ચૈતર ચમકે ચાંદની/એક પંખીને કંઈક કહેવું હતું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 44: Line 44:


{{Right|૧૮-૭-૯૩}}
{{Right|૧૮-૭-૯૩}}
{{HeaderNav
|previous = [[ચૈતર ચમકે ચાંદની/રે પંખીડાં, સુખથી ચણજો|રે પંખીડાં, સુખથી ચણજો]]
|next = [[ચૈતર ચમકે ચાંદની/રુદાલી|રુદાલી]]
}}

Latest revision as of 09:45, 11 September 2021

એક પંખીને કંઈક કહેવું હતું

‘એક પંખીને કંઈક કહેવું હતું…’ ઉમાશંકર જોશીની એક કવિતા એમ શરૂ થાય છે. પંખીને કહેવું હતું પણ તે માનવીની પાસે આવતાં ખમચાતું હતું એટલે તે દૂર ઊડી ગયું. એક ટેકરી ઉપર એક ઊંચા વૃક્ષની ટગ ડાળે જઈ બેઠું અને આગળ-પાછળ જોયા વિના ભૂખ-થાક-વિરહના ઓથાર નીચે એણે કંઈક બબડી નાંખ્યું.

ત્યાંથી સરતી સરિતાએ એ સાંભળી લીધું અને સરિતાએ આશ્વાસન આપ્યું કે, ‘હું એને પહોંચાડી દઈશ, કદાચ એ મને રસ્તે મળી જશે.’ પરંતુ સરિતા ટેકરી પરથી ગબડતી, મેદાનમાં રસળતી લોથપોથ સમુદ્રમાં ઢબૂરાઈ ગઈ. એ પહેલાં એ પોતાના બુદબુદ રવે કંઈક કહેવા કરતી રહી. સમુદ્રે કહ્યું, ‘કંઈ નહીં, હું દુનિયાના ચારે દિશાઓના કિનારાઓ પર (એટલે કે આખા જગતમાં) પહોંચાડીશ.’ અને એ ઊપડ્યો. દિનરાત સતત ખડકો પર મસ્તક અફાળતાં અફાળતાં એ સમુદ્ર (પંખીના) સંદેશના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.

તો પંખીને શું કહેવું હતું? એણે કહેવું તો હતું પણ સીધું માનવી પાસે ન ગયું અને ટેકરીની ટોચ પરના ઝાડની ટોચે જઈને પોતાની વાત કોઈ સાંભળે છે કે નહીં તે જોયા વિના ભૂખ-તરસ ભૂલી ગાઈ નાખી.

પણ એ શી વાત હતી? સરિતાએ માનવી સુધી પહોંચાડવાનું વચન આપ્યું, પણ રસ્તે માનવી મળ્યો કે નહીં, તે સમુદ્રમાં ભળી જતાં પહેલાં અસ્ફુટ રીતે કહી નાખ્યું હશે અને પછી સમુદ્રે જવાબદારી લીધી, ચારે ગમ પહોંચાડવા – પરંતુ પંખીને શું કહેવું હતું? એય તો મૂળ વાત ભૂલી ગયો, ખડકો સાથેના સંઘર્ષમાં.

તો પંખીની વાત માનવી સુધી પહોંચી નહીં? શું પંખીની વાત એળે ગઈ? આ કવિએ – કવિ ઉમાશંકરે – આ પંખીની વાત કરી શું સંદેશો આપવા ઇચ્છ્યું હતું – માનવજાતને!

ઊડવાની ક્રિયા બન્નેમાં સામાન્ય હોવાના લીધે કવિ અને પંખી પર્યાયવાચી બને કે ન બને, બન્ને એક ગોત્રનાં તો કહેવાય. એટલે વિશ્વના કવિઓએ પંખીઓ વિષે બહુ કાવ્યો કર્યાં છે અને કર્યે જાય છે અને કરશે. આપણા આદિ કવિનું ગાન પણ એક પંખીના વધમાંથી જન્મેલી આક્રોશજનિત કરુણાથી ઉદ્ભવ્યું હતું ને!

કવિ ઉમાશંકરમાં પંખી પ્રતીક તો વારંવાર આવે છે પણ એની ચરમ પરિણતિ તેમના અંતિમ મહત્ત્વાકાંક્ષી કાવ્ય ‘પંખીલોક’માં આવે છે. ૨૨ વર્ષના યુવક કવિનું બામણા ગામમાં એક મીઠા પ્રભાત સમયે એક પંખી સાથે મિલન થાય છે. (‘પીંછું’). અને હજુ તો એને દીઠું ન દીઠું ત્યાં તો એક પળમાં તે ક્યાંક ચાલી જાય છે, ઊડી જાય છે, કોઈ ગીત ગાયા વિના જ. પણ જતાં જતાં એક પીંછું ખેરવતું જાય છે. યુવાન કવિ કહે છે કે પંખીએ ‘પોતે ના કંઈ ગાયું, કિંતુ મુજને ગાતો કરીને ગયું.’

એ કવિએ પછી જીવનના અંતિમ દિવસો સુધી ગાયા કર્યું. કવિને કંઈક કહેવું હતું–પંખીની જેમ. આપણા સુધી કેટલું પહોંચ્યું છે? એ કવિએ સૌથી પહેલાં તો આપણને કહ્યું કે, ‘સૌંદર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ કવિને સ્ફુરેલી એ કવિજીવનની પ્રથમ પંક્તિ દ્વારા એમણે આપણને સૌંદર્યદૃષ્ટિ આપી. જે કવિમાત્ર આપતા આવ્યા છે. એમના પુરોગામી કવિ કલાપીએ સૌંદર્યની માર્મિક પરિભાષા કરી હતી : ‘સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.’ જરા ઊંડા ઊતરીએ તો આ પંક્તિને આધારે કદાચ સૌંદર્યશાસ્ત્રનો ગ્રંથ લખી શકાય. યુવા કવિ કીટ્સે પણ સત્ય અને સૌંદર્યના અભિન્નત્વના ઉદ્ગારની અદ્ભુત પંક્તિ જગતને ભેટ ધરી છે.

Beauty is truth, truth beauty.

હૃદયભર પીધેલા જગસૌંદર્યની વાત જેટલી ઉત્કટતાથી કવિ ઉમાશંકરે કરી છે, પ્રેમની વાત પણ એટલી ઉત્કટતા અને ઔદાર્યથી કરી છે. પણ ઘણી વાર પ્રેમના કવિનો પ્રેમ એક વ્યક્તિમાં કેન્દ્રિત થતો હોય છે પછી ભલે એ માનવીય પ્રેમ ‘ઇશ્કેમિજાજી એને ‘ઇશ્કેહકીકી’ દિવ્યપ્રેમ ભણી લઈ જાય. દુનિયાના કવિઓએ ‘પ્રેમ’, ‘પ્રેમ?’ કહી એ શબ્દની એટલી રટણા કરી છે કે પ્રેમ વિષે લખતાં કવિ શેલીને કહેવું પડ્યું હતું કે,
One word is too profane.

for me to profane it…

આ એક શબ્દ એટલે LOVE એટલો બધો દૂષિત થઈ ગયો છે કે હવે એનો ઉપયોગ કરીને એને વધારે તો હું શું દૂષિત કરવાનો હતો? ઉમાશંકરની કવિતામાં વ્યક્તિપ્રેમ છે, એમની પ્રેમદૃષ્ટિ વિશ્વવ્યાપી રહી છે. ‘વિશ્વશાંતિ’ની પંક્તિઓ આ કવિને માત્ર વીસ વર્ષની વયે મળેલી અને જે વયમાં તો કવિ ઘણુંખરું પ્રેયસીની મોહક આંખોમાં જ ડૂબેલો હોય તે વયમાં તેમણે વિશ્વપ્રેમની વાત લખી અને તે પ્રેમ પણ માત્ર માનવો સુધી મર્યાદિત નહીં. પેલી અત્યંત જાણીતી પંક્તિઓ સૌના સ્મરણમાં આવશે:
વિશાળે જગવિસ્તારે

નથી એક જ માનવી

પશુ છે પંખી છે પુષ્પો

વનોની છે વનસ્પતિ…

પર્યાવરણવાળી વાત તો આજકાલની વાત છે. ૧૯૩૧માં આ કવિએ વિશ્વશાંતિ માટે આવશ્યક ગણી હતી. પશુ, પંખી અને વનસ્પતિ- જગતને પણ માનવની જેમ કેન્દ્રમાં રાખીને વિશ્વવ્યવહાર ચલાવવાની વાત.. આ પ્રેમ કવિની કવિતાનો કેન્દ્રવર્તી વિષય રહ્યો છે. માનવોને ચાહ્યા, ધરતીને ચાહી, એ ‘આકંઠ પીધેલા પ્રણય’ની વાત પોતાની કવિતામાં કરી, એટલું જ નહીં, જ્યારે આ જગતને છોડીને જવાની વાત આવશે ત્યારે પણ ‘અમૃત લઈ આવ્યો અવનિનું’ એમ કહેવાનું આ કવિને પ્રાપ્ત થશે.

જુલાઈની ૨૧મી તારીખ આવી રહી છે. ૧૯૧૧ના જુલાઈની ૨૧મી તારીખે ગૂર્જર ભાષા ગૌરવાન્વિત કરનાર આ કવિએ આંખો ખોલી હતી આ ધરા પર. એ કવિ આજે આ ધરા પર ભલે નથી, એમની શબ્દસૃષ્ટિ આપણી સાથે છે. કવિની આ શબ્દસૃષ્ટિને જરા-મરણનો ભય હોતો નથી, કવિપંખીની વાત કોઈ ને કોઈ રૂપે આપણા સુધી પહોંચશે, એ વાતમાં સ્ફુટ-અસ્ફુટ પ્રેમ અને સૌંદર્યનો જે અનિર્વચનીય ‘સંદેશ’ છે તે આપણે પાળવાનો રહે છે.

૧૮-૭-૯૩