ગુજરાતી બાળવાર્તા સંપદા/શીતપરી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(ફૂટરમાં અનુક્રમણિકા પ્રમાણે ક્રમ બદલ્યો)
 
Line 2: Line 2:
{{Heading|શીતપરી|ઈશ્વર પરમાર}}
{{Heading|શીતપરી|ઈશ્વર પરમાર}}


{{Block center|<poem>પરીઓનો આ દેશ પ્યારો, પરીઓનો આ દેશ;  
{{Block center|'''<poem>પરીઓનો આ દેશ પ્યારો, પરીઓનો આ દેશ;  
રમતી ભમતી-પરીઓનો આ છે પ્યારો દેશ
રમતી ભમતી-પરીઓનો આ છે પ્યારો દેશ


Line 13: Line 13:
આવી પ્યારી અનેક પરીઓ, કોની કરશું વાત?  
આવી પ્યારી અનેક પરીઓ, કોની કરશું વાત?  
આવો આજે માંડું પ્યારી શીતપરીની વાત!
આવો આજે માંડું પ્યારી શીતપરીની વાત!
{{right|….પ્યારી શીતપરીની વાત!}}</poem>}}
{{right|….પ્યારી શીતપરીની વાત!}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આજે શીતપરીની વાત કરીશું. આ શીતપરીને મળતાં પહેલાં આપણે એક ગામ જવું પડશે. ગામનું નામ શિવરાજપુર. શિવરાજપુર ગામની બહાર વડનું ઘેઘૂર ઝાડ. ઝાડ પાસે મોટો ઓટલો.
આજે શીતપરીની વાત કરીશું. આ શીતપરીને મળતાં પહેલાં આપણે એક ગામ જવું પડશે. ગામનું નામ શિવરાજપુર. શિવરાજપુર ગામની બહાર વડનું ઘેઘૂર ઝાડ. ઝાડ પાસે મોટો ઓટલો.
Line 39: Line 39:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ઝાંઝર બોલે રૂમઝૂમ!
|previous = દ્રાક્ષ ખાટી નથી
|next = સાચાબોલા શિયાળભાઈ
|next = સાચાબોલા શિયાળભાઈ
}}
}}

Latest revision as of 02:23, 10 November 2025

શીતપરી

ઈશ્વર પરમાર

પરીઓનો આ દેશ પ્યારો, પરીઓનો આ દેશ;
રમતી ભમતી-પરીઓનો આ છે પ્યારો દેશ

સુરપરીની વાત કરું કે રંગપરીની વાત?
દેવપરીની વાત કરું કે ફૂલપરીની વાત?

જલપરીની વાત કરું કે ચાંદપરીની વાત?
વનપરીની વાત કરું કે મીનપરીની વાત?

આવી પ્યારી અનેક પરીઓ, કોની કરશું વાત?
આવો આજે માંડું પ્યારી શીતપરીની વાત!
….પ્યારી શીતપરીની વાત!

આજે શીતપરીની વાત કરીશું. આ શીતપરીને મળતાં પહેલાં આપણે એક ગામ જવું પડશે. ગામનું નામ શિવરાજપુર. શિવરાજપુર ગામની બહાર વડનું ઘેઘૂર ઝાડ. ઝાડ પાસે મોટો ઓટલો. સાંજનો સમય. તમારા જેવાં બાળકો વડલે રમતાં’તાં. ખૂબ રમ્યાં. હવે તો બધાં ભૂખ્યાંય થયાં ને થાક્યાંય ખરાં. બહુ ભૂખ લાગી’તી તે બાળકો દોડીને ગયાં ઘેર અને બહુ થાક્યાં’તાં તે બાળકો ઓટલે બેઠાં. એ હતાં ચાર. ચારેય જણાને જરા વારમાં આવી ગઈ ઊંઘ. માગશર મહિનો ને અમાસની રાત. પડી ભારે ટાઢ. ઊડી ગઈ ઊંઘ. આંખો ચોળીને જોયું તો સામે હતી શીતપરી! શીતપરીને પહેલી વાર જોઈ તોય બાળકોને બીક ન લાગી, હોં! ગુલાબી બરફની પાંખ. લીલાચટ્ટાક બરફની સાડી ને માથે બરફનાં ધોળાં ફૂલ. હસીહસીને હેત કરે. એના હાથમાં હતા ચાર રૂમાલ. શીતપરીએ બાળકોને એમનાં નામ પૂછ્યાં. પહેલું બાળક કહે : ‘મારું નામ તાપો.’ બીજું બાળક કહે : ‘મારું નામ ધમાલ.’ ત્રીજું બાળક કહે : ‘મારું નામ મહેર’ અને ચોથું બાળક કહે : ‘મારું નામ કાદર.’ પરી કહે : ‘જુઓ બાળકો, તમને ચારેયને એકેક જાદુઈ રૂમાલ આપું છું. એને ગુપચુપ તમારા દફતરમાં રાખી મૂકજો. આ રૂમાલમાંથી રોજ નવો રૂમાલ બહાર નીકળશે. – છેક પોષ મહિનાની પૂનમ સુધી.” બાળકો કહે : ‘એ નવા રૂમાલનું કરીએ શું અમે?’ શીતપરી કહે : ‘તમારે એનો સારો ઉપયોગ કરવાનો. જો ખોટે કામે એ વાપરશો તો આ રૂમાલ પણ થઈ જશે ગુમ! જાદુઈ રૂમાલની વાત કહેતાં નહિ કોઈને.’ આમ કે’તીક ને શીતપરી તો સરકી ગઈ. ‘રોજરોજ મળતા આ નવાનવા રૂમાલનું કરવું શું મારે? તાપાએ તો મગજની તાવણી કરી નાખી પણ સૂઝે જ નહિ કંઈ. પછી તો એણે રોજ નવા રૂમાલને તેલમાં બોળીને કરવા માંડી તાપણી નવા રૂમાલની કાકડી કરે. માથે મૂકે છાણાં-લાકડાંના કટકા. ભેગાં થાય છોકરાં. તાપે ને કરે વાતો. એક વાર તો તાપો ગામની બહાર તાપણી કરવા બેઠો ભાઈબંધો ભેગો. સમય બપોરનો. વાતોના તોરમાં તાપણું થયું મોટું. પાસેના ઝૂંપડાની વાડને લાગી આગ. થઈ પડી દોડધામ. એક માજી હડફેટમાં આવી ગયાં તે માંડ બચ્યાં. આગ તો હોલવાઈ ગઈ પણ તાપાને બધાંએ ખૂબ તતડાવ્યો. એ તો ખાધા વગર સૂઈ ગયો. સવારે ઊઠીને દફતરમાં જોયું તો પરીનો આપેલો રૂમાલ ગુમ! ‘રોજરોજ મળતા આ નવાનવા રૂમાલનું કરવું શું મારે?’ ધમાલે તો પોતાના મગજને ખૂબ ધમધમાવ્યું પણ સૂઝે જ નહિ કંઈ. પછી તો એણે રૂમાલમાં રૂમાલ બાંધીને બનાવ્યું દોરડું. રોજ નવો રૂમાલ બંધાય એટલે દોરડું લાંબું થાય. દોરડું લઈને ધમાલ ગામની બહાર જાય. છોકરાં થાય ભેગાં. પછી પકડે એક ગધેડું. બાંધે એના પગ. ગધેડાને ગળે રૂમાલનું દોરડું બાંધે. ધમાલ બેસે ગધેડા પર ને બીજાં દોરડું ખેંચીને ગધેડાને ચલાવે. વારાફરતી વારો આવે. આમાં એક વાર ગધેડાને પાછે પગે બાંધેલો રૂમાલ છૂટ્યો ને ગધેડો વછૂટ્યો. ગધેડા પર બેઠેલો ધમાલ ઊતરતાંય બીએ ને બેસતાંય બીએ. ગધેડાએ તો એક માજીની લાકડી ભાંગી નાખી. માણસો થયા ભેગા. ગધેડાને માંડ ઝાલ્યો. કાન પકડીને ધમાલને હેઠે ઉતાર્યો. ઘેર બધાએ ધમાલને ધમાર્યો. એ તો ખાધા વગર સૂઈ ગયો. સવારે ઊઠીને દફતરમાં જોયું તો પરીનો આપેલો રૂમાલ ગુમ! ‘રોજરોજ મળતા આ નવાનવા રૂમાલનું કરવું શું મારે?’ મહેરે ખૂબ વિચાર કરીને દોરડું બનાવવા માંડ્યું. રોજ નવો રૂમાલ બંધાય એટલે દોરડું લાંબું થાય. દોરડું લઈને મહેર ગામની બહાર ગયો. ગામ બહાર એક કૂવો. કૂવામાં દોરડાનો એક છેડો નાખે ને માપે. દોરડું થાય ટૂંકું. દરરોજ એકએક રૂમાલ જોડતાં દોરડું તો ઠીકઠીક લાંબું થઈ ગયું. એક સાંજે મહેર ગયો કૂવે. કૂવે હતાં એક માજી. માજી કહે : ‘ગગા, મારી ગાગર ભરી દે ને. મારી પાસે તો દોરડુંય નથી.’ મહેરે રૂમાલના દોરડેથી ગાગર સીંચી. માજી થયાં રાજી. એ કહે : ‘ગગા, કાલે પોષ મહિનાની પૂનમે વડલે આવજે ને જરા.’ મહેરે તો એ દોરડું કૂવાને થાંભલે બાંધકતાંકને માજીને કહ્યું : ‘જરૂર આવીશ.’ ઘેર જઈને મહેર જમ્યો. લેસન કર્યું, પછી સૂઈ ગયો. સવારે ઊઠીને દફતરમાં જોયું. રૂમાલ તો એક જ – પણ કેવડો મોટો રૂમાલ! ‘રોજરોજ મળતા આ નવાનવા રૂમાલનું કરવું શું મારે?’ કાદર જમીન પર રૂમાલ રાખીને વિચાર કરે. એણે તો રૂમાલોને પાસેપાસે ગોઠવીને રોજેરોજ સીવવા માંડ્યા. સીવતાં-સીવતાં રૂમાલની તો સરસ ચાદર તૈયાર થઈ ગઈ. આમ, કાદરે બનાવી ચાદર! આ ચાદર ઓઢીને કાદર દૂધ લેવા ગયો. સાંજનો સમય. જોયું તો એક માજી ટાઢે ઠરે. કાદરે તો ચાદર ઓઢાડી દીધી માજીને. માજી થયાં રાજી. એ કહે : ‘ગગા, કાલે પોષ મહિનાની પૂનમે વડલે આવજે ને જરા.’ કાદર કહે : ‘જરૂર આવીશ, પણ આ ચાદર હવે તમારી.’ ઘેર આવીને કાદર જમ્યો. લેસન કર્યું, પછી સૂઈ ગયો. સવારે ઊઠીને દફતરમાં જોયું તો રૂમાલ એક જ – પણ કેવડો મોટો રૂમાલ! આજે પોષી પૂનમ. વડલે મહેર અને કાદર થઈ ગયા ભેગા. વડલે માજી તો હતાં નહિ, હતી પેલી શીતપરી! શીતપરીના ખોબામાં હતાં આમળાં ને અંજીર, બોર ને ગાજર, મોગરી ને ટમેટાં, તલના લાડવા ને શેરડીની કાતળી. પરીએ મહેર અને કાદરના રૂમાલમાં ખોબો ખાલી કર્યો. પછી કહે : ‘શિયાળે-શિયાળે તમને આ બધું મળશે. ખૂબ ખાજો ને ખવડાવજો. આ છે શિયાળાનાં પકવાન ને હું છું શીતપરી!’ કાદર કહે : ‘તમે શીતપરી, પણ પેલાં માજી કોણ?’ શીતપરી હસીને કહે : ‘માજીનો વેશ લઈને હું જ ફરતી હતી. તાપાએ મને હડફેટે લીધી. ધમાલે લાકડી ભાંગી. મહેર, તેંય ધમાલની જેમ દોરડું બનાવ્યું પણ ઉપયોગ કેટલો જુદો! કાદર, તેં બનાવી ચાદર અને આપી દીધી બીજાને. શાબાશ, આવજો પ્યારા કાદર-મહેર, જમજો શિયાળાનાં પકવાન ને હું છું શીતપરી!’