સાહિત્યિક સંરસન — ૪/શાર્દૂલ અને મેધાની વાર્તા: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|1. શાર્દૂલ અને મેધાની વાર્તા|વિપુલ વ્યાસ }} | {{Heading|1. શાર્દૂલ અને મેધાની વાર્તા|વિપુલ વ્યાસ }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Vipul Vyas 1.jpg|right|175px]] | |||
ઈન્ડક્શન પર મૂકેલી હેન્ડલવાળી તપેલીમાં ઊકળતું પાણી જોયા કરું છું તો જોયા જ કરું છું, એ ઊકળીને અડધું થઈ જાય કે પછી પૂરેપૂરું ઊડી જાય ત્યાં સુધી. એના ઊકળવાનો ખડખડતો ધ્વનિ મને સંભળાય છે કે દેખાય છે !? એવા ભેદ હું પાડી શકતી નથી. | ઈન્ડક્શન પર મૂકેલી હેન્ડલવાળી તપેલીમાં ઊકળતું પાણી જોયા કરું છું તો જોયા જ કરું છું, એ ઊકળીને અડધું થઈ જાય કે પછી પૂરેપૂરું ઊડી જાય ત્યાં સુધી. એના ઊકળવાનો ખડખડતો ધ્વનિ મને સંભળાય છે કે દેખાય છે !? એવા ભેદ હું પાડી શકતી નથી. | ||
ઈન્ડક્શન પરથી ઉઠાવી એ ઊકળતા પાણીને કાચના પારદર્શક મગમાં રેડું છું ત્યારે એ ઉકળાટ જુદી રીતનો અવાજ બની જાય છે. ખળખળતો કે ખદબદતો કે પછી... બીજો કોઈક. મારી ગ્રીન ટીનો રંગ ગ્રીન નથી એવું કેટલીય વાર નોંધાયું છે મનમાં. એ મારા આ કાચના મગની પારદર્શકતાને કશાક નામ વગરના રંગમાં ફેરવી નાંખે છે. | ઈન્ડક્શન પરથી ઉઠાવી એ ઊકળતા પાણીને કાચના પારદર્શક મગમાં રેડું છું ત્યારે એ ઉકળાટ જુદી રીતનો અવાજ બની જાય છે. ખળખળતો કે ખદબદતો કે પછી... બીજો કોઈક. મારી ગ્રીન ટીનો રંગ ગ્રીન નથી એવું કેટલીય વાર નોંધાયું છે મનમાં. એ મારા આ કાચના મગની પારદર્શકતાને કશાક નામ વગરના રંગમાં ફેરવી નાંખે છે. | ||
Latest revision as of 18:09, 5 April 2026
વિપુલ વ્યાસ
ઈન્ડક્શન પર મૂકેલી હેન્ડલવાળી તપેલીમાં ઊકળતું પાણી જોયા કરું છું તો જોયા જ કરું છું, એ ઊકળીને અડધું થઈ જાય કે પછી પૂરેપૂરું ઊડી જાય ત્યાં સુધી. એના ઊકળવાનો ખડખડતો ધ્વનિ મને સંભળાય છે કે દેખાય છે !? એવા ભેદ હું પાડી શકતી નથી. ઈન્ડક્શન પરથી ઉઠાવી એ ઊકળતા પાણીને કાચના પારદર્શક મગમાં રેડું છું ત્યારે એ ઉકળાટ જુદી રીતનો અવાજ બની જાય છે. ખળખળતો કે ખદબદતો કે પછી... બીજો કોઈક. મારી ગ્રીન ટીનો રંગ ગ્રીન નથી એવું કેટલીય વાર નોંધાયું છે મનમાં. એ મારા આ કાચના મગની પારદર્શકતાને કશાક નામ વગરના રંગમાં ફેરવી નાંખે છે. અને એ મગની ધાર ક્યારેક કોઈ કૂવાની પાળી બની જાય છે તો ક્યારેક બીજું કંઈક... ... ....એની ગોળ લીસ્સી ધાર પર આંગળી ફેરવતાં ફેરવતાં દૂર દૂર દૂર સુધી નીકળી જવાનું બનતું રહે છે મારે... ક્યાંની ક્યાંય જતી રહું ... ગમે ત્યાં પહોંચી જાઉં ...ગમે ત્યાં પહોંચી ગયેલી પછી ત્યાં જ ફર્યા કરું... મોડે મોડે સુધી... સમય પણ થાકી જાય ત્યાં સુધી. ત્યાંથી પાછી ફરુંયે ખરી ને ના યે ફરું... વળી બીજે ક્યાંય નીકળી જાઉં ત્યાંથી ને ત્યાંથી જ. વરસાદ પડતો હોય તોય, ના પડતો હોય તોય. ધુમ્મસ હોય, ધુમાડો હોય, તાપણું યે હોય, અને તો યે ઠંડીય લાગતી હોય. ઊભા થઈને કબાટમાંથી શાલ લઈને ઓઢી લેવા જેટલી જ વાત હોય, પણ જાણે કે વરસો કે માઈલો લાંબી જર્ની કરવાની હોય એમ પછી કશ્શેય ના જાઉં. બેસી રહું જાણે કે ઠુંઠવાતી... અહીં જ... આ મારા અમારા ડાઇનિંગ ટેબલ પર, જેનું નામ ક્યારેક અમે ‘અગોરા’ પાડેલું. અગોરા એટલે પેલો જાણીતો લેન્ડમાર્ક તો સહેજેય નહીં પાછો. અને હવે અમારા આ જ અગોરાથી નીકળીને એવી એવી જગ્યાએ જવાનું મન થાય કે શું કહું... સાચું કહું તો આજકાલ તો મારે કૈકેયી બનીને કોપભવનમાં જતા રહેવું હોય છે - જેથી જેને કોઈક દશરથ બોલાવે - કે એના છૂટ્ટા વેરવિખેર જેવા થઈ ગયેલા વાળ અને રતાશ પાડતી આંખો કોઈકને તો દેખાય. મંથરા થઈને શ્રુતિ મેડમના ઘેર પણ જવું છે ને પૂછવું છે કે એક્ઝેટલી શું છે આ તમારા કઝિનની પહેલી પત્નીના ડિવૉર્સની કૂથલી? સાઇકોલોજી અને ફિલોસોફીના બબ્બે યુનિવર્સિટી ગોલ્ડ મેડલ્સ લઈને બેચલર થયેલી આ છોકરી રડીરડીને એની આંખોય લાલ નથી કરી શકતી? આ બધી ચોપડીઓ વાંચી વાંચીને મળ્યું શું? તો કહે, આ ગુંબજ જેવડો ઇગો, કે જે આજે ખૂલીને રડવાય નથી દેતો.
*
આજે સમર્થ હવે મને શાર્દૂલ અને મેધાની વાત કરે છે, અહીં અમારા ડાઇનિંગ ટેબલ પર થેપલાંને અથાણું ચોપડતાં ચોપડતાં -- " જબરું છે હં, આ નવું કપલ તો... ...તું આવી ત્યારે હતું ને, એની જ વાત કરું છું..." હા હું પહોંચી ગયેલી અચાનક ક્લિનિક પર ત્યારે એ કપલનું કાઉન્સેલિંગ ચાલતું હતું. ‘સાંત્વના ક્લિનિક’, ડૉ. સમર્થ શાહ, ગોલ્ડ મેડાલિસ્ટના બોર્ડમાં મારું નામ કેમ નહોતું? ડૉ. માનસી સમર્થ શાહ, ગોલ્ડ મેડાલિસ્ટ...? એ બોર્ડ પર ડૉ. માનસી તો બહુ દૂરની વાત છે, હજી તો માનસીની આગળ ડૉક્ટર પણ નથી લાગ્યું. ...કેમ?
*
"અરે તું અહીં અચાનક આમ કેવી રીતે? અમારું સેશન ઑન છે ... યૂ જસ્ટ કાન્ટ બી હીયર લાઈક ધીસ... યૂ નૉવ... ...પ્લીઝ ગો ...એન્ડ વેઈટ ...ટિલ... " આવું કહેતી વખતે સમર્થના ચહેરા પર આવી ગયેલી તીવ્ર અણગમાની રેખાઓ મને બધી બાજુએથી ભોંકાઈ ગયેલી. બાણશૈય્યા પર તીર પાથરી ને તીર ઓઢીને પોઢેલા ભીષ્મની કલ્પના કરી શકો તો... અને હું જેમતેમ કરીને સંતુલન જાળવીને ત્યાંથી નીકળી ગયેલી. પાછાં વળતાં કાર અહીં તહીં કશે પણ ભટકાવી દેવાનું મન થયા કર્યું પણ એમ કંઈ થોડું... ... આજે હવે એ શાર્દૂલ અને મેધાની વાત માંડીને બેઠા છે -- "હજુ ગયા મહિને જ મેરેજ થયાં છે એમનાં...દિવસે દિવસે મેન્ટાલિટી તો જો કેવી થઈ ગઈ છે? બેક ટુ બેક સેશન્સની જરૂર છે એ લોકોને...ખાસ કરીને પેલી છોકરીને..." તે દિવસે રીતસર કાઢી મૂકી’તી મને અને આજે જાણે કશું બન્યું જ ના હોય એમ શાંતિથી વાત માંડીને બેઠા છે. તે દિવસે તો ઘેર આવીને પણ -- "પેશન્ટ્સની પ્રાયવસી - ડીગ્નિટીના ઇસ્યૂ હોય છે... ... યૂ કાન્ટ બિહેવ ઈન સચ એન ઈર્રિસ્પોન્સિબલ મેનર... " માસ્ટર્સ પછી મારાં એમફિલ, પીએચડી કે પછી ક્લિનિકલ સાયકોથેરાપીની પ્રેક્ટિસ...આમાંનું કશું જ ના થઈ શક્યું... એનું કારણ લૉકડાઉન માત્ર નહોતું એવું મને કેમ લાગ્યા કર્યું છે?અમારી વચ્ચે આ બાબતે કેમ ક્યારેય કોઈ વાત જ ના થાય !? "ઓવર થીન્કિન્ગ..." હવે એ એમ કહે છે. ક્યારેક એ જ કહેતા હતા કે ઓવર થીન્કિન્ગ જેવું કશું ના હોય. ફિઝિકલી એબસન્ટ ચીજવસ્તુઓનું ઈમેજીનરી એક્ઝિસ્ટન્સ ઊભું થઈ જાય, તો એ રિયલ કરતાં વધુ સ્ટ્રોંગ અને ઓક્યુપાઈંગ બની જતું હોય છે. ચલ હુંયે સમજું છું પેશન્ટ્સની પ્રાયવસી અને ડિગ્નિટી ને એવું બધું, પણ મારી ડિગ્નિટીનું શું? ...અને મારી આઈડેન્ટિટીનું? પછી કહે છે કે -- "તારા કરતાં તો આપણી આ અન્નપૂર્ણા સારી રીતે સાંભળે છે મને. હું વાત કરતો હોઉં ત્યારે તારું તો ધ્યાન જ ક્યાં હોય છે?" આ અન્નપૂર્ણાય અગોરાની જેમ અમે પાડેલું નામ હતું. અમારાં રસોઈવાળાં બેનનું. લૉકડાઉનનું ચેપ્ટર પૂરું થયા પછીય મારું રસોડાનું ચેપ્ટર પૂરું ના થયું ત્યારે મને થયું કે આ તો રસોડું છે કે આજીવન કેદની સજા? ખાલી રાણી રાણી બોલવાથી ચાલવાનું નથી. ગામ આખાનાં ચડી ગયેલાં નાકનાં ટીચકાંને અવગણીને તમારી સાથે થઈ ગયાં છે આ રાણી, તો એનાં નખરાંય રાણી જેવાં હશે એટલું તો માનો છો ને!" "અરે તું બોલીશ એ પહેલાં હું સાંભળી લઇશ બસ! તેં આવીને મારી ખોટકાયેલી ગાડીને જ ચાલુ નથી કરી, મારો ડગી ગયેલો આત્મવિશ્વાસ મને પાછો મળ્યો છે. એ માટે તને થેન્ક્સ, ...થેન્ક્સ અ લૉટ!" "આવા કોરેકોરા થેન્ક્સ બેન્ક્સથી નહીં ચાલે, હજી તો આખું લિસ્ટ મોઢે કરાવવાનું છે આ રાણીનાં નખરાંનું..." "ઓક્કે બાબા, બોલો શું શું છે લિસ્ટમાં?" "તો સાંભળો... સહુથી પહેલું તો એ કે રસોડું એટલે એક્સક્લુઝિવલી મારો એરિયા એવું નહીં ચાલે. મને વાંચવાનો-વિચારવાનો અને લખવાનોયે કીડો છે તે મારે મારી નથી નાખવાનો." "ડન ! ...બીજું ?" "ડનબન નહીં, સવારસાંજના ચા-નાસ્તા ને લંચ ને ડિનર ને એવું બધું મને નહીં ફાવે... " "...નહીં ફાવે એટલે ખાવાનું કે બનાવવાનું?" "અફકોર્સ બનાવવાનું ...અને આ મજાક નથી, આયમ સિરિયસ." "ઓક્કે ઓક્કે... રસોડું આપણે બેઉએ વહેંચી લેવાનું છે, રાઈટ? પછી?" "દર વરસે ઓછામાં ઓછી એક લોંગ ટ્રીપ અને વચ્ચે વચ્ચે વચ્ચે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આ ઘર નામની જેલ તોડીને નીકળી પડવાનું ગમે તે બાજુ...અને ઘરમાં આપણી પોત્તાની લાઇબ્રેરી અને એનાથીયે જરૂરી એવી રીડિંગ માટેની સ્પેસ...મોકળાશ..." મારા ધડાધડ છૂટેલા તીરની સામે જવાબમાં ડન ડન ડન કબૂલ કબૂલનો ક્યારેક માદક અને એકદમ નક્કર લાગેલો ધ્વનિ પછી કેવી રીતે બોદા પડઘા થઈ ગયો...!? લગ્ન કે જીવન આવી બે ચાર કૉફીટેબલની કેન્ડલલાઈટ કબૂલાતો કરતાં કેટલું જુદું હોય છે! રસોઈ બનાવતાં મને નથી આવડતું એવું તો નથી પણ રસોઈ બનાવતાં બધાંને આવડે છે એવો આનંદ તો મને નથી જ આવતો. એમાંય મારી બનાવેલી રસોઈનાં કોઈ જો વખાણ કરવા મંડી પડે તો તો મારો કંટાળો ખબર નહીં કેમ કેટલોય વધી જાય. એ શું શાક સમારો, લોટ બાંધો, આમાં પેલો ને પેલામાં પેલો વઘાર કરો...આમાંનું કશું મને તો ક્યારેય એવું રસ પડે એવું નથી લાગ્યું, તો નથી લાગ્યું. હું રસોડામાં જ હતી ને માસ્ટર્સ ક્લિયર કર્યું મેં. ગોલ્ડ મેડલ તો ના આવ્યો બેચલરની જેમ, પણ થઈ ગયેલું ખરું. લૉકડાઉને મને રસોડામાં ધકેલેલી તે જાણે એવું કે કોંકણ રેલવેની લાંબી લચક ટનલ...પૂરી જ ના થાય. પછી લૉકડાઉન તો ગયું પણ રસોડું રહી ગયું, ક્યાંય ના ગયું. મારી પાસે રહી ગયેલું એ રસોડું પછી તો અમારી વચ્ચે કેન્ડલલાઈટનાં ઝાંખાપાંખા અજવાળાંમાંથી નીકળી ચોખ્ખીચણાક દેખાતી જ્વાળા જેવું દેખાવા લાગ્યું. એટલે એમનો મૂડ પણ ધીમેધીમે ઑફ્ફ થતો દેખાવા લાગ્યો. "શું કરવું છે હવે?" એમણે થોડીક ચીડ સાથે પૂછ્યું’તું. "શું કરવું છે એટલે?" કરવાનું તો ઘણુંય હતું પણ જે ચીડ સાથે આ શું કરવું છે પૂછાયું એ ચીડ તો કોઈ પણ સંજોગોમાં કેવી રીતે ચલાવી લેવાય? આવા જ હશે બધા પુરુષો? આવાં જ હશે બધાં લગ્નો? લગ્ન પહેલાંનું બધું જ લગ્ન થઈ ગયાની બીજી જ પળથી જાણે કે બદલાવા લાગે !? લૉકડાઉન જેવાં બહાનાં તો અમસ્તા જ આવી મળતાં હશે. "હવે તો આ રસોડું છોડવાય કામ કરવું જ પડે..." મારી અટકી પડેલી યાત્રાની પુનઃ શરૂઆત આ રસોડાની બહાર નીકળવાથી જ થતી હતી. તે આવી ગયાં રસોઈવાળાં બહેન - અન્નપૂર્ણા - અમે પાડેલું એમનું નામ.
*
-- "તારાં મમ્મી કેટલું સાચું કહેતાં’તાં, જરૂર કરતાં વધારે બુદ્ધિશાળી કે બહુ રૂપાળા માણસોના ભરોસા ના કરાય. ગમે તેવો મોટો સાયકોલોજીસ્ટ હશે પણ મારો તો ભાઈ છે ને સમર્થ, - તેમછતાં મારે એના વિશે જે કહેવું પડે તે તો કહેવું જ પડે. અને તું છોકરી મનમાં ને મનમાં આટલો બધો ભાર લઈને ફર્યા કરે એ કોઈ પણ રીતે બરાબર નથી. તમારી વચ્ચે આ જે કંઈક બની રહ્યું છે એવું બની શકે છે એવો ખ્યાલ તારાં મમ્મીની જેમ મને પણ ત્યારે જ આવી રહ્યો’તો. એટલે જ મેં તને એક કરતાં વધુ વખત ઈશારો કરી જોયેલો કે કશું પણ ફાયનલ કરે એ પહેલાં તું મને મળે, પર્સનલી. પણ તને કદાચ મારી વાતનો ખ્યાલ ન આવ્યો અથવા તેં મારી વાતને ઈગ્નોર કરી અને તમે લોકો પરણી ગયાં. તારી અને સમર્થની માફક હું મનોવિજ્ઞાન તો ભણી નથી, પણ એટલું તો ત્યારેય સમજાઈ ગયેલું કે તમારી વચ્ચે શું ચાલી રહ્યું’તું. અને આજે પણ એટલું તો સમજી શકું છું કે અત્યારે તમારી વચ્ચે શું ચાલી રહ્યું છે! તારા જેવી બ્રિલિયન્ટ સ્ટુડન્ટને પ્રોમિસિંગ કરિયરનાં ડ્રીમ્સ ના હોય એ કેવી રીતે શક્ય છે? યૂ ડિઝર્વ ઈટ, કોઈ સવાલ જ નથી." શ્રુતિ મેડમ અમારાં ઈંગ્લિશનાં પ્રોફેસર અને એમના એટલે કે સમર્થનાં કઝિન. હવે સમર્થ મને કહે છે કે "તને નથી લાગતું કે આજકાલ તું ઓવર થીન્કિન્ગ કરે છે? અને તને ખબર જ હશે કે ઓવર થીન્કિન્ગ, વન કાઈન્ડ ઓફ મોર્બિડિટી ગણાય છે." જેમ આજકાલ એ શાર્દૂલ અને મેધાની વાતો કરે છે એમ એમના પેશન્ટ્સની વાતો તો અમારી વચ્ચે થતી રહેતી પણ સાવ અમારી કહેવાય એવી વાતો કેમ નહોતી થઈ રહી? અને ક્યારેક જો થઈ પણ જાય તો એ આવા કોઈ ડાયલોગ પર આવીને ઊભી રહી જતી. અને આ મોર્બિડિટીથી એમનો મતલબ શું છે? મારું મારા પોતાના વિશે વિચારવું અને વિચાર્યા કરવું એ શું ઓવર થીન્કિન્ગ છે? બીજું કશું ના સૂઝતાં શ્રુતિ મેડમને મળી લેવાનું મને ઠીક લાગ્યું હતું. "મોર્બિડિટી, ગિલ્ટ, ઓવર થીન્કિન્ગ એવી બધી સાયકોલોજીકલ ટર્મ્સથી તને કન્ટ્રોલ કરવાનો અને પોતાનાં બધાં બિહેવિયરને જસ્ટીફાય કરવાનો સમર્થનો કોઈ ઈરાદો ન જ હોય એવું કહી શકાય એમ તો નથી જ." "ઝંખના સાથેના સમર્થના ડિવૉર્સનું કારણ તમને ખબર છે?" શ્રુતિ મેડમની મારા તરફની લાગણી જોઈને મેં ઓચિંતું જ એમને પૂછી લીધું. એકવાર તો મને મનમાં એમ પણ થયું કે હું સમર્થની કૂથલી કરવાનો વિકૃત આનંદ લઈ રહી છું કે શું? ઝંખના સમર્થની પહેલી પત્ની, કહે છે કે એ મારા કરતાં બ્યૂટિફુલ હતી અને સમર્થને છોડી ગઈ ત્યારે પ્રેગ્નન્ટ હતી. મેં સમર્થને પરણવાનું નક્કી કર્યું ત્યારે જે જે બાબતો મેં ઈગ્નોર કરેલી એ બધી બાબતોમાં ખબર નહીં મને આવી ખણખોદ કરવાનું મન થયા કરતું હતું. શ્રુતિ મેડમ પાસેથી આવીને સમર્થનાં કબાટો એની જૂની ડાયરી અને એની ગેરહાજરીમાં એના લેપટોપ ખોલવાનાંય ટ્રાય કરી જોયાં. લગ્ન પહેલાં એકવાર એમણે મને કહેલું કે કોઈ પણ વ્યકિતના પર્સનલ સિક્રેટ્સ તેમ જ એ પર્સનલ સિક્રેટ્સ જેવાં જ એના પર્સનલ ટ્રુથમાં કશું હોતું નથી. કેમ કે પર્સનલ ટ્રુથ એ એવી અંગત બાબત હોય છે કે જેની કોઈ સાબિતી કોઈની પાસે નથી હોતી.
*
મેધા કહે છે કે લગ્ન પહેલાં શાર્દૂલ એવું બોલી ગયેલો કે ક્યારેક હું તારું મર્ડર કરી નાંખું એમ પણ બની શકે છે. અને એવું એક કરતાં વધુ વખત બોલેલો. લગ્ન પહેલાં સહેજે ગંભીરતાથી નહીં લીધેલી એ વાત હવે મેધાનો પીછો નહોતી છોડી રહી. "તેં સાવ આવું કેમ કહેલું?" શાર્દૂલ એને સમજાવીને થાક્યો કે ક્યારેક મજાકમાં કે ગુસ્સામાં નીકળી ગઈ હશે એ વાત. પણ મેધા માનવા તૈયાર નહોતી.
*
ડાઇનિંગ ટેબલ, અમારા ‘અગોરા’ પર આજે પણ બે કાચના મગની પારદર્શકતા અલગ અલગ રંગોમાં બદલાઈ રહી છે. એમાંથી ઊઠતી રંગહીન વરાળો ક્યારેક નાનાં વાદળો ક્યારેક મરોડદાર વલયો બની થોડેક દૂર સુધી જઈ અદૃશ્ય થઈ જાય છે. રસોડા અને ડાઇનિંગ ટેબલ વચ્ચે ગરમાગરમ થેપલાં લઈને આવ જા કરતી અમારી ‘અન્નપૂર્ણા’ આજકાલ મંડાયેલી શાર્દૂલ અને મેધાની વાત મારા કરતાં સારી રીતે સાંભળે છે એવું સમર્થને લાગે છે. હું સમર્થની ડીશમાં આવી પડતા ગરમ થેપલાને અને બાજુમાં પડેલી બરણીમાં રહેલા ઠંડા અથાણાંને જોઈ રહી છું.
= = =
સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ
સમયના જુદા જુદા ખણ્ડમાં બનેલી ઘટનાઓને વિ-ક્રમે - આમતેમ - ગોઠવતી વિશિષ્ટ રીતિની વિપુલની આ વાર્તા, થોડીક અટપટી પણ માનસી-સમર્થના, ખાસ તો માનસીના, જીવનમાં બની હતી એવી, એ ભાતની. એ ભાત જળવાય એ રીતે રચનાને ટાઇપ કરવાનો લેખકે પ્રયાસ કર્યો છે. વાચકે એને સરખી રીત ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈશે. રચનામાં, શાર્દૂલ અને મેધાની ઘટના દર્પણ છે, રચનામાં ઉપકારક છે, એથી માનસી-સમર્થના દામ્પત્યની વિષમતાને એક વળ ચડ્યો છે. એ દર્પણમાં સમર્થ પોતાના દામ્પત્યને નથી જોઈ શક્યો બલકે એ દર્પણ એ માનસી સામે ધરે છે! મનોચિકિત્સકનું એ વર્તન એટલું બધું ઉઘાડું છે કે મનોચિકિત્સકનું ન લાગે! એ દર્પણ માનસી પરોક્ષપણે સમર્થ સામે ધરે છે. રસોઈમાં શૅરિન્ગ, ટ્રિપ વગેરેથી વિષમ દામ્પત્યને સરખું કે હળવું કરી લેવાયું છે એ ઠીક છે પણ વાર્તાકારે શીર્ષક બનાવીને એ પર ભારે વ્યંગ પણ કર્યો છે. કેટલાંક નિરૂપણો નૉંધપાત્ર છે. (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). -- ઈન્ડક્શન પરથી ઉઠાવી એ ઊકળતા પાણીને કાચના પારદર્શક મગમાં રેડું છું ત્યારે ‘એ ઉકળાટ’ જુદી રીતનો અવાજ બની જાય છે. ‘ખળખળતો કે ખદબદતો કે પછી... બીજો કોઈક’. -- અને એ મગની ‘ધાર’ ક્યારેક કોઈ ‘કૂવાની પાળી’ બની જાય છે તો ક્યારેક બીજું કંઈક... ... -- ક્યાંની ક્યાંય જતી રહું ... ગમે ત્યાં પહોંચી જાઉં ...ગમે ત્યાં પહોંચી ગયેલી પછી ‘ત્યાં જ’ ફર્યા કરું... મોડે મોડે સુધી... ‘સમય પણ થાકી જાય’ ત્યાં સુધી. ત્યાંથી પાછી ફરુંયે ખરી ને ના યે ફરું... વળી બીજે ક્યાંય નીકળી જાઉં ત્યાંથી ને ત્યાંથી જ. -- આવું કહેતી વખતે સમર્થના ચહેરા પર આવી ગયેલી તીવ્ર અણગમાની ‘રેખાઓ’ મને ‘બધી બાજુએથી’ ભોંકાઈ ગયેલી. જોકે, આવા ઉલ્લેખો, ખાસ તો આ -- ‘આવા જ હશે બધા પુરુષો?’ -- ‘આવાં જ હશે બધાં લગ્નો?’ -- ‘લગ્ન પહેલાંનું બધું જ લગ્ન થઈ ગયાની બીજી જ પળથી જાણે કે બદલાવા લાગે !?’ -- વગેરે વડે રચનાને વધારે સ્પષ્ટ કરવાનો પ્રયાસ થયો છે, પણ તેનું ખાસ ફન્કશન નથી, કેમકે એથી રચના વગર કારણે લાઉડ લાગે છે. એ જ પ્રમાણે, સમર્થની બેનની ઉક્તિ પણ આવી પડેલી લાગે છે. અગોરા કીચનમાં તપેલીમાં ઊકળતા પાણીનું પ્રારમ્ભે મુકાયેલું દૃશ્ય-શ્રાવ્ય વર્ણન રચનાના ઉઘાડનું તેમજ ભવિષ્યનું સૂચક બન્યું છે. નાયિકાનો ઉકળાટ, અને તેમાંથી મુક્ત થઈ ક્યાંક ચાલી જવાની ઝંખના, તેમાં નિષ્ફળતા, સવિશેષે તો એના સ્થગિત જીવનને સૂચવે છે. એની આગળ, રચનામાં અન્તે, રસોઈમાં સહભાગીતા, ટ્રિપ વગેરે ચીલાચાલુ દામ્પત્યશૈલીનો ઇલાજ ફિક્કો લાગે છે. સારું થયું કે વાર્તાકારે વર્તુળ પૂરું કરીને એ ઇલાજને ગૌણ ગણી કાઢ્યો, એ રીતે કે નાયિકાના ચૈતસિક વાસ્તવમાં કશો ફર્ક નથી પડ્યો, એ તો એનું એ જ છે; કહે છે -- ‘હું સમર્થની ડીશમાં આવી પડતા ગરમ થેપલાને અને બાજુમાં પડેલી બરણીમાં રહેલા ઠંડા અથાણાંને જોઈ રહી છું’.
= = =
