તરુરાગ અને નદીસૂક્ત/નાથા ડોસાનો આંબો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
Artimundra (talk | contribs)
No edit summary
Artimundra (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૯.નાથા ડોસાનો આંબો}}
{{Heading|૯. નાથા ડોસાનો આંબો}}


{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 09:26, 5 July 2026


૯. નાથા ડોસાનો આંબો

‘નકશા-હુકમ ઇમારત ચલે, વૃક્ષ ચલે નિજલીલા’ ઇમારતો નકશા પ્રમાણે રચાય છે, પાન વૃક્ષો તો એમની રીતે, સહજ રીતે વધે છે, ફાલે છે ને આકાર ધારણ કરે છે. આ વૃક્ષોના વિવિધ આકારનું અચરજ છેક નાનપણથી માણવાની ટેવ તે આજે પણ એવી જ રહી છે. મોડી રાતના કે વહેલી સવારના અંધારામાં ગાડામાં બેસીને પરગામ જતાં આજુબાજુનાં ખેતરોમાં ઊભેલાં વૃક્ષોના આકાર હજીય દેખાય છે. આ પીપળ ને પેલી આંબલી, આ લીમડો ને પેલો તાડ, આ અનૂરી ને પેલી આંકોલ. પવનમાં ક્યારેક કાળી રાતે ધૂણતા કોઈ ઝાડને જોઈને બીક પણ લાગી છે. ક્યારેક એમાં બે પગે ઊભું થઈને ધૂણતું રીંછ જોયું છે તો ક્યારેક વર્ણનોમાં સાંભળેલાં ભૂતપ્રેતને કોઈ ઝાડમાં વિચિત્ર આકારો ધારણ કરી હુહુકાર કરતાં ને સિસકારા બોલાવતાં ભળ્યાં છે. વૃક્ષોના આ વિવિધ આકાર થવાનાં કારણો હશે, હોય જ. કોઈ વૃક્ષની આસપાસ બીજાં વૃક્ષો ઊભેલાં હોય તો પેલું સંકોચાતું, પાતળું થઈને વધારે ઊંચાઈ સાધે, એની ડાળીઓ આડી ફેલાવાને બદલે જરા ઊભી વધે. જિજ્ઞાસાને કારણો જાણવાં ગમે. પણ કોઈવાર કારણ જાણવા કરતાં વિસ્મય માણવાની વધારે મજા આવે. અમારા ખેતરની વચ્ચોવચ ઊભેલા નાથા ડોસાના આંબા જેવું ઘાટીલું વૃક્ષ મેં બીજું કોઈ જોયું નથી. દસેક ફૂટનું સીધું જાડું થડ ને પછી એની ઉપર ગોળાકાર ઘટા. દરેક દિશામાં ડાળીઓની એકસરખી ગતિ, એમનું એકસરખું કદ. ઘટાની સઘનતા ને સપ્રમાણતા એવી કે દૂરથી જોઈએ તો આખું વૃક્ષ એક સળંગ ઘન વસ્તુ જ લાગે, વૃક્ષનું આદર્શ ચિત્ર જ લાગે. એક જ થાંભલા ઉપર ઊભો કરેલો જાણે ઘાટીલો તંબુ ન હોય! વરસાદ પડતો હોય તો આંબા નીચે જઈને ઊભા રહેવાનું, એક ટીપુંય ડિલ પર ના પડે. આંબો અમારા ખેતરમાં, અમારા ઘરની પાસેના જ ખેતરમાં એટલે ત્યાં વારંવાર જવાનું થાય. ખેતરને શેઢે ઊગેલું ઘાસ દાદા કાપે; એકઠું કરીને એનો ભારો બાંધે ત્યાં સુધી અમારે એ ખેતરમાં રમવાનું – ઘણુંખરું નાથા ડોસાના આંબા નીચે. ઝાડ હેઠળનો થોડો ભાગ ખુલ્લો. વણછાને લીધે એમાં છોડ ના ઊગે. આ ખુલ્લી જગામાં એક ખાટલી પડી હોય. કાથીની તૂટેલી દોરીઓ નીચે લટકતી હોય, ને એક ફાટેલી ગોદડી હોય. પાસે તમાકુ પીવા માટે દેવતા પાડ્યો હોય ને આંબાને થડિયે અઢેલીને મૂકેલો હુક્કો હોય. બેઠી દડીના નાથા ડોસા આ આંબા નીચે પડી રહે, આંબો સાચવે. આ આંબાના પોલાણમાં એક ચીબરી રહે. દાદાને પક્ષીઓનું નિરીક્ષણ કરવાની ટેવ. જે પક્ષીઓને આજે હું ઓળખું છું તેમાંનાં ઘણાનો પરિચય દાદા એ જ કરાવેલો. દાદા પક્ષી માત્ર બતાવે જ નહીં, એની ખાસિયતો ને એની આસપાસ ગૂંથાયેલી કથાઓ પણ કહે. ચીબરી, ઘુવડ જેવું એની જાતનું નિશાચર પક્ષી છે. દિવસે એ ઝાડની બખોલમાં ભરાઈ રહે ને રાતે ખેતરમાં ઉંદર ને બીજા જીવજંતુઓનો શિકાર કરે. કોઈ સારા કામે જતા હોઈએ ને ચીબરી બોલે તો અપશુકન થાય. અમે આંખો ખેંચીખેંચીને ચીબરી જોવાનો ઉદ્યમ કરીએ, પણ ભાગ્યે જ દેખાય. કવિ વર્ડ્ઝવર્થે ઘટામાં છુપાયેલી ન દેખાતી કોયલને ‘Wondering Voice’ કહી છે, પણ અમારે માટે તો આ ચીબરી જેવી અદૃશ્ય તેવી અશ્રાવ્ય પણ. ને છતાં ખેતરમાં આંબામાં નીચે જઈએ એટલે ચીબરીની શોધમાં આંખો આંબામાં ફરે જ. દાદા કહે : એ તો નિશાચર પંખી, દિવસે ના દેખાય. નાથા ડોસાના આંબા નીચે વર્ષો સુધી રમ્યા, પણ પેલી ચીબરી ના દીઠી તે ના જ દીઠી. ફાગણ-ચૈતરમાં કોઈ વાર અમે ખેતરમાં આંટો મારીએ. આમ તો તુવર ને તલ, બધો પાક લઈ લેવાયો હોય, ખેતર ખાલી હોય, પણ પેલા આંબે મોર આવ્યો હોય. ઉજ્જડ ખેતર વચ્ચે મંજરીઓથી ભર્યાભાદર્યા એ ઘાટીલા આંબાની શોભાનો પાર નહીં. આખું ખેતર એના મઘમઘાટથી છલકાઈ જતું હોય, ભમરાઓની ભીડ જામી હોય. ત્યારે વૃક્ષ સાથે નાતો એવો નિકટનો ને ગાઢ કે એ જીવતીજાગતી વસ્તુ છે એવું જાણવા જગદીશચંદ્ર બોઝ પાસે ના જવું પડે, અનુભવાય. આ આંબો અમને ત્યારે કોઈ દેવ કે રાજા જેવો લાગે. એની છાયામાં રમીએ ત્યારે જાણે કોઈ વડીલની ઓથમાં હોઈએ એવું લાગે. ધીમે ધીમે મોર ખરવા માંડે ને નાના નાના મરવા દેખાય. એમાંના કેટલાક નીચે પડ્યા હોય. નાથા ડોસા આઘાપાછા હોય ત્યારે અમે એ વીણીએ. ખાટા-તૂરા એ મરવાનો સ્વાદ ને એના ચીકણા ચેપનો આછો ઝણઝણાટ હજીય જીભ ઉપર રહી ગયો છે. મોટેરાં વાત પૂરી કરીને જ્યારે ‘આંબે આવ્યો મોર, ને વાત કહીશું પો’ર’ એમ કહેતાં ત્યારે અમારી ઉત્સુક આંખોમાં પેલો શીળો મોર અંજાઈ જતો. નાથા ડોસાને આ એક જ આંબો, એ જ એમની દોલત, એટલે એને જીવની જેમ સાચવે. કેરીઓ મોટી થાય, એનાં ઝૂમખાં ને ઝૂમખાં લટકે પછી નાથાકાકાની નજર ચુકાવીને ચોરી ના થાય. એમની આંખમાં એકેએક ફળની નોંધ હોય, મનમાં પાકી ગણતરી હોય. ડોસા એકલા એટલે સાખ પડ્યા પછી આંબો વેડવાનો થાય ત્યારે એક હાથમાં વેડકી ને ખભે ખેરો નાખીને ગામનો કોઈ જુવાન એમની સાથે જાય. એકાદ વાર તો આંબે ખૂબ કેરીઓ લાગવાથી એક આખું ડાળ ભાંગી પડેલું એવું યાદ છે. સાંજે ગાડું ભરીને ગામમાં કેરીઓ આવે; નાથા ડોસાની ઝૂંપડીમાં ઘાસ લાકડાં ભરવા માળિયું કર્યું છે. કેરીઓ ત્યાં પાથરવામાં આવે. વેડતી વખતે હેઠે પડી ગયેલાં ફળ - ‘પડતોલાં’ જુદાં રાખવામાં આવે, બીજી કેરીઓને કહોવાટ ન લાગે એટલે. પીળીપીળી લગભગ ગોળ એવી પાકી કેરી ચૂસતો ચૂસતો એક છોકરો કોળી ફળિયામાંથી નીકળીને અમારા બારણામાં થઈને એ જાય પાસેના જંગલ ભણી....