કથોપકથન/આપણી ટૂંકી વાર્તા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 38: Line 38:
આપણી ટૂંકી વાર્તા શું સિદ્ધ કરી શકે છે? પ્રયોગશીલતા, કસબ પ્રત્યેની સભાનતા દેખાય છે. છતાં રૂઢિદાસ્ય પૂરું ગયું નથી. હજી આપણો સર્જક કંઈક સંકોચશીલ ને ભીરુ લાગે છે. એને કશુંક કહેવું છે. વાચકોમાં અમુક પ્રકારની લાગણી જગાડવી છે. પણ ઘણી વાર આવો ખ્યાલ જ સર્જનની સીમા બની રહે છે. ટૂંકી વાર્તાનો સર્જક લોકપ્રિય નીવડવામાં નવલકથાકારની હરીફાઈમાં ઊતરે તો એને પરિણામે ટૂંકી વાર્તાને જ સહન કરવું પડે. મનોરંજન કરવાને કશુંક સનસનાટીભર્યું, ચોંકાવનારું કે અશ્લીલ એ દાખલ કરે તો એ સાહિત્યના સ્તર પર પોતાની કૃતિને લાવવાનો આગ્રહ છોડતો જાય. વળી ટૂંકી વાર્તા એક સ્વયંપર્યાપ્ત એકમ છે, છતાં એક સર્જકના ચિત્તમાં વસતી અને એ ચિત્તમાંથી આકાર પામતી વાર્તાઓ વચ્ચે એક ગોત્રતાનો સમ્બન્ધ હોય છે. એમાંથી જ આખું એક વિશ્વ એના આગવા વાતાવરણ સહિત ઉત્ક્રાન્ત થતું આવતંુ હોય છે. આપણી ટૂંકી વાર્તા હજી આ કક્ષાએ પહોંચી નથી. આપણે પ્રતીકવાદનું ભાંડવા ખાતર નામ લઈએ છીએ પણ પ્રતીક કે પુરાણકલ્પનોથી ઊંડાણ સાથે વ્યાપને વિસ્તારવાનું કામ હજી સિદ્ધ થવું બાકી છે. વિવેચન સર્જનને મદદ કરે જ એવું હંમેશાં ન બને, પણ જે સર્જાઈ ચૂક્યું હોય તેનું માપ તો એ કાઢી આપી શકે. આપણું વિવેચન હજી કૃતિની બારીક વીગતે તપાસ કરવાનું બાકી રાખતું રહ્યું છે, એટલું જ નહીં પણ અમુક ગાળામાં થયેલા પ્રયોગની સિદ્ધિમર્યાદા આંખ આગળ ઊપસી આવે એ દૃષ્ટિએ અવારનવાર જે સંકલનો થતાં રહેવાં જોઈએ તેનો પણ આપણે ત્યાં નર્યો અભાવ છે. આ સ્થિતિમાં શરૂઆતની પ્રતિકૂળ આબોહવા સામે ઝૂઝીને બહુ થોડા સર્જકો ટકી રહી આગળ વધતા દેખાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|next = [[કથોપકથન/નવલિકાની રચના: એક દૃષ્ટિ|નવલિકાની રચના: એક દૃષ્ટિ]]
}}

Revision as of 05:35, 8 September 2021

આપણી ટૂંકી વાર્તા

સુરેશ જોષી

દાયકે દાયકે સાહિત્યમાં નવાં પ્રસ્થાનો થતાં નથી, છતાં અમુક ગાળે સરવૈયું કાઢી જોવાની વૃત્તિ આપણને થાય છે. આજથી દસબાર વર્ષ પહેલાં એમ કહેવાવા લાગ્યું કે નવલકથાનો નાભિશ્વાસ ચાલે છે. સર્જકો નવું વિત્ત બતાવતા લાગતા નહોતા. છેલ્લાં બે વર્ષથી વળી નવી પેઢીના કવિઓ ને સર્જકો નવલકથાલેખન તરફ વળ્યા છે. આપણા એક વાર્તાકાર પરદેશથી ખબર લાવ્યા હતા કે આજકાલ ટૂંકી વાર્તા અમેરિકામાં સુધ્ધાં ઉવેખાઈ ગઈ છે, નવલકથાની ફરી પ્રતિષ્ઠા થઈ છે.

આ બધા ઘોંઘાટ વચ્ચે નિલિર્પ્ત ભાવે કોઈક ટૂંકી વાર્તા રચવા હજી મથી રહે છે એ એક સારું ચિહ્ન છે. પાંચસાત વરસ પહેલાં ટૂંકી વાર્તાના લેખનમાં જે જુવાળ આવેલો તે હવે ઓસરી ગયો છે એમ કહેવાવા લાગ્યું છે, જુવાળ આવે છે ત્યારે એમાં વેગ હોય છે ખરો. પણ સાથે સાથે ઘણો કચરો પણ તણાઈ આવે છે. એ કચરાનો ઢગલો હજી આજે પણ ઘણાં ‘વાર્તામાસિકો’માં ઠલવાતો રહે છે. સરવૈયું કાઢવા બેસીએ તો આંગળીને વેઢે ગણાય એટલી – દસબાર – શુદ્ધ વાર્તા આપણને ભાગ્યે જ મળી છે એવું લાગે છે.

કોઈ પૂછશે, ‘વાર્તા કહેવું જ બસ નથી? એણે શુદ્ધ એવા વિશેષણથી ઓળખાવવાની જરૂર ખરી?’ નવલકથા અને ટૂંકી વાર્તા વચ્ચે જે ભેદ પાડવામાં આવે છે તેમાં એક મહત્ત્વનું લક્ષણ તે આ: ટૂંકી વાર્તા કવિતાની જેમ શુદ્ધ સાહિત્યની કક્ષાએ પહોંચી શકે, નવલકથા એ શુદ્ધ સાહિત્યપ્રકાર છે જ નહીં. આ વિધાનને પણ એ જેવું છે તેવું સ્વીકારી લઈ શકાય નહીં. તાત્પર્ય એટલું જ કે નવલકથામાં વિસ્તાર હોવાથી ઘણી બધી સેળભેળ થતી રહે, ટૂંકી વાર્તામાં વિસ્તાર ન પરવડે. એ નાના ફલક પર આલેખાતી હોવા છતાં વ્યંજનાની દૃષ્ટિએ દરિદ્ર ન બને એ રીતે એમાં સામગ્રીનો વિનિયોગ ઘટે.

નવલકથા અને ટૂંકી વાર્તા પશ્ચિમમાંથી આપણે ત્યાં આવેલાં સ્વરૂપો છે. પશ્ચિમના જુદા જુદા દેશોમાં આ બંને સ્વરૂપો જુદી જુદી રીતે વિકસતાં રહ્યાં છે. આપણી આગલી પેઢી કરતાં આપણે પશ્ચિમના વધુ સમ્પર્કમાં રહી શકીએ એવી સગવડ વધી છે. સાથે સાથે બહારથી જે ગ્રહણ કરીએ તેનાથી માત્ર પ્રભાવિત થઈ જઈએ એટલું નહીં, પણ એને વિવેકપૂર્વક આત્મસાત્ કરવાની શક્તિ કેળવીએ એ પણ આવશ્યક બની રહે છે. પશ્ચિમના થોડાક સર્જકોનું નામરટણ હમણાં હમણાંનું શરૂ થયું છે, એક વિદ્વાન અધ્યાપકે તો ફોકનર-હેમિંગ્વેની અસર નીચે આપણા વાર્તાકારો આવ્યા છે એમ કહીને કદાચ સત્યને ભોગે આપણા વાર્તાકારોનું ગૌરવ કર્યું હતું.

‘વિશ્વ સાહિત્ય’ જેવી કોઈ વસ્તુ સમ્ભવે ખરી? ગેટેએ એની કલ્પના કરેલી ખરી, જ્યાં જે કાંઈ શ્રેષ્ઠ રચાય છે તેમાંથી પોષણ મેળવવાનો દરેક સર્જકને અધિકાર છે. દેશકાળના ભેદ અમુક અંશે પરિણામકારી નીવડે, છતાં માનવીનું માનવ્ય જે સમાન ભૂમિકા રચી આપે છે તે સાહિત્યમાં દેશકાળની પૃથક્તાને અન્તરાય રૂપ બનવા દેતું નથી. પશ્ચિમમાંથી આપણે જે પામીએ તે વિશે ઊહાપોહ થતો રહે તે જરૂરી છે. આ પ્રવૃત્તિ માટે હજી જોઈએ તેટલો ઉત્સાહ આપણે બતાવ્યો નથી, કદાચ એ માટેની સજ્જતા પણ આપણે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત કરી નથી.

આને પરિણામે ‘આધુનિકતા’, ‘નવીનતા’, ‘પ્રતીકપરાયણતા’, ‘વિધ્વંસકતા’, ‘ઉદ્દણ્ડતા’, ‘વિચ્છિન્નતા’, ‘હતાશા’, ‘એકલવાયાપણું’ – આ બધી સંજ્ઞાઓ વિવેચનમાં અટવાતી દેખાવા લાગી છે. અદ્યતન બનવું એટલે પ્રચલિત ફેશનનાં બાહ્ય લક્ષણો અપનાવી લેવાં, એનું એક વ્યવહારોપયોગી કામચલાઉ સૂત્ર બનાવી લેવું એવું વલણ પણ દેખાવા લાગ્યું છે. એ વિશે ઝાઝી ચિન્તા સેવવાની જરૂર નથી. વંડી પરનું ઘાસ વહેલું કરમાઈ જાય છે. અદ્યતન બનવાનો ધખારો સિસૃક્ષાની અવેજીમાં કામ આપી શકે નહિ તે દેખીતું છે. ‘વિચ્છિન્નતા’, ‘હતાશા’ કે ‘એકલવાયાપણું’ – આમાંથી કશું જ સ્વીકાર્યા વિના પણ સારી વાર્તા લખી શકાય. વાર્તાલેખનની આજ સુધીની અનેક પદ્ધતિઓમાંની કોઈ પણ પદ્ધતિ આજનો વાર્તાકાર પ્રયોજી શકે. પરીકથા કે બોધકથાની શૈલી પણ વાર્તાકારને જરૂર લાગે તો અપનાવે. પણ આ ‘અપનાવવું’ શબ્દ પર ભાર મૂકવો જરૂરી છે. એ શૈલી સ્વીકારવાનું પ્રયોજન શું તે સર્જકના મનમાં સ્પષ્ટ હોવું જોઈએ; વળી એ શૈલીને એ સ્વીકારે છે ત્યારે એનું પુન:સંસ્કરણ કરવું અનિવાર્ય બની રહે છે. શૈલીનું અનુકરણ વાર્તાને જીવતી રાખી શકે નહીં.

એક સારું ચિહ્ન એ છે કે આજનો સર્જક પોતાના કસબ વિશે કંઈક વધુ જાગ્રત બનીને વિચારતો થયો છે. પ્રયોગશીલતા કોઈક વાર પ્રયોગખોરીમાં સરી પડતી હશે, પણ સરવાળે તો દરેક નવા પ્રયાસે એકાદ ડગલું આગળ ભરવાની નેમ આપણે રાખતા થયા છીએ. ટૂંકી વાર્તા જ લઈએ તો સાદીસીધી કથનશૈલીથી માંડીને તે કાવ્યની લગોલગ બેસે એવી ને અત્યાર સુધીની આપણી ટૂંકી વાર્તા વિશેની માન્યતા પ્રમાણે જેને અ-વાર્તા કહેવી પડે એવી કૃતિઓ પણ રચાતી આવે છે.

ગદ્યના ઉપયોગ વિશેની દૃષ્ટિ પણ સૂક્ષ્મ બનતી જાય છે. ગદ્ય કેવળ કથયિતવ્યનું વાહન નથી. ગદ્યની શક્તિ પ્રકટ કરવાને માટેના પ્રયત્નો થતા દેખાય છે. એક જ વાર્તામાં ગદ્યનાં જુદાં જુદાં પોત પ્રકટતાં દેખાય. શણગારેલું કે કાવ્યનો ઓપ આપેલું ગદ્ય તે સર્જનાત્મક ગદ્ય નથી. જે કેવળ આગંતુક તત્ત્વ છે, જેનું પ્રયોજન કૃતિમાંથી નિષ્પન્ન થતું નથી, જેને વિશેની અપેક્ષા કૃતિમાંથી જન્મતી નથી ને એ અર્થમાં જે અનિવાર્ય નથી તેને વિવેકપૂર્વક ટાળવાનું વલણ સારી વાર્તાઓમાં દેખાય છે.

નવાં વલણો પરત્વેનું થોડું અસહાનુભૂતિભર્યું વલણ હજી દેખાય છે ખરું, આમાં ખાસ કરીને અમુક મુદ્દાઓ વિશે, એની પાછળ રહેલી મૂળભૂત વિભાવનાઓ વિશેની સ્પષ્ટ, અસન્દિગ્ધ સમજના અભાવને કારણે, થોડીક કૃતક સમસ્યાઓ ઊભી થાય છે ને તેથી જે ઊહાપોહ ચાલે છે તેને વ્યક્તિગત અભિપ્રાય કે અભિગ્રહ-પ્રતિગ્રહના ઉચ્ચારણથી ઊંચે લઈ જઈને શુદ્ધ સૈદ્ધાન્તિક ભૂમિકા પર મૂકવાનું હંમેશાં બની શકતું નથી. આ પૈકીનો એક મુદ્દો તે ઘટનાના હ્રાસનો છે. ઘટનાની એક વ્યવહારમાં બનેલા પ્રસંગ લેખેની જે વાસ્તવિકતાને આધારે જ એમાં સમ્ભાવ્યતા ને પ્રતીતિકરતા આવે છે તથા વાર્તાને વજન પ્રાપ્ત થાય છે તેનાથી વાર્તાકારનું કામ નભતું નથી. આટલેથી જ જો એ અટકી જાય તો એની સામગ્રીનું રૂપાન્તર થવું બાકી રહ્યું એમ જ કહેવાનું રહે. આથી ઘટના વિના વાર્તા ન સમ્ભવે એ સાચું, પણ એ ઘટનાના બંધારણની કળાના પ્રયોજનને અનુસરીને પુન:રચના થઈ હોવી જોઈએ. આ પુન:રચનાને જ કારણે આ ઘટનામાં જીવનને બૃહત્ પરિપ્રેક્ષ્યમાં જોવાની ભૂમિકા ને એને માટેનું focal point આપણને પ્રાપ્ત થાય છે. ઘટનાની અસાધારણતા પ્રકટે છે એના આ પ્રકારના પુનવિર્ધાનથી. વ્યવહારમાં એ જે રીતે અસામાન્ય લેખાતી હોય છે તેના જોરે નહીં.

આ પુનવિર્ધાનની અનેક પદ્ધતિઓ હોઈ શકે, સર્જકે સર્જકે નહીં પણ કૃતિએ કૃતિએ, આગવી અપેક્ષાનુસાર એ બદલાતી રહે. એ વ્યંજનાપૂર્ણ બની રહે એ માટે આવી પદ્ધતિ elliptical હોવી ઘટે એ જરૂરી છે. પ્રખ્યાત શિલ્પી રોદાં કહેતો કે એક પથ્થરને જોતાં એની પાછળ ઢંકાઈ રહેલી આકૃતિ એને દેખાતી ને પછીથી એને ઢાંકી રાખનારું જે કાંઈ હોય તેને છીણી લઈને એ દૂર કરી નાખતો. આને કારણે જ સર્જકને જ્યાં અનિવાર્ય બની રહેતું હોય ત્યાં, પ્રતીકનો આશ્રય લેવાનો રહે. આથી એમ નથી સમજવાનું કે વાર્તામાં એણે માત્ર અહીંતહીં પ્રતીકની ગોઠવણી કરવાની છે. ઘટના પોતે જ પ્રતીક બનીને આવે, એની વ્યાવહારિક વાસ્તવિકતાને વળગી રહેલી અર્થજડતાને દૂર કરીને એના કેન્દ્રમાંથી વ્યંજનાની ત્રિજ્યાઓ વિસ્તરે ને એ રીતે આપણી અભિજ્ઞતાનો ઉત્કર્ષ સિદ્ધ થઈ શકે એવું એનું સંવિધાન થયું હોવું ઘટે. આ વિશેની સ્પષ્ટ સમજ ન હોવાને કારણે તથા ખાસ તો આ પ્રકારની એકબે વિશિષ્ટ કૃતિનું વીગતે પરીક્ષણ થયું નહીં હોવાને કારણે ‘પ્રતીકવાદી વાર્તા’ આપણા કેટલાક વિવેચકોને માટે ઉપહાસનું સાધન બની રહી છે. વાર્તા કશા વાદને અનુસરતી નથી ને પ્રતીક સર્જનપ્રક્રિયા જેનો આશ્રય લે છે તે પદ્ધતિઓ પૈકીની એક પદ્ધતિ છે.

ટૂંકી વાર્તા કથા છે ખરી પણ નરી કથા નથી. એનો રસ કેવળ કથામાં રહ્યો નથી. સ્થૂલ સ્વરૂપના કુતૂહલ જગાડવાના ઉપાયો ને ચમત્કૃતિના જોરે વાર્તા જીવી શકે નહીં. એથી પ્રાપ્ત થતો રસ તે aesthetic experience નથી, ભેદભરમની વાર્તાઓ ને છાપાંમાં આવતાં ખૂનખટલાઓ પણ એવો રસ પૂરો પાડી શકે. હવે શું આવશે? હવે શું થશે? એ પ્રશ્ન પુછાય છે ખરા, પણ તે વાર્તાનાં ઘટકોના અન્વય પરત્વે પુછાય છે: આ પાત્રની સામે કયું તુલ્યબળ બીજું પાત્ર મૂકી શકશે? આ સંઘર્ષની માંડણી કઈ ભૂમિકા પર થશે? પાત્ર અને ઘટના વચ્ચેના અટપટા સમ્બન્ધને લેખક શી રીતે નભાવશે? વાતાવરણ જ પાત્ર બની શકે? – આવા પ્રશ્નો ઉપસ્થિત થતા રહે છે.

વાર્તા ગદ્યમાં લખાય છે માટે જ એને થોડી મર્યાદાઓ વળગેલી રહે છે. કવિતા વાસ્તવિકતાનું જેટલું સૂક્ષ્મ રૂપાન્તર કરે છે તેટલું સૂક્ષ્મ રૂપાન્તર જાણે કે વાર્તામાં શક્ય નથી એવી એક માન્યતા છે. ગદ્ય વ્યવહારનાં ઘણાં પ્રયોજનો સિદ્ધ કરી આપે છે, વ્યવહાર તથા માનવસન્દર્ભની વધુ નજીક છે. કાવ્યમાં પ્રતીતિકરતા, સમ્ભાવ્યતાનો પ્રશ્ન એટલો ઉગ્ર બનતો નથી, ને ચર્ચાય છે તો જુદે રૂપે પણ વાર્તા માનવસન્દર્ભ – ને તેય આપણે એને જે રીતે ઓળખવા ટેવાયા હોઈએ છીએ તે સ્વરૂપનો – થી ઝાઝી દૂર જઈ શકતી નથી. સામાજિક પરિસ્થિતિ, એ પરિસ્થિતિના સન્દર્ભમાં માનવી જે રીતે વર્તે એ વિશેના દૃઢ ખ્યાલ – આ એનું એક બહારથી લાદેલું ચોકઠું બની રહે છે. સામાજિક મૂલ્યો ને કળાનાં મૂલ્યો વચ્ચેનો તાળો બેસાડવાનો પરિશ્રમ જાણે કે વાર્તાકારને કરવાનો રહે છે. અહીં એક વાતનું વિસ્મરણ થતું લાગે છે. વ્યવહારમાં ઘટનાની પ્રમાણભૂતતા સિદ્ધ કરવાનાં જે સાધનો છે તે જ સાધનો કળામાં પણ હોય એમ જો માની લઈએ તો પાયાની ભૂલ કરી બેસવા જેવું થશે. કળાકૃતિમાં જે સિદ્ધ થાય છે તેનું સત્ય એ કૃતિનાં ઘટકો વચ્ચેના સંબંધની અનિવાર્યતાની ભૂમિકામાંથી ઉત્ક્રાન્ત થાય છે; આથી અસ્તિત્વની એ જુદી category છે. જો આ ખ્યાલમાં રાખીએ તો વાસ્તવિકતાની ભૂમિકા પરના સમ્ભાવ્ય – અસમ્ભાવ્યના ખ્યાલથી કળાકૃતિની પ્રતીતિ-અપ્રતીતિકરતાની ચર્ચા ન કરીએ, તથ્ય, સત્ય, ને કપોલકલ્પિત – ત્રણેય કળામાં સ્થાન પામે. નરી હકીકત જેવું કશું હોતું નથી. પશ્ચિમના એક વિવેચકે કહ્યું છે: There is nothing more plagiarized than fact. માનવચિત્ત જેને સ્પર્શે તેને હંમેશાં પોતાની આગવી રીતે સંસ્કારે જ છે. આથી એક છેડે તથ્ય ને બીજે છેડે કપોલકલ્પિત (અથવા રવીન્દ્રનાથ જેને ‘આરો સત્ય’ – સવાઈ સત્ય કહે છે તે) – આ બંને ધ્રુવ સુધી કળાનો વિસ્તાર છે. જે કપોલકલ્પિત છે તે સત્ય વિનાનું નથી; એનો નક્કર પાયો કૃતિમાં રચાતો હોવો ઘટે, આ દૃષ્ટિએ જો જોઈશું તો કેવળ ‘સાચકલી’ વાર્તા માટેનો આગ્રહ રાખવાથી ટૂંકી વાર્તાની શક્યતાના ક્ષેત્રને મર્યાદિત કરી દેવા જેવું થશે.

ધૂમકેતુએ પણ ટૂંકી વાર્તા પરત્વે એક સળંગ છાપ ઉપસાવવાના લક્ષણને એક વ્યાવર્તક લક્ષણ લેખે સ્વીકાર્યું છે. પાત્રનો વિકાસ નવલકથાનો વિષય છે, ટૂંકી વાર્તામાં તો એક pregnant moment સ્થાન પામે છે. એ ક્ષણના બિન્દુએ ઊભા રહીને તમે પાત્ર પ્રત્યે એક દૃષ્ટિપાત કરી લો છો, ને છતાં એ અધૂરું દર્શન બની રહેતું નથી, આથી ‘આમાં તો કાંઈ બનતું નથી,’ ‘અહીં તો કશું કાર્ય બની આવતું નથી’ – એવી ફરિયાદ ટૂંકી વાર્તા વિશે થતી સાંભળીએ છીએ ત્યારે નવલકથામાં જેની અપેક્ષા રહે તેની ટૂંકી વાર્તા પાસે આપણે આશા રાખતા હોઈએ એવું લાગે છે. વિવેચન જ્યારે ટૂંકી વાર્તાના રૂઢ ખ્યાલને આધારે જ પ્રયોગશીલ રચનાઓને મૂલવવાનો આગ્રહ રાખે ત્યારે રૂઢિનું ચોકઠું નવી શક્યતાને રૂંધી નાખે એવો ભય ઊભો થાય છે.

અર્થબોધ થવો જોઈએ ને કશું સન્દિગ્ધ કે દુર્બોધ રહી જાય તો એ કૃતિની ઊણપ હોય એમ લેખવામાં આવે છે. આ સર્વથા સાચું નથી. અર્થબોધની સાંકડી સીમા સ્વીકારવાથી ઘણુંખરું સૂક્ષ્મતાનો, વ્યંજકતાનો ભોગ આપવો પડે છે. ટૂંકી વાર્તાના નાના ફલક ઉપર રહીને મહાકાવ્યના વ્યાપને સિદ્ધ કરવાનો પડકાર જો ઝીલવો હોય તો અર્થનો ખૂંટો જેટલી ત્રિજ્યા વિસ્તારવા દે તેટલી મર્યાદામાં જ ફરવાનું વલણ અપકારક નીવડે. આપણી અભિજ્ઞતાને સમૃદ્ધ કરે એવું કશુંક તત્ત્વ વાર્તામાં વાર્તાની રીતે પ્રવેશ્યું છે ખરું? આનો જ વિચાર કરવો પ્રર્યાપ્ત છે.

આવો અર્થબોધ જ વાર્તાને નક્કર, સંગીન બનાવે છે એવી એક સમજ છે ને આ અર્થબોધ સામાજિક ચેતના લેખક પ્રકટ કરે છે કે નહીં તેની સાથે સમ્બન્ધ ધરાવે છે એમ માનવાનું વલણ પણ દેખાય છે. ટૂંકી વાર્તામાં પણ અમૂર્તતા પ્રવેશી જશે એવો ભય સેવવામાં આવે છે. અમૂર્ત એટલે સંગીનતા વિનાનું નર્યું પોલાણ એવી સમજ ખોટી છે. અમૂર્ત શબ્દ એ abstractનો ખોટો અનુવાદ છે. Abstractમાં કશુંક સારવી લેવાયું હોય એવી અર્થચ્છાયા છે. પદાર્થો કે અનુભવોની જે દૃઢ નિયત રેખા વ્યવહારની ભૂમિકાએ હોય છે તેમાં કળા રૂપાન્તર સિદ્ધ કરે છે; આથી વ્યવહારમાં જે પરિમિત હતું તે જો એ રૂપે ન જોઈ શકાતું હોય તો અર્થબોધ ન થયો એવી ફરિયાદ થાય છે. કળા અહેવાલ આપતી નથી, interpretation આપે છે; આથી જ તો કળા આપણી સંવિત્તિને સમૃદ્ધ કરે છે. અર્થબોધને નામે આ સમૃદ્ધિને જતી કરવાની પ્રવૃત્તિ રસાસ્વાદને માટે વિઘાતક જ નીવડે, વાર્તાકાર સ્થૂળ નક્કરતાને કાઢી નાખીને જે અવકાશ ઊભો કરે છે તેમાં વાચકની કલ્પનાને એનું વિહારક્ષેત્ર મળી રહે છે. પણ આ અવકાશ અંગત નથી ને આ કલ્પનાવિહાર તે યદૃચ્છાવિહાર નથી. વાર્તાની રૂપરચના એનું નિયન્ત્રણ કરતી હોય છે.

નવલકથામાં જે ક્રમશ: ઉત્ક્રાન્ત થતું આવે છે તે ટૂંકી વાર્તામાં એક ઝબકારામાં પ્રકટ થઈ જાય છે એમ કહેવું પણ બરાબર નથી. પ્રકટ થવાની પ્રક્રિયા જ વાસ્તવમાં તો આસ્વાદનો વિષય છે; જે પ્રકટ થાય છે તેનું સ્વરૂપ આ પ્રક્રિયાથી જ ઘડાયું હોય છે, નવલકથામાં જો ભૂતકાળ ને વર્તમાનકાળનો વિસ્તારેલો પટ હોય છે તો ટૂંકી વાર્તામાં પણ વાર્તાકારે પસંદ કરેલી pregnant momentમાં ત્રણેય કાળનું telescoping હોય છે. નવલકથામાં ‘સકલતા’ અને ‘અખણ્ડતા’ હોય છે એમ કહીને ટૂંકી વાર્તા ‘ખણ્ડ’ રૂપ હોય છે કે એમાં સોળ કળા પૈકીની એકાદ કળા હોય છે એમ કહેવું પણ સાચું નથી. બીજની કળામાં જ પૂણિર્માનું ઇંગિત રહ્યું જ હોય છે. એરિસ્ટોટલે જેને અધમ પ્રકારનું વસ્તુ કહ્યું છે તે episodic plot ટૂંકી વાર્તા લખનારને તો પરવડે જ નહીં, કારણ કે એ એક episodeમાં પુરાઈ રહે તો તે વ્યંજકતાને ભોગે જ. ટૂંકી વાર્તામાં પાત્ર flat થઈ જાય છે, કારણ કે એનાં પરિમાણ વિકસાવવા પૂરતો એમાં અવકાશ મળતો નથી એવું વિધાન પણ સાચું નથી. પાત્રની એક elliptical રેખા વાર્તાકાર જો શોધી કાઢી શકે તો એ વડે પાત્રમાં પરિમાણનું સૂચન થઈ જાય. આમ વાર્તાકાર જે કરે છે તે આ ‘…to take a brief space of time and lives and make it suggest a large panorama of feelings and attitudes.’