યુરોપ-અનુભવ/કેટલો ભવ્ય છે મનુષ્ય!: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 51: | Line 51: | ||
સ્ટેશને આવી દુનિયાની એક અજાયબી ગણાતો ઢળતો મિનારો જોવા પીસા જતી ગાડી પકડી. | સ્ટેશને આવી દુનિયાની એક અજાયબી ગણાતો ઢળતો મિનારો જોવા પીસા જતી ગાડી પકડી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[યુરોપ-અનુભવ/વિનસનો જન્મ|વિનસનો જન્મ]] | |||
|next = [[યુરોપ-અનુભવ/પીસાનો ઢળતો મિનાર|પીસાનો ઢળતો મિનાર]] | |||
}} |
Latest revision as of 11:30, 7 September 2021
ફ્લોરેન્સના સ્વચ્છ માર્ગો અને ઊંચી ઇમારતો પર જૂનની સવારનો તડકો પથરાવા લાગ્યો હતો. સ્ટેશન પરના રેસ્ટોરાંમાં સેલ્ફ સર્વિસ કાઉન્ટર ઉપરથી કૉફી લઈ, ત્યાં ઊભાં ઊભાં પીધી. પછી રાત્રે જિનીવા જતી ગાડીની તપાસ કરી. એમાં રિઝર્વેશન થતું નથી. ગાડી રોમથી આવે છે. હું ગણગણ્યો: All roads lead to Rome.
ફ્લૉરેન્સના ભોમિયા હોઈએ એમ અમે સીધા ડુઓમો – કેથિડ્રલ તરફ ચાલ્યાં. સાન્તા મારિયા દેલ ફીઓરેને સમર્પિત આ કેથિડ્રલ તેરમી સદીના અંત ભાગે બંધાવું શરૂ થયેલું, ત્યાં ઊભેલા જૂના દેવળને સ્થાને. ઊંચા ઘંટાઘર-બેલટાવર સાથે એનો ભવ્ય ગુંબજ દૂરથી નજરને ભરી રહ્યો. ફ્લૉરેન્સનો કેટલોબધો ઇતિહાસ આ કેથિડ્રલ જાણે છે! રાજપુરુષો અને ધર્મપુરુષો, બૅન્કરો અને ઊનના વેપારીઓ, કલાકારો અને કારીગરો, કવિઓ અને વિદ્વાનો – ફ્લૉરેન્સમાં એક સમય એવો હતો કે બધાં ક્ષેત્રોમાં તે અગ્રણી હતું. પંદરમી અને સોળમી સદી તો એનો સુવર્ણકાળ.
સવારસવારમાં કેથિડ્રલના પરિસરમાં ગમી ગયું. તડકો એના ઊંચા ગુંબજને તેજસ્વી કરતો હતો. નીચે પ્રાંગણમાં છાયા હતી. ત્યાં કેટલાક ચિત્રકારો ચિત્રો-સ્કેચ કરતા હતા. પ્રવાસીઓ હજુ બહુ આવ્યા નહોતા. અમારો જ પ્રસન્ન વાર્તાલાપ ગુંજતો હતો. હજી દરવાજા ખૂલ્યા નહોતા. પવનમાં કંપ હતો.
અમે કેથિડ્રલના મ્યુઝિયમ – મ્યુઝિયો દી ડુઓમો – તરફ ગયાં. રસ્તા પર અવરજવર નહીંવત્. મ્યુઝિયમ નવ વાગ્યે ખૂલશે. બંધ મ્યુઝિયમના અંદરના આંગણામાં સ્થાપિત કરેલાં શિલ્પો જોઈ પગથિયાં પર બેસી દ્વાર ઊઘડવાની રાહ જોવા લાગ્યાં. અમે જ પ્રથમ દર્શનાર્થીઓ હતાં.
દ્વાર ખૂલ્યાં. ત્રણ હજાર લીરા પ્રવેશફી. પણ અમારે અહીં કલાકાર દોનાતેલ્લોનું પ્રસિદ્ધ કાષ્ઠશિલ્પ ‘મેરી માગ્દાલેન’ અને માઈકલ ઍન્જેલોએ ઉત્તરવયમાં કંડારેલું ‘પિએતા’ (જેમાં ઈશુને ક્રૉસ ઉપરથી ઉતારવામાં આવે છે) જોવું જ હતું. યુવાન માઇકેલ ઍન્જેલોએ કંડારેલું ‘પિએતા’ તો રોમના સેન્ટ પિટરમાં જોયું જ હતું. આ બીજું.
ઉપર જતાં જ પ્રવેશદ્વારે એ શિલ્પ પર નજર પડી ગઈ. પાછળ ખૂલેલી બારીમાંથી બરાબર પ્રકાશ પડતો હતો. ઉત્તરવયમાં આ કલાકારમાં ઊંડી ધર્મચેતનાનો ઉદય થયેલો. એને પ્રતીતિ થયેલી કે, હવે જીવનની સાંધ્યવેળા આવી પહોંચી છે. ‘મારા દિવસનો ચોવીસમો કલાક આવી પહોંચ્યો છે’. એમ એણે કલાકારમિત્ર વાસરીને લખેલું. એનાં છેલ્લામાંનાં બે શિલ્પો(બન્નેનો એક જ વિષય છે – પિએતા)માં કલા-સમીક્ષકોએ એની ઈશ્વર સાથે એક થવાની ઝંખના પ્રકટ થતી જોઈ છે. એણે કહેલું :- ‘હે પ્રભુ! તારી અનિવર્ચનીય કૃપાદૃષ્ટિ વરસાવી તું મને દર્શન નહીં આપે ત્યાં સુધી હું શું કરીશ?’
આ ‘પિએતા’માં (જે એને પોતાની કબર – સાર્કોફગસ – માટે આમ તો કંડારેલું) મૃત ઈશુને સાહી રહેલા વૃદ્ધ નિકોડેમુસના ચહેરામાં માઇકેલ ઍન્જેલોના પોતાના ચહેરાની રેખાઓ છે. એ રીતે સામીપ્યમુક્તિ – ઈશુની સમીપ રહેવાનો ભાવ વ્યક્ત થયો છે. સેન્ટ પિટરના ‘પિએતા’માં જે સંપૂર્ણ ‘ફિનિસ’ છે તે અહીં નથી. હજી ખરબચડા આરસ પર ટાંકણાનાં ચિહ્નો છે. ઈશુનો એક હાથ માતા ઉપર છે અને બીજો ‘પતિત’ સ્ત્રી ઉપર. આખા શિલ્પમાં આ સ્ત્રીનો ચહેરો પૂરેપૂરો ઊપસ્યો છે. શિલ્પમાં ચાર ચહેરાનું અદ્ભુત સામંજસ્ય છે. અહીં સ્થાપિત આ શિલ્પને પ્રવેશદ્વારથી ફ્રેમ મળી જાય છે. કોણ જાણે મને જરા ઇચ્છા થઈ કે, આ શિલ્પને સ્પર્શ કરું, હું માઇકેલ ઍન્જેલોને અડકતો હતો શું!
રેનેસાંના આરંભકાળના પ્રસિદ્ધ શિલ્પી દોનાલ્લોનું મેરી માગ્હાલેન પણ એની ઉત્તરવયનું શિલ્પ. હાથ જોડી ચીંથરેહાલ ઊભેલી મુમૂર્ષુ વૃદ્ધા જાણે પાપોની પ્રતિમૂર્તિ. સંત માગ્દાલેન પસ્તાવો કરી રહી છે. શિલ્પને જોતાં જ જાણે એક જુદી જ પ્રતિક્રિયા થાય છે – કદાચ જુગુપ્સાનો ભાવ. પણ એક વાર એ માગ્દાલેનને જોઈ છે, પછી ભૂલી શકાતી નથી. ક્યાં વિનસ? ક્યાં માગ્દાલેન? પણ આપણે ચહેરાના રૂપની વાત કરીએ છીએ. કલાની દૃષ્ટિએ જોતાં કદાચ એવો પ્રશ્ન ન રહે. શું કલાકારે પસ્તાવાનો ભાવ બરાબર પ્રગટ કર્યો છે? તો બસ.
આ મ્યુઝિયમમાં બાળકોની પૅનલો અને બીજી અનેક નાની પૅનલો ધ્યાનથી જોવાનો સમય હોય તો જોયા કરીએ. ધાતુમાં ઉપસાવેલાં શિલ્પો પણ અહીં ઘણાં છે.
પણ હજી અમારે ફ્લૉરેન્સનું પ્રસિદ્ધ મેડિસી ચૅપલ અને અકાદેમી મ્યુઝિયમ જોઈ કેથિડ્રલ જોવાનું છે.
ફ્લૉરેન્સના રેનેસાં અને એના સુવર્ણકાળ સાથે મેડિસીનો શાસકવંશ અભિન્ન છે. તેમાંય ‘લૉરેન્ઝો, ધ મેગ્નિફિસંટ’નું નામ તો રાજા ભોજ જેવું. પણ અહીં એ બધાંની વાત કરવા રોકાતો નથી. એ શાસકોના સુંદર મહેલ — પાલાગો મેડિસી — માં પણ અત્યારે તો મ્યુઝિયમ છે. પણ મેડિસી ચૅપલ તો એક રીતે મેડિસીઓના મકબરાનો ભાગ છે, તાજમહેલ કહોને. ચૅપલનો સ્થપતિ અને શિલ્પી તે પણ માઇકેલ ઍન્જેલો. ચૅપલ અધૂરું રહ્યું છે. આપણા જેવા દર્શકને અહીં જે કબરો છે તેમાં સૂતેલાઓમાં રસ ન હોય, તેમનો એટલો ઇતિહાસ આપણે જાણતા નથી. મેડિસી ચૅપલ શોધવા ફ્લૉરેન્સના પથ્થર જડેલા કેટલાક રસ્તાઓ પર ચાલ્યા એ લાભ થયો. અહીં એક ખંડમાં કેટલા બધા પ્રવાસીઓ હતા! તેમાં વળી ગાઇડનું હળવા અવાજમાં વિવરણ તો ચાલુ હોય. ઉપરની છત ઉપરનાં ફ્રેસ્કોમાં આદમ અને ઈવ કે ઈશુના જીવનપ્રસંગોનાં ચિત્રો જોતાં ડોક દુ:ખી જતી હતી. પરંતુ, અહીં માઇકેલ ઍન્જેલોએ લૉરેન્ઝો અને એના ભાઈની પ્રતિમાઓ સાથે રાત્રિ, દિવસ, પ્રભાત અને સંધ્યાનાં ચાર પ્રતીકાત્મક શિલ્પો દ્વારા મનુષ્યજીવનની મર્ત્યતા અને કાળનો બોધ પ્રકટ કર્યો છે. રાત્રિ છે નિદ્રાધીન ચમકતી ચંદ્રમુખી નારી. દિવસ છે પુરુષ. એના ખભા પાછળ ધુમ્મસઘેર્યા પર્વત પરથી સૂર્ય ઊગી રહ્યો છે. ઉષા તો જાણે ઊઠીને આળસ મરડતી કન્યા અને સંધ્યા જાણે થાકી ગયેલો, ખખડી ગયેલો ડોસો! માઇકેલ ઍન્જેલોનો આ પ્રકલ્પ ભલે અધૂરો રહ્યો, પણ સમગ્રપણે માનવનિયતિ, એનું મિથ્યાભિમાન અને એમાંથી ધર્મશ્રદ્ધા દ્વારા મોક્ષ એ વિભાવના વ્યંજિત થતી જોવામાં આવી છે.
અમે ચૉક્કસ એક ભૂલ કરી હતી. જરા અવળા ક્રમે અમે મ્યુઝિયમો જોવાનું શરૂ કર્યું, ખાસ તો, માઇકેલ ઍન્જેલોની કલાસૃષ્ટિના સંદર્ભમાં, એ રીતે અમારે સૌથી પહેલાં જે મ્યુઝિયમ જોવાનું હતું તે અકાદેમી મ્યુઝિયમ અને તેમાં ડેવિડ – ખાસ તો આ ડેવિડ જ.
જો યુરોપના આખા રેનેસાંની – પુનરુત્થાનકાળની સમગ્ર ચેતના કલાકાર માઈકલ ઍન્જેલો દ્વારા રજૂ થતી હોય, તો કલાકાર માઈકલ ઍન્જેલોની શીલ, શક્તિ અને સૌન્દર્ય(તુલસીદાસના રામમાં આચાર્ય રામચંદ્ર શુક્લે જોયેલો આદર્શ)ની ચેતના પ્રકટ થઈ છે ડેવિડમાં. ગોલિયાથ અને ડેવિડવાળો ડેવિડ.
અકાદમી મ્યુઝિયમમાં એક લાંબા કૉરિડોરને છેડે ઊભી છે એ વિરાટ પ્રતિમા. આ છત એને નીચી પડે છે. એને તો ઉપર આકાશની છત જોઈએ. એ રીતે કદાચ કલાકારે એની કલ્પના કરી છે. એ રીતે એ દિવસોમાં ફ્લૉરેન્સના ખુલ્લા ચૉકમાં એ સ્થપાયેલી, પણ હવે સુરક્ષા માટે એ પ્રતિમાને અહીં સ્થાપિત કરી છે.
જેવી એ પ્રતિભા ભવ્ય છે, એવી ભવ્ય એના નિર્માણની કથા. યુવા કલાકાર માઇકલ ઍન્જેલો ત્યારે ભરપૂર સિસૃક્ષાથી બેચેન હતો. આરસપહાણના આખા પહાડને કોતરી નાખવાનો ઉત્સાહ હતો, છતાં કામની શોધમાં બોલોનિયા, વેનિસ અને રોમના આશ્રયદાતાઓના મુખાપેક્ષી થવું પડતું હતું. ફ્લૉરેન્સમાં એટલા બધા કલાકારો હતા કે એમની વચ્ચે તીવ્ર સ્પર્ધાઓ હતી. લિઓનાર્ડો વિન્ચી જેવા મુરબ્બી કલાકાર અલબત્ત ચિત્ર કરતાં શિલ્પને ઊતરતી કલા ગણતા. શિલ્પ એટલે સલાટનું કામ! પણ એવા મહાન ‘સલાટો’ય ઘણા હતા.
એવા એક સલાટ-શિલ્પી કરારાની ખાણોમાંથી લાવવામાં આવેલા અઢાર ફૂટ લાંબા એક આરસખંડમાંથી ડેવિડનું શિલ્પ ચીતરવા માગતા હતા. પણ થોડાંક રેખાંકનો અને ટાંકણાંના પ્રહાર પછી એ પથ્થરે પ્રતિકાર કર્યો હોય તેમ તેમણે એ અધૂરું છોડી દીધું. એ વિરાટ પ્રસ્તરખંડ રાહ જોતો પડ્યો રહ્યો હતો પાંત્રીસ વર્ષથી. બધા એને સૂતેલો ‘જાયંટ’ કહેતા. કોણ એમાં ડેવિડ કંડારે? ઍન્જેલો નાનપણથી એ પ્રસ્તરખંડ જોતા આવ્યા હતા, પણ એ ખરીદવાની એમની શક્તિ નહોતી, અને પોતાને એ મળે પણ કેવી રીતે? એમણે રોમમાં પિએતાનું શિલ્પ બનાવ્યા પછી ફરી એ માટે માંગણી કરી, ત્યાંની ડુઓમોની કાર્યવાહકમંડળી સમક્ષ. વિન્ચીને એ પ્રસ્તરખંડની ઑફર પહેલાં કરવામાં આવી. એમણે ના પાડી. માઇકેલ ઍન્જેલોને એ કામ સોંપવામાં આવ્યું. એમને તો જાણે જીવનનું સપનું સાકાર થતું લાગ્યું!
સમગ્ર યુરોપમાં નવો યુગ ઉદય પામી રહ્યો હતો. એ યુગચેતનાને શું આ નવા શિલ્પમાં સ્પંદિત કરી શકાય? શીલ, શક્તિ, સૌન્દર્ય, સાહસ, પ્રજ્ઞા, શ્રદ્ધા — આ બધું એક સ્થળે કોની પ્રતિમા દ્વારા પામી શકાય? માઈકલ ઍન્જેલો વિચારતા હતા. ઍપોલો, પણ કદાચ તેથીય વિશેષ, હરક્યુલસ. પણ દુનિયાને આજ સુધી જોયો ન હોય તેવો સંપૂર્ણ નર. એનું શિલ્પ કંડારવું હતું માઇકેલ ઍન્જેલોને.
અને એ જાયન્ટમાંથી જ ડેવિડનું સર્જન થયું. કલાકારે વધારાનો જથ્થો ખેરવી દીધો. લગભગ સત્તર ફૂટ ઊંચી આ વિરાટ નગ્ન પ્રતિમાને જોતાં જ લાગે કે, સાચે જ નર — નારાયણસખા નર. જો માઇકલ ઍન્જેલો ભારતમાં જન્મ્યો હોત તો કદાચ ડેવિડનું નહિ, અર્જુનનું શિલ્પ કર્યું હોત.
તરુણ ડેવિડ ઊભો છે. ડાબી તરફ નજર છે, જમણી તરફ તો ઈશ્વરનું રક્ષણ છે. (મધ્યકાલીન માન્યતા), ગોફણવાળો ડાબો હાથ ખભા તરફ વળ્યો છે. જમણો હાથ સીધો ઢીચણ તરફ જાય છે, જેની પોલી હથેળીમાં ગોફણનો ગોળો હશે. (ગોલિયાથ જેવા અસુરનો વધ કરવા એ તત્પર છે, પણ એ કથા ભૂલી જાઓ.) આ જે તરુણ ઊભો છે તે છે કોઈ પણ પ્રકારના સંગ્રામનો સામનો કરવા તત્પર યૌવનનું પ્રતીક. એ વખતના ફ્લૉરેન્સને એવા યૌવનની જરૂર હતી. તે છે માનવ્યની ચરમ પરિણતિ. રેનેસાંમાં મનુષ્યનો મહિમા થયો છે. કેટલો ભવ્ય હોય છે મનુષ્ય! — એ મહિમાની શ્રેષ્ઠ અભિવ્યક્તિ તે માઇકેલ ઍન્જેલોનો આ ડેવિડ. ‘ન હિ માનુષાત્ શ્રેષ્ઠતરં હિ કિંચિત્’ – ‘મનુષ્યથી શ્રેષ્ઠ કશું નથી’ એ વ્યાસનું કથન અહીં – આ શિલ્પમાં જુદે રૂપે પ્રમાણ્યું!
ઊંચી નજર કરીને એ ડેવિડને હું જોઉં છું. નજર ફેરવી હું જોઉં છું. અનેક આંખો એ ડેવિડને જોઈ રહી છે. એક ભૂરા નયનયુગ્મમાં ઊભરાતું વિસ્મય જોઈ ઍન્જેલોનું મનોમન અભિવાદન કરું છું.
અકાદેમીમાં માઇકેલ ઍન્જેલોનાં અધૂરાં શિલ્પો છે. તેમાં એક પાછું ‘પિએતા’ છે. આધુનિક યુગના મહાન શિલ્પી રોદાંને એ અધૂરાં શિલ્પો દ્વારા ઍન્જેલોની સર્જન-પ્રક્રિયા સમજવા મળતાં પ્રભાવિત કરી ગયેલાં. મ્યુઝિયમમાં બીજી પણ કલાકૃતિઓ છે, જેમાં ‘વધામણી’ — ‘અનન્શિયેસન’ અને ‘ક્રૂસારોહણ’ની પ્રમાણમાં ઘણી છે.
બપોરનો સૂર્ય ભૂરા આકાશ નીચે ઉગ્ર થયો હતો ત્યારે અમે ડુઓમો પહોંચ્યાં. અંદર પ્રવેશતાં વળી સભર વિરાટનો અનુભવ. ઑર્ગનના સૂરો વહી આવતા હતા. દીવાઓ નિષ્કંપ જ્યોતથી અજવાળું પાથરતા હતા. પવિત્ર વાતાવરણ. લાસ્ટ સપરનું ચિત્ર છે. એક ચુંબનનું ચિત્ર પણ ચર્ચમાં છે. બૅપ્ટિસ્ટ્રીનો દરવાજો પણ ખૂલ્યો હતો. એની અષ્ટકોણી છતમાં મોઝેઇક ચિત્રો.
પાછા વળતાં સ્ટેશને જતાં અન્ડરગ્રાઉન્ડને રસ્તે ચાલ્યાં. પાલિકાબજાર જેવું બજાર, એક ખૂણે એક સંગીતકાર સારંગી વગાડી રહ્યો હતો. એથી આખા ભોંયરામાં સૂરોનું ગુંજરણ વ્યાપી જતું હતું.
સ્ટેશને આવી દુનિયાની એક અજાયબી ગણાતો ઢળતો મિનારો જોવા પીસા જતી ગાડી પકડી.