સાહિત્ય પલ્લવ – ભાગ ૧/અવિરામ યુદ્ધ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અવિરામ યુદ્ધ}}
{{Heading|અવિરામ યુદ્ધ|ગૌરીશંકર જોષી – ‘ધૂમકેતુ’}}
{{Poem2Open}}
{{Poem2Open}}



Latest revision as of 03:23, 27 March 2026

અવિરામ યુદ્ધ

ગૌરીશંકર જોષી – ‘ધૂમકેતુ’

દરિયો કેટલો તોફાની હતો એ બરાબર યાદ છે. મેલાં, ડહોળાં પાણીનાં ડુંગર ડુંગર જેવડાં મોજાં ઉપરાઉપરી ચાલ્યાં આવતાં હતાં, અને ખડકની સાથે પછડાઈને જાણે પાણીનો પણ લોટ થઈ જતો હોય તેમ નીચે પથરાતાં હતાં. એક જગ્યાએ તો ખડકમાં ઊંડી ઊંડી ખો હતી. એમાં પાણી ધસારાબંધ ચાલ્યું જતું હતું, અને એક ક્ષણમાં તોપ જેવો અવાજ કરીને પાછું નીકળી, સામેના ખડક સાથે પછડાઈ ઊંચે ઊડી, રજકણ જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું હતું. રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો. મોજાં ઊછળી ઊછળીને ખડકમાં પછડાઈને મોટા ‘ધૂબ’ અવાજ સાથે ધસારાબંધ પાછાં દોડતાં હતાં. સાંજની ધૂસર જામતી આવતી હતી; અને દેવદાનવના યુદ્ધ જેવો દરિયાનાં પ્રચંડ મોજાંનો અવાજ અંધકારને લીધે વધારે ને વધારે ભયંકર બનતો હતો. એવી સાંજે દરિયાકિનારે માત્ર એક જ સ્ત્રી પોતાના છોકરા સાથે ઊભી હતી. હંમેશાં દરિયાકિનારે જ ફરવાનો શોખ હોવાથી મને ખબર હતી કે દરિયો આટલા વામાં બહુ તોફાની ગણાય છે. માછીમારના કુટુંબનાં માણસો ટોળેટોળાં મળીને દરિયાપાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોતાં ઊભાં રહે છે. તે સ્થળ અહીંથી ઘણું દૂર હતું. સહજ જ મારાં પગલાં એમના તરફ વળ્યાં. મને જોતાં છતાં દેખતાં ન હોય તેમ બન્ને એક મીટ માંડીને દરિયા તરફ જ જોઈ રહ્યાં હતાં. છોકરો ખુશીમાં આવીને ઊંચો ઊછળ્યો, અને ‘આવી આવી’ કહીને કૂદવા લાગ્યો. મેં દરિયા ઉપર દૃષ્ટિ કરી, તો દૂર દૂર ઝાંખા ઝાંખા અંધકારમાં એક નાની સરખી હોડકી હિમાલય હિમાલય જેવડાં મોજાં ઉપર ચડીને નીચે પછડાતી ને પવનના ઝપાટાથી હાલકડોલક થતી નજરે ચડી. જેવો આનંદ આવ્યો તેવો જ ગયો હોય તેમ માદીકરો બન્ને અત્યંત ચિન્તાતુર ચહેરે એકીટસે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નીરખી રહ્યાં, અને બીજી ક્ષણે તો, જેમ તીર જાય તેમ, છોકરો બૂમાબૂમ કરતો હમેશ ઊતરવાના કિનારા તરફ દોડ્યો. ત્યાં માણસોની ઠઠ જામી હતી. હોડી એટલે બધે દૂર હતી, પવનનો ઝપાટો એટલો આકરો હતો, દરિયાનો વેગ એવો ભયંકર હતો, સુસવાટા એવા ભયાનક હતા, કે ભેગા મળેલામાંથી કોઈ પણ પેલી હોડીની મદદે જવા તૈયાર નહોતો. છોકરો બૂમાબૂમ કરતો એ ટોળામાં પહોંચ્યો. પવનનો એકેએક સપાટો હોડીને ઊંધી વાળીને હિમાલયના ડુંગર ઉપરથી જાણે નીચે ફેંકતો હોય તેમ હોડીને અફાળી રહ્યો હતો. માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું. આખા ટોળાને ‘આવી જાઓ’ એમ આહ્વાન કરતો હોય તેમ દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો. આ રુદ્રરૂપ હવે ક્યાં અટકશે એ કળવું જ મુશ્કેલ હતું. એમ જ બને છે. શાંત જણાતું આકાશ ફૂટે છે, કે પાન પણ ન ચાલતું હોય તેવી ગંભીરતામાંથી પવન છૂટે છે, કે કોઈ અતળ માનવહૃદયમાંથી જ્વાલા પ્રગટે. ત્યારે તે ક્યાં અટકશે એ કળવું મુશ્કેલ છે. કેટલાક વૃદ્ધોને મને તેનો ભોગ લેવાનો વખત થયો હતો, ને ભોગ લીધા વિના નહિ અટકે એમ લાગતું હતું. હોડી અને માણસ પરાજય ઉપર પરાજય સહી રહ્યાં હતાં. પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી, એમ એક પછી એક પરંપરા ચાલી હતી. સુસવાટ કરતા, જાણે રાક્ષસ ગર્જના કરતો હોય એવા ભયંકર અવાજે, આકાશ પાતાળ વીંધી નાખતા, પવનના એક ઝપાટે હોડીને અને માણસને જુદાં કરી નાખ્યાં — અને જાણે આ કૃત્યની જ રાહ જોતું હોય તેવા એક પ્રચંડ મોજાએ બન્નેને દૂર દૂર ફેંકી દીધાં : જીવનને અને જીવનના આધારને. બધા જાણે સમજી ગયા હોય કે દરિયો ભોગ લેશે જ તેમ તદ્દન શાંત બની ગયા : બળતે હૃદયે, લાચાર મનોદશાએ, તુમુલ યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા. મનુષ્ય થાક્યો હતો, એનો બધો પ્રયત્ન વ્યર્થ જતો હતો. હવે ડૂબવું છે, તો છેવટે કાંઠા તરફ જોઈને જ ડૂબવું એટલો જ આશાતંતુ બાકી રહ્યો. મનુષ્ય હાર્યો. દરિયો જીત્યો. ટોળામાંથી રુદનના અનેક સ્વરો છૂટ્યા. પેલાં માદીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો વધારેમાં વધારે ભયંકર બનતો ગયો. એ કરુણ ભયંકર દૃશ્ય ઘણા દિવસ સુધી કાંઠા પર ને કાંઠા પર ભટકતું હોય તેમ, જ્યારે જ્યારે હું ફરવા નીકળું ત્યારે નજર આગળ ખડું થઈ જતું. લગભગ એકાદ વર્ષ વહી ગયું હશે. એક સવારે વહેલો ફરવા નીકળ્યો. દરિયાકિનારે ભીનાશ જામી હતી. બધે આછી ધૂસર જેવું લાગતું હતું. એ રસ્તા પર થઈને પસાર થતાં, અચાનક પેલા છોકરા પર દૃષ્ટિ પડી. તે દિવસે તેણે કરેલું આક્રંદ, મારેલા પછાડા, ને દોડી દોડીને જાણે દરિયા વચ્ચેથી હડી કાઢીને બાપને મળવા જાઉં એવી એણે બતાવેલી ઘેલછા, બધાં દૃશ્યો નજર આગળ તરી આવ્યાં. તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત. ‘મને હડી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લાવું : મને હડી કાઢવા દો—’ એ જ એની ધૂન હતી. ‘મારી પ્રચંડતાને પણ કુછ નહિ ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો,’ એ જોઈને કદાચ દરિયાને પણ શરમ થઈ હશે. આજે એ પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હતો. એની મા પણ એની પાસે ઊભી હોય એમ લાગ્યું. હું આગળ વધ્યો: ‘કેમ દોસ્ત! ઓળખાણ પડે કે?’ તેણે મારી સામે જોયું! પણ મને ઓળખ્યો નહિ, એટલે પોતાના કામમાં મશગૂલ બની ગયો. ‘આ તમે માછીમાર આવા કેવા? હજી તારો બાપ તોફાનમાં સપડાયો હતો એ નજર સામે દેખાય છે, ત્યાં તું પાછો એ ને એ ધંધો લઈને બેઠો?’ તે ઘડી વાર બોલ્યો નહિ. પોતાના કામમાંથી નવરો થઈને મારી સામે ઊભો રહ્યો : ‘સાહેબ! ભગવાને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે. નકર બીકના માર્યા બાપદાદાનો આ ધંધો છોડું તો તો મારું નાક વઢાઈ જાય! ‘ ‘પણ દરિયાનું તોફાન સાંભરે છે? — તે દિવસ —’ ‘અરે! મારા સાબ! દરિયાને તોફાન કરતાં આવડે છે ને ભગવાનને બચાવતાં નથી આવડતું? મારો બાપ એ તોફાનમાં મર્યો : મારા બાપનો બાપ પણ દરિયામાં જ મર્યો : અને મારું થાવાનું હોય ઈ થાય. પણ બીકનો માર્યો દરિયામાંથી પાછો પડું, તો તો આ મારી મા જોઈ? એનું નામ જ લાજે ને?’ તે પોતાની મા સામે જોઈને હસ્યો અને ઝપાટાબંધ ચપળતાથી હોડકામાં ચડી બેઠો : ‘લો રામ! રામ! સાંજે ફરવા આવશો કે?’ અને ગીત ગાતો ગાતો, જાણે દરિયો રમવાનું મેદાન હોય તેમ, તે આનંદભેર ચાલ્યો ગયો. ‘માડી! સાચવજે,’ એટલું કહીને, એની મા ઘર તરફ પાછી ફરી : ‘અમારો તો સાબ ધંધો. એમ બીક રાખવી કાંઈ પોહાઈ? અમે દરિયાના દીકરા, દરિયો અમારો બાપ. વહેલું મોડું સૌને મરવું છે ને?’ પેલો છોકરો આનંદભેર દરિયાનાં મોજાં કાપતો, મજા કરતો જતો હતો; હજી મારી સામે હાથ લાંબો કરીને રામરામ કરી રહ્યો હતો : હું એકીટશે દરિયો, હોડી, છોકરો, ને અનેક મછવા જોઈ રહ્યો. દરિયાના મોજા જેવો વિચાર પસાર થઈ ગયો, ‘શું શ્રમભરેલું જીવન અને રણમેદાન જ નિર્ભયતા આપતાં હશે? અને નિર્ભયતામાંથી જ ચારિત્ર ઘડાતું હશે?’

તણખા મંડળ બીજું ‘માંથી

સ્વાધ્યાય

૧. આ વાર્તાના મથાળાની ચર્ચા કરો. લેખકને વાર્તા દ્વારા જે કંઈ કહેવું છે તે આ મથાળું બરોબર સૂચવે છે?
૨. આ વાર્તામાં તમને શું ગમ્યું તે જણાવો.
૩. લેખકે તોફાનનું જે વર્ણન કર્યું છે તે ઉપરથી તોફાન તમારા મન સમક્ષ બરોબર ખડું થાય છે? આવાં તોફાનનાં બીજાં કોઈ વર્ણનો તમે વાંચ્યાં છે? ક્યાં?
૪. ‘શું શ્રમભરેલું જીવન અને રણમેદાન જ નિર્ભયતા આપતાં હશે? અને નિર્ભયતામાંથી જ ચારિત્ર ઘડાતું હશે?’ લેખકના આ પ્રશ્નોના તમે શા ઉત્તર આપશો?