‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/ભગવતીકુમાર શર્મા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
No edit summary
 
Line 236: Line 236:
અને મંજીરાં થઈને મીરાંઈ ચાલ્યા.
અને મંજીરાં થઈને મીરાંઈ ચાલ્યા.
ગુજરાતી ગઝલમાં આવું નકશીકામ વિરલ છે.</poem>'''}}
ગુજરાતી ગઝલમાં આવું નકશીકામ વિરલ છે.</poem>'''}}
{{Poem2Open}}
 
'''નવલકથાકાર'''
'''નવલકથાકાર'''
{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 03:30, 21 January 2026

ભગવતીકુમાર શર્મા

વિષાદ અને વ્યથાના કવિ અને મૂલ્યસંઘર્ષના નવલકથાકાર

ભગવતીકુમાર શર્મા સર્વતોભદ્ર સાહિત્યકાર છે. કવિ, નવલકથાકાર, નવલિકાકાર, નિબંધકાર, વિવેચક, અનુવાદક, પત્રકાર, તંત્રી - આ બધાં સ્વરૂપે ભગવતીકુમારની પ્રતિભા વિહરે છે. આ સમસ્ત સર્જનપ્રવૃત્તિમાં ભગવતીકુમારની સાહિત્યકાર તરીકેની બે લાક્ષણિકતાઓ તરી આવે છે. એક છે એમની અપાર નિષ્ઠા અને બીજી એમની વિકાસોન્મુખતા. ભગવતીકુમારની નિષ્ઠા અજોડ છે. ભગવતીકુમારને મન સાહિત્યસર્જન એ ઉપાસના છે, સાધના છે, ધર્મ છે. અંતરની સ્ફુરણા વિના કે પ્રચંડ પુરુષાર્થ વિના એમણે કશું જ લખ્યું નથી અથવા છપાવ્યું નથી. દાખલા તરીકે, પત્રકારત્વ એમનો વ્યવસાય છે. આ નિમિત્તે અનેક વિષયો ઉપર એમણે નિબંધો લખ્યા છે. આ નિબંધો ‘શબ્દાતીત’ અને “બિસતન્તુ’માં સંગ્રહસ્થ થયા છે. આ બન્ને નિબંધસંગ્રહોની પ્રસ્તાવનાઓ લેખકની સન્નિષ્ઠાની પ્રતીતિ કરાવે છે. ‘શબ્દાતીત’ની પ્રસ્તાવનામાં ભગવતીકુમાર લખે છે: “નિબંધો તો ઠીક સંખ્યામાં હતા, પણ તેમાંથી થોડાકને પુસ્તકમાં સમાવી શકાય એમ લાગ્યું, છતાં તે હતા તેવા સ્વરૂપે પુસ્તકાકારે પ્રગટ કરવાની ઇચ્છા ન થઈ, એટલે ચૂંટેલા નિબંધોના માત્ર કેન્દ્રવર્તી વિચારોને લઈને, પહેલી વાર લખ્યા હતા તેના કરતાં વિશેષ કાળજી અને શ્રમ લઈને તે ફરી ફરીને લખ્યા. તેનું પરિણામ તે ‘શબ્દાતીત’.” એ જ પ્રમાણે ‘બિસતન્તુ’ની પ્રસ્તાવનામાં ભગવતીકુમાર લખે છે: ‘આ સંગ્રહમાંના બધા નિબંધો ‘જન્મભૂમિ-પ્રવાસી’, ‘ગુજરાત મિત્ર’ અને ‘પ્રતાપ’ની સાપ્તાહિક આવૃત્તિઓમાં પ્રગટ થયેલા છે, પરંતુ તે અખબારી નિપજરૂપ ન બની રહે તે માટે મેં લગભગ બધા નિબંધો કાળજીપૂર્વક અને એકાગ્રતાથી ફરીથી લખ્યા છે." આથીયે વધારે ભવ્ય પુરુષાર્થ એમની બે સુદીર્ઘ નવલકથાઓના લેખનમાં થયો છે. ‘ઊર્ધ્વમૂલ’ ૬૩૦ પાનાંની નવલકથા છે. સાત વર્ષના સેવન પછી એ પ્રકટ થઈ. લેખક કહે છે: “મારા પૂરતો તો અપૂર્વ કહી શકાય એવો પરિશ્રમ મેં આ કૃતિ પાછળ કર્યો છે. એક-બે નહિ, વારંવાર તે લખી છે.” ‘અસૂર્યલોક’ ૬૦૨ પાનાંની નવલકથા છે. એની પ્રસ્તાવનામાં આ જ નિષ્ઠા છે : “૧૯૮૫ના મેમાં ‘અસૂર્યલોક’નું પ્રથમ લેખન આરંભી બે’ક મહિનામાં તે પૂરું કર્યું ત્યારે હું આનંદસભર બન્યો, પણ પછી તેનું પુનર્લેખન શરૂ કર્યું ત્યારે શબ્દે શબ્દે મારી કસોટી થવા માંડી... ત્યાં ગંભીર માંદગી આવી... સ્વાસ્થ્ય સુધરતાં હસ્તપ્રત ફરીથી હાથમાં લીધી, પણ મનમાંથી પ્રબળ નકાર જાગ્યો: ‘આ ચાલી શકે તેમ નથી.’ ‘પુનશ્ચ હરિ ઓમ્’ કરીને ‘અસૂર્યલોક’નું ત્રીજીવારનું લેખન આરંભ્યું.” ૬૦૦થીયે વધારે પાનાંમાં વિસ્તરતી બૃહત્કાય નવલકથાઓને ત્રણ ત્રણ વાર લખવામાં કેટલી કઠોર સાધના, કેટલો પ્રચંડ પુરુષાર્થ અને કેવી ગંભીર નિષ્ઠા જોવા મળે છે. ઉત્તમ ગઝલકાર અને લોકપ્રિય નવલકથાકાર હોવા છતાં ભગવતીકુમારે કેવળ મનોરંજન કે લોકરંજન માટે નથી લખ્યું. મુશાયરાઓને લીધે અને છેલ્લાં થોડાંક વર્ષોમાં સંગીતને લીધે ગઝલ ખૂબ જ ફૂલીફાલી છે. બીજાં સાહિત્યસ્વરૂપોની સરખામણીમાં નવલકથાઓ જ સવિશેષ વંચાય છે અને વેચાય છે. પરંતુ ભગવતીકુમારને મન સાહિત્યનું પ્રયોજન યશસે કે અર્થકૃતે નથી જ. માનવજીવનની સાંપ્રત દશા તથા મનોદશા, માનવહૃદયનાં અતલ ઊંડાણો અને જીવનનાં મૂલ્યો - આ જ ભગવતીકુમારના સર્જનનાં પ્રેરક-ચાલક બળો છે. વિકાસોન્મુખતા એ ભગવતીકુમારની સર્જનયાત્રાનું સુભગ લક્ષણ છે. મોટાભાગના લેખકોની કરુણતા એ હોય છે કે એમના સર્જનની કક્ષા એ જાળવી શકતા નથી. ભૂતકાળની સિદ્ધિઓમાં જ તેઓ રાચે છે અને ઉત્તરોત્તર નબળી કૃતિઓ એમની પાસેથી મળે છે. ભગવતીકુમાર ઊર્ધ્વમુખી લેખક છે. એમણે બીજા કોઈનું તો નહિ જ, પણ પોતાની જાતનું પણ અનુકરણ નથી કર્યું. પ્રયોગખોરી ભગવતીકુમારનું લક્ષણ નથી પણ સંકલ્પપૂર્વક સર્જકતાનાં શિખરો એક પછી એક સર કરવાનું એમનું લક્ષ્ય છે. આ વિકાસોન્મુખતા સૌથી વિશેષ એમની નવલકથાઓમાં દેખાય છે. એમની સૌથી પ્રથમ નવલકથા ‘આરતી અને અંગારા’થી માંડીને ‘સમયદ્વીપ’, ‘ઊર્ધ્વમૂલ’ અને ‘અસૂર્યલોક’ સુધીની યાત્રા સર્જકતાનાં સોપાનો સિદ્ધ કરતી ચાલે છે. લેખકની ગદ્યશૈલી આ વિકાસોન્મુખતાનું ઉત્તમ નિદર્શન છે. આરંભની નવલોની અલંકારપ્રચુર શૈલીને બદલે છેલ્લી નવલકથાઓમાં કર્તાને સર્જનાત્મક ગદ્ય અને કવિનો શબ્દ સાંપડ્યો છે. અનેક સાહિત્યસ્વરૂપોમાં ભગવતીકુમારની પ્રતિભા વિહરતી હોવા છતાં ગુજરાતી સાહિત્યને એમનું સૌથી મૂલ્યવાન અર્પણ છે કાવ્યોનું અને નવલકથાઓનું. સ્થળસમયના સંકોચને લીધે આપણે માત્ર એમનાં કાવ્યો અને એમની નવલકથાઓનો જ પરિચય કેળવવાનો પ્રયત્ન કરીશું.

વ્યથા અને વિષાદના કવિ
આવી પડ્યું છે હાથમાં પારેવડું સફેદ
જાણે કે જિંદગી છે ને લોહીલુહાણ છે.

“વિષાદ મારો આંતરિક સ્થાયીભાવ છે.”
-રણજિતરામ સુવર્ણચન્દ્રક પ્રવચન

ગુજરાતી કવિતામાં વિષાદ અને વ્યથાનું આવું એકધારું સતત નિરૂપણ ‘કાન્ત’ પછી પહેલી વાર જોવા મળે છે. કાન્ત વેદનાના કવિ છે. પ્રણયવૈષમ્ય અને પ્રણયવૈફલ્ય કાન્તની વેદનાનું મૂળ છે. “પ્રણયની પણ તૃપ્તિ થતી નથી; પ્રણયની અભિલાષ જતી નથી.” એ કાન્તનું દર્શન છે. કાન્તની વેદનાનું ફલક પ્રણયનું વિશ્વ છે; ભગવતીકુમારની વ્યથા વૈશ્વિક છે. યંત્રયુગમાં આધુનિક માનવીને પીડતી એકલતા (એલીયનેશન), નગરજીવીની મૂળવિહીનતા (રૂટલેસનેસ), વૈયક્તિકતા (ઇન્ડિવિડ્યુઆલિટી) અને વ્યક્તિત્વ (આઈડેન્ટીટી)નો હ્રાસ, બોજિલ ઘટમાળિયા જીવનની રિક્તતા અને અર્થશૂન્યતા, વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચે સંવાદિતાનો અભાવ ભગવતીકુમારનું દર્શન છે. ભગવતીકુમારે કાવ્યનાં અનેક સ્વરૂપો ખેડ્યાં છે: ગીત, ગઝલ, સૉનેટ, ભજન વગેરે. આમાં અપ્રતિમ સફળતા એમને મળી છે ગઝલમાં. ગીતોમાં ક્યાંય રાજેન્દ્ર, પ્રિયકાન્ત, બાલમુકુન્દનો લયહિલ્લોળ જોવા મળતો નથી. ગીતની તરલતા અને મધુરતાનો સંસ્પર્શ થતો નથી. ગીતની નજાકત અને નાજુકાઈ આ ગંભીર પ્રકૃતિના સર્જકને બહુ અનુકૂળ નથી. એકાદ-બે અપવાદો બાદ કરતાં મોટાભાગનાં ગીતો સૂરતના આ કવિએ નર્મદાશંકરની પાઘડી પહેરીને લખ્યાં હોય એવું લાગે છે. આ ગંભીર પ્રકૃતિના કવિને સૉનેટનો પ્રકાર કેમ નથી ફાવ્યો તે આશ્ચર્યજનક છે. ઉમાશંકર, સુન્દરમ્, રાજેન્દ્ર, જયંત પાઠક, ઉશનસ્ જેવા ચિન્તનપ્રધાન ઉત્કૃષ્ટ સૉનેટ કવિ પાસેથી નથી મળ્યાં. કુલ સોનેટોની સંખ્યા જ ઓછી છે. આમાં બે સૉનેટો વિરલ અપવાદરૂપ છે અને કોઈ પણ ગુજરાતી સૉનેટોનો સંગ્રહ એના વિના અધૂરો ગણાય એવાં ઉત્કૃષ્ટ છે. ‘પિતૃકંઠે’ અને ‘ફરીથી’ બંને ઉત્તમ સોનેટો છે. એમાંયે ‘ફરીથી’ તો ગુજરાતી કવિતામાં બાલમુકુન્દના ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટની જેમ અમર રહેવા સર્જાયેલી કૃતિ છે. ‘જૂનું ઘર ખાલી કરતાં’ કાવ્યમાં બાળવયે અવસાન પામેલા પનોતા પુત્રને વ્યથિત પિતાની સ્મરણાંજલિ છે; ‘ફરીથી’ કાવ્યમાં પંડિત પિતાને શોકસંતત્પ પુત્રની નિવાપાંજલિ છે. એક બાજુ ‘ફરીથી’ બાલમુકુન્દના ‘જૂનું ઘર ખાલી કરતાં’ની યાદ અપાવે છે તો બીજી બાજુ ન્હાનાલાલના ‘પિતૃતર્પણ’ની સ્મૃતિ જગાડે છે. નવી કવિતાના મદમાં આવી જઈને ન્હાનાલાલે પિતા દલપતરામનો જે અનાદર કરેલો તેનું તીવ્ર પ્રાયશ્ચિત્ત ‘પિતૃતર્પણ’માં છે: “રે અપમાનને ગારે આ હાથે દેવ અર્ચિયા”. ભગવતીકુમારના હાથે પિતાનો અનાદર પિતાનું અપમાન થાય એ અકલ્પ્ય છે. છતાં પિતાનો સામવેદના મંત્રોના જ્ઞાનનો અને એ ઋચાઓના ગાનનો વારસો પોતે ન જાળવી રાખ્યો તેની આત્મનિર્ભર્ત્સના એટલી જ તીવ્ર છે. ભગવતીકુમાર ઉત્તમ કવિ, ઉત્કૃષ્ટ નવકથાકાર, ‘ગુજરાત મિત્ર’ના તંત્રી, ગુજરાતી હિન્દી, અંગ્રેજી ભાષાસાહિત્યના વિદ્વાન છતાં,

દીપાવ્યો ના વહન કરીને વારસો જ્ઞાન કેરો
પુત્રે, શીળા જનક તણી આ કિન્તુ વિદ્યા અપુત્રા
શોષાઈ રે, રણમહીં ગઈ શારદા મંત્રભીની.

પિતાની “વિદ્યા અપુત્રા” જ રહી ને! સર્જન અને જ્ઞાનની આટઆટલી સિદ્ધિ સંપાદન કર્યા પછી પણ ભગવતીકુમારનાં ખેદ અને અસંતોષ માત્ર કવિ તરીકે જ નહિ, વ્યક્તિ તરીકે પણ એમના સંવેદનશીલ અંતઃકરણની સમૃદ્ધિ દર્શાવે છે. પિતા ગયા, એમની વિદ્યા પણ એમની સાથે ગઈ. હવે આ કાષ્ઠ-પેટીમાં જકડાઈ રહેલાં પોથી-પાનાંઓને સંઘરી રાખવાનો શો અર્થ? ભલે બીજા કોઈ શ્રોત્રિયને એ ઉપયોગી થાય. “કઠણ હૃદયે” કોઈને સોંપી દે છે. પરંતુ કવિનો શોક સૉનેટની છેલ્લી બે પંક્તિઓમાં મન્દાક્રાન્તાના કાંઠા તોડીને સ્ત્રગ્ધરાના વિલંબિત લયમાં પ્રલંબ સૂરે છલી ઊઠે છે :

જાણે દીધા વળાવી જનક જ ફરીથી સ્કન્ધ પે ઊંચકીને,
ભીની આંખે ભળાવ્યા ભડભડ બળતા અગ્નિઅંકે ફરીથી.

આ અંતિમ પંક્તિઓ વાચકના ચિત્તમાં કાયમને માટે કોરાઈ જાય છે. ભગવતીકુમારે એમના છેલ્લા કાવ્યસંગ્રહ ‘ઝળહળ’માં પહેલી જ વાર ભક્તિગીતો પણ આપ્યાં છે. સુરેશ દલાલ જેવા આપણા કાવ્યપ્રેમી અને કાવ્યમર્મી કવિવિવેચકે ‘ઝળહળ”ની પ્રસ્તાવનામાં આ ભક્તિગીતોની પ્રશંસા પણ કરી છે. ભગવતીકુમાર પોતે પણ લખે છે : “ઝળહળ’માં એક ગુચ્છ ભક્તિગીતોનું પણ છે. હવે હું આયુષ્યના ૬૧મા વર્ષમાં પ્રવેશ્યો છું એટલે કોઈકને કદાચ આ રચનાઓ સંદર્ભે ‘ઘડપણમાં ગોવિન્દ ગાશું’ની ઉક્તિ પણ સાંભરે! વયના પ્રભાવનો હું ઈન્કાર કરી શકું તેમ નથી, પરંતુ આ રચનાઓ મારા એક પ્રબળ ભાવવિશેષની ફલશ્રુતિ છે એટલું હું અવશ્ય કહીશ. એ ભાવવિશેષનો સમયખંડ હતો અલ્પ, પરંતુ તેમાં મેં પ્રપાત જેવી કાવ્યાનુભૂતિ-અભિવ્યક્તિની રમણા ઝીલી તો હતી. તે મારા પૂરતી તો અનન્ય છે.” કાવ્યસર્જન એક વિલક્ષણ ઘટના છે. કાવ્યપદાર્થ ક્યારે હાથતાળી દઈને છટકી જાય તેની ખબર પડતી નથી. કવિની નિષ્ઠા ગમે તેટલી સાચી હોય, તેની લગન ગમે તેટલી તીવ્ર હોય કે તેની ભક્તિ ગમે તેટલી ઉત્કટ હોય, તેથી કાવ્યનું રૂપ પરિણમશે જ એ ખાતરીપૂર્વક ન કહી શકાય. ગુજરાતી કવિતાના ઈતિહાસમાં આનાં બે માર્ગદર્શક દૃષ્ટાન્તો છે. એક સુન્દરમના ચક્રદૂતની રચનાનું છે. મારી સ્મૃતિ જો સાચી હોય તો ‘કાવ્યમંગલા’ની શરૂઆતની આવૃત્તિમાં સુન્દરમે પોતે જ આ વાત કરી છે. ‘કાવ્યમંગલા’ની મારી પાસે પાંચમી આવૃત્તિનું ૧૯૮૦નું જે પુનર્મુદ્રણ છે તેની પ્રસ્તાવનામાં આ વાતનો ઉલ્લેખ નથી. આજે અહીં અમેરિકામાં બેસીને ‘કાવ્યમંગલા’ની જૂની આવૃત્તિનો રેફરન્સ ક્યાંથી મેળવવો? માટે કંઈ સરતચૂક થાય તો વાચકોની પહેલેથી જ ક્ષમા માગીને ઝંપલાવું છું. સાબરમતી (કે વીસાપુર?) જેલમાં સુન્દરમ્ સત્યાગ્રહી તરીકે ગયેલા ત્યારે ‘ચક્રદૂત’ લખેલું. ‘મેઘદૂત’ને અનુસરીને ખાસ્સા ૨૦૦ મન્દાક્રાન્તાના શ્લોકોમાં યરવડાચક્ર ગાંધીજીનો સંદેશો સમગ્ર ભારતવર્ષમાં પ્રસારે છે. સુન્દરમે ગાંધીજી પ્રત્યેના અપાર ભક્તિભાવથી પ્રેરાઈને આ કૃતિ લખેલી. કાવ્યગુરુ બળવંતરાય ઠાકોરને બતાવી. ઠાકોરે બે જ શબ્દોમાં કહ્યું કે બે વરસ રાહ જો. છપાઈશ તો પસ્તાઈશ. સુન્દરમ્ નોંધે છે કે એમને આ કાવ્યને રદ કરવા માટે બે વરસ રાહ નહોતી જોવી પડી! આવી ભક્તિભાવપ્રેરિત અને મહત્ત્વાકાંક્ષાથી રચાયેલી કૃતિ કાવ્યરૂપ ન બની. પણ આ કૃતિના અર્પણ રૂપે સહજભાવે લખાયેલી ‘કાલિદાસને’ ‘કાવ્યમંગલા’માં સચવાઈ છે. આવું જ બીજું દૃષ્ટાન્ત છે હરીન્દ્રનું. હરીન્દ્રને શ્રી અરવિન્દ અને માતાજી પ્રત્યે ઊંડો ભક્તિભાવ હતો. આ ભક્તિભાવથી પ્રેરાઈને હરીન્દ્રે થોડીક કવિતાઓ પણ લખી છે. દુર્ભાગ્યે એમાંની એક પણ રચના કાવ્યનું રૂપ પામી નથી. પરંતુ સુન્દરમને ઉદ્દેશીને રચાયેલી ‘પળનાં પ્રતિબિમ્બ’ નવલકથાની અર્પણપંક્તિઓ ગુજરાતી કવિતાનાં ઉત્તમોત્તમ અર્પણકાવ્યોની જોડાજોડ બેસી શકે તેવી છે. રામનારાયણ પાઠકનું અર્પણકાવ્ય :

વેણીમાં ગૂંથવાં’તાં –
કુસુમ તહીં રહ્યાં
અર્પવાં અંજલિથી.

અને બાલમુકુન્દની અર્પણ પંક્તિઓઃ

ઊજળી રાતે
પવન પ્રપાતે
માધવીનાં ગરે ફૂલ :
એવાં એકબે અશ્રુ-મુકુલ!

અને હરીન્દ્રનો કાન્તોપમ શિખરિણી :

તિતિક્ષા તો ધારી લઈશ, કવિ, આપો વચન કે
તમારી સંગાથે કમલવનને પ્રાન્ત મુજને
મળી જે શાંતિની ચરમ ક્ષણ, એ શાશ્વત રહે.

ટૂંકમાં, કાવ્યનો લીલાવ્યાપાર ઈશ્વરભક્તિને પણ વશવર્તી નથી. નરસિંહથી માંડીને મકરંદ સુધીની અસરો ભગવતીકુમારે ઝીલી છે. પણ એ કાચી સામગ્રી કાવ્યના રસાયણમાં રૂપાંતર નથી પામી. ‘ભયો ભયો’ કાવ્યના અન્ત્યાનુપ્રાસો આ ભજનોની કૃત્રિમતાની ચાડી ખાય છે: “ભયો ભયો, જયો જયો, થયો થયો, દયો દયો.” પણ આ ભક્તિગીતોમાં પણ એક સુભગ અપવાદ છે : ‘હરિ, સુપણે મત આવો!’ આ એક જ અનુપમસુન્દર કૃતિ ભગવતીકુમારને સરોદ અને મકરંદ જેવા અર્વાચીન ભક્તિકવિઓની હરોળમાં બેસાડી દે તેવી સમૃદ્ધ છે. વળી, વ્રજભાષાની છાંટથી આ ભક્તિગીત દલપતરામથી સુન્દરમ્ સુધીના આપણા કાવ્યવારસાને જાળવી રાખે છે અને ઉજમાળો બનાવે છે.

હરિ, સુપણે મત આવો!
મોઢામોઢ મળો તો મળવું
મિથ્યા મૃગજળમાંહ્ય પલળવું

બીજા અંતરાની પ્રથમ પંક્તિનું કવિકર્મ અદ્ભુત છે –

પરોઢનું પણ સુપણું, એનો કબ લગ હો વિશ્વાસ?

સવારના પહોરમાં આવેલાં સ્વપ્નાં સાચાં પડે એ પ્રચલિત માન્યતાનો કવિએ કેવો કાવ્યમય ઉપયોગ કર્યો છે! અને ‘સુપણું’નો નાન્યતર શબ્દપ્રયોગ એની અકિંચિત્કરતાને અને ન્યૂનતાને કેટલી સમૃદ્ધ રીતે વ્યક્ત કરે છે!

સુપણામાં સો ભવનું સુખ ને સન્મુખની એક ક્ષણ
અને ‘કાં આવો કાં તેડાવો!’ની આરત હૃદયસ્પર્શી છે.

આ પદ પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા સંગીતજ્ઞની વાટ જુએ છે. ફરીથી સુન્દરમ્’ના ‘સબ અપની અપની ગતમેં’ની પુરુષોત્તમભાઈની સંગીતરચના જેવો ચમત્કાર બને તો આપણે ધન્ય થઈ જઈએ. આ કૃતિ પણ સુન્દરમની રચનાની જેમ વ્રજભાષાની છે એ પણ કેવો યોગાનુયોગ છે?

ગઝલ

ગઝલ કાવ્યસ્વરૂપમાં ભગવતીકુમારને અપ્રતિમ સફળતા સાંપડી છે. ગુજરાતી કવિતામાં ગઝલની શરૂઆત થઈ બાલાશંકર, મણિલાલ નભુભાઈ અને કલાપીથી. આ પ્રારંભિક ગઝલકારોની ગઝલોમાં છંદ અને રદીફ-કાફિયાની ચુસ્તતા હંમેશાં જળવાઈ નથી પણ ગઝલનું અંતરંગ, અરબી-ફારસી-ઉર્દૂ ગઝલને અનુરૂપ, એમાં પૂરેપૂરું જળવાયું છે. બહિરંગ અને અંતરંગ, બન્ને દૃષ્ટિએ, ઉત્કૃષ્ટ ગઝલો શયદા, મરીઝ, બેફામ, અમૃત ઘાયલ પાસેથી મળે છે. આદિલ મન્સૂરી, મનોજ ખંડેરિયા, ચિનુ મોદી અને રાજેન્દ્ર શુક્લ જેવા ગઝલકારો દ્વારા ગુજરાતી ગઝલ નવું પરિમાણ પ્રાપ્ત કરે છે. સનમ, સાકી અને સુરા, ઈશ્કે મિજાજી અને ઈશ્કે હકીકી, ફારસી અને ઉર્દૂ શબ્દો અને કાવ્યપરંપરાઓ, ગઝલમાં અનિવાર્ય ગણાતું તગઝ્ઝુલ, ગઝલનો લાક્ષણિક ‘મિજાજ’ આ બધી ચુસ્ત મર્યાદાઓમાંથી ગઝલ મુક્ત બને છે. ગઝલપરંપરામાં મોટું પરિવર્તન આવ્યું. ભગવતીકુમાર નવી શૈલીના, નવીન જાગૃતિના ગઝલકાર છે. ઉર્દૂ ગઝલની પરંપરાના ગઝલના બહિરંગના નિયમો બહુધા ભગવતીકુમારે સ્વીકાર્યા છે. પરંતુ અંતરંગની દૃષ્ટિએ કોઈ પણ વસ્તુ, કોઈ પણ વિષય, કોઈ પણ અનુભૂતિ, કોઈપણ સંવેદનનો એમની ગઝલમાં પરિહાર નથી. અભિવ્યક્તિની શૈલીમાં પણ એવી જ સમૃદ્ધિ અને તાઝગી છે. કાવ્યસ્વરૂપની દૃષ્ટિએ ગઝલનું બંધારણ ઠીક ઠીક મર્યાદિત છે. ગઝલનાં મર્યાદિત વૃત્તો, દ્વિપદીની રચના, કાફિયાની ચુસ્તતા, એકેએક શે’રની સ્વયંપર્યાપ્તતા - આમ પરંપરાની દૃષ્ટિએ ગઝલ ઠીક ઠીક નિયમબદ્ધ છે. ખુદ ગાલિબે પણ ફરિયાદ કરી છે :

બકદરે શૌક નહીં ઝર્ફ તંગનાએ ગઝલ
કુછ ઔર ચાહિયે વુઅસત મેરે બયાઁ કે લિયે.

‘મારા વિચારોને હું મુક્તપણે ગઝલમાં રજૂ કરી શકતો નથી કારણ કે ગઝલનું સ્વરૂપ મને સાંકડું પડ્યું છે. મારા બયાન માટે થોડીક વધુ મોકળાશ (વુઅસત) જોઈએ.’ ભગવતીકુમારે પણ ગઝલની સ્વરૂપગત મર્યાદા પર ધ્યાન દોર્યું છે. ભગવતીકુમારને ગઝલમાં “ભાવવિશૃંખલતા” અને “ભાવશબલતા કે ભાવસઘનતાનો અભાવ" સાલ્યા છે: "કિનારાની આંકી જડ કઠણ માઝા” ને સાચવી રાખીને પણ, અને ક્યારેક “ઉથાપી લોપી”ને કવિ અભિવ્યક્તિ સાધે છે અને સહૃદયોને પરિતોષે છે. ભગવતીકુમારની અનેક ગઝલો સાદ્યન્તસુંદર છે અને કેટલીયે ગઝલો ને કેટલાયે શે’રો સહૃદયોને આહ્લાદ આપી જાય છે.

એકાકી છું હું ક્રૌચની તૂટેલી જોડ શો
સંદર્ભ છે વ્યથાનો ત્યાં થોકેથોક છું.

આ છે ભગવતીકુમારની સમગ્ર ગઝલસૃષ્ટિનો સ્થાયિભાવ, તેમની સમસ્ત કવિતાનું ધ્રુવપદ : ‘સંદર્ભ છે વ્યથાનો ત્યાં થોકેથોક છું.” ભગવતીકુમારની કાવ્યસૃષ્ટિમાં વ્યથાનો સંદર્ભ છે, વેદનાની વિકલતા છે, સૂર્યનો પ્રકાશ આથમી જાય છે, સંધ્યા બુઝાઈ જાય છે, રાત્રિની અંધારઘેરી કાલિમા ગ્રસી જાય છે, નિરાશા અને હતાશાનું પૂર વ્યાપી વળે છે, એકલાપણા ને અટૂલાપણાની આજીવન કેદમાં માણસ પુરાઈ જાય છે, સુખ અને આનંદ નામના પ્રદેશમાંથી માણસ કાયમ માટે નિર્વાસિત થાય છે. મને એક વિચાર આવે છે કે ભગવતીકુમારની કવિતાનો કોન્કોરડન્સ બનાવ્યો હોય તો એમાં નકારાત્મક, નિરાશાવાચક, નિષેધાત્મક, નાસ્તિવાચક, અશ્રદ્ધામૂલક શબ્દોની જ યાદી બનશે. એમના થોડાક ઉત્તમ શે’રોની શબ્દાવલી જુઓ: વ્યર્થ, બોજ, જીર્ણ, સાંકળ, થોર, રણ, લાશ, ખોટ, વેદના, એકાકી, પડછાયો, ઓથાર, રિક્ત, વેરાન, વિજન, ખંડિત, જાસાચિઠ્ઠી, ડૂમો, ધુમ્મસ, છલના, આભાસ, ઉદાસી વગેરે, વગેરે. અરે, એમની ‘વગેરે’ ગઝલનો મત્લા જુઓ ને :

રેત-ડમરી-મૃગ-તરસ-મૃગજળ વગેરે....
મન-મરણ-શ્વાસો-અનાદિ-છળ વગેરે....

અને એનો મત્લા જુઓ : (આખરી શે’રને મક્તા કહેવાની સ્વતંત્રતા રાખી છે, કવિનું નામ એમાં હો યા ન હો)

શ્વાસ-ધબકારા-હૃદય-લોહી-શિરાઓ
લાગણી-ડૂસકું-ચિતા-બળબળ વગેરે....

યોગ્ય રીતે નામકરણ પામેલી ‘માણસ ગઝલ’, કવિના વ્યથિત દર્શનની પ્રતિનિધિ ગઝલ છે. એની શરૂઆત થાય છે :

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

અને એનો અંત આવે છે :

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે
હતા આપણે મૂળ તડકાના માણસ.

પહેલો શે’ર માનવીની નગણ્યતાને અને છેલ્લો શે’ર એની વ્યથાને આકારિત કરે છે. કવિનો ભય તો એવો છે કે

વસે છે એટલા પડછાયા મારી આંખોમાં :
હું જોઉં છું માનવી ને મારે હૈયે ફાળ પડે.

કવિની વેદનાને મૂર્તિમંત કરતો આ લાજવાબ શે’ર તો જુઓઃ

કેટકેટલા ઝીલ્યા હશે જખ્મો કહો?
લોહીભીનો મુજને પડછાયો મળ્યો !

હરીન્દ્રની જેમ ભગવતીકુમારને મૃત્યુનું અદમ્ય આકર્ષણ છે:

ઝટ કરો હે શ્વાસ, વીતી જાય ના
કબ્રપુષ્પોનો પીમળવાનો સમય!

ચલો આ શ્વાસ કેરી વાસ્તવિકતાથી છૂટી જઈએ,
હવે સૂરજને ઠુકરાવીને ધુમ્મસમાં ભળી જઈએ.

ભણકાતા મારા મૃત્યુની ચિંતા નહીં કરો
મૂળથી જ જીવવાની હું ઝુંબેશમાં નથી.
અને, મૃત્યુની માટેની આ ઉપમા તો જુઓ:
એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આણે આવશે!

ગઝલસર્જનના ક્ષેત્રે પણ કવિ પ્રયોગશીલ છે. ચીલાચાલુ અરબી-ફારસી-ઉર્દૂ શબ્દોની ભરમાર તો એમની ગઝલોમાં નથી જ. પરંતુ રાજેન્દ્ર શુક્લ જેમ શુદ્ધ સંસ્કૃત તત્સમ શબ્દો સર્જકતાથી ગઝલમાં પ્રયોજે છે એમ આપણા કવિને તળપદા ગુજરાતી શબ્દોનો લેશમાત્ર પણ છોછ નથી. ખાલીપા, ગળચટું, બાળોતિયું, ટોડલો, ફટાણાં, મરશિયા, મોંસૂઝણું, નેજવું, છૂંદણાં – આ શબ્દોનો કવિ સર્જકતાથી પ્રયોગ કરે છે. ક્યારેક એક આખી પંક્તિ હિન્દીમાં લખે છે તો ક્યારેક આખી પંક્તિ અંગ્રેજીમાં આપે છે :

આઈ ફીડ માય વર્ડ્ઝ ટુ ધિ કમ્પ્યૂટરાઇઝ્ડ વર્લ્ડ,
ઊર્મિનો ડૅશ-ડૉટમાં આકાર ઊતરે.

પશ્ચિમની સંસ્કૃતિની વિભાવનાને વ્યક્ત કરવા માટે અંગ્રેજી શબ્દોનો આવો અને આટલો સર્જનાત્મક પ્રયોગ ગુજરાતી ગઝલમાં, બલકે ગુજરાતી કવિતા, પહેલી જ વાર જોવા મળે છે. ‘શહેરે લખેલી ગઝલ’ અને ‘ફલેટ’માં આનાં ઉત્તમ દૃષ્ટાન્તો છે. ‘ફલેટ’ના છેલ્લા બે શે’રોમાં ગુજરાતી કરતાં અંગ્રેજી શબ્દો વધારે છે!

ટીવી, ફોન, ડેકોર, સોફા-કવર
બન્યો છું હું ઇન્ટીરીયર ફલૅટમાં.
હલો - હાઈ - એક્સક્યુઝમી - થેંક્સે લૉટ,
છે શબ્દોનું પોકળ નગર ફ્લૅટમાં.

‘પાછળ’ ગઝલની આ પંક્તિ જુઓ:

એક હૅપનિંગ જેવું જીવતર, ઈમ્પ્રોવાઇઝ કર્યા કરવાનું.

એક જ ગઝલ ‘માણસની ગઝલ’-માં કવિ એક શે’રમાં “ફટાણાંના માણસ, મરસિયાના માણસ”માં નર્યા તળપદા શબ્દો પ્રયોજે છે અને બીજા શે’રમાં “ટુ બી – નોટ ટુ બી”ની ‘હા-ના’ના માણસ” એમ બેધડક અંગ્રેજી શબ્દો વાપરે છે. ક્યારેક આપણા કવિ નિરંજનનાં ‘પ્રવાલદ્વીપ’ નગરકાવ્યોની યાદ આપે છે. અલબત્ત, નિરંજન જેવી વક્તવ્ય અને અભિવ્યક્તિની પ્રખર તીવ્રતા અને તીક્ષ્ણતા સિતાંશુની ‘જટાયુ’ અને ચિનુ મોદીની ‘વિ-નાયક’ જેવી અપવાદરૂપ કૃતિઓ બાદ કરતાં બીજે ક્યાંય જોવા નથી મળતી. ‘શહેરે લખેલી ગઝલ’નો આ શે’ર જુઓ :

આ ગણ્યાગાંઠ્યા ટહુકા, વૃક્ષ તો ક્યાંય નથી,
છે સમયના ડ્રોઇંગ રૂમે પંખી નામે વૉલકલૉક.

સરખાવો નિરંજન :

વનસ્પતિ નહીં, ન વેલ, નહીં વૃક્ષ જ્યાં ઝૂમતાં
વિહંગ નહીં, રેડિયો ટહુકતો પૂરે વૉલ્યુમે.

‘નામ’ ગઝલનો આ શે’ર

મોસમ અહીં તો કોઈ પણ છલનાની હોય છે,
શ્રાવણ-અષાઢ રાખીએ આ ઝાંઝવાનું નામ.

‘નિયોનનું ટોળું’નો આ શે’ર
દોડતો રહે છે અહીં પૅરેલિસિસ;
ને હરણનું મુક્ત કો’ પગલું નથી.

આ બન્નેની જોડે સરખાવો નિરંજન:

છતાંય મોસમો બધી કળાય છે, ન થાય ભૂલ,
ફૂલથી નહીં, ન શીત લૂ થકી,
પરંતુ સ્મૉલપૉક્સ, ટાઈફોઈડ, ફલૂ થકી.

‘વેળા આવી’ એ આખી ગઝલ, એનો એકએક શે’ર મૃત્યુનાં મુક્તિ અને માંગલ્યને મધુર અભિવ્યક્તિથી વધાવે છે. ભગવતીકુમારે આપણને અનેક નિતાંતસુન્દર ગઝલો આપી છેઃ બારમાસી, માણસની ગઝલ, દ્વાર ઊઘડ્યાં નહિ, આ ઘર, ઉંબર ને ફળિયામાં, ગામ આવી ગયું, ફલેટમાં, વેળા આવી, રાત વીતી નહીં, ચાલ્યા, એક ઑફિસ, છૂંદણાં, એક ચોમાસુ ગઝલ, નામ સૂરત, અંધની ગઝલ- આ યાદી સહેલાઈથી હજી લંબાવી શકાય. કવિની ઉત્તમ ગઝલોનું એક લક્ષણ ફરીથી તરી આવે છે. આમાં આનંદનો ઉદ્ગાર વ્યક્ત કરતી માંડ બેએક ગઝલો છે. ‘એક ચોમાસુ ગઝલ’માં આનંદની અભિવ્યક્તિના કેટલાક અનુપમસુન્દર શે’ર છે :

બેસતે ચોમાસે ટહુકો સાંભર્યો
મેઘનો જરિયાન સાફો સાંભર્યો.
મ્હેકની નૌકા લઈ નીકળી પડું,
ઈન્દ્રધનુનો રંગકાંઠો સાંભર્યો.
બારીઓ, નેવાં, અગાશી તરબતર,
તારો કાગળ ભીનો ભીનો સાંભર્યો.

કવિની વાણીનો લય આપણને તરબતર કરી મૂકે છે. છતાં “સાંભર્યો” એ શબ્દમાં વિષાદની છાંટ નથી? આ ઉત્તમ ગઝલોની એક બીજી લાક્ષણિકતા આશ્ચર્ય પમાડે તેવી છે. ભગવતીકુમારે નવલકથાઓમાં શૃંગારનું, પ્રિયતમ-પ્રિયતમાના શારીર પ્રેમનું નિઃસંકોચ કલાત્મક નિરૂપણ કર્યું છે. પરંતુ એમની ગઝલોમાં શૃંગારની, સંભોગશૃંગાર તો શું, વિપ્રલંભશૃંગારની પણ છાંટ સુધ્ધાં નથી. ગઝલની એક પ્રચલિત વ્યાખ્યા - પ્રિયતમા સાથે ગોઠડી - એ સ્વરૂપમાં જ શૃંગારનો સદંતર અભાવ? શૃંગારની રહેજ આછી ઝલક ‘છૂંદણા’માં છે :

પાલવ સર્યો ને છાતીએ વંચાયું એક નામ,
ચૂગલી કરીને મોજથી મુસ્કાય છૂંદણાં.

સુન્દરમની “છાતીએ છૂંદણાં છૂંદાવા બેઠી ભરબજારની વચ્ચે, હો”ની જોડે સરખાવતાં આપણા કવિનો સંયમ ભાગ્યે જ સંતર્પક નીવડે. સૂરતના આ કવિની ‘નામ સૂરત’ ગઝલ આપણાં વતનપ્રેમનાં ઉત્તમ કાવ્યોમાં સ્થાન પામે તેવી ઉત્કૃષ્ટ કૃતિ છે :

વ્રજ વહાલું છે મને, વૈકુંઠમાં શું દોડી આવું?
રાધિકા શો હું ભ્રમર છું, મુજ કમળનું નામ સૂરત.
અને કવિએ નર્મદનું આ ચિત્ર આપ્યું છે તે જુઓ:
પાઘ રાતી, પાસ પુસ્તક, તર્જની લમણે ધરેલી,
લાગણી નામે મુલકના ક્ષેત્રફળનું નામ સૂરત.

“લાગણી” શબ્દ ગુજરાતી ભાષાને નર્મદે ઘડી આપ્યો છે એ કેટલા ગુજરાતીઓને ખબર હશે? ભગવતીકુમારે આ હકીકતનો કાવ્યમય ઉપયોગ કર્યો છે. ગઝલના ક્ષેત્રે ભગવતીકુમારનું સર્જન એટલું સમૃદ્ધ છે કે આપણે પ્રસન્ન પ્રસન્ન થઈ જઈએ છીએ. વક્તવ્ય કે અભિવ્યક્તિ, છંદ કે અલંકાર, લયનું લાલિત્ય કે અન્ત્યાનુપ્રાસોની સાહજિકતા, આ ગઝલો એવી નખશિખસુન્દર છે કે ક્યાંય ફરિયાદને અવકાશ રહેતો નથી. હા, ભગવતીકુમાર જેવો સમર્થ ગઝલકાર “બગાસું-પતાસું” જેવો અન્ત્યાનુપ્રાસ જોડે ત્યારે અકળામણ અનુભવાય. એક મીઠી ફરિયાદ પણ કરવાનું મન થાય છે. કવિની ઉત્તમ ગઝલોમાં ‘અંધની ગઝલ’નું સ્થાન છે.

એક નહિ, પણ સૂર્ય ડૂબ્યા બે ભલે;
રથ તો ચાલે છે અહીં અશ્વો વગર.

આ શે’ર તો અદ્ભુત છે. પણ “અંધની” એવું બોલકું શીર્ષક આપીને કવિએ સહૃદયોને વિસ્મયની ઉપલબ્ધિથી અને કાવ્યને વ્યંજનાની સમૃદ્ધિથી વંચિત કર્યા છે. ભગવતીકુમારની બે ઉત્તમોત્તમ ગઝલો છે : ‘ગામ આવી ગયું’ અને ‘ચાલ્યા’. ગુજરાતી ગઝલકાવ્યોનો કોઈ પણ પ્રતિનિધિ સંગ્રહ આ બે કૃતિઓ વિના અધૂરો ગણાશે. ‘ગામ આવી ગયું’ એ રચનાકલાના સ્થાપત્યનો અને ‘ચાલ્યા’ શબ્દશિલ્પનો ઉત્તમ નમૂનો છે. ‘ગામ આવી ગયું’નો મત્લા; એના બન્ને મિસરાઓ, વર્ષો પછી વતન પાછા ફરતાં થતા આહ્લાદને ઝંકૃત કરે છે :

લોહીમાં સૂર્ય જેવું ફૂટ્યું લખલું-ગામ આવી ગયું,
ભાંગતી રાતે વર્તાયું મોંસૂઝણું - ગામ આવી ગયું.

અને એ જ પ્રમાણે મક્તામાં પણ બંને મિસરામાં ગામ પાછા આવી ગયાના અવર્ણનીય આનંદને કવિ દ્વિગુણિત કરે છે :

ઘાસમાં, ચાસમાં ખાઈ લઉં – એકબે લીલાં ગોઠીમડાં,
બાળપણનું થશે ભીનું બાળોતિયું - ગામ આવી ગયું.

બાકીના શે’રનું સંવિધાન જુદી જ રીતે થયું છે. પ્રત્યેક શે’રના ઉલા મિસરામાં નગરજીવનની કટુતા આલેખાઈ છે અને સાની મિસરામાં ગ્રામજીવનનું માધુર્ય વ્યક્ત થયું છે. ગ્રામસંસ્કૃતિની વન્યસંપત્તિ, એનું સખ્ય, એનું વહાલ, વતનની મમતા - આ ભાવોને વ્યક્ત કરતી કવિની વાણી સરળ ઋજુમધુર રૂપ ધારણ કરે છે. “લીલાશનું ઝાપટું”, “ઓળખે છે અહીં પાંદડે પાંદડું", “આગિયાઓનું તારોડિયું”, “ભાઠું રેતીનું ટેટી વડે ગળચટું" આ તળપદા શબ્દોની મીઠાશ શહેરના સંતપ્ત ચિત્તને શીતળતાથી ઠારે છે. નગરજીવનનાં યાંત્રિકતા, મૂળવિહીનતા અને પરાયાપણા માટે કવિ ભાવને અનુરૂપ કટુકઠોર વાણી યોજે છે: “સડક કાળભીની”, “ચ્હેરાવિહોણી જલદ ભીડ”, “નિયોની મણિ”, “ઍરિયલ” “વૉશબેઝિન”. પશ્ચિમની સંસ્કૃતિની અસર હેઠળ આવેલા નગરજીવન માટે અંગ્રેજી શબ્દોનો પ્રયોગ પણ કેવો સમુચિત છે! ગઝલમાં વિરલપણે જોવા મળતું ભાવસાતત્ય, ભાવની સમૃદ્ધિ, સંવિધાનનું કૌશલ, ભાવાનુરૂપ શબ્દાવલી, ‘ગામ આવી ગયું’ના રદીફનો વિલક્ષણ પ્રયોગ, લીલાશનું ઝાપટું, લીલાં ગોઠીમડાં, અને બાળપણનું બાળોતિયું જેવા સર્જનાત્મક શબ્દપ્રયોગો; ઘાસમાં-ચાસમાં જેવા આંતરયમક અને આ બધાં જ અંગોના સૌષ્ઠવપૂર્ણ કલાવિધાનથી આ સંઘેડાઉતાર કૃતિ ગુજરાતી કવિતામાં વતનપ્રેમ, ઘરઝુરાપો અને અતીતનાં સ્મરણોનાં ઉત્તોમત્તમ કાવ્યો, જયંત પાઠકનું ‘વતનથી વિદાય થતાં’ અને રાજેન્દ્ર શાહના ‘ઘર ભણી’ની હરોળમાં માનભેર સ્થાન પામે છે. ‘ચાલ્યા’ એ ગઝલ ભગવતીકુમારના શબ્દશિલ્પનું અનુપમ દૃષ્ટાન્ત છે. ગુજરાતી ભાષા વિશેષણોના ભારથી અને ક્રિયાપદોની અલ્પતાથી જરા મેદસ્વી છે. અંગ્રેજીમાં નામ પરથી ક્રિયાપદ બનાવવાની જે સરળતા ને સાહજિકતા છે -બસ, -ize કે -ate કે એવા પ્રત્યયો લગાડી દો એટલે ક્રિયાપદ ઘડાઈ જાય -એવી સગવડ ગુજરાતીમાં નથી. અખા જેવો કોઈ પ્રતિભાશાળી કવિ “ખટપટને ખટપટવા દે" એમ ચાલતી કલમે “ખટપટ” નામ પરથી “ખટપટવા" ક્રિયાપદ યોજી લે. ત્યાર પછી ઠેઠ મનોજ ખંડેરિયામાં નામ પરથી ક્રિયાપદ યોજવાની સર્જકતા જોવા મળે છે. ભગવતીકુમાર નામ પરથી ક્રિયાપદ સર્જવામાં આ બન્ને કવિઓથી આગળ નીકળી જાય છે. ‘ચાલ્યા’ ગઝલના બધા જ કાફિયાઓ આવી વિરલ સર્જકતાથી મંડિત છે. મત્લા છે :

અમે વૃક્ષ ચંદનનું, ચીરાઈ ચાલ્યા,
છીએ લાગણીવશ તે લીરાઈ ચાલ્યા.

અને મક્તાની ચિંતનસમૃદ્ધિ અને સર્જકતા અદ્ભુત છે :

પડી જળનાં ચરણોમાં કાંઠાની બેડી,
છીએ આતમા, પણ શરીરાઈ ચાલ્યા.

‘લકીર’ પરથી ‘લકીરાઈ’ – “હથેળીમાં તારી લકીરાઈ ચાલ્યા"- અને ‘ફકીર’ પરથી ‘ફકીરાઈ’ – “અઝાનોમાં ગુંજી ફકીરાઈ ચાલ્યા” એ પ્રયોગો પણ સર્જકતાથી સભર છે. કવિ સર્જકતાનું વળી એક શિખર સિદ્ધ કરે છે - વ્યક્તિનામ પરથી ક્રિયાપદ યોજે છે :

અમે મહેતા નરસીની કરતાલ છૈએ,
અને મંજીરાં થઈને મીરાંઈ ચાલ્યા.
ગુજરાતી ગઝલમાં આવું નકશીકામ વિરલ છે.

નવલકથાકાર

નવલકથાકાર ભગવતીકુમાર કવિ ભગવતીકુમાર કરતાં પણ સફળ કલાકાર છે. નવલકથાઓ વિશે લખવું થોડું મૂંઝવણભર્યું છે. અમેરિકામાં વસતા ‘દેશવિદેશ’ના વાચકોએ આ નવલકથાઓ વાંચી હોવાનો સંભવ ઓછો ગણાય. એ સંજોગોમાં એની નુક્તેચીની કેટલી પ્રસ્તુત ગણાય? તેથી ‘દેશવિદેશ’ના વાચકોને સંમુખ રાખીને બેચાર વાતો ચર્ચવાનું યોગ્ય ગણ્યું છે. ‘અસૂર્યલોક’ની પ્રસ્તાવનામાં હરીન્દ્ર દવે નોંધે છે : “ત્રણચાર વરસ પહેલાં રઘુવીર ચૌધરીએ વાતવાતમાં કહ્યું હતું : ૧૯૮૭નું વર્ષ ‘સરસ્વતીચન્દ્ર’ના પ્રકાશનની શતાબ્દીનું છે. એ વર્ષે જ મુનશી જન્મશતાબ્દી આવે છે. એ વરસમાં કોઈ ઉત્તમ કૃતિ લખાવી જોઈએ. ત્યારથી મોટા ગજાની કોઈ કૃતિ ગુજરાતના કોઈ સર્જક પાસેથી સાંપડે તેની પ્રતીક્ષા હતી.” ૧૯૮૭ના વર્ષમાં જ રઘુવીર ચૌધરીનો સંકલ્પ ફળ્યો અને ભગવતીકુમાર ‘અસૂર્યલોક’ લઈને આવ્યા. ગુજરાતી ભાષાની ઉત્તમોત્તમ નવલકથાઓની બહુ જ ટૂંકી યાદીમાં પણ ‘અસૂર્યલોક’ને સ્થાન આપવું પડે તેવી આ માતબર કૃતિ છે. ગૌવર્ધનરામની ‘સરસ્વતીચન્દ્ર’, મુનશીની ‘જય સોમનાથ’, પન્નાલાલની ‘વળામણાં’, ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’, દર્શકની ‘દીપનિર્વાણ’ અને ‘ઝેર તો પીધાં જાણી જાણી’, સુરેશ જોષીની લઘુનવલો ‘છિન્નપત્ર’, ‘મરણોત્તર’ અને ‘વિદુલા’, ચંદ્રકાન્ત બક્ષીની ‘પૅરેલિસિસ’, રઘુવીર ચૌધરીની ‘અમૃતા’, હરીન્દ્ર દવેની ‘માધવ ક્યાંય નથી’, જોસેફ મૅકવાનની ‘આંગળિયાત’ - આ અને આવી ગુજરાતી નવલકથાસાહિત્યમાં સીમાચિહ્નો જેવી કૃતિઓમાં ‘અસૂર્યલોક’નું સ્થાન છે. તે વિશે કંઈ ઝાઝું ન કહેતાં માત્ર એટલું જ કહેવું પર્યાપ્ત રહેશે કે Buy, borrow or steal પણ જરૂર વાંચો. (આપણા એકૅડેમીના પ્રમુખ ડૉ.ભરત શાહ જણાવે છે કે ‘અસૂર્યલોક’ હવે અપ્રાપ્ય છે. અને નવી આવૃત્તિનાં કોઈ ઍધાણ નથી. ભરતભાઈ એમના લાક્ષણિક હાસ્યથી ઉમેરે છે કે Buy કરવાનો વિકલ્પ નથી; કૃતિ અપ્રાપ્ય છે એટલે કોઈ પાસેથી borrow પણ કરવા ન મળે; માટે એક જ વિકલ્પ રહ્યો! બીજું, બીજી આવૃત્તિ પ્રસંગે લેખકના અનવધાન પ્રત્યે પણ ધ્યાન દોરવું હતું : ‘અસૂર્યલોક’ના પૃષ્ઠ ૪૮૨ પર ‘અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું’ એ પંક્તિ આદિકવિ નરસિંહની નથી; અખાની છે.) ‘ઊર્ધ્વમૂલ’ ઉત્કૃષ્ટ નવલકથા છે. પણ એ વિદગ્ધ વાચકો માટે જ છે. રૂટલેસનેસ–મૂલવિહીનતા - એ આ કથાનું મૂળ છે: “આપણાં મૂળિયાં ધરતી સાથે જડાયેલાં નથી, એ તો આપણી સમસ્યાનું સ્થૂળ રૂપ છે. આપણે ઊર્ધ્વમૂલ નથી બની શકતાં એ આપણા ઝુરાપાનું ખરું કારણ છે. આપણાં મૂળ ધરતીમાં નહિ, આકાશમાં હોય એમાં જ આપણી સાર્થકતા..” ‘વ્યક્તમધ્ય’ નવલકથા કથાના નાયક પ્રમથેશ પંડ્યાના નિમિત્તે આપણા સૌની કરુણકથા છે. આદર્શ અને વ્યવહાર, સ્વપ્ન અને વાસ્તવિકતા આ બન્નેના સંઘર્ષમાં સામાન્યતઃ બને છે તેમ દુન્યવી ડહાપણ જીતે છે અને સ્વપ્નિલ આદર્શપરાયણતા હારે છે. ‘વ્યક્તમધ્ય’ની એક લાક્ષણિકતા છે એનો કથાસમય. માત્ર બેત્રણ દિવસના ગાળામાં લેખકે કેટકેટલાં પ્રસંગો અને પાત્રોની હારમાળા સર્જી છે. કોઈ દૃષ્ટિસંપન્ન દિગ્દર્શક મળે તો ‘જાગતે રહો’ની સ્પર્ધા કરે તેવી ફિલ્મની શક્યતા આ નવલકથા પૂરી પાડે છે. ‘સમયદ્વીપ’ પૂર્ણતયા મૂલ્યસંઘર્ષની નવલકથા છે. એક બાજુ છે અતીતની પ્રાચીન સંસ્કૃતિના – તેના બધા જ ગુણાવગુણો સાથે – પ્રતિનિધિ પિતા શિવશંકર; બીજી બાજુ છે નીરા - આધુનિક પશ્ચિમ સંસ્કૃતિની સારીમાઠી અસરો ઝીલતી પુત્રવધૂ. એ બન્ને વચ્ચે વહેરાય છે, રહેંસાય છે પુત્ર નીલકંઠ. ભગવતીકુમારના જ શબ્દોમાં, “વ્યતીત સમયનાં બધાં જ મૂલ્યો અને માન્યતાઓને વળગી રહી શકાયું નથી, તો નવા સમયનાં બધાં મૂલ્યો અને માન્યતાઓ સાથે પણ હજી સહમત થઈ શકાતું નથી.” ભારતીય અને અમેરિકી સંસ્કૃતિઓ વચ્ચે ઝોલાં ખાતી અને સોરાબરુસ્તમીથી ત્રસ્ત થતી અમેરિકાની ગુજરાતી ઇમિગ્રન્ટ પ્રજા ‘સમયદ્વીપ’માં પોતાની જ સમસ્યાઓનું પ્રતિબિંબ જોઈ શકશે. પ્રાચીન અને અર્વાચીન, પૂર્વ અને પશ્ચિમ, અતીત અને વર્તમાન મૂલ્યોનો સંઘર્ષ ભગવતીકુમારની ઉત્તમ નવલકથાઓનો ભિન્ન ભિન્ન વિવર્તો દ્વારા એકો હિ રસ છે. બહુધા આ સંસ્કૃતિમૂલ્યોના સંઘર્ષને નિરૂપવામાં લેખકે કલાકારનું તાટસ્થ્ય રાખ્યું છે. પણ ભારતીય સંસ્કૃતિ અને ભૂતકાળનાં મૂલ્યો માટેનો લેખકનો પક્ષપાત ક્યારેક ક્યારેક વ્યક્ત થયા વિના રહેતો નથી. ક્યારેક પશ્ચિમની સંસ્કૃતિને જાણેઅજાણે અન્યાય પણ થયો હોય તેમ લાગે છે. “રમાનાથકાકાનું ભારતીય સંગીત અને અભિજાતની સિતારનો રાગકલાપ -બધું ફિલહારમોનિક ઓરકેસ્ટ્રાની સિમ્ફની કે જાઝ-રોકના કલશોરમાં લુપ્ત..?” (અસૂર્યલોક, પૃ.૫૧૩). આ વિધાનમાં પશ્ચિમના સંગીત પ્રત્યેનો પૂર્વગ્રહ કઠે તેવો છે. ભગવતીકુમારની નવલકથાઓ ઘણુંખરું કરુણાન્ત હોય છે. લેખકની કથાસૃષ્ટિ “દુ:ખપ્રધાન સુખ અલ્પ થકી ભરેલી” છે. કથાનો અંત કાં મૃત્યુ કાં આત્મઘાતમાં આવે છે. આનંદની પળો અત્યંત વિરલ છે, વેદના જ વ્યાપક છે. અપવાદરૂપ કૃતિ છે: ‘અસૂર્યલોક’. એમાં વેદના ને વ્યથા ઉત્કટ છે પણ અંતે "Man will prevail’ની શ્રદ્ધાનો સૂર છે. “આ નવલકથામાં સાચો અને ચૈતસિક અંધકાર નાયક તથા ખલનાયકની બેવડી ભૂમિકા ભજવે છે. તે અંધકાર યુદ્ધમાં વિજયી બનતો હોવાનું લાગે છે, પરંતુ તેમાં જ મનુષ્યજાતિના અંતરપ્રકાશનો સાચો વિજય રહેલો છે.” ભગવતીકુમાર જેવા સંવેદનશીલ અને વિકાસોન્મુખ સર્જક અમેરિકા આવે છે. અમેરિકી સંસ્કૃતિનો પ્રત્યક્ષ પરિચય સંસ્કૃતિમૂલ્યોના એમના રસને વધારે પરિપ્લાવિત કરશે. અમેરિકાની સંસ્કૃતિને પણ એના કેટલાંક પાયાનાં મૂળભૂત મહાન મૂલ્યો છે. સ્વતંત્રતા - Give me liberty or give me death માટેની ઉત્કટ લગની આ સંસ્કૃતિની અપ્રતિમ વિશેષતા છે. માત્ર રાજકીય સ્વતંત્રતા જ નહિ, વ્યક્તિસ્વાતંત્ર્યનો આવો મહિમા દુનિયાના કોઈ પણ દેશે નહિ કર્યો હોય. કાયદો અને ન્યાયની સર્વોપરિતા, વ્યક્તિપૂજા નહિ, એ પણ આ સંસ્કૃતિની વિશિષ્ટ લાક્ષણિકતા છે. ‘અસૂર્યલોક’માં દેખાતા શ્રદ્ધાના વળાંકની સાથે જ્યારે અમેરિકાની સંસ્કૃતિનાં મૂલ્યોનો સમાગમ થશે ત્યારે ભગવતીકુમાર જેવા સર્જકના ચિત્તમાંથી કોઈ મહાન કૃતિ જન્મશે એવી આશા અસ્થાને નથી. અમેરિકાની યાત્રા સુખદ અને શુભપરિણામી નીવડે તેવી શુભેચ્છાઓ...