આપણા બબલભાઈ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 4: Line 4:
|keywords= આપણા બબલભાઈ, શ્રી ગોવિંદભાઈ રાવલ  
|keywords= આપણા બબલભાઈ, શ્રી ગોવિંદભાઈ રાવલ  
|description=This is home page for this wiki
|description=This is home page for this wiki
|image=  
|image= Apna_Babalbhai_-_Book_Cover.jpg
|image_alt=Wiki Logo
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Foundation
|site_name=Ekatra Foundation

Latest revision as of 02:43, 24 July 2026



આપણા બબલભાઈ

શ્રી ગોવિંદભાઈ રાવલ

મુ. પો. વિશ્વમંગલમ્, અનેરા, તા. હિંમતનગર
જિ. સાબરકાંઠા, પીન ૩૮૩ ૦૦૧
ફોન. નં. (૦૨૭૭૨) - ૨૩૯૨૮૩
અનેરા-૩૮૩૦૦૧

આપણા બબલભાઈ લેખકઃ ગોવિંદભાઈ રાવલ

આપણા બબલભાઈ રચના પ્રતિષ્ઠાન, વિશ્વમંગલમ્ - અનેરા ૩૮૩ ૦૦૧

પ્રત : ૧,૦૦૦

કિંમત રૂ.

મુદ્રકઃ જય ઓફસેટ હિંમતનગર

આપણા બબલભાઈ

એક હતો છોકરો. એનું નામ બબલ. વાહ કેવું સરસ નામ! ન કાનો ન માત્ર, ન ઈ ન ઉ. સાદુ-સીધું નામ બબલ. બબલનું જેવું નામ એવા ગુણ. સાદો-સીધો છોકરો. મિત્રોમાં પણ માનીતો. હસી-હસી, દોડી-દોડી સૌનાં કામ કરે એટલે મોટેરાં પણ એને વહાલ કરે. એક દિવસ એના મોટાભાઈ બહાર ગામ ગયેલા. તે આવ્યા ત્યારે તેને માટે એક પેકેટ લઈ આવેલા. કહે ‘બબલ, લે આ તારા માટે.’ મુગ્ધ કિશોર કહે ‘મોટા ભાઈ, મારે માટે આ મીઠાઈ લાવ્યા છો કે શું?’ મોટા ભાઈ માત્ર મરક-મરક હસતા રહ્યા. પણ આ શું? પાકીટમાંથી તો પુસ્તક નીકળ્યું! બબલનું મોં જરા વિલાયું પણ પહેલું જ પાન ખોલ્યું. ત્યાં એક તેજસ્વી યુવા સાધુનો ફોટો જોઈ એની પ્રતિભાથી મંત્રમુગ્ધ થતો એને જોઈ જ રહયો. ને પછી જેમ ભૂખ્યો ખાવા ઉપર તૂટી પડે તેમ તે પુસ્તકના શબ્દે-શબ્દ આરોગવા માંડ્યો. એવો તો પુસ્તક વાંચવામાં લીન થઈ ગયો હતો કે તે આખું પૂરુ થયું ત્યારે જ તે ઊભો થયો. પુસ્તક હતુંઃ ‘સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર.’ બબલ હસતા મોઢે અને ઉત્સાહથી ઊભરાતો. મોટાભાઈ પાસે જઈ કહે, મોટાભાઈ, હવે તમે દર વખતે મારા માટે આવી જ મીઠાઈ લેતા આવજો. મોટાભાઈ પણ ખુશ થયા ને કહે શાબાશ, બબલ હું જરૂર આવી જ મીઠાઈ દરવખતે તને લાવી આપીશ. પછી તો બબલે ઘણાં-ઘણાં જીવનચરિત્રો વાંચ્યાં. એકવાર મોટાભાઈ ‘કાલેલકરના લેખો’ નામનું પુસ્તક લઈ આવ્યા. તે વાંચી બબલને થયું કે,‘મારે તો હવે આ કાકાસાહેબ પાસે જ જવું જોઈએ.’ ત્યારે કાકાસાહેબ ગાંધીજીની વિદ્યાપીઠમાં. બબલે તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. કાકાસાહેબે કહ્યું. આવો, આવો, બબલભાઈ, મારે તમારા જેવા યુવાનોની જરૂર છે. બબલ હવે યુવાન થયો હતો. તેણે માને વાત કરી પણ માનું હૈયું એમ છોકરો પોતાનાથી દૂર ચાલ્યો જાય એ શે ગમે? મા કહે, બબલ,આપણે રહીએ કરાંચી ત્યાંથી અમદાવાદ, તો કેટલું બધું દૂર? હું તને કેમ જવા દઉં? પણ માએ જોયું કે દિકરાને ના પાડી તેથી એ તો આખો દિવસ ઉદાસ-ઉદાસ રહે. સરખું ખાય નહીં, ઊંઘે નહી ને દિવસે-દિવસે બબલ દૂબળો માંડ્યો.ત્યારે માને થયું કે દિકરાને દુઃખી કરી મારી પાસે રાખું એથી તો મારો જ જીવ બળે છે. એટલે છેલ્લે માએ રજા આપીને બબલભાઈ અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠમાં કાકા સાહેબ પાસે પહોંચી ગયા. વિદ્યાપીઠ તો જ્ઞાનની પીઠ. મોટા-મોટા નામાંકિત અધ્યાપકો તેમાં ભાત-ભાતના વિષયો ભણાવે. જાણે જ્ઞાનની ગંગા વહે. પણ બબલભાઈને તો કાકાસાહેબને વાંચતાં મનમાં પાકુ થઈ ગયેલું કે ગાંધીજી કહે છે, ‘યુવાનો તમે ગામડે જાઓ અને ગરીબોની સેવામાં લાગી જાઓ.’ એટલે એ તો મોટા અધ્યાપકોના વર્ગો ભરવાને બદલે કલાકો સુધી શ્રમ કરેને વિદ્યાપીઠના ગ્રંથાલયમાંથી કાકાસાહેબે જે નામ લખી આપેલાં તે પુસ્તકો લાવી વાંચે. આમ તે સ્વાધ્યાયથી સ્વયં જ્ઞાન મેળવવા લાગ્યા. કાકાસાહેબ પણ ખાસ સમય કાઢી બબલભાઈને ભણાવતા પણ ખરા. બબલભાઈના મનમાં તો બસ ગામડું જ રમતું. ઉછર્યા શહેરમાં પણ ગાંધીરંગ લાગ્યોને ગામડુ જ શમણામાં આવ્યા કરે. એક દિવસ કાકાસાહેબે પણ એમની તાલાવેલી જોઈ એમને ગામડે જવા આશીર્વાદ આપ્યા. ને બબલભાઈ ગામડે જવા નીકળ્યા. ચાલ્યા, બબલભાઈ ગામડે. ચાલતાં-ચાલતાં એક ગામ આવ્યું. ગામ શાનું? માટીનાં તૂટ્યાં-ફૂટ્યાં થોડાંક ઝૂંપડાં. તાપમાં બબલભાઈને તરસ લાગેલી. તેથી તેમણે એક છાપરા પાસે જઈ કહયું ‘ભાઈ, પાણી પાશો’? ત્યારે ખાટલા પર આડા પડેલા એક ગલઢેરાએ આંગળી ચીંધી કહ્યું પેલું રહ્યું તળાવ. ત્યાં જઈ પાણી પીઓ. તળાવ શાનું? એ હતું ખાબોચિયું. એમાં પાછી ભેંસો પડેલી તેથી તે પાણી પણ છાણ-મૂતરથી ગંધાતું હતું. બબલભાઈને થયું ‘અહોહો! જે દેશમાં આંગણે આવેલા અતિથિની ભગવાન માની સેવા-ચાકરી કરાય તે દેશની સંસ્કૃતિની આજે આ દશા? બબલભાઈને થયું, હા વસવા જેવું હોય તો આજ ગામ છે. ને એમણે તો થેલો એ ગામમાં જ ઊતાર્યો. પણ ગામમાં કોઈ ઘર ભાડે શાનું આપે? લોકો ઉજળાં લૂગડાંને ખાખી લૂગડાંથી બીતા. ઉજળા લૂગડાંવાળા ઉંદરની જેમ ફોલી ખાય ને ખાખી લૂગડાંવાળા મારી-મારી અધમૂઆ કરી મૂકે : બબલભાઈ તો ભૂખ્યા-તરસ્યા પણ એ ગામમાં જ રહ્યા. તેમની પાસે એક કળા હતી. વાર્તા કહેવાની ને ગીતો ગાવાની. એ તો ગીત-ભજન ગાતા-ગાતા ગામમાં ફરવા લાગ્યા તેથી ગામનાં નાગાં-મૂંગાં છોકરાં એમની પાસે દોડી આવ્યાં. બબલભાઈએ તેમને ગીતો ગવડાવી-વાર્તાઓ કહી ખુશ કરી દીધાં. છોકરાંએ ઘેર જઈ માને વાતો કરી. મા તો અન્નપુર્ણા. આવા એમના છોકરાંને ગમતા માણસને માતાઓ. થોડો ભૂખ્યો સૂવા દે. એક જણે એક તૂટલું છાપરું આપ્યું. બબલભાઈએ એને ઠીક-ઠાક કરી, વાળી ઝૂડી, સાફ કર્યું. આંગણું પણ વાળ્યું. એમણે એ ઘરમાં ત્રણ માટલીઓ મૂકી. જેને જે ધાન આપવું હોય તે વગર માગે આપી જાય. અનાજ હોય તો બબલભાઈ રોટલો ઘડે બાકી ભૂખ્યા સૂવે. પણ માગવું. ને મરવું એમને માટે બરાબર. બબલભાઈ સવારે વહેલા ઊઠે. પ્રભાતિયાં ગાતા-ગાતા ગામમાં ફરે. છોકરાં ભેગાં થાય તેમને લઈ ગામ વાળે. એક ઉકરડો રસ્તા વચ્ચોવચ સૂતો તો, એને બેઠો કર્યોંને રસ્તાની બહાર ઊભો કર્યાં. છોકરાંને નવડાવે, તેમનાં માથાં ધૂએ, વાળે. નખ કાપી આપે. વાર્તા કહે, ગીતો ગવડાવે. થોડું લખતાં-વાંચતાં પણ શીખવે. રાતે વાળુ કર્યા પછી ગામના પુરુષોને બહેનો આવે તેમને પ્રાર્થના, ભજન, ધૂન ગવડાવે. સારી વાતો કરે. ખાસ તો ગાંધીબાપુની અને દેશમાં ચાલતી સ્વરાજની લડતની વાતો કરે. પણ એક દિવસ ભારે થઈ. એક હરિજનબાઈને એરુ આભડ્યું. તે રડતી-રડતી બબલભાઈ પાસે આવી. બબલભાઈ પ્રાથમિક સારવારનું કામ પણ કરતા. તેમણે તેને અડી સારવાર કરી. ખલાસ-તમે હરિજનને અડ્યા? ધરમ બોળ્યો? ગામે એમનો બહિષ્કાર કર્યો. થોડા દિવસ આવું ચાલ્યું પછી કેટલાક સમજુ માણસો નીકળ્યા. તેમણે ગલઢેરાઓને સમજાવ્યાને વાત થાળે પડી. આવા તો ઘણા-ઘણા અનુભવો બબલભાઈને થયા. આ બધા અનુભવ એમણે એમની આગવી શૈલીમાં લખ્યા છે. એ પુસ્તકનું નામ છે. ‘મારું ગામડું’. બબલભાઈનું આ ગામ તે ખેડા જિલ્લાના ઉમરેઠ તાલુકાનું માસરા ગામ. આ પુસ્તક વાંચી ઘણા જુવાનિયાઓ ગ્રામસેવક થઈ તે જમાનામાં ગામડે ગયેલા. વળી પાછી લડત આવે, ગાંધીજીની હાકલ થાય એટલે બબલભાઈ લડતમાં જોડાય. એમ કરતાં-કરતાં ગાંધીજીએ પાયાની પ્રાથમિક કેળવણી બુનિયાદી તાલીમની ‘વર્ધા શિક્ષણ યોજના’ આપી. તેનો પ્રયોગ કરવા માટે બબલભાઈ માસરાથી થામણા આવ્યા. માસરા માત્ર ઠાકોર વસ્તીનું નાનકડું ગામ. જયારે થામણા પંચાઉ વસ્તીનું મોટું ગામ. ત્યાં તેમણે બુનિયાદી શિક્ષણનો પ્રયોગ કરવામાં મદદ કરી. પરંતુ ધીરે-ધીરે બબલભાઈની સુવાસ ગુજરાત આખામાં ફેલાવા માંડી. સ્વરાજય આવ્યા પછી ઠેર-ઠેર કેટલાયે જુવાનિયાને વિદ્યાપીઠના સ્નાતકો ગામડામાં જઈ બુનિયાદી શિક્ષણનું કામ કરવા લાગ્યા હતા. તેમને શરૂમાં ઘણી-ઘણી તકલીફો પડે. એ બધા મૂંઝાય ત્યારે બબલભાઈને બોલાવે. બબલભાઈ દોડીને. જાય. તેમની સાથે રહે. હૂંફ આપે, હિંમત આપે, બળ પૂરે. વેકેશન જુવાનિયાઓના શિબિરો કરે. બબલભાઈની શિબિરો ભરનારામાંથી કેટલાક તો ગામડે જઈ કામ પણ કરવા માંડ્યા. બબલભાઈ તો.‘સફાઈ-આચાર્ય’. સફાઈ એમનો શોખ. ઘર, આંગણું, શેરી, કપડાં, વાસણ, ઘરવખરી બધું સાફ-સુઘડ કેમ રાખવું તે શીખવે. સફાઈ એ પણ એક કળા છે. એમાં સૌન્દર્ય છે તેની વાતો બબલભાઈને મોઢે સાંભળીએ તો ધરાઈએ જ નહીં. બબલભાઈનો જેમ ગાંધીજીની સંસ્થાઓ અને તેમના કાર્યકરો સાથે સંબંધ તેમ ગુજરાતમાં ઘણાં બધાં એવાં સાત્વિક કુટુંબો કે તેમાં બબલભાઈ એટલે જાણે કે તેમના આત્મીય સ્વજન. સુખ-દુઃખના સાથી, મૂંઝવણમાં માર્ગદર્શક. કુટુંબનાં છોકરાં પણ બબલભાઈને યાદ કરે. તેમના આવવાની રાહ જુએ. સૌને લાગે બબલભાઈ અમારા. ‘અમ્મારા અમ્મારા, બબલભાઈ અમ્મારા રે’ વિદ્યાર્થીકાળમાં સેવાદળના શિબિરમાં એમનું મને પ્રથમ દર્શન થયું. ત્યારે મારી ઉંમર પંદર વર્ષ, મને એમનામાં અને એમને મારામાં રસ પડ્યો. ‘મારું ગામડું’ વાંચી મેં કહ્યું કે મારે તો ગ્રામસેવક થઈ ગામડે બેસવું છે. મને કહે, તમારી ઉંમર કાચી છે. પહેલા સરખું ભણો. તેમના કહેવાથી જ ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યો. તે દરમ્યાન સતત સંપર્કમાં રહેતો. અમારા વિદ્યાપીઠના પ્રવાસના પણ એ અમારા નિમંત્રિત અધ્યાપક. શું જોવું? કેમ જોવું? કેમ સમજવું તેની દૃષ્ટિ એમની પાસેથી મેળવી વિશ્વમંગલમ્ શરૂ કર્યું. ત્યારે ધૂળ ખાંપતા, કાદવ ખૂંદતા અમારે ત્યાં આવે. અમારા માટીના ખોરડામાં સાથે રહે. મારી, સુમતિની અને છોકરાંની જાણે ઘરમાં શાળા ચાલે. જુવાનીનું ગરમ લોહી. સનાતની પિતા સાથે કે જુનવાણી ગામના ગલઢેરાઓ સાથે ઝઘડો થઈ જાય. બબલભાઈ આવે ત્યારે બધાંને મળે... પહેલાં મને, તે પછી પિતાજીને અને છેલ્લે ગામના વૃધ્ધોને સમજાવે. દર સત્રમાં અમે એકવાર બબલભાઈને બોલાવીએ. આઠ-દસ દિવસ અમારી સાથે રહે. એમના આવતા પહેલાં સંસ્થા વાળી ઝૂડી ચોખ્ખી કરી હોય. પણ એમની આંખને કોઈક ખૂણો સફાઈ કરવા જેવો જડી જ જાય. કેપ્ટન નીકળે એટલે સિપાઈએ પણ ઝાડુ પકડી પાછળ જવું જ પડે ને! સંસ્થાની આસપાસનાં પાંચ ગામમાં બબલભાઈ અમારી સાથે ફરે. ગાંધીજયંતી સપ્તાહ અને સર્વોદય પર્વમાં ગામે-ગામે વિવિધ કાર્યક્રમો થાય. વૈતાલિક, ગ્રામસફાઈ, ધ્વજવંદન, ભીંતપત્ર લેખન, ખાદી-સાહિત્ય વેચાણ, શાળા સંમેલન, મહિલા સંમેલન, ગાંધીકુટિર, કતાઈ યજ્ઞ, સાયં ગ્રામ પ્રાર્થના સભા વગેરે વગેરે. બધામાં બબલભાઈ ભળે ને સૌને સૌની જરૂર મુજબ વાર્તાલાપ આપે. ગીતો ગવડાવે. વાર્તા કહે. ત્યારે જાણે ગામે-ગામ આનંદ-મંગલનું વાતાવરણ જામે. અમારાં બે છોકરાં પણ બબલભાઈના આવવાની રાહ જુએ. છોકરાં એમને પત્રો લખે. વહેલા-વહેલા આવો. આવે. અમે એમને અમારા ઘરમાં જ રાખીએ, મહેમાનગૃહમાં નહીં. ત્યારે ઘર નિશાળ બની જાય. તેમની દરેક ક્રિયા-પ્રક્રિયામાંથી નર્યો પ્રેમ અને શિક્ષણ નીતરે. એ જાય ત્યારે થોડા દિવસ સૂનું-સૂનું લાગે. આવા હતા એ અમારા આત્મીય પરિવાર જન. એમણે પોતે કોઈ સંસ્થા શરૂ નહોતી કરી. પણ બધી જ સંસ્થાઓ એમની. અલબત્ત ન કશામાં મંત્રી કે પ્રમુખ થાય. અરે તેના સભ્ય પણ ન થાય. અને છતાં એમનું વજન પ્રમુખ કે સંચાલક કરતાં પણ વધુ પડે. એવા એ મોટા માણસ. મોટો માણસ કોણ? એની હાજરીનો ભાર લાગે. એનો ઑ પડે એ? ના-ના. મોટો માણસ તો એ, જેની હાજરીનો ભાર જ ન લાગે. બબલભાઈ આવા ‘મોટા ગજાના મોટા માણસ’ હતા. ગાંધીજીની ભાષામાં ગંગા જેવા. જેના ખોળામાં રમાય, ભૂસકા મરાય, તરાય. મા જેવા મીઠા મધ. એમનું વ્યકિતત્વ જ અનોખું. ધોતિયુંને ટોપી, તે પણ ખાદીનાં. ગોરા, ફૂટડા, ઊંચા, એકવડિયા બાંધાના. પણ હાડના મજબૂત. કલાકો સુધી શ્રમ કરે. કામ કરતાં થાકે જ નહીં. મો’ ઉપર કદી કંટાળો કે ઉદાસીનતા ન દેખાય. સદાય હસતા. એમના હાસ્યમાં એમની નિર્દોષતા એમની આંખોમાંથી નીતરે. કયારેય કોઈની નિંદા ન કરે. તમે પણ તેમની આગળ કોઈની નિંદા કરવાની હિંમત ન કરી શકો. બબલભાઈનો પોષાક પણ એમની સ્વામીના આગવી ઓળખ આપે એવો. ખાદીનું બુશર્ટ, -ખાસ બબલભાઈ કટ, ધોતિયું ને ટોપી. તે પણ બધાં તેમણે રેટિયા પર કાંતેલી ખાદીનાં જ. નિત્ય કતાઈ, નિત્ય પ્રાર્થના, નિત્ય ગીતાપાઠ. એમના જીવનમાં વસ્ત્રના પોતની જેમ વણાઈ ગયેલાં. કોઈ દિવસ એમાં ચૂક પડે જ નહીં. રોજ સ્વાધ્યાય પણ ખરો. પણ પુસ્તકના કીડા નહીં. વાંચે એથી વધુ વિચારે અને વિચારે તે આચરે જ. એમનું જીવન એટલે જાણે આચરણની પારાશીશી. સ્વચ્છ,સ્ફટિક જેવું પારદર્શક જીવન. આંતર-બાહ્ય એક. ભાષણો ન કરે પણ વાર્તાલાપ આપે. કયાંય ભાષાની ઝાકમઝોળ નહીં, અલંકાર નહીં, ભાષા કેવી? એમના શીલ જેવી. સાદી-સરળ, દિલ સોંસરી ઊતરી જાય એવી. બબલભાઈના પોસ્ટકાર્ડ પર લખાયેલા પત્રો જેને મળ્યા હશે તે બધા. ધન્ય-ધન્ય થઈ ગયા હશે. એમના થેલામાં પોસ્ટકાર્ડ હોય જ. બસ આજ એમનો પરિગ્રહ. બાકી એક જોડ કપડાં અને રેંટિયો એટલો એમનો સંઘરો. એકદમ અકિંચન અને અનિકેત. હંમેશાં જયાં જાય ત્યાં કુટુંબમાં કે સંસ્થાને રસોડે જમે. પ્રવાસ ખર્ચ કે પોસ્ટકાર્ડ કરતાં કોઈ વધુ ખર્ચ આપે તો પણ ન લે. સદાય ફરતા રામ. શામાં? ગાડીમાં કે બસમાં! ગાડીમાં કચરો હોય તો એને સાફ કરવાની નાની સાવરણી સાથે જ હોય. બસમાં બેઠા હોય પણ કોઈ વૃદ્ધ કે બહેન આવે તો ઊભા થઈ જગા આપે. ન મોટાઈ ન નાનમ. ગાંધીબાપુ હતા ત્યારે તો તેમની હાંકલ થાય એટલે બબલભાઈ લડતમાં ઝંપલાવે પણ એ તો એમનું નૈમિત્તિક કામ. નિત્યકામ તો ગ્રામસેવા, સંસ્થાયાત્રાઓ અને લોકશિક્ષણ. ગાંધીજીના ગયા પછી એમના આધ્યાત્મિક વારસદાર સંત વિનોબાજીએ ભૂદાન યજ્ઞ શરૂ કર્યો તો એમાંય એમણે ઝંપલાવ્યુંને એ પાછા – ‘ચાલ્યા વિનોબા ગામ-ગામડે, એને બાપુના મંત્ર બધા આવડે રે’ – ગાતાને ગવડાવતા ગામે-ગામ ભૂદાન માગવા નીકળી પડ્યા. લોકોના હૈયામાં કરુણાનું ઝરણું વહેતું કરી, હજારો એકર જમીન-ભૂમિહીનો માટે દાનમાં મેળવી. આવા બબલભાઈની બધાં સાથે ગોઠડી જામે. ઘરડા, પ્રૌઢ, યુવાન, વિદ્યાર્થી, બાળક, બહેનો દરેકની સાથે બબલભાઈને કામ પાડતાં આવડે. હા, એ એવું બોલે કે સામાને લાગે જરૂર પણ વાગે જરાય નહીં. આવું બોલવું એ પણ અદ્ભુત કળા છે જે બધાં પાસે નથી હોતી પણ એવી કળા બબલભાઈને સહજ સાધ્ય હતી. તેમ છતાં શ્રીમોરારજી દેસાઈ જેવા ચમરબંધીના મોઢામાંથી અયોગ્ય વેણ નીકળ્યું હોય તો એકાંતમાં મળી વાત કરી આવે ખરા. એટલે નિર્ભય પણ એવા જ. એમની સત્યપૂત વાણીના જાદુનું રહસ્ય એ હતું કે તેઓ ઉપનિષદના ઋષિ વચન મુજબ सत्यम् ब्रूयात् । प्रियम् ब्रूयात् । हितम् ब्रूयात् અને મીતમ્ બ્રૂયાત્ હતા. અસમિયાસંત શંકરદેવના ‘નામઘોષા’ ગ્રંથમાં એક વચન છે.

ઉત્તમ જુએ કેવળ ગુણ
અધમ જુએ કેવળ દોષ
મધ્યમ કરે ઉભય વિચાર
ઉત્તમોત્તમ કરે અલ્પગુણ વિસ્તાર.

આપણા બબલભાઈ આવા ઉત્તમોત્તમ પુરુષ હતા. આવા આ પુણ્યશ્લોક પુરુષને એમના શતાબ્દી પર્વે શતશઃ વંદના ।।

ક્યારે ચડ્યા?

જ્યારે પરિશ્રમથી થાક્યા ત્યારે ચડ્યા.
જ્યારે વિચારી વિચારીને મૂંઝાયા ત્યારે ચડ્યા.
જ્યારે અકળાઈને રડ્યા ત્યારે ચડ્યા.
જ્યારે આપી આપીને ક્ષીણ થયા ત્યારે ચડ્યા.
જ્યારે સહી સહીને હિજરાયા ત્યારે ચડ્યા.
જ્યારે ચાલી ચાલીને બેઠા ત્યારે ચડ્યા.
જ્યારે ઝૂઝી-ઝૂઝીને ઊભા રહ્યા ત્યારે ચડ્યા.
– બબલભાઈ મહેતા

હે પ્રભુ! દુનિયાની એક પણ વ્યક્તિ વિશે મારા મનમાં કડવાં બીજ ન રોપાય એવી પ્રેમળતા આપ. બીજાઓની બુદ્ધિથી હું અનેક વાર અંજાઈ જાઉં છું, તણાઈ જાઉં છું, પ્રવાહમાં ખેંચાઈ જાઉં છું, અને સત્ય મારા હાથમાંથી સરી પડે છે. મારું મન બીજાના બૌદ્ધિક જાદુથી મુક્ત રહે એવી હે પ્રભુ! તું મને વિવેકબુદ્ધિ આપ. મારો અંતરાત્મા એ જ મારું ચાલક અને પ્રેરક બળ બનો.

– બબલભાઈ મહેતા


***