ગુજરાતી નિબંધ-સંપદા/પ્રારંભ/ગુજરાતી નિબંધનાં એકસો સિત્તેર વર્ષ: વિહંગાવલોકન: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 51: | Line 51: | ||
{{ | {{HeaderNav | ||
|previous = | |previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/પ્રારંભ/ગુજરાતી નિબંધનાં એકસો સિત્તેર વર્ષ: વિહંગાવલોકન|ગુજરાતી નિબંધનાં એકસો સિત્તેર વર્ષ: વિહંગાવલોકન]] | ||
|next = ભૂત નિબંધ | |next = [[ગુજરાતી નિબંધ-સંપદા/દલપતરામ/ભૂત નિબંધ|ભૂત નિબંધ]] | ||
}} | }} |
Revision as of 07:08, 24 September 2021
ગુજરાતી નિબંધનાં એકસો સિત્તેર વર્ષ: વિહંગાવલોકન
સામાન્ય લાગતું નિબંધનું સ્વરૂપ અને એનું લેખન-સર્જન મને વિસ્મયકારી અને રોમાંચક લાગ્યા કરે છે. એ હાથવગું લાગે છે છતાં એટલું જ છટકિયાળ છે. આમ રસળતી કલમે લખાતું હોવા છતાં એ ઘણાંને માટે ‘અઘરું’ છે… હા, એય અંતર ખોલીને ઊઘડે તો ન્યાલ કરી દે છે ખરું, પણ એ સૌ કોઈના વશની વાત નથી. એ નથી તો ‘આકાશકુસુમવત્’ કે નથી એ ‘હસ્તામલકવત્…’ પણ એનો વિહા૨ ધરાથી ગગન સુધી (વિસ્તરતો) રહ્યો છે. એ વશ વર્તે તો ખંગ વાળી દે છે ને નિજી બંધમાં ન બંધાય – પકડમાં ન આવે તો – લખનારની વલે’ કરે છે. ધારે તો નિબંધ લખનારને – એના આંતરલોકને – “ઉઘાડી આપે છે ને ‘વાટે-પાટે’ ન ચઢે તો લખનારને ‘ઉઘાડો પાડી’ દૈને જંપે છે.
સર્જકની આંતરશ્રી અને સમૃદ્ધિ વિના નિબંધની સફળતા શક્ય નથી. સમૃદ્ધિ બંને પ્રકારની – વિચારની, સંવેદનની સમૃદ્ધિ અને ભાષારચનાની/ભાષાલોકની પણ સમૃદ્ધિ. પ્રત્યેક વ્યક્તિનો અનુભવલોક હોય છે. એનો જીવનપરિસર અને રસરુચિનાં ક્ષેત્રો એની ભીત૨ભોંયને ઉર્વરા બનાવતાં રહે છે. ભાષારચનાની અનેક ભાતો પણ એને ત્યાંથી જ — સમાજની ગલીકૂચીઓમાંથી મળતી રહે છે. નિબંધસર્જનમાં નિજી વિચાર-સંવેદન એની નિજી ભાષાભાત લઈને પ્રગટે છે ત્યારે એ એનો પોતીકો અવાજ બની શકે છે… એટલે નિબંધ લેખકના તરલોકનું પ્રાગટ્ય ગણાય… એની વ્યક્તિમત્તા ત્યાં ઝિલાય જ.
સાધારણ માણસ પણ ગમે તે વિષય પર, સ્વસ્થપણે લખવા ધારે તો, લખી શકે, એવી છે નિબંધની દુનિયા. પણ આ સાધારણ લાગતી વાતમાં કેટલીક અસાધારણ વાતો – વસ્તુઓ છે જ. અહીં લખનારો જાત સાથે વાત માંડતો હોય એટલી સહજતાથી, ધીરજથી ભાવક સાથે – બલકે ભાવકની અતંદ્ર ચેતના સાથે વાત માંડતો હોય છે. લખનારની વાત સાંભળનારને એની પોતાની લાગવા માંડે એ જરૂરી છે. વાત જામે ત્યારે લખનાર-વાંચનાર (કે કહેનાર-સાંભળનાર) બંનેની ચેતના જાણે એકાકાર થવા માંડે છે… પછી, તો એ બેઉ ‘જોડિયા ભાઈઓ’ની જેમ એકબીજામાં ઓતપ્રોત થઈ જાય છે. અંગતતા વિસ્તરીને વિશ્રંભકથા રૂપે બીજી ચેતનામાં વિહરવા માંડે છે. નિબંધ અંતરની વાત છે, આગવી વાત છે, સામાને છેક પાસે બેસાડીને, બને તો વસ્તીને વ્યવહારોથી ઊફરા ઊઠીને, કાનમાં કહેવાની વાત છે. લલિતનિબંધ/અંગતનિબંધ આ કક્ષાએ પહોંચે છે – પહોંચ્યો પણ છે. પણ વિચારવિમર્શ કરતા નિબંધો હોવાના. નિબંધનાંય જૂજવાં રૂપ અને નોખાં પોત મળે છે. આ પણ એક નિરાળું જગત છે.
બીજી એક-બે બાબતે પણ મને નિબંધમાં બહુ મજા પડે છે… એક તો નિબંધમાં વસ્તુ-વિચાર-સંવેદન-ભાવને સર્જક ખોલે છે, ખીલવે છે અને વળી એને વિવિધ છટાઓમાં ખેલાવે છે. બીજી વાત તે ભાષાની. નિબંધનો ભાવલોક એની ભાષા લઈને આવે છે એ ખરું પણ એ સાથે જ, સહજ રીતે જ, સર્જક ભાષાનેય ખોલતો-ખીલવતો-ખેલવતો આગળ વધે છે… આમ, નિબંધ ક્યારેક ન્યાલ કરી દે છે. ગુજરાતીમાં આવા ઘણા નિબંધો મળ્યાનો આપણને આનંદ થાય છે. એક જ નિબંધકાર પાસેથી એકાધિક નિબંધ-છટાઓ મળે છે ત્યારે વળી વધુ વિસ્મય થાય છે. નિબંધ વાસ્તવ અને વિસ્મયની સન્ધિભૂમિ ઉપર રચાતો આવે છે. સર્જકની આગવી ઓળખ અહીં રચાય છે.
કવિતા જો પરાગ જેવી સૂક્ષ્મ અને નાજુક વસ્તુ છે તો વાર્તા રૂપગત રીતે પુષ્પ જેવી રચના છે, નવલકથા છોડ જેવી ગણીએ તો નિબંધ એ પર્યાવરણનું ચિત્ર છે. આંતર્-બહિર્ બેઉ બાજુનું વાતાવરણ એમાં ગૂંથાય. છે. અન્ય કલાઓની જેમ એય ‘નિજ લીલા’ દાખવે છે. દેખીતાં કશાંય નિયમનો ન હોવા છતાં, બલકે એટલે જ, એણે જાતે જ એક આંતર્શિસ્ત રચીને ચાલવાનું હોવાથી નિબંધ પડકા૨રૂપ બની રહેતો હશે એમ લાગે છે… નિબંધકાર પોતાને/પોતાપણાનેય તે આલેખતો હોય છે — અહીં ખૂલવાનો આનંદ હોય છે એમ ‘ખુલ્લા પડી જવાનો’ ભય પણ હોય છે… અનુભવસમૃદ્ધિએ રચેલો માંહ્યલો પિંડ અહીં રચનાકારની તાકાત બની શકે. લોકજીવનમાંથી અને સાહિત્યોના અભ્યાસોમાંથી અંકે કરેલી ભાષાભાતો અહીં નવતર ભાષાપોત રચવા લેખે લાગે તો બેડો પાર થઈ જાય.. નહીંતર પડઘા અને પડછાયા ઘેરતા-ઘેરાતા દેખાયા/સંભળાયા કરે એમ બને. નિબંધ વસ્તુ અને અભિવ્યક્તિ બેઉ બાબતે સ્વત્વ અને સત્ત્વ માગે છે. એ તણખલાની વાત માંડે કે વિરાટ વાવાઝોડાની, એનો રચનાકાર મોડ અને મરોડ દાખવવા સાથે ગતિ અને ગંતવ્ય ન ચૂકે તો બસ… જોકે આ કાર્ય સરળ નથી.
પ્રથમ નવજાગરણ કાળે ‘ભૂત’ની વાતોમાંથી (૧૮૪૯) પ્રગટું પ્રગટું થતો. નિબંધ મંડળી મળવાથી થતા લાભ’, ‘ગુજરાતીઓની સ્થિતિ’ (૧૮૫૨-૫૩) વગેરે લખાણોમાં ચહેરો કાઢવા મથે છે. ગુજરાતીમાં ગદ્યનો પ્રાદુર્ભાવ પણ નિબંધગંધી રચનાઓથી થાય છે અને નોંધતાં આનંદ થાય છે કે ગુજરાતી ગદ્યના ઉત્તમોત્તમ નમૂના (બીજાં સ્વરૂપોમાંથી મળે છે એમ) નિબંધોમાંથી પણ મળે છે, બલકે ખાસ્સા ધ્યાનપાત્ર મળે છે. ગુજરાતી નિબંધનાં હાથી પગલાં’ આટલાં ગણાવી શકાશે :
૧. મણિલાલ નભુભાઈ: વિચારપ્રધાન/ચિંતનાત્મક નિબંધો
૨. કાકાસાહેબ કાલેલકર: પ્રવાસનિબંધ/લલિતનિબંધ (પ્રારંભ)
૩. સ્વામી આનંદ: ચરિત્રનિબંધ
૪. જ્યોતીન્દ્ર હ. દવે: હાસ્યનિબંધ
૫. સુરેશ હ. જોશી: લલિતનિબંધ
નિબંધના આ દરેક ક્ષેત્રમાં આપણને, અનુગામીઓ દ્વારા કેટલાક ઉત્તમ નિબંધો મળ્યા છે. કેટલાક પ્રજ્ઞાશીલ નિબંધકારોએ પોતાની વિશિષ્ટ શૈલીઓ નિપજાવવામાં પણ સફળતા મેળવી છે. જેના વિશેના અભ્યાસો પણ થયા છે.
ખાસ તો, છેલ્લા દોઢ-બે દાયકામાં ગુજરાતી નિબંધક્ષેત્રે ગ્રામચેતનાના નિબંધોએ – પૂર્વસૂરિઓ કરતાં નોખા પડીને – ધ્યાન ખેંચ્યું છે. [દા.ત. ‘ભૂંસાતાં ગ્રામચિત્રો’ના નિબંધો. ‘આટાનો સૂરજ’ (રતિલાલ ‘અનિલ’)ના કેટલાક નિબંધો અહીં દૃષ્ટાંત લેખે ટાંકી શકાશે.].
નિબંધે, પ્રારંભે આપણને, જીવનસંદર્ભ અને સંસ્કૃતિસંદર્ભ વિશે વિચારતા કર્યા હતા. એ પછી નિબંધ આપણને પ્રકૃતિસૌંદર્યના પ્રદેશોમાં લઈ જાય છે. રાજ્ય, ધર્મ, નીતિ, માનવકલ્યાણ, સત્ય, શિવ, અહિંસા સંદર્ભે આપણને ગાંધીજીનો અને ગાંધીયુગનો નિબંધ માંડીને વાત કરતો રહેલો. એ જ ગાંધીયુગમાં કાકાસાહેબ કાલેલકર નિબંધને, (સુન્દરમ્ ‘દક્ષિણાયન’માં ને ઉમાશંકર જોશી ‘ઉઘાડી બારી’માં) જીવનની લગોલગ રહીને પ્રકૃતિના મનહર પ્રદેશોમાં લઈ જાય છે. અહીંથી ગુજરાતી નિબંધ પછી એની અનેક છટાઓ પ્રગટાવતો આજદિન સુધી ચાલતો – મહાલતો રહ્યો છે. એમાં મર્યાદાઓ, અનુસ્મરણો અને મંદપ્રાણતાના કેટલાક તબક્કાઓ આવ્યા છતાં એણે નવતા અને હીર બંને દાખવ્યાં છે.
પ્રારંભે, ડાહ્યોડમરો થૈને, વિચાર કરી કરીને ચાલતો, નિબંધ કૈંક પ્રબોધકતાઓને પણ ચીંધતો રહે છે. (આ સરવાણીના નિબંધો આજેય મળવાના.) મણિલાલ નભુભાઈથી છેક ગાંધીજી સુધી એ સૌને, શાણો થૈને શાણપણના પાઠ શીખવતો પમાશે… જોકે વચ્ચે વચ્ચે એની મુક્તછટા ડોકિયાં કરે છે. પણ એ છટાઓ કાલેલકરમાં અને ટાગોરના પ્રભાવ પછી વધુ ને વધુ મોકળાશથી ઊઘડીને સત્ત્વ દાખવે છે અને ગુજરાતી ગદ્યની ક્ષમતાઓનો આશ્ચર્યકારક પરિચય કરાવે છે, એ જ એની સિદ્ધિ છે.
બીજી એક મહત્ત્વની વાત ધ્યાનમાં આવે અને ધ્યાનમાં બેસે એવી છે. આપણા જે જે સર્જકોએ વિવેચક તરીકે પોતપોતાની ‘સર્જક-સર્જન વિભાવના’ આપવાની કોશિશ કરી છે એ સૌના નિબંધોમાં પણ એની એંધાણીઓ મળે છે. કાકાસાહેબ, ઉમાશંકર, સુરેશ જોશી, ભોળાભાઈ આદિની સાહિત્યકલા વિશેની વિભાવનાઓ (કે એમના એવા ખ્યાલો વગેરે)નો અભ્યાસ કરનાર, એમનાં વિવેચનાત્મક લખાણો ઉપરાંત એમના નિબંધોનો અભ્યાસ કરશે તો, જે તે સર્જક-વિવેચકની કલાવિભાવના, કદાચ, વધારે વિશદતાથી, સમજી-સમજાવી શકશે. આવાં તારણો સાધાર બનાવી શકાય એમ છે. (દૃષ્ટાંતો મળે જ છે.)
નિબંધ એના ભાવકને – આપણને – કેટકેટલા પ્રદેશોમાં લઈ ગયો! ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા હિમાલયમાં એણે આપણને અનેક વાર ઘુમાવ્યા. એ ઉત્તરાપથ અને ઉત્તરાખંડની પ્રકૃતિશ્રીનું તથા સાંસ્કૃતિક યાત્રા પરંપરાઓનું એણે આપણને રસપાન કરાવ્યું. દેશવિદેશોમાંય ઘૂમી ઘુમાવીને પ્રાચીન પરંપરાઓ અને કલાઓનું રસપાન કરાવ્યું છે. પ્રવાસીની સાથે ભાવક પણ ન્યાલ થાય એવા નિબંધકારો પણ આપણને મળ્યા. સાથે સાથે ‘ઘરેડિયું’ લખનારાઓએ પણ નિબંધને નામે ‘વગોવણું’ રજૂ કર્યું. વિદેશ પ્રવાસો વિશે આપણને નબળા નિબંધો વધુ મળ્યા છે.
‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ જુદા નથી એમ દર્શાવનાર આ નિબંધે આપણને ‘હૃદયમાં પડેલી છબીઓ’નું રેખાદર્શન કરાવ્યું તો વળી સમૃદ્ધ વ્યક્તિત્વમાં રહેલી ‘સહરાની ભવ્યતા’ય દર્શાવી. હળવી છતાં માર્મિક રીતે આંખ, કાન, નાક, જીભનો જુદો જ – તિર્યક – પરિચય કરાવ્યો તો વિનોદી રીતિમાં વ્યક્તિચિત્રોય પરખાવ્યાં. કિશોરાવસ્થાના હજી સંભળાતા પેલા વિલક્ષણ એવા (દૂરના) સૂરને સાંભળીએ એ પહેલાં નિબંધો વસ્તીથી વેગળે – ‘જનાન્તિકે’ – લઈ જેને રોમાંચ-અદ્ભુત અને ભયની પેલી શૈશવકાલીન દુનિયાનો પરિચય કરાવ્યો. પ્રકૃતિનાં આશ્ચર્યોનો કલ્પનાવલિઓમાં મઢીને ભરચક આસ્વાદ કરાવ્યો. ગુજરાતી ભાષાની અપાર ક્ષમતાઓ અને છટાઓમાં આપણને આ નિબંધો જ લઈ ગયા છે.
‘ઘરથી દૂરનાંય ઘર’ બતાવનાર નિબંધે વીતી ચૂકેલી, ‘વિદિશા’ નગરીનો વૈભવ અને વિષાદમય વર્તમાન ઓળખાવ્યાં. ‘ગાતાં ઝરણાં’ અને ‘ઘાસનાં ફૂલ’, ઝીણું બોલતા કે ટહુકતા મોરલા, ચૈત્રમાં ચમકતી ચાંદની કે, ‘વૃક્ષાલોક’ના વૈભવો, ‘ચિલિકા’નું સૌદર્ય, નંદ સામવેદીનું સંવેદનવિશ્વ તો વૈકુંઠ નહીં જવાની રઢ… આ બધુંય માણ્યું. ‘આનંદલોક’માંથી ‘માટીવટો પામ્યાનો વિષાદયોગ પણ થયો. યંત્રસંસ્કૃતિએ તબાહ કરેલો પ્રકૃતિલોક ચિત્કારતોય સંભળાયો. નિબંધ ‘વનાંચલ’ અને ‘જનાંચલ’ બંનેની વાત વારેવારે માંડી છે તો એ જ નિબંધ રેલવેસ્ટેશને લઈ જાય છે ને ઈરાની હોટલમાં બેસાડીને ‘એક પાની કમ’નો ઑર્ડર આપી નગ૨ચેતનાની વાત કરે છે.
રતિલાલ અનિલે ‘આટાનો સૂરજ’ પછી ‘પાંદ’ સંચયમાં હમણાં નવા નિબંધો આપ્યા છે. ‘ખરી પડે છે પીંછું’માં રીના મહેતા રોજિંદા જીવનમાંથી નિબંધ ૨ચી આપે છે. બંનેની વાત ‘અને ફોમ છે’ (ભરત નાયક)માં સુ. જો. અને શેખપ્રભાવિત નિબંધો મળે છે. કોઈ ‘વસ્તુસંસાર’ રજૂ કરે છે તો કોઈ વ્યક્તિલોક! મથામણો ચાલે છે. ખાસ્સી મંદપ્રાણતા વચ્ચે ચંદ્રકાંત ટોપીવાળા જેવા કવિવિવેચક ‘અવરજવર’ (‘શબ્દસૃષ્ટિ’ ફેબ્રુ. ૨૦૦૮)માં મહાનગર વચ્ચે ‘ઢળતી સાંજના રખેવાળ’ બગીચાઓની વાત તાજગીપૂર્ણ શૈલીમાં માંડે છે ત્યારે શ્રદ્ધા જાગે છે.
દોઢસો વર્ષના ગુજરાતી નિબંધના ગદ્યની છટાઓનો પરિચય પણ કરાવી શકાય, પણ અહીં બેએક મુદ્દા ચીંધીને વાતને પૂરી કરીએ.
એક તો, કથાસાહિત્યાદિ સ્વરૂપોની જેમ, નિબંધ પણ આપણે પશ્ચિમમાંથી લાવ્યા. એને આપણો કર્યો – વહાલો કર્યો, એમાં કેટલુંક ઉત્તમ કામ પણ થયું. પણ ગુજરાતી નિબંધ પશ્ચિમના નિબંધથી સાવ જ જુદી રીતે ખેડાયો છે. આપણે પ્રકૃતિ અને એને આલેખતી લલિત ભાષા આગળ, ક્યાંક અધ્યાત્મ કે ચિંતનને નામે સૂત્રાત્મક રજૂઆત આગળ અટકી ગયેલા લાગીએ છીએ. પશ્ચિમનો નિબંધ જુદી જુદી રીતે જીવનની પ્રત્યેક દીઠી-અણદીઠી આંટીઘૂંટીઓમાં – વ્યક્તિ-પ્રસંગો-દાખલાઓને લૈને ફરી વળતો પમાય છે. આપણે ત્યાં આ રીતે લખનારને કદાચ આપણે નિબંધકાર કે લખાણને નિબંધ ન જ કહીએ એટલો બધો ફેર છે! આમ કેમ હશે?–નો વિચાર પ્રગટપણે મુકાવો બાકી છે.
વાર્તા-નવલકથાના આપણે જેટલા વિદેશી/ભારતીય અનુવાદો કર્યા એના બે-પાંચ ટકા પણ નિબંધના અનુવાદો નથી કર્યા. પશ્ચિમનો નિબંધ અનુવાદ રૂપે ગુજરાતીમાં નહીંવત જ ઊતર્યો છે. ભારતીય નિબંધોમાંય આપણને સૌંદર્યલોકથી ભર્યાભર્યા રવીન્દ્રનાથ ટાગોરના નિબંધોએ જ જાણે કે પ્રભાવિત કર્યા છે. ‘ચર્ચબેલ’ના ગ્રેસે પણ નહીં જ. હા, હજારીપ્રસાદજી કે નિર્મલ વર્મા વગેરેના નિબંધોની વાત થાય છે ખરી, પણ ત્યારેય જાણે કે ટાગોરના નિબંધગોત્રથી આપણે આઘા તો જતા જ નથી ને!! ભારતીય ભાષામાં લખાયેલા નિબંધો વિશે વધુ ને વધુ જાણકારી મેળવાય અને એના તથા પાશ્ચાત્ય નિબંધોના અનુવાદો થાય તો આપણા નિબંધની સિદ્ધિ-મર્યાદાઓનો, વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ખ્યાલ આવશે. — મણિલાલ હ. પટેલ