વાર્તાનું શાસ્ત્ર/વાર્તાની પસંદગી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રકરણ બીજું<br>વાર્તાની પસંદગી}} {{Poem2Open}} બાળકોને કેવી વાર્તાઓ કહેવી એ એક અતિ મહત્ત્વનો પ્રશ્ન છે. જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ થાય નહિ ત્યાં સુધી વાર્તાકથનનું શાસ્ત્ર પાંગળું જ...")
 
(+1)
Line 81: Line 81:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|❋}}
{{center|❋}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Revision as of 01:59, 1 November 2024

પ્રકરણ બીજું
વાર્તાની પસંદગી

બાળકોને કેવી વાર્તાઓ કહેવી એ એક અતિ મહત્ત્વનો પ્રશ્ન છે. જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ થાય નહિ ત્યાં સુધી વાર્તાકથનનું શાસ્ત્ર પાંગળું જ રહે. વાર્તાઓ અનેક જાતની છે. જુદા જુદા દેશોની જુદી જુદી વાતો છે. જુદી જુદી આબોહવામાં રહેનારા અને જુદી જુદી રહેણીકરણીને અનુસરનારા લોકોની વાતો જુદી જુદી છે. ધર્મમાન્યતામાં એકબીજાથી નોખા લોકોમાં નોખી નોખી વાર્તાઓ છે. કેટલાએક દેશો પરીઓની વાતો માટે મગરૂબી ધરાવી શકે છે તો કેટલાએક દેશો ભૂતપ્રેતાદિની વાતોમાં પોતાનો અચળ વિશ્વાસ પ્રગટ કરે છે; કેટલાએક દેશો વિજ્ઞાનની વાતોમાં વધારે રસ લે છે તો કેટલાએક દેશો વહેમ ભરેલી વાર્તાઓને સાચી માને છે; કેટલાએક દેશો ભયંકર વાતોના શોખીન હોય છે તો કેટલાએક દેશોની વાતોમાં અહિંસાનું તત્ત્વ અધિક પ્રમાણમાં હોય છે; કેટલાએક દેશોની વાતો પ્રેમ અને લાગણીથી ભરેલી છે તો કેટલાએક દેશોની વાતો ભક્તિરસથી ભરપૂર છે. વળી વાર્તાઓ પોતે પણ ભિન્ન ભિન્ન પ્રકારની છે. વાર્તાઓનો એક પ્રકાર શૂરાતનની વાતોનો છે તો વાર્તાનો બીજો પ્રકાર બુદ્ધિચાતુર્યની વાતોનો છે; કોઈ વાર્તા કરુણરસપ્રધાન હોય છે તો કોઈ વાર્તા બીભત્સરસપ્રધાન હોય છે; કોઈ વાર્તા માર્મિક હોય છે તો વળી કોઈ વાર્તા તાત્ત્વિક હોય છે; કોઈ વાર્તામાં નિસર્ગનો મહિમા હોય છે તો કોઈ વાર્તા એકલી મનુષ્યકૃતિનો મહિમા ગાનારી હોય છે. જેમ વાર્તાના પ્રકાર છે તેમ લોકરુચિના પણ પ્રકાર છે. એક મનુષ્યને વિનોદની વાતો ગમે છે તો બીજા માણસને ગાંભીર્યપૂર્ણ ઉપદેશમય વાર્તા ગમે છે; એકની મરજી દેવદેવીઓની વાતો સાંભળવાની હોય છે ત્યારે બીજાની મરજી મનુષ્યચરિત્રોની વાર્તાઓ સાંભળવાની હોય છે; એકને કલ્પિત વાતોમાં મજા આવે છે તો વળી બીજાને ઐતિહાસિક વાર્તાઓમાં આનંદ આવે છે. આવી રીતે જ્યાં વાર્તાઓ અનેકવિધ છે ને તેને સાંભળનારા અનેક રુચિવાળા છે, ત્યાં કેવી વાર્તાઓ કહેવી અને કેવી વાર્તાઓ ન કહેવી એ પ્રશ્નનો ઉકેલ કરવો આવશ્યક તેમ જ મુશ્કેલ છે. એક વાત તો દીવા જેવી ઉઘાડી છે કે બધી વાર્તાઓ કહેવા યોગ્ય નથી હોતી. જો આપણે પૃથ્વીના પડોને ઉખેડીએ ને તેનો અભ્યાસ કરવા બેસીએ તો આપણને માલૂમ પડે કે પૃથ્વીના ગર્ભમાં અનેકવિધ પડો રહેલાં છે. એ પડો એકબીજાથી નિરાળાં હોય છે એટલું જ નહિ પણ એ પડો ભિન્ન ભિન્ન વખતે, ભિન્ન ભિન્ન સંજોગોમાં, ભિન્ન ભિન્ન વાતાવરણ અને પૃથ્વીની ઉપરના ને અંદરના ફેરફારોને લીધે બંધાયેલાં છે. આવાં પડોને ભૂસ્તરશાસ્ત્રીઓ પહેલા યુગનાં પડો, બીજા યુગનાં પડો, ત્રીજા યુગનાં પડો, એમ કહીને ઓળખે છે. આવાં પડોને એ શાસ્ત્રીઓ જુદી જુદી ઉંમર પણ આપી શકે છે. અત્યારે પ્રચલિત વાર્તાઓના સમૂહોનાં કંઈક આવી જાતનાં પણ જુદી રીતનાં પડો છે. કોઈ પડો અતિ પુરાણાં છે તો કોઈ પડો છેક આધુનિક છે; કોઈ પડો પરદેશી છે તો કોઈ પડો સંપૂર્ણ સ્વદેશી છે; કોઈ પડો સ્વાભાવિક છે તો કોઈ પડો કૃત્રિમ છે; કોઈ પડો નીતિ ભરેલાં છે તો કોઈ પડો અનીતિ પ્રેરક છે; કોઈ પડો ઉચ્ચ વિનોદપ્રધાન છે તો કોઈ પડો ઉપર ગ્રામ્યતાનો પાસ છે; કોઈ પડોમાં બુદ્ધિચાતુર્યનો મહિમા છે તો કોઈ પડો વિજ્ઞાનની વાતો કરે છે. વાર્તાકથન માટે કયાં પડો સંગ્રહવાં અને કયાં પડોનો ત્યાગ કરવો એ વિચારવા જેવું છે. જમાને જમાને તે જમાનાનું કામ કરવા વ્યક્તિઓ ઉત્પન્ન થાય છે, તેમ વાર્તા કે વાર્તાઓના સમૂહો પણ ઉત્પન્ન થાય છે. એક સમાજ બીજા સમાજની વાર્તામાં ભરેલા ડહાપણથી કંટાળે છે અથવા એ ડહાપણથી વધારે ડહાપણનો દાવો કરી શકે છે, ત્યારે એ સમાજની વાર્તાને ધક્કો મારે છે. જેમ જેમ સમાજ નવી રુચિ, નવી કલ્પના, નવા આદર્શો ધારણ કરે છે તેમ તેમ જૂની રુચિ, જૂની કલ્પના ને જૂના આદર્શોને સાપની કાંચળી પેઠે છોડી દે છે. આવી રીતે સમાજે છોડી દીધેલી કાંચળીરૂપી અનેક વાર્તાઓ પણ આપણા વાર્તાના ભંડારમાં પડેલી છે. વળી આપણા વાર્તાના ભંડારમાં એવી વાર્તાઓ પણ છે કે જે સમાજના આદિ કાળથી સમાજે પોતાના અંગ ઉપર જ ધારણ કરીને રાખી હોય, ને હજુ પણ તેને પોતાના અંગ ઉપરથી જરા પણ આઘે ખસેડી ન હોય. એવી પણ વાર્તાઓ છે કે જે સમાજના હૃદયમાં છે પણ સમાજના વેશમાં નથી. એમ જ આ ભંડારમાં એવી પણ વાતો છે કે જે કોઈ વ્યક્તિએ છેક છોડી દીધી છે, કોઈ વ્યક્તિ તેના તરફ આશ્ચર્યથી જોઈ રહેલ છે તો કોઈ વ્યક્તિ હજી તેને જીવની પેઠે સાચવી રહેલ છે. ભિન્ન ભિન્ન સમાજોની, ભિન્ન ભિન્ન રુચિઓ અને આવશ્યકતાને લીધે વાર્તાઓના સમૂહો પણ ભિન્ન ભિન્ન બની રહ્યા છે, તેમ જ એક સમાજની ભિન્ન ભિન્ન વ્યક્તિઓની ભિન્ન ભિન્ન રુચિઓને લીધે પણ વાર્તાઓના સમૂહો ભિન્ન ભિન્ન બની રહેલ છે. એક જ સમાજમાં અનેકરંગી માણસો હોય છે. એક જ સમાજમાં માણસની પ્રાથમિક દશાની બુદ્ધિ, શક્તિ ને વૃત્તિ ધરાવવાવાળા મનુષ્યથી માંડીને માણસની ઉચ્ચ દશાની બુદ્ધિ, શક્તિ ને વૃત્તિ ધરાવવાવાળા મનુષ્ય સુધીની વ્યક્તિઓ આપણને મળી આવે છે. એક જ સમાજમાં ક્ષુદ્ર વૃત્તિના માણસથી માંડીને ઉચ્ચ વૃત્તિનો માણસ મળી આવે છે. આથી એક જ વાર્તાના પડમાં કે સમૂહમાં વિવિધતા જોવામાં આવે છે. આ વિવિધતા લોકરુચિનું પ્રતિબિંબ છે; આ વિવિધતામાં સમાજ આખાનું જીવન છે. આ બધી વાર્તાઓમાંથી કઈ વાર્તાઓ લેવી અને કઈ વાર્તાઓ ન લેવી એનો નિર્ણય કરવાનું કામ ઘણી કુશળતાથી કરવાનું છે. અહીં આપણે એક બાબતનો વિચાર કરવાનો છે. આપણે બાળકોને વાર્તાઓ કહેવા માગીએ છીએ પણ તે પ્રથમતઃ શુદ્ધ અને નિર્દોષ આનંદ આપવા માટે જ. બેશક, આપણો ઉદ્દેશ પ્રથમતઃ આટલો જ છે, છતાં વાર્તાઓ બાળકના જીવનને અનેક રીતે ઘડે છે એ વાત આપણા લક્ષ બહાર ન જોઈએ. વાર્તા શુદ્ધ આનંદ આપે છે તેથી જ તેનામાં બાળકના જીવનને ઘડવાની શક્તિ રહેલી છે. જે વસ્તુ સુંદર છે, મધુર છે, પ્રિય છે, તેની અસર આપણા ઉપર સ્વાભાવિક છે. સ્વતઃ સુંદર વાર્તાઓ આ રીતે આપણા ઉપર અનેક જાતની અસર જરૂર કરે છે. આમ છે તેથી જ નિર્દોષ આનંદ આપવાનું સાધન કોઈ રીતે અનિષ્ટ ન હોય તેનો વિચાર આપણે કરવો જ જોઈએ. વાર્તામાત્રથી આનંદ આપી શકાય; કારણકે વાર્તાનો આનંદવિભાગ કળાનો વિષય છે, અને જ્યાં વાર્તાનો કલાવિભાગ યર્થાથ હોય ત્યાં બાળકને જરૂર આનંદ મળવાનો જ. પણ બધી કલાપૂર્ણ વાર્તાઓ હિતાવહ નથી હોતી એવો આપણો અનુભવ છે. આથી જ આપણે વાર્તાઓની પસંદગીની ખટપટમાં પડવું પડે છે. બાળકો માટે વાર્તાઓની પસંદગીના નિયમો બાંધીએ તે પહેલાં આપણે બાળકને, તેની વૃત્તિને તેમ જ તેની દુનિયાને જાણવી જોઈએ. આપણે આપણી દ્રષ્ટિથી બાલજીવનના વ્યવહારનું નિર્માણ કરીએ તો બાળકોનો થોડા જ વખતમાં નાશ થાય. બાળક સંપૂર્ણ મનુષ્ય છે એ વાત ખરી છે, છતાં એ સંપૂર્ણતા બીજરૂપે છે. આથી જ વૃક્ષ માટે જે આબોહવા અને ખાતરની જરૂર છે તે આબોહવા અને ખાતર બીજ માટે હંમેશાં આરોગ્યવાહક નથી. બીજમાંથી સંપૂર્ણ વૃક્ષ સુધીની વિકસનની ક્રિયાનો સમય લાંબો છે અને તેમાં અનેક શ્રેણીઓ છે. પ્રત્યેક શ્રેણીએ વૃક્ષની હાજત ધ્યાનમાં રાખીને તેની માવજત કરવાની છે. વાર્તાની પસંદગીની દષ્ટિએ વિચાર કરીએ તો બાલ્યાવસ્થાની વાર્તાઓ, કુમારાવસ્થાની વાર્તાઓ, યુવાવસ્થાની વાર્તાઓ, પ્રૌઢાવસ્થાની વાર્તાઓ અને વૃદ્ધાવસ્થાની વાર્તાઓ તેમ જ સ્ત્રીઓને ગમતી વાર્તાઓ અને પુરુષોને ગમતી વાર્તાઓમાં આપણે ભેદ પાડવો જોઈએ; અને એ ભેદને ધ્ધાનમાં રાખીને આપણે બાળકોને કહેવાની વાર્તાઓની પસંદગી કરવી જોઈએ. વાર્તાઓની પસંદગી વખતે ત્રીજી દષ્ટિ એ રાખવાની છે કે બાળક સમાજના બાલ્યકાળનો પ્રતિનિધિ છે. પ્રાથમિક મનુષ્યના વિકાસની ક્રિયાની સ્થિતિ સાથે બાળકના વિકાસની ક્રિયા ઘણી મળતી આવે છે. વળી આજના સંસ્કૃત સમાજના એક અંગભૂત થવાને સમાજ જે પ્રાકૃતિક દશામાંથી નીકળી ચૂક્યો છે તે દશામાંથી બાળકે નીકળવાનું છે. બાળક સંપૂર્ણ મનુષ્ય છતાં પ્રાથમિક સ્થિતિનું છે, એ વાત સદૈવ ધ્યાનમાં રાખીને આપણે વાર્તાઓની પસંદગી કરવાની છે. પ્રાથમિક માણસ કેવી કેવી વાર્તાઓ પસંદ કરતો હતો તેની આપણે પૂરેપૂરી કલ્પના કરવાની છે. શરૂઆતમાં આવી થોડીએક બાબતો ધ્યાનમાં રાખી બાળકોને, માટે કેવી વાર્તાઓ પસંદ કરવી જોઈએ તેનો આપણે નિર્ણય કરીએ. વાર્તાઓના ઢગલામાંથી પહેલવહેલાં આપણે અર્થ વિનાની નાની નાની કવિતાઓને પછીથી જોડકણાંથી ભરપૂર વાર્તાઓ લઈએ. અર્થ વિનાનાં જોડકણાં બાલજીવનમાં કેવી અદ્ભુત ચમત્કૃતિ ઉત્પન્ન કરે છે તેનો ખ્યાલ તો જેમને બાલજીવન અને બાળવાર્તાના કથનનો સીધો અનુભવ છે તેને જ આવી શકે છે.

"ચાંદા રે ચાંદા, ઘીગોળ માંડા,
દહીં કે દૂધડી, માખણ ફૂદડી,
મારી બેનના મોઢામાં હબૂક પોળી."

"આવ રે વરસાદ, ધેબરિયો પરસાદ,
ઊની ઊની રોટલી, ને કારેલાંનું શાક;
આવ રે વરસાદ નેવલે પાણી,
નઠારી છોકરીને દેડકે તાણી.”

આવાં સાદાં જોડકણાં સાંભળવામાંથી બાળક આસ્તે આસ્તે નાની નાની અર્થ વિનાની અને જોડકણાંથી ભરપૂર વાર્તાઓ સાંભળતું થાય છે. આ ક્રમ સ્વાભાવિક છે. આવી વાર્તાઓ આપણને પુષ્કળ મળે છે.

"ચકી પડી ખીરમાં ને ચકો બેઠો નિમાણો.”
"કૂકડી પડી રંગમાં ને કૂકડો શોકઢંગમાં."
"કહાણી કહું કૈયા ને સાંભળ મારા છૈયા.”
"એક વાતની વાત ને સવાયાની સાત."

આ વાર્તાઓ આવા પ્રકારની છે. આ વાર્તાઓ બાલ- દુનિયાની છે. બાળક તો પોતાની આસપાસની દુનિયા નવી આંખે નિહાળવા લાગે છે તેથી તેને આવા પ્રકારની વાર્તાઓમાં ભારે રસ આવે છે. આકાશ, પૃથ્વી, પવન, સૂર્ય, ચંદ્ર, પક્ષીઓ, પશુઓ અને ફૂલો બાળકને મન નવી નવાઈની ચીજો છે. આ ચીજોની ગૂંથણી જે વાર્તાઓમાં આવે છે તે વાર્તાઓ સાંભળતાં બાળક તલ્લીન બની જાય છે. બેશક, આ વાર્તાઓ આખેઆખી ને તેના સંપૂર્ણ અર્થમાં બાળક સમજે છે માટે તે સાંભળવા પ્રેરાય છે એવું કંઈ નથી. આપણે સમજી શકતાં નથી તેવી જાતના અનુભવો આ દુનિયાનો નવો મહેમાન ક્ષણે ક્ષણે પ્રત્યેક ઇન્દ્રિયગમ્ય વસ્તુ પરત્વે કરે છે; ને જે જે શબ્દોમાં કે શબ્દસમૂહોમાં એ અનુભવોને ભાષા મળે છે ત્યાં ત્યાં બાળકને ચમત્કૃતિ ભાસે છે. આવે પ્રસંગે બાળક પોતાની ભાષા ઘડવાનો સુંદર લાભ લે છે એ પણ તેના આવી વાર્તાના રસનું કારણ છે. આવી વાર્તાઓને આપણે બાળવાર્તાઓને નામે ઓળખશું. આવી વાર્તાઓમાં ઢંગધડો હોતો નથી, કે તેમાંથી અર્થ થોડો જ નીકળે છે, તેની આપણને ચિંતા કરવાનું કારણ નથી. એ વાર્તાઓમાં બાળકની દુનિયાનું પ્રતિબિંબ છે અને બાળક તેમાં રસ લે છે, એટલું જ અત્યારે તો બસ છે. ઉક્ત વાર્તાઓ બેશક કલ્પિત છે. પણ આ પછીની શ્રેણીમાં વધારે કલ્પિત વાર્તાઓ, અને વાર્તાઓના નામને શોભાવે તેવી વાર્તાઓને સ્થાન મળે છે. કલ્પિત વાર્તાઓમાં ઘણી ઘણી જાતની વાર્તાનો સમાવેશ થઈ જાય છે. ઐતિહાસિક વાર્તાઓ અને વિજ્ઞાનની વાર્તાઓ સિવાયની બધી વાર્તાઓ કલ્પિત છે. વળી કલ્પિત વાર્તાઓના બે પ્રકાર છે. જેને આપણે પ્રાણીઓની, કુદરતના બનાવોની, ભૂતપ્રેતાદિની, દેવો અને દેવીઓની, નાગ, યક્ષ, કિન્નરો અને રાક્ષસોની વાર્તાઓ તરીકે ઓળખીએ છીએ તે વાર્તાઓ કલ્પિત વાર્તાઓનો એક પ્રકાર છે; જ્યારે જે વાર્તાઓમાં મનુષ્યો પાત્રો તરીકે હોય છે તે વાર્તાઓ બીજા પ્રકારમાં આવે છે. સાધારણ રીતે ઐતિહાસિક દંતકથાઓ, ભક્તોની વાતો, સતીઓની વાતો, પ્રેમકથાઓ, કૌટુમ્બિક વાતો, કામણ-ટૂમણની વાતો, વારતહેવારની વાતો, શૂરાઓની વાતો, અને ઐતિહાસિક વાતો, આ બીજા પ્રકારની વાર્તાઓ છે. પહેલા વર્ગને અંગ્રેજી શબ્દથી ઓળખાવીએ તો તેને 'Imaginative Fiction'નું નામ મળે અને બીજા વર્ગને 'Realistic Fiction'નું નામ મળે. પહેલા વર્ગની કલ્પિત વાર્તાઓમાં હકીકતનું યથાર્થપણું હોતું જ નથી. આ વર્ગની વાતોમાં હકીકત કલ્પિત એટલે અસ્તિત્વમાં ન હોય એવી, માત્ર કલ્પનામાંથી જ નીકળેલી હોય છે. પહેલા વર્ગની વાર્તાઓ હકીકતમાં ખોટી હોય છે. પરંતુ ખોટી કે કલ્પિત હકીકત દ્વારા તેમાં સાચા વિચારો ને સાચા આદર્શો હોય છે. આ વર્ગની વાર્તાઓમાં આવતી પરીઓ, યક્ષો, કિન્નરો, ભૂતપ્રેત કે નાગો ખોટા હોય છે પણ તેમના દ્વારા વ્યક્ત થયેલ ભાવનાઓ અને આદર્શો યથાર્થ હોય છે. બીજા વર્ગની વાર્તાઓમાં મનુષ્યો પાત્રોરૂપે હોય છે પણ તેમાં ગૂંથેલા બનાવો કલ્પિત હોય છે. જોકે આ બનાવો કલ્પનાથી ઉપજાવી કાઢેલા હોય છે, છતાં આ બનાવો દુનિયામાં બનતા બનાવો માંહેના જ હોય છે, અને આ બનાવો દ્વારા આવી વાર્તાઓ મનુષ્યના અનુભવોને વ્યક્ત કરે છે- મનુષ્યનાં મંથનો, આદર્શો, આચારો અને ભાવનાઓને પ્રગટ કરે છે. આ બંને પ્રકારની વાર્તાઓ બાળકોને ગમે છે. ઉક્ત બંને પ્રકારની વાર્તાઓ બાળકોને કહેવામાં કશી હરકત નથી. માત્ર એક જ વિચાર ધ્યાનમાં રહેવો જોઈએ કે આ વાર્તાઓ સ્વતઃ સારી છે અને બીજી રીતે વાંધા ભરેલી નથી. વાર્તાઓ છેક કલ્પિત છે છતાં બાળકોના માનસ ઉપર તે ભારે અસર કરી શકે છે. આ વાર્તાઓ ખોટી છે છતાં બાળકના મનને તે એટલી બધી જીવંત ભાસે છે કે બાળક તેનાથી ઘડાય છે. એકાદ સારી કલ્પિત વાર્તા બાળકના વિચારોને, આદર્શોને, દષ્ટિબિંદુઓને, સારાસાર બુદ્ધિને, સઅસદ્ વિવેકને જાગૃત કરે છે, ગતિ આપે છે ને નિશ્ચિત કરે છે. આવી વાર્તા બાળકની દષ્ટિમર્યાદા વિશાળ બનાવે છે, કલ્પના સતેજ કરે છે, સૌંદર્ય પારખવાની સાચી શક્તિ આપે છે, લાગણીને સૂક્ષ્મ અને ઊંડી બનાવે છે, વિનોદને સજીવ કરે છે, અને ટૂંકમાં તેના જીવનમાં પ્રાણનું સિંચન કરે છે. આ બધું કેમ બને છે તેનો અનુભવ કોઈ કુશળ વાર્તા કહેનારને તો હંમેશાં થતો જ હશે. આ વાર્તાઓ લોકોના અનેકવિધ જીવનના સારભૂતે લોકહૃદયમાંથી પ્રગટેલી છે. આવી વાર્તાઓ કલ્પિત છે છતાં તેઓને ન્યાય, તેઓની ધર્મબુદ્ધિ, તેઓની પાક દાનત, તેઓની વિવેકબુદ્ધિ એટલાં બધાં નિર્મળ અને સમતોલ છે કે બાળક કલ્પિતપણું ભૂલી જઈ એમાં રહેલ ગુણોની વાસ્તવિકતાને પોતાનામાં સંગ્રહે છે. આપણે ત્યાં પરીઓની વાતો નથી અથવા ભાષાંતરના પ્રયોગોથી હમણાં હમણાં થોડી થોડી વધી છે, પરંતુ પરીઓની વાતોને પણ ટકોર મારે એવી કલ્પિત વાતો આપણે ત્યાં છે. એ વાર્તાઓને આપણે પરીઓની વાતોના જેટલું જ સ્થાન આપી શકીએ. પરીઓની વાતોની મહત્તા સંબંધે એક અમેરિકન લેખિકા બાઈ મિલરે સુંદર શબ્દોમાં લખ્યું છે.[1] આવી જાતની વાર્તાઓનો બાલવિકાસમાં અને તેના ચારિત્રગઠનમાં મોટો ફાળો છે. કોઈ પણ જાતના નૈતિક ઉપદેશ વિના કે વાર્તાના રહસ્ય તરફ લક્ષ અપાવવાના શિક્ષકના લેશ માત્ર પ્રયત્ન વિના બાળક પોતાની જાતે જ વાર્તાઓની હકીકતો- માંથી કયા ગુણો ઉમદા અને ખાનદાની ભરેલા છે, કયી કયી બાબતો દુષ્ટ અને નિંદ્ય છે એ સમજી જાય છે. સ્વાભાવિક રીતે જ એટલે કે વગર શીખવ્યે સત્ય તરફ, શૌર્ય તરફ, પાવિત્ર્ય તરફ, ન્યાય તરફ બાળકનો પક્ષપાત વધે છે ને અસત્ય, બાયલાપણું, અત્યાચાર, અન્યાય વગેરે પ્રત્યે બાળકને તિરસ્કાર આવે છે. વાર્તાઓ સ્વતઃ સુંદર અને મોહક હોય છે તેથી બાળક એનાથી એટલું બધું તરબોળ થાય છે કે વગર પ્રયત્ને બાળકના ઉપર વાર્તાની ઊંડી અસર થાય જ છે. બાળકનું હૃદય હંમેશાં સ્વાભાવિક હોવાથી પોતે વાર્તાની સ્વાભાવિકતા અને અસ્વાભાવિક્તામાં ભેદ જોઈ શકે છે. વાર્તાઓની અસર એવી પ્રબળ છે કે બાળક એકાદ ધર્માચાર્ય વ્યાખ્યાતા પાસેથી તેના મોટા વ્યાખ્યાનમાંથી ધર્મ કે નીતિ સંબંધે કશું મેળવી શકતું નથી, જ્યારે આવી વાર્તાઓ ધર્મનીતિના વિચારોમાં પણ તેના જીવન પર્યંત આદર્શરૂપ બની રહે છે. આપણા જીવનનો અનુભવ આવો જ છે. કેટલાં યે કલ્પિત પાત્રો હજી પણ આપણા આદર્શોને પ્રેરી રહ્યાં છે, કેટલી યે કલ્પિત ઉચ્ચગામી વાતો આજે પણ આપણને ઊંચે જવા પ્રેરે છે. સુંદર વાર્તાઓ સુંદર વ્યાખ્યાન કરતાં નીતિનો બોધ વધારે સજ્જડ કરે છે એમ કહેવાથી એમ સમજવાનું નથી કે અહીં નીતિશિક્ષણભરી વાર્તાઓ કહેવાની હિમાયત કરવામાં આવી છે. સાર એટલો જ લેવાનો છે કે વાર્તા સુંદર હોય, સુંદર રીતે કહેવાઈ હોય તો પછી તેનું રહસ્ય નીતિ હોય કે અર્થશાસ્ત્ર હોય, શૂરવીરતા હોય કે પવિત્રતા હોય, પણ વાર્તાની અસર જ એવી થાય છે કે એ વાટે એનું રહસ્ય માણસના હૃદયમાં પેસી જાય છે. ઊલટું જો અમુક હેતુને જ આગળ ધરીને વાર્તા કહેવામાં આવે તો એ હેતુની આગળ કરેલી અણી જ માણસને લાગે છે, અને માણસ વાર્તા અને તેનો હેતુ બન્નેનો સ્વીકારવા ના પડે છે. જે વાર્તાઓ સુંદર છે, જેમાં સાચા વિચારો, આદર્શો અને ભાવના છે, જે વાર્તાઓ કોઈ પણ ઉચ્ચ વસ્તુનો સીધો બોધ નથી કરતી પણ પોતાના હૃદયમાં રહસ્યને ઢાંકીને ઊભેલી છે, તે વાર્તાઓ પછી તે કલ્પિત હોય કે અર્ધસાચી હોય કે ઐતિહાસિક હોય કે દંતકથારૂપે હોય, તોપણ તેમને કહેવામાં વાંધો નથી. જેમ બાગમાં જેટલાં ઝાડ હોય છે તેટલાં બધાં બાગના લાભ માટે કામનાં નથી હોતાં, તેમ વાર્તાના સમૂહમાંની બધી વાર્તાઓ બાળકોના કામની નથી હોતી. કેટલીએક વાર્તાઓ તો ઘાસ જેવી હોય છે કે જેમને બાગમાંથી નીંદી નાખવી જ જોઈએ પછી તે પરીની વાત હોય કે ઇતિહાસની વાત હો, પછી તે વાર્તામાં કલાની અપૂર્વતા હોય કે ભાષાનું ભારેમાં ભારે લાલિત્ય હોય; એવી વાર્તાઓ તો બાળકો પાસે ન જ ધરવી જોઈએ. પહેલાં તો આપણે અનીતિભરી વાર્તાઓને દેશવટો આપી દઈએ. અનીતિભરી વાર્તા અને ગ્રામ્ય વાર્તા વચ્ચેના તફાવત વિષે, અને ગ્રામ્ય વાર્તા કહેવામાં શા માટે હરકત નથી એટલું જ નહિ પણ પ્રસંગોપાત્ત એને કહેવામાં લાભ છે એ સંબંધે, અન્યત્ર લખવામાં આવેલું છે. આપણે હરહંમેશ ગ્રામ્ય વાર્તાઓને અનીતિપ્રેરક વાર્તાઓ ગણીને હાંકી કાઢવાની ભૂલ તો કદી ન જ કરીએ. કઈ વાર્તાઓ આપણે અનીતિપ્રેરક ગણવી અને કઈ ન ગણવી તેના નિયમો ઘડવાની કશી જરૂર હોય જ નહિ; એ વાત તો આપણે સારી પેઠે સમજીએ છીએ. છતાં આપણી આજની દૃષ્ટિમાં અને ભૂતકાળની દૃષ્ટિમાં, વર્તમાનકાળની અને ભવિષ્યકાળની દ્રષ્ટિમાં અનીતિપ્રેરક વાર્તાની વ્યાખ્યા સંબંધે દૃષ્ટિકોણ બદલવાનો જ. નીતિના વિષયમાં આજે આપણે જે અત્યંત વિઘાતક લાગે, જે અનિષ્ટ લાગે, તેનું પ્રતિપાદન કરનારી વાર્તાઓ આજે આપણે ન જ કહીએ. જે વાર્તાઓ માણસને નૈતિક બળમાંથી નીચે પાડે તે વાર્તાઓને પણ આપણે છોડી દઈએ. જે વાર્તાઓ આજના નૈતિક જીવનને પછાડનારી લાગે તેનો આપણે સંગ ન કરીએ. લગ્નજીવન નીતિજીવનનું અંગ છે. લગ્નની ભાવનાને નહિ પોષનારી વાર્તા કદાચ એક કાળે નિર્દોષ ગણાતી હોય, તોપણ આજે તે ત્યાજ્ય જ છે. આજે આપણે વિલાસ નથી જોઈતો, ભોગ નથી જોઈતા, તેથી બ્રહ્મચર્યવિઘાતક વાર્તાઓના પક્ષમાં આપણે ન ઊભા રહીએ. બાળલગ્નની બદીથી આપણે ખૂબ થાકી ગયા છીએ એટલે બાળલગ્નમાં આનંદ માનનારી વાર્તાઓ બાળકોના કાનથી દૂર રાખીએ. આજે આપણે ઉત્તમ બ્રહ્મચર્યના બળથી શરીર, મન અને આત્માના ચાલ્યા ગયેલા બળને પાછું મેળવવા ઈચ્છીએ છીએ તો લગ્નજીવન, પરિણીત જીવન અને વરવહુના જીવનની વાતોથી બાળકોને અલગ રાખીએ. એવી જ રીતે આપણે ઠગાઈની વાતોને ધૂતકારી કાઢીએ. એક વખત ઠગાઈ બહાદુરી ગણાતી; એક વખત શિરજોરીથી લૂંટ કરવી (બહારવટું) એ બહાદુરી ગણાતી. આજનું આપણું માનસ ઠગાઈને બદલે નિર્બળતા માગે છે, બહારવટાને બદલે સુસંપ માગે છે; આ કારણથી આવી વાર્તાઓને આજે સ્થાન નથી. જો આપણું મન લડાઈઓથી કંટાળ્યું હોય તો લડાઈમાં હજારોનાં માથાં કાપીને જે બહાદુરોએ થોડીએક મામૂલી જમીનનો ટૂકડો હસ્તગત કર્યો હોય તેની વાતને અનીતિની વાર્તાઓની યાદીમાં મૂકી દઈએ. જો આપણે નીડરતાનો ગુણ કેળવવા માગતા હોઈએ અને ભયથી ન ડરતાં તેની સામે ઊભા રહેવા જેટલું વીર્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હોઈએ, તો ડરપોક વાણિયાની યુક્તિપ્રયુક્તિથી ભરેલી પ્રપંચપૂર્ણ વાતોય આપણે અનીતિની વાતોની હારમાં મૂકીએ. જો આપણે બૉલ્શેવિઝમ કે સોશિઍલિઝમના મતવાદી હોઈએ અને કોઈ પણ જાતની જરૂરિયાત કરતાં વધારે મિલકત રાખવામાં સામાજિક અત્યાચાર અને નૈતિક પાપ ગણતા હોઈએ તો આપણે મોટા રાજાઓની ધનદોલતનાં વખાણ ભરેલી કે કોઈ ધનાઢયની સંપત્તિની અઢળકતાની વાતોને પણ અનીતિની વાર્તાના ખાનામાં ખોસી મૂકીએ. કેવી વાતને અનીતિની ગણવી ને કેવીને ન ગણીવી એ વિચાર ઉપર વાર્તાનું નીતિપણું કે અનીતિપણું અવલંબે છે. પણ આજે આપણને જે અનિષ્ટ લાગે તે છોડી દઈએ તેમાં થોડીઘણી સલામતી રહેલી છે. છતાં આપણે જ નીતિ કે અનીતિનો નિર્ણય કરીએ એ એક ધૃષ્ટતા તો છે જ. બાળકોને માટે નીતિઅનીતિનું ધોરણ બાંધીને તેમને માથે લાદવું એ એક અત્યાચાર જ છે. આટલા જ માટે વાર્તાની પસંદગી સંબંધે વિચાર કરતાં આપણે બાળકની દ્રષ્ટિને પૂરતો અવકાશ આપવાનો છે. એની સાથે જ આપણે દૃઢ આગ્રહ રાખવાનો છે કે આપણે કોઈ પણ વાર્તા દ્વારા નીતિ ઠસાવવાનો મમત રાખવાનો નથી; એટલું જ નહિ પણ આપણે બાળકોના વિચારો ઘડવાનો ઈજારો આપણા હાથમાં રાખવાનો નથી. આપણે આપણી મતિ અનુસાર સારું લાગે તે બાળક પાસે ધરીને બેસવાનું છે. આપણે પસંદગી કરવાની નથી; બાળકને પોતાને પસંદગી કરી લેવા દેવાની છે. વાર્તા કહેનારને શિર બાળકને ઘડવાની જવાબદારી નથી. એ જવાબદારી નીતિશિક્ષણશાસ્ત્રી ભલે લે અને તેનાં કટુ ફળ ચાખે. વાર્તા કહેનારનું કામ તો બાળકને વાર્તા કહેવાનું છે; પોતે ઘણા જ ઉદાર ચિત્તથી વાર્તાઓ સુંદર ગણે તે વાર્તાઓ તેણે કહેવાની છે. પછી બાળકનું શું થાય છે, તે તેણે દૂરથી જોવાનું અને આનંદ લેવાનો છે. અનીતિ ભરેલી વાર્તાઓને રજા આપ્યા પછી નીતિ ભરેલી, નીતિના ગુણ ગાતી, નીતિના શિક્ષણ માટે જ ખાસ યોજાયેલી એવી વાર્તાઓનું શું કરવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ સંબંધે 'વાર્તાનું કથન અને નીતિશિક્ષણ' વાળા લખાણમાં વિસ્તારથી લખવામાં આવ્યું છે. જે વાર્તાઓ ખાસ કરીને નીતિશિક્ષણ આપવા માટે કહેવામાં આવે છે તથા જે વાર્તાઓ નીતિનાં વસ્ત્રોથી સર્વાંગે વીંટળાયેલી હોય છે, તે વાર્તાઓના કથનથી એવી વાર્તાઓના પોતાના જ ઉદ્દેશને એટલે નીતિશિક્ષણને પૂરેપૂરો ધક્કો લાગે છે. નીતિની વાર્તાઓ ઘણી વાર એટલી બધી અસ્વાભાવિક અને એટલી તો અતિશયોક્તિ ભરેલી હોય છે કે તેની અસ્વાભાવિકતા અને અતિશયોક્તિને લીધે જ માણસને તેના ઉપર કંટાળો આવે છે. પરીઓની વાર્તા બનાવનારાઓમાં જે સ્વાભાવિક લાગણી, સહાનુભૂતિ, ન્યાયબુદ્ધિ અને સમતોલપણું વગેરે હોય છે તે નીતિની વાર્તાઓ બનાવનારાઓમાં જોવામાં આવતાં નથી. નીતિની ઘણી ઘણી વાર્તાઓ માનસશાસ્ત્રનું ભયંકર અજ્ઞાન બતાવે છે. નીતિની કેટલીએક વાર્તાઓ બાળસ્વભાવના જ્ઞાનનો અંધકાર જણાવે છે. કેટલીએક વાર્તાઓ મનુષ્યના સત્સ્વભાવમાં કેવળ અશ્રદ્ધા રાખનારી છે, તો કેટલીએક વાર્તાઓમાં કાર્યકારણના સંબંધનો કેવળ અભાવ હોય છે. નીતિ આપવા માટે નીતિશિક્ષણશાસ્ત્રીઓને ઘણી વાર બહુ વિચિત્રતા ભરેલી અને હાસ્ય સાથે ઘૃણા ઉત્પન્ન કરે તેવી વાર્તાઓ યોજી કાઢવી પડે છે. 'એક અડપલો છોકરો જીવો જેનું નામ’ વાળી કવિતામાં નીતિની વાર્તા છે. છોકરાંનો સ્વભાવ જ પૃચ્છક અને શોધક છે. એ સ્વભાવને બાળક અનુસરે છે ત્યારે તેને નીતિનાં પંડિતો અડપલાં કહે છે. એટલી બાળસ્વભાવના અજ્ઞાનની ભૂલ તો કદાચ માફ કરીએ. પણ ડોસાની ડાબલીમાં શું હશે તે જાણવા માટે, એટલે કે અંદર રહેલ વસ્તુનો ભેદ કળવા માટે, જ્યારે જીવો ડાબલીનું ઢાંકણું ઉઘાડે છે અને તેમાંથી બિચારાની આંખમાં તપખીર ઊડે છે, ત્યારે તે ઊગતી આશાના અને કોમળ બાળકના દુઃખ તરફ સહાનુભૂતિ દર્શાવવાને બદલે કર્કશ નીતિકાર એમ જ કહે કે "ઠીક જ થયું ! એવા અડપલા છોકરાના તો એવા જ હાલ થવા જોઈએ.” ત્યારે તો આપણને નીતિની વાર્તા ઉપર છેક તિરસ્કાર જ છૂટે. બાળકની, પોતાની નાક ઉપર ચશ્માં ચડાવી ફરવાની ગમ્મત જોવા જે ભાગ્યશાળી થયા હોય છે તે જ આ સમજી શકે છે. જીવો બિચારો બાપાજીથી બીતો બીતો છાનોમાનો જરા નાકે ચશ્મા ચડાવી નિર્દોષ ગમ્મત લેવા જાય છે ત્યાં તો દયાહીન, લાગણીશૂન્ય નીતિમીમાંસક તેની મજા તો કયાંથી લે, પણ તેનું હડહડતું અપમાન કરી, 'એ તો એ જ લાગનો છે' એમ કહી તેના ઉપર છેડાઈ પડે છે! પોતાની આસપાસની ચમત્કારભરી દુનિયાને જોવાને, તેમાં ફરવાને, તેની મજા લેવાને જ્યારે માખીના નાના બચ્ચાને સ્વાભાવિક મરજી થાય છે ત્યારે તેની મા તેને ડાહ્યાં ડાહ્યાં વાક્યો કહી સમજાવે છે : “જો બાપુ! પણે ઉનામણો ઊકળે છે ત્યાં ન જઈશ, નહિ તો મરી જઈશ.” પણ આ શિખામણ પેલા નવચેતન આગળ કેટલી વાર ટકી શકે? મા ફરવા જાય ત્યારે પાછળથી બચ્ચું નવા પ્રયોગ કરવા નવી દુનિયામાં નીકળી પડે એમાં અનીતિભર્યું કે અસાધારણ કશું જ નથી. બચ્ચાની વૃત્તિ માની આજ્ઞાનો અનાદર કરવાની નથી, પણ માની આજ્ઞા કરતાં તેની સહજ વૃત્તિ તેને વધારે ખેંચે છે. બચ્ચું ઊડતું ઊડતું ઉનામણા પાસે આવે છે ને એ બિચારું પેલી ધગધગતી વરાળમાં પડીને રામશરણને પામે છે. કોઈને નાજુક નવલા બચ્ચાની દયા નથી આવતી; કોઈને એમ નથી થતું કે 'અરેરે ! એ બિચારું આ દુનિયાનો નવો પરિમલ લે છે ત્યાં તો કુદરતના ક્રૂર કાનૂનથી લુપ્ત થઈ ગયું ! પણ નીતિશિક્ષણના ઘમંડમાં માણસ લાગણીશૂન્ય થઈ ગયો છે; તે તો મરનાર બચ્ચાની કબર ઉપર શોકાશ્રુ સારવાને બદલે "માને નહિ માબાપનું, તેના તો આ હાલ” એવી ક્રૂર લીટી તેની કબર ઉપર કાળા હાથે લખે છે. જે બચ્ચાંઓ કે માખીઓ માબાપનું નથી માનતાં તે બધાં શું આ પ્રમાણે મરે છે? અથવા આવી હવામાં ચૂકથી ઊડવા આવતા મરી જતી માખીઓ શું માબાપનું કહ્યું નહિ માનતી હોય માટે મરી જતી હશે? ખરી રીતે તો બચ્ચું વરાળના સખ્ત કાનૂનથી અને પોતાના એ શક્તિથી બચી જવાના અજ્ઞાનથી મરે છે. મા ના પાડે અને બચ્ચું મરી જાય તેમાં માની આજ્ઞાનો ભંગ અને મરણને કશી લેવાદેવા નથી; એ અનુસંધાન અનુચિત છે એ દેખીતું છે. માખીના બચ્ચા જેવાં બાળકોને કે 'વાડામાંથી પાડું એક, છૂટું થઈને નાઠું છેક' - વાળી કવિતાના પાડા જેવાં બાળકોને આપણે ઉદ્ધત બાળકો કહીએ છીએ. ખરી હકીકત તો એમ છે કે આવાં ઉદ્ધત દેખાતાં બાળકો જ કંઈક બળવાન છે, કે જેઓ માબાપની સમજણ વિનાની આજ્ઞાને ઉથલાવી આજે ચાલતી નૈતિક શિક્ષણની પ્રણાલિકામાં કેટલી ભૂલ છે અને એ કેટલી બધી નિરર્થક છે એ બતાવે છે. ડૉ. મોન્ટીસોરી 'The Survey of Modern Education' નામના શિક્ષણને લગતા વિચારો દર્શાવતાં લખે છેઃ 'True, rebellious children occasionally demonstrate the futility of such teachings (moral teachings). In those cases a good instructor chooses appropriate stories showing the baseness of such ingratitude, the dangers of disobedience, the ugliness of bad temper, to accentuate the defects of the pupil. It would be just as edifying to discourse to a blind man on the dangers of blindness, and to a cripple on the difficulties of walking. The same thing happens in material matters; a musicmaster says to a beginner. 'Hold your fingers properly; if you do not, you will never be able to play.' A mother will say to a son condemned to sit bent double all day on school benches, and obliged by the usages of society to study continually : 'Hold yourself gracefully; do not be so awkward in company; you make me fell ashamed of you.' "If the child were one day to exclaim: 'But it is you who prevent me from developing will and character; when I seem naughty, it is because I am trying to save myself; how can I help being awkward when I am sacrificed?' Το many this would be a revelation; to many others merely a 'want of respect.' આ યુગ નજીકના ભવિષ્યમાં બાળકો અને માબાપો માટે ચાલ્યો આવે છે. બાળકમાં ખરાબ સ્વભાવ હોય છે તેમાં બાળક જવાબદાર નથી. એ સ્વભાવનું કારણ આપણે જ છીએ. એ સ્વભાવ આપણે આપણા સ્વભાવથી અથવા બાળક ઉપર નીતિના આચારોના દબાણ દ્વારા અથવા બાળકના લઈ લીધેલા સ્વાતંત્ર્યના ફળરૂપે એને ભેટ કરેલો છે. છતાં એવા સ્વભાવને દૂર કરવા માટે ઉપદેશ ભરેલી વાર્તાઓ વાપરવાનું અને તે વડે સ્વભાવ સુધારવાનું સાહસ થતું જોઈ હસવું આવે છે. સ્વ. પઢીઆરકૃત બાળકોની વાતોમાં 'રોતીસૂરત છોકરી’ ની વાત આ પ્રમાણે છે :-

રોતીસૂરત છોકરી

વહાલી નામે છ વરસની એક છોકરી હતી. તે વાત વાતમાં રોયા કરતી. કોઈ બાળક તેને રમવા તેડી જવા સારુ તેનો હાથ પકડે તોપણ રોઈ પડે. તેનાં સગાંવહાલાં કહે : 'વહાલી ! લે આ ખાવાનું આપું.” તોપણ તે રોઈ પડતી. કોઈ અજાણ્યું માણસ તેની સામે જુએ તોપણ તે રોઈ પડતી. પોતાની મા પાસે ખાવાનું માગતાં માગતાં પણ તે રોતી. કોઈ સગાંવહાલાંને ઘેર કાંઈ કામે જવું પડે તોપણ તે રોતી. લૂગડાં પહેરતી વખત પણ તે રોતી. નહાવું પડે ત્યારે પણ રોતી. માથું ઓળતી વખતે પણ તે રોતી. નિશાળે જતી વખત પણ તે રોતી. કોઈ ઓળખાણ પિછાન- વાળાં માણસો હેત કરીને તેને બોલાવે અને તેની ખબર પૂછે : "વહાલી ! કેમ છે ?” તોપણ તે રોઈ પડતી. આમ હોવાથી ઘણાં માણસો તેને રોતીસૂરત છોકરી કહીને બોલાવતાં હતાં. ફળિયાનાં છોકરાં પણ "વહાલી ગાંડી! વહાલી ગાંડી ! વહાલી કજિયાળી !” એમ કહી તેને ચીડવતાં હતાં, તેથી એ રોતીસૂરત છોકરીને કયાંય પણ સુખ મળતું નહોતું. ઘરમાં પણ તે રોયા કરતી; નિશાળે પણ તેને રોવું પડતું; ફળિયામાં પણ છોકરાં તેને જંપીને બેસવા દેતાં નહિ, અને પાડોશીઓના ઘેર જાય ત્યાં પણ વાતવાતમાં તેને રોવું પડતું હતું. તે છોકરી કોઈને ગમતી નહિ, એટલે કોઈ પણ ઠેકાણેથી તેને માન મળતું નહિ. પણ ઊલટું બધે ઠેકાણેથી તેને અપમાન થતું હતું. કોઈ તેનાં વખાણ કરતું નહિ, પણ સૌ તેને ચીડવતાં હતાં. શેરડી, બોર, જમરૂખ, ચણા વગેરે ખાવાનું કોઈ તેને આપતું નહિ, પણ તેની પાસે જે ખાવાનું હોય તે તે રોયા કરે એટલી વારમાં બીજું કોઈ ખાઈ જતું, અથવા નંખાઈ જતું, ઢોળાઈ જતું કે ખોવાઈ જતું; તેથી તેનો સ્વભાવ ખારો ઝેર જેવો થઈ જતો, તેનું મોઢું ઉદાસ જેવું થઈ જતું, તેના માથાના વાળ ખીંખરવીંખર થઈ જતા, તેનાં લૂગડાં મેલાં થઈ જતાં, તેના ગાલ ઉપર સુકાઈ ગયેલાં આંસુના રેલા દેખાતા. વળી, વારે વારે રોવાથી તેના નાકમાંથી લીંટ ચાલ્યું જતું અને મોઢામાંથી લાળ પડતી હતી; તથા બહુ રડે ત્યારે શ્વાસ ભરાઈ આવે તેથી ગભરાઈ જાય અને ખોં ખોં કરે, તેથી તો કોઈને ગમે નહિ એવી અળખામણી અને ભૂતડી જેવી લાગતી હતી. આ બધી ખરાબી તે બહુ રોયા કરે તેને લીધે જ થતી હતી.

હસમુખી આનંદી

એ જ રોતીસૂરત છોકરીની બીજી મોટી બેન હતી. તેનું નામ આનંદી હતું. તે આઠ વર્ષની ઉમરની હતી અને વહાલી કરતાં જરા શામળી હતી તોપણ તે વહાલી કરતાં વધારે શોભતી કારણ કે તે આનંદી તે ખરેખર આનંદી જ હતી. તે ખાસ કારણ વિના કદી પણ રોતી નહિ. રમતમાં કોઈ વખતે કદી કાંઈ વાગી જાય તોપણ તે રોતી નહિ. કોઈ મૂરખ માણસ કદી તેને ચીડવે તોપણ તે રોતી નહિ. કોઈ બેનપણી રમૂજમાં ટપલો મારી લે, વાળ ઓળવાની તેની કાંસકી છુપાવી દે કે તેની પેન્સિલની અણી ભાંગી નાંખે તોપણ તે રોતી નહિ. વખતે બેચાર દિવસ પોતાની માંથી જુદું પડવું પડે અને ઘરમાં બીજાઓની સાથે રહેવું પડે તોપણ તે રોતી નહિ.

બે બહેનોની સરખામણી

વહાલીને તેની મા નવડાવે ત્યારે તે રોતી હતી, પણ આનંદી તો પોતાની ખુશીથી હંમેશાં શરીરને ચોળી-મસળીને નાતી હતી. વહાલીની મા વહાલીનું માથું ઓળે ત્યારે તે રોતી અને માથું ઓળવા દેતી નહિ, તેથી વહાલીના માથામાં જૂ ભરેલી રહેતી, અને જૂ કરડે એટલે માથું ખંજવાળ્યા કરતી તેથી તે બહુ ખરાબ દેખાતી હતી; પણ આનંદી તો હંમેશાં પોતાને હાથે પોતાનું માથું ઓળતી, તેથી તેના વાળ બહુ સફાઈદાર રહેતા હતા. વહાલીને કોઈ બોલાવે ત્યારે તે રોઈ પડતી ને કાંઈ જવાબ દેતી નહિ, પણ આનંદીને હેત કરીને કોઈ બોલાવે ત્યારે તે રાજી થતી અને પૂછે તેના બહુ સારા જવાબો આપતી હતી. વહાલીને સગાંવહાલામાં કયાંઈ જવું પડે તો તે રોતી, પણ આનંદીને કયાંઈ જવું આવવું પડે તો તે ઊલટી ખુશ થતી હતી. વહાલી નિશાળે જતી વખત પણ રોતી અને પાઠ વાંચતી વખત પણ રોતી, તેથી રોવામાં જ એનો ઘણો વખત જતો, એટલે તેને લેસન આવડતું નહિ; પણ આનંદી તો ખુશીથી નિશાળે જતી અને ધ્યાન આપીને પાઠ વાંચતી, તેથી પોતાના વર્ગમાં તે પહેલે નંબરે આવતી, જ્યારે વહાલી પોતાના વર્ગમાં છેલ્લે નંબરે રહેતી હતી.

આનંદી સ્વભાવ રાખવાના ફાયદા

આનંદીનો આવો આનંદી સ્વભાવ હોવાથી સૌ ઠેકાણેથી તેને આનંદ મળતો. ઘરમાં પણ તે આનંદથી રહી શકતી. નિશાળમાં પણ તેનો નંબર પહેલો હતો, એટલે ત્યાં પણ તે મહેતાજીની માનીતી ને બીજી છોકરીઓની ઉપરી જેવી હતી. પાડોશીઓના ઘરમાં પણ તેનો દાખલો દેવાતો અને પાડોશણો પોતાની છોકરીઓને કહેતી: "બહેનો ! આનંદી જેવી થાઓ.” સગાંવહાલાંમાં જ્યાં જાય ત્યાં પણ બધે ઠેકાણે આનંદીનાં વખાણ થતાં ને તેને માન મળતું હતું. આ બધું શાથી ? આનંદી સ્વભાવ રાખવાથી. માટે આપણે પણ આનંદી સ્વભાવ રાખવો જોઈએ. આનંદીને જ્યારે સૌ ઠેકાણેથી ઉપર પ્રમાણે આનંદ મળતો હતો ત્યારે રોતીસૂરત વહાલીને સૌ લોકો મશ્કરી કરતા અને તેનો તિરસ્કાર કરતા; એટલું જ નહિ પણ વહાલીની મા પણ તેના રોવાથી કંટાળી જતી અને કહેતી : "આ રાંડ મરી જાય તો સારું.” અને એ બધું શા સારુ? વહાલીના રોતીસૂરતપણાને લીધે જ. ઓ મારાં વહાલાં છોકરાંઓ ! બોલો, હવે તમોને શું ગમે છે ? આનંદી જેવા હસમુખા સ્વભાવવાળાં થવું ગમે છે કે વહાલી જેવા રોતીસૂરત થવું ગમે છે? જો રોતીસૂરત થવું ન ગમતું હોય તો ખાસ કારણ વિના કદી પણ રોશો મા, પણ હંમેશાં આનંદમાં રહેવાય તેમ કરજો. ખરું જોતાં રોતીસૂરતને ડૉકટર પાસે કે કોઈ માનસશાસ્ત્રી પાસે મોકલવી જોઈએ. લેખકે એને ભારે અન્યાય કર્યો છે. રોતલ સ્વભાવ શારીરિક કે માનસિક રોગનું પરિણામ છે એવી જેમને ખબર છે તેઓ આવા રોતલ બાળક પ્રત્યે સહાનુભૂતિ રાખે છે; આવી રીતે તેની બદબોઈ કરતા નથી. જો રોતીસૂરતને સુધારવા માટે આવી વાર્તાનો પ્રયોગ ઉપયુક્ત છે તો પછી આંધળાને અંધાપામાંથી અને લંગડાને અપંગપણામાંથી મુક્ત કરવા તેમની એ ખામીને નિંદે તેવી વાર્તાઓ તેમને શા માટે ન કહેવી? બીભત્સરસ ભરેલી વાર્તાઓ ન જ કહેવાવી જોઈએ. એવી વાર્તાઓ શિક્ષક કે માબાપ કહે જ નહિ; પણ એવી વાર્તાઓ શેરીઓમાં કે મહોલ્લાઓમાં ખરાબ છોકરાઓ ચલાવે છે. નવીનતાને લીધે કે વિષયમાં સમજણ નહિ પડતી હોય તેને લીધે બાળકો એવી ગંદી વાર્તાઓ સાંભળવા પ્રેરાય છે ને તેથી આત્માની સ્વચ્છતા ઉપર ડાઘા પડી જાય છે. એ ડાઘા ભૂસવાનું કામ આખી જિંદગી સુધી કરીએ તોપણ પછી એક પણ ડાઘો ખસતો નથી. જેમાં અશ્લીલતા હોય તેવી વાર્તાઓને આપણે કદી પસંદ ન જ કરીએ એ દેખીતું છે. પણ ગ્રામ્યતા ભરેલી વાર્તાઓની પસંદગી કરવી કે નહિ તે પ્રશ્ન વિચારવા જેવો છે. આ સંબંધે અન્યત્ર લખવામાં આવ્યું છે. ગ્રામ્યતા ભરેલી વાર્તાઓને હાંકી કાઢવાની હું હિમાયત ન જ કરું. પણ એટલું જ ધ્યાનમાં રાખવા આગ્રહ કરવાની જરૂર છે કે જે ગ્રામ્ય વાર્તાઓ બીજી રીતે નિર્દોષ હોય તે કહી સંભળાવવામાં હરકત નથી. ગ્રામ્ય વાર્તાઓ દ્વારા આપણે ઉચ્ચ વિનોદની વાર્તાઓ દાખલ કરવાના પ્રયત્નના વિચારથી જ ગ્રામ્ય વાર્તાઓ કહી સંભળાવીએ. ટૂંકમાં, અનીતિ ભરેલી, બીભત્સરસવાળી અને અશ્લીલ વાર્તાઓનો ત્યાગ જ કરીએ, નીતિ ભરેલી અને ગ્રામ્ય વાર્તાઓ કહીએ; પણ નીતિ ભરેલી વાર્તાઓ વાર્તા ખાતર જ કહીએ. એમાં વાર્તા જેવું હોય તો જ કહીએ; એમાં કળા હોય તો જ કહીએ; એમાં સ્વાભાવિકતા હોય તો જ કહીએ. અને ગ્રામ્ય વાર્તાઓ પણ ગ્રામ્યતાના રોગમાંથી લોકોને મુક્ત કરવા, તેમજ એ વાર્તાઓમાંથી લોકોને વિનોદ ઉપર લઈ જવા માટે જ કહીએ. અત્યારે આપણાં બાળકોને ભૂતપ્રેતની, ડાકણીશાકણીની કે એવી વાર્તાઓ ન કહેવી જોઈએ. વાર્તાકથનનો ઉદ્દેશ બાળકોને આનંદ આપવાનો છે. ભૂતપ્રેતાદિની વાર્તા એવી છે કે જેના શ્રવણથી બાળકોમાં ભયનો સંચાર થાય છે, અને તેથી વાર્તાકથનનો મુખ્ય ઉદ્દેશ માર્યો જાય છે. આટલું જ નુકસાન નથી; બાળકો આવી વાતો સાંભળીને કલ્પિત ભયનાં ભોગ થઈ પડે છે, એ નુકસાન વધારે ગંભીર અને ભયંકર છે. એમ મનાય છે કે બાળકમાં કુદરતી રીતે જ બીકનું તત્ત્વ રહેલું છે. બાળક મનુષ્ય- સમાજનો પ્રાથમિક પુરુષ છે. જ્યારે સમાજ બાલ્યાવસ્થામાં હતો ત્યારે સમાજની પ્રત્યેક વ્યક્તિને નિરંતર પોતાની આજુબાજુના અનેક ભયોની સામે થવું પડતું. એ વખતનો માણસ જંગલી પ્રાણીઓ સાથે સદૈવ લડતો અને તેમની સામે વિજય મેળવતા છતાં તેમના ભયમાંથી મુક્ત રહેતો નહિ. વળી, એ અજ્ઞાનના જમાનામાં કેટલીયે કુદરતની ચમત્કૃતિઓ કે જેઓનું રહસ્ય આજે આપણે સમજી શકીએ છીએ, તે ચમત્કૃતિઓ પ્રથમ અવસ્થાના મનુષ્યને બુદ્ધિથી અગમ્ય હતી; આથી તેનાથી પણ તેને ભય લાગતો. આજે આપણે મેઘગર્જનાથી અથવા ધરતીકંપથી ભય નથી લાગતો; પણ તે વખતના માણસને તો તેની પાછળ કોઈ દેવનો કે શક્તિનો ભયંકર કોપ છે, અથવા કંઈ એવું છે કે જેનાથી તે બી મરતો હતો. બાળકના અવલોકન કરનારાઓનું કહેવું એવું છે કે બાળકના હૃદયમાં જે ભય છે તે ભય સમાજના પ્રાથમિક પુરુષનો ભય છે. એને સમાજના વારસારૂપે મળેલો છે. જેમ જેમ માણસ સુધારાવાળી અવસ્થામાં આવતો ગયો છે, જેમ જેમ તેનું જ્ઞાન વધારે ને વધારે થતું ગયું છે, જેમ જેમ તેણે અગમ્ય વિષયોનાં રહસ્યોને ભેદી નાખ્યાં છે ને જેમ જેમ તેણે ભયંકરમાં ભયંકર કુદરતનાં બળોને પોતાને તાબે વરતાવ્યાં છે, તેમ તેમ તેનો ભય ઓછો થયો છે. વિજ્ઞાનના બળે તો માણસને અનેક વહેમો અને તેમાંથી ઊપજતા ભયોમાંથી અનેક રીતે બચાવેલ છે. આજે માણસની વૃત્તિ દિનપ્રતિદિન ભયમાંથી મુક્ત થવાની છે; જો કે માણસ ભયમાંથી હજી મુક્ત થઈ શકયો નથી. બાળકને પણ આવા ભયોમાંથી આપણે બચાવાની જરૂર છે. આથી આપણે તેને બીક લાગે એવી વાર્તા ન જ કહીએ. જેઓ વાર્તા કહે છે તેમનો અનુભવ છે કે જ્યારે આવી ભય ભરેલી વાતો કહેવાય છે, ત્યારે નાનું બીતું બાળક માના ખોળામાં લપાઈ જાય છે, અથવા આંખો હાથથી ઢાંકી દે છે અથવા વાર્તા નથી સાંભળવી એમ કહી ઊંઘી જવા લાગે છે. ભય ભરેલી વાર્તા કહેવાથી બાળકની અંદર રહેલ ભયને મારવાને બદલે તેને પોષણ આપવામાં આવે છે. એવી વાર્તાથી બાળકની તંદુરસ્તી અને મગજ બગડે છે. બીજા ભયથી જે નુકશાન સ્વાભાવિક છે તે નુકશાન બાળકને વાર્તાના કથનથી થતા ભયથી છે. ભયની અસર વિષે ડૉ. ગોડાર્ડ લખે છે :- "Respiration is affected and we breathe rapidly or else the breathe comes slowly. These and other effecs are among the most noticeable results. But besides these there are others. A state of fear may destory the appetite and interfere with indigestion. S Sweat glands may become active and we have the cold perspiration. Organs of excretion are uncontrolled and we may have involuntary urination or defecation. The lachrmal glands may be affected and tears flow." નાનપણમાં ભય ભરેલી વાતો સાંભળવાથી બાળક છેક બીકણ થઈ જાય છે. બીકણ થઈ ગયા પછી તેની કલ્પનામાં જ્યાં ને ત્યાં ભય લાગ્યા કરે છે. બુદ્ધિબળ અને વૈજ્ઞાનિક જ્ઞાનના અભાવના એ દિવસોમાં બાળક એકાદ બળી ગયેલ ઝાડના ઠૂંઠાને ભૂત માની ડરી જાય છે. ગાય, ગધેડો કે લૂગડાંનો ઢગલો, ગમે તે હોય પણ જો તે શું છે તેનો નિર્ણય એકાએક બાળક ન કરી શકે તો તુરત જ તેને ભૂતપ્રેત કે ભયની વસ્તુ માની બેસે છે. ભૂતપ્રેતની વાતો બાળકના બુદ્ધિપ્રદેશમાં કલ્પના જ હોવાથી બાળક ગમે ત્યાં ભૂતપ્રેતને કલ્પી શકે છે. આવે વખતે ગૉડાર્ડ કહે છે તેમ બાળકો ઝાડો-પેશાબ કરી બેસે છે, કે તેનું કાળજું ધબકવા લાગે છે, કે તેનું મોં સુકાઈ જાય છે અથવા આખે શરીરે પરસેવો પરસેવો થઈ જાય છે, શ્વાસ રૂંધાઈ જાય છે, ને ગળામાંથી વાણી નીકળતી નથી. મેં નાનપણમાં ઘણી વાતો સાંભળેલીઃ ભૂતપ્રેત ને રાક્ષસની, સારી અને નરસી. એની સારીમાઠી અસર નાનપણમાં ખૂબ થઈ હતી, અને આજે પણ એની અસરમાંથી હું છેક મુક્ત નથી. નાનો હતો ત્યારે વિના કારણ બીતો હતો. એકવાર તો ભારે ગમ્મત થઈ ! અત્યારે હું એને ગમ્મત કહું છું, પણ તે દિવસે તો મારી ભારે રોજડી થઈ હતી. મારા બાપા પાસે હું સૂતો તો. રાતના મને પેશાબ કરવાની હાજત થઈ. છેક મળસકું થવા આવ્યું હતું. હું ખાટલામાંથી ઉઠ્યો, પણ જ્યાં ખાટલામાંથી નીચે પગ દઉ ત્યાં ઓશરીના પગથિયા ઉપર મેં કંઈક મોટું મોટું, કાળું કાળું ભાળ્યું. એ શું હશે તેનો વિચાર હું કાંઈ કરી શક્યો જ નહિ. અને જ્યાં વિચારશક્તિ મંદ પડી ત્યાં ભૂતની વાતોએ મગજનું પડ ઉખેડ્યું. એ જે કાંઈ દેખાતું હતું તેમાં મને ભૂતનો ભાસ થયેલો. એકવાર ભૂતની બીક લાગવા માંડી પછી ભૂતના સાચા વર્ણન ઉપર નજર રાખી ભૂતથી બીવાનું નથી હોતું; પછી તો જ્યાં બુદ્ધિ થાકે ત્યાં ભૂત, ભૂત ને ભૂત જ દેખાય. હું તો બી ગયો; પાછો પથારીમાં સૂઈ ગયો ને ગોદડું એવું તો જાપતાથી આખા શરીર ઉપર ઓઢ્યું કે ભૂત તો શું, પણ શ્વાસ લેવાનો પવન પણ અંદર આવી શકે નહિ ! પેશાબ કરવાનું તો કયાંઈ પડ્યું રહ્યું ને હું તો ધબકતે કાળજે રામ રામ કરવા મંડી પડ્યો. સવાર પડ્યું. ઊઠીને જોઉં ત્યાં તો મારા બાપાના બે જોડા પડેલા ! એ જોડાથી જ રાત્રે હું બીધો હતો એની મને ખાતરી થઈ, અને એ ખાતરી થતાં મને ખૂબ હસવું આવ્યું. આમ છતાં હું બીકણ મટ્યો નહિ. જેમ જેમ આપણે મોટા થતા જઈએ તેમ તેમ આપણામાં બુદ્ધિબળ ને સાહસ કરવાનો જુસ્સો વધતાં જાય છે ને તેથી આપણામાંથી ખોટી બીક જવા લાગે છે. છતાં એ બીક કાઢવા માટે આપણે આપણી બીકણ જાત સાથે લડવું પડે છે. હવે અમે બીતા નથી એવું અમારા મનને ચોક્કસ પાયે ઠસાવવા માટે અમે બધા સ્મશાનમાં, જ્યાં ભૂત થતાં હતાં તેવા પીપળા અને આંબલી નીચે જવા લાગ્યા, અને ખોંખારા મારી સ્મશાનની રાખ ઉપર ચાલીને બીતા નથી એવું સાબિત કરવા લાગ્યા. પણ તેથી નાનપણમાં મગજ ઉપર ચડી બેઠેલી બીક છેક ગઈ નહિ. જુવાનીમાં માણસ ઓછામાં ઓછો બીકણ રહે છે; આનું કારણ બુદ્ધિવિકાસ અને સાહસિક વૃત્તિ છે. પણ જ્યારે પાછું વૃદ્ધત્વ આવે છે, જ્યારે બુદ્ધિશક્તિ ક્ષીણ થવા લાગે છે ને જ્યારે સાહસિક વૃત્તિને બદલે ભીરુતા અને વૈશ્યવૃત્તિ ઉદ્ભવે છે ત્યારે મનુષ્ય પુનઃ ભયનો ભોગ થઈ પડે છે. ત્યારે નાનપણમાં ભયથી જે માનસિક નિર્બળતાએ બાળકમાં ઘર કર્યું હતું તે ફરી વાર દેખાવ દે છે, ને જાણે બાળક હોય તેમ વૃદ્ધ બીવા લાગે છે. આ હકીકતોનો અનુભવ વૃદ્ધોના પરિચયથી ને તેમની માનસિક સ્થિતિથી જાણી શકાય છે. કેટલાએક વૃદ્ધો આ બાબતના અપવાદો હોય છે એ વાત મારા કથનની સાબિતીરૂપે છે. એક તો બાળકમાં ભયની વૃત્તિ સ્વાભાવિક રીતે છે એમ માનસશાસ્ત્રનું માનવું છે. ભૂતપ્રેતથી અને એવી બીજી ભય ઉત્પન્ન કરે તેવી વાતો કહીને, તેમ જ એવી વસ્તુથી અને શિક્ષાર્થી બાળકને ડરાવીને માબાપો બાળકમાં ભીરુતાને પોષે છે. તેની વૃદ્ધિ કરે છે ને દઢ કરે છે. આ ક્રિયાઓમાં શાળાઓ મદદગાર ન થાય. પરંતુ તેથી ઊલટું એ ક્રિયાઓનો વિરોધ કરે તે ખાસ ઇચ્છવા જેવું છે. માટે જ શાળામાં તો ભૂપ્રેતાદિની વાર્તાઓ કદી ન જ કહેવાવી જોઈએ, ને સમજુ માબાપોએ પોતાના બાળકોને આવી વાર્તાઓ સાંભળવામાંથી બચાવવાં જોઈએ. ડરવાની વૃત્તિનો આપણાં બાળકોમાંથી સર્વથા નાશ થવો જોઈએ. એમાં ય જે વસ્તુથી ડરવા જેવું કશું નથી, તે વસ્તુથી તો બાળકો કદી ન ડરે તેવો પ્રબંધ કરવો જોઈએ. સિંહથી ડરવું પડે છે એમાં અર્થ છે, પણ અંધારાથી ડર લાગે તેમાં અજ્ઞાન છે. સિંહનો ડર ન લાગે તેવી શક્તિ અથવા વૃત્તિ આપણે આપણાં બાળકોમાં કેળવવી જોઈએ, તેમ જ અંધારાથી બાળક ડરતું બંધ થઈ જાય તે માટે આપણે બાળકના હાથમાં જ્ઞાનપ્રદીપ આપવો જોઈએ. માણસની બીકણ વૃત્તિ ઉપર મૂર્ખ શિક્ષક શાળાની વ્યવસ્થા રાખે છે. અણસમજુ માબાપો ગૃહનું તંત્ર ચાલવે છે અને જુલમી રાજ્ય રાજતંત્ર ચલાવે છે. બાળક નિર્ભય થતાં જ શાળાની વ્યવસ્થા, માબાપોનું ગૃહતંત્ર અને રાજાનું રાજતંત્ર સ્વાભાવિક થશે અને શિક્ષક, ગૃહ તથા રાજા સામે થોડાંએક જ બંડો થશે. આપણે તો વાર્તાકથનથી બાળકનાં જે ભય દાખલ કરીએ છીએ તે ન કરીએ એટલે ઘણું કર્યું કહેવાશે. જેમ ભૂતપ્રેતાદિની વાતોને આપણે વિરોધ કરવાનો છે તેમ જ કામણટૂમણની કે એવી જંત્રમંત્રોની વાતોનો પણ આપણે પ્રતિકાર કરવો જોઈએ. આવી વાતો બાળકમાં ભય તો પ્રેરે જ છે, પણ ઉપરાંત તેને વહેમીલું બનાવે છે. કામણટૂમણની દુષ્ટતા આપણે હવે બાળકોને વાર્તા દ્વારા પણ ન જ કહીએ. જંત્રમંત્રોની મમલન અને અડધી કપોલકલ્પિત વાર્તાઓને પણ આપણે છોડી જ દઈએ. ભૂતપ્રેતાદિની અને જંત્રમંત્રોની વગેરેની વાર્તાઓ સંબંધે અત્રે લખતાં તે વસ્તુઓ સારી છે કે ખોટી છે તેનો વિચાર કરવામાં નથી આવ્યો. તે વાતો સાચી હોય કે ખોટી હોય પણ એ કોઈ રીતે ઉપકારક નથી પણ અનિષ્ટકારક છે, માટે તેને છોડી તો દેવી જ જોઈએ. જેમ અત્યારે વિજ્ઞાનના ફેલાવાથી આપણે કેટલીએક જૂઠી માન્યતાઓથી મુક્ત થયા છીએ, અથવા તો ભયમાંથી બચી ગયા છીએ, તેમ જ ભૂતપ્રેતાદિ સંબંધે વિજ્ઞાન જ્યારે એવો પ્રકાશ પાડશે કે તેમનાથી બીવા જેવું કશું નથી, પણ ઊલટું તેમનો આપણે લાભ ઉઠાવી શકીએ, ત્યારે બેશક તેમની વાતો કહી શકીશું. પણ તે વખતે એ વાતોમાં પ્રધાન રસ ભય નહિ પણ બીજો હશે. બીકની વાર્તાઓને પણ કેવી રીતે કેળવણીમાં વાપરવી તે સંબંધે અન્યત્ર વિસ્તારથી લખવામાં આવ્યું છે. જે બાળકને માબાપે પહેલેથી બીતું કર્યું છે તેને બીકની વાર્તાઓ વધારે ભયભીત કરે છે. એવા બાળક માટે બીકની વાર્તા ત્યાજ્ય છે. પણ જે બાળક બીવામાં સમજતું નથી, તે બાળકને આપણે બીકભરી વાર્તા કહી શકીએ એટલું જ નહિ પણ તેનો વિવેક પણ તેની પાસે કરાવી શકીએ. બીજી કેટલીએક વાતોનો પણ આપણે ત્યાગ કરવો જોઈએ. વાર્તાઓ કલ્પિત ભલે હોય; પણ કલ્પનામાં પણ વિવેક, મર્યાદા, નીતિમયતા, સારાસારપણું તો જોઈએ જ. દુષ્ટ માણસોનો વિજય થાય અને ભલા માણસોને દુઃખ વેઠવું પડે, આળસુને વિના શ્રમે વૈભવ મળે ને ઉદ્યમી જીવનભર દરિદ્ર રહે, પ્રામાણિક માણસ મૃત્યુ સુધી હેરાન હેરાન થઈ જાય અને અપ્રામાણિક માણસને કોઈ પણ જાતની શિક્ષા ન થાય, એવી વિચારસરણી જેમાં હોય તેવી વાતો આપણે બાળકોના સાહિત્યમાંથી કાઢી નાખવી જોઈએ. 'સત્યનો જય' એ સિદ્ધાંત આપણી વાર્તાઓમાં રહેવો જોઈએ. 'ધર્મે જય અને પાપે ક્ષય' એ વિચાર વાર્તાઓમાંથી પ્રગટ થવો જોઈએ; 'સાચ તરે છે અને જૂઠ ડૂબે છે.' એ ઉક્તિ આપણી વાર્તાઓના લોહીમાં ફરવી જોઈએ. મોટે ભાગે આપણી વાર્તાઓ એવી જ છે; આખરે રાવણ અને દુર્યોધનનો નાશ જ થાય છે. છતાં કેટલીએક વાતો પાપી માણસને એવી દેખીતી રીતે બતાવે છે અને તેની આપણી પાસે ઘૃણા કરાવે છે કે પાપી માણસને પાપી બતાવ્યા વિના જ તેનું પતન આપણે સમજી જઈએ છીએ, ને વાર્તાના અંતર્ગત રહસ્યને પામી જઈએ છીએ. બુદ્ધિવાળા માણસો અને મૂર્ખાઓની વાતોમાં કંઈક આવું છે. એમાં મૂર્ખાઓની માત્ર ગમ્મત છે, અજ્ઞાનીઓના અજ્ઞાનનું માત્ર પ્રદર્શન છે; બુદ્ધિવાળા માણસોના વિજય ઉપર ભાર નથી. ટૂંકમાં જે વાર્તા દુષ્ટતા માણસની હલકી વૃત્તિના વિજય ઉપર ભાર મૂકે તે વાર્તા ન જોઈએ. આ લખવાનો અર્થ એવો નથી કે દરેક વાર્તા નીતિની જોઈએ. તત્ત્વાર્થ એટલો જ છે કે વાર્તામાં અનીતિનો ખુલ્લી રીતે કે ઉઘાડી રીતે ઉત્કર્ષ ન થવો જોઈએ. નીતિ ભરેલી વાતો સિવાયની નિદોર્ષ વાતોનો યાંઈ પણ તોટો હોતો નથી એવો આપણો અનુભવ છે. વાર્તાની રચના એવી જોઈએ કે જેમાં આપણો સદ્વસ્તુનો પક્ષપાત અને અસદ્ વસ્તુનો ખુલ્લો કે ઉઘાડો વિરોધ હોય. આ નિયમો છેક બાલ્યકાળની અર્થ વિનાની વાતો (Nursery Tales અથવા Nonsense Tales) છે તેને લાગુ જ પડે એ દેખીતું છે. ન અત્યાર સુધી વાર્તાઓ કેવી હોવી જોઈએ તેનો વિચાર કર્યો. હવે આપણે વાર્તાની ભાષા સંબંધે વિચાર કરીએ. બેશક, વાર્તાનો પ્રથમ ઉદ્દેશ આનંદ આપવાનો છે. પણ એ આનંદ નિર્દોષ રહે ને ક્ષુદ્ર ન બને તેથી આપણે અનીતિમય વાતો, બીભત્સ વાતો, ગ્રામ્ય વાતો વગેરે વિષે વિચાર કરવો પડયો છે. એવી જ રીતે વાર્તાનો ઉદ્દેશ વધારે સફળ થાય તે માટે તેમ જ ભાષાના વિકાસને પોષણ મળે એટલા માટે વાર્તાની ભાષાનો પણ આપણે વિચાર કરવો પડે છે. વાર્તાનાકથનથી ભાષાજ્ઞાનની વૃદ્ધિ થાય છે, પણ ભાષા અને ઘરગથ્થુ બોલી વચ્ચે તફાવત છે. ગમે તેવી ભાષામાં વાર્તા કહીએ તો વાર્તાની અસર ઓછી થાય છે ને વાર્તાનો ઉદ્દેશ માર્યો જાય છે. સુંદર, સુઘટિત, સુવ્યવસ્થિત અને શુદ્ધ ભાષામાં જ વાર્તા કહેવાવી જોઈએ. ગામડાના અશિક્ષિત લોકો વાર્તાના ભંડાર છે; વાર્તા કહેવાની કળા કુદરતી રીતે તેમને વરેલી છે. પણ તેમની ભાષા એકદમ અશુદ્ધ અને ખડબચડી હોવાથી બાળકોને તેમાં રસ પડતો હોય છે છતાં તેઓને તેનો પરિપૂર્ણ લાભ મળતો નથી. એ જ વાર્તા, વાર્તા કહેવાની કુદરતી કુશળતા ધરાવનાર કોઈ શિક્ષકના હાથમાં આવે તો તેના ઠાઠમાં ભારે ફેર પડી જાય છે. આવા કુશળ કારીગરના હાથમાં આત્માનો અસલ પ્રાણ વધારે તેજસ્વી અને ચળકતો બને છે. આવો કારીગર ખાણમાંથી નીકળેલા કાચા સોનાને શુદ્ધ કરી ઓપ આપે છે. જેઓને ભાષાનું બરોબર જ્ઞાન નથી તેવાઓના હાથમાં વાર્તાના શરીરને અને તેથી આત્માને હાનિ પહોંચે છે. વાર્તાની ભાષામાં સાહિત્યની દૃષ્ટિએ અપેક્ષા છે જ; પણ એ અપેક્ષા એટલી બધી વધી ન જવી જોઈએ કે ગામડાની સ્ત્રી બદલાઈને કેવળ શહેરની રમણી બની જાય. ગામડાની સ્ત્રીનું નૈસર્ગિક સૌન્દર્ય અને તેની નિર્વ્યાજતા રહે અને છતાં તે શહેરના સુસંસ્કારોને ઝીલી શકે તો જ ગામડાની સ્ત્રીને શહેરના સંસ્કારોનો લાભ છે. એમ જ વાર્તાને ભાષાના સંસ્કાર લગાડવામાં તેના પ્રાણને ક્ષતિ પહોંચવી ન જોઈએ. એકાદ જોડકણું પણ કવિતા છે ને એકાદ રસિક કાવ્ય પણ કવિતા છે; પણ બંનેમાં તફાવત છે. તેમાં કવિત્વ હોય તે કાવ્ય છે. વાર્તામાં પણ એવું છે. જેમાં વાર્તાપણું હોય તે વાર્તા છે. આમ છે છતાં કાવ્યને પિંગળના નિયમો છે, ભાષાની સુમર્યાદા છે; તેમ જ વાર્તાને ભાષાની સુમર્યાદા છે. આપણે સુંદરમાં સુંદર ભાષામાં બોલીને ખરાબમાં ખરાબ વાર્તા કહીએ તેના કરતાં અશુદ્ધ અને ઓછી વ્યવસ્થિત ભાષામાં પણ સુંદરમાં સુંદર વસ્તુ ભરેલી વાર્તા કહીએ એ સારું છે, વાર્તાની કલા, વાર્તાનું વસ્તુ અને વાર્તાની ભાષા, આ ક્રમ આપણે લેવાનો છે. પણ પ્રથમ બે વસ્તુને ભોગે ત્રીજીની સમૃદ્ધિનો કશો અર્થ નથી એમ આપણે દઢપણે માનવાનું છે. છેવટે એટલું જ જણાવવાનું કે વાર્તાનું શ્રવણ એક જાતનો માનસિક ખોરાક છે. જે કાળજી શરીરના ખોરાક માટે આપણે રાખીએ, તે કાળજી મનના ખોરાક માટે આપણે રાખવી જોઈએ. બધી જાતનો ખોરાક હિતાવહ નથી, તેમ બધી જાતની વાર્તાઓ પણ હિતાવહ નથી. માટે જ આપણે વાર્તાની પસંદગીના નિયમો મૂકવા પડે છે. આપણે પ્રત્યેક વાર્તાને પસંદ કરતી વખતે આપણી જાતને નીચેના ત્રણ પ્રશ્નો પૂછીએ :- (૧) આ વાર્તા બાળકને આનંદ આપશે? (૨) આ વાર્તા ભાષાની દષ્ટિએ યોગ્ય છે? (૩) આ વાર્તા હિતાવહ છે? એટલે કે પ્રસ્તુત વાર્તાના શ્રવણથી બાળકના જીવનને નિર્દોષ અને તંદુરસ્ત માર્ગ મળશે? એક અમેરિકન બાનુના શબ્દોમાં આ ત્રીજો સવાલ આવી રીતે મૂકાયેલો છે : "Will what it adds to his life be for his good? Is its underlying ideas true, does it present sound standards, if its spirit fine, its atmosphere healthy ?" આ ત્રણ જાતની પરીક્ષામાં જે પસાર થાય તે જ વાર્તા સ્વીકારવાની ઢબ રાખવામાં આવે તો વાર્તાની પસંદગીમાં થોડી જ ભૂલ ખાવાનું રહે.


  1. (Fairy Tales, welling up from the simple, natu- ral, untrained hearts of the common people, have been called the wild-garden of literature and they could not be more beautifully described. They are the wild rose in the hedgerose, the lily of the valley, the wind flower, the meadow sweet in contrast to the cultivated rose of gorgeous poppy that grows in the ordered gardens, beside the classic fountains of Literature's Stately palaces.)