ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ધીરસિંહ વ્હેરાભાઇ ગોહિલ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 58: Line 58:
|}
|}
</center>
</center>
'''પાદટીપ :'''
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 10:08, 11 January 2026

ધીરસિંહ વ્હેરાભાઇ ગોહિલ

એઓ જાતના રાજપુત અને સોનગઢ થાણા તાબે આલમ્પુરના વતની છે. એમનો જન્મ તા. ૨૦-૧૧-૧૮૮૪ સંવત્‌ ૧૯૪૧ના માગસર સુદ ૩ ને ગુરૂવારે આલમ્પુરમાં થયો હતો. એમના પિતાનું નામ વ્હેરાભાઇ અમાભાઈ અને માતાનું નામ મગજીબા જીવાભાઈ છે. એઓ પરણ્યા નથી. ધૂડી શાળામાં શિક્ષણ લેવું શરૂ કરેલું; પણ તે તદ્દન અનિયમિત ને ઢંગધડા વગરનું; કેમકે ગામમાં નિશાળ નહિ અને દોઢ ગાઉપર એક નિશાળ હતી ત્યાં જવું ૫ડતું. થોડા વખત બાદ તે પણ બંધ થવાથી અભ્યાસ બંધ પડેલો. પછી એક સાધુ પાસે તુલસીકૃત રામાયણ ભણવા માંડેલું. આ સ્થિતિમાં લખવાનું તો આવડે ક્યાંથી; માંડ સહી કરી શકે. એ સંબંધમાં તેઓ જણાવે છેઃ “સને ૧૯૦૧ ની સાલમાં હું સરકારી કામે સોનગઢ થાણામાં ગયો હતો. ત્યાં મારે સહી કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતાં, હરજીવન નામના કારકુને મેં જે મોટા ભમરડા જેવા અક્ષરમાં ખરાબ સ્વરૂપમાં જે સહી કરી તેથી તેણે મેણું માર્યું કે ‘ગરાસીઆને સહી કરતાંએ ન આવડે.’ ભણેલા છે એમ શું કામ કહેવડાવતા હશે? આથી ન ભણેલા સારા! આ પ્રસંગ મને લાગી આવ્યો. ત્યારબાદ મેં સારૂં લખતા શીખવા માટે મારા ઘરમાં જે દસ્તાવેજો અને સરકારમાં કરેલી અરજીઓની નકલો હતી તેમની મેં નકલ કરવાનું શરૂ કર્યું. આમ જે હાથમાં આવ્યું તે લખ્યાજ કર્યું. પરિણામે લખવાપર કાબુ મેળવ્યો.” તેઓ ‘ક્ષત્રિય મિત્ર’ નામનું માસિક એડિટ કરે છે અને ગોહિલવાડ રાજપુત સમાજના ઉપમંત્રી છે. લોક સાહિત્ય અને ચારણી સાહિત્ય એમના પ્રિય વિષયો છે. એમણે લખેલાં ગ્રંથોની યાદી નીચે આપી છે; પરંતુ એમના લેખન વાચન અને અભ્યાસ વિષે જે વિશેષ હકીકત લખી મોકલી છે તે જાણવા જેવી છે. “અભ્યાસનું સાધન હતું નહિ. સાત વર્ષની ઉમ્મરે આલમ્પુર સરકારી શાળમાં અભ્યાસ માટે પ્રવેશ કર્યો; પરંતુ દસ એકડા પૂરા ન કર્યા તેવામાં સ્કુલ ઉઠી ગઈ. બોડી પીંપરડીના એક બ્રાહ્મણને બોલાવી ધૂડી નિશાળ મંડાવી. આ સ્લેટ પેન નહોતાં. પાટી ઉપર ધૂળ નાંખી વતરણાથી ભણવાનું હતું. છ મહિના બાદ ભણવાનું બંધ થયું. પંડ્યાજી ચાલ્યા ગયા. બીજા બ્રાહ્મણ પાસે ધૂડી નિશાળ મંડાવી; પણ કક્કો બારાખડી સુધી ચાલ્યું. બાર વર્ષની ઉમ્મરે આલમપુરથી દોઢ ગાઉ દૂર દરેડ સરકારી શાળામાં દાખલ થયો. દરેડમાં માસ્તર ગિરિજાશંકર કરૂણાશંકર ભટ્ટ પચ્છે ગામવાળા હતા. હાલમાં તેઓ પાલીતાણામાં અનાથાશ્રમના સુપ્રિન્ટેન્ડન્ટ છે. બે વરસે ગુજરાતી પહેલી ચો૫ડી પૂરી કરી ભણવા જવાનું બંધ કર્યું; કારણ દોઢ ગાઉ જવા અને દોઢ ગાઉ આવવા માટે સાથ નહોતો. મોહનલાલ નામના પોલિસ પટેલ પાસે ખાનગી અભ્યાસ કર્યો; અને સોળ આંક, સરવાળા, બાદબાકી અને સાધારણ ભાગાકાર આવડ્યા. સાથે સાથે ખાનગી વાચન વધારવા માંડ્યું.” વાંચનનો શોખ કેમ થયો તેની હકીકત તેઓ નીચે પ્રમાણે લખે છેઃ “સન ૧૯૦૭માં વ્રજલાલ નામના જપ્તીદાર મારા ગામે આવેલા; તેમણે ‘કાઠીઆવાડ સમાચાર’ નામનું અમદાવાદથી નીકળતું અઠવાડિક ૫ત્ર એકત્ર થયલા ભાઈઓને વાંચી સંભળાવવા આપેલું. તે હું વાંચી શક્યો નહિ અને શરમને લઇને આંખમાં આંસુ ભરાઇ આવ્યાં. આ પછી જે કાંઇ છાપેલું સાહિત્ય મારા જોવામાં આવે તે વાંચવા માંડ્યું અને આમ કરતાં કરતાં વાંચન શોખ ખીલવ્યો.” આવા પુરુષ એક લેખક તરીકે આગળ પડે એ પણ એક નવાઈ પમાડનારૂં છે; તેનું કારણ તેઓ આ પ્રમાણે આપે છેઃ “સંવત્‌ ૧૯૬૬ની સાલમાં હું વાગધરા ગામે કામદાર થયો હતો. ખાવા પીવાના સાથે મને માસિક રૂ. ૫–૦–૦ પાંચ પગાર મળતો હતો. ત્યાં એક વખત મારા બે મિત્રો સાથે બેઠો હતો. વિનોદમાં વાતો થતાં, એક કહે ’મારે જીંદગી સુધી વેપારજ કરવો છે.’ બીજો કહે ‘મારે ખેતી કરવી છે.’ જ્યારે મેં વિનોદમાં બોલી નાંખ્યું કે ‘મારે લેખક થવું છે.’ વખત જતાં આ સૌ મિત્રો મારી ઠેકડી કરવા લાગ્યા. તેથી મને લાગ્યું કે ‘હવે લેખક થયેજ છૂટકો છે.’ આથી મેં પ્રથમ લેખક તરીકે ‘કાઠિયાવાડ સમાચાર’માં ‘ગરાસીઆના રીતરિવાજો અને તેથી હાનિનું દિગ્દર્શન’ નામે સંવત્‌ ૧૯૬૭ માં લેખ લખ્યો. આમ ઉત્તરોત્તર લખવું શરૂ કર્યું.”

: : એમની કૃતિઓ : :

૧. જેસલ અને તોરલ (બે આવૃત્તિ) સંવત્‌ ૧૯૭૫
૨. સતી ઉજળી અને મેહ જેઠવો (ત્રણ આવૃત્તિ)
૩. કપુરી અને કારાયલ ૧૯૭૬
૪. સુણી અને મેયાર
૫. નાગમતિ ૧૯૭૭
૬. ગોહિલવીર હમીરજી
૭. રા’ માંડલિક (બે આવૃત્તિ) ૧૯૭૯
૮. રા’ નવઘણ ૧૯૮૩
૯. કાઠીઆવાડની દંતકથાઓ ૧૯૮૫
૧૦. કાઠીઆવાડની પ્રેમકથાઓ ૧૯૮૮