પરકીયા/– જયંત પારેખ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 27: Line 27:
{{HeaderNav
{{HeaderNav
|previous = [[પરકીયા/-|-]]
|previous = [[પરકીયા/-|-]]
|next = [[પરકીયા/કહે પ્રિય|કહે પ્રિય]]
}}
}}

Latest revision as of 11:54, 23 September 2021


– જયંત પારેખ

સુરેશ જોષી

આર્જેન્તિનાના પ્રતિભાશાળી સર્જક હોર્હે લુઇસ બોર્હેસની એક સચોટ નીતિકથા છે. એનું પાત્ર સેર્વાન્તેસની પ્રખ્યાત નવલકથા દોન કિગ્સોતેનું ભાષાન્તર કરવાનું માથે લે છે, જેમાં નવલકથાનું સૌન્દર્ય જરા ય અળપાઈ જાય નહીં, જરા ય નષ્ટ થઈ જાય નહીં એવું ભાષાન્તર એને કરવું છે. નવલકથાની મૂળ અભિવ્યક્તિને અકબન્ધ જાળવી રાખીને જ એ થઈ શકે ને? એટલે તો દોન કિગ્સોતેની પંક્તિએ પંક્તિની, શબ્દે શબ્દની નકલ કરે છે ને શ્રેષ્ઠ ભાષાન્તર કર્યાનો સન્તોષ માણે છે.

બોર્હેસ અહીંયાં જાણે સૂચવી દે છે કે સાહિત્યકૃતિનું ભાષાન્તર થઈ શકે જ નહીં. એક ભાષામાં રચાયેલી બીજી કૃતિને ભાષામાં અકબન્ધ ઉતારી શકાય જ નહીં. વાસ્તવિકતાને આત્મસાત્ કરવાની તેમ જ એને અભિવ્યક્ત કરવાની પ્રત્યેક ભાષાની શક્તિ નિરાળી છે, એ અર્થમાં આપણી ભાષા એ જ આપણું વિશ્વ છે. પ્રત્યેક ભાષાની પ્રતિભા નિરાળી, એટલે પ્રત્યેક ભાષાનું વિશ્વ નિરાળું. એક ભાષામાં રચાયેલી કૃતિને બીજી ભાષામાં ઉતારવા જઈએ તો કોઈક ને કોઈક ફેરફાર થઈ જ જાય, કોઈક ને કોઈક mutilation થઈ જ જાય, ને અસલ શક્તિ ને સૌન્દર્ય ભાષાન્તરમાં માણવા મળે જ નહીં.

કાવ્યનું કાવ્યત્વ એના વિશિષ્ટ સંવિધાનમાં છે. કવિ અનુભવને ઉત્કટતાથી અભિવ્યક્ત કરે છે, એ માટે ભાષાની તમામ શક્તિને ખપમાં લે છે, સંવેદનના વેરવિખેર અંશોને આકર્ષીને આગવો સન્દર્ભ રચે છે ને પરિણામે એના કાવ્યમાં શબ્દ નવો જન્મ પામે છે. માલાર્મે અને વાલેરી જેવા આ જ કારણે કાવ્યને ભાષાની નવી શક્તિનો આવિષ્કાર માને છે. જ્યોર્જ સ્ટાઇનર પણ કહે છે કે the poem is because nothing exactly like it has been before, because its very composition is an act of unique designation, of naming some previously anonymous or inchoate experience as Adam named the creatures of life. કાવ્યમાં કશુંક અનનુભૂત અપરિચિત, કશુંક અપૂર્વ તત્ત્વ હોય જ ને તેથી જ કવિ પોતાના કાવ્યમાં જે વ્યક્ત કરે છે તેનું સહૃદય ભાવક મૂળ ભાષામાં પણ, એ ને એ સ્વરૂપે, ક્યારે ય આકલન કરી શકતો નથી, તો અનુવાદમાં તો ક્યાંથી જ કરી શકે? મૂળ ભાષામાં થતો એનો પરિચય એ એક પ્રકારનું approximation જ હોય, તો બીજી ભાષામાં થતો એનો પરિચય એ પણ એક પ્રકારનું approximation જ હોઈ શકે ને?

કેટલાક તો વળી એમ કહે છે કે ભાષાને અતિક્રમી જાય તે કવિતા. બોદલેર ફ્રેન્ચ ભાષામાં કાવ્ય રચે, આપણે એનો અંગ્રેજી કે અન્ય ભાષામાં અનુવાદ વાંચીએ છતાં એનો આપણા પર પ્રભાવ પડે એ બતાવી આપે છે કે ભાષા પછી પણ કશુંક તો રહે છે ને જે રહી જાય છે તે એનો અર્થ; અનુવાદમાં આપણને આ અર્થ જ મળે છે, એથી જ આ લોકો કવિકર્મનો વિશેષ તો ભાષામાં પ્રગટ થાય છે એ વાતનો વિરોધ કરે છે ને કહે છે કે કવિકર્મનો વિશેષ તો ભાષાથી પર એવા એના અર્થમાં પ્રગટ થાય છે. એમની દલીલમાં કવિની ભાષા ને કાવ્યની ભાષા – દેશવિશેષની ભાષા ને કલાવિશેષનું માધ્યમ – એ વિષેની ભારે અસ્પષ્ટતા જોવા મળે છે. પ્રત્યેક કાવ્યમાં ત્રણ ભાષા હોય છે: કાવ્ય જે ભાષામાં રચાય તે ભાષા, માનવીમાત્રની ભાષા, ને આ બન્નેના રસાયણમાંથી આવિષ્કાર પામે તે ‘કાવ્યની ભાષા’, એથી કવિકર્મનો વિશેષ ભાષામાં પ્રગટ થતો નથી એમ કહેવું એ તદ્દન ભૂલભરેલું છે. કવિકર્મનો વિશેષ ભાષામાં જ પ્રગટ થાય છે, ને કાવ્યનો અનુવાદ એ વિશેષને તાગવાનો એક પુરુષાર્થ માત્ર છે.

પ્રત્યેક દેશની ભાષાને પોતાનો એક આગવો, સંકુલ પરિવેશ હોય છે. કાવ્યના અનુવાદને એમાં પ્રવેશ કરવાનું મુશ્કેલ નીવડતું હોય ત્યારે ‘કાવ્યની ભાષા’માં કરવાનું તો એથી વધુ મુશ્કેલ નીવડે એ દેખીતું જ છે.

આમ છતાં કોઈ કાવ્યનો અનુવાદ કરવાનું શા માટે માથે લે? આપણા ભાષાજ્ઞાનને મર્યાદા હોય છે. બધાં જ કાવ્યો આપણે મૂળ ભાષામાં વાંચી શકતા નથી, એની અવેજીમાં અનુવાદથી જ સન્તોષ માનવો પડે છે, ક્યારેક તો અનુવાદના અનુવાદથી ચલાવી લેવું પડે છે. કાવ્યનો અનુવાદ કરનારને પણ ક્યારેક મૂળ ભાષાને બદલે એના અનુવાદથી ચલાવી લેવું પડે છે. પોતાની મર્યાદાથી, પોતાના કાર્યની અપૂર્ણતાથી, અનુવાદમાં પોતે મૂળ કાવ્યનાં શક્તિ ને સૌન્દર્ય કેટલા ઓછા પ્રમાણમાં ઉતારી શકે છે એ હકીકતથી એ સભાન નથી હોતો એવું નથી. પરંતુ પોતે ‘new thrill’ અનુભવી છે એનો જરા જેટલોયે સંસ્પર્શ બીજાને થઈ શકતો હોય તો એને સન્તોષ થાય છે. એ જાણે છે કે અનુવાદનું કામ મૂળ કાવ્યનું સ્થાન પચાવી પાડવાનું નથી, એનું ગૌરવ સ્થાપવાનું છે.

સૌથી વિશેષ તો કાવ્યનો અનુવાદ કરનાર એક નવી જ પ્રતિભાના સમ્પર્કમાં આવે છે. એને નવી સંવેદનાનો, નવા વાસ્તવનો પરિચય થાય છે, પોતાના માધ્યમની શક્તિનો નવેસરથી તાગ મળે છે. દેશે દેશની ભાષા જુદી, કવિએ કવિની ભાષા જુદી તેમ કાવ્યે કાવ્યની ભાષા જુદી. જેટલી ભાષા એટલાં વિશ્વ. આ જ તો સાચી સમૃદ્ધિ છે. આ સમૃદ્ધિ ન હોત તો આપણું જગત કેટલું એકવિધ ને નીરસ બની જાય! આ સમૃદ્ધિની દિશામાં પ્રયાણ કરવું એ કાવ્યુનો અનુવાદ કરનારને મન મહામૂલો અવસર છે.

કાવ્યનો અનુવાદ શું કરી શકે છે ને શું નથી કરી શકતો એ વિષે સુરેશ જોષી પૂરેપૂરા સભાન છે. સર્જનની પ્રક્રિયાનો પાર પામવામાં એ સતત પ્રવૃત્ત રહ્યા છે. સર્જન, વિવેચન, આસ્વાદ ને સમ્પાદનની જેમ એમના અનુવાદોએ મારી જેમ અનેકને મૂળ કાવ્ય વાંચવા માટે પ્રેર્યા છે. સતત અનુવાદ કરીને એમણે સમકાલીનોની તેમ જ અનુગામીઓની રુચિને કેળવી છે, સૂઝને સૂક્ષ્મ બનાવી છે, સિસૃક્ષાને નવી ક્ષિતિજો ચીંધી છે. કાવ્યનાં સર્જન, વિવેચન ને આસ્વાદ માટેનું યોગ્ય વાતાવરણ રચી આપવામાં એમના અનુવાદે જે કાર્ય કર્યું છે એ ખૂબ જ મહત્ત્વનું છે.

જયંત પારેખ