વાર્તાનું શાસ્ત્ર/વાર્તાનું કથન અને નીતિશિક્ષણ: Difference between revisions
(+૧) |
No edit summary |
||
Line 23: | Line 23: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = વાર્તા અને | |previous = વાર્તા અને નાટ્યપ્રયોગો | ||
|next = | |next = લોકવાર્તાનું કથન અને કલ્પનાશક્તિ | ||
}} | }} |
Latest revision as of 14:47, 2 November 2024
વાર્તાનું કથન અને નીતિશિક્ષણ
વાર્તા દ્વારા બીજા વિષયોનું શિક્ષણ આપવાની હિમાયત ઘણા થોડા જ કરે છે અને થોડાએ જ કરી છે. પણ વાર્તા દ્વારા નીતિનો વિષય શીખવવાની હિમાયત તો લગભગ બધા માણસોએ કરી છે એમ કહીએ તો ખોટું નથી કે નીતિ શીખવવાનું અને તે પણ ઉપદેશ કરીને, એ લોકોને વળગેલું એક પ્રકારનું ભૂત છે અથવા લોકોના મનની એક જાતની ગાંડાઈ છે. કથાવાર્તાનો ઉદ્દેશ લોકોને નીતિમાન બનાવવાનો છે. ઈસપનીતિ અને પંચતંત્રનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ડાહ્યાડમરા એટલે કે નીતિમાન બનાવવાનો છે. ધર્મનીતિની વાર્તાની ચોપડીઓ આ ઉદ્દેશ પાર પાડવા બહાર નીકળી પડેલી છે. 'નીતિશિક્ષણ' નો ઉદ્દેશ આ ઉદ્દેશથી જુદો નથી જ. જ્યારે જ્યારે માણસ વાર્તા કહેવા બેસે છે ત્યારે ત્યારે તેની સામેથી નીતિનું ધોરણ જવલ્લે જ ખસે છે. વાર્તા આનંદને માટે થતી હોય, માંદાને આરામ આપવા માટે થતી હોય, પૂર્વજોનાં સંસ્મરણો કરવા થતી હોય કે કોઈ જાત કે નાત કે વ્યક્તિની ટીકારૂપે કે સ્તુતિરૂપે થતી હોય, પણ વાર્તામાંથી કંઈ ને કંઈ નીતિનો સાર સાંભળનાર પાસે ધરવાની વૃત્તિ વાર્તા કહેનારમાં નથી હોતી એમ નથી. ઘણા માણસો તો એવા છે કે જેઓ સીધી રીતે જે વાર્તાઓ નીતિને બોધતી નથી હોતી તેનો અનાદર કરે છે, ને કેટલાએક એકમાર્ગી નીતિઘેલા માણસો એવા છે કે જેઓ ખરી બિનાની બનેલી વાર્તાઓને જ વાર્તા તરીકે પસંદ કરે છે અને બીજીને જતી કરે છે. આનું કારણ એ આપવામાં આવે છે કે જે વાર્તા જોડી કાઢેલી છે અથવા બનાવટી કે ખોટી છે, તે વાર્તા જ મુદ્દે ખોટી હોવાથી અસત્યનો ઉપદેશ કરનારી છે, અને એવી અસત્ય વાર્તાનો આશ્રય લઈ નીતિનો બોધ આપવાનું કામ અનીતિનો ફેલાવ કરવા સમાન છે. આવી જાતનું માનસ એ પણ નીતિના વિચારોથી બગડી ગયેલી મગજની નિશાની છે એમ થોડાએક વિચાર કરવાથી માલૂમ પડે છે. શિક્ષક જ્યારે સમયપત્રકના પાટિયા સામે જોઈને ગંભીરપણે વાર્તા કહેવા બેસે છે ત્યારે વાર્તાનો સાર એટલે વાર્તાનું નીતિરહસ્ય તેના મૉ ઉપર આવીને બેસે છે. વાર્તા ગમે તેમ કહે, વિદ્યાર્થીઓને તે સાંભળવામાં રસ આવે કે નહિ, પણ અંતે એનો સાર તો ઊભો જ છે ! સાર કહેવાય તે એક ભૂલ, અને પછી નીતિના સિદ્ધાંતોની સાદા સ્વરૂપથી માંડીને કઠીન સ્વરૂપ સુધીની મીમાંસા ચલાવાય એ બીજી ભૂલ. ગૂલ્ડ અને એના જેવા બીજાઓ વાર્તામાં નીતિમીમાંસા ભરવાના પૂરેપૂરા શોખીન છે. જ્યારે દરેક વાર્તાની પાછળ નીતિ ને નીતિ જ આવીને ઊભી રહે છે ત્યારે વાર્તાનું આખું સ્વરૂપ વિકૃત બની જાય છે. વાર્તાનો આત્મા નાસી જાય છે અને ધીમે ધીમે વાર્તા સાંભળનારની મરજી ઓછી થતી જાય છે. વાર્તા ગોળી ઉપર સાકર લગાડેલી કડવી દવા જેવી નથી; એ પોતે જ એક મીઠી દવા છે. વાર્તા પોતે જ પોતાની શક્તિ ધરાવે છે. વાર્તામાં રહેલ ગૂઢ બોધને સમજાવવા માટે વાર્તાનું પ્રયોજન નથી; વાર્તાનું પ્રયોજન વાર્તા કહેવામાં છે. શાળામાં જ્યારે કોઈ અનીતિનો પ્રસંગ બને કે જ્યારે જ્યારે શિક્ષકને ન ગમે એવું બને, ત્યારે ત્યારે શાણો શિક્ષક વાર્તા કહેવા બેસી જાય છે. આ વાર્તાને વળી વધારે કિંમતી ગણવામાં આવે છે; આને પ્રસંગોચિત વાર્તા કહેવામાં આવે છે. નીતિનો બોધ આપવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે વાર્તા કહેવાની તત્પરતાવાળો કુશળ ગૃહપતિ ગૃહની શોભારૂપ છે એમ છાત્રાલયની ફિલસૂફી ઘડવાવાળા કહે છે. જ્યારે લોઢું ગરમ થાય ત્યારે જ તેને ટીપવામાં કંઈ અર્થ છે, એ ન્યાયે જ્યારે માણસ નીતિના ધોરણથી ઊતરે છે, જ્યારે નીતિથી વિમુખ થાય છે, ત્યારે તેને ઉપદેશ આપવાની જરૂર છે એવી માન્યતા આજે આખા સમાજની છે. રોગ થવાનાં કારણો તપાસવાને બદલે રોગ મટાડવાના અત્યાર સુધીના અર્ધ સફળ પ્રયત્નો જેવું આ વાર્તાકથનનું છે. આવી રીતે વાર્તાને નીતિશિક્ષણના હથિયાર તરીકે વાપરનાર માણસો બાળકમાં નીતિશૂન્યતા અથવા નીતિના રોગની હાજરીનું આરોપણ કરે છે. પરિણામોને જોનાર ને પરિણામોની સાથે લડત કરનાર માણસ વિજ્ઞાનના પ્રદેશમાં ઉંધે માર્ગે ચાલનાર છે એ સમજી શકાય છે, પણ નીતિશિક્ષણના કાર્યમાં આપણને આટલું પણ સમજાતું નથી. કોઈ પણ રોગ, કોઈપણ અનીતિમયતા, પરિણામથી ભયંકર નથી પરંતુ તેનાં કારણોથી ભયંકર છે; પરિણામો તો કારણોનાં સહજ ફળો છે. માણસે કારણોને નિર્મૂળ કરવાને બદલે પરિણામની સાથે લડત કરવાનો પ્રયત્ન નાખી દેવા જેવો છે. માણસ અનીતિમાન છે કે નીતિમાન, યા તો માણસ શા માટે નીતિમાન નથી થતો અને અનીતિમાન થાય છે તેનાં કારણોની ખોજમાં તેની દવા રહેલી છે. તેના કારણો તરફ બેદરકાર રહીને તેનાં પરિણામો ઉપર મલમપટ્ટો કરવાથી માણસને સ્વાભાવિક મટાડી અસ્વાભાવિક બનાવવા જેવું છે. રોગ પ્રત્યક્ષ દેખાતો બંધ થાય છે એ વાત સાચી છે; પણ રોગ વધારે ઊંડો ઊતરી તેનાં મૂળ ઘાલે છે. આથી જ આજે સમાજમાં તત્ત્વતઃ વિચારીએ તો છડેચોક અનીતિ આચરનારા માણસો કરતાં ગુપ્તપણે અનીતિ આચરનારા માણસો વધારે છે; અને એ વર્ગની સંખ્યા અત્યંત વધારે છે તેથી જ છડેચોક અનીતિ આચરનારા માણસો જ વધુ મતે હલકા ગણવામાં આવે છે. ખરી વાત એમ છે કે જે નીતિભ્રષ્ટ છે તે નીતિદંભી કરતાં વધારે પતિત નથી. પહેલો તો દીવાદાંડી જેવો છે; રસ્તે જતાં તમામ સુજનતાનાં વહાણોને બચી જવાને એ નિશાન કરી રહ્યો છે જ્યારે બીજો તો પાણીની નીચે, ધોળાં મોજાંની નીચે છુપાયેલો લોઢાનો ખડક છે કે જેની સાથે હરહંમેશ કેટલાંયે જહાજો અથડાઈને ડૂબી મરે છે. આ મલમપટ્ટો કરવાની ક્રિયાથી દાંભિકો પેદા કરવાં કરતાં નીતિશિક્ષણનું કામ હાથ ન ધરવું એ સહીસલામતી ભરેલું છે. આજે માણસોએ એટલો બધો અનીતિમાન બની ગયો છે કે પોતે અનીતિનો ભય સર્વત્ર જુએ છે. તેની વૃત્તિ બધાયમાં અનીતિ આરોપવાની છે. મોટે ભાગે નીતિશિક્ષણમાં ઝંડો ફરકાવનારાઓ પોતાના હૃદયમાં રહેલ અનીતિની સાથે લડત કરવા નીકળેલા હોય છે. એ માણસો પોતાની સાથે લડી શકતા નથી તેથી સમાજ સાથે લડી લેવા પ્રેરાય છે. જે માણસ જે વસ્તુથી બીએ છે તે માણસ તે વસ્તુને દુનિયામાંથી હાંકી કાઢવા દોડે છે, પણ જે માણસ જે વસ્તુથી નિર્ભય છે તે માણસ તે વસ્તુને હાંકી કાઢવામાં રસ લેતો નથી. મહાન સત્ત્વો સિવાયની વ્યક્તિઓ હંમેશાં પોતાના સ્વભાવની સામે લડવામાં ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અને તત્ત્વજ્ઞાનને વાપરે છે; પણ નિશાન મારવાનું સાધન માણસને બનાવે છે તેમાં ભૂલ કરે છે. માબાપ નીતિશિક્ષણની વાતો કરે છે, સંસ્થાના સંસ્થાપકો નીતિશિક્ષણની હિમાયત કરે છે, શિક્ષકો નીતિશિક્ષણ આપવા દોડે છે ને લેખકો નીતિશિક્ષણ આપવા પુસ્તકો લખી નાખે છે; તે બધા મોટે ભાગે પોતાની જાત સામે પોતાની જ ન્યૂનતાઓ સામે અને પોતાની જ અપૂર્ણતાઓ સામે બળવો ઉઠાવવા મહેનત કરે છે. આમાંથી કેવળ ભાડૂતી લોકો અને ઉચ્ચ સત્ત્વોને માફી મળી શકે ખરી. આવી વૃત્તિવાળા નીતિના શિક્ષણને નામે પોતાનામાં રહેલ અનીતિને બીજાના લોહીમાં ભોંકીને દાખલ કરે છે. આથી જ જેમ જેમ નીતિશિક્ષણ વધતું જાય છે તેમ તેમ દંભ વધતો જાય છે. ને દંભ એ નાગાઈ કરતાં વધારે ભયંકર છે. જ્યાં સાપ ઘણા હોય, જ્યાં સાપનો ત્રાસ મગજમાંથી જતો જ ન હોય, ત્યાંની વાચનમાળામાં ને ત્યાંની વાર્તાઓમાં સાપને મારવાની અનેક યુક્તિઓ મળી આવે છે. માંદલા દેશની વાર્તાઓમાં માંદા કેમ મટવું તેની અને તંદુરસ્તીના મહિમાની વાતો બહુ જોવામાં આવે છે. જે દેશને, પ્રજાને કે વ્યક્તિને જે રોગ થયો હોય તે દેશ, તે પ્રજા કે તે વ્યક્તિની વાર્તાઓમાં તેનાં રોગનું અસ્તિત્વ વ્યક્ત થાય જ છે. નીતિશિક્ષણ, એવો પ્રચંડ ઘોષ કરનારી પ્રજાની નસોમાં કોઈ ભયંકરમાં ભયંકર અનીતિનાં તત્ત્વો પેસી ગયેલાં છે, ને એ જ એનું નિદાન છે. ખ્રિસ્તી લોકો માણસને જન્મથી જેમ પતિત ગણે છે તેમ આપણે ગણતા હોઈએ, તો જરૂર નીતિશિક્ષણની વાતો પ્રથમ સંભળાવવાની ધૃષ્ટતા કરવાનો વિચાર કરીએ; એ ધૃષ્ટતા નિષ્ફળ જ જવાની એ વાત બીજી છે. પરંતુ જો બાળક જન્મથી અનીતિમાન નથી એમ આપણે માનીએ તો અભ્યાસક્રમમાં નીતિશિક્ષણને સ્થાન આપવું એ ભાવિ પ્રજાનું અપમાન છે, મનુષ્યના આત્માનું અપમાન છે. નીતિશિક્ષણ આપનારાઓનાં મગજો માનસશાસ્ત્રની દૃષ્ટિએ તપાસીએ તો સમજાય કે તેઓ અનીતિથી બીએ છે તેનાથી યે વધારે તો તેઓ સમાજમાં અવ્યવસ્થાના ભયથી ડરે છે. અમુક નીતિના નિયમોથી માણસ સામાજિક બને છે એ એમની માન્યતા અને અનુભવ છે. માણસને માણસ બનવા દેવાને બદલે તેને સામાજિક બનાવવાની વૃત્તિમાં નીતિશિક્ષણને આગળ કરવું પડે છે. માણસ હંમેશાં પોતાનો દોર ચલાવવા માગે છે, રાજા રાજ ચલાવવા માગે છે, પ્રજા પ્રજાતંત્ર ચલાવવા માગે છે, ગૃહપતિ ગૃહ ચલાવવા માગે છે, શિક્ષક શાળા ચલાવવા માગે છે ને વ્યક્તિ વ્યક્તિત્વ ચલાવવા માગે છે. કોઈ કોઈને સ્વતંત્ર રહેવા દેવા ખરી રીતે ઇચ્છતું નથી. એક પ્રજા બીજી પ્રજાને પોતાના જેવી જ પ્રજા બનાવવાનો ભારે પ્રયત્ન કરે છે. જે માણસો એ ઘરેડમાંથી પ્રજાને મુક્ત કરવા બહાર પડે છે તેમને પોતાનું બલિદાન આપવું પડે છે. તેમને કોઈ નીતિવિશારદો કે શાસ્ત્રીઓ કે શિક્ષકો નથી કહેતું, પરંતુ તેમને સમાજદ્રોહી, જનતાદ્રોહી, અને અનીતિપ્રેરક કહેવામાં આવે છે. એવાઓમાં સોક્રેટીસ, ક્રાઈસ્ટ કે મહાત્મા ગાંધી જેવાનાં નામો આપી શકાય. નીતિશિક્ષણ માણસને આત્માની સ્વતંત્રતામાંથી ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. જે જે વ્યક્તિઓને પોતાના જીવનમાંથી નીતિ વહેવડાવવાની હોતી નથી, જે જે વ્યક્તિઓ સ્વતઃ નીતિમાન નથી, ને જેમનાં મન, વાણી અને કર્મ નીતિનાં જીવતાંજાગતાં દૃષ્ટાંતો નથી, તે માણસો જ નીતિ શિક્ષણના પૂરેપૂરા પક્ષપાતી છે; તેમના હાથમાં જ નીતિશિક્ષણ શોભે છે. તેમને પોતાનામાંથી કંઈ બતાવવાનું નથી હોતું તેથી તેઓ નીતિશિક્ષણ માટે વાર્તા વાપરે છે. માબાપો જ્યારે પોતાના જીવનની સુવાસ આપી શકતાં નથી ત્યારે તેઓ કલ્પિત અથવા ઐતિહાસિક જીવનની કથાઓથી તેનો બદલો વાળવા મથે છે. પ્રસંગે પ્રસંગે નીતિની વાર્તાથી તૈયાર રહેનાર પિતા મોટો વિદ્વાન અને નીતિશાસ્ત્રી આટલા જ કારણથી પ્રાકૃત લોકોમાં મનાય છે. સાચું બોલવામાં જે બળ છે, જે સુંદરતા છે, જે ચમત્કાર છે, તે બળ, તે સુંદરતા, તે ચમત્કાર સત્યનિષ્ટ માણસની કોઈ કલ્પિત વાર્તામાં નથી. હું મારા મામાને ત્યાં અભ્યાસ કરતો હતો. મારા મામા સ્ટેશન માસ્તર હતા. તેઓ જ્યારે સંધ્યાદિ નિત્યકર્મમાં બેઠા હોય ત્યારે મહારાજા ભાવસિંહજીને પણ રાહ જોવી પડતી. તેઓએ કદી પણ સંધ્યા ઉતાવળથી પતાવેલી નહિ. એ નિર્ભયતા, એ દૃઢતાએ મારા પર જે છાપ પાડી તેવી છાપ કોઈ નીતિની વાર્તાએ નથી પાડી. એમના જીવનમાંથી જે સત્ય વહેતું હતું તે મને વધારે ગમતું હતું. તેમની સંધ્યા તેમનો હંમેશનો વ્યાયામ હતો; તેમનું નિર્ભયપણું તેમના આત્માનો પરિમલ હતો. તેમના વ્યાયામે તો મારા પર અસર ન કરી, પણ તેનો પરિમલ તો સહેજે મારામાં પેસી ગયો છે. મારા એક મિત્ર છે. એમને નીતિશિક્ષણનો ભારે શોખ છે. તેઓ નીતિશિક્ષણનો કશો ય અર્થ સમજતા નથી એવું મારું ચોક્કસ માનવું છે. પણ તેઓ એક વાત સમજે છે અને તે શિષ્ટાચાર. તેઓ જ્યારે ને ત્યારે પોતાનાં બાળકોને તેમની કંઈ ભૂલ થાય કે તેમનામાં ઊણપ દેખાય તો તેમને એકાદ ઉપદેશવાકય કે ઉપદેશકથા સંભળાવવા લાગી જાય છે. તેઓ તેમની પાસે એવા જ વાચનની હિમાયત કરે છે ને એવું જ વાચન મૂકે છે કે જેમાં ઉપદેશ ભરેલો હોય. બાળક ઉપર આવી ક્રિયાઓ કરવાથી બાળકને ઘણું નુકસાન થાય છે. તે પોતાનું વ્યક્તિત્વ ખુએ છે, ગુલામી સ્વીકારે છે અને સ્વતંત્ર વિચારને બદલે પરતંત્ર વિચારશ્રેણીને અનુસરે છે. બાળક નીતિવાન બનતું નથી પણ નીતિના વિષયને લગતી વાર્તાની હકીકતોથી લાદેલું-તેને ભારે મરતું એકાદ દીન પ્રાણી બને છે. કોઈ પણ વિષયની હકીકતો જાણવી અને તે વિષયનું રહસ્ય જાણવું, એ બે જુદી બાબતો છે. કેટલાએક વિષયની હકીકતમાત્ર જાણવાથી માણસોનો વ્યવહાર ચાલી શકે; પણ કેટલાએક વિષયનું રહસ્ય જાણ્યા વિના હકીકતો છેક ભારરૂપ ને નિરર્થક થાય. નીતિની હકીકતો સંબંધે આવું જ કંઈક છે. હકીકતોથી માણસ નીતિમાન થઈ શકે જ નહિ. હકીકતોના જ્ઞાનથી માણસમાં નીતિ સંબંધે રુચિ થવાનો અલ્પાંશે સંભવ ગણીએ તોપણ રહસ્યભેદ વિના એ રુચિ પણ અલ્પાયુષી બને છે. શિક્ષક શિક્ષણમાં, માતાપિતા જીવનમાં ને ગુરુ ધાર્મિક વ્યવહારમાં જ્યારથી હકીકત અને રહસ્યમાં તફાવત જોતાં હશે ત્યારથી તે પહેલવહેલું રહસ્ય આપશે ને પછી હકીકત આપશે. રહસ્ય સુવાસ સાથે સરખાવી શકાય. ગુલાબની હકીકતો વિના ને એના જ્ઞાન વિના એની સુવાસનો તો સંભવ છે. એમ જ નીતિની હકીકતોમાં સૂકાં છોડાં ખાધા વિના રહસ્યપાનનો સંભવ છે. ગુલાબમાંથી સુગંધ સહેજે નીકળી માણસની ઘ્રાણેંદ્રિયને સ્પર્શી તેને આહ્લાદ આપે છે. આ આહ્લાદને લીધે જ માણસ ગુલાબનું જ્ઞાન લેવા પ્રેરાય છે. નીતિની સુવાસનો જો બાળકને સ્પર્શ થાય તો પછી બાળક નીતિનો ગુલાબી રંગ અને તેની ગુલાબી પાંખડીઓનો પરિચય કરી જ લેવાનો છે. માણસને આત્માની ઓળખ થઈ જાય તો તેને શરીર શોધતાં વાર ન જ લાગે. મારા એક મિત્ર કહે છે: "નીતિધર્મ તો માણસના પરસેવામાંથી નીકળવો જોઈએ." છતાં મોંમાંથી (ઉપદેશમાંથી) નીકળતા નીતિધર્મમાં એમની શ્રદ્ધા છે એ એક નવીનતા છે. પણ પ્રત્યેક માણસ માને છે કે પોતે નીતિશિક્ષણ યાને ધાર્મિક શિક્ષણ આપવાનો અધિકારી છે. માણસે બીજાનું ભલું કરવાનો અધિકાર વગર રજાએ ધારણ કરવાનો છે, પણ એ માટે સાધનના ઉપયોગ પરત્વે સાવધાનતા રાખવી પડે છે. આપણને અધિકાર છે એ વાત ભૂલથાપ ખવરાનારી છે. બીજાનું ચારિત્ર્ય ઘડવાનું કામ માથે લેવું એ જોખમ ભરેલું તો છે જ; પણ તેથી વધારે તો તે મૂર્ખાઈ ભરેલું છે. છતાં એ કામ એટલું બધું સહેલું મનાય છે એ જ આશ્ચર્ય છે ! માણસને સહેલામાં સહેલું કામ તે લાગે છે કે જે પોતાને કરવાનું નથી હોતું. આથી જ નીતિશિક્ષણના શ્રવણનું અને કથનનું કામ સસ્તું અને સહેલું છે. જે માણસ ઉપદેશ કરી શકે, જે માણસ વાર્તા કહી શકે તે નીતિશિક્ષણ આપી શકે એવો ખ્યાલ લોકોને અસ્વાભાવિક નથી લાગતો. આથી જ દરેક શિક્ષક નીતિશિક્ષણ આપવા યોગ્ય ગણાય છે. જેને વાર્તા કહેતાં તો શું પણ પૂરુંપાધરું બોલતાં પણ ન આવડતું હોય એવા પ્રાથમિક શાળાના શિક્ષકો જ્યારે વાર્તાઓ કહેવા જાય અને નીતિની વાતો કરવા જાય ત્યારે જે હસવું આવે છે તેના કરતાં ખેદ વધારે થાય છે. વાર્તામાં નીતિનું રહસ્ય ન હોય તોપણ ગમે ત્યાંથી નીતિનું રહસ્ય ખોળી કાઢવાનો વળગાડ લાગેલા કેટલાએક માણસો છે; આ માણસોનો મોટો ભાગ શિક્ષકોનો અને માબાપોનો છે. જો આટલા બધા નીતિશિક્ષણના પ્રયત્નોથી થોડીએક નીતિ બાળકોમાં ઊતરી હોત તો આજે ઘણી યે શાળાઓમાંથી નીનિશિક્ષણનો સમય કાઢી નાખવો પડયો હોત, અથવા આપણે નીતિ, નીતિ, એવી વાતોનો આજે પોકાર કરવો ન પડત. વાર્તા દ્વારા કહો કે ઉપદેશ દ્વારા કહો, મુખથી કહો કે લેખથી કહો, માણસને નીતિ આપવાનો એક ભારે શોખ લાગ્યો છે. અને તેનું કારણ બીજું કશું નથી તો એક તો છે જ કે માણસમાં નીતિની વૃત્તિ કયાંથી આવે છે ને કેવી રીતે વિકસે છે તેનું વૈજ્ઞાનિક જ્ઞાન નથી. જ્યાં જ્યાં આપણે શરીરશાસ્ત્રના નિયમો જાણીએ છીએ ત્યાં ત્યાં શરીરશાસ્ત્રને લગતી ભૂલો આપણે નથી કરતા. દાખલા તરીકે આપણે સમજીએ છીએ કે બાળકને ચાલતાં, દોડતાં અને વાતો કરતાં એકાએક આવડી જતું નથી; ઘણા લાંબા વખતના સ્વયંપ્રેરિત પ્રયાસને અંતે બાળક આ ક્રિયા પર કાબૂ મેળવે છે. આપણે તેને માટે ઉતાવળ કરતા નથી. અને કરીએ છીએ તોપણ આપણું ચાલતું નથી એવો આપણો અનુભવ છે. આથી જ જ્યારે આપણે ઓફિસમાં કે બહારગામ જઈએ છીએ ત્યારે નાના બાળકને કહીને જતા નથી કે "હું પાછો આવું ત્યારે તારે મારા જેટલા ઊંચા થઈ જવું અથવા મારા જેટલું વજન મેળી લેવું.” આમ કહેવામાં આપણે આપણી મુર્ખાઈ સમજી શકીએ છીએ. આનું કારણ, આપણે શરીરવિકાસના છેક સાદા નિયમો તો સમજીએ જ છીએ, એ છે. પણ જ્યારે આપણે બાળકને ઉપદેશ આપીને કે વાર્તા કહીને કહીએ છીએ કે જો હવે તું સાચું બોલજે અથવા ચોરી કરીશ નહિ, ત્યારે આપણે બાળકની અને આપણી હાંસી કરીએ છીએ અને માનસવિકાસના ભયંકર અજ્ઞાનનું પ્રદર્શન કરીએ છીએ. શરીરના વિકાસના નિયમો અને ક્રિયાઓ કરતાં યે માનસના વિકાસના નિયમો અને ક્રિયાઓ વધારે ગૂંચવાડા ભરેલાં અને કઠિન છે એ આપણે જાણતા નથી માટે જ આપણે કથનમાત્રથી માનસને કેળવવા દોડીએ છીએ. માનસવિકાસ કરતાં યે આત્માની શક્તિનો વિકાસ સિદ્ધ કરવો વધારે કઠિન છે. માણસ શરીરની શક્તિ વધારી શકે, માણસ બુદ્ધિનો વૈભવ મેળવી શકે, પણ માણસ આત્માની શુદ્ધિ મેળવતા જિંદગી ગાળી નાખે તોપણ સફળતાથી દૂર રહે. જે વિકાસ અત્યંત કઠિન છે, સૂક્ષ્મ છે, તે જ વિકાસ આપણે કેવળ વાર્તાથી સિદ્ધ કરવાની ધૃષ્ટતા કરીને આપણું વૈચિત્ર્ય દેખાડીએ છીએ. સત્યનો પાઠ ભણાવી બાળક પાસેથી સત્યની અપેક્ષા રાખનાર કાં તો મૂર્ખ છે, અથવા તો અજ્ઞાની છે, અથવા તો ઢોંગી છે. આપણે મુર્ખ છીએ તે કરતાં અજ્ઞાની અને ઢોંગી વધારે છીએ. ત્યારે હવે શું કરવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. વાર્તાઓ કહેવામાં કશી હરકત છે જ નહિ. અનેક રહસ્યો ભરેલી વાર્તાઓમાં નીતિના રહસ્યવાળી વાર્તાઓનો સમાવેશ થઈ જાય છે. અને રસોવાળી વાર્તાઓમાં ધર્મરસવાળી વાર્તાઓને સ્થાન છે જ. પણ આપણે ધર્મ કે નીતિનો બોધ કરવા સારુ વાર્તા ન જ કહીએ. વાર્તા તો વાર્તાની ખાતર જ, વાર્તાનો પ્રમુખ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે જ કહીએ. જે વાર્તાનું કથન સંપૂર્ણ સફળ છે તે વાર્તા પોતાનો પ્રાણ સ્વતઃ ફેલાવી શકે છે; તે વાર્તામાંથી તેની સુવાસ એની મેળે જ બહાર પ્રસરે છે. બીજી વાર્તાઓથી ધર્મની વાર્તામાં કાંઈ વિશેષતા નથી એમ સમજીને જ ધર્મનીતિ જેમાં ઉદ્દેશરૂપે હોય તે વાર્તા કહેવાય. સાર કઢાવવો એટલે વાર્તાનું વિપ કઢાવવું. માણસનો સ્વભાવ એવો છે કે એના ઉપર જે લાદવામાં આવે છે તે જ તેને ગમતું નથી; પણ એ જ વસ્તુ જ્યારે માણસ પોતાની ઈચ્છાથી સ્વીકારી શકે છે ત્યારે તેનો ખરો લાભ મળે છે. નીતિશિક્ષણ ભરેલી વાર્તામાં નીતિના વિચારો વાર્તા દ્વારા સ્પષ્ટ દેખાઈ આવે એમાં વાર્તાકથનકારની ખૂબી છે. એ કલાનો વિષય હોઈ કલાધર જ નીતિનું સૌંદર્ય બતાવી શકે છે. વાર્તાના કથનની કળાની પીંછી જો યથાર્થ રીતે નીતિનો પક્ષ લઈ શકે ને અનીતિને તુચ્છકારી કાઢે તો સહેજે નીતિઅનીતિનો ભેદ અને નીતિનો પ્રબોધ બાળક ઉપર છપાય. નીતિયુક્ત વાર્તા જ કહેવાય અને બીજી વાર્તા ન કહેવાય એ માન્યતા એક અસંગત અને અગમ્ય માનસનું પ્રતિબિંબ છે. એકબે વિચારો ખાસ કરી લેવા જેવા છે. ગુણદોપ, સારુંનરસું, એ સાપેક્ષપણે છે. એકના અભાવે બીજાની હયાતી છે, એકના ગુણથી બીજાનો દોષ છે. એકલી નીતિયુક્ત વાર્તા તો કલ્પનામાં જ હોય. નીતિ ઠસાવવા માટેની વાર્તાઓમાં અનીતિનું ખંડન અને નીતિનું મંડન તો હોય જ છે. પાપીને સજા દેવા માટે કલ્પિત નરકને સ્થાન આપનારા ધર્મમાં પુણ્યશાળીને સ્વર્ગ દેવા માટેની કલ્પના પણ કરવી પડી છે. અંધકાર પ્રકાશનો અભાવ છે, એથી વિશેષ કાંઈ નથી, એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. કેટલાએકનું કહેવું છે કે સાચા બનાવોને જ વાર્તામાં ગણવા અને કલ્પિત બનાવોને અસત્ય ઘટના ગણી છોડી દેવા. વાર્તાની દ્રષ્ટિએ કલ્પિત અને સાચા બનાવોમાં તફાવત નથી. વાર્તામાં ગૂંથેલા બનાવો એ વાર્તા પૂરતા કલ્પિત છે, પણ બનાવો તો જગત આખામાં બને તેવા કે મનુષ્યની વાસતવિકતા સંબંધેની કલ્પનામાં આવી શકે તેવા હોય છે. આથી જ નીતિશિક્ષણમાં તો વિજ્ઞાનની વાતો જેવી વાસ્તવિકતા ઉપર જ રચાયેલી વાર્તા ઉપર આધાર રાખવો જોઈએ એ વિચારને થોડું જ માન આપવું ઘટે છે. મનુષ્ય- જીવનની વાસ્તવિકતા ઉપર જ વાર્તાઓ રચીને નીતિશિક્ષણ આપવાના દાવાને પણ આપણે આવી રીતે અવગણી શકીએ. મનુષ્યજીવનની વાસ્તવિકતાની બીજી બાજુ પણ છે. વાસ્તવિકતા એ વાસ્તવિકતા હોવાથી ગુણ અને દોપ બંનેથી ભરપૂર છે. વાસ્તવિકતાના ગુણદોષોનો ખુલાસો હંમેશાં મળી શકતો નથી કારણકે કુદરતની કૃતિઓ અગમ્ય અને અકલિત છે. આથી આપણે ઐતિહાસિક સત્ય બિનાઓ ઉપર નીતિની વાર્તાઓનું મંડાણ માંડવા જઈએ તો ઔરંગઝેબની વાર્તાનો ખુલાસો આપણે આપી ન શકીએ. અસત્ય બિનાઓ પણ માણસમાં સ્વાભાવિક છે એવો જે ભાસ ઈતિહાસથી થાય તેને આપણે રોકી શકીએ નહિ. બધી સારી વાર્તાઓ વાર્તાકથન માટે ચાલે; એમાં નીતિભરી વાર્તાઓ પણ આવી જાય. તે વાર્તાઓ પોતાના આત્માની સુવાસ પોતાની મેળે જ કથનની કળા દ્વારા આપી જાય, એથી વિશેષ કાંઈ કરવાપણું નથી. બેશક, આપણે અનીતિ-ઉપદેશક વાર્તાઓ બાળકોને ન સંભળાવીએ. જેમ સારી વાર્તાની સુવાસ છે તેમ નઠારી વાર્તાઓની કુવાસ પણ છે. પણ અનીતિમય વાર્તાઓ કઈ અને કઈ નહિ, તેનો વિચાર કરી લેવો જોઈએ. નીતિ અને અનીતિનો આધાર સામાજિક આદર્શ અને ધાર્મિક આદર્શ ઉપર છે. એક ધર્મના કે સમાજના માણસને કેટલીએક વાર્તા ભયંકર લાગે તો કોઈ બીજા ધર્મ અને સમાજના માણસને એ વાર્તા સ્વાભાવિક લાગે. ઘણી વાર નીતિને લોકોએ શિષ્ટતાને દરજ્જે પહોંચાડેલી હોય છે, તેથી પોતાને જે અશિષ્ટ લાગે છે તેને અનીતિવાળું કહી દેવાની તે ભૂલ કરે છે. નીતિના સાર્વત્રિક અને સર્વમાન્ય સિદ્ધાંતોનો ભંગ કરતી વાર્તાઓનો આપણે ઉચ્છેદ કરીએ; પણ નીતિને નામે ચાલી શકે તેવી અસંસ્કૃત કે ગ્રામ્ય વાર્તાઓને આપણે છેક છોડી ન દઈએ. ઘણા લોકોએ શિષ્ટતાનો અને નીતિમયતાનો મગજ પર એવો દઢ લેપ કરેલો હોય છે કે તેઓ ગ્રામ્યવાર્તાના દુશ્મન બન્યા હોય છે. એમનો લેપ ઢોંગનું બીજું નામ છે. માણસ પોતાનો ઢોંગ બધી વાર જાણે છે એવું નથી હોતું, અથવા પોતાનો ઢૉગ હંમેશાં ઈરાદાપૂર્વકનો નથી હોતો, તેથી પોતે ઢોંગ અને સાચનો તફાવત પારખી શકતો નથી. એકદમ સ્વચ્છ વાર્તા માગનારને જરા પણ ગ્રામ્યતા ભરેલી વાર્તા જોતાં એક જાતનો આઘાત થાય છે. આ આઘાતની ક્રિયા ખોટી કેળવણી અને રૂઢિ કે આચારની જડતામાંથી ઉત્પન્ન થાય છે. જેમ હિસ્ટિરિયા એ જાણેઅજાણે માણસે પોતે જ પોતાના મગજમાં દાખલ કરેલ અને વિકસાવેલ રોગ છે, તેમ જ નીતિમયતા, નીતિમયતાની ધૂન, ગ્રામ્યતાનો વિરોધ, એ પણ એક જાતની રોગગ્રસ્ત મગજની દશા છે. એ રોગ માણસે જાતે જ પેદા કરેલ છે. માણસને કેળવણી આપવાની શરૂઆત થાય છે તે પહેલાં માણસમાં કેટલાએક સંસ્કારો પેસી જાય છે. એ ઉપરાંત માણસ કેટલુંએક પોતાની સાથે લાવેલો હોય છે. કેટલુંએક વારસારૂપે તેનામાં પેઢી દર પેઢી ઊતરી આવેલું હોય છે, તો કેટલુંએક તેને સમષ્ટિના વિકાસના વારસારૂપે મળેલું હોય છે. બીજા શબ્દોમાં બોલીએ તો માણસ એ સમપ્ટિનું અંગ છે, એટલે તેને સમષ્ટિના વિકાસના પરિણામનું ફળ મળે છે. વળી માણસ સમષ્ટિનું જ અંગ હોવાથી તેને સમપ્ટિના વિકાસની બીજી બાજુનું પણ ફળ મળે છે. વળી વ્યક્તિગત તેમ જ પૂર્વજોના સંસ્કારો વિષે પણ કંઈક માનવું જોઈએ. સંસ્કારોને માણસ પોતાના પૂર્વજન્મના જીવનમાંથી લાવેલો છે એમ પણ માનવાને કારણો છે. એ ઉપરાંત માણસના સ્થૂળ જન્મ પહેલાં ગર્ભાવસ્થાના દિવસોમાં પડેલા સંસ્કારો એ એક બીજો સંસ્કારસમૂહ છે. જન્મ પછીથી માતાના, પિતાના, જ્ઞાતિના, શેરીના, સમાજના ને ટૂંકામાં કહીએ તો જેને સમગ્ર વાતાવરણના સંસ્કારો કહીએ તે એકેએકની જબરી અસર માણસ કેળવણી લેવા આવે છે તે પહેલાં તેના ઉપર થઈ ચૂકે છે. થોડાએક શબ્દોમાં આ અસરોને વર્ણવીએ તો નીચે પ્રમાણે ગણાવી શકાય :-
(૧) પૂર્વજન્મોના સંસ્કારો.
(૨) સમપ્ટિના વિકાસનું ફળ.
(૩) પૂર્વજોનો વારસો.
(૪) જન્મ પહેલાં ગર્ભાવસ્થામાં પડેલી અસર.
(૫) સમાજની અસર.
(૬) વાતાવરણની અસર.
આવી અસરવાળો, આવા સંસ્કારવાળો, આવી પૂર્વજન્માગત વૃત્તિઓવાળો માણસ જ્યારે કેળવણી લેવા બેસે છે ત્યારે કેળવણી તેની આ બધી સ્થિતિની અવગણના કરે છે, અને માણસ જે સ્થિતિએ ઊભો છે ત્યાંથી તેને ઊંચે લઈ જવાને બદલે માણસને પોતાની ઈચ્છાનુસાર ઘડવા માગે છે. આવે વખતે બળવાન માણસ કેળવણીની સામે બંડ કરી પોતાના સ્વભાવને અનુસરે છે. પણ બધાં એવાં બળવાન સત્ત્વો હોતાં નથી. નિર્બળ માણસો પ્રણાલિકાના ગુલામ બની પ્રણાલિકાના બળથી દબાઈ જઈ પોતાના સ્વભાવને સંતાડે છે. સ્વભાવ નાશ તો પામતો જ નથી. સ્વભાવનો નાશ કરવામાં કેળવણી કદી સમર્થ થઈ નથી, ને થઈ શકે પણ નહિ. પરંતુ સ્વભાવને ઉન્નત કરવામાં, ઉચ્ચગામી કરવામાં અને તેની દિશા બદલવામાં કેળવણી ફતેહ મેળવી શકે છે. હવે માણસના વિકાસના ક્રમને જોઈએ તો માલૂમ પડે કે માણસ ધીમે ધીમે જડતામાંથી ચેતનને પામતો ગયો છે. અશ્લીલતામાંથી ગ્રામ્ય- તામાં ગયો છે, ગ્રામ્યતામાંથી શિષ્ટતામાં ગયો છે ને તેમાંથી મનુષ્યત્વમાં ગયેલો છે. કેળવણીનો પ્રબંધ દરેક માણસને એકાએક મનુષ્યત્વ આપવા માગે છે; માણસ જે કક્ષામાં ઊભો હોય છે ત્યાંથી તેને આગળ વધારવાની તેની મતિ નથી. આથી કેળવણીના દબાણથી માણસની સ્વાભાવિકતા ટળી જઈ તેનામાં અસ્વાભાવિકતા આવે છે; માણસની દૃષ્ટિમાં પ્રત્યેક વસ્તુની ઉપયોગિતા અને કિંમતમાં તફાવત પડી જાય છે. અશ્લીલતાની કક્ષાએ ઊભેલા માણસને પણ મનુષ્યત્વનો વેશ પહેરવો પડે છે અને પોતાના સ્વભાવ ઉપર લીંપણ કરવું પડે છે. આજે પ્રત્યેક શિષ્ટ કહેવાતા અને ગણાતા માણસો પાસે સત્ય કહેવરાવીએ તો તેણે કહેવું જ પડે કે આટલી બધી કેળવણી મળ્યા છતાં પોતામાંથી ગ્રામ્યતા તો શું પણ અશ્લીલતાયે નથી ગઈ. તેઓ બરાબર આત્મનિરીક્ષણ કરી શકે તો તેમને માલૂમ પડે કે તેઓ પોતાની ગ્રામ્યતા અને પામરતા ઢાંકીને બેઠા છે, છતાં તે તેમનામાંથી નાશ પામી નથી. જ્યારે દબાણથી નીચ વૃત્તિઓ ઉપર ઉચ્ચ વૃત્તિનો ઝભ્ભો પહેરવો પડે છે ત્યારે નીચ વૃત્તિઓ કોઈ ને કોઈ એકાન્ત સ્થળેથી કોઈ એકાદ કાણામાંથી નીકળી જવાનો પ્રયત્ન કરે છે. શિષ્ટ મનાતા અને કહેવાતા લોકોને એક જ પ્રશ્ન બસ છે કે તેઓ પોતાના ખાનગી જીવનમાં કેટલા ગ્રામ્ય, કેટલા અશિપ્ટ અને કેટલા અશ્લિલ છે ? જેમ જેમ સુધારવાનો દંભ વધે, જેમ જેમ ઉપરના દંભનું પડ જાડું થાય તેમ તેમ ગુપ્ત ગ્રામ્યતાનું બળ પ્રબળ બને છે – ગુપ્ત અશ્લીલતામાં વધારે રસ પડે છે. જે લોકોને દેખીતી ગ્રામ્યતા સ્વાભાવિક છે, તે લોકો વ્યવહારમાં કે જીવનમાં થોડા જ ગ્રામ્ય છે. જે લોકો પોતાના સ્વાભાવિક જીવનમાં અશ્લીલ નહિ તો ઘણા જ અસભ્ય લાગે છે તેઓ પોતાના નીતિના જીવનમાં ઘણા જ શુદ્ધ હોય છે. આફ્રિકાના જંગલી લોકોમાં ઓછામાં ઓછો વિકાર છે, પણ આપણા સુધરેલા અને કપડાંમાં પગથી માથા સુધી ઢંકાયેલા લોકો વિકારોથી ભરપૂર છે એ સાબિત કરવા માટે પુરાવાની જરૂર નથી. ગ્રામ્યતામાં ઊછરતા ગામડાના લોકો ને કેટલાએક કારીગરો તો એવા છે કે જેમના હોઠ ઉપરથી અશ્લીલ શબ્દો ને ગ્રામ્ય વાણી સુકાતી નથી. તેવા બધા લોકો ખસૂસ હલકા છે ને નીતિથી પતિત છે એવું નથી. ખરી હકીકત તો એવી છે કે એમના ઉપર કેળવણીનો દંભી ઓપ ચડેલો નથી તેથી તેઓને ઢાંકપિછોડો કરવાનું હોતું નથી; ઊલટું, તેમના હૃદયમાં પોતે જે બોલે છે તેનો અર્થ અતિ પરિચયથી કશો રહેતો નથી. ટૂંકમાં એટલું તો કબૂલ જ રાખવું પડે છે કે ગામડિયા લોકો શિષ્ટ શહેરીઓ કરતાં વધારે નિર્દોપ છે. આટલા વિચારો પછી ગ્રામ્ય વાર્તાઓને હાથમાં લઈએ. અશ્લીલ વાર્તાઓને તો છોડી જ દઈએ. હવે લગભગ એવી વાર્તાઓ ખૂબ ઓછી થઈ ગઈ છે કારણકે માણસનો વિકાસ એટલો પ્રગતિશીલ થયો છે. પણ વાર્તાઓનો પ્રશ્ન રહે છે. ગ્રામ્ય વાર્તાઓથી કોઈ પણ રીતે ડરવાનું નથી. ગ્રામ્ય વાર્તાઓ સંબંધે આપણે વિવેકથી નિર્ણય કરી શકીએ. ગ્રામ્ય વાર્તાઓ જ્યાં જ્યાં નિર્દોષ હોય ત્યાં ત્યાં એને રાખવાનો પ્રયત્ન કરીએ; જ્યાં જ્યાં એ વાર્તાઓ દુષ્ટ હોય, અનીતિપ્રેરક હોય, ત્યાં ત્યાં તેનો સદંતર ત્યાગ કરીએ. નિર્દોષ ગ્રામ્ય વાર્તાને આપણે બે રીતે વાપરીએ. ગ્રામ વાર્તાને ઊંચે ચડાવીએ, તેને શિપ્ટ કરીએ, એ એનો એક પ્રકારનો વપરાશ. એ વાર્તાને આપણે વાપરીને જનસમાજની ગ્રામ્યતા આપણે પોપીએ નહિ, પણ ગ્રામ્યતાને નીકળી જવા દઈ તેને બદલે શિષ્ટતાને આવવાનો અવકાશ આપીએ; દીવાલ બાંધી વૃત્તિઓને રોકીએ નહિ પણ વૃત્તિઓને નીકળી જવાને દરવાજા કરી આપીએ. ગ્રામ્ય વાર્તાઓ કહી સંભળાવવામાં આવા દરવાજાઓ કે બારીઓ રહેલી છે. ગ્રામ્ય વાર્તાઓનું ઝેર ઊતરી જાય એટલે તુરત જ એમને ઊંચે ચડાવી એમાંથી જ વિનોદની વાતો બનાવી લઈએ. ખરી રીતે તો ગ્રામ્ય વાર્તાઓ વિનોદની વાતો છે. વિનોદ ગ્રામ્ય છે એનું કારણ તો આપણે-આપણો સમાજ હજી ગ્રામ્યતામાંથી મુક્ત થયો નથી. વધારે ગંભીર, વધારે કૃત્રિમ, વધારે કેળવાયેલ માણસને શ્રીયુત રમણભાઈનું 'હાસ્યમંદિર' પણ નર્યું ગ્રામ્યતાનું પ્રદર્શન ભાસે. અને એમ ભાસે તોપણ એ જ ગ્રામ્યતાની દવા છે. વિનોદ એ ગંભીર સાગરમાં હસતી મીઠી વીરડી છે. ગ્રામ્યતામાં આજે સમાજનો વિનોદ છે. ઉપદેશથી અથવા જોહુકમી કે લાલચભરી કેળવણીથી આપણે ગ્રામ્યતાને દાબી દઈએ તો આપણો વિનોદ પણ સાથે જ જાય ને આપણે સોગિયા બની જઈએ. આથી જ નિર્દોષ ગ્રામ્ય વાર્તાઓને સ્થાન મળે છે; પરંતુ તે કાયમનું નહિ, સમાજ પોતે ગ્રામ્યતામાંથી છૂટે ત્યાં સુધીનું. જેમ જેમ વ્યક્તિ અથવા સમાજ ગ્રામ્યતામાંથી છૂટે તેમ તેમ તેને ઉચ્ચ વિનોદ મળવો જ જોઈએ. એ ઉચ્ચ વિનોદ આપવાની પ્રજામાં તાકાત ન હોય ત્યાં સુધી ગ્રામ્ય વાર્તાઓને કાઢી મુકાય જ નહિ. એક બીજી દૃષ્ટિ પણ છે. આવી વાર્તાઓમાંથી માણસ ગ્રામ્ય થઈ જશે એવી કેટલાએક લોકોની કલ્પના છે. એ કલ્પના છેક ખોટી પણ નથી. પરંતુ મોટે ભાગે તો આવી વાર્તાઓ હલકા વિનોદના ચાડિયારૂપે પણ છે. કોઈ રાજાની નિંદા કરવાની કોઈ રાજપીડિત બારોટને મરજી થાય છે ત્યારે તે રાજાનો ચાડિયો બાંધી દેશપરદેશ ફરે છે. ચાડિયો માણસોને કહે છે : "ભાઈ ! રાજા તો આવો આવો છે.” ચાડિયો પેલા રાજાની માણસો પાસે ઘૃણા કરાવે છે. એમ જ વાર્તાઓ બધા માણસના સ્વભાવની સમાજ પાસે હંમેશાં ઘૃણા કરાવે છે. વાર્તા તમામ ખરાબ વાતને સારી વાતનો ચાડિયો છે. ગ્રામ્ય વાર્તાઓનું અસ્તિત્વ અને તેનો પ્રચાર એ પણ સમાજની ક્ષુદ્રતાનો ચાડિયો છે. જેમ રાજાના ચાડિયાને ભાંગી નાખવાથી અથવા દાટી કે બાળી દેવાથી રાજાની શુદ્ધિ થતી નથી તેમ સમાજના ચાડિયાને આપણા સાહિત્યમાંથી કે શાળામાંથી કાઢી મૂકવાથી સમાજની ગ્રામ્યતા કે ક્ષુદ્રતા જવાની નથી. ઊલટું, આપણે ચાડિયાને એકવાર તો ફેલાવી આપણે આપણી ઘૃણા કરાવી તેને ઊંચે ચડાવવાનું છે. આનો અર્થ એવો નથી કે ગ્રામ્ય વાર્તાઓનું જ શરણ લેવું, પણ એટલો તો છે જ કે નિર્દોપ ગ્રામ્ય વાર્તાની સામે આપણો ઢોંગ લાંબો વખત ચલાવીએ નહિ. વળી ગ્રામ્ય વાર્તાઓનું સંસ્કરણ કરતા જઈએ ને સમાજની કક્ષાએ ઊંચે ચડાવતા જઈએ એ સલાહકારક છે. વાર્તા પોતે સમાજક્રાંતિનું એક સાધન છે એ આપણે વીસરી જવાનું નથી જ. આથી જ જ્યાં જ્યાં ગ્રામ્યતા છુપાયેલી છે ત્યાં ત્યાં ગ્રામ્ય વાર્તાના પ્રયોગથી તે બહાર કાઢી તેને પકડી લઈને સંસ્કાર આપીએ, ને જ્યાં ગ્રામ્યતા છડેચોક છે ત્યાં જઈ ગ્રામ્યતાને અભયદાન આપી તેની સાથે જ ઊંચી રુચિના વિનોદને ધરીએ. આવી વાર્તાઓ પણ તેમાં જે રહસ્ય છે તેને ધ્યાનમાં રાખીને કહીએ તો તેનાથી કશું નુકસાન ન થતાં ફાયદો જ થાય.
❋