગાભા હતા. પોતે તો સાવ જ અકિંચન... સાવ ખાલી હાથ... અંગ પર ચીંથરા જેવું શર્ટ અને ચડ્ડી... બસ... જે ગણો તે આ જ... થોડીવાર એમ જ બેઠો રહ્યો. આસપાસ સૂતેલા લોકોના નસકોરાનો અવાજ સાંભળતો રહ્યો. બાદશાહની જેમ નિરાંતે બધા સૂતા હતા. તેણે પણ બધાથી થોડે દૂર લંબાવ્યું. પાથરવા, ઓઢવાનું તો કેવું? ટૂંટિયું વાળી એમ જ પડ્યો રહ્યો. ઊંઘ આવી કે ન આવી એ સમજાયું નહીં. પરંતુ ઊંઘમાં કે જાગતામાં આજે મા જરૂર આવી. ‘મા, હું સંજુ... તારો દીકરો... લોકો અમને અનાથ કહે છે. હેં મા, અમે અનાથ છીએ? તું ક્યાં છે મા? તું મને મૂકીને કેમ ચાલી ગઈ? રમેશ કહેતો હતો કે આપણે બધા તો હરામની ઔલાદ... નરકના કીડા... હેં મા, અમે કેમ એવા? મા, તું મને મૂકીને... એ પણ આવી જગ્યાએ મૂકીને કેમ ચાલી ગઈ? તને ખબર છે મા? અહીં જેને અમે બધા ભાઈજી કહીએ છીએ તે અમને બધાને કેવા હેરાન કરે છે? હું કંઈ અમસ્તો નથી ભાગી છૂટ્યો... હું ખોટું નથી બોલતો... જો... મારા વાંસામાં કેવા ધગધગતા ડામ દીધા છે. દેખાય છે મા? મને શું દુઃખતું નહીં હોય? ને અહીં જો મા... આ સીગરેટના ડામ છે. અને આ લીસોટા છે ને તે સોટીથી માર્યો હતો ને તેના... શું કામ ખબર છે? હું કંઈ તોફાન નહોતો કરતો. પણ તે મને કંઈક ગંદુ કરવાનું કે’તા હતા... પણ મેં ના પાડી ને તેથી... પછી તો માર, ડામ અને ભૂખ્યા રહેવાનું... અંતે તો અમારે એ કહે તેમ કરવું જ પડે ને? મા, તું ભગવાન પાસે ગઈ છે? મને સાથે કેમ ન લઈ ગઈ? અમે બધા બહુ ખરાબ છીએ એટલે ભગવાને અમને સજા કરી છે? પણ અમે શું ખરાબ કર્યું છે? ખરાબ કામો તો આશ્રમના ભાઈજી કરે છે. બધાને એ જ હેરાન કરે છે. ભગવાન એને તો સજા નથી કરતો... અમને જ કેમ કરે છે? મા, મને તારી પાસે બોલાવી લે ને. મા, બોલાવી લે ને.’ સંજુની આંખોમાંથી અભાનપણે ગંગાજમના વહેતી રહી. એકલો એકલો ઊંઘમાં ન જાણે આખી રાત એ શું યે બબડતો રહ્યો. એક અબોધ કિશોર ઘડીકમાં ભગવાનને ઉદ્દેશીને ફરિયાદ કરતો રહ્યો તો ઘડીકમાં કદી ન દીઠેલ માને સંબોધીને વલવલતો રહ્યો. કેટલાયે જનમારાનો થાક તેના સમગ્ર અસ્તિત્વમાં પડઘાતો હતો. ટૂંટિયું વાળી એ ધ્રૂજતો રહ્યો. તારાઓ ઝંખવાઈ ગયા, ચન્દ્ર વાદળ પાછળ અદૃશ્ય. કાળી ડિબાંગ રાત ચૂપચાપ ખરતી રહી. સવારે આસપાસના કલબલથી તેની આંખ ખૂલી. તેણે આંખો ચોળી. તે ક્યાં છે? આશ્રમની દીવાલો ક્યાંય ન દેખાઈ. ઉપર ખુલ્લું આકાશ... નીચે આ સુંદર ફૂટપાથ...! રાતે સપનામાં મા દેખાયેલી. ક્યાં છે તે? તેણે આસપાસ નજર ફેરવી. તે ઊભો થયો. મા તો ક્યાંય ન દેખાઈ. પણ સામે એક નળ દેખાયો. તેના જેવા ઘણા છોકરાઓ ત્યાંથી પાણી પીતા હતા. તે પણ ધીમેથી ત્યાં ગયો. વારો આવતા પાણી પીધું. બધાની જેમ બે ચાર કોગળા પણ કર્યા. ચહેરા પર પાણી છાંટ્યું. સારું લાગ્યું. હવે? શું કરવું તે સમજાયું નહીં. ફરી પોતાની જગ્યાએ જઈને બેઠો. એક રાતમાં તો જગ્યા “પોતાની” થઈ ગઈ હતી. બાજુમાં ત્રણ ઈંટો પર મોટી તાવડી મૂકાયેલ હતી. કોઈ રોટલા શેકતું હતું. રોટલાની મીઠી સુગંધ તેના શ્વાસમાં... તે એકીટશે જોઈ રહ્યો. નવા આગંતુકને જોઈ પંદરેક વરસનો એક છોકરો તેની પાસે આવ્યો અને પૂછ્યું, ‘નવો છે?’ સંજુનું માથું હકારમાં હલ્યું. ‘એકલો છે?’ ફરી માથું ધૂણ્યું. ‘ખાવું છે?’ માથું હકાર કે નકાર એકે રીતે હલ્યું નહીં. પણ સામેવાળો કદાચ અનુભવી હતો. ‘લે, ખાઈ લે. પેટ ભલે આપણું પોતાનું હોય... પણ એ યે સગું નહીં થાય... એને યે કંઈક ભાડુ ભરો તો જ...’ એક રોટલો સંજુ તરફ લંબાયો. સંજુ થોડો અચકાયો. તેની અવઢવ પારખી પેલો છોકરો ફરી બોલ્યો, ‘લે, લઈ લે. અહીં કંઈ મા નથી તે આગ્રહ કરશે... અને પેટ કંઈ કોઈની શરમ નહીં રાખે...’ થોડાં અચકાતા સંજુએ રોટલો હાથમાં લીધો. પેલાએ રોટલા ઉપર ચટણી જેવું કશુંક આપ્યું. પોતે પણ લીધું. અને મોજથી ખાઈ રહ્યો. સંજુએ પણ ખાધું. ભૂખ થોડી શાંત થઈ. તેણે પેલા છોકરા સામે જોયું. જરા હસ્યો. આભાર કેમ માનવો એ સમજાયું નહીં. ‘મારું નામ નરેશ... તારું?’ ‘સંજુ...’ ‘ક્યાંથી આવ્યો?’ સંજુ શું જવાબ આપે? જોકે, નરેશને જવાબની ક્યાં પડી હતી? ‘તમે રોજ જ અહીં રહો છો?’, જરા અચકાતા સંજુએ પૂછ્યું. ‘ના રે. રોજ કંઈ પોલીસદાદો રે’વા ન દે. ફરતા રહીએ. અને લે, આ કોથળો...’ કોથળો? શું કરવાનું? એ સમજ ન પડતાં તે નરેશ સામે જોઈ રહ્યો. ‘અરે ગાંડા... બપોર થશે ને ત્યાં આ પેટ પાછું ચીસો મારવા લાગશે. એ ધરાતું જ નથી. લાવ લાવ કર્યા જ કરે. એને આપીએ જ છૂટકો... અને બેઠા બેઠા તને રોજ ખવડાવી શકું એવો પૈસાવાળો તો તારો દોસ્ત હજુ થયો નથી.’ ‘દોસ્ત?’ નરેશે હાથ આગળ ધર્યો, સંજુનો હાથ આપોઆપ તેની સામે લંબાયો. ‘હવે ચાલ, મારી સાથે... આજુબાજુમાંથી પ્લાસ્ટીકનો કચરો વીણવા માંડ. આ કોથળામાં ભેગો કર. અને પછી સામે વખાર છે ત્યાં આપી આવવાનો. એક ટંક જેટલી જોગવાઈ તો થઈ જ જવાની.’ નરેશે ઉદારતાથી જાણે સંજુને પોતાની પેઢીમાં નોકરી આપી દીધી. કોઈ લાગવગ, કોઈ ઓળખાણ, કોઈની ચિઠ્ઠી વિના જ... સંજુએ કોથળો હાથમાં લીધો અને નરેશ સાથે ચાલી નીકળ્યો. ખાસ્સીવાર ઉકરડા ફંફોસતા રહ્યા. નરેશ મોઢેથી સીસોટી વગાડતો રહ્યો. ક્યારેક કોઈ પિક્ચરના ગીતની કડી લલકારતો ગયો. સાથે સાથે સંજુને પોતાના ધંધાની વિગતો... આંટીઘૂંટીઓથી માહિતગાર કરતો રહ્યો. એક સીનીયર મેનેજર જાણે નવા ઉમેદવારને પોતાની પેઢીનું અકાઉન્ટ સમજાવતો હતો. સારી એવી રઝળપાટ પછી થેલો લઈને વેચવા ગયા ત્યારે સંજુને દસ રૂપિયા મળ્યા. હાથમાં આવેલ રૂપિયા સામે સંજુ છલકતી આંખે જોઈ રહ્યો. પોતાની મહેનતની પહેલી કમાણી. નરેશે કંઈ બોલ્યા સિવાય તેને ખભે હાથ મૂક્યો, ‘દોસ્ત, અહીં આપણા આંસુ આપણે જાતે જ લૂછવાના છે. તારી જેમ એક દિવસ હું પણ... જવા દે. એ બધી વાતો તો થયા કરશે.’ નરેશે દોસ્તનો ખભ્ભો થપથપાવ્યો. સંજુએ પોતાની ભીની આંખો લૂછી નાખી. નરેશ હવે તેને લઈને પોતાની રોજની માનીતી લારીએ ઉપડ્યો. પાંચ પાંચ રૂપિયાના સરસ મજાના પરોઠા અને શાક લીધા. બંનેએ ખાધા. સંજુએ નરેશને પૈસા ન આપવા દીધા. જનમથી ક્યારેય ન અનુભવેલ એક નવો અહેસાસ... આજે પોતે કોઈને ખવડાવી શકે એવો નસીબદાર... હજુ કાલ સુધી તો હાથમાં થાળી લઈને લાઈનમાં... ખાતાં ખાતાં કોઈ નકામી વાત પર આંખમાં પાણી આવી જાય તેટલું બંને હસતા રહ્યા. લોખંડી પિંજરનું એક પંખી મુક્ત આકાશમાં પાંખો ફફડાવતાં શીખવા લાગ્યું. હવે તો સંજુ પાસે પણ સારી એવી મિલ્કત થઈ ગઈ છે. પાથરવા અને ઓઢવાની એમ બે ચાદર છે. એક જોડી કપડાં પણ આવી ગયાં છે. થાળી, વાટકો, ગ્લાસ, દાંતિયો, એક નાનકડો અરીસો... એક વરસમાં તો કેટકેટલી ચીજોનો તે માલિક થઈ ગયો છે. બધું જાત કમાઈનું. કોઈ દયા ખાઈને ક્યારેક કશું આપે તો તેના હૈયામાં ઝાળ ઉઠે છે. એક રાતે સૂતો હતો ત્યારે કોઈ દયાળું તેની ઉપર ધાબળો ઓઢાડીને ચાલ્યું ગયું અને સંજુ ફટક્યો... મનોમન કેટલીયે ગાળો આપી તેણે ધાબળાનો ઘા કરી દીધો. બાર બાર વરસ સુધી બીજાની દયા પર જ જીવતો રહ્યો... હવે નહીં... નરેશ તેને ઓળખી ગયો છે. કશી પૂછપરછ કરતો નથી. બંને મિત્રો ઉકરડાં ફંફોસતાં રહે છે. આખા દિવસની રઝળપાટ પછી થાકેલ શરીરને રોજ રાતે સરસ મજાની ઊંઘ આવી જાય છે. ઊંઘમાં ક્યારેક માને તો ક્યારેક ભગવાનને ફરિયાદ તો હજુ પણ થતી રહે છે. તો ક્યારેક આશ્રમની યાદ હજુ પણ થરથરાવી રહે છે. આજે પણ રોજની માફક જ તે સૂતો હતો. પણ ખબર નહીં કેમ આજે ઊંઘ ન આવી. ફૂટપાથ પર સૂતા સૂતા તારાઓમાં માને શોધવાનો પ્રયત્ન કરી જોયો. જ્યારથી મા શબ્દનો પરિચય થયો છે ત્યારથી અદીઠ રહેલી માની ઝંખના લઈને સૂતો છે. માને કદી જોવા નથી પામ્યો. ક્યાંથી ઓળખી શકવાનો છે તે માને? પોતે તો માને જોઈ છે ફક્ત કલ્પનાની પાંખે... માના વિચારોમાં ઘેરાયેલા સંજુની પાંપણો આજે ન બિડાવાની જીદે ચડી હતી. માના વિચારોની વચ્ચે અચાનક વહેલી સવારે તેને રમેશ યાદ આવી ગયો. આશ્રમમાં તે એક જ તો દોસ્તાર હતો. તેણે પણ પોતાની જેમ એકવાર ભાગવાની કોશિશ કરેલી. પણ પકડાઈ ગયો હતો. પછી તો ભાઈએ મારી મારીને એના પગ જ ભાંગી નાખ્યા હતા. તે પછી બીજા છોકરાઓ ભાગી જતાં ડરતા હતા. અને છતાં પોતે તો હિંમત કરી જ નાખી ને? રમેશ... એ યાદ સાથે જ તે ઊભો થયો. આસપાસ જોયું. હજુ તો બધા સૂતા હતા. વાતાવરણમાં એક સન્નાટો છવાયેલ હતો. સવાર આળસ મરડીને બેઠી થઈ નહોતી. આ એક વરસમાં ક્યારેય નહીં ને આજે અચાનક તેના પગ આશ્રમ તરફ વળ્યા. દૂરના ટાવરમાંથી ઘડિયાળના પાંચ ટકોરા સંભળાયા. હજુ અંધકારનું સામ્રાજ્ય અકબંધ હતું. ડરતો ડરતો... લપાતો છૂપાતો તે આશ્રમ પાસે આવી પહોંચ્યો. એક વરસ પછી તે આશ્રમની ઊંચી દીવાલ જોતો હતો. આવડી ઊંચી દીવાલ તે કૂદી ગયો હતો? થોડી ક્ષણો દીવાલને તાકતો તે ઊભો રહ્યો. આ દીવાલ તેની અનેક યાતનાઓની મૂક સાક્ષી હતી. પોતે તો છૂટી ગયો. પરંતુ હજુ તેના જેવા અનેક... તેની વિચારમાળા આગળ ચાલે તે પહેલાં જ કોઈ નવજાત શિશુનું રુદન કાને અથડાયું. તે ચોંકી ઉઠ્યો. અવાજ ક્યાંથી આવે છે? તેની નજર આશ્રમની દીવાલને અડીને પડેલી કચરાની એક ટોપલી પર પડી. અવાજ તેમાંથી જ આવતો હતો. સંજુ દોડ્યો. ટોપલીમાં જોયું તો અંદર એક નાનકડું બાળક... તે ધ્રૂજી ઉઠ્યો. શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. હમણાં કોઈનું ધ્યાન જશે... અને આને પણ આશ્રમમાં લઈ જશે... તે પણ હરામની ઔલાદ બનશે... પોતાની જેમ જ... મોટું થશે અને પછી ભાઈજી તેની સાથે પણ... એક ક્ષણમાં તો બાળકના આખા ભવિષ્યની જન્મકુંડળી તેના મનમાં ચિતરાઈ ગઈ. સંજુના શરીરમાં જાણે માતાજી આવ્યાં... તેના હાથ, પગ ધ્રૂજતા હતા. નીચા નમી ધીમેથી તેણે શિશુને હાથમાં લીધું. તેના રુદનનો અવાજ સંજુના આખ્ખાયે અસ્તિત્વને ઝકઝોરી રહ્યો. કાલથી આનું ભવિષ્ય પણ પોતા જેવું જ... પોતે તો ભાગી શક્યો... પણ આ કદાચ ન પણ ભાગી શકે. અને તો? તેની આંખો સમક્ષ અનેક ભૂતાવળો... તે હલબલી ઉઠ્યો... ના... ના... સમગ્ર અસ્તિત્વમાંથી જાણે એક નકાર ઉમટ્યો... ફરી એકવાર તેની નજર શિશુ પર પડી. અચાનક તેનું ધ્યાન ગયું... ઓહ... આ તો એક છોકરી હતી. સંજુ હવે તો વધારે ધ્રૂજી ઉઠ્યો. આશ્રમમાં છોકરીની હાલત તો તેણે અનેકવાર નજરે જોઈ હતી. સમજુના મનમાં કરૂણાનો સાગર ઉમટ્યો. પણ શું કરવું તે સમજાયું નહીં. પોતે આને ક્યાં લઈ જાય? ક્યાં રાખે? કેમ રાખે? તેણે ધીમેથી બાળકને એક ચૂમી ભરી. આંખો છલકી ઉઠી. એક નિસાસો નાખી બાળકને ફરીથી કચરાની ટોપલીમાં મૂક્યું. અને ધીમે પગલે તે આગળ ચાલ્યો. પરંતુ... વધુ ન ચાલી શક્યો. દૂર જઈ ન શક્યો. મનમાં ચિંતા, દયા, કરૂણા... ડર, આશંકાઓ, અતીતના ભયાનક દૃશ્યો... સંજુ આખો થરથરી રહ્યો. ના... ના... આમ ન જવાય... શિશુને સાવ આમ મૂકીને ન જવાય... બધું જાણવા છતાં ભાઈજીને ભરોસે મૂકીને આમ પોતાથી ચાલ્યું જવાય? પણ... શું કરી શકે તે? અચાનક વીજળીનો એક ચમકાર... એકદમ ઝડપથી તે પાછો ફર્યો. ફરીથી શિશુને હાથમાં લીધું. તેના હોઠ જોશથી ભીડાયા. નજર આસપાસ ઘૂમી આવી. કોઈ દેખાતું નહોતું. હવે સંજુના હાથ અનાયાસે બાળકના ગળા આસપાસ વીંટળાયા... તે ભાન ભૂલી ગયો. તેના હાથ અનાયાસે જ... કોઈ સાનભાન વિના શિશુના ગળાની આસપાસ વીંટળાયા. જરાક... જરાક જ... જોર... અને શિશુનું રુદન બંધ... બે પળમાં તો બધું શાંત... સારું કર્યું, ખરાબ કર્યું, સાચું કર્યું, ખોટું કર્યું...? સંજુને કશું જ સમજાયું નહીં. ફક્ત તેની આંખમાંથી બે બુંદ ટપકી રહ્યા. તેણે ધીમેથી શિશુને ટોપલીમાં મૂક્યું. અનાથાશ્રમની દીવાલ પાસે ઊભેલ એક વૃક્ષે પોતાના બે ચાર પર્ણ શિશુ પર ખેરવ્યાં. આસમાનમાંથી ઝાકળના બે બુંદ તેની પર ઝળુંબી રહ્યા. અને તેર વરસનો સંજુ મુઠ્ઠીઓ વાળી ફરી એકવાર દોડ્યો... આગળ, પાછળ જોયા સિવાય બસ દોડ્યો.

વાર્તા અને વાર્તાકાર :

નીલમ દોશી (૦૬-૧૨-૧૯૫૫)

બે વાર્તાસંગ્રહ :

1. અંતિમ પ્રકરણ (2010) 12 વાર્તા
2. આઈ એમ શ્યોર (2014) 16 વાર્તા
3. શરત (2020) 17 વાર્તા

નોંધપાત્ર વાર્તાઓ :

આઈ એમ શ્યોર, એ જમાના ગયા