બોલે ઝીણા મોર/રજાઓ દિવાળી તણી થઈ પૂરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 79: Line 79:
ટીકડીઓનો રોલ ભરાવેલી અનન્યની રમકડાની બંદૂક મારા પગ આગળ પડી છે, અડધી ટીકડીઓ ફૂટેલી છે. હું હાથમાં એ રમકડાની બંદૂક લઉં છું અને ફોડવા માંડું છું, ફટ્ ફટ્ ફટ્ ફટ્… હમણાં અનન્ય જાણે કે કાઠિયાવાડી ટોનમાં કહેશે – ઈ મારી બંદૂક કોણે લીધી?
ટીકડીઓનો રોલ ભરાવેલી અનન્યની રમકડાની બંદૂક મારા પગ આગળ પડી છે, અડધી ટીકડીઓ ફૂટેલી છે. હું હાથમાં એ રમકડાની બંદૂક લઉં છું અને ફોડવા માંડું છું, ફટ્ ફટ્ ફટ્ ફટ્… હમણાં અનન્ય જાણે કે કાઠિયાવાડી ટોનમાં કહેશે – ઈ મારી બંદૂક કોણે લીધી?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[બોલે ઝીણા મોર/પૃથ્વીનો પડછાયો ચંદ્રના ચહેરા પર|પૃથ્વીનો પડછાયો ચંદ્રના ચહેરા પર]]
|next = [[બોલે ઝીણા મોર/શિરીષનાં ફૂલ અને શિંગો|શિરીષનાં ફૂલ અને શિંગો]]
}}

Latest revision as of 11:51, 17 September 2021


રજાઓ દિવાળી તણી થઈ પૂરી

ભોળાભાઈ પટેલ

ઉત્સવના દિવસો પૂરા થવામાં છે. સાંજે આખા દિવસ દરમ્યાનની મંગલ શુભેચ્છાઓની આપલે અને મુલાકાતની અનંત લાગતી શૃંખલાની કડીઓ ઢીલી થતાં યુનિવર્સિટીનાં ખુલ્લાં નિર્જન મેદાનોમાં નીકળી પડવાની ઇચ્છા થઈ. સંયુક્ત પરિવારનું ઘર તો ભર્યું ભર્યું રહેવાનું આ દિવસોમાં. ઘરની બહાર નીકળતાં સોસાયટીમાંય મોઢે સ્મિત ટકાવી રાખવા મથતા ચહેરાઓને એવા જ સસ્મિત વદને સત્કારવા તત્પર રહેવું પડે. ભલે ઉમંગભરી. છતાંય ભીડ તો ખરી જ ને! ગમે એટલા પ્રયત્ન પણ મનનું એકાંત રચી શકાય નહિ. તો એ સારું છે કે આ થોડા દિવસ આપણે પણ ભીડ બની જવું.

રજાઓ હોવાથી યુનિવર્સિટીનાં માર્ગો અને મેદાનોમાં આવનજાવન ઓછાં છે. હૉસ્ટેલોની બંધ બારીઓ સૂમસામ લાગે. શરદ ઋતુય વીતી ગઈ અને છતાં પાછલી વર્ષાને કારણે હજી ઠેર ઠેર પાણી ભરાયેલાં છે, મેદાનના કેટલાક ભાગોમાં. કાંટાળી ઝાડીઓ લીલીછમ થઈ ગઈ છે. ચાલતાં ચાલતાં હવે એવું લાગતું હતું કે કોઈ ટાપુ રચાઈ ગયો છે અને એમાં એકાંત જ એકાંત છે. વકતીતીના ભીના અવાજ એકાંતને ગાઢ બનાવે, માર્ગની વૃક્ષ વીથિકા વચ્ચે પસાર થતાં વૃક્ષોની ઉષ્માનો અનુભવ થાય અને ક્યાંક ખાબડા નજીકથી પસાર થતાં ડબ કરી પાણીમાં કૂદી પડતો કોઈ મેંઢક જાપાની કવિ બાશોના પેલા પ્રસિદ્ધ હાઇકુનું સ્મરણ કરાવી દે :

Listen! a frog
Jumping into the stillness
of an ancient pond!

જૂના તળાવડામાં – ના, તળાવડાની સ્તબ્ધતામાં કૂદતો મેંઢક.

ત્યાં પશ્ચિમ ક્ષિતિજે જોયું, ત્રીજનો પાંડુર ચંદ્ર, ઊંચા યુકેલિપ્ટસની ડાળીઓ વચ્ચેથી દેખાય. નવા વર્ષનો ચંદ્ર આ તો. ગઈ કાલે સામાજિકતાની ધમાલમાં નવા વર્ષના બીજના ચંદ્રનું અભિવાદન થઈ શકેલું નહિ, તે આજે કરી લીધું. ‘નવું વર્ષ મુબારક’ – એ પણ જાણે મને કહેતો ન હોય! કેટલો જૂનો મિત્ર એ છે.

આમ કલાકેક વીતી ગયો હશે. પાછો ઘરે આવ્યો. જોયું તો ઘરમાં પણ શાંતિ છે. એકદમ યાદ આવ્યું, સાંજે જ તો પુત્ર મધુ, શર્મિ અને નાનાં બાળકો — ભૂમિ, અનન્ય – રજાઓ પૂરી થતાં નોકરીના સ્થળે રાજકોટ ચાલ્યાં ગયાં છે. નાનો અનન્ય એટલે વંટોળિયો. એ બધાં તો સાંજે ગયાં છે. જગત, કિન્નરીય નથી અને ધવલ પણ. બીજાં મોટેરાં પણ બહાર નીકળી ગયાં છે. ઘરમાં માત્ર પત્ની છે. એ ચૂપ છે. મધુ જાય એટલે એને મન ઘર જાણે ખાલી થઈ જાય.

જે એકાંત મેળવવા હું બહાર નીકળી પડેલો, તેવું એકાંત ઘરમાં અત્યારે છે, જરાય અવાજ નથી. પડોશીઓ પણ બહાર ગયા છે – પણ આ એકાંતમાં રહેલી શૂન્યતા મને સાલી ગઈ.

કવિ ઉશનસ્‌ની ‘વળાવી બા આવી’ એ પ્રસિદ્ધ કવિતામાંનો વિરહબોધ મને અડકી ગયો. પણ કદાચ આશ્ચર્યની વાત તો એ છે કે મને મારાં દિવંગત બા અને બાપાનું સ્મરણ થયું. પહેલાં અમે ભાઈઓ-બહેનો બધાં દિવાળીની રજાઓમાં મોટેભાગે ગામડાના ઘરે જઈએ. બા-બાપા જાણે આ દિવસોની રાહ જોતાં હોય. ઘર ભરાઈ જાય કલકોલાહલથી. દિવાળીની રજાઓ પૂરી થતાં એક પછી એક કુટુંબ-એકમો નીકળી જાય. બંને બહેનો ચાલી જાય, અમે બંને ભાઈઓ છોકરાંછૈયાં સાથે નીકળીએ. આંતરે દિવસે, એ જ દિવસે સવારે કે સાંજે બા-બાપા પોતાનાં સંતાનોને ઝાંપા સુધી વળાવવા આવે. બાપા ક્યારેક ધીમે ધીમે ચાલતાં ભાગોળે બસ સુધી આવે. અમે અમારી ધમાલમાં હોઈએ. જલદીમાં આવજો, સંભાળજો કહીને નીકળી પડતાં.

પણ પછી ખાલી ઘરમાં પાછાં ફરતાં વૃદ્ધ મા-બાપને ઘર કેવું ભેંકાર લાગતું હશે તે હવે કંઈક સમજું છું. આપણા ભારત દેશની સમાજવ્યવસ્થામાં આવાં તો ઘેર ઘેર વૃદ્ધ મા-બાપ હશે, ખાસ તો ગામડાંમાં.

ઉશનસ્‌ની એ કવિતા મને આખી મોઢે હતી. હું ઘરની આગળની મોટી ગૅલેરીમાં બેસી એ યાદ કરવા લાગ્યો – ના, એ કવિતા હું રચવા લાગ્યો – જાણે એ પંક્તિઓ સ્મૃતિમાંથી નહિ, મારી આ ક્ષણોની અનુભૂતિમાંથી ઊતરતી હતી – પહેલાં ત્રુટક ત્રુટક અને પછી સળંગ – જાણે છેકછાક વિના રચાઈ ગઈ.

રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘરમહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની.
વસેલાં ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજનાં,
જવાનાં કાલે તો…

દિવાળીની રજાઓ પડતાં ગામડાગામમાં માતાપિતા સાથે રહેવા દૂર વસેલાં સંતાન આવતાં. ઘરમાં મનની એક ‘શાંતિ’ સ્થપાતી પણ હવે રજાઓ પૂરી થતાં સૌ સંતાન જશે, એથી એ મનની શાંતિ ડહોળાઈ ગઈ છે. જવાને આગલે દિવસે રાત્રે બા-બાપા, ફોઈ અને સૌ છોકરાં-છૈયાં બેઠાં હતાં. હવે કદાચ આવતી દિવાળીએ વાત, એમ વિચારતાં હશે તે વખતે બા-બાપાએ, ગં.સ્વ. ફોઈએ જાણે આ બધાની વચ્ચે પોતાને કર્મે લખાયેલા સંતાનોના વિરહને પણ જાણે જોઈ લીધો! પરિવાર વચ્ચે એ પણ પોતાની જગ્યા કરીને બેઠો હતો. ઘરનાં વૃદ્ધ વડીલોએ તો એને જોયો, પણ એને ઉવેખીને સૂઈ ગયાં.

જનક જનનીને ઘરતણાં
સદાનાં ગંગામા સ્વરૂપ ઘરનાં ફોઈ સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગ્યા.
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે, સૂઈ ગયાં.

સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાન્ત સઘળું.

છોકરાં-છૈયાંવાળું ભર્યું ઘર લઈને સવારે મોટાભાઈ ઊપડ્યા તેની સાથે જાણે અર્ધી વસ્તી ખાલી થઈ ગઈ. નાનાં છોકરાંઓ જાય એનો ખાલીપો વધારે સાલે. એમના જતાં આખું ઘર શાંત બની ગયું. તે પછી :

બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી.

બે નાના ભાઈ બપોરે મીઠું બોલતી અને હળવું હસતી એવી પોતાની નવોઢા — લગ્ન થયે બહુ વખત થયો નથી – પત્નીઓ લઈને ગયા. પછી કવિ લખે છે :

વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
ગૃહવ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે.

જે ઘરમાં હજી તો સંતાનોનો, સંતાનોનાં સંતાનોનો કલકલ્લોલ હતો, તે આખા ઘરમાં, ગઈ કાલે જે બધાંની વચ્ચે બેઠો હતો તે વિરહ આજે વ્યાપી ગયો હતો – અને બા ઘરમાં જઈ શકી નહિ, એ પગથિયે જ બેસી ગઈ. કવિએ કહ્યું – ‘પડી બેસી પગથિયે’ – ‘પડી બેસી’માં વૃદ્ધ માબાપની સંતાનોના જતાં અનુભવાતી મર્મભેદી નિઃસહાયતા પ્રકટ થઈ છે. વધારે કહેવાની, બીજા થોડા શબ્દોનો વ્યય કરવાની કવિને જરૂર ન પડી. ‘પડી બેસી પગથિયે’ – પોતાના ગયા પછી મા આમ ઘરને પગથિયે જ બેસી પડી હશે, એવો સંતાનોને વિચાર આવ્યો હશે? એ તો પોતાની પ્રવૃત્તિની દુનિયામાં ખોવાઈ જવાના, પણ અહીં પાછળ રહેનાર? બીજા એક કવિએ કહ્યું છે :

ઘરને તજીને જનારને
મળતી વિશ્વની વિશાળતા
પછવાડે અડવા થનારને
ભરખે ઘર કેરી શૂન્યતા.

આખી વાતની વિડંબના તો દિવાળીના ઉત્સવ સાથે રચાય છે. દિવાળી મંગલ પર્વ, મિલન પર્વ; પણ દિવાળી જતાં જ વૃદ્ધ મા-બાપને કર્મે લખાયેલો વિરહ.

આ કવિતા એકદમ આપણી છે, મારી છે, તમારી છે. હું ઘરમાં બેઠો છું, આ કવિતા માનસપટ પર રચું છું. મારી પત્ની બાજુના ખંડમાં અંધારામાં એકલી બેઠી છે. આમેય એને હમણાં આંખે થોડી તકલીફ છે એટલે અજવાળું ટાળે છે, પણ અત્યારે એ વાત જાણે એને આશ્વાસનરૂપ થઈ પડી છે.

મને ખબર છે, કે થોડા વખત પછી ઘરનાં બીજાં સભ્યો નાનેરાંઓ સમેત આવશે, પણ આ ક્ષણો શૂન્યતાની રચાઈ ગઈ છે. મને બાજુના ખંડમાં બેઠેલી પત્નીનો વિચાર આવે છે, મારા મનનું પણ પૃથક્કરણ કરું છું – શું શાંતિ એટલે કે આવી શુન્યતાની શાંતિ મારેય જોઈતી હતી?

હું દિવંગત બા-બાપુનું તીવ્રતાથી સ્મરણ કરું છું. મેંય કદી વિચાર નહોતો કર્યો કે દિવાળીની રજાઓ પૂરી થતાં અમને વિદાય આપ્યા પછી ઘેર પાછાં ફરતાં માબાપના કે બાના પગ કેવા ઢીલા પડી જતા હશે – અને પછી ખાલી આંગણ કે માંડીમાં પ્રવેશતાં પથ્થરની જેર પર જ ખૂભીને અઢેલીને બા બેસી પડતી હશે…

આવું કેમ? આપણે સમજીએ ત્યારે મોડું કેમ થઈ ગયું હોય છે? એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી…આ ક્રમ અનંત છે શું?

ટીકડીઓનો રોલ ભરાવેલી અનન્યની રમકડાની બંદૂક મારા પગ આગળ પડી છે, અડધી ટીકડીઓ ફૂટેલી છે. હું હાથમાં એ રમકડાની બંદૂક લઉં છું અને ફોડવા માંડું છું, ફટ્ ફટ્ ફટ્ ફટ્… હમણાં અનન્ય જાણે કે કાઠિયાવાડી ટોનમાં કહેશે – ઈ મારી બંદૂક કોણે લીધી?