કથોપકથન/નવલિકાનું વિવેચન: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નવલિકાનું વિવેચન | સુરેશ જોષી}} {{Poem2Open}} સર્જન અને વિવેચનની પ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
આ ઉપરાંત સંગતિ અને પ્રતીતિકારકતાનાં ધોરણ કેટલીક મુશ્કેલી ઊભી કરે છે. ઝોલા કે બાલ્ઝાકના ‘નેચરાલિઝમ’થી આપણે આપણા કથાસાહિત્યમાં ઝાઝા દૂર જઈ શક્યા નથી. આ દરમિયાન આપણા ઉપાદાન રૂપ બનતું જગત ને એની પ્રત્યેના આપણા પ્રતિભાવોનું સ્વરૂપ સૂક્ષ્મ ને અકળ રીતે બદલાતું રહ્યું છે. આની અસર ‘વાસ્તવિકતા’ના નિરૂપણ પર પણ પડે તે દેખીતું છે. આપણા વિવેચને આની નોંધ લીધી હોય એવું લાગતું નથી. સત્ય, યથાર્થ, હકીકત, ઇન્દ્રિયગોચર ને ઇન્દ્રિયસમથિર્ત વાસ્તવ તે જ એક માત્ર વાસ્તવ નથી. આથી કોઈક વાર કપોલકલ્પિતના છેડા સુધી સર્જકનો વ્યાપ પહોંચે છે, તો કોઈક વાર સ્વપ્નની વાસ્તવિકતાને પણ ખપમાં લેવાની રહે છે. નવલિકાનો સર્જક આ લઘુ સાહિત્યસ્વરૂપ પાસેથી જ્યારે મહાકાવ્યના જેવું કામ લેવા ઇચ્છતો હોય ત્યારે એ પોતાને ઉપલબ્ધ માધ્યમની શક્યતાઓને વિસ્તારવા સામાન્યત: જેને અસંગત કે અયથાર્થ કહેવાય તેનો પણ પ્રગલ્ભપણે આશ્રય લેતો હોય છે, એનું યાથાર્થ્ય કૃતિના વિશ્વમાં એ સિદ્ધ કરી બતાવતો હોય તો ફરિયાદ કરવાનું કશું કારણ રહેતું નથી. આથી કેવળ વાતાવરણનું ચિત્ર આપતી નવલિકાની શક્યતા પણ સ્વીકારવી ઘટે. આવી નવલિકાને ને કાવ્યને ઝાઝું છેટું રહેતું નથી. આમ છતાં એ નવલિકા જ હોય છે, કવિતા હોતી નથી. પાત્રપ્રધાન નવલિકા વિલક્ષણ માનવપ્રાણીની case history હોતી નથી. નવલિકા પાત્રના વ્યક્તિત્વને વ્યંજનાત્મક રૂપે જ રજૂ કરી શકે. આ સિવાય પાત્રને પરિસ્થિતિના નિમિત્તકારણ રૂપે પ્રયોજવામાં એને ઝાઝો રસ હોઈ શકે નહીં. માનસવિશ્લેષણ કે જીવનદર્શનનો આશ્રય નવલિકાકાર લે તો તે અનાસક્તપણે; એનું સાધન નવલિકા બની રહે નહીં. આટલું કહ્યા પછી મુખ્ય વાત કહેવાની રહે છે તે એ કે ગદ્ય, એમાંનો શબ્દવિન્યાસ, વાક્યવિન્યાસ – આ બધું નવલિકાના સર્જનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે નવલિકાકાર વાક્ય ગોઠવતી વખતે કેવળ વાક્ય નથી ગોઠવતો પણ વિશ્વ ગોઠવતો હોય છે. | આ ઉપરાંત સંગતિ અને પ્રતીતિકારકતાનાં ધોરણ કેટલીક મુશ્કેલી ઊભી કરે છે. ઝોલા કે બાલ્ઝાકના ‘નેચરાલિઝમ’થી આપણે આપણા કથાસાહિત્યમાં ઝાઝા દૂર જઈ શક્યા નથી. આ દરમિયાન આપણા ઉપાદાન રૂપ બનતું જગત ને એની પ્રત્યેના આપણા પ્રતિભાવોનું સ્વરૂપ સૂક્ષ્મ ને અકળ રીતે બદલાતું રહ્યું છે. આની અસર ‘વાસ્તવિકતા’ના નિરૂપણ પર પણ પડે તે દેખીતું છે. આપણા વિવેચને આની નોંધ લીધી હોય એવું લાગતું નથી. સત્ય, યથાર્થ, હકીકત, ઇન્દ્રિયગોચર ને ઇન્દ્રિયસમથિર્ત વાસ્તવ તે જ એક માત્ર વાસ્તવ નથી. આથી કોઈક વાર કપોલકલ્પિતના છેડા સુધી સર્જકનો વ્યાપ પહોંચે છે, તો કોઈક વાર સ્વપ્નની વાસ્તવિકતાને પણ ખપમાં લેવાની રહે છે. નવલિકાનો સર્જક આ લઘુ સાહિત્યસ્વરૂપ પાસેથી જ્યારે મહાકાવ્યના જેવું કામ લેવા ઇચ્છતો હોય ત્યારે એ પોતાને ઉપલબ્ધ માધ્યમની શક્યતાઓને વિસ્તારવા સામાન્યત: જેને અસંગત કે અયથાર્થ કહેવાય તેનો પણ પ્રગલ્ભપણે આશ્રય લેતો હોય છે, એનું યાથાર્થ્ય કૃતિના વિશ્વમાં એ સિદ્ધ કરી બતાવતો હોય તો ફરિયાદ કરવાનું કશું કારણ રહેતું નથી. આથી કેવળ વાતાવરણનું ચિત્ર આપતી નવલિકાની શક્યતા પણ સ્વીકારવી ઘટે. આવી નવલિકાને ને કાવ્યને ઝાઝું છેટું રહેતું નથી. આમ છતાં એ નવલિકા જ હોય છે, કવિતા હોતી નથી. પાત્રપ્રધાન નવલિકા વિલક્ષણ માનવપ્રાણીની case history હોતી નથી. નવલિકા પાત્રના વ્યક્તિત્વને વ્યંજનાત્મક રૂપે જ રજૂ કરી શકે. આ સિવાય પાત્રને પરિસ્થિતિના નિમિત્તકારણ રૂપે પ્રયોજવામાં એને ઝાઝો રસ હોઈ શકે નહીં. માનસવિશ્લેષણ કે જીવનદર્શનનો આશ્રય નવલિકાકાર લે તો તે અનાસક્તપણે; એનું સાધન નવલિકા બની રહે નહીં. આટલું કહ્યા પછી મુખ્ય વાત કહેવાની રહે છે તે એ કે ગદ્ય, એમાંનો શબ્દવિન્યાસ, વાક્યવિન્યાસ – આ બધું નવલિકાના સર્જનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે નવલિકાકાર વાક્ય ગોઠવતી વખતે કેવળ વાક્ય નથી ગોઠવતો પણ વિશ્વ ગોઠવતો હોય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[કથોપકથન/નવલિકા: કેટલીક અપેક્ષાઓ|નવલિકા: કેટલીક અપેક્ષાઓ]] | |||
|next = [[કથોપકથન/ગઈ કાલની વાર્તા|ગઈ કાલની વાર્તા]] | |||
}} |
Latest revision as of 05:37, 8 September 2021
સુરેશ જોષી
સર્જન અને વિવેચનની પ્રવૃત્તિ વિકાસશીલ સાહિત્યમાં સમાન્તર ચાલ્યા કરતી હોય છે. આમ છતાં કોઈક વાર સર્જન આગળ નીકળી જતું લાગે છે, તો કોઈક વાર વિવેચનનો દોર ચાલતો હોય એવું બને છે. સર્જન વિપુલ પ્રમાણમાં થતું હોય ત્યારે મૂલ્યાંકનના ધોરણમાં કશી બાંધછોડ કે સેળભેળ થવા દીધા વિના શ્રેષ્ઠનો પુરસ્કાર ને કનિષ્ઠનો તિરસ્કાર કરનાર વિવેચનની ખાસ આવશ્યકતા વર્તાય છે. આજે નવલિકાનું સર્જન (કે ઉત્પાદન?) વિપુલ પ્રમાણમાં થઈ રહ્યું છે. વાર્તા જ છાપનારાં સામયિકો ઓછાં નથી. રેલવે સ્ટોલના ગ્રાહકોની માગ વાર્તાસાહિત્યના મોટા જથ્થાના કારણભૂત બની રહે છે. એમાંની મોટા ભાગની રચનાઓ સાહિત્યની કક્ષા સુધી પહોંચતી નથી. આમ છતાં એ જથ્થામાં કોઈ શક્તિશાળી સર્જક દટાઈ જાય એવું પણ બને. જો વિવેચન જાગ્રત હોય તો એના તરફ આંગળી જરૂર ચીંધે.
કાવ્યના વિવેચનમાં કેટલીક સરળતા છે. કાવ્યમાં આવતાં છન્દ, અલંકાર, ઇબારત વિશે તમે નિશ્ચિત સ્વરૂપનાં વિધાનો કરી શકો. અલંકારશાસ્ત્રનો થોડો પરિચય હોય તો એની પરિભાષા પણ તમારી થોડી મુશ્કેલી હળવી કરે, પણ નવલિકા આવી કશી સગવડ પૂરી પાડતી નથી. ઓછામાં ઓછું વિવેચન નિબન્ધસાહિત્યનું થતું હશે. કદાચ આથી આપણે નિબન્ધને એક આગવા સાહિત્યસ્વરૂપ લેખે વિકસાવી શક્યા નથી.
નવલકથામાં જે આવે છે તે પૈકીનું ઘણુંખરું નવલિકામાં પણ હોય છે, ને તે છતાં નવલકથા અને નવલિકાના વિવેચનમાં પાયાનો ભેદ રહેલો છે. નવલિકામાં પાત્ર કે પાત્રો હોઈ શકે, પરિસ્થિતિ પણ હોય, વાતાવરણ હોય, લેખકનું આગવું દૃષ્ટિબિન્દુ પણ હોય. આમ છતાં આ બધાં વચ્ચેનો પારસ્પરિક સમ્બન્ધ અને એમાંથી નીપજી આવતી કૃતિનું સ્વરૂપ જુદું જ હોય છે. નવલકથાની જેમ નવલિકાનું સાહિત્યસ્વરૂપ પશ્ચિમ પાસેથી આપણે અપનાવ્યું છે એમ કહેવાથી ખાસ કશો ખુલાસો થતો નથી. પશ્ચિમમાંય નવલિકાનાં એટલાં જુદાં જુદાં રૂપો પ્રકટ થયાં છે (ને આ સાહિત્યસ્વરૂપ સદા વિકસતું રહેતું હોવાથી હજી પ્રકટ થતાં રહે છે) કે એ પૈકીના કયા રૂપની અસર ખાસ કરીને વર્તાય છે તે કહેવું અઘરું થઈ પડે છે. આપણા વિવેચને આ પૈકી મોપાસાં અને ચૅહોવે નિપજાવેલાં બે વિભિન્ન પ્રકારોની નોંધ લીધી છે. અલબત્ત, એમાંય તે એ બંનેનાં વ્યાવર્તક લક્ષણો જુદાં પાડી બતાવવાનો પ્રયત્ન ખાસ થયો હોય એવું લાગતું નથી. હૅમિંગ્વે, ફોકનર, સેલિન્જરનાં નામ આપણે રટીએ છીએ ખરા, પણ એ ત્રણ પોતાની આગવી રીતે આ સ્વરૂપને શી રીતે વિકસાવે છે તેની ખાસ ચર્ચા થયેલી જોવામાં આવતી નથી. અલબત્ત, આની જાણકારી હોય તો જ નવલિકા લખી શકાય કે એનું વિવેચન થઈ શકે એમ કહેવાનો આશય નથી, પણ એની જાણકારી આ સાહિત્યસ્વરૂપની શક્યતાનો પરિચય તો જરૂર કરાવે.
આમ, નવલિકાના, એક વિશિષ્ટ સાહિત્યસ્વરૂપ લેખે, લક્ષણ બાંધવાનું કામ અઘરું છે, પણ એવાં કશાં લક્ષણના આધાર વિના એનાં મૂલ્યાંકનનાં ધોરણ શી રીતે નક્કી કરી શકાય? આજકાલ નવલિકાનાં જે વિવેચનો થાય છે તે તરફ એક નજર નાંખતાં આ મુશ્કેલીનો ખ્યાલ આવશે. વાર્તા વાંચ્યા પછી કોઈક વાર કોઈક મુરબ્બી વાર્તાકાર બોલી ઊઠે છે: But it does not click ! આમ કહેવાથી શેની ઊણપ દર્શાવાતી હોય છે? બધું બરાબર બંધબેસતું થઈ ગયાનો સંતોષ નથી થતો એમ સમજવું? એ દૃષ્ટિએ જોતાં ચેખોવ કે કાફકાની કેટલીક સારી રચનાઓને નવલિકા જ કહી શકીએ નહીં. કેટલીક વાર આનો અર્થ એવો કરવામાં આવે છે કે વાર્તામાં અનુભવ અને એનું રહસ્ય – આ બે વચ્ચેની કડી બરાબર જોડી શકાઈ નથી. સાહિત્યમાં તો રચના જ આપોઆપ રહસ્યની પર્યાયવાચક બની રહેતી હોય છે. આથી જે કૃતિમાં narration અને motivation જુદાં રહી ગયાં હોય તેના કળાતત્ત્વ વિશે આપણને અસન્તોષ રહેવાનો. મોપાસાં કે ઓ. હેન્રીમાં ઘણી વાર બધું એટલું તો સફાઈબંધ બંધબેસતું હોય છે કે એ નરી યાન્ત્રિક કરામત જ બની રહે છે.
સાહિત્ય અને કળાના વિવેચનમાં આપણે ‘પ્રતીક’ અને ‘કલ્પન’ આ બે સંજ્ઞાઓ હવે વાપરતા થયા છીએ. એક રીતે જોઈએ તો ભાષામાંથી વ્યંજના નિષ્પન્ન કરવાની આ વિશિષ્ટ રીતિઓ માત્ર છે. આજની કેટલીક નવલિકાઓ વિશે એવી ફરિયાદ હમણાં હમણાં થતી સાંભળીએ છીએ કે એમાં પ્રતીકોની જટાજાળ એવી તો ગૂંચવી મારી હોય છે કે એની આડે કથા તો ક્યાંય ઢંકાઈ જાય છે. અહીં નવલિકાને કથા કેટલે અંશે અપરિહાર્ય છે ને પ્રતીક નવલિકામાં કેવી રીતે વ્યાપારશીલ બને છે તે મુદ્દો વિચારવો જોઈએ. કથામાં ઘટનાઓનો ક્રમ હોય, આ ઘટના પાત્રો પર આધાર રાખતી હોય અથવા પાત્રનો નિર્ણય કરી આપનારી હોય. પણ કથામાં રહેલી ઘટના પોતે જ પ્રતીક રૂપે યોજાઈ હોય તો એની આસ્વાદ્યતાની માત્રા વધતી નથી? પ્રતીકો વધારે પડતાં ઉઘાડાં, ભારે આયાસથી ગોઠવેલાં, કે લેખકને અભિમત ભાવના કે ‘રહસ્ય’ને સ્પષ્ટ કરનારાં સમીકરણોનાં સ્વરૂપનાં હોય તો એની સાહિત્યસ્વરૂપ પરત્વેની ઉપકારકતાની માત્રા ઘટી જાય છે. બાહ્ય દૃષ્ટિએ સાવ સાદી કથાત્મક શૈલીનો આશ્રય લેતી કેટલીક નવલિકાઓ પરિસ્થિતિને જ પ્રતીકાત્મક બનાવી દેતી હોય છે. આપણા નવલિકાસાહિત્યમાં પ્રતીકને પ્રયોજવાની સૂક્ષ્મ સૂઝ ખીલી હોય એનો ઝાઝો પરિચય થતો નથી. આથી પ્રતીકને કારણે વાર્તા દુર્બોધ બને છે ને કથારસ પાંખો પડે છે એવી ફરિયાદમાં ઝાઝું તથ્ય નથી. આમ છતાં, પ્રતીકનો ઉપયોગ જ કોઈ કૃતિને ઉત્તમ કે કનિષ્ઠ બનાવી દેતો નથી. એ ઉપયોગ સાભિપ્રાયતા ઉપજાવી શક્યો છે કે કેમ ને એથી કળાતત્ત્વ ખીલી આવ્યું છે કે કેમ તેની ચર્ચા થવી ઘટે. આપણે ત્યાં તો અર્વાચીનમાં ખપવાનો મરણિયો પ્રયત્ન કરવા મથતા ને અંદરથી અર્વાચીન નવલિકાની કેટલીક રીતિઓ પ્રત્યે પ્રચ્છન્ન તિરસ્કારની લાગણી સેવતા નવલિકાકાર-વિવેચકના વર્ગે પ્રતીક જાણે હાસ્યાસ્પદ વસ્તુ હોય એવો આભાસ ઉત્પન્ન કર્યો છે. એઓ જેને પ્રતીકાત્મક ગણતા હોય એવી વાર્તાની વીગતે ચર્ચા કરે તો જ એમની દૃષ્ટિ વધુ સ્પષ્ટ બને.
આ ઉપરાંત સંગતિ અને પ્રતીતિકારકતાનાં ધોરણ કેટલીક મુશ્કેલી ઊભી કરે છે. ઝોલા કે બાલ્ઝાકના ‘નેચરાલિઝમ’થી આપણે આપણા કથાસાહિત્યમાં ઝાઝા દૂર જઈ શક્યા નથી. આ દરમિયાન આપણા ઉપાદાન રૂપ બનતું જગત ને એની પ્રત્યેના આપણા પ્રતિભાવોનું સ્વરૂપ સૂક્ષ્મ ને અકળ રીતે બદલાતું રહ્યું છે. આની અસર ‘વાસ્તવિકતા’ના નિરૂપણ પર પણ પડે તે દેખીતું છે. આપણા વિવેચને આની નોંધ લીધી હોય એવું લાગતું નથી. સત્ય, યથાર્થ, હકીકત, ઇન્દ્રિયગોચર ને ઇન્દ્રિયસમથિર્ત વાસ્તવ તે જ એક માત્ર વાસ્તવ નથી. આથી કોઈક વાર કપોલકલ્પિતના છેડા સુધી સર્જકનો વ્યાપ પહોંચે છે, તો કોઈક વાર સ્વપ્નની વાસ્તવિકતાને પણ ખપમાં લેવાની રહે છે. નવલિકાનો સર્જક આ લઘુ સાહિત્યસ્વરૂપ પાસેથી જ્યારે મહાકાવ્યના જેવું કામ લેવા ઇચ્છતો હોય ત્યારે એ પોતાને ઉપલબ્ધ માધ્યમની શક્યતાઓને વિસ્તારવા સામાન્યત: જેને અસંગત કે અયથાર્થ કહેવાય તેનો પણ પ્રગલ્ભપણે આશ્રય લેતો હોય છે, એનું યાથાર્થ્ય કૃતિના વિશ્વમાં એ સિદ્ધ કરી બતાવતો હોય તો ફરિયાદ કરવાનું કશું કારણ રહેતું નથી. આથી કેવળ વાતાવરણનું ચિત્ર આપતી નવલિકાની શક્યતા પણ સ્વીકારવી ઘટે. આવી નવલિકાને ને કાવ્યને ઝાઝું છેટું રહેતું નથી. આમ છતાં એ નવલિકા જ હોય છે, કવિતા હોતી નથી. પાત્રપ્રધાન નવલિકા વિલક્ષણ માનવપ્રાણીની case history હોતી નથી. નવલિકા પાત્રના વ્યક્તિત્વને વ્યંજનાત્મક રૂપે જ રજૂ કરી શકે. આ સિવાય પાત્રને પરિસ્થિતિના નિમિત્તકારણ રૂપે પ્રયોજવામાં એને ઝાઝો રસ હોઈ શકે નહીં. માનસવિશ્લેષણ કે જીવનદર્શનનો આશ્રય નવલિકાકાર લે તો તે અનાસક્તપણે; એનું સાધન નવલિકા બની રહે નહીં. આટલું કહ્યા પછી મુખ્ય વાત કહેવાની રહે છે તે એ કે ગદ્ય, એમાંનો શબ્દવિન્યાસ, વાક્યવિન્યાસ – આ બધું નવલિકાના સર્જનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે નવલિકાકાર વાક્ય ગોઠવતી વખતે કેવળ વાક્ય નથી ગોઠવતો પણ વિશ્વ ગોઠવતો હોય છે.