તરુરાગ અને નદીસૂક્ત/નામાંકિત કઢાઈ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
Artimundra (talk | contribs)
No edit summary
Artimundra (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૧.નામાંકિત કઢાઈ}}
{{Heading|૧૧. નામાંકિત કઢાઈ}}


{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 09:27, 5 July 2026


૧૧. નામાંકિત કઢાઈ

એ ઝાડનું નામ કઢાઈ. નામ વિચિત્ર લાગે છે, નહિ? છે જ. ને એથીય વિચિત્ર વાત તો એ છે કે હમણાં હું વતનમાં ગયો ત્યારે ગામના એક જુવાન જણને પૂછ્યું : ‘તમે કઢાઈનાં ઝાડ જોયાં છે? એ સફેદ રંગનાં તોતિંગ હોય; આપણા આ વગડામાં એવાં એક-બે હતાં.’ જવાબમાં એના ચહેરા ઉપર પરમ આશ્ચર્યનો ભાવ! માલગુણ નામથી ઓળખાતું એ જંગલ આજે નથી, કપાઈ ગયું છે. પેલાં કઢાઈનાં ઝાડ પણ એટએટલામાં શોધ્યાં જડતાં નથી. પણ મને પેલું જંગલમાં વૈજનાથ મહાદેવ જવાના રસ્તા ઉપર ઊગેલું કઢાઈનું ઝાડ આજેય દેખાય છે, ને એના જાડા થડે લખેલાં અમારાં નામ સ્પષ્ટ વંચાય છે. એક નાનકડી પથરાળ કોતેડી (વહેળો) ઉપર એ જંગી ઝાડ, આદિવાસી કાળીપરજની વચ્ચે ગૌર આર્યજનની જેમ, શાખાઓ રૂપી હાથ ઊંચા કરીને જાણે વેદની કોઈ ઋચા ઉદ્ગારતા ઋષિની જેમ ઊભું હતું. અમે નાના હતા ત્યારે વગડામાં થઈને મોટેરાંની સાથે મહાદેવના દહેરે જતા. અમને દહેરાના અંધારા ગભારામાં, કાળા, ઘાટ વગરના સ્વયંભૂ ગણાતા પેલા શિવલિંગ કરતાં રસ્તામાં આવતાં વૃક્ષોનું આકર્ષણ વધારે. એમાંય વળી આ કઢાઈનું ઘણું વધારે. એની પાસે જેમ જેમ પહોંચતા જઈએ તેમ તેમ અમારા મનમાં ને હાથમાં મીઠો સળવળાટ જાગે. કઢાઈનું આ ઝાડ એનાં બે વાનાંથી અમારું માનીતું બનેલું. એક તો એનો ગુંદર ને બીજું તે એની છાલ. કઢાઈનો ગુંદર અમે ઉખાડી લાવીને એના ગાંગડા ઘરમાં રાખીએ; ચકચકતા, સાકર જેવા ગાંગડા. ઘરમાં કોઈને કાંટો વાગે ને પગના ચાપામાં ભાંગે એટલે ડબામાંથી પેલો ગુંદર કાઢવાનો, એને ગરમ કરીને કાંટો વાગ્યો હોય તે જગાએ મૂકવાનો ને પાટો બાંધી દેવાનો. ત્યાર દિવસે ને અંધારે બહાર ફરવાનું થાય, ને બૂટ-ચંપલ જેવી વસ્તુથી અહીંની પ્રજાની જેમ અમે પણ સાવ વંચિત, એટલે કાંટો વાગે. ગુંદરનો બીજો ઉપયોગ પતંગ બનાવવામાં થાય. ઉતરાણના દિવસો નજીક આવે એટલે અમારે જાડા વર્તમાનપત્રના કાગળની પતંગ બનાવવાની હોય. દાદા કામઠું શોધી લાવ્યા હોય એમાંથી કમાન-ઢઢ્ઢા બનાવીએ. એમને કાગળ ઉપર ચોંટાડવા માટે એક કોડિયામાં કઢાઈનો ગુંદર પલાળવાનો, ઓગાળવાનો. આ ગુંદર બાવળના ગુંદર જેટલો ચીકણો ચોંટે એવો ન હોય, પણ બાવળનો ગુંદર હાથવગો ન હોય જ્યારે આ તો ઘરમાં જ હોય. જેમતેમ કરીને પતંગ બનાવીને ને એને સીવવાના જાડા દોરાથી ચગાવીએ, પતંગ ચગાવવી એટલે અમારે માટે તો બનાવીને દોરો બાંધી મેદાનમાં દોડવું, એ કુંવાડિયામાં ભરાઈને ફાટી જાય કે પછી એની કમાન છટકી જાય ત્યાં સુધી પતંગ ઊંચે આકાશમાં ચઢે એ ઘટના તો અમારી આ રમતના ઇતિહાસમાં વિરલ. પણ આ કઢાઈના ઝાડની છાલનું, એના થડનું અમને ભારે આકર્ષણ. મહાદેવ જતાં ઝાડ પાસેથી પસાર થઈએ એટલે એની નીચેથી એક મજબૂત સળી શોધી લઈએ; ક્યારેક ઘેરથી વાંસની કે દિવાસળીની સળી પણ સાથે લઈ જઈએ. એ સળીથી થડ ઉપર લખવાનું, મોટે ભાગે તો અમારું નામ. તરત તો થડની લીલી છાલે રાતા ઉઝરડા પડે; પણ થોડા દિવસ પછી જઈને જોઈએ તો લખાણ ઉપરની છાલ સુકાઈને પૂરી ઊખડી ગઈ હોય ને પેલા લખેલા અક્ષર સાફ ઊપડ્યા હોય. અમને અમારાં નામ અમર થયેલાં દેખીને બહુ હરખ થાય. ઉત્સાહમાં અમે માત્ર અમારાં જ નહિ, ઘરનાં વડીલોનાં ને સગાંવહાલાંનાં નામ પણ લખીએ. ત્યારે અમને મહાકવિ શેક્સપિયરની કે એના નાટક ‘એઝ યુ લાઈક ઇટ’ની તો ક્યાંથી ખબર હોય! એ નાટકમાં પેલો પ્રેમી ઓર્લેંડો ઝાડના થડે ઠેરઠેર પ્રિયતમા રોઝેલિંડનું નામ લખતો ફરે છે ને! પ્રેમ અને પ્રિયતમા વિશે પણ અમને ત્યારે કશી ગતાગમ નહિ, એટલે આ નામાંકનમાં એવુંય ક્યાંથી હોય! હા, ક્યારેક ઘરમાં રામનો મહિમા એટલે રામનું નામ લખીએ ખરા. શિશુસહજ કુતૂહલવૃત્તિ ને આત્મરતિ ત્યારે ભારોભાર એટલે કઢાઈના થડે પેલાં નામ ઊપડે ત્યારે અમારું શેરશેર લોહી ચઢે! કઢાઈનું આ મહાવૃક્ષ, ભક્ત યક્ષની જેમ મહાદેવના મંદિરની સામે નજીકમાં ઊભું છે. શિવરાત્રિનો ને ગોકળ આઠમનો મેળો ભરાય ત્યારે આ કઢાઈ સુધી માણસોની ઠઠ જામી હોય. મોટે ભાગે આદિવાસી સ્ત્રી-પુરુષો ને બાળકો મેળો માણવા આવે. આ ઝાડ નીચે મીઠાઈની, ચવાણાની ને બંગડીઓની દુકાનો લાગી ગઈ હોય, આદમ ઘાંચીની ચકરડી કે ચગડોળ ખોડાયાં હોય. કઢાઈના ઝાડને ઝાઝાં પાન નહીં ને એની ડાળડાંખળીઓ આકાશ ભણી ઊંચકાયેલી હોય, આકાશને નખોરિયાં ભરતી ને ઉઝરડા કરતી. હમણાં વતનમાં જઈને જોયું તો જેને અમે વગડો કહેતાં તે વિસ્તારમાં નામનુંય ઝાડ ના મળે! કહે છે કે સ્વરાજ આવ્યા પછી જંગલ અમલદારોની મીઠી નજર હેઠળ છાનાંછપનાં, ઝાડ કપાવા લાગ્યાં ને રાતોરાત સાગ જેવાં ઇમારતી વૃક્ષનાં લાકડાંનાં બારીબારણાં થઈને કસ્બાઓમાં વેચાવા લાગ્યાં. દેશી રાજ્ય હતું ત્યારે અમારે ત્યાં જગંલનું અત્યંત કાળજીથી જતન કરવામાં આવતું ને સખ્તાઈથી ઝાડ કાપવાનો ગુનો કરનારને શિક્ષા થતી. સાગના ઝાડને તો અડકી પણ ન શકાય. રાજ્યની આવક ત્યારે રૂપિયા બાર લાખની ગણાતી જેમાંની આઠ લાખની ઊપજ તો જંગલની જ હતી. આ વિસ્તારના જે લોકો વૃક્ષની વાતો કરતાં થાકતા નહોતા, પ્રત્યેક વૃક્ષને બરાબર ઓળખતા હતા ને સ્વજનની જેમ એનો ઉલ્લેખ કરતા હતા તેઓ આજે એકાએક વૃક્ષો પ્રત્યે આવા નિર્મમ શી રીતે થઈ ગયા તેનું આશ્ચર્ય થાય છે; મનને માણસની કેવળ પોતાને માટે થઈને જ જીવવાની વૃત્તિને જોઈને ઘૃણા પણ થાય છે. ત્યાં જ વસનાર વડીલો કહે છે કે આ વૃક્ષછેદનના ધંધામાં ઘણાય માલદાર થઈ ગયા હશે; પણ જે આદિવાસીઓ મહુડાં, ટીંબરવાં, સીતાફળ, કોઠાં ને વૃક્ષોના પાલા ઉપર એમનો ને એમનાં ઢોર-બકરાંનો ગુજારો કરતા હતા તેમનું શું? એમને તો રાંધવા માટે ઝાડની સૂકી ડાંખળીય નથી રહી ને ટાઢમાં ઢબૂરાઈને સૂવા માટે રાખની ઢગલીય દુર્લભ થઈ છે. આપણાં આ દુઃખ કોની આગળ રડીએ! ચારેકોર જ્યારે પ્રકૃતિની સંપત્તિની લૂંટાલૂંટ ચાલતી હોય ત્યારે કોણ કોને વારે! અંતરના એકાન્તમાં જઈને અત્યારે તો કેવળ અરણ્યરુદન કરવાનું જ શક્ય રહ્યું છે – અરણ્યોના અભાવનું અરણ્યરુદન