ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/ગુલાબ : ત્રણ પંક્તિનું હાઇકુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 15: Line 15:
{{Right|૩૦-૬-૮૧}}
{{Right|૩૦-૬-૮૧}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/ક્યાં છે સોનું?|ક્યાં છે સોનું?]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/લોકારણ્યમાં શબ્દ|લોકારણ્યમાં શબ્દ]]
}}

Latest revision as of 09:21, 24 September 2021

ગુલાબ : ત્રણ પંક્તિનું હાઇકુ

સુરેશ જોશી

સવારે બારીમાંથી જોયું તો ત્રણ ગુલાબ ખીલી ઊઠ્યાં હતાં. જાણે ત્રણ પંક્તિનું હાઇકુ! એનું ખીલવું એ એક આશ્ચર્યકારક ઘટના છે. એ અકળ રીતે, કશી ઘોષણા કર્યા વગર ખીલે છે. એના ખીલવામાં સૂર્યોદયની રહસ્યમય નિસ્તબ્ધતા હોય છે. આંગળીનાં ટેરવાંનો ગોળાકાર એની પાંખડીમાં બરાબર ગોઠવાઈ જાય છે. હવામાં આછી સુવાસ લહેરાયા કરે છે.

દિવસો દ્વિધાગ્રસ્ત છે. ઋતુનો સંક્રાન્તિકાળ શરૂ થયો છે. ‘કઠવું’ ક્રિયાપદના અર્થ બરાબર સમજાય છે. રાતની ઊંઘ ફકીરની ગોદડી જેવી, સાંધાસાંધાવાળી થઈ ગઈ છે. બપોરે પોપચાં પર આછો ભાર વરતાય છે. આવા દિવસોમાં, સૂર્યનો પ્રકાશ ભોંઠો પડી ગયો હોય છે ત્યારે એની પડછે ગુલાબના નયનમનોહર રંગનું પ્રકટવું સુખદ લાગે છે. તૃષાની ઉત્કટતાએ જ જાણે રતાશ પકડી છે, અથવા મર્મસ્થાનનો કશોક અજાણ્યો ઘા મહોરી ઊઠ્યો છે. પણ અત્યારે ગુલાબને મારે ગુલાબ તરીકે જ જોવું છે, કશાની અવેજીમાં જોવું નથી. મારું મન પદાર્થોને ઠેકી જવા માગતું નથી. પદાર્થનું વાસ્તવિક વજન અને એનાં પરિમાણ – આ બધું અનુભવવું છે. આથી કાંટાળો તાજ પહેરેલું ગુલાબ કે વધસ્થાન પરથી ફરીથી સજીવન થઈને ઊભેલા ઈસુ કે એવુંતેવું મારે ડહોળવું નથી. ઘણી વાર મૂળ વસ્તુને પૂરી જોઈએ, અનુભવીએ તે પહેલાં જ મન એને વિશે સમીકરણો ગોઠવવા બેસી જાય છે.

ગુલાબ આમ તો નર્યું નગ્ન લાગે છે ને છતાં એ કેવું મુલાયમ આચ્છાદન છે! એને કશું સંગોપવાની દાનત નથી ને છતાં આ પાંખડીઓ ક્યાંક કશુંક સંતાડી બેઠી છે એવું લાગ્યા કરે છે. સહેજ તડકો પડે છે ને એની કોમળ પાંખડીઓ એકાએક અગ્નિશિખા બની જાય છે. ઘડી પહેલાં તો એનામાં પ્રથમ પ્રેમના પ્રગટ થઈ જવાથી કિશોરીના કપોલ પર જે રતાશ છવાઈ જાય છે તે રતાશ હતી. હવે પવનમાં એની પાંખડીઓ ફરફરે છે. પ્રકૃતિના કારખાનામાં નિયત સમયે હાજર થઈ જનારા મજૂર જેવું આ ગુલાબ નથી. કાલે સવારે બીજું ગુલાબ હાજર થઈ જ જશે એવું ન કહેવાય.

ગુલાબ ઊગ્યું એટલે આટલા વાગ્યા જ હશે એવું કહી શકાશે નહિ. રતાશ ભેગી થોડી કાળાશ દેખાય છે. કદાચ રાત્રિના છેલ્લા પ્રહરના ચાલી જતા અન્ધકારની થોડી પગલીની છાપ રહી ગઈ હશે. કોઈ વાર ઘણી બધી આંગળીઓનાં ટેરવાં ભેગાં થયાં હોય એવું લાગે છે, તો કોઈ વાર રિલ્કેને દેખાયું હતું તેમ આંખોના બંધ પોપચા જેવું લાગે છે. કોઈ વાર કોઈના નાજુક નમણા કાન જેવું પણ લાગે છે. કોઈ વાર વાતાવરણમાં એકાએક પ્રગટી ઊઠેલા સૌન્દર્યના બુદ્બુદ જેવું પણ લાગે છે.

બાળપણમાં ગુલાબી પાંખડીઓના મહેલમાંથી નાની નાની, શિશુની જ આંખે ચઢે તેવી, પરીઓને ઊડી જતી જોઈ હતી. પાંખડી પર ઝિલાયેલા ઝાકળમાં સ્ફટિકનો નાનો શો મહેલ ત્યારે તો દેખાયો હતો. પણ આજેય ગુલાબ મારી ચારે બાજુની વાસ્તવિકતાને નવે રૂપે ગોઠવી નથી આપતું? એક પાંખડીને અડીને રહેલી બીજી પાંખડી કશા વજનનો દાબ પામતી નથી, ગાલને અડીને ગાલ રહ્યો હોય એવા સ્પર્શસુખની કલ્પનાને ઉત્તેજિત કરે છે. આથી જ તો ગુલાબ સંયમ સામેના વિદ્રોહની ધજાના જેવું ફરક્યા કરતું દેખાય છે પણ બીજી જ ક્ષણે ગુલાબની આજુબાજુ રહેલી પ્રગાઢ શાન્તિ મનને ભરી દે છે. કદીક એવું લાગે છે કે કોઈકની ચંચળ આંગળીઓ કશુંક સંકેલે છે ને વળી ઉકેલી નાખે છે. કોઈક વાર એ અકાળે ભાગી ગયેલી નિદ્રાના ટુકડા જેવું દેખાય છે.

આમ હું બારી પાસે બેઠો બેઠો ગુલાબને જોતો જોતો આખું એક નવું જ વિશ્વ રચાતું અનુભવી રહ્યો છું, એમાં વિરોધ છે, ભ્રાન્તિ છે, સાદૃશ્ય છે ને સન્દિગ્ધતા પણ છે. આ બધાંનું મળીને જ સત્યનું પોત રચાય છે. ગુલાબ ખીલીને મારી આંખોને પણ જાણે ખીલવે છે. અવકાશમાં એ નવું સીમાચિહ્ન બની રહે છે. કશુંક બોલવાને ખૂલેલા હોઠ જેવી પાંખડીઓ જે બોલે છે તેનો અશ્રુત ધ્વનિ મારી આજુબાજુ લહેરાયા કરે છે. સાંજે એની પાંખડીઓ ખરી ગઈ હશે એ વિચારે અકાળે વૈરાગ્ય લાવવાની મારી ઇચ્છા નથી. ૩૦-૬-૮૧