નારીસંપદા : ટૂંકી વાર્તા/પ્રસ્તાવના: Difference between revisions
m (Meghdhanu moved page સવાસો વર્ષની વાર્તાઓ/પ્રસ્તાવના to નારીસંપદા : ટૂંકી વાર્તા/પ્રસ્તાવના without leaving a redirect) |
No edit summary |
||
Line 15: | Line 15: | ||
એમની પાસેથી લગ્નેતર સંબંધોની સંકુલતા અને પીડાના વિવિધ આયામ પ્રગટાવતી લગભગ 6-7 વાર્તા મળી છે. દા.ત. ‘ઈતરા’, ‘અવલંબન’, ‘ખાંડણિયામાં માથું’, ‘સાંજનો સમય’, ‘અગિયારમો પત્ર’, ‘એ નામ’, ‘જોગણી’, ‘ગૂંચ’ વગેરે. થોડાક અંશે વણસ્પર્શ્યું રહી ગયેલું ગુજરાતી વાર્તાનું ક્ષેત્ર એટલે વેશ્યાજીવનને લગતી વાતો. દરેક વેશ્યા પહેલાં સ્ત્રી હોય છે અને એનું વેશ્યા હોવું મોટાભાગે એની લાચારી હોય છે એ વાત સમાજ કદી નથી સ્વીકારતો. હિમાંશી શેલતે ‘કિંમત’, ‘શાપ’, ‘ખરીદી’, ‘મોત’, ‘એ સવાર’ જેવી વાર્તાઓમાં આવી સ્ત્રીઓની વેદનાને સાવ નજીકથી જોઈ છે અને આલેખી છે. 2002નાં કોમી તોફાનોમાં કોમી વૈમનસ્યને પરિણામે પ્રજાકીય સ્તરે જે પ્રશ્નો થયા તેના વિશે સમૂહની માનસિકતા સામે સંવેદનશીલ વ્યક્તિઓની લાચારી વિશે, તરડાઈ ગયેલા સહજીવન વિશે હિમાંશી શેલતે સ્વસ્થ, તટસ્થ દૃષ્ટિકોણથી વાર્તાઓ લખી છે. દા.ત. ‘આજે રાતે’, ‘વામન’, ‘વળતી મુસાફરી’, ‘સજા’, ‘સાતમો મહિનો’, ‘વહેમ’ વગેરે. છેલ્લાં પંદર-વીસ વર્ષથી વાર્તાઓમાં એમને જે કહેવું છે તે પીડાની ચીસરૂપે વિસ્ફોટની જેમ પ્રગટ થાય છે. ગૂંગળાવી દેનારી પરિસ્થિતિ, લોકશાહી મૂલ્યોનાં સતત ધોવાણ સામે વકરતી જતી ટોળાંશાહી, સમજાય નહીં એવાં રાજકીય દબાણો, સ્ત્રીઓની બદહાલી, વિરોધી વિચારોનો ગોળીથી થતો ફેંસલો, ઘેટાંનાં ટોળાંની જેમ દોરવાતી પ્રજા... આપણાં સમયની આ કારમી સમસ્યાઓને એમની વાર્તાઓ ઊંડળમાં લે છે. ગુજરાતી સર્જક ભાગ્યે જ સ્પર્શતો હોય તેવા વિષયવસ્તુ પર એમની વાર્તાઓ મળે છે. દા.ત. વિધવાઓનાં જીવનને આલેખતી ફિલ્મનો ટોળાં દ્વારા હિંસક વિરોધ (‘એકાવનમો એપિસોડ’), પોલીસ કસ્ટડીમાં કોઈનું મરી જવું (‘ઑન ડ્યૂટી’), સાવ નાનકડી બાળકી પર થતો બળાત્કાર (‘કોઈ બીજો માણસ’), કારગિલ યુદ્ધ પછી પાકિસ્તાની નેતાના આગમન સમયે ભારતનું વરસી પડવું (‘વરસી’), ધરતીકંપ (‘ઘર ઊભેલાં અને પડેલાં’ તથા ‘ભંગુર’), કોમી તોફાનો (‘આજે રાતે’, ‘સજા’, ‘વામન’ વગેરે), ગેંગ રેઈપ અને પછી કોઈને સજા જ નહીં (‘કમ્પાસ બૉક્સમાં પડેલી પાંખો’ અને ‘મુઠ્ઠીભર હવા’), ગાંધીને બદલે ગોડસેની પૂજા (‘વીરપૂજા’), ગૌરી લંકેશ કે કલબુર્ગીની હત્યા (‘ધારો કે આ વાર્તા નથી’), ઑનર કિલિંગ (‘નગર ઢિંઢોરા’), સત્યને ગૂંગળાવનાર માહોલ (‘ધુમ્મસિયા સવારનો સૂરજ’), ભ્રૂણહત્યા (‘ગર્ભગાથા’) વગેરે... આપણા સમયની મોટાભાગની જાણીતી સમસ્યાઓને હિમાંશી શેલત કળાના ધોરણે આલેખે છે. આ ટોળાંશાહી, આ પરિસ્થિતિ એક સ્વસ્થ નાગરિકસમાજને ક્યાં લઈ જશે? એવું વિચારવા આ વાર્તાઓ આપણને મજબૂર કરે છે. સામાજિક વાસ્તવને કળાના વાસ્તવમાં રૂપાંતરિત કરતાં આ સર્જકની વાર્તાઓમાં પ્રતિબદ્ધતા અને કલાત્મકતાનું વિરલ મિશ્રણ જોવા મળે છે. વણખેડાયેલાં વિષયવસ્તુ સાથે કામ પાડતાં હિમાંશી શેલત વાર્તાકાર તરીકે સતત વિકસતાં રહ્યાં છે. એમની વાર્તાઓ સંવેદનશીલ ભાવકને દિવસો સુધી અજંપ બનાવી શકે છે. જ્યાં લખવા, બોલવા પર જાતજાતના અદૃશ્ય પ્રતિબંધો લદાયેલા હોય એવા ગૂંગળાવતા, બરછટ અને નીંભર સાંપ્રતમાં, અનેક વાડાઓમાં વહેંચાયેલી, ખુશામતખોર, ડરપોક, નિર્માલ્ય પ્રજા વચ્ચે આ પ્રકારની વાર્તાઓ લખવી એ જરાય ઓછી હિંમતનું કામ નથી. સરળ, ગળચટ્ટા શીરા જેવાં સાહિત્ય અને એવું જ માણતા વાચકોની વચ્ચે આવી વાર્તાઓ લખાય એનો આનંદ. ગુજરાતી સાહિત્યમાં બહુમુખી પ્રદાન કરનાર હિમાંશી શેલત ગુજરાતી ટૂંકી વાર્તાનું જ નહીં, પણ ભારતીય ટૂંકી વાર્તાનું એક અતિ મહત્ત્વનું નામ છે એ આપણે સ્વીકારવું જ રહ્યું. | એમની પાસેથી લગ્નેતર સંબંધોની સંકુલતા અને પીડાના વિવિધ આયામ પ્રગટાવતી લગભગ 6-7 વાર્તા મળી છે. દા.ત. ‘ઈતરા’, ‘અવલંબન’, ‘ખાંડણિયામાં માથું’, ‘સાંજનો સમય’, ‘અગિયારમો પત્ર’, ‘એ નામ’, ‘જોગણી’, ‘ગૂંચ’ વગેરે. થોડાક અંશે વણસ્પર્શ્યું રહી ગયેલું ગુજરાતી વાર્તાનું ક્ષેત્ર એટલે વેશ્યાજીવનને લગતી વાતો. દરેક વેશ્યા પહેલાં સ્ત્રી હોય છે અને એનું વેશ્યા હોવું મોટાભાગે એની લાચારી હોય છે એ વાત સમાજ કદી નથી સ્વીકારતો. હિમાંશી શેલતે ‘કિંમત’, ‘શાપ’, ‘ખરીદી’, ‘મોત’, ‘એ સવાર’ જેવી વાર્તાઓમાં આવી સ્ત્રીઓની વેદનાને સાવ નજીકથી જોઈ છે અને આલેખી છે. 2002નાં કોમી તોફાનોમાં કોમી વૈમનસ્યને પરિણામે પ્રજાકીય સ્તરે જે પ્રશ્નો થયા તેના વિશે સમૂહની માનસિકતા સામે સંવેદનશીલ વ્યક્તિઓની લાચારી વિશે, તરડાઈ ગયેલા સહજીવન વિશે હિમાંશી શેલતે સ્વસ્થ, તટસ્થ દૃષ્ટિકોણથી વાર્તાઓ લખી છે. દા.ત. ‘આજે રાતે’, ‘વામન’, ‘વળતી મુસાફરી’, ‘સજા’, ‘સાતમો મહિનો’, ‘વહેમ’ વગેરે. છેલ્લાં પંદર-વીસ વર્ષથી વાર્તાઓમાં એમને જે કહેવું છે તે પીડાની ચીસરૂપે વિસ્ફોટની જેમ પ્રગટ થાય છે. ગૂંગળાવી દેનારી પરિસ્થિતિ, લોકશાહી મૂલ્યોનાં સતત ધોવાણ સામે વકરતી જતી ટોળાંશાહી, સમજાય નહીં એવાં રાજકીય દબાણો, સ્ત્રીઓની બદહાલી, વિરોધી વિચારોનો ગોળીથી થતો ફેંસલો, ઘેટાંનાં ટોળાંની જેમ દોરવાતી પ્રજા... આપણાં સમયની આ કારમી સમસ્યાઓને એમની વાર્તાઓ ઊંડળમાં લે છે. ગુજરાતી સર્જક ભાગ્યે જ સ્પર્શતો હોય તેવા વિષયવસ્તુ પર એમની વાર્તાઓ મળે છે. દા.ત. વિધવાઓનાં જીવનને આલેખતી ફિલ્મનો ટોળાં દ્વારા હિંસક વિરોધ (‘એકાવનમો એપિસોડ’), પોલીસ કસ્ટડીમાં કોઈનું મરી જવું (‘ઑન ડ્યૂટી’), સાવ નાનકડી બાળકી પર થતો બળાત્કાર (‘કોઈ બીજો માણસ’), કારગિલ યુદ્ધ પછી પાકિસ્તાની નેતાના આગમન સમયે ભારતનું વરસી પડવું (‘વરસી’), ધરતીકંપ (‘ઘર ઊભેલાં અને પડેલાં’ તથા ‘ભંગુર’), કોમી તોફાનો (‘આજે રાતે’, ‘સજા’, ‘વામન’ વગેરે), ગેંગ રેઈપ અને પછી કોઈને સજા જ નહીં (‘કમ્પાસ બૉક્સમાં પડેલી પાંખો’ અને ‘મુઠ્ઠીભર હવા’), ગાંધીને બદલે ગોડસેની પૂજા (‘વીરપૂજા’), ગૌરી લંકેશ કે કલબુર્ગીની હત્યા (‘ધારો કે આ વાર્તા નથી’), ઑનર કિલિંગ (‘નગર ઢિંઢોરા’), સત્યને ગૂંગળાવનાર માહોલ (‘ધુમ્મસિયા સવારનો સૂરજ’), ભ્રૂણહત્યા (‘ગર્ભગાથા’) વગેરે... આપણા સમયની મોટાભાગની જાણીતી સમસ્યાઓને હિમાંશી શેલત કળાના ધોરણે આલેખે છે. આ ટોળાંશાહી, આ પરિસ્થિતિ એક સ્વસ્થ નાગરિકસમાજને ક્યાં લઈ જશે? એવું વિચારવા આ વાર્તાઓ આપણને મજબૂર કરે છે. સામાજિક વાસ્તવને કળાના વાસ્તવમાં રૂપાંતરિત કરતાં આ સર્જકની વાર્તાઓમાં પ્રતિબદ્ધતા અને કલાત્મકતાનું વિરલ મિશ્રણ જોવા મળે છે. વણખેડાયેલાં વિષયવસ્તુ સાથે કામ પાડતાં હિમાંશી શેલત વાર્તાકાર તરીકે સતત વિકસતાં રહ્યાં છે. એમની વાર્તાઓ સંવેદનશીલ ભાવકને દિવસો સુધી અજંપ બનાવી શકે છે. જ્યાં લખવા, બોલવા પર જાતજાતના અદૃશ્ય પ્રતિબંધો લદાયેલા હોય એવા ગૂંગળાવતા, બરછટ અને નીંભર સાંપ્રતમાં, અનેક વાડાઓમાં વહેંચાયેલી, ખુશામતખોર, ડરપોક, નિર્માલ્ય પ્રજા વચ્ચે આ પ્રકારની વાર્તાઓ લખવી એ જરાય ઓછી હિંમતનું કામ નથી. સરળ, ગળચટ્ટા શીરા જેવાં સાહિત્ય અને એવું જ માણતા વાચકોની વચ્ચે આવી વાર્તાઓ લખાય એનો આનંદ. ગુજરાતી સાહિત્યમાં બહુમુખી પ્રદાન કરનાર હિમાંશી શેલત ગુજરાતી ટૂંકી વાર્તાનું જ નહીં, પણ ભારતીય ટૂંકી વાર્તાનું એક અતિ મહત્ત્વનું નામ છે એ આપણે સ્વીકારવું જ રહ્યું. | ||
મોના પાત્રાવાલા ગુજરાતી સ્ત્રીવાર્તાકારો વચ્ચે સાવ નોખો પડી જતો અવાજ છે એટલે એમની અલગથી નોંધ લેવી રહી. મોના પાત્રાવાલા ‘રાની બિલાડો’ની વાર્તાઓમાં વાંસદાની આસપાસ વસતા પારસીઓ અને દુબળાઓ, કોળીઓના પરસ્પર સંબંધોને, એમની પ્રાકૃત જીવનશૈલીને જંગલના આદિમ વર્ણનોની સમાંતરે આલેખે છે. આવું આદિમ જગત ગુજરાતી વાર્તામાં પહેલીવાર પ્રગટ્યું છે. નિશાચર જેવા રાતના ઓળા, કાળઝાળ દિવસ, જંગલી ફૂલોની ગંધ... અડાબીડ સાગ, સીસમ કે ખેરનાં વૃક્ષો, રાનીપશુની આંખ જેવો લબકારા મારતો પ્રકાશ, ભૂંજેલી કલેજીને મહુડાના દારૂમાં મસ્ત પારસી અને જાડી, માંસલ બદનની જંગાડ બાઈઓ વચ્ચેના પ્રાકૃત સંબંધો, ઝાકળના દદડતા રગેડા, અડધો તૂટેલો ને અડધો ખવાયેલો પીળા બરફના ગોળા જેવો ચાંદો, ચેંહુડોળા ને રાની બિલાડાના ટોળાં, વાગળાની આંખ જેવા ઝબકતા તારા... આ ગીચ જંગલ, એનું ભેજીલું વાતાવરણ, આ રાક્ષસી અંધારાં, આ ધુમાડાથી કાળા પડી ગયેલા, ભૂકી ખેરવતા લાકડાના તાઉદાન જેવા હવડ ઘર, અને એમાં રહેતા આ આદિમ લોકો અને એમની આદિમ વૃત્તિઓ... ગુજરાતી વાર્તાજગતમાં પહેલીવાર પ્રવેશે છે. નમ્ર, મીઠાબોલી અભિજાત પારસી કોમથી પરિચિત ગુજરાતી પ્રજાને મોના પાત્રાવાલાના આ પ્રાકૃત પારસીઓનો પરિચય જ ક્યાં હતો? સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રાકૃત અવસ્થાએ પહોંચતા જાતીય સંબંધોને નિરૂપતી ભાષા આપણા રૂઢ થઈ ગયેલા નીતિવિષયક સુષ્ઠુ ખ્યાલોને નથી ગાંઠતી. આ વાર્તાકારને વાંચવા-સમજવા માટે વાચકે રુચિનાં ધોરણોને જરાક ઉદાર કરવાં પડે. આ પ્રકારની વાર્તાઓ લખનાર અન્ય સ્ત્રીસર્જક આપણે ત્યાં તો નથી એ પણ નોંધવું રહ્યું. | મોના પાત્રાવાલા ગુજરાતી સ્ત્રીવાર્તાકારો વચ્ચે સાવ નોખો પડી જતો અવાજ છે એટલે એમની અલગથી નોંધ લેવી રહી. મોના પાત્રાવાલા ‘રાની બિલાડો’ની વાર્તાઓમાં વાંસદાની આસપાસ વસતા પારસીઓ અને દુબળાઓ, કોળીઓના પરસ્પર સંબંધોને, એમની પ્રાકૃત જીવનશૈલીને જંગલના આદિમ વર્ણનોની સમાંતરે આલેખે છે. આવું આદિમ જગત ગુજરાતી વાર્તામાં પહેલીવાર પ્રગટ્યું છે. નિશાચર જેવા રાતના ઓળા, કાળઝાળ દિવસ, જંગલી ફૂલોની ગંધ... અડાબીડ સાગ, સીસમ કે ખેરનાં વૃક્ષો, રાનીપશુની આંખ જેવો લબકારા મારતો પ્રકાશ, ભૂંજેલી કલેજીને મહુડાના દારૂમાં મસ્ત પારસી અને જાડી, માંસલ બદનની જંગાડ બાઈઓ વચ્ચેના પ્રાકૃત સંબંધો, ઝાકળના દદડતા રગેડા, અડધો તૂટેલો ને અડધો ખવાયેલો પીળા બરફના ગોળા જેવો ચાંદો, ચેંહુડોળા ને રાની બિલાડાના ટોળાં, વાગળાની આંખ જેવા ઝબકતા તારા... આ ગીચ જંગલ, એનું ભેજીલું વાતાવરણ, આ રાક્ષસી અંધારાં, આ ધુમાડાથી કાળા પડી ગયેલા, ભૂકી ખેરવતા લાકડાના તાઉદાન જેવા હવડ ઘર, અને એમાં રહેતા આ આદિમ લોકો અને એમની આદિમ વૃત્તિઓ... ગુજરાતી વાર્તાજગતમાં પહેલીવાર પ્રવેશે છે. નમ્ર, મીઠાબોલી અભિજાત પારસી કોમથી પરિચિત ગુજરાતી પ્રજાને મોના પાત્રાવાલાના આ પ્રાકૃત પારસીઓનો પરિચય જ ક્યાં હતો? સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રાકૃત અવસ્થાએ પહોંચતા જાતીય સંબંધોને નિરૂપતી ભાષા આપણા રૂઢ થઈ ગયેલા નીતિવિષયક સુષ્ઠુ ખ્યાલોને નથી ગાંઠતી. આ વાર્તાકારને વાંચવા-સમજવા માટે વાચકે રુચિનાં ધોરણોને જરાક ઉદાર કરવાં પડે. આ પ્રકારની વાર્તાઓ લખનાર અન્ય સ્ત્રીસર્જક આપણે ત્યાં તો નથી એ પણ નોંધવું રહ્યું. | ||
હિમાંશી શેલત, વર્ષા અડાલજા કે ઈલા આરબ મહેતા પાસેથી 2024માં પણ સારી વાર્તાઓ મળે છે એની નોંધ સાથે હું 1990 આસપાસ લખતાં થયેલાં સ્ત્રીસર્જકોની વાત કરીશ. ભારતી દલાલ, અંજલિ ખાંડવાળા, સુવર્ણા, હેમાંગિની રાનડે, બિંદુ ભટ્ટ, અશ્વિની બાપટ વગેરે એવાં સર્જકો છે જેમણે સંખ્યાની દૃષ્ટિએ ઓછી વાર્તાઓ લખી છે પણ એમની પાસેથી વાર્તાસ્વરૂપ પ્રત્યેની પૂરી સભાનતા, કેળવાયેલી સજ્જતા સાથે ગુણવત્તાસભર વાર્તાઓ મળી છે. 2000 આસપાસ લખતાં થયેલાં મીનલ દવે, પારુલ દેસાઈ, દક્ષા સંઘવી, ગિરીમા ઘારેખાન, નીલમ દોશી, નીતા જોષી, સ્વાતિ નાયક વગેરેએ બિલકુલ પરિપક્વ કલમની પ્રસાદી જેવી | હિમાંશી શેલત, વર્ષા અડાલજા કે ઈલા આરબ મહેતા પાસેથી 2024માં પણ સારી વાર્તાઓ મળે છે એની નોંધ સાથે હું 1990 આસપાસ લખતાં થયેલાં સ્ત્રીસર્જકોની વાત કરીશ. ભારતી દલાલ, અંજલિ ખાંડવાળા, સુવર્ણા, હેમાંગિની રાનડે, બિંદુ ભટ્ટ, અશ્વિની બાપટ વગેરે એવાં સર્જકો છે જેમણે સંખ્યાની દૃષ્ટિએ ઓછી વાર્તાઓ લખી છે પણ એમની પાસેથી વાર્તાસ્વરૂપ પ્રત્યેની પૂરી સભાનતા, કેળવાયેલી સજ્જતા સાથે ગુણવત્તાસભર વાર્તાઓ મળી છે. 2000 આસપાસ લખતાં થયેલાં મીનલ દવે, પારુલ દેસાઈ, પન્ના ત્રિવેદી, દક્ષા સંઘવી, ગિરીમા ઘારેખાન, નીલમ દોશી, નીતા જોષી, સ્વાતિ નાયક વગેરેએ બિલકુલ પરિપક્વ કલમની પ્રસાદી જેવી વાર્તાઓ લખી. 2000 પછી સંખ્યાની દૃષ્ટિએ સૌથી વધારે વાર્તાઓ પન્ના ત્રિવેદી પાસેથી મળી છે. | ||
2010 પછી લખતાં થયેલાં સ્ત્રીસર્જકોની સંખ્યા એટલી મોટી છે કે નવાઈ પણ લાગે અને રાજી પણ થવાય. જે રીતે વીસમી સદીના આરંભે બહેનો લખતી-છપાવતી થઈ એની પાછળ ‘સ્ત્રીબોધ’, ‘સુંદરીસુબોધ’ જેવાં સામયિકો કારણરૂપ હતાં. એ જ રીતે એકવીસમી સદીના આરંભ પછી વાર્તા છાપનારાં સામયિકો વધ્યાં, વાર્તા હરીફાઈઓ પણ વધી. પ્રતિલિપિ કે બીજાં ઓનલાઇન માધ્યમો પણ વધ્યાં. વાર્તા છપાવવી સહેલી બની, વાર્તાસંગ્રહો છપાવવા પણ સહેલાં થઈ ગયાં. ટૂંકી વાર્તા વિશે કશું ન જાણતા નિર્ણાયકોની સંખ્યા પણ વધી. પ્રસ્તાવના લખનાર, વિમોચન કરનારની ખોટ તો ન પડી પણ અનુવાદ કરનારા પણ મળી આવ્યા ! પરિણામ એ આવ્યું કે છેલ્લાં દસ-બાર વર્ષમાં વાર્તા લખનારી બહેનોની સંખ્યા વધી પણ એમની પાસેથી મળતી સારી ટૂંકી વાર્તાની સંખ્યા ઘટી. જોડણી કે વાક્યરચના કશાનાં ઠેકાણાં ન હોય, વાર્તારસ સિવાય કંઈ જ ન હોય એવી છાપાળવી, ફિલ્મી વાર્તાઓના ઢગ ખડકાયા. આપણા સારાં ગણાતાં સામયિકો – પરબ, શબ્દસૃષ્ટિ કે નવનીત સમર્પણે – એટલી હદે નબળી વાર્તાઓ છાપી કે ‘મમતા’ કે ‘જલારામદીપ’ની શી ફરિયાદ કરવી? (અન્નપૂર્ણા મેકવાનની ‘શબ્દસૃષ્ટિ’ 2020ની ‘નમાલો’ કે 2022ના ‘પરબ’ની એમની વાર્તા ‘સરપ્રાઈઝ’. ડિસેમ્બર, 2023ના ‘પરબ’માં છપાયેલી ઉમા ચક્રવર્તીની વાર્તા કે ‘પરબ’ મે, 2022માં ઇંદુ જોશીની વાર્તા ‘અલય’ કે ‘નવનીત સમર્પણ’માં શ્રેયા શાહની 2006માં ‘એક અમસ્તો અમસ્તો માણસ’ કે નવનીત સમર્પણ 2023માં છપાયેલી ‘ચોરસનો પાંચમો ખૂણો’ કઈ રીતે છપાઈ હશે તેનું આશ્ચર્ય થાય. જાનકી શાહની કુમાર એપ્રિલ 2017માં છપાયેલી ‘નામ શું રાખું?’ કે ‘મમતા’ની ‘ડાયવર્ઝન’ વાર્તા માટે પણ એવો જ પ્રશ્ન થાય. મોના લિયાની ‘નવનીત સમર્પણ’માં છપાયેલી ‘નિરુત્તર’ વાર્તા માટે પણ પ્રશ્ન થાય.) અનેક છપાયેલી વાર્તાઓ પ્રશ્ન કરે છે કે જોડણીની, વાક્યરચનાની અરાજકતા સાથેની વાર્તા સર્જક તો મોકલે પણ સામયિક એને એમ ને એમ છાપે? લાગે છે કે આપણા સંપાદકો અતિશય ઉદાર થઈ ગયા છે ! | 2010 પછી લખતાં થયેલાં સ્ત્રીસર્જકોની સંખ્યા એટલી મોટી છે કે નવાઈ પણ લાગે અને રાજી પણ થવાય. જે રીતે વીસમી સદીના આરંભે બહેનો લખતી-છપાવતી થઈ એની પાછળ ‘સ્ત્રીબોધ’, ‘સુંદરીસુબોધ’ જેવાં સામયિકો કારણરૂપ હતાં. એ જ રીતે એકવીસમી સદીના આરંભ પછી વાર્તા છાપનારાં સામયિકો વધ્યાં, વાર્તા હરીફાઈઓ પણ વધી. પ્રતિલિપિ કે બીજાં ઓનલાઇન માધ્યમો પણ વધ્યાં. વાર્તા છપાવવી સહેલી બની, વાર્તાસંગ્રહો છપાવવા પણ સહેલાં થઈ ગયાં. ટૂંકી વાર્તા વિશે કશું ન જાણતા નિર્ણાયકોની સંખ્યા પણ વધી. પ્રસ્તાવના લખનાર, વિમોચન કરનારની ખોટ તો ન પડી પણ અનુવાદ કરનારા પણ મળી આવ્યા ! પરિણામ એ આવ્યું કે છેલ્લાં દસ-બાર વર્ષમાં વાર્તા લખનારી બહેનોની સંખ્યા વધી પણ એમની પાસેથી મળતી સારી ટૂંકી વાર્તાની સંખ્યા ઘટી. જોડણી કે વાક્યરચના કશાનાં ઠેકાણાં ન હોય, વાર્તારસ સિવાય કંઈ જ ન હોય એવી છાપાળવી, ફિલ્મી વાર્તાઓના ઢગ ખડકાયા. આપણા સારાં ગણાતાં સામયિકો – પરબ, શબ્દસૃષ્ટિ કે નવનીત સમર્પણે – એટલી હદે નબળી વાર્તાઓ છાપી કે ‘મમતા’ કે ‘જલારામદીપ’ની શી ફરિયાદ કરવી? (અન્નપૂર્ણા મેકવાનની ‘શબ્દસૃષ્ટિ’ 2020ની ‘નમાલો’ કે 2022ના ‘પરબ’ની એમની વાર્તા ‘સરપ્રાઈઝ’. ડિસેમ્બર, 2023ના ‘પરબ’માં છપાયેલી ઉમા ચક્રવર્તીની વાર્તા કે ‘પરબ’ મે, 2022માં ઇંદુ જોશીની વાર્તા ‘અલય’ કે ‘નવનીત સમર્પણ’માં શ્રેયા શાહની 2006માં ‘એક અમસ્તો અમસ્તો માણસ’ કે નવનીત સમર્પણ 2023માં છપાયેલી ‘ચોરસનો પાંચમો ખૂણો’ કઈ રીતે છપાઈ હશે તેનું આશ્ચર્ય થાય. જાનકી શાહની કુમાર એપ્રિલ 2017માં છપાયેલી ‘નામ શું રાખું?’ કે ‘મમતા’ની ‘ડાયવર્ઝન’ વાર્તા માટે પણ એવો જ પ્રશ્ન થાય. મોના લિયાની ‘નવનીત સમર્પણ’માં છપાયેલી ‘નિરુત્તર’ વાર્તા માટે પણ પ્રશ્ન થાય.) અનેક છપાયેલી વાર્તાઓ પ્રશ્ન કરે છે કે જોડણીની, વાક્યરચનાની અરાજકતા સાથેની વાર્તા સર્જક તો મોકલે પણ સામયિક એને એમ ને એમ છાપે? લાગે છે કે આપણા સંપાદકો અતિશય ઉદાર થઈ ગયા છે ! | ||
બધું જ કહી દેતી, સુવાક્યો કે ઉપદેશ આપવાની ચેષ્ટા કરતી, કંઈ પણ અગડમ્ બગડમ્ લખ્યે જતી, સંસ્કૃત પરિપાટીએ પ્રેમાનંદની જેમ – પરવાળા જેવા હોઠ, દાડમની કળી જેવા દાંત, નાગણ જેવો ચોટલો – રૂપવર્ણન કરનારી, ‘ચીકણો દેહ’ જેવી ફિલ્મી અભિવ્યક્તિ કરતી બહેનોની સંખ્યા પણ ઓછી નથી. સરેરાશ વાર્તારસ, વાર્તાગૂંથણીની સમજ હોય પણ ટૂંકી વાર્તા એનાથી કંઈક વધારે માગે એવી સમજનો અભાવ હોય, ગુજરાતી ટૂંકી વાર્તાની પરંપરામાંથી પસાર જ ન થયાં હોય એવાં સ્ત્રીસર્જકોની સંખ્યા ઘણી મોટી છે. | બધું જ કહી દેતી, સુવાક્યો કે ઉપદેશ આપવાની ચેષ્ટા કરતી, કંઈ પણ અગડમ્ બગડમ્ લખ્યે જતી, સંસ્કૃત પરિપાટીએ પ્રેમાનંદની જેમ – પરવાળા જેવા હોઠ, દાડમની કળી જેવા દાંત, નાગણ જેવો ચોટલો – રૂપવર્ણન કરનારી, ‘ચીકણો દેહ’ જેવી ફિલ્મી અભિવ્યક્તિ કરતી બહેનોની સંખ્યા પણ ઓછી નથી. સરેરાશ વાર્તારસ, વાર્તાગૂંથણીની સમજ હોય પણ ટૂંકી વાર્તા એનાથી કંઈક વધારે માગે એવી સમજનો અભાવ હોય, ગુજરાતી ટૂંકી વાર્તાની પરંપરામાંથી પસાર જ ન થયાં હોય એવાં સ્ત્રીસર્જકોની સંખ્યા ઘણી મોટી છે. | ||
વીસમી સદીના આરંભે વાર્તાકારે પોતાની વાર્તાને ‘લેખ’ કહ્યો હોય એવું એક કરતાં વધારે વાર બન્યું હતું. મારા આશ્ચર્ય વચ્ચે 21મી સદીના બીજા દાયકામાં પણ પોતાની વાર્તાને ‘લેખ’ કહેનાર છે ! દા.ત. પલ્લવી મિસ્ત્રી એમની વાર્તા ‘તમે તો કશું બોલશો જ નહિ, પપ્પા’ના અંતે લખે છે : ‘આ લેખ ખાસ ભેટરૂપે.’ જે તે સ્પર્ધામાં વિજેતા થઈ હોય એવી અતિશય નબળી વાર્તાઓ પણ સ્ત્રીસર્જકોએ ઉત્સાહભેર મને મોકલી છે. આખેઆખા વાર્તાસંગ્રહમાંથી એકેય વાર્તા ન લઈ શકાઈ હોય એવું પણ બન્યું છે. ‘લેખિની’ના વાર્તા વિશેષાંકમાં 80% વાર્તાઓ એકદમ સરેરાશ કહી શકાય એવી કે ફિલ્મી કે છાપાળવી હોય ત્યારે કહેવાનું મન થાય કે જો આ લખનાર બહેનો ગુજરાતી ટૂંકી વાર્તાની પરંપરાને આત્મસાત્ કરે, જરાક શાસ્ત્ર સમજે તો કદાચ એમની પાસેથી સારી વાર્તાઓ મળી શકે. પોતીકી વાર્તા પરંપરામાંથી પસાર થવાનો સૌથી મોટો ફાયદો એ થાય કે પૂર્વસૂરિઓ લખી ગયા હોય એવા જ થીમની વાર્તા તેઓ ફરીથી ન લખે, અને જો લખે તો પૂર્વસૂરિની વાર્તાને અતિક્રમવાની સભાન કોશિશ કરે. મને આવી એક કરતાં વધારે વાર્તા મળી છે જે આપણા પૂર્વસૂરિઓએ વધારે સારી રીતે લખી હોય. દા.ત. ગીતા દેવદત્ત શુક્લની ‘રાજીમા’ ને જયંતિ દલાલની ‘સ્ત્રીનગર’ સાથે વાંચો કે ‘સિક્સટિન સિક્સટિ’ વાર્તાને વર્ષા અડાલજાની ‘ગાંઠે બાંધ્યું આકાશ’ની સાથે વાંચો, નીતા જોશીની ‘ડચૂરો’ વાર્તાને જયંતિ દલાલની ‘આ ઘેર પેલે ઘેર’ સાથે વાંચો, રાજુલ કૌશિકની ‘માટીપગો’ વાર્તાને સરોજિની મહેતાની ‘સુખ કે દુઃખ’ વાર્તા સાથે જુઓ, નીલમ | વીસમી સદીના આરંભે વાર્તાકારે પોતાની વાર્તાને ‘લેખ’ કહ્યો હોય એવું એક કરતાં વધારે વાર બન્યું હતું. મારા આશ્ચર્ય વચ્ચે 21મી સદીના બીજા દાયકામાં પણ પોતાની વાર્તાને ‘લેખ’ કહેનાર છે ! દા.ત. પલ્લવી મિસ્ત્રી એમની વાર્તા ‘તમે તો કશું બોલશો જ નહિ, પપ્પા’ના અંતે લખે છે : ‘આ લેખ ખાસ ભેટરૂપે.’ જે તે સ્પર્ધામાં વિજેતા થઈ હોય એવી અતિશય નબળી વાર્તાઓ પણ સ્ત્રીસર્જકોએ ઉત્સાહભેર મને મોકલી છે. આખેઆખા વાર્તાસંગ્રહમાંથી એકેય વાર્તા ન લઈ શકાઈ હોય એવું પણ બન્યું છે. ‘લેખિની’ના વાર્તા વિશેષાંકમાં 80% વાર્તાઓ એકદમ સરેરાશ કહી શકાય એવી કે ફિલ્મી કે છાપાળવી હોય ત્યારે કહેવાનું મન થાય કે જો આ લખનાર બહેનો ગુજરાતી ટૂંકી વાર્તાની પરંપરાને આત્મસાત્ કરે, જરાક શાસ્ત્ર સમજે તો કદાચ એમની પાસેથી સારી વાર્તાઓ મળી શકે. પોતીકી વાર્તા પરંપરામાંથી પસાર થવાનો સૌથી મોટો ફાયદો એ થાય કે પૂર્વસૂરિઓ લખી ગયા હોય એવા જ થીમની વાર્તા તેઓ ફરીથી ન લખે, અને જો લખે તો પૂર્વસૂરિની વાર્તાને અતિક્રમવાની સભાન કોશિશ કરે. મને આવી એક કરતાં વધારે વાર્તા મળી છે જે આપણા પૂર્વસૂરિઓએ વધારે સારી રીતે લખી હોય. દા.ત. ગીતા દેવદત્ત શુક્લની ‘રાજીમા’ ને જયંતિ દલાલની ‘સ્ત્રીનગર’ સાથે વાંચો કે ‘સિક્સટિન સિક્સટિ’ વાર્તાને વર્ષા અડાલજાની ‘ગાંઠે બાંધ્યું આકાશ’ની સાથે વાંચો, નીતા જોશીની ‘ડચૂરો’ વાર્તાને જયંતિ દલાલની ‘આ ઘેર પેલે ઘેર’ સાથે વાંચો, રાજુલ કૌશિકની ‘માટીપગો’ વાર્તાને સરોજિની મહેતાની ‘સુખ કે દુઃખ’ વાર્તા સાથે જુઓ, નીલમ દોશીની ‘સંજુ દોડ્યો’ વાર્તાને જયંતિ દલાલની ‘જીવન જાગ્યું’ વાર્તા સાથે તપાસો, પન્ના ત્રિવેદીની ‘નિકેતને માલૂમ થાય કે’ વાર્તાને હિમાંશી શેલતની ‘અકબંધ’ વાર્તા સાથે રાખીને જુઓ... હરીશ નાગ્રેચાની ‘કૂબો’ વાર્તાને માત્ર પાત્રનાં નામો બદલીને જેમ ની તેમ ‘ઘર’ વાર્તા લખનાર નયના સોલંકી પણ છે. જરાક સભાન રહે સર્જક, પરંપરામાંથી પસાર થાય તો કદાચ આવું ન થાય. | ||
2010 પછી લખતી થનારી બહેનોમાંથી લગભગ 95 % બહેનોએ સ્ત્રીઓની જાણીતી સમસ્યાઓ વિશે વધારે વાર્તાઓ લખી. ખાસ કરીને જે કૌટુંબિક સમસ્યાઓ વિશે વીસમી સદીના આરંભે વાર્તાઓ લખાઈ એ જ સમસ્યાઓ વિશે 21મી સદીના બીજા દાયકામાં પણ લખાયું એ ન સમજાય એવી વાત છે કારણ કે, સ્ત્રીઓની સમસ્યાઓ બદલાઈ છે એ હકીકત છે. હા, કોરોના કાળમાં કદી કલ્પી ન હોય એવી સમસ્યાઓનો આપણે સામનો કર્યો. એને વિષય બનાવીને છાયા ત્રિવેદી, પારુલ દેસાઈ અને કોશા રાવલ પાસેથી સારી વાર્તાઓ મળી છે. છાયા ઉપાધ્યાય તથા યામિની પટેલ જરાક નોખા મિજાજની વાર્તાઓ આપે છે. દેશની અનેક સળગતી સાંપ્રત સમસ્યાઓ વિશે સૌથી સારી વાર્તાઓ આજે પણ હિમાંશી શેલત પાસેથી જ મળે છે. કોમી તોફાનો, બળાત્કાર, ભ્રષ્ટ થતું જતું તંત્ર, તંત્રની વધતી જતી ભીંસ વિશે હિમાંશી શેલત ઉપરાંત મીનલ દવે, વંદના ભટ્ટ પાસેથી પણ વાર્તાઓ મળી છે. મીનલ દવેની ‘ઓથાર’, વંદના ભટ્ટની ‘ઝાડીઝાંખરાં’ કે લતા હિરાણીની ‘જૂઈ’ જેવી વાર્તાઓ હકીકતે સામાજિક સૌહાર્દ વધારનારી વાર્તાઓ છે. | 2010 પછી લખતી થનારી બહેનોમાંથી લગભગ 95 % બહેનોએ સ્ત્રીઓની જાણીતી સમસ્યાઓ વિશે વધારે વાર્તાઓ લખી. ખાસ કરીને જે કૌટુંબિક સમસ્યાઓ વિશે વીસમી સદીના આરંભે વાર્તાઓ લખાઈ એ જ સમસ્યાઓ વિશે 21મી સદીના બીજા દાયકામાં પણ લખાયું એ ન સમજાય એવી વાત છે કારણ કે, સ્ત્રીઓની સમસ્યાઓ બદલાઈ છે એ હકીકત છે. હા, કોરોના કાળમાં કદી કલ્પી ન હોય એવી સમસ્યાઓનો આપણે સામનો કર્યો. એને વિષય બનાવીને છાયા ત્રિવેદી, પારુલ દેસાઈ અને કોશા રાવલ પાસેથી સારી વાર્તાઓ મળી છે. છાયા ઉપાધ્યાય તથા યામિની પટેલ જરાક નોખા મિજાજની વાર્તાઓ આપે છે. દેશની અનેક સળગતી સાંપ્રત સમસ્યાઓ વિશે સૌથી સારી વાર્તાઓ આજે પણ હિમાંશી શેલત પાસેથી જ મળે છે. કોમી તોફાનો, બળાત્કાર, ભ્રષ્ટ થતું જતું તંત્ર, તંત્રની વધતી જતી ભીંસ વિશે હિમાંશી શેલત ઉપરાંત મીનલ દવે, વંદના ભટ્ટ પાસેથી પણ વાર્તાઓ મળી છે. મીનલ દવેની ‘ઓથાર’, વંદના ભટ્ટની ‘ઝાડીઝાંખરાં’ કે લતા હિરાણીની ‘જૂઈ’ જેવી વાર્તાઓ હકીકતે સામાજિક સૌહાર્દ વધારનારી વાર્તાઓ છે. | ||
બીજી ભાષામાં આપણું સાહિત્ય પહોંચે તે આપણને ગમે જ પણ પહોંચનારું સાહિત્ય ઉત્તમ હોવું જોઈએ. પણ છેલ્લાં થોડાંક વર્ષોમાં હદ બહારની નબળી વાર્તાઓ અન્ય ભાષામાં પહોંચી છે. વાર્તાસ્પર્ધાઓમાં નબળા નિર્ણાયકોને કારણે સાવ નબળી વાર્તાઓ પોંખાઈ છે. પ્રસ્તાવનાકારોનો પણ વાર્તાની અવદશા કરવામાં પૂરો ફાળો છે. દા.ત. મીનાક્ષી ચંદારાણાના વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં હરીશ વટાવવાળા લખે છે : ‘ ‘ધુમ્મસનો જવાબ’ વાર્તા પત્રસ્વરૂપે પ્રગટ થતી વાર્તા છે. ટૂંકી વાર્તામાં આ પ્રયોગ મારી જાણ પ્રમાણે કદાચ સૌપ્રથમવાર થયો છે.’ આપણને પ્રશ્ન થાય કે એમને સ્ટેફાન ત્સ્વાઇકની ‘અજાણી સ્ત્રીનો પત્ર’ ન ખબર હોય પણ મેઘાણીની ‘વહુ અને ઘોડો’ કે હિમાંશી શેલતની ‘આજે રાતે’ કે ‘અગિયારમો પત્ર’ જેવી જાણીતી વાર્તાઓ તો ખબર હોય ને? તેઓ લખે છે ‘ ‘જીવતર’ નારીપ્રધાન વાર્તા છે અને બીજા પુરુષની કથનરીતિથી રજૂ થઈ છે.’ હકીકતે ન તો આ વાર્તા નારીપ્રધાન છે, ન બીજા પુરુષ કથનરીતિથી લખાઈ છે. ટૂંકી વાર્તાના તંદુરસ્ત વાતાવરણ માટે આવા પ્રમાણપત્રો આપનારા લોકો નબળા વાર્તાકાર કરતાં પણ વધારે જોખમી છે. | બીજી ભાષામાં આપણું સાહિત્ય પહોંચે તે આપણને ગમે જ પણ પહોંચનારું સાહિત્ય ઉત્તમ હોવું જોઈએ. પણ છેલ્લાં થોડાંક વર્ષોમાં હદ બહારની નબળી વાર્તાઓ અન્ય ભાષામાં પહોંચી છે. વાર્તાસ્પર્ધાઓમાં નબળા નિર્ણાયકોને કારણે સાવ નબળી વાર્તાઓ પોંખાઈ છે. પ્રસ્તાવનાકારોનો પણ વાર્તાની અવદશા કરવામાં પૂરો ફાળો છે. દા.ત. મીનાક્ષી ચંદારાણાના વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં હરીશ વટાવવાળા લખે છે : ‘ ‘ધુમ્મસનો જવાબ’ વાર્તા પત્રસ્વરૂપે પ્રગટ થતી વાર્તા છે. ટૂંકી વાર્તામાં આ પ્રયોગ મારી જાણ પ્રમાણે કદાચ સૌપ્રથમવાર થયો છે.’ આપણને પ્રશ્ન થાય કે એમને સ્ટેફાન ત્સ્વાઇકની ‘અજાણી સ્ત્રીનો પત્ર’ ન ખબર હોય પણ મેઘાણીની ‘વહુ અને ઘોડો’ કે હિમાંશી શેલતની ‘આજે રાતે’ કે ‘અગિયારમો પત્ર’ જેવી જાણીતી વાર્તાઓ તો ખબર હોય ને? તેઓ લખે છે ‘ ‘જીવતર’ નારીપ્રધાન વાર્તા છે અને બીજા પુરુષની કથનરીતિથી રજૂ થઈ છે.’ હકીકતે ન તો આ વાર્તા નારીપ્રધાન છે, ન બીજા પુરુષ કથનરીતિથી લખાઈ છે. ટૂંકી વાર્તાના તંદુરસ્ત વાતાવરણ માટે આવા પ્રમાણપત્રો આપનારા લોકો નબળા વાર્તાકાર કરતાં પણ વધારે જોખમી છે. | ||
‘લેખિની’ ઑક્ટોબર, 2023નો વાર્તા વિશેષાંક અને બીજી સો-દોઢસો વાર્તા વાંચ્યા પછી એક પ્રશ્ન થાય. આ બધી બહેનો સામે ટૂંકી વાર્તાના ઉત્તમ નમૂનાઓ છે, શાસ્ત્રીય ચર્ચાઓ છે, અસંખ્ય વાર્તાશિબિરો છે છતાં નર્યો વાર્તારસ ધરાવતી, છાપાળવી વાર્તાઓ જ કેમ લખાઈ? જેમને છાપાળવી વાર્તાઓ જ લખવી છે એમને મારે કંઈ નથી કહેવું પણ જેમને ખરેખર ટૂંકી વાર્તા લખવી છે એમણે થોડીક સારી વાર્તાઓ વાંચવી જ રહી. પોતાની ભાષાને મઠારવી જ રહી. આ વાર્તાકારોએ લખ્યું છે ખરું પણ વાર્તાની પરંપરા કે શાસ્ત્ર કશું જાણ્યા વગર. છપાવવું હવે અઘરું નથી. ગમે તે સોશલ મિડિયા પર પાંચ-દસ વખાણ કરનારા મળી જ રહે છે. | ‘લેખિની’ ઑક્ટોબર, 2023નો વાર્તા વિશેષાંક અને બીજી સો-દોઢસો વાર્તા વાંચ્યા પછી એક પ્રશ્ન થાય. આ બધી બહેનો સામે ટૂંકી વાર્તાના ઉત્તમ નમૂનાઓ છે, શાસ્ત્રીય ચર્ચાઓ છે, અસંખ્ય વાર્તાશિબિરો છે છતાં નર્યો વાર્તારસ ધરાવતી, છાપાળવી વાર્તાઓ જ કેમ લખાઈ? જેમને છાપાળવી વાર્તાઓ જ લખવી છે એમને મારે કંઈ નથી કહેવું પણ જેમને ખરેખર ટૂંકી વાર્તા લખવી છે એમણે થોડીક સારી વાર્તાઓ વાંચવી જ રહી. પોતાની ભાષાને મઠારવી જ રહી. આ વાર્તાકારોએ લખ્યું છે ખરું પણ વાર્તાની પરંપરા કે શાસ્ત્ર કશું જાણ્યા વગર. છપાવવું હવે અઘરું નથી. ગમે તે સોશલ મિડિયા પર પાંચ-દસ વખાણ કરનારા મળી જ રહે છે. | ||
થોડાંક એવાં નામો છે જેમની વાર્તાઓએ પ્રથમ વાંચને જ મન પ્રસન્ન કરી દીધું હોય. દા.ત. માના વ્યાસ, છાયા ત્રિવેદી, કાલિન્દી પરીખ, વર્ષા તન્ના, સમીરા દેખૈયા પાત્રાવાલા, છાયા ઉપાધ્યાય, આશા વીરેન્દ્ર, કલ્પના દેસાઈ, રેણુકા દવે, લતા હિરાણી, રેના સુથાર, દિના રાયચુરા, રાજશ્રી વળિયા, સ્વાતિ ધ્રુવ નાયક, કોશા રાવલ, દક્ષા પટેલ, યામિની પટેલ, મીતા ત્રિવેદી, ગીરા ભટ્ટ, મલયા પાઠક, ગીતા દેવદત્ત શુક્લ, નીતિ દવે વગેરે. | થોડાંક એવાં નામો છે જેમની વાર્તાઓએ પ્રથમ વાંચને જ મન પ્રસન્ન કરી દીધું હોય. દા.ત. માના વ્યાસ, છાયા ત્રિવેદી, કાલિન્દી પરીખ, વર્ષા તન્ના, સમીરા દેખૈયા પાત્રાવાલા, છાયા ઉપાધ્યાય, આશા વીરેન્દ્ર, કલ્પના દેસાઈ, રેણુકા દવે, લતા હિરાણી, રેના સુથાર, દિના રાયચુરા, રાજશ્રી વળિયા, સ્વાતિ ધ્રુવ નાયક, કોશા રાવલ, દક્ષા પટેલ, યામિની પટેલ, મીતા ત્રિવેદી, ગીરા ભટ્ટ, મલયા પાઠક, ગીતા દેવદત્ત શુક્લ, નીતિ દવે વગેરે. | ||
ગુજરાતી ટૂંકી વાર્તાની એક ભવ્ય પરંપરા હોય આપણી સામે, ’90 પછી ત્રણ-ત્રણ અકાદમી પુરસ્કાર ટૂંકી વાર્તાનાં સ્વરૂપને મળ્યાં હોય, શાસ્ત્રીય સમજ આપતાં પુસ્તકોની સંખ્યા ઘણી મોટી હોય ત્યારે બહેનો પાસેથી સારી વાર્તાની આશા રાખી જ શકાય. પોતીકી પરંપરાને પચાવી, દુનિયાભરની ઉત્તમ વાર્તાઓને વાંચીને કલમ ઉપાડનારી બહેનોને શુભેચ્છાઓ. | ગુજરાતી ટૂંકી વાર્તાની એક ભવ્ય પરંપરા હોય આપણી સામે, ’90 પછી ત્રણ-ત્રણ અકાદમી પુરસ્કાર ટૂંકી વાર્તાનાં સ્વરૂપને મળ્યાં હોય, શાસ્ત્રીય સમજ આપતાં પુસ્તકોની સંખ્યા ઘણી મોટી હોય ત્યારે બહેનો પાસેથી સારી વાર્તાની આશા રાખી જ શકાય. પોતીકી પરંપરાને પચાવી, દુનિયાભરની ઉત્તમ વાર્તાઓને વાંચીને કલમ ઉપાડનારી બહેનોને શુભેચ્છાઓ. | ||
*આ લેખ કરવા માટે શક્ય તેટલી તમામ વાર્તાઓ મેળવવાની કોશિશ કરી છે, છતાં કોઈ સ્ત્રીસર્જકની સારી વાર્તાની નોંધ ન લેવાઈ હોય તો ધ્યાન દોરવા વિનંતી. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> |
Revision as of 02:07, 24 September 2024
આમ તો ગુજરાતી ટૂંકી વાર્તા 1905થી લખાવી શરૂ થઈ ગઈ હતી. પણ જેને આપણે ‘ટૂંકી વાર્તા’ કહી શકીએ એવા નમૂના ‘બા’, ‘શાંતિદાસ’ કે કનૈયાલાલ મુનશીની ‘એક પત્ર’ જેવી વાર્તાઓને ગણી શકાય. અને આ ત્રણેય મલયાનિલની ‘ગોવાલણી’ લખાઈ એના પહેલાં લખાઈ ચૂકી હતી. આ સમયગાળામાં સુખી-સંપન્ન ઘરની, ભણેલી સ્ત્રીઓએ જે લખ્યું તેને કોઈ રીતે ટૂંકી વાર્તાની વિભાવનામાં સમાવી શકાય એમ નથી. લખનારી બહેનો પણ એને ‘લેખ’ કે ‘લખાણ’ જ કહે છે તે પણ નોંધવું રહ્યું. સૌ. સુમતિ, સૌ. પ્રમિલા, સૌ. ચંદનગૌરી વગેરેનાં લખાણને કોઈ રીતે ટૂંકી વાર્તા કહી શકાય તેમ નથી. મોટેભાગે સ્ત્રી ગુણિયલ હોય, મૂંગી હોય, પતિની-સાસુસસરાની સેવા કરતી હોય તો સારી કહેવાય એવું આ લખાણો કહે છે. બહેનો દ્વારા ટૂંકી વાર્તાનું ખેડાણ આપણે ત્યાં તો સરોજિની મહેતા, સૌદામિની મહેતા, વિનોદિની નીલકંઠ, લીલાવતી મુનશી, લાભુબહેન મહેતા વગેરેથી શરૂ થયું એવું જ માનવું રહ્યું. આ સ્ત્રીસર્જકોએ વાર્તા, નવલકથા, નિબંધ પર પણ હાથ અજમાવ્યો. સરોજિની મહેતાના ત્રણ વાર્તાસંગ્રહ છે તો વિનોદિની નીલકંઠના ચાર. લાભુબહેન મહેતાના પણ ત્રણ છે. આ બહેનોએ લગભગ 1925-30 થી લખવાનું શરૂ કર્યું હશે અને લગભગ 1955-60 સુધી તેઓ લખતાં રહ્યાં છે. આમ તો આ સમયગાળામાં ધૂમકેતુ, દ્વિરેફ, ઉમાશંકર જોશી, સુંદરમ્, મડિયા, પન્નાલાલ પટેલ, મેઘાણી, જયંતિ દલાલ, જયંત ખત્રી જેવાઓની મોટાભાગની વાર્તાઓ લખાઈ ચૂકી હતી, પણ આ સમયગાળાના મોટાભાગના સ્ત્રીવાર્તાકારોએ એમના સમયની સ્ત્રીઓની સામાજિક પરિસ્થિતિને નજર સામે રાખીને જ વાર્તાઓ લખી છે. ઉપરોક્ત વાર્તાકારોની વાર્તાઓ એમણે વાંચી હશે ખરી? એવો પ્રશ્ન થાય કારણ કે, આ સ્ત્રીવાર્તાકારોની વાર્તાઓમાં ઘણું એવું છે જે બોલકું, પ્રચારાત્મક લાગવા સંભવ છે. ક્યાંક તો નરી પ્રતિક્રિયારૂપે પણ વાર્તા કહેવાઈ છે. આ સમયની વાર્તાઓ કઈ હદે પોતાના સમયનો પ્રભાવ ઝીલે છે? સમસ્યા તો તત્કાલીન હોય પણ સરોજિની મહેતાની વાર્તા ‘બીજો માર્ગ ક્યાં છે?’માં વર્ણન પણ આવું છે : ‘હિંદુ વિધવાના જીવન જેવી શુષ્ક, નીરસ સંધ્યા શીવપુર ગામને પાદર પથરાઈ હતી.’ (એકાદશી-119) આ જ લેખિકાની ‘ગ્રેજ્યુએટ ગૃહિણી’ વાર્તા લગભગ 1930ના ગાળામાં લખાઈ હશે. સ્ત્રીઓએ હજી શહેરોમાં જ ભણવાનું શરૂ કર્યું હતું એ સમય અહીં આ રીતે પ્રતિબિંબિત થાય છે. વાર્તાકથક આરંભે જ કહી દે છે કે ‘ભણેલી સ્ત્રીઓ વિશે મેં સાંભળ્યું ઘણું હતું પણ કોઈ દિવસ નિકટના પરિચયમાં આવ્યો ન હતો. નવલકથાઓ, નાટકો, સિનેમા ઈત્યાદિમાં ભણેલી સ્ત્રીનાં ચિત્ર જોયાં હતાં તે ઉપરથી મને ભણેલી સ્ત્રીઓ વિશે બિલકુલ સારો અભિપ્રાય ન હતો. એક ઉદ્ધત, ઉચ્છૃખંલ, ઘરકામની આવડત વિનાની, રાતદિવસ પોતાના હક્કોની માગણી કરનારી, પતિ માટે લાગણી વગરની, પાશ્ચાત્ય ફેશનમાં રચીપચી રહેનારી, નિરંતર ઘરબહાર ભટકતી અને કંઈક શિથિલ ચરિત્રવાળી સ્ત્રી – એ ભણેલી સ્ત્રી એવી મારી કલ્પના હતી.’ (એકાદશી-39-40) એમની ‘સત્યપ્રિયતા’ વાર્તાની નાયિકા પતિ કાયર પૂરવાર થાય/ચોરી કરીને નાસી જાય એ પછી ભણે છે, નોકરી કરે છે. પાછો ફરેલો પતિ પૈસા માટે બળજબરી કરે છે ત્યારે સંભળાવી દે છે : ‘વીસમી સદીના જમાનામાં અમારી મિલકત સાચવવા માટે પતિ કે કોઈ પુરુષના રક્ષણની જરૂર નથી. બેંકો હજારગણી સારી – પુરુષોની પેઠે અમારી મિલકત પચાવી પાડવાને બદલે અમને સામું વ્યાજ આપે છે.’ (એકાદશી-72) સરોજિની મહેતા તો એમની બોલકી વાર્તાઓ બદલ ‘બચાવનામું’ લખે છે. તેઓ લખે છે : ‘મારા બચાવમાં એટલું જ કહું છું કે મારા દાદાજી સ્વ. મહિપતરામ અને પિતાજી સ્વ. રમણભાઈ મને પ્રચારાત્મક કલમનો વારસો આપી ગયા છે અને તે મારા હાથમાંથી છૂટતી નથી.’ (‘ચાર પથરાની મા’ સંગ્રહની પ્રસ્તાવના) આ સમયના સ્ત્રીસર્જકોની વાર્તાઓમાં નિવારી શકાય એવો પથરાટ જોવા મળે છે. દાર્જિલિંગ, નૈનિતાલ કે સિમલા જવું, બંગલા ભાડે રાખવા, કોઈ પાત્રનું મળી જવું... ને પછી એની વાર્તા... આવું ઘણી બધી વાર્તાઓમાં આવે છે. કદાચ જે વર્ગમાંથી આ સ્ત્રીસર્જકો આવતાં હતાં ત્યાં એ પ્રકારનું અનુભવવિશ્વ સામાન્ય હશે. મોટાભાગે જાણીતી સ્ત્રીસમસ્યાઓ, દીકરીના જન્મ સામે કાગારોળ, કજોડા જેવા સમસામયિક પ્રશ્નો એમની વાર્તાઓના વિષય રહ્યા છે. ’50 સુધીની વાર્તામાં ઘણી નબળી, બોલકી, વાર્તાઓ વચ્ચે પાંચ-સાત સારી વાર્તા પણ મળે છે. દા.ત. સરોજિની મહેતાની ‘આદર્શ વિધવા’, ‘દુઃખ કે સુખ’, વિનોદિની નીલકંઠની ‘જલકમલવત્’, ‘જો હું વાર્તાની નાયિકા હોત તો...’, ‘મેં ભૂલ કરી?’, ‘યુવાનીના ઉંબરા પર’, ‘પાછલી અવસ્થા’ જેવી વાર્તાઓ ખરેખર સારી વાર્તાઓ છે. લીલાવતી મુનશીનો વાર્તાસંગ્રહ ‘જીવનમાંથી જડેલી’ 1932માં પ્રકાશિત થયો એનો અર્થ એમણે ’30 આસપાસ વાર્તાઓ લખવી શરૂ કરી હશે. લાભુબહેન મહેતાએ લગભગ 1935 આસપાસ વાર્તા લખવી શરૂ કરી હશે. આ સમયગાળાની અન્ય લેખિકાઓ કરતાં લાભુબહેનની કલમ ભાષાશૈલી અને અભિવ્યક્તિ – બંને દૃષ્ટિએ વધારે પરિપક્વ લાગે. વાર્તા એટલે માત્ર સ્પષ્ટ કથન, ઘટનાઓનું બયાન, કિસ્સો નહીં એવી સ્પષ્ટ સમજ એમની બે-ચાર વાર્તામાં દેખાય. 1930 થી 1950 વચ્ચે લગભગ દસેક સ્ત્રીસર્જકો વાર્તા-નવલકથા લખી રહ્યાં હતાં. આશ્ચર્યની વાત એ છે કે 1946-47 દરમ્યાન આપણા દેશે જોયેલી કારમી કત્લેઆમ અને સ્ત્રીઓ પર થયેલા અમાનુષી અત્યાચારો એક પણ સ્ત્રીસર્જકના સર્જનમાં વિષયરૂપે નથી નિરૂપાયાં ! બાકી આ તમામ સર્જકો ભણેલ-ગણેલ, રાજકીય સામાજિક સંપ્રજ્ઞતા ધરાવતા કુટુંબમાંથી આવતાં હતાં. હા, લાભુબહેન મહેતા પાસેથી ભારત વિભાજનને વિષય બનાવતી ‘અનવરચાચા’ નામની વાર્તા અપવાદરૂપે મળે છે ખરી. સરોજિની મહેતા, વિનોદિની નીલકંઠ, લાભુબહેન મહેતા, લીલાવતી મુનશી વગેરેની વાર્તાઓમાં મોટાભાગે સ્ત્રીઓના તત્કાલીન પ્રશ્નો, સમસ્યાઓ પ્રચારાત્મક સૂરે, ભાષણ લાગે એ રીતે નિરૂપાયેલા છે. આ વાર્તાઓ કઈ હદે સમયનો પ્રભાવ ઝીલે છે એની વાત આગળ કરી. અપવાદરૂપે આ લેખિકાઓ પાસેથી એવી વાર્તાઓ મળી છે જેમાં આલેખાયેલી સ્ત્રીની છબિથી સાનંદાશ્ચર્ય થાય. દા.ત. સરોજિની મહેતાની ‘દુઃખ કે સુખ’, લાભુબહેન મહેતાની ‘બિંદી’, વિનોદિની નીલકંઠની ‘જો હું વાર્તાની નાયિકા હોત તો...’ વગેરે. વિનોદિની નીલકંઠની આ પ્રમાણમાં બોલકી વાર્તામાં 36 વર્ષની પ્રૌઢાને નિખાલસપણે ઘણું બધું કબૂલતી દર્શાવાઈ છે. પોતાનું ઘર, વર ઝંખતી આ સ્ત્રી પોતાને ‘રહી ગયેલી’ કહે છે. એની કલ્પનાઓ દ્વારા પતિ, બાળક, ઘર માટેની એની તીવ્ર ઝંખના પ્રગટ થઈ છે. સ્ત્રીસર્જકો સ્ત્રીઓના તત્કાલીન પ્રશ્નો, સમસ્યાઓ વિશે ખાસ્સી બોલકી ઢબે, ભાષણ લાગે એ રીતે લખી રહ્યાં હતાં ત્યારે ગુજરાતી સાહિત્યમાં ‘ગૃહપ્રવેશ’ની પ્રસ્તાવનાએ જગાવેલ ઊહાપોહ, વાર્તાસ્વરૂપ પ્રત્યેની સભાનતા અને પછીના દાયકામાં નારીવાદી વિચારણાના પ્રભાવતળે બદલાયેલી નારી છબી આલેખવાના સભાન પ્રયાસો જેવા પરિબળોને કારણે કુન્દનિકા કાપડીઆ, ધીરુબહેન પટેલ, ઈલા આરબ મહેતા, વર્ષા અડાલજા જેવાં સ્ત્રી સર્જકો પોતપોતીકા રસ્તે, પરંપરાગત શૈલીએ, વાર્તાસ્વરૂપ પરત્વેની સભાનતા સાથે વાર્તાઓ લખવાનો આરંભ કર્યો. સરોજ પાઠક પણ આ જ સમયગાળાના સર્જક પણ એમની વાર્તાઓમાં પ્રયોગશીલતા તથા રચનારીતિના થોડાક સભાન પ્રયોગો જોવા મળે ખરા. કુલ પાંચ વાર્તાસંગ્રહમાં 104 વાર્તાઓ આપનાર કુન્દનિકા કાપડીઆ પાસેથી 1960 પછી એવી ઘણી વાર્તા મળે છે જેમાં 1984માં લખાનારી ‘સાત પગલાં આકાશમાં’ નવલકથાનાં બીજ પડેલાં દેખાય. એમની વાર્તાઓમાં નારીમુક્તિનો કે વિદ્રોહનો સૂર ઘણો બોલકો બનીને પ્રગટે છે. સમસ્યાનું તારસ્વરે થયેલું કથન અને ભાષણ લાગે તેવો સર્જકપ્રવેશ એમની ઘણી વાર્તાઓને કલાત્મક ઊંચાઈએ પહોંચવા નથી દેતો. જ્યાં સર્જક સંયત સૂર રાખી શક્યાં છે ત્યાં વાર્તા નીપજી પણ છે. એમની વાર્તાઓમાં માત્ર સમસ્યા, અન્યાય કે શોષણનાં ચિત્રો નથી. એમાંથી બહાર આવવા મથતી, પુરુષની સત્તાનો વિરોધ કરતી, જરૂર પડ્યે માથું ઊંચકતી સ્ત્રીઓ એમની વાર્તાઓમાં વધારે જોવા મળે છે. ‘આ ઉંમરે, એકલી?’, ‘તમારા ચરણોમાં’, ‘ડંખ’, ‘ન્યાય’, ‘ખુરશી’ વગેરે વાર્તાઓ આ પ્રકારની છે. પંદરેક સારી વાર્તાઓ આપનાર કુન્દનિકા કાપડીઆની વાર્તાઓ સંદર્ભે એવું કહી શકાય કે જે સમયગાળામાં ગુજરાતી ટૂંકી વાર્તા જીવનની રોજેરોજની સમસ્યાઓથી દૂર જઈ રહી હતી ત્યારે કુન્દનિકા કાપડીઆએ સ્ત્રીના જીવનની સમસ્યાઓને આલેખી. રોજિંદી જિંદગીમાં દરેક પ્રકારના અપમાન, અવમાનના સહન કરીને જીવ્યે જતી સ્ત્રીઓ એમની વાર્તાઓમાં લગભગ ગેરહાજર છે. ગૃહિણી તરીકે જીવતી સ્ત્રી પણ ‘બસ બહુ થયું, હવે નહીં’નો ફૂંફાડો મારી શકે છે કે ઘરગૃહસ્થી છોડીને જઈ શકે છે. પોતાના સ્વત્વ માટે નિર્ણય લેતી આ સ્ત્રીઓએ આવનારી કાલની કે સમાજ શું કહેશે તેની ફિકર નથી કરી. આ સ્ત્રીઓ પુરુષોને પ્રશ્નો પૂછે છે. ‘આજે સવારે’ વાર્તાની નાયિકા પતિને પૂછે છે : ‘વરસોથી, સદીઓથી સ્ત્રીઓને પુરુષો આજ દંડ દેતા, અન્યાય કરતા આવ્યા છે. અમારી પ્રસન્નતા જોઈએ છે, પણ અમે શી રીતે પ્રસન્ન બનીએ એ માટે પ્રયાસ કરવાની મહેનત તમે કદી લીધી છે?’ ‘તમારા ચરણોમાં’ વાર્તાની શીલાનો પ્રશ્ન છે : ‘પત્નીત્વ ને માતૃત્વ સિવાય સ્ત્રીનું બીજું એકે અસ્તિત્વ નથી?’ ઘર છોડતી શીલા કહે છે : ‘તમારી પત્ની છું, છતાં હું એક વ્યક્તિ પણ છું!’ ‘ડંખ’ વાર્તાની નાયિકા પતિને કહી શકી છે : ‘કાયદેસર રીતે આ ઘર પર મારો પણ હક છે. હું એ છોડીને બીજે કશે જવાની નથી.’ ...આ અવાજ ઉઠાવતી સ્ત્રી ગુજરાતી વાર્તામાં કુન્દનિકા કાપડીઆ નિમિત્તે હજી પ્રવેશી રહી હતી. સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો આક્રોશપૂર્વક રજૂ કરવાનો આ કાળખંડ હતો. એટલે એમની ઘણી વાર્તાઓની સ્ત્રી ઘર છોડી શકી, એકલા રહેવાનો નિર્ણય લઈ શકી, પતિને પ્રશ્ન પૂછી શકી, દીકરા-વહુને એમનું સ્થાન બતાવી શકી. ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં આ કારણે એમની વાર્તાઓનું એક અલાયદું સ્થાન છે એ આપણે કબૂલવું રહ્યું. ‘અધૂરો કોલ’ (1955), ‘એક લહર’ (1957), ‘વિશ્રંભકથા’ (1966), ‘ટાઢ’ (1987), અને ‘જાવલ’ (2001) જેવા પાંચ સંગ્રહમાં 100 ઉપર વાર્તાઓ આપનાર ધીરુબહેન પટેલ સ્ત્રીના મનોવિશ્વને ઝીણી નજરે અવલોકી એના મનના અંધારા ખૂણાઓમાં અટવાતી ગોપિત ઝંખનાઓને બખૂબી આલેખી શકે છે. દાંપત્યજીવનના પ્રશ્નો, સ્ત્રીની સમસ્યાઓ તટસ્થતાથી આલેખતાં ધીરુબહેન પટેલની વાર્તાઓમાં ‘મયંકની મા’, ‘વિશ્રંભકથા’, ‘દીકરીનું ધન’, ‘બુડથલ’ જેવી આગવી ભાત પાડતી વાર્તાઓની સંખ્યા બહુ મોટી નથી. પતિ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યો છે એવું જણાવે ત્યારે ‘અરુન્ધતી’ વાર્તાની નાયિકા રડવા-કકળવાને બદલે શાંતિથી સંમતિ આપે છે. એકલા રહેવા માટે નવો ફ્લેટ અને જીવનનિર્વાહ માટે મોટી રકમ માગતી અરુન્ધતી પતિને કહી દે છે : ‘એને કહી દેજો, ત્રણ છોકરાંના બાપને એ પરણે છે તો ત્રણ છોકરાંની મા પણ એણે જ બનવું પડશે.’ (જાવલ 138) જયંતિ દલાલની ‘આ ઘેર પેલે ઘેર’ની સવિતાથી અરુન્ધતી સાવ જુદી છે કારણ કે, ગુજરાતી વાર્તા 60 વર્ષ આગળ ડગલાં માંડી ચૂકી છે. ધીરુબહેનની ‘દીકરીનું ધન’ વાર્તામાં દેખાતું સ્ત્રીના શોષણનું સામાજિક પાસું આપણને ઘણાં બધાં ઘરોમાં જોવા મળશે. કમાતી દીકરીની કમાણી ઘર માટે એટલી હદે જરૂરી હોય કે મા-બાપ એની વધતી જતી ઉંમર સામે આંખ બંધ કરી લે છે. સ્ત્રીના આ પ્રકારના શોષણમાં આજેય બહુ ઝાઝો ફરક નથી પડ્યો એ વર્ષા અડાલજાની ‘એક સાંજે’ વાર્તા પણ કહે છે. જે સમયગાળામાં ગુજરાતી ટૂંકી વાર્તા ધરમૂળથી પલટાઈ રહી હતી એ ગાળામાં સરોજ પાઠકે વાર્તા લખવાનો આરંભ કર્યો હતો. આધુનિકતાના જુવાળ વચ્ચે પોતીકી કેડી કંડારનાર સરોજ પાઠકની વાર્તાઓ એક કરતાં વધારે બાબતે પરંપરાગત વાર્તાથી પણ જુદી પડે છે. એમની વાર્તાઓમાં પરંપરાગત વાર્તાઓની સરળતા ભાગ્યે જ જોવા મળે છે. સંકુલ વસ્તુસંકલના, રચનારીતિના વૈવિધ્યસભર પ્રયોગો, કથનરીતિના વિવિધ પ્રયોગો અજમાવતાં સરોજ પાઠક પાસેથી કુલ સાત વાર્તાસંગ્રહમાં 212 વાર્તાઓ મળે છે. આ લેખિકા જેટલી ઝીણી નજરે બાહ્ય વાસ્તવને જોઈ શકે છે એટલી જ બારીક નજરે મનોવાસ્તવને પણ આલેખી શકે છે. ચૈતસિક લીલાઓ, અજાગ્રત મનના તરંગો આલેખવાની એમને ગજબની ફાવટ છે. અજાગ્રત મનની અરાજકતાને, ક્ષતવિક્ષત માનસના પ્રલાપોને સક્ષમ રીતે આલેખતાં આ લેખિકાની ભાષા વિવિધ પાત્ર પ્રસંગ અનુસાર છટા બદલી શકી છે. વિસ્તારીને-બહેલાવીને કહેવાની ટેવને કારણે એમની કેટલીક શક્યતા ધરાવતી વાર્તાઓ પ્રભાવક બની શકી નથી. એમની કેટલી બધી વાર્તાઓ કાં શૈલીવેડામાં સરી ગઈ છે અથવા બિનજરૂરી વિગતોના ખડકલાથી પ્રસ્તારી બની ગઈ છે. એમની તમામ વાર્તાઓ એક બેઠકે વાંચનારને એમની વાચાળતા, વાગ્મિતા, શબ્દાળુતા કઠ્યા વગર નહીં રહે. એમની શૈલી, આગવા વિષયવસ્તુ વગેરેમાં જે મૌલિકતા રહેલી છે તે એમની આ ભાષાગત મર્યાદાને ભલે ઢાંકી દે પણ ધ્યાનથી વાંચનારને એ ચોક્કસ જ કઠશે. ધીરુબહેન પટેલ, કુન્દનિકા કાપડીઆ પાસેથી સામાજિક માળખામાં ગૂંચવાતી, મૂંઝાતી, ત્રાસતી નારીની વિવિધ સમસ્યાઓનાં આલેખન મળે છે. અહીં ક્યાંક સમસ્યાનો સ્વીકાર છે તો ક્યાંક એની સામે વિદ્રોહ પણ આલેખાયો છે. ટૂંકમાં નારીવાદી આંદોલનનો પ્રભાવ આ સર્જકોએ ઝીલ્યો છે. પણ સરોજ પાઠકના વાર્તાવિશ્વમાં, એમનાં નારીપાત્રોમાં આપણને આવી સભાનતા જોવા મળતી નથી. એમની અતિશય જાણીતી વાર્તા ‘સારિકા પિંજરસ્થા’માં વિદ્રોહને બદલે એક પણ શબ્દ બોલ્યા વગર સ્ત્રીની સમસ્યા સામે શરણાગતિ આલેખાઈ છે. એમની ‘ન કૌંસમાં, ન કૌંસ બહાર’ વાર્તાનું વિષયવસ્તુ સામાન્ય છે પણ કથનરીતિ વિશિષ્ટ છે. સરોજ પાઠકની શૈલીની જાણીતી વાચાળતા એમની ઘણી વાર્તાઓમાં કઠે છે પણ અહીં આ વાચાળતા શુચિના આંતરમનને ઢાંકવામાં મદદરૂપ થઈ છે. આયના સામે ઊભી રહેતી હોય એમ દરજી સામે ઊભી રહેતી સ્ત્રીઓનું તથા સ્ત્રીનાં અંગોને સ્પર્શવામાં દરજીનાં બહાનાંઓનું કદાચ એક સ્ત્રી જ કરી શકે એવું બારીક નિરીક્ષણ એમની ‘દુશ્ચક્ર’ વાર્તામાં આલેખાયું છે. સરોજ પાઠક પાસેથી ઈર્ષાનાં અનેક રૂપો આલેખતી વાર્તાઓ મળે છે તો ‘બબ્બુનો પ્રશ્ન’, ‘મને બતાવોને!’ અને ‘ચકિત : વ્યથિત : ભયભીત’ જેવી વાર્તાઓમાં બાળમાનસની મૂંઝવણો આલેખાઈ છે. સરોજ પાઠકની વાર્તાકાર તરીકેની વિશેષતા એ છે કે તેઓ પ્રયોગશીલ રહીને, ઘટનાતત્ત્વને ઓગાળીને શક્ય તેટલું તિર્યકપણે વ્યક્ત થવા દે છે. વ્યંજનાને વિસ્તરવાની પૂરી તક આપતા આ સર્જકની વાર્તાઓ વાયવી નથી બની જતી. દસથી બાર સારી વાર્તાઓ આપનાર સરોજ પાઠકનું ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં એક ચોક્કસ સ્થાન હોય એ નિર્વિવાદ વાત છે. વર્ષા અડાલજા અને ઈલા આરબ મહેતાની ઘણી વાર્તાઓના કેન્દ્રમાં નારી છે. રોજિંદી ઘટમાળમાં ફસાયેલી, પોતાની રીતે રસ્તો કરવા મથતી, શોષાતી સ્ત્રીઓની આસપાસ એમની ઘણી વાર્તાઓ લખાઈ છે. શોષણના, મૂંઝવણના પ્રકારો બદલાતા રહ્યા છે. અહીં લગ્નેતર સંબંધો છે, તૂટતાં ઘર પરિવાર છે, પણ લગ્નના તૂટવા સાથે જિંદગીનો અંત આવે છે એવું ઈલા આરબ મહેતાની ‘વિસ્તાર’ વાર્તાની નાયિકા નથી માનતી. ઉંબરાની બહાર પગ મૂકતી સ્ત્રીના સૂક્ષ્મ પ્રકારના જાતીય શોષણની, હલકી મજાક-મશ્કરી, દ્વિઅર્થી ભાષા, તક મળ્યે હાથને કે ગમે ત્યાં અડી લેવું... આ પ્રકારના ત્રાસ નોકરી કરતી સ્ત્રીને રસ્તામાં, જાહેર વાહનમાં કે ઑફિસમાં વેઠવાના થાય જ છે. ઈલા બહેનની ‘શમિક તું શું કહેશે?’ વાર્તામાં જોકે વર્ષોથી આ રીતે શોષાતી સ્ત્રી હવે વધુ વેઠી લેવા તૈયાર નથી એવો સૂર પ્રગટ થાય છે. અગિયાર વાર્તાસંગ્રહમાં 215થી વધારે વાર્તાઓ આપનાર વર્ષા અડાલજાની સારી, સત્ત્વશીલ વાર્તાઓ 1975 પછી મળે છે. પોતાને અનુકૂળ, પરિચિત હોમપીચ પર જ સર્જન કરનારાં વર્ષાબહેનની મોટાભાગની વાર્તાઓમાં નાગરી પરિવેશ છે. અર્ધાથી વધારે વાર્તાઓમાં નારીજીવનની વિવિધ સમસ્યાઓ આલેખતાં વર્ષાબહેનની વાર્તાઓમાં વિષયવૈવિધ્ય ખાસ્સું પણ રચનાપ્રયુક્તિના પ્રયોગો જ્વલ્લે જ જોવા મળે. સીધી, સાદી, સરળ શૈલીમાં રચાયેલી એમની વાર્તા વાચક અને ભાવક બંને માણી શકે એવી છે. એમની વાર્તાઓની પોતાની રીતે મથવા, ટકવા તૈયાર સ્ત્રી શાંતચિત્તે પતિનું ઘર છોડી શકે છે. આખા ઘરનો ભાર વેંઢારતી, અર્થ વગરની જોહુકમી વેઠતી વહુ કે દીકરી શોષકો સામે માથું ઊંચકે છે, વિદ્રોહ કરે છે, પણ તોડી નાખું-ફોડી નાખું પ્રકારનો વિદ્રોહ નથી એમનો. સાવ ટાઢોબોળ, શોષકને સ્તબ્ધ કરી દે તેવો વિરોધ છે. એમનાં વિરોધમાં દુનિયા બદલી નાખવાના ધખારા નથી. માત્ર દૃઢતાથી, પોતાના વજૂદને, પોતાની લાગણીને, પોતાની વાતને સામો પક્ષ સમજે, સ્વીકારે એવી આ સ્ત્રી કોશિશ કરે છે. દા.ત. ‘ઘંટી’, ‘શાંતિ’ કે ‘ગાંઠે બાંધ્યું આકાશ’ કે ‘નામ : નયના રસિક મહેતા’. આ સ્ત્રીઓના હળવા નકારથી કે જરાક અમસ્તા વિરોધથી શોષકવર્ગને ભારે અચંબો કે આઘાત લાગે છે કારણ કે, એમના માટે આવો નકાર કે વિરોધ બિલકુલ જ અપ્રત્યાશિત હતો. એમની પાસેથી લગ્નેતર સંબંધ વિશેની, બળાત્કાર વિશેની, મેન્ટલી ચેલેન્જ્ડ બાળકો વિશે સારી વાર્તાઓ મળી છે. કોઈ સાહિત્યિક વાદ કે વલણના વળગણ વગર મનની ચાલનાએ સતત વાર્તા લખતાં રહેલાં વર્ષા અડાલજાના નવલકથાલેખનને કારણે એમની ટૂંકી વાર્તાને જરાક વેઠવાનું ચોક્કસ જ થયું હશે. બાર વાર્તાસંગ્રહમાં લગભગ 185 ઉપર વાર્તાઓ આપનાર હિમાંશી શેલતની કલમ ટૂંકી ક્ષેત્રે હજુ આજે પણ સક્રિય છે એટલે આ સંખ્યા વધી શકે. સ્ત્રી સ્વાતંત્ર્ય કે એવી તેવી પ્રચારાત્મક વાતોથી દૂર રહીને લખતાં હિમાંશી શેલતની લગભગ 35 જેટલી વાર્તાઓના કેન્દ્રમાં સ્ત્રી છે. નારી સંવેદનાનાં અને નારીની એકલતાનાં અનેક પરિમાણો આલેખતાં હિમાંશી શેલતની વાર્તાઓમાં સ્ત્રીની કેટલી તો વિવિધરંગી છબી ઝિલાયેલી છે! સ્ત્રીની ખમી ખાવાની, સમાધાન કરવાની, જતું કરવાની, વેઠવાની, ચાહવાની આંતરિક તાકાતને આલેખતાં આ વાર્તાકાર સ્ત્રીનાં નકારાત્મક પાસાંને પણ પૂરાં તાટસ્થ્યથી આલેખે છે. દા.ત. ‘સુવર્ણફળ’, ‘બળતરાનાં બીજ’, ‘દાહ’, ‘કોઈ એક દિવસ’, ‘સમજ’, ‘રેશમી રજાઈમાં બાકોરું’, ‘આક્રમણ’, ‘સામેવાળી સ્ત્રી’, ‘બે સ્ત્રીઓ’, ‘મુઠ્ઠીમાં’, ‘ગર્ભગાથા’, ‘વિભીષિકા’ ઉપરાંત બીજી કેટલીય વાર્તાઓમાં સ્ત્રીની વિવિધરંગી છબિ ઝિલાયેલી છે. જે સમયે હિમાંશી શેલતે વાર્તા લખવાનો આરંભ કર્યો ત્યારે ગુજરાતી ટૂંકી વાર્તા આધુનિકતાથી સ્પષ્ટપણે છેડો ફાડી ચૂકી હતી. આઝાદી પછીનો આ સૌથી વિકટ અને સંકુલ સમયગાળો હતો. બબ્બે અનામત આંદોલનોએ ગુજરાતના સમાજજીવનને ખળભળાવી મૂકેલું. એમાં રામજન્મભૂમિ આંદોલને થાગડથીગડ કરી માંડ માંડ સાચવેલાં સમાજજીવનના લીરે લીરા કરી નાખ્યા. બાબરી ધ્વંસ અને મુંબઈના વિસ્ફોટ પછી સાવ વેરવિખેર થઈ ગયેલ સમાજજીવનને 2001નો ધરતીકંપ જરાક સાંધે એ પહેલાં 2002નાં વરવા કોમી તોફાનોએ એને સાવ જ તારતાર કરી નાખ્યું. આ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓની સમાંતરે બદલાઈ રહેલાં માનવમનને, સમૂહની બદલાયેલી માનસિકતાને, તંત્રની બધિરતાને હિમાંશી શેલતે કળાના ધોરણે આલેખવાની કોશિશ કરી છે. આ વાર્તાકાર વાર્તાકસબ વિશે બિલકુલ સભાન છે, પરંતુ કસબ જ એમના માટે સર્વેસર્વા નથી. ‘વાંચવાનો રસ સાવ સુકાઈ જાય એટલી હદે પહોંચતી ક્લિષ્ટતા, ટૅક̖નિકની વધુ પડતી ચિંતા અને આળપંપાળ કે ભાષાના આંજી દે એવા ઝગમગાટ કે ચબરાકીની તરફેણમાં હું નથી.’ એવું માનનારાં હિમાંશી શેલતે એમની લગભગ તમામ વાર્તાઓમાં આંતરબાહ્ય વાસ્તવને, સંકુલ સંવેદનને સરળ અને સાફ અભિવ્યક્તિથી નિરૂપ્યાં છે. બાહ્ય વાસ્તવને, પોતાના સાંપ્રત સમયને કલાના વાસ્તવમાં ફેરવતાં હિમાંશી શેલત સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની સમાંતરે કળા પ્રત્યેનું ઉત્તરદાયિત્વ જરાય નથી વિસર્યાં. એમની પાસેથી લગ્નેતર સંબંધોની સંકુલતા અને પીડાના વિવિધ આયામ પ્રગટાવતી લગભગ 6-7 વાર્તા મળી છે. દા.ત. ‘ઈતરા’, ‘અવલંબન’, ‘ખાંડણિયામાં માથું’, ‘સાંજનો સમય’, ‘અગિયારમો પત્ર’, ‘એ નામ’, ‘જોગણી’, ‘ગૂંચ’ વગેરે. થોડાક અંશે વણસ્પર્શ્યું રહી ગયેલું ગુજરાતી વાર્તાનું ક્ષેત્ર એટલે વેશ્યાજીવનને લગતી વાતો. દરેક વેશ્યા પહેલાં સ્ત્રી હોય છે અને એનું વેશ્યા હોવું મોટાભાગે એની લાચારી હોય છે એ વાત સમાજ કદી નથી સ્વીકારતો. હિમાંશી શેલતે ‘કિંમત’, ‘શાપ’, ‘ખરીદી’, ‘મોત’, ‘એ સવાર’ જેવી વાર્તાઓમાં આવી સ્ત્રીઓની વેદનાને સાવ નજીકથી જોઈ છે અને આલેખી છે. 2002નાં કોમી તોફાનોમાં કોમી વૈમનસ્યને પરિણામે પ્રજાકીય સ્તરે જે પ્રશ્નો થયા તેના વિશે સમૂહની માનસિકતા સામે સંવેદનશીલ વ્યક્તિઓની લાચારી વિશે, તરડાઈ ગયેલા સહજીવન વિશે હિમાંશી શેલતે સ્વસ્થ, તટસ્થ દૃષ્ટિકોણથી વાર્તાઓ લખી છે. દા.ત. ‘આજે રાતે’, ‘વામન’, ‘વળતી મુસાફરી’, ‘સજા’, ‘સાતમો મહિનો’, ‘વહેમ’ વગેરે. છેલ્લાં પંદર-વીસ વર્ષથી વાર્તાઓમાં એમને જે કહેવું છે તે પીડાની ચીસરૂપે વિસ્ફોટની જેમ પ્રગટ થાય છે. ગૂંગળાવી દેનારી પરિસ્થિતિ, લોકશાહી મૂલ્યોનાં સતત ધોવાણ સામે વકરતી જતી ટોળાંશાહી, સમજાય નહીં એવાં રાજકીય દબાણો, સ્ત્રીઓની બદહાલી, વિરોધી વિચારોનો ગોળીથી થતો ફેંસલો, ઘેટાંનાં ટોળાંની જેમ દોરવાતી પ્રજા... આપણાં સમયની આ કારમી સમસ્યાઓને એમની વાર્તાઓ ઊંડળમાં લે છે. ગુજરાતી સર્જક ભાગ્યે જ સ્પર્શતો હોય તેવા વિષયવસ્તુ પર એમની વાર્તાઓ મળે છે. દા.ત. વિધવાઓનાં જીવનને આલેખતી ફિલ્મનો ટોળાં દ્વારા હિંસક વિરોધ (‘એકાવનમો એપિસોડ’), પોલીસ કસ્ટડીમાં કોઈનું મરી જવું (‘ઑન ડ્યૂટી’), સાવ નાનકડી બાળકી પર થતો બળાત્કાર (‘કોઈ બીજો માણસ’), કારગિલ યુદ્ધ પછી પાકિસ્તાની નેતાના આગમન સમયે ભારતનું વરસી પડવું (‘વરસી’), ધરતીકંપ (‘ઘર ઊભેલાં અને પડેલાં’ તથા ‘ભંગુર’), કોમી તોફાનો (‘આજે રાતે’, ‘સજા’, ‘વામન’ વગેરે), ગેંગ રેઈપ અને પછી કોઈને સજા જ નહીં (‘કમ્પાસ બૉક્સમાં પડેલી પાંખો’ અને ‘મુઠ્ઠીભર હવા’), ગાંધીને બદલે ગોડસેની પૂજા (‘વીરપૂજા’), ગૌરી લંકેશ કે કલબુર્ગીની હત્યા (‘ધારો કે આ વાર્તા નથી’), ઑનર કિલિંગ (‘નગર ઢિંઢોરા’), સત્યને ગૂંગળાવનાર માહોલ (‘ધુમ્મસિયા સવારનો સૂરજ’), ભ્રૂણહત્યા (‘ગર્ભગાથા’) વગેરે... આપણા સમયની મોટાભાગની જાણીતી સમસ્યાઓને હિમાંશી શેલત કળાના ધોરણે આલેખે છે. આ ટોળાંશાહી, આ પરિસ્થિતિ એક સ્વસ્થ નાગરિકસમાજને ક્યાં લઈ જશે? એવું વિચારવા આ વાર્તાઓ આપણને મજબૂર કરે છે. સામાજિક વાસ્તવને કળાના વાસ્તવમાં રૂપાંતરિત કરતાં આ સર્જકની વાર્તાઓમાં પ્રતિબદ્ધતા અને કલાત્મકતાનું વિરલ મિશ્રણ જોવા મળે છે. વણખેડાયેલાં વિષયવસ્તુ સાથે કામ પાડતાં હિમાંશી શેલત વાર્તાકાર તરીકે સતત વિકસતાં રહ્યાં છે. એમની વાર્તાઓ સંવેદનશીલ ભાવકને દિવસો સુધી અજંપ બનાવી શકે છે. જ્યાં લખવા, બોલવા પર જાતજાતના અદૃશ્ય પ્રતિબંધો લદાયેલા હોય એવા ગૂંગળાવતા, બરછટ અને નીંભર સાંપ્રતમાં, અનેક વાડાઓમાં વહેંચાયેલી, ખુશામતખોર, ડરપોક, નિર્માલ્ય પ્રજા વચ્ચે આ પ્રકારની વાર્તાઓ લખવી એ જરાય ઓછી હિંમતનું કામ નથી. સરળ, ગળચટ્ટા શીરા જેવાં સાહિત્ય અને એવું જ માણતા વાચકોની વચ્ચે આવી વાર્તાઓ લખાય એનો આનંદ. ગુજરાતી સાહિત્યમાં બહુમુખી પ્રદાન કરનાર હિમાંશી શેલત ગુજરાતી ટૂંકી વાર્તાનું જ નહીં, પણ ભારતીય ટૂંકી વાર્તાનું એક અતિ મહત્ત્વનું નામ છે એ આપણે સ્વીકારવું જ રહ્યું. મોના પાત્રાવાલા ગુજરાતી સ્ત્રીવાર્તાકારો વચ્ચે સાવ નોખો પડી જતો અવાજ છે એટલે એમની અલગથી નોંધ લેવી રહી. મોના પાત્રાવાલા ‘રાની બિલાડો’ની વાર્તાઓમાં વાંસદાની આસપાસ વસતા પારસીઓ અને દુબળાઓ, કોળીઓના પરસ્પર સંબંધોને, એમની પ્રાકૃત જીવનશૈલીને જંગલના આદિમ વર્ણનોની સમાંતરે આલેખે છે. આવું આદિમ જગત ગુજરાતી વાર્તામાં પહેલીવાર પ્રગટ્યું છે. નિશાચર જેવા રાતના ઓળા, કાળઝાળ દિવસ, જંગલી ફૂલોની ગંધ... અડાબીડ સાગ, સીસમ કે ખેરનાં વૃક્ષો, રાનીપશુની આંખ જેવો લબકારા મારતો પ્રકાશ, ભૂંજેલી કલેજીને મહુડાના દારૂમાં મસ્ત પારસી અને જાડી, માંસલ બદનની જંગાડ બાઈઓ વચ્ચેના પ્રાકૃત સંબંધો, ઝાકળના દદડતા રગેડા, અડધો તૂટેલો ને અડધો ખવાયેલો પીળા બરફના ગોળા જેવો ચાંદો, ચેંહુડોળા ને રાની બિલાડાના ટોળાં, વાગળાની આંખ જેવા ઝબકતા તારા... આ ગીચ જંગલ, એનું ભેજીલું વાતાવરણ, આ રાક્ષસી અંધારાં, આ ધુમાડાથી કાળા પડી ગયેલા, ભૂકી ખેરવતા લાકડાના તાઉદાન જેવા હવડ ઘર, અને એમાં રહેતા આ આદિમ લોકો અને એમની આદિમ વૃત્તિઓ... ગુજરાતી વાર્તાજગતમાં પહેલીવાર પ્રવેશે છે. નમ્ર, મીઠાબોલી અભિજાત પારસી કોમથી પરિચિત ગુજરાતી પ્રજાને મોના પાત્રાવાલાના આ પ્રાકૃત પારસીઓનો પરિચય જ ક્યાં હતો? સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રાકૃત અવસ્થાએ પહોંચતા જાતીય સંબંધોને નિરૂપતી ભાષા આપણા રૂઢ થઈ ગયેલા નીતિવિષયક સુષ્ઠુ ખ્યાલોને નથી ગાંઠતી. આ વાર્તાકારને વાંચવા-સમજવા માટે વાચકે રુચિનાં ધોરણોને જરાક ઉદાર કરવાં પડે. આ પ્રકારની વાર્તાઓ લખનાર અન્ય સ્ત્રીસર્જક આપણે ત્યાં તો નથી એ પણ નોંધવું રહ્યું. હિમાંશી શેલત, વર્ષા અડાલજા કે ઈલા આરબ મહેતા પાસેથી 2024માં પણ સારી વાર્તાઓ મળે છે એની નોંધ સાથે હું 1990 આસપાસ લખતાં થયેલાં સ્ત્રીસર્જકોની વાત કરીશ. ભારતી દલાલ, અંજલિ ખાંડવાળા, સુવર્ણા, હેમાંગિની રાનડે, બિંદુ ભટ્ટ, અશ્વિની બાપટ વગેરે એવાં સર્જકો છે જેમણે સંખ્યાની દૃષ્ટિએ ઓછી વાર્તાઓ લખી છે પણ એમની પાસેથી વાર્તાસ્વરૂપ પ્રત્યેની પૂરી સભાનતા, કેળવાયેલી સજ્જતા સાથે ગુણવત્તાસભર વાર્તાઓ મળી છે. 2000 આસપાસ લખતાં થયેલાં મીનલ દવે, પારુલ દેસાઈ, પન્ના ત્રિવેદી, દક્ષા સંઘવી, ગિરીમા ઘારેખાન, નીલમ દોશી, નીતા જોષી, સ્વાતિ નાયક વગેરેએ બિલકુલ પરિપક્વ કલમની પ્રસાદી જેવી વાર્તાઓ લખી. 2000 પછી સંખ્યાની દૃષ્ટિએ સૌથી વધારે વાર્તાઓ પન્ના ત્રિવેદી પાસેથી મળી છે. 2010 પછી લખતાં થયેલાં સ્ત્રીસર્જકોની સંખ્યા એટલી મોટી છે કે નવાઈ પણ લાગે અને રાજી પણ થવાય. જે રીતે વીસમી સદીના આરંભે બહેનો લખતી-છપાવતી થઈ એની પાછળ ‘સ્ત્રીબોધ’, ‘સુંદરીસુબોધ’ જેવાં સામયિકો કારણરૂપ હતાં. એ જ રીતે એકવીસમી સદીના આરંભ પછી વાર્તા છાપનારાં સામયિકો વધ્યાં, વાર્તા હરીફાઈઓ પણ વધી. પ્રતિલિપિ કે બીજાં ઓનલાઇન માધ્યમો પણ વધ્યાં. વાર્તા છપાવવી સહેલી બની, વાર્તાસંગ્રહો છપાવવા પણ સહેલાં થઈ ગયાં. ટૂંકી વાર્તા વિશે કશું ન જાણતા નિર્ણાયકોની સંખ્યા પણ વધી. પ્રસ્તાવના લખનાર, વિમોચન કરનારની ખોટ તો ન પડી પણ અનુવાદ કરનારા પણ મળી આવ્યા ! પરિણામ એ આવ્યું કે છેલ્લાં દસ-બાર વર્ષમાં વાર્તા લખનારી બહેનોની સંખ્યા વધી પણ એમની પાસેથી મળતી સારી ટૂંકી વાર્તાની સંખ્યા ઘટી. જોડણી કે વાક્યરચના કશાનાં ઠેકાણાં ન હોય, વાર્તારસ સિવાય કંઈ જ ન હોય એવી છાપાળવી, ફિલ્મી વાર્તાઓના ઢગ ખડકાયા. આપણા સારાં ગણાતાં સામયિકો – પરબ, શબ્દસૃષ્ટિ કે નવનીત સમર્પણે – એટલી હદે નબળી વાર્તાઓ છાપી કે ‘મમતા’ કે ‘જલારામદીપ’ની શી ફરિયાદ કરવી? (અન્નપૂર્ણા મેકવાનની ‘શબ્દસૃષ્ટિ’ 2020ની ‘નમાલો’ કે 2022ના ‘પરબ’ની એમની વાર્તા ‘સરપ્રાઈઝ’. ડિસેમ્બર, 2023ના ‘પરબ’માં છપાયેલી ઉમા ચક્રવર્તીની વાર્તા કે ‘પરબ’ મે, 2022માં ઇંદુ જોશીની વાર્તા ‘અલય’ કે ‘નવનીત સમર્પણ’માં શ્રેયા શાહની 2006માં ‘એક અમસ્તો અમસ્તો માણસ’ કે નવનીત સમર્પણ 2023માં છપાયેલી ‘ચોરસનો પાંચમો ખૂણો’ કઈ રીતે છપાઈ હશે તેનું આશ્ચર્ય થાય. જાનકી શાહની કુમાર એપ્રિલ 2017માં છપાયેલી ‘નામ શું રાખું?’ કે ‘મમતા’ની ‘ડાયવર્ઝન’ વાર્તા માટે પણ એવો જ પ્રશ્ન થાય. મોના લિયાની ‘નવનીત સમર્પણ’માં છપાયેલી ‘નિરુત્તર’ વાર્તા માટે પણ પ્રશ્ન થાય.) અનેક છપાયેલી વાર્તાઓ પ્રશ્ન કરે છે કે જોડણીની, વાક્યરચનાની અરાજકતા સાથેની વાર્તા સર્જક તો મોકલે પણ સામયિક એને એમ ને એમ છાપે? લાગે છે કે આપણા સંપાદકો અતિશય ઉદાર થઈ ગયા છે ! બધું જ કહી દેતી, સુવાક્યો કે ઉપદેશ આપવાની ચેષ્ટા કરતી, કંઈ પણ અગડમ્ બગડમ્ લખ્યે જતી, સંસ્કૃત પરિપાટીએ પ્રેમાનંદની જેમ – પરવાળા જેવા હોઠ, દાડમની કળી જેવા દાંત, નાગણ જેવો ચોટલો – રૂપવર્ણન કરનારી, ‘ચીકણો દેહ’ જેવી ફિલ્મી અભિવ્યક્તિ કરતી બહેનોની સંખ્યા પણ ઓછી નથી. સરેરાશ વાર્તારસ, વાર્તાગૂંથણીની સમજ હોય પણ ટૂંકી વાર્તા એનાથી કંઈક વધારે માગે એવી સમજનો અભાવ હોય, ગુજરાતી ટૂંકી વાર્તાની પરંપરામાંથી પસાર જ ન થયાં હોય એવાં સ્ત્રીસર્જકોની સંખ્યા ઘણી મોટી છે. વીસમી સદીના આરંભે વાર્તાકારે પોતાની વાર્તાને ‘લેખ’ કહ્યો હોય એવું એક કરતાં વધારે વાર બન્યું હતું. મારા આશ્ચર્ય વચ્ચે 21મી સદીના બીજા દાયકામાં પણ પોતાની વાર્તાને ‘લેખ’ કહેનાર છે ! દા.ત. પલ્લવી મિસ્ત્રી એમની વાર્તા ‘તમે તો કશું બોલશો જ નહિ, પપ્પા’ના અંતે લખે છે : ‘આ લેખ ખાસ ભેટરૂપે.’ જે તે સ્પર્ધામાં વિજેતા થઈ હોય એવી અતિશય નબળી વાર્તાઓ પણ સ્ત્રીસર્જકોએ ઉત્સાહભેર મને મોકલી છે. આખેઆખા વાર્તાસંગ્રહમાંથી એકેય વાર્તા ન લઈ શકાઈ હોય એવું પણ બન્યું છે. ‘લેખિની’ના વાર્તા વિશેષાંકમાં 80% વાર્તાઓ એકદમ સરેરાશ કહી શકાય એવી કે ફિલ્મી કે છાપાળવી હોય ત્યારે કહેવાનું મન થાય કે જો આ લખનાર બહેનો ગુજરાતી ટૂંકી વાર્તાની પરંપરાને આત્મસાત્ કરે, જરાક શાસ્ત્ર સમજે તો કદાચ એમની પાસેથી સારી વાર્તાઓ મળી શકે. પોતીકી વાર્તા પરંપરામાંથી પસાર થવાનો સૌથી મોટો ફાયદો એ થાય કે પૂર્વસૂરિઓ લખી ગયા હોય એવા જ થીમની વાર્તા તેઓ ફરીથી ન લખે, અને જો લખે તો પૂર્વસૂરિની વાર્તાને અતિક્રમવાની સભાન કોશિશ કરે. મને આવી એક કરતાં વધારે વાર્તા મળી છે જે આપણા પૂર્વસૂરિઓએ વધારે સારી રીતે લખી હોય. દા.ત. ગીતા દેવદત્ત શુક્લની ‘રાજીમા’ ને જયંતિ દલાલની ‘સ્ત્રીનગર’ સાથે વાંચો કે ‘સિક્સટિન સિક્સટિ’ વાર્તાને વર્ષા અડાલજાની ‘ગાંઠે બાંધ્યું આકાશ’ની સાથે વાંચો, નીતા જોશીની ‘ડચૂરો’ વાર્તાને જયંતિ દલાલની ‘આ ઘેર પેલે ઘેર’ સાથે વાંચો, રાજુલ કૌશિકની ‘માટીપગો’ વાર્તાને સરોજિની મહેતાની ‘સુખ કે દુઃખ’ વાર્તા સાથે જુઓ, નીલમ દોશીની ‘સંજુ દોડ્યો’ વાર્તાને જયંતિ દલાલની ‘જીવન જાગ્યું’ વાર્તા સાથે તપાસો, પન્ના ત્રિવેદીની ‘નિકેતને માલૂમ થાય કે’ વાર્તાને હિમાંશી શેલતની ‘અકબંધ’ વાર્તા સાથે રાખીને જુઓ... હરીશ નાગ્રેચાની ‘કૂબો’ વાર્તાને માત્ર પાત્રનાં નામો બદલીને જેમ ની તેમ ‘ઘર’ વાર્તા લખનાર નયના સોલંકી પણ છે. જરાક સભાન રહે સર્જક, પરંપરામાંથી પસાર થાય તો કદાચ આવું ન થાય. 2010 પછી લખતી થનારી બહેનોમાંથી લગભગ 95 % બહેનોએ સ્ત્રીઓની જાણીતી સમસ્યાઓ વિશે વધારે વાર્તાઓ લખી. ખાસ કરીને જે કૌટુંબિક સમસ્યાઓ વિશે વીસમી સદીના આરંભે વાર્તાઓ લખાઈ એ જ સમસ્યાઓ વિશે 21મી સદીના બીજા દાયકામાં પણ લખાયું એ ન સમજાય એવી વાત છે કારણ કે, સ્ત્રીઓની સમસ્યાઓ બદલાઈ છે એ હકીકત છે. હા, કોરોના કાળમાં કદી કલ્પી ન હોય એવી સમસ્યાઓનો આપણે સામનો કર્યો. એને વિષય બનાવીને છાયા ત્રિવેદી, પારુલ દેસાઈ અને કોશા રાવલ પાસેથી સારી વાર્તાઓ મળી છે. છાયા ઉપાધ્યાય તથા યામિની પટેલ જરાક નોખા મિજાજની વાર્તાઓ આપે છે. દેશની અનેક સળગતી સાંપ્રત સમસ્યાઓ વિશે સૌથી સારી વાર્તાઓ આજે પણ હિમાંશી શેલત પાસેથી જ મળે છે. કોમી તોફાનો, બળાત્કાર, ભ્રષ્ટ થતું જતું તંત્ર, તંત્રની વધતી જતી ભીંસ વિશે હિમાંશી શેલત ઉપરાંત મીનલ દવે, વંદના ભટ્ટ પાસેથી પણ વાર્તાઓ મળી છે. મીનલ દવેની ‘ઓથાર’, વંદના ભટ્ટની ‘ઝાડીઝાંખરાં’ કે લતા હિરાણીની ‘જૂઈ’ જેવી વાર્તાઓ હકીકતે સામાજિક સૌહાર્દ વધારનારી વાર્તાઓ છે. બીજી ભાષામાં આપણું સાહિત્ય પહોંચે તે આપણને ગમે જ પણ પહોંચનારું સાહિત્ય ઉત્તમ હોવું જોઈએ. પણ છેલ્લાં થોડાંક વર્ષોમાં હદ બહારની નબળી વાર્તાઓ અન્ય ભાષામાં પહોંચી છે. વાર્તાસ્પર્ધાઓમાં નબળા નિર્ણાયકોને કારણે સાવ નબળી વાર્તાઓ પોંખાઈ છે. પ્રસ્તાવનાકારોનો પણ વાર્તાની અવદશા કરવામાં પૂરો ફાળો છે. દા.ત. મીનાક્ષી ચંદારાણાના વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં હરીશ વટાવવાળા લખે છે : ‘ ‘ધુમ્મસનો જવાબ’ વાર્તા પત્રસ્વરૂપે પ્રગટ થતી વાર્તા છે. ટૂંકી વાર્તામાં આ પ્રયોગ મારી જાણ પ્રમાણે કદાચ સૌપ્રથમવાર થયો છે.’ આપણને પ્રશ્ન થાય કે એમને સ્ટેફાન ત્સ્વાઇકની ‘અજાણી સ્ત્રીનો પત્ર’ ન ખબર હોય પણ મેઘાણીની ‘વહુ અને ઘોડો’ કે હિમાંશી શેલતની ‘આજે રાતે’ કે ‘અગિયારમો પત્ર’ જેવી જાણીતી વાર્તાઓ તો ખબર હોય ને? તેઓ લખે છે ‘ ‘જીવતર’ નારીપ્રધાન વાર્તા છે અને બીજા પુરુષની કથનરીતિથી રજૂ થઈ છે.’ હકીકતે ન તો આ વાર્તા નારીપ્રધાન છે, ન બીજા પુરુષ કથનરીતિથી લખાઈ છે. ટૂંકી વાર્તાના તંદુરસ્ત વાતાવરણ માટે આવા પ્રમાણપત્રો આપનારા લોકો નબળા વાર્તાકાર કરતાં પણ વધારે જોખમી છે. ‘લેખિની’ ઑક્ટોબર, 2023નો વાર્તા વિશેષાંક અને બીજી સો-દોઢસો વાર્તા વાંચ્યા પછી એક પ્રશ્ન થાય. આ બધી બહેનો સામે ટૂંકી વાર્તાના ઉત્તમ નમૂનાઓ છે, શાસ્ત્રીય ચર્ચાઓ છે, અસંખ્ય વાર્તાશિબિરો છે છતાં નર્યો વાર્તારસ ધરાવતી, છાપાળવી વાર્તાઓ જ કેમ લખાઈ? જેમને છાપાળવી વાર્તાઓ જ લખવી છે એમને મારે કંઈ નથી કહેવું પણ જેમને ખરેખર ટૂંકી વાર્તા લખવી છે એમણે થોડીક સારી વાર્તાઓ વાંચવી જ રહી. પોતાની ભાષાને મઠારવી જ રહી. આ વાર્તાકારોએ લખ્યું છે ખરું પણ વાર્તાની પરંપરા કે શાસ્ત્ર કશું જાણ્યા વગર. છપાવવું હવે અઘરું નથી. ગમે તે સોશલ મિડિયા પર પાંચ-દસ વખાણ કરનારા મળી જ રહે છે. થોડાંક એવાં નામો છે જેમની વાર્તાઓએ પ્રથમ વાંચને જ મન પ્રસન્ન કરી દીધું હોય. દા.ત. માના વ્યાસ, છાયા ત્રિવેદી, કાલિન્દી પરીખ, વર્ષા તન્ના, સમીરા દેખૈયા પાત્રાવાલા, છાયા ઉપાધ્યાય, આશા વીરેન્દ્ર, કલ્પના દેસાઈ, રેણુકા દવે, લતા હિરાણી, રેના સુથાર, દિના રાયચુરા, રાજશ્રી વળિયા, સ્વાતિ ધ્રુવ નાયક, કોશા રાવલ, દક્ષા પટેલ, યામિની પટેલ, મીતા ત્રિવેદી, ગીરા ભટ્ટ, મલયા પાઠક, ગીતા દેવદત્ત શુક્લ, નીતિ દવે વગેરે. ગુજરાતી ટૂંકી વાર્તાની એક ભવ્ય પરંપરા હોય આપણી સામે, ’90 પછી ત્રણ-ત્રણ અકાદમી પુરસ્કાર ટૂંકી વાર્તાનાં સ્વરૂપને મળ્યાં હોય, શાસ્ત્રીય સમજ આપતાં પુસ્તકોની સંખ્યા ઘણી મોટી હોય ત્યારે બહેનો પાસેથી સારી વાર્તાની આશા રાખી જ શકાય. પોતીકી પરંપરાને પચાવી, દુનિયાભરની ઉત્તમ વાર્તાઓને વાંચીને કલમ ઉપાડનારી બહેનોને શુભેચ્છાઓ.
- આ લેખ કરવા માટે શક્ય તેટલી તમામ વાર્તાઓ મેળવવાની કોશિશ કરી છે, છતાં કોઈ સ્ત્રીસર્જકની સારી વાર્તાની નોંધ ન લેવાઈ હોય તો ધ્યાન દોરવા વિનંતી.