કાંચનજંઘા/હિમાલયની દિશા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 41: | Line 41: | ||
— તો હિમાલય ઉત્તર દિશામાં નથી? ભૌગોલિક રીતે કદાચ ઉત્તરાસ્યાં દિશિ હશે, પણ પેલા કિશોર માટે? એને માટે તો જે દિશામાં એનો પતંગ જાય છે, એ જ દિશામાં હિમાલય છે. તેને મન તેના પતંગની દિશા એ જ હિમાલયની દિશા. હિમાલય ભલે નગાધિરાજ હશે, પણ એના પતંગ કરતાં કંઈ મોટો છે? | — તો હિમાલય ઉત્તર દિશામાં નથી? ભૌગોલિક રીતે કદાચ ઉત્તરાસ્યાં દિશિ હશે, પણ પેલા કિશોર માટે? એને માટે તો જે દિશામાં એનો પતંગ જાય છે, એ જ દિશામાં હિમાલય છે. તેને મન તેના પતંગની દિશા એ જ હિમાલયની દિશા. હિમાલય ભલે નગાધિરાજ હશે, પણ એના પતંગ કરતાં કંઈ મોટો છે? | ||
ઉપર આકાશમાં પતંગ ભણી ઊંચી ડોકે જોઈ રહેલા કે આ ખેતરમાં પતંગ પાછળ દોડતાં આ બધા કિશોરોને બાલ્કનીમાં તડકો ઓઢીને જોતાં જોતાં હું વિચારું છું કે મારા હિમાલયની દિશા કઈ? | ઉપર આકાશમાં પતંગ ભણી ઊંચી ડોકે જોઈ રહેલા કે આ ખેતરમાં પતંગ પાછળ દોડતાં આ બધા કિશોરોને બાલ્કનીમાં તડકો ઓઢીને જોતાં જોતાં હું વિચારું છું કે મારા હિમાલયની દિશા કઈ?<br> | ||
{{Right|અમદાવાદ}}<br> | {{Right|અમદાવાદ}}<br> | ||
{{Right|૨૩-૧૨-૮૧}} | {{Right|૨૩-૧૨-૮૧}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Revision as of 09:09, 30 July 2021
ભોળાભાઈ પટેલ
રવિવારની નમતી બપોર છે. ઠંડી કેટલાય દિવસથી વધતી રહી છે. એટલે તડકામાં બેસતાં ગરમ વસ્ત્રથી આવૃત્ત હોવાની એક હૂંફાળી અનુભૂતિ થાય છે. તડકામાં નિરાંતે બેસવાનો આજે સમય પણ છે અને મનોવૃત્તિ પણ. એટલે પહેલે માળે આવેલા મારા નિવાસની દક્ષિણાભિમુખી બાલ્કનીમાં બેસીને ઘરને અઢેલીને પડેલા ખુલ્લા ખેતર અને તે પછી ટ્રાફિકથી છલકાતા રસ્તા પર નજર પાથરીને બેઠો છું. હાથમાં ચોપડી છે, પણ આ ક્ષણે તો જાણે બહાના પૂરતી છે.
મોટા શહેરમાં ઘરને અઢેલીને ખુલ્લું ખેતર ભાગ્યયોગે જ મળે, પણ હમણાં તો ભાગ્યને એવો યોગ છે. સંભવ છે કે થોડા વખતમાં ત્યાં બહુમાળી ફ્લૅટ ઊગી આવે, પછી તો બાલ્કનીમાં આવીને ઊભતાં જ સામે દર્પણમાં જોતાં હોય તેમ બીજી બાલ્કની જોવા મળશે. અત્યારે જે દૂર સુધી ખુલ્લું આકાશ અને ખુલ્લી જમીન અને એ બંનેની મિલનભૂમિ દેખાય છે. તેને બદલે પછી આકાશનો એકાદ ખંડ દેખાય તો દેખાય.
પણ આજે એની શી ચિંતા? ખેતર પૂરું થતાં મોટો રસ્તો છે. તેના પર ટ્રાફિકની ભારે અવરજવર છે. ડ્રાઇવ-ઇન થિયેટરનો એ પ્રસિદ્ધ માર્ગ છે. પણ અહીંથી બેઠાં ટ્રાફિકની ગતિ જોવા મળે છે. એનો ઘોંઘાટ સાંભળવાનો ત્રાસ સહેવો પડતો નથી, અથવા ઓછો. ખેતરને આંતરતા તાર તો બાંધેલા છે, પણ ઠેર ઠેર છીંડાં પાડવામાં આવ્યાં છે. ચારે બાજુએથી પ્રવેશની મોકળાશ છે. બકરીથી માંડી ઊંટ સુધીનો પ્રવેશ આ ખેતરમાં ચરવા માટે થાય છે. ખેતરને એક કિનારે ઘેઘૂર લીમડાની હાર આવેલી છે અને ઊંટ લાંબી ડોકે એનાં પાંદડાંનો આહાર કરતાં જોવા મળે છે. એક વાર તો હાથી જેવો હાથી પણ આવેલો – બાજુમાં પીંપર છે, તેનાં પાન માટે.
પરંતુ આજે ખેતરમાં એ સૌને રજા છે. બકરી, ગાય, ઊંટ કોઈ નથી. અને છતાં ખેતર ખાલી નથી. ખેતરમાં ઠેર ઠેર નાના કિશોરોની ત્રણ-ચાર ત્રણ ચારની ટોળીઓ ઊભી છે. આજે રવિવાર છે, એનો કેલેન્ડરમાં જોયા વિના ખ્યાલ આવી જાય. આ બધાં કિશોરોની નજર ઉપર આકાશમાં છે – અને આકાશમાં ઊડી રહ્યા છે રંગબેરંગી પતંગ.
ઉતરાણને હજી વાર છે, પણ પતંગો તો ક્યારનાય ઊડી રહ્યા છે. કિશોરોની ટોળકીઓ ઊડતા પતંગો તરફ ઉપર જોઈ રહી છે. તેઓ રાહ જુએ છે કે ક્યારે પતંગોના પેચ થાય. પેચ થાય એટલે આતુરતા વધે. રાહ જુએ કે ક્યારે એ કપાઈ જાય. અને એક પતંગ કપાયો કે મચી જાય હલચલ. પતંગની દિશામાં જાણે આખું ખેતર દોડવા માંડે.
આકાશમાં ઊડતા પતંગો જેટલા જ ચંચલ છે આ કિશોરો. આમથી તેમ દોડાદોડ કરે છે. પગમાં કાંટા વાગે તો તેની જાણે ચિંતા નથી. તારથી ઉઝરડા પડે તો તે પણ લેખામાં નથી. તેમનું સમગ્ર ધ્યાન આકાશમાં ઊડતા પતંગો ભણી છે, નજર ઊંચે આકાશમાં અને પગ નીચે જમીન પર. છતાં ઉપર પતંગોની ગતિને તાલે તાલે નીચે એ પગનો સંવાદ સંધાય છે.
આ બાજુ ત્રણ-ચાર કિશોરો પતંગ ઉડાડે છે. પતંગ હવામાં લાવવા માટે હાથમાં દોરી પકડી પોતે દોડે છે. પતંગ હવામાં આવતાં રાજી રાજી થઈ જાય છે. અને પછી એક સ્થળે ઊભા રહી ઠમકી મારતાં એને ઊંચો રાખવાનો પ્રયત્ન કરે છે. પણ કોઈ તો ત્યાં ઊભો ઊભો જ થોડી ઠમકીઓ માત્રથી પતંગને હવામાં લાવે છે. હું એમના કૌશલ પર મુગ્ધ થઈ જાઉં છું. મને પોતાને પતંગ ઉડાડતાં ક્યારેય આવડ્યું નથી. ઇચ્છા તો અનેક વાર કરી છે, પણ પ્રયત્ન છતાં મારે હાથે પતંગ ભાગ્યે જ ઊડે.
નાનો હતો ત્યારે હંમેશાં દોડીને જ પતંગને હવામાં લાવવાનો પ્રયત્ન કરેલો. પણ હું દોડું એટલી વાર પતંગ ઊંચે આકાશ ભણી રહે. પછી જેવો હું ઊભો રહ્યું કે એ પણ લોટતો લોટતો નીચે ઊતરી જાય. વળી પાછો દોડું અને એમ પતંગ ઉડાડવાનું સ્મરણ રહેલું છે. હા, ક્યારેક શાન્તાનુકૂલ પવનો હોય તો પતંગ જોતજોતામાં ઊપડે. એક આનંદની છોળ ઊછળે ન ઊછળે ત્યાં પતંગ ગોથ ખાય, પછી તો સંભાળવાનું મુશ્કેલ. એટલે મને હંમેશાં પતંગ કરતાં સરસ પાયેલી દોરી વધારે ગમે. બે પતંગોના પેચ લઢતા હોય, ત્યારે બંને પતંગવાળા બહુ જ ઢીલા જવા દે તો એમની ફીરકી પરથી બહુ દોરી જતી જોઈને મને ઉચાટ થઈ જાય. પતંગ ભલે જાય, પણ દોરી! એટલે હું પતંગ ઉડાડતો હોઉં અને પેચ થઈ જાય તો ઢીલ છોડવા કરતાં ખેંચવાનું મન વધારે કરું. પતંગ ભલે કપાઈ જાય, પણ દોરી તો બહુ ના જાય.
આજે જ્યારે નાના કિશોરોને ચપળતાથી પતંગ ઉડાડતાં જોઉં છું તો તેમને શાબાશી આપ્યા વિના રહી શકતો નથી. તેઓ જ્યારે પતંગ ઉડાડતા હોય છે ત્યારે તેમની એકાગ્રતા કોઈ નાસિકાગ્રનિબદ્ધ દૃષ્ટિ ઋષિમુનિના તપધ્યાનની એકાગ્રતાથી જરાય ઊતરતી ન લાગે. ટાઢ-તડકો, ભૂખ-તરસ, માબાપનો ઠપકો, અગાશી કે છાપરા પર હોય તો પડી જવાની બીક – કશુંય તેમને ડરાવી, ચળાવી શકે નહીં. એકમાત્ર પતંગનિબદ્ધ દષ્ટિ.
એટલે પતંગ પકડવા દોડતા કિશોરો કે પતંગ ઉડાડવામાં તન્મય કિશોરોને જોવાનો એક આનંદ હોય છે. બાલ્કનીમાં બેસીને એ આનંદ હું સંડોવાયા વિના લૂંટું છું, તેમ છતાં ‘તટસ્થ’ ભાગ્યે જ રહી શકું છું. કોઈ બે પતંગના પેચ થાય એટલે અનાયાસે મારા મનમાં તણાવ થાય. તેમાં વળી ક્યારેક અમુક પતંગ ના કપાય એવો પક્ષપાત પણ થાય. એ પતંગ કપાય એટલે એ કપાયેલા પતંગની સાથે સાથે નજર દૂર સુધી જવા મથે. પતંગ નજીકમાં જ કપાઈને પડે અને ખાલી કે ઝંડાવાળા હાથે કિશોરો તેના તરફ ધસી જાય. એ જોવાનું તો અત્યંત ઉત્તેજક બને. જેના હાથમાં આવી જાય તેણે તો જાણે અશ્વમેધનો ઘોડો બાંધ્યો. થોડી વારે એ વિજેતાનો દર્પ ધરે, તે પછી પાછો ટોળકીમાં ભળી જાય.
આ કિશોરોનું એકમાત્ર ધ્યાતવ્ય ધ્યાનનું કેન્દ્ર છે – પતંગ. ધ્યાન-ધ્યાતા વચ્ચે અહીં ભેદ છે. હમણાં વાંચેલી એક હિન્દી કવિતા યાદ આવે છે. પતંગ ઉડાડતા એક કિશોર વિશેની આ કવિતા કેદારનાથસિંહ નામના એક અચ્છા, હિન્દી કવિની છે. કવિતાનું મથાળું છે દિશાઃ
‘હિમાલય કિધર હૈ?’ –
મૈને ઉસ બચ્ચે સે પૂછા
જો સ્કૂલ કે બાહર
પતંગ ઉડા રહા થા –
‘ઉધર – ઉધર –’
ઉસને કહા –
જિધર ઉસકી પતંગ
ભાગી જા રહી થી.
મેં સ્વીકાર કરૂં
મૈંને પહલી બાર જાના
હિમાલય કિધર હૈ.’
— તો હિમાલય ઉત્તર દિશામાં નથી? ભૌગોલિક રીતે કદાચ ઉત્તરાસ્યાં દિશિ હશે, પણ પેલા કિશોર માટે? એને માટે તો જે દિશામાં એનો પતંગ જાય છે, એ જ દિશામાં હિમાલય છે. તેને મન તેના પતંગની દિશા એ જ હિમાલયની દિશા. હિમાલય ભલે નગાધિરાજ હશે, પણ એના પતંગ કરતાં કંઈ મોટો છે?
ઉપર આકાશમાં પતંગ ભણી ઊંચી ડોકે જોઈ રહેલા કે આ ખેતરમાં પતંગ પાછળ દોડતાં આ બધા કિશોરોને બાલ્કનીમાં તડકો ઓઢીને જોતાં જોતાં હું વિચારું છું કે મારા હિમાલયની દિશા કઈ?
અમદાવાદ
૨૩-૧૨-૮૧